অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસમાં ઉત્પાદન અને આવક વધારવા માટે નવી ટેકનોલોજી : ડીટોપિંગ (છોડની ટોચ કાપવી)

કપાસમાં ઉત્પાદન અને આવક વધારવા માટે નવી ટેકનોલોજી : ડીટોપિંગ (છોડની ટોચ કાપવી)

ગુજરાતમાં આશરે રદ .૫ લાખ હેકટરમાં અને ભારત દેશમાં ૧૧૮ લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આવા મોટા પાયે થતા વાવેતરમાં ઉત્પાદન અને આવક વધારવા માટે ડીટોપિંગ (છોડની ટોચ કાપવી) નવી ટેકનોલોજી અપનાવવાથી રાજય અને રાષ્ટ્રિય લેવલે કરોડો રૂપિયાની આવક વધારી શકાય તેમ છે. આજે આપણે ખેતી ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી છે. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા થતા નવા-નવા સંશોધનોના આધારે થતી ભલામણોને અપનાવવાથી આર્થિક રીતે પોષાય તેવી અને વધુ નફો મળે તેવી ખેતી કરીએ છીએ પરંતુ ઘણી વખત વધુ પ્રમાણમાં નાઈટ્રોજનયુક્ત ખાતરો વાપરવાથી કે હવામાન અનુકૂળ ન હોવાથી કપાસના છોડની ઊંચાઈ જરૂર કરતાં વધારે થઈ વધુ વાનસ્પતિક વૃદ્ધિ કરે છે. જેથી તેમાં ફૂલભમરી, ચાંપવા કે જીંડવા બેસતા નથી અને બેસે તો ખૂબ જ મોડા બેસે છે. આમ છોડમાં વધુ પ્રમાણમાં ઊંચાઈ કે વાનસ્પતિક વૃદ્ધિ થતાં બધો જ ખોરાક પાંદડા અને ડાળીઓના વિકાસમાં જતો રહે છે. આને લીધે ચાંપવા, ફૂલ-ભમરી કે જીંડવા ઓછા તથા મોડા બેસે છે અથવા તો પુરતો ખોરાક ન મળતાં ખરી પડતા જોવા મળે છે. આમ, પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતા ખોરાકનું વિતરણ યોગ્ય પ્રમાણમાં ન થતાં છોડની પુરતી વાનસ્પતિક વૃદ્ધિ હોવા છતાં ઉત્પાદન મળતું નથી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્ર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી પિયત બીટી કપાસના છોડની જુદા જુદા સમયે ટોચ (ડુંખ) કાપવાના તથા જુદા જુદા વૃદ્ધિ નિયંત્રકોના ઉપયોગથી કેમ ઉત્પાદનમાં વધારો કરી શકાય તેવા અખતરાઓ લેવામાં આવ્યા હતા. ત્રણ વર્ષના સંશોધનના અંતે જાણવા મળ્યું કે વાવેતરના ૭૫ દિવસ (૪-૪.૫ ફૂટની ઊંચાઈએ) પછી કપાસના છોડની ટોચ | (વૃંખ) કાપવાથી છોડની ઊંચાઈની વૃદ્ધિ પ્રતિબંધિત થતા છોડના આખા માળખા કે બંધારણમાં ફેરફાર જોવા મળે છે. આમછોડની ટોચમાં વૃદ્ધિ પ્રમોટર (ઓકસિજન, જીબ્રેલિક એસિડ ૩) ના બાયોસિન્વેસિસ પર તેની અવરોધક અસરને લીધે આવું થાય છે. કપાસના છોડની ઊંચાઈનું નિયંત્રણ થતાં, છોડના પર્ણમાં ૯૫ દિવસે હરિતદ્રવ્યમાં વધારો થાય છે તથા છોડના ફેલાવાને કારણે ઓછામાં ઓછું મ્યુચ્યુંઅલ શેડિંગ થઈ આવશ્કયતા મુજબ સૂર્યપ્રકાશ મળી રહેતા પ્રકાશસંશ્લેષણની ક્ષમતામાં વધારો થાય છે. ફળ આપતી શાખાઓની સંખ્યા તથા લંબાઈમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. આમ ફળ આપતી શાખાઓની સંખ્યા તથા લંબાઈમાં વધારાને કારણે ફૂલ, ભમરી-ચાંપવા અને જીંડવાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતાં ઉત્પાદનમાં ૧૫.૧ % જેટલો સારો એવો વધારો જોવા મળેલ છે. આ ઉપરાંત ૫૦ % જીંડવા એક અઠવાડીયું વહેલાં ખીલે છે તથા કપાસનો પાક એક અઠવાડીયું વહેલો પરિપક્વ થાય છે. આમ કોઈપણ ખર્ચ કર્યા વગર કપાસનું ઉત્પાદન વધારી ખેડૂતની આવક કે નફામાં વધારો કરી શકાય છે.

આમ પિયત બીટી કપાસના છોડ પાસેથી વધુ ઉત્પાદન લેવા માટે તેની ઊંચાઈ અને વાનસ્પતિક વૃ દ્ધિનું નિયંત્રણ કરવા કપાસના છોડની ટોચ (ડુંખ) કાપવી ખૂબ જ આવશ્યક છે. તેના તારણો અને ભલામણ અત્રે દર્શાવેલ છે.

કપાસની છોડની ટોચ (ડુંખ) કાપવાથી થતા ફાયદા :

  1. કપાસના છોડની ઊંચાઈનું નિયંત્રણ કરી છોડની સપ્રમાણ વાનસ્પતિક વૃદ્ધિ થાય છે.
  2. કપાસના છોડની સિમ્પોડીયલ ડાળી (ફુટિંગ બ્રાંચ-ફળ આપતી શાખા)ની લંબાઈ વધે છે.
  3. સિમ્પોડીયલ ડાળીની લંબાઈ વધતાં તેમાં ફૂલ ભમરી, ચાંપવા અને જીંડવાની સંખ્યા વધે છે.
  4. કપાસના છોડની સિમ્પોડીયલ ડાળીની સંખ્યામાં વધારો થતા જીંડવાની સંખ્યા વધે છે.
  5. છોડની ઊંચાઈનું નિયંત્રણ થતાં તેનું થડ તથા ડાળીઓની જાડાઈ વધતાં છોડ વધુ પવનથી નમતો નથી કે ડાળીઓ ભાંગતી નથી.
  6. છોડનો ઘેરાવો વધતાં પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં પણ વધારો થતાં વધુ પ્રમાણમાં ખોરાક ઉત્પન્ન કરે છે.
  7. પાંદડામાં ખોરાક સંગ્રહિત થતા પાનની જાડાઈ વધે છે અને આ ખોરાક જરૂર પડ્યે પુરતા પ્રમાણમાં મળતા ફૂલ-ભમરી, ચાંપવા અને જીંડવા ખરતાં અટકે છે.
  8. કપાસમાં ઊંચાઈનું નિયંત્રણ કરવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળે છે.
  9. કપાસ પાકમાં વધારાનો કોઈ ખર્ચ વગર ૧૫.૧% થી વધુ નફો મળી છે.

ડીટોપિંગ ટેકનોલોજી અપનાવવાચી ટકાઉ ખેતીમાં થતા ફાયદા

  1. ખર્ચાવિહોણી, સરળ અને અપનાવી શકાય તેવી ટેક્નોલોજી છે.
  2. પાકની વધુ ઉત્પાદકતા અને નફાકારકતા મળે છે.
  3. છોડની શાખાઓને ટૂંકુ અને મજબુત માળખુ જે કપાસની વિણી કરવામાં અનુકુળ છે.
  4. પાક વહેલી પાકતાં ઓછા પાણી, ખાતર અને રસાયણોનો ઉપયોગ થતાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.
  5. કોઈપણ સ્ત્ર અથવા રસાયણોનો ઉપયોગ ન થતાં કુદરતી ઈકોસિસ્ટમ્સ પર જોખમી અસરને અટકાવે છે.
  6. ઉત્પાદન વધારવા રસાયણોનો વપરાશ ન થતાં જમીન, નદીઓ અને ભૂગર્ભજળમાં પ્રદૂષણ થતું અટકે છે.
  7. રસાયણોનો ઉપયોગ ન થતાં ખેતમજૂરોની તંદુરસ્તી કે સલામતીમાં વધારો કરે છે.
  8. સુરવિત કપાસ અને સુરક્ષિત કપાસના રેસા-લિન્ટ ઉત્પાદનો થાય છે.
  9. હાલની અપનાવાતી પ્રણાલીઓમાં ન્યૂનતમ વિકોપ થાય છે.
  10. જમીનનની તંદુરસ્તી જાળવી રાખે છે.
  11. છોડની કાપેલ ટોચનો ભાગ જમીનમાં કાર્બનિક કમ્પોનન્દનો ઉમેરો કરે છે.
  12. ખેડૂતની આવક વધતાં પરિવારની જરૂરિયાતો પૂરી થતાં તેની જીવનશૈલીને ઉન્નત કરે છે. - કપાસની ખેતી કરતા ખેડૂતો આ સરળ અને ખર્ચ વિહોણી ડીટોપિંગ ટેકનોલોજી અપનાવી આપનું ખેત ઉત્પાદન વધારી અને વધુ નફો મેળવી રાજય અને રાષ્ટ્રિય આવક વધારવામાં સૌ ભાગીદાર બને.

ડૉ. જી. કે. કાતરિયા , ડૉ. એમ. જી. વલુ ડૉ. એલ. કે. ધડુક કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ-૩૬૨૦૦૧ ફોન : (૦૨૮૫) ૨૬૭૨૦૮૦

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate