অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેળની વૈજ્ઞાનિક ખેતી

કેળની વૈજ્ઞાનિક ખેતી

ફળપાકોમાં કેળા મોખરાનું સ્થાન ધરાવે છે એકમદીઠ વધુમાં વધુ ખાધ પેદાશ આપતા અને બીજા ફળોની સરખામણીમાં વધારે કાર્બોહાઈડ્રેટસ શર્કરા, ર્કલરી તેમજ ઉત્પાદન અને આવક આપવા માટે કેળાનો પાક ખાસ જાણીતો છે. ભારતમાં કેરી પછી ફળપાકોમાં કેળા બીજાંુ સ્થાન ધરાવે છે

પાકા કેળા ખાવાના ઉપયોગમાં આવે છે. જયારે  કાચા કેળાનું શાક થાય છે. કેરાળામાં બેબીફુડ તરીકે ખવાય છે. ફળમાંથી વેફર  નિદોર્ષપીણાં, લોટ પાવડર તથા જામ બનાવાય છે. કેળાના પાનમાંથી પતરાળા બને છે. થડ(ગાંઠ) ઢોર માટે સારો ખોરાક છે. કેળાની છાલની રાખ રંગ બનાવવાના કામમાં આવે છે. કેળના પાંદડાના દાંડાને સુકવીને તેમાંથી ક્ષાર ઉત્પન્ન  થાય છે. કોંકણ પ્રદેશમાં ધોબી લોકો સાબુને બદલે આ ક્ષારનો ઉપયોગ કરે છે.

ફેલાવો અને વિસ્તાર :

ઉષ્ણ કટિબંધના તમામ પ્રદેશોમાં કેળાનો પાક ઉગાડવામાં આવે છે. દુનિયાના  કુલ કેળાના ઉત્પાદનમાં ભારત ૧૯.ર૪ ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે આવે છે. ભારતમાં ૪.૯ લાખ હેકટર વિસ્તારમાં કેળનું વાવેતર થાય છે. જેમાંથી ૧૬૮.૧ લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે. તેમ છતાં દુનિયાના વેપારમાં ભારતનો ફાળો નહિવત છે. ભારતમાં મુખ્યત્વે તામિલનાડુ  મહારાષ્ટ્ર  કર્ણાટક  આંધ્રપ્રદેશ  આસામ અને ગુજરાત  રાજયમાં કેળાનું વાવેતર થાય છે.

ગુજરાતમાં કુલ ૪૬ ૩પ૦ હેકટરમાં કેળાની ખેતી થાય છે. તેમાંની દર વર્ષે ૧૯.૮૦ લાખ ટન કેળા પાકે  છે. ગુજરાતમાં આ પાક ખાસ કરીને સુરત ભરૂચ, નવસારી  આણંદ  નર્મદા  વડોદરા અને જુનાગઢ જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે.

જાતોઃ

ભારતમાં કેળની ૩૦૦ કરતાં એ વધુ જાતો જાણીતી છે. જે પૈકી ફકત ૧ર જાતો જભારતમાં વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર હેઠળ છે. જેમાં ગુજરાત માટે 'બસરાઈ', બોમ્બેગ્રી (લોખંડી) 'રોબસ્ટા' તેમજ ઈઝરાયલની ગ્રાન્ડ નેઈન જાત વ્યાપારીક ધોરણે વાવેતર હેઠળ છે.

બસરાઈ :

આ ઠીંગણી (૧.પ થી ર મીટર) જાત છે જે ડવાર્ફ કેવન્ડીશ ગ્રુપમાંથી આવે છે. આ જાત ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં વ્યાપારીક ધોરણે વાવવામાં આવે છે. ઠીંગણી હોવાને લીધે પવન સામે ટકકર ઝીલી શકે છે. પનામા રોગ સામે પ્રતિકારક છે. પરંતુ ઠંડી સહન કરી શકતી નથી. લૂમનું સરેરાશ વજન ર૦ થી રપ કિલો ગ્રામ હોય છે. ફળનો રંગ લીલાશ પડતો પીળો અને ફળ સાધારણ વળાંકવાળા હોય છે. આ જાત ઉત્પાદનમાં સારી છે. પરંતુ ફળની ટકાઉ શકિત નબળી છે.

રોબસ્ટા :

આ જાતનું સિલેકશન બ્રોમ્બે ગ્રીન જાતમાંથી થયેલ છે. આ જાતના છોડ ઉંચા ( ર થી ૩ મીટર)   કેળા લાંબા  રંગમાં લીલા અને ભરાવદાર હોય છે. ગુજરાત માટે હાલમાં ખૂબજ લોકપ્રિય જાત છે. લૂમનું સરેરાશ વજન રપ થી ૩પ કિલો હોય છે. બસરાઈ જાત કરતાં ફળોની ટકાઉ શકિત સારી હોવાથી નિકાસ માટે આ જાત વધુ સાનુકૂળ છે.

ગ્રાન્ડ નેઈન :

આંતરરાષ્ટ્રીય ખ્યાતી  ધરાવતી જાત છે. ફળનું ઉત્પાદન ઘણુંજ સારુ છે. લૂમનું સરેરાશ વજન રપ થી ૩૦  કિલોગ્રામ જેટલુ છે અને રોપ્યા પછી ૧ર માસમાં કેળા પરિપકવ થઈ જાય છે. સારી માવજત મળે તો લૂમનું વજન ૩પ થી ૪૦ કિલો પણ મળે છે. ફળની ગુણવત્તા સારી હોઈ ગુજરાતમાં ઉત્તરોત્તર આ જાતનો વાવેતર વિસ્તાર વધી રહેલ છે. આ જાતને ખાતરની વધુ જરૂરીયાત રહે છે. છોડ મધ્યમ ઉંચાઈ ધરાવે છે. લૂમ આવ્યા પછી ટેકા આપવા જરૂરી બને છે. નિકાસ માટે ઘણીજ અનુકૂળ જાત છે.

હવામાન :

કેળના પાકને સામાન્ય રીતે ગરમ અને ભેજવાળુ હવામાન વધારે માફક આવે છે. રોપણીથી માંડીને પાકવાના સમય દરમ્યાન સરેરાશ ઉષ્ણતામાન ૩૦ ંસે. કરતા વધારે રહેતુ હોય તો તે પાક માટે અતિ ઉત્તમ છે  જો ઉષ્ણતામાન ર૦ં સે.થી. નીચે જાય તો મૂળ તથા છોડની દેહધાર્મિક ક્રિયાઓ મંદ પડી જાય છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં શિયાળામાં કેળનો પાક પીળો દેખાય છે. સાથોસાથ હવામાંનો ભેજ ૬૦ ટકા કરતાં વધારે હોય તો પાકને ફાયદો થાય છે. ગુજરાતમાં શિયાળો તેમજ ઉનાળો ઓછા ભેજવાળો રહે છે. જેથી પાકની રોપણી ચોમાસાની શરૂઆતમાં થાય તો વિશેષ ફાયદો મળી રહે છે. કેળના પાકને વધુ પડતો પવન નુકશાનકર્તા છે. જેથી પાકની ફરતે શેવરીની વાડ કરવી જે પવન  ગરમી તથા ઠંડીથી પાકનું રક્ષણ કરશે.વધારે ઠંડીથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે. આ માટે પાકને ઠંડીથી બચાવવા માટે વાડી ફરતે પવન અવરોધક શેવરીની વાડ કરવી જોઈએ. વધુ ઠંડી હોય ત્યારે પિયત આપવુ. વાડીમાં ધુમાડો કરવો તેમજ આચ્છાદન કરવું જોઈએ.

જમીન :

કેળના પાકને ફળદ્રુપ સારા નિતારવાળી અને મધ્યમ કાળી ગોરાડુ  ઉંડી જમીન માફક આવે છે. જમીનનો અમ્લતાનો આંક (પી.એચ.) ૬.પ થી ૭.પની વચ્ચે હોય તો તે જમીન કેળના પાક માટે ઉત્તમ ગણાય છે. પિયતના પાણીમાં કુલ દ્રાવ્ય ક્ષારો ૧ર૦૦ થી ઓછા હોવા જોઈએ. આમ કેળનો પાક બિલકુલ ખારાશ સહન કરી શકતો નથી.

પીલા/ગાંઠોની પસંદગી અને માવજત :

 

કેળના પાકની સફળતા માટે તલવાર આકારના અણીદાર પાનવાળા જુસ્સાદાર પીલા અથવા તો આવા પાન ધરાવતી ગાંઠો પસંદ કરવી. ગાંઠોનું સરેરાશ વજન પ૦૦ ગ્રામથી ૧૦૦૦ ગ્રામની વચ્ચેનું હોવંુ જોઈએ. હવે તો ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન  થયેલ છોડનો વપરાશ વાવેતરમાં વધ્યો છે. આથી ગુણવત્તા ધરાવતી સારી પ્રયોગશાળામાં તૈયાર થયા હોય એવા એક ફુટ ઉચાઈ તેમજ ત્રણ થી ચાર પાન ધરાવતા હોય તેવા જ છોડ પસંદ કરવા.

 

પીલા/ગાંઠોને રોપતાં પહેલાં તેને માવજત આપવાથી કેળના ઘણાજ રોગો આવતાં પહેલાં જ અટકાવી શકાય છે. ગાંઠો ઉપરના જુના મૂળ દૂર કરી આ ગાંઠોને ૧૦૦ લીટર પાણી દીઠ ઓરીયોફંગીન ૩૦ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧૦૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ પ્રમાણે બરાબર ઓગાળી દોઢ કલાક સુધી બોળી રાખી, પછી બહાર કાઢી અર્ધ છાંયે સુકવવી. ત્યારબાદ રોપતાં પહેલાં માટીના રાબડામાં ગાંઠો બોળી તેના ઉપર ર થી ૩ ગ્રામ કાર્બોફયુરાનનો છંટકાવ કરી રોપણી કરવી.

 

ટીસ્યુકલ્ચરથી ઉછરેલ છોડની રોપણીના ફાયદા :

 

  • પસંદ કરેલ વિરલ છોડમાંથી મોટા પાયે રોગમુકત છોડ તૈયાર કરી શકાય.
  • પીલાના વાવેતરથી ફેલાતા જમીનજન્ય રોગો અટકાવી શકાય.
  • વાવેતરમાંથી વંધ્ય છોડનું પ્રમાણ નાબુદ કરી શકાય.
  • ફૂલ આવવામાં અને પરિપકવતામાં સમાનતા લાવી શકાય.
  • વિરલ છોડની પસંદગી ધ્વારા સરેરાશ ઉત્પાદન વધારી શકાય.
  • રોપણી માટેનો છોડ પોલીથીલીન બેગમાં હોવાથી મોડી રોપણી પણ કરી શકાય.
ગુજરાત રાજયના કેળ ઉગાડતા વિસ્તારના ખેડૂતોને કેળની એક સાથે વહેલી કાપણી અને અંદાજીત ર૯% વધુ આવક મેળવવા માટે રોબસ્ટ્રા જાતના પસંદ કરેલ છોડમાંથી ટીસ્યુકલ્ચર પધ્ધતિથી વિકસાવેલ રોપા જે રોગમુકત હોય છે તેની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે.

 

ટીસ્યુકલ્ચરથી થતી કેળની ખેતી

ગાંઠ / પીલા ધ્વારા થતી કેળની ખેતી

 

ઝડપી વિકાસ

 

ધીમો વિકાસ

 

એકસરખી વૃધ્ધિ

અસમાન વૃધ્ધિ

 

રોગ મુકત

કોઈ ખાતરી નહીં

 

રોપણી બાદ ૧ર થી ૧૩ મહિનામાં પાક તૈયાર થતો હોવાથી ખેતર વહેલુ ખાલી થાયછે.

રોપણી બાદ ૧૮ થી ર૦ મહિનામાં પાક તૈયાર થતો હોવાથી ખેતર મોડુ ખાલી થાય છે.

 

સારી ગુણવતાવાળા માતૃછોડમાંથી છોડ વિકસાવવામાં આવતા હોવાથી ઉત્પાદન ઉંચું આવે છે.

 

વૈજ્ઞાનિક રીતે છોડ તૈયાર થતો હોવાથી ઉત્પાદન પ્રમાણમાં ઘણું જ ઓછું આવે છે.

 

સમાન ઉંમરના છોડ હોવાથી ફળ /લૂમની કાપણી ટુંકા ગાળામાં થઈ જાય છે.

અસમાન ઉંમરના છોડ હોવાથી ફળ / લુમની કાપણી ખુબજ લાંબા સમય સુધી ચાલે છે.

 

પાક વહેલો તૈયાર થતો હોવાથી ખાતર  સમય  મજુરી  પાણી  દવા વિગેરેના ખર્ચ બચે છે.

 

પાક લાંબા સમયે તૈયાર થતો હોવાથી ખાતર  સમય મજુરી પાણી  દવા વિગેરેનો ખર્ચ વધે છે.

 

બજારભાવનો અભ્યાસ કરીને નવા પાકનું આયોજન શકય છે

 

ખાત્રીબંધ સમયનું પાલન શકય નથી.

 

લામ પાક / સ્ટુન લઈને વધુ ફાયદો મેળવી શકાય છે.

 

લામ પાક / સ્ટુન ફાયદાકારક નથી

 

ફળનું કદ લગભગ એકસમાન હોવાથી બજારભાવ સારો મળે છે.

 

ફળનું કદ અસમાન હોવાથી બજારભાવ ઓછો મળે છે.

 

 

શેઢાના છોડ પાકવામાં મોડા અને ખાલા પણ પડે છે.

 


રોપણી અંતર અને સમય

કેળની રોપણી ૧.૮×૧.૮ મીટરના અંતરે કરવાની ભલામણ છે. આનાથી ઓછા અંતરે રોપણી નફા અને ખર્ચના ગુણોત્તરની દષ્ટિએ ફાયદાકારક નથી. તેમ છતાં ગણદેવી ખાતે થયેલ સંશોધન મુજબ કેળના પાકની ૧.૦ × ૧.ર × ર.૦ મીટરના અંતરે જોડીયા હાર પધ્ધતિથી ત્રિકોણાકારે રોપણી કરવાથી કેળનું સૌથી વધુ ઉત્પાદન મળેલ છે. અગાઉથી કરેલ ખાડામાં ખાડાદીઠ ૧૦ કિલોગ્રામ દેશી છાણિયુ ખાતર અથવા તો બજારમાં મળતા અન્ય સેન્દ્રિય ખાતરો પ૦૦ ગ્રામ જેટલા પ્રમાણમાં લઈ ખાડાની માટી સાથે ભેળવવા. ખાડાના મધ્યભાગે ગાંઠ મૂકવી અને ઉપરની ટોચ સહેજ ખુલ્લી રહે તે રીતે આજુબાજુ માટી દબાવવી જેથી હવાનું પોલાણ ન રહે. રોપણી બાદ વરસાદ ન હોય તો તરતજ પાણી આપવું. મધ્ય ગુજરાતમાં કેળની રોપણી ૧પ જુન થી ૧પ જુલાઈ દરમ્યાન કરવી ફાયદાકારક જણાયેલ છે. આ સમય પહેલા અથવા મોડી રોપણી કરવાથી ઠેસી કેળા થવાની શકયતા વધે છે. રોપણી ઘણીજ મોડી કરવામાં આવે તો છોડનો વિકાસ રૂંધાય છે, અને લુમ નાની થઈ જાય છે. જેથી રોપણીનો સમય સચવાય તે ખાસ ધ્યાન રાખવુ. જયારે દક્ષિણ ગુજરાતમાં મોડી રોપણી કરવામાં આવે તો વાંધાજનક નથી.

કેળમાં ખાતર :

કેળમાં ગાંઠો રોપવાના સમયે ખાડા તૈયાર કરતી વખતે ખાડાદીઠ ૧૦ કિલો સારૂ કહોવાયેલુ છાણિયુખાતર અથવા તો કંમ્પોસ્ટ ખાતર માટીમાં ભેળવીને રોપણી કરવી. આ ઉપરાંત પુર્તિ ખાતરમાં છોડ દીઠ ર૦૦ ગ્રામ નાઈટ્રોજન,૧૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશ નીચે પ્રમાણે સમયસર આપવા જોઈએ.

હપ્તો

 

સમય

છોડ દીઠ નાઈટ્રોજન

એમો. સલ્ફેટ અથવા

યુરિયાના રૂપમાં

છોડ દીઠ ફોસ્ફરસ

સીંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં

છોડ દીઠ પોટાશ

મ્યુરેટ ઓફ પોટાશના રૂપમાં

પ્રથમ

 

રોપણી પછી ત્રીજા માસે

૩૩૦ ગ્રામ એમો.સલ્ફેટ

અથવા

૧૪૦ ગ્રામ યુરિયા

પ૭૦ ગ્રામ

૧૧પ ગ્રામ

બીજો

 

ચોથા માસે

૩૩૦ ગ્રામ એમો.સલ્ફેટ

અથવા

૧૪૦ ગ્રામ યુરિયા

 

૧૧પ ગ્રામ

ત્રીજો

પાંચમાં માસે

૩૩૦ ગ્રામ એમો.સલ્ફેટ

અથવા૧૪૦ ગ્રામ યુરિયા

 

૧૧પ ગ્રામ

આ ઉપરાંત લૂમો નીકળી ગયા બાદ ર ટકા યુરિયા (૧૦ લીટર પાણીમાં ર૦૦ ગ્રામ)નો છંટકાવ કરવાથી ફળના કદ અને વજનમાં વધારો થાય છે.

ભલામણ મુજબના ખાતરો ઉપરાંત તેના સપ્રમાણમાં બીજા ખાતરો જેવા કે દિવેલીનો ખોળ ,રોક ફોસ્ફેટ, હાડકાંનો ભૂકો, પોલ્ટ્રી મેન્યોર, શેરડીના કારખાનાનું પ્રેસમડ,લેધર મીલનું ખાતર વિગેરેને યોગ્ય પ્રમાણમાં સડવા દઈ ઉપયોગમાં લઈ શકાય. જમીનમાં આપવાના ખાતરો છોડની ફરતે ૩૦ સે.મી. દૂર ખામણું બનાવી આપવાં તથા માટી વાળી પિયત આપવંુ. ગૌણ તત્વો માટે પ્રતિ હેકટરે ૧૦ કિલો ફેરસ સલ્ફેટ કે ર૦ કિલો ઝીંક સલ્ફેટ આપવાની ભલામણ છે.

કેળમાં પિયત વ્યવસ્થા :

કેળનો છોડ ટૂંકા મૂળ તથા તંતુમૂળ ધરાવતો તેમજ ઝડપથી વિકાસ પામતો હોઈ ખાતરની જેમ પિયતની પણ ખાસ જરૂરીયાત રહે છે. કેળના પાકને કોઈપણ તબકકે પાણીની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી. સામાન્ય રીતે શિયાળામાં ૧૦ થી ૧ર દિવસના અંતરે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે નિયમિત પાણી આપવું. ટપક પધ્ધતિથી કેળના પાકને પાણી આપવાથી પાણીના કાર્યક્ષમ ઉપયોગ સાથે ખાતરમાં રપ ટકા જેટલા બચાવ સાથે ઉત્પાદનમાં વધારો થાય છે.  ટપક પધ્ધતિ ગોઠવવા ચાર લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા બે ડ્રીપર થડની બંને બાજુએ ૩૦ સે.મી. દુર ગોઠવી શિયાળામાં દોઢ થી બે કલાક અને ઉનાળામાં ત્રણ કલાકનો અંતરે પાણી આપવું.

કેળના પાકમાં નિંદણ નિયંત્રણ :

કેળના પાકને નિંદણમુકત રાખવો ખાસ જરૂરી છે. કેળના પાકમાં ચોમાસુ પુરુ થતાં સપ્ટેમ્બરઓકટોબરમાં કરબડી અથવા ગાંધી એલન કરબ વડે ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી જેથી જમીનમાં હવાની અવરજવર થાય અને નિંદણ દૂર થઈ જાય. ત્યારબાદ  માટી ચઢાવવી. માટી ચઢાવ્યા બાદ સમયસર હાથથી નિંદામણ કરવાથી મોટા ભાગના નિંદણો દૂર કરી શકાય છે.

આણંદ ખાતે હાથ ધરવામાં આવેલ છેલ્લા સંશોધનો મુજબ કેળના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નિંદણ નિયંત્રણ માટે સંકલિત  નિંદણ નિયંત્રણ અપનાવવાની ભલામણ છે. આ માં કેળના પાકમાં માટી ચઢાવ્યા બાદ ડાયુરોન નામની નિંદણનાશક દવા હેકટરે ર.૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વના રૂપમાં ૧ર૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તથા ત્યારબાદ  ૬૦  દિવસે હાથથી એક નિંદામણ કરવું.

પીલા દૂર કરવા :

કેળના મુખ્ય થડની બાજુમાંથી નીકળતા પીલા સતત દુર કરવા ખાસ જરૂરી છે. જે ફરીથી ઉગે છે તેથી  ૧૦૧ર દિવસે તેને ફરી કાપવા પડે છે, જેનાથી મજૂરી ખર્ચ વધારે આવે છે. કાપેલા પીલાને ફરી ઉગતા અટકાવવા નવસારી ખાતે થયેલ સંશોધન મુજબ ૧ લીટર પાણીમાં ૬૦ ગ્રામ ર,૪ડી (ફર્નેકઝોન ૮૦ % સોડીયમ સોલ્ટ) નું દ્રાવણ બનાવી તેના ફકત ૩ થી પ ટીપાં કાપેલા પીલાના મધ્યમાં નાંખવાથી પીલા ફરીથી ઉગશે નહી જો આ દ્રાવણનું પ્રમાણ વધારે પડશે તો મુખ્ય છોડના થડને અસર થશે, અને છોડ નમી પડશે. આ માવજત આપવામાં સરળતા રહે તે માટે દાતણની પીછી બનાવી તેને ઉપરોકત દ્રાવણમાં બોળી પીલાના મધ્યભાગે લગાવવાથી યોગ્ય પ્રમાણમાં માવજત મળી જાય છે.

પાક સંરક્ષણ :

જીવાત :

કેળના થડનું ચાંચવુ (રાઈઝોમ વીવીલ) :

આ જીવાતની માદા થડમાં ગાંઠની આજુબાજુમાં ઈંડા મૂકે છે. ઈયળો ગાંઠ કોરીને અંદર દાખલ થઈને નુકશાન કરે છે. છોડ દીઠ ૩૦ ગ્રામ દાણાદાર ફોરેટ આપવાથી સારુ નિયંત્રણ થાય છે.

કૃમિ :

છોડના મૂળમાં રહી કૃમિ પાકને નુકશાન કરે છે. મૂળ કાળા પડી જવાથી સડો પેદા થાય છે. આવા રોગયુકત છોડના પીલાને બીજે રોપતા છોડનો વિકાસ થતો નથી. છોડ દીઠ ૪૦ ગ્રામ કાર્બોફયુરાન રોપણી વખતે ખાડામાં અને રોપ્યા પછી  ચોથા માસે આપવાથી અસરકારક નિયંત્રણ થાય છે.

રોગોઃ

અપરિપકવ કેળાનું પાકી જવુ :

કેળના પાકનો આ ભયંકર રોગ છે. ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરા જિલ્લામાં આ રોગથી ઘણુંજ નુકશાન થયેલ છે. આ રોગથી કેળાના પાન પીળા પડી જાય છે. પાન ઉપર પીળા રંગની કિનારવાળા લાલ ડાઘ પડે છે. અને કેળા વહેલા પાકી જઈ પોચા પડી જાય છે. ગુણવત્તા ઘટે છે અને આર્થિક રીતે ઘણું જ નુકશાન જાય છે. આ રોગ ઘણા પરિબળોનું પરિણામ છે. આ રોગ આવતો અટકે તે માટે ૧૦ લીટર પાણીમાં પ ગ્રામ કાર્બેન્ડીઝમ અને ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ કેપ્ટાફોલનો દર મહિને વારાફરતી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ સિવાય અગાઉ જણાવ્યા પ્રમાણે પીલાને માવજત આપવી. જેનાથી કેળના સીગાટોકા નામના રોગનું પણ નિયંત્રણ થશે.

પનામા (સૂકારો) :

ફુગથી થતો આ રોગ જો કે હાલ ગુજરાતમાં ખાસ જોવા મળતો નથી. રોગના ચિન્હોમાં પાન મધ્યમાંથી ભાંગી પડે છે તથા પીળાપડીને સુકાતા જાય છે. ઘણી વખત આખો છોડ ભાંગી જાય છે. વધારે પડતો નાઈટ્રોજન અને ખેડથી પણ આવું બને છે. બસરાઈ જાત આ રોગ સામે પ્રતિકારક  જાત છે.

ઉત્પાદન :

કેળના ઉત્પાદનનો આધાર સામાન્ય રીતે કેળની જાત, માવજત, જમીન અને હવામાન ઉપર છે. ગુજરાત રાજયમાં સામાન્ય રીતે હેકટરે ૩પ થી ૪૦ ટન કેળાનું ઉત્પાદન મળે છે. જે દેશમાં પ્રથમ ક્રમે છે જ પરંતુ હવે ગુજરાતમાં ઘણા ખેડુતો માટે હેકટરે ૮૦ થી ૧૦૦ ટન ઉત્પાદન લેવું તે સામાન્ય બાબત થઈ ગઈ છે. રાજયમાં કેળાનો સ્થાનિક વપરાશ ખૂબજ મોટા પ્રમાણમાં છે. ઉપરાંત ઉત્તર ભારતના રાજયોમાં મોટા પ્રમાણમાં કેળાની નિકાસ કરવામાં આવે છે.

કેળના પ્રશ્નો અને ઉકેલ :

ગુજરાત રાજયમાં આ પાકનું એકમ દીઠ વધુ ઉત્પાદન વધારવાની શકયતાઓ રહેલી છે. કેળમાં વધુ ઉત્પાદન ન થવા માટેના કારણભૂત પ્રશ્નો  અને જરૂરી નિરાકરણ નીચે મુજબ છે.

  • કેળનો પાક જમીન અથવા પાણીની ક્ષારીયતા અને અમ્લીયતા બિલકુલ સહન કરી શકતો ન હોઈ આ પાક માટે જમીન અને પાણીનો પી.એચ. ૬.પ થી ૭.પ હોવો ઘણો જ જરૂરી છે. જમીનની ઓછામાં ઓછી એક મીટર સુધીની ઉંડાઈ હોવી જરૂરી છે. આ પાકને ભારે કાળી જમીન તેમજ બિલકુલ હળવી જમીન માફક આવતી ન હોઈ આવી જમીનમાં કેળનો પાક કરવો  હિતાવહ નથી.
  • કેળના પાકનો જીવનકાળ ૧૪ થી ૧૬ માસ જેટલો લાંબો હોવાને કારણે જમીનમાં સેન્દ્રિય ખાતરો વધુ વાપરવા જેને માટે ૪૦ થી પ૦ ટન છાણિયુ ખાતર પ્રતિ હેકટરે આપવુ જોઈએ અને શકય તેટલા અન્ય સેન્દ્રિય ખાતરો, ખોળ, પોલ્ટ્રી મેન્યુર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
  • ગુજરાતમાં બે થી ત્રણ કેળની જાતો રોપણી માટે પ્રચલિત છે. હમણાં હમણાં ઈઝરાઈલની ગ્રાન્ડ નેઈન જાતનું વાવેતર પણ છૂટંુછવાયું જોવા મળે છે. પરંતુ આ જાત આ વિસ્તાર માટે અનુકુળ છે કે કેમ જેની ચકાસણી હેઠળ હોઈ હાલ રોબસ્ટા જાતની વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા હોઈ રોપણી માટે પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • ઘણી વખત રોપણી માટે પીલા/ગાંઠોની પસંદગી બરાબર ન હોય તો ઉત્પાદન ઓછું આવે છે. જે માટે સામાન્ય રીતે પીલા સાંકડા પાનવાળા તલવાર આકારના પાનવાળા, જેની ઉંમર ત્રણ થી ચાર માસ હોવી જોઈએ અને ગાંઠોનું વજન પ૦૦ થી ૧૦૦૦ ગ્રામનું હોવુ જોઈએ. સાથે સાથે રોપણી પહેલાં પીલા/ગાંઠોને ૧૦ લિટર પાણીમાં ર ગ્રામ ઓરીયોફંગીન અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા ઓગાળીને દોઢ કલાક સુધી બોળી રાખવા પછીથી બહાર કાઢી તે અર્ધ છાંયે સુકવ્યા બાદ રોપણી માટે ઉપયોગ કરવો.
  • કેળનો પાક ઉષ્ણકટિબંધનો હોઈ તેને ગરમ અને ભેજવાળું વાતાવરણ ઘણું જ માફક આવે છે અને વધારે ઠંડીથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે. આ માટે પાકને ઠંડીથી બચાવવા માટે વાડી ફરતે પવન અવરોધક શેવરીની વાડ કરવી જોઈએ. વધુ ઠંડી હોય ત્યારે પિયત આપવુ. વાડીમાં ધુમાડો કરવો તેમજ આચ્છાદન કરવું જોઈએ.
  • કેળના પાકને તેના જીવનકાળ દરમિયાન બધી જ  ૠતુઓનો  સામનો કરવો પડતો હોઈ ેતેમજ ફૂલ આવવા તેમજ  ફળોના વિકાસ સમય દરમ્યાન વધુ ઠંડી કે વધુ ગરમીની અસર ન થાય તે માટે ગુજરાતના વાતાવરણને અનુરૂપ સંશોધન આધારિત કેળની રોપણી ૧પ મી જુન થી ૧પ મી જુલાઈ વચ્ચે અચૂક કરી દેવી જોઈએ. તેમજ વધારે ઉત્પાદન માટે ૧.૮×૧.૮ મીટરે રોપણી કરવી જરૂરી છે.
  • કેળનો પાક સદાપર્ણી(એવરગ્રીન) તેમજ તેના પાનનો અસરકારક વિસ્તાર વધુ પ્રમાણમાં હોવાને કારણે કોઈપણ સંજોગોમાં પાણીની ખેંચ પાકને અનુભવવા દેવી ન જોઈએ. આથી આ પાકને શિયાળામાં ૧૦ થી ૧ર દિવસે, ઉનાળામાં  ૬ થી ૮ દિવસે અને ચોમાસામાં જરૂર પડે અચૂક પાણી આપવું જોઈએ. ટપક પધ્ધતિથી પિયત આપવાથી પ્રતિ છોડ રપ ટકા જેટલો નાઈટ્રોજન તેમજ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને પાક નિંદામણ મુકત રહેતો હોવાથી ઉત્પાદન વધુ અને વહેલું મળે છે.
  • કેળના પાકમાં સતત નીકળતા પીલાને જો સમયસર દૂર કરવામાં ન આવે તો પાક ઉત્પાદન પર અસર થાય છે. જેને માટે પાકમાં પીલા દેખાય કે તરત જ કાપીને દૂર કરવા અને કાપેલ પીલાના ભાગ પર વચ્ચે બે થી ત્રણ કેરોસીનના ટીપાં મૂકવાથી નવા પીલા ન નીકળતા સારો ફાયદો જણાયેલ છે.
  • કેળના પાકમાં સૂર્યની ગરમીથી લૂમો તપતી હોય છે. જેનાથી ફળની ગુણવત્તા ઉપર અસર થાય છે. જેને લઈને બજારભાવ ઓછો મળે છે. આ અસરથી બચવા માટે લૂમ પર પાનનું આચ્છાદન કરવું જોઈએ.
  • કેળના પાકમાં ઠેસી કેળા થઈ જવાનો પ્રશ્ન ઘણોજ મુંઝવતો પ્રશ્ન છે. જેને લઈને ઉત્પાદન અને બજારભાવ પર માઠી અસર થાય છે. કેળના પાકમાં ઠેસી કેળા થઈ જવા એટલે કે કેળાનો છેડાનો ભાગ પાતળો સાંકડો થઈ જાય છે. જે જગ્યાએ માવાનો વિકાસ થતો નથી. આ કેળા કદમાં નાના સાંકડા હોવાને કારણે ઈજારદાર/વેપારીઓ પૂરતો ભાવ આપતા નથી અથવા ઓછા ભાવ આપે છે. આમ થઈ જવા માટે સંશોધન આધારિત માહિતી એકઠી કરવા પ્રયત્ન કરેલ છે. પરંતુ કોઈ ચોકકસ તારણ પર આવી શકાયેલ નથી. તેમ છતાં પ્રાયોગિક અખતરાઓના પરિણામો ઉપરથી એમ લાગે છે કે હલકી જમીન હોય, ફળદ્રુપતા ઓછી હોય અને પાકને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો આપેલ ન હોય તેમજ વધુ પડતી ઠંડી ૧પ સે. થી નીચે તાપમાનવાળો લાંબા સમયનો ગાળો જો વિયાણ સમયે હોય અને ચોમાસે વહેલા વિદાય લીધી હોય અથવા મોડુ વાવેતર થયું હોય તો આવા પરિબળો વિપરીત અસર પેદા કરતા હોય છે.
  • આ માટે ઉપર દર્શાવ્યા પ્રમાણે યોગ્ય જમીન પાક માટે પસંદ કરવી જોઈએ. સમયસર રોપણી કરવી અને જરૂરી તેમજ યોગ્ય સમયે ભલામણ કરેલ પોષકતત્વો જેવા કે છોડ દીઠ ર૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૧૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશ, પાકની રોપણી બાદના ત્રીજા,ચોથા અને પાંચમા માસે ત્રણ સરખા ભાગે છોડ ફરતે આપવુ. છાણિયુ ખાતર રોપણી પહેલા અગાઉ જણાવ્યા પ્રમાણે પાયાના ખાતર તરીકે આપવું.
  • નિંદામણના પ્રશ્નમાં કેળનો પાક નિંદામણ મુકત રાખવો અત્યંત જરૂરી છે. જેના માટે મજૂરો અને સાંતી ધ્વારા વાડી નિંદણ મુકત રાખવી જોઈએ.તેમ છતાં મજૂરોની ઉપલબ્ધતા ઓછી હોય અને ઉંચા દર હોય તેવા સંજોગોમાં નિંદણનાશક દવા ગ્રેમેક્ષોન ૧૦૦ લિટર પાણીમાં ૩૦૦ મી.લી. ભેળવી કેળના પાકને બચાવી જમીન પર છાંટવાથી અસરકારક પરિણામ મળશે.
  • પ૦ ટકા લૂમો નીકળી ગયા બાદ જીબે્રલીક એસિડ ૧ ગ્રામ ૧૦૦ લિટર પાણીમાં ર કિલો યુરિયાનો છંટકાવ આપવાથી ફાયદો જણાયેલ છે.
  • આ ઉપરાંત ખાતર ૩ હપ્તાને બદલે ૪ હપ્તામાં એટલે ચોથો હપ્તો લૂમો નીકળી ગયા બાદ આપીએ તો ફાયદો જણાયેલ છે.
  • ખાતરો આપતાની  સાથે સાથે થડ પર માટી ચઢાવતા રહેવું.
  • કેળમાં શરૂઆતમાં આદુ,હળદર તથા સફેદ મુસળી મિશ્ર પાક તરીકે લઈ શકાય.
  • કેળનો લામ પાક લેવો હોય તો લૂમ સંપૂર્ણ નીકળી ગયા બાદ સારો તંદુરસ્ત એક પીલો રાખી બાકીના પીલા નિયમિત કાપતાં રહેવું, જે બીજા ૬ થી ૭ માસમાં બીજી લૂમ આપશે.

લેખક :

શ્રીમતી  અમીતા પરમાર, વિષય નિષ્ણાત(બાગાયત)

ર્ડા.જી.જી.પટેલ પ્રોગ્રામ કોઓર્ડિનેટર

પ્રકાશક : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી,દેવાતજ (સોજીત્રા)જિઃઆણંદફોન નં.૦ર૬૯૭ર૯૧ ૩ર૭

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate