ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વસ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસ માં બીજા નંબરે છે.
ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદન (૮૫ લાખ ગાંસડી) અને વાવેતર વિસ્તાર (૨૪ લાખ હેક્ટર) ની દૃષ્ટિએ દેશમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતિય સ્થાન ધરાવે છે (વર્ષ ૨૦૧૨-૧૩). રાજ્યમાં આશરે ૭૯% વિસ્તારમાં વિદેશી કપાસ ( સંકર અને ઇન્ડો અમેરીકન) અને ૨૧% વિસ્તારમાં સ્વદેશી કપાસ (હરબેશીયમ) જાતોની ખેતી થાય છે. વાગડ વિસ્તાર દુનિયામાં ખેતી માટે સૌથી પ્રતિકુળ પરિસ્થિતિઓ માટે જાણીતો છે. દેશી કપાસ (હરબેશીયમ) વાગડ વિસ્તારમાં અનિયમિત વરસાદ, ઉચુ તાપમાન, હીમ, જમીનની ક્ષારતા અને ઓછી ઉંડાઇ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. સામાન્ય રીતે દેશી કપાસની ખેતીમાં જરૂરીયાત કરતાં વધારે બિયારણ, ઘણે પહોળે ગાળે વાવેતર, ખાલાયુક્ત અને નિંદામણોવાળા ખેતરો જોવા મળે છે. જો આ મુદાઓને ધ્યાને રાખીને દેશી કપાસની યોગ્ય ખેતી પધ્ધતી અપનાવાય તો જ કપાસની સારી જાતોની ઉત્પાદન ક્ષમતાનો પુરો લાભ મળી શકે છે અને તેના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
ગુજરાત સરકારની નવી જાહેર કરેલ ટેક્ષટાઇલ પોલીસી - ૨૦૧૨ મુજબ ગુજરાતની કપાસની ખેતી ને નિકાસલક્ષી બનાવવા “ફાર્મ ટુ ફાઇલર ટુ ફેબ્રીક ટુ ફેશન ટુ ફોરેન” ના ધ્યેય સાથે કપાસનું મહત્તમ મુલ્ય વર્ધન (વેલ્યુ એડીશન) કરવાનું લક્ષ્યાંક છે. આથી રાજ્યમાં કપાસની માંગમાં ઉત્તરોત્તર વધારો થવા સંભવ છે.
દુનિયામાં કપાસની કુલ ૫૦ પ્રકારની પ્રજાતીઓ જોવા મળે છે. જે પૈકી બે દેશી (હરબેશીયમ અને આરબોરીયમ) અને બે વિદેશી (હિરસુટમ અને બારબેડન્સ) પ્રજાતીઓની વ્યવસાયીક ધોરણે ખેતી કરવામાં આવે છે. હરબેશીયમ અને આરબોરીયમ પ્રજાતી દેશી કપાસ તરીકે ઓળખાય છે. જ્યારે હિરસુટમ તથા બારબેડન્સ પ્રજાતીઓ અનુક્રમે અમેરીકન તથા ઇજીપ્શીયન કપાસ તરીકે જાણીતો છે. કપાસની ખેતી લગભગ ૭૫ દેશોમાં કરવામાં આવે છે. વિશ્વમાં ફક્ત બે જ દેશો ભારત અને ઇરાનમાં હરબેશીયમ કપાસની ખેતી થાય છે.
ઇ.સ. ૧૭૮૩માં ટેઇલરના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં વવાતી દેશી કપાસ (હરબેશીયમ) જાતો ૧૬૧૫ થી ૧૬૯૦ ના સમય ગાળામાં દાખલ થઇ હોવી જોઇએ. ત્યાર બાદ ગુજરાતમાં જે તે વિસ્તારમાં વવાતી હરબેશીયમ કપાસની જાતો વિસ્તારને અનુરૂપ સુરતી, ભરૂચી અને વાગડના નામે ઓળખાવા લાગી. ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદન અને વિસ્તારની દ્રષ્ટિ એ દેશમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨-૧૩ માં લગભગ ૨૪ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસની ખેતી કરવામાં આવી હતી. જે દેશના કુલ વિસ્તારના ૨૧% છે. અને ૬૩૩ કિલો/હે. ઉત્પાદકતા સાથે કુલ ઉત્પાદન ૮૫ લાખ ગાંસડી હતું અને તેનો ફાળો દેશમાં ૨૪% જેટલો હતો. રાજ્યમાં ૭૯% વિસ્તારમાં વિદેશી કપાસ (સંકર અને ઇન્ડો અમેરીકન) અને ૨૧% વિસ્તારમાં હરબેશીયમ કપાસ ની ખેતી થાય છે.
ગુજરાતમાં હરબેશીયમ કપાસ મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચાયેલો છે. (ટેબલ ૧). જે પૈકી વાગડ ઝોન દેશી કપાસની ખેતી માટે સૌથી મોટો ઝોન છે. જેમાં મુખ્યત્વે બિનપિયત કપાસની ખેતી કરવામાં આવે છે. હરબેશીયમ કપાસની ખેતી પસંદગીથી નહી પરંતુ કપાસ ખેતીની ખરાબ પરિસ્થિતિઓની મજબુરીઓને લીધે કરવામાં આવે છે. હરબેશીયમ કપાસ જૈવિક અને અજૈવિક પરીબળો સામે ખુબજ પ્રતિકારક શક્તિ ધરાવે છે. વાગડ ઝોનની ખરાબ પરિસ્થિતિઓ જેવીકે ઓછો અને અનિયમિત વરસાદ, ઉંચા અને નીચા તાપમાનમાં મોટો તફાવત, જમીનની ક્ષારતા અને ઓછી ઉંડાઇ, પાક ફેરબદલીની ઓછી તકો અને પાણી ભરાવાવાળી જમીન વગેરે છતાં રાજ્યમાં દેશી કપાસની ખેતીનું મહત્વ જળવાઇ રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષોમાં મહારાષ્ટ્ર (વિદર્ભ) અને આંધ્રપ્રદેશ માં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આત્મહત્યા નાં કિસ્સાઓ નોંધાયેલ છે. આ સમસ્યાનું મૂળ બિનપિયત વિસ્તારમાં બીટી કપાસની ખેતી છે. આવા વિસ્તારમાં બીટી કપાસનાં ઉત્પાદન ખર્ચ કરતાં આવક અડધી થયેલ છે. સરકાર શ્રી ના પ્રયત્નો થી આવા વિસ્તારમાં દેશી કપાસની ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. કપાસની ખેતીમાં સર્જાયેલ આ પરિસ્થિતિઓની સરખામણીમાં વાગડ વિસ્તારમાં થતી કપાસની ખેતીની પરિસ્થિતિ ઘણી સારી છે. આ વિસ્તારનાં ખેડૂતોએ બીટી કપાસની ખેતીનું આંધળુ અનુકરણ કરેલ નથી જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. કારણ કે વાગડ વિસ્તારની ખેત-હવામાન પરિસ્થિતિમાં ફક્ત દેશી કપાસની ખેતી આર્થિક રીતે વધુ પોષણક્ષમ જણાય છે. જીવાત વિગેરેનું નહીવત પ્રમાણ અને રાસાયણીક દવાઓનો નહીવત ઉપયોગ થી કિટકોનાં પ્રાકૃતિક દુશ્મનોની સંખ્યા સારી જળવાઇ રહેલ છે. પિયત અને રાસાયણીક ખાતરોનાં નહીવત ઉપયોગથી જમીનનું સ્વાસ્થ્ય જળવાઇ રહેલ છે. આમ, દેશી કપાસની ખેતી અર્ધ દુષ્કાળનાં સમયમાં પણ પોષણક્ષમ રહેલ છે. તેથી વાગડ વિસ્તારમાં બીટી કપાસની હાઇબ્રીડ જાતો ઉપલબ્ધ હોવા છતાં દેશી કપાસની ખેતી અંદાજે ૫.૦૦ લાખ હેક્ટરમાં થાય છે.
દેશમાં બીટી કપાસને મંજુરી મળી તે પહેલા એટલે કે વર્ષ ૨૦૦૨ પહેલા ૪૦% વિસ્તારમાં હીરસુટમ હાઇબ્રીડ જાતો વવાતી હતી. જ્યારે વર્ષ ૨૦૧૨ માં બીટી કપાસની હાઇબ્રીડ જાતો નું વાવેતર વધવાથી વિસ્તારની દ્રષ્ટિએ લગભગ ૯૩% વિસ્તારમાં લંબતારી કપાસ ની ખેતી થવા લાગી છે. ભારતીય ટેક્ષટાઇલ ઉદ્યોગ ને વપરાશ માટે કુલ ૨૫૮ લાખ ગાંસડી કપાસની જરૂરિયાત રહે છે. જેમાં ૩૭% લંબતારી, ૫૩% મધ્યમતારી અને ૧૦% ટૂંકાતારી કપાસની જરૂરીયાત રહે છે. આમ, ભારતીય ટેક્ષટાઇલ ઉદ્યોગને દર વર્ષે ૧૩૦ લાખ ગાંસડી મધ્યમ-તારી કપાસ ની જરૂરીયાત રહે છે. જેની તારની લંબાઇ ૨૫ થી ૨૮ મી.મી. તેમજ તારની જાડાઇ ૪.૦ માઇક્રોનીયર ની હોય. આ જાતનાં કપાસની માંગને પહોચી વળવા મધ્યમતારી કપાસની આયાત કરવાની જરૂરીયાત રહે છે. હર્બેશીયમ કપાસની જાતો નાં ગુણધર્મો જોતા આ કપાસની માંગ જળવાઇ રહેશે. વધુમાં ગુજરાત સરકાર શ્રી ની કાપડ નિતિ-૨૦૧૨ જાહેર કરવામાં આવેલ છે તેનાથી રાજ્યમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનાં વિકાસને બળ મળશે અને કપાસની સ્થાનિક માંગ વધશે.
. વ્યવસાયિક ખેતીના યુગમાં ઓછો ખર્ચ અને વધારે ઉત્પાદન મળતું હોવાથી દેશી કપાસ ખર્ચ:
કપાસ પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, કાળી-બેસર જમીન વધુ માફક આવે છે. જે જમીનમાં લાંબાં સમય સુધી પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીન કપાસ પાક માટે અનુકુળ નથી. કપાસ ઉંડા મુળ ધરાવતો પાક હોઇ મુળનાં વિકાસ માટે તેમજ વાવેતર બાદ જમીનમાં ભેજ લાંબા સમય સુધી સચવાઇ રહે તે માટે આગળનો પાક લીધા બાદ તુરંત જ જમીનનાં પ્રકાર પ્રમાણે બે થી ત્રણ ખેડ કરી સમાર મારી જમીન સમતળ બનાવવી. ભારે થી મધ્યમ કાળી જમીનને દર બે થી ત્રણ વર્ષે એક વખત હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ જીવાંત, ઇંડા, કોષેટા વગેરે જમીનની સપાટી પર આવવાથી સુર્યની ગરમીથી અથવા પક્ષીઓ દ્વારા નાશ પામે છે, અને જમીનમાં ભેજનો સંગ્રહ વધારે થાય છે.
વાગડ વિસ્તાર માટે વિરમગામ કેન્દ્ર ઉપરથી જ વિકસાવેલ જાતો પૈકી વી.૭૯૭ (બંધ કાલા માટે), ગુજરાત કપાસ-૧૩ અને ગુજરાત કપાસ-૨૧ અને આણંદ દેશી કપાસ-૧ (અર્ધ ખુલ્લા કાલા માટે) જાતોની વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. પ્રમાણીત બિયારણ જાણીતી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ.
બીજને પારાયુક્ત ૨-૩ ગ્રામ દવા પ્રતિ કિલો બીજના પ્રમાણમાં પટ આપવો, અને પ્રવાહી જૈવીક ખાતર એઝેટોબેક્ટર ની (૫ મી.લી. પ્રતિ કિલો બીજ) માવજત આપવી.
દેશી કપાસનું વાવેતર જુનનાં છેલ્લા અઠવાડિયા પછી અસરકારક વરસાદ થયે તરતજ કરવું. વાવણી માટે જુલાઇ માસનું પ્રથમ પખવાડીયુ ખુબજ અનુકુળ સમય ગણાય છે. મોડી વાવણી (ઓગષ્ટ માસ) આર્થિક રીતે પોષણક્ષમ નથી.
વધુ ઉત્પાદન માટે એકમ વિસ્તારમાં પુરતાં છોડની સંખ્યા જાળવવી ખુબજ જરૂરી છે. સંશોધનની ભલામણો મુજબ બે હાર વચ્ચે ઓછામાં ઓછુ ૪ ફુટ (૪૮ ઇંચ) અને હારમાં બે છોડ વચ્ચે ૧ ફુટ (૧૨ ઈંચ) નું અંતર રાખીને હેક્ટર (૪ વિઘા) નાં વાવેતર માટે ૭ કીલો બીજનો દર રાખી વાવણી કરવી. આ અંતર થી વધારે અંતરે વાવણી કરવી હિતાવહ નથી.
વાગડ વિસ્તારમાં કપાસની વાવણી મુખ્યત્વે ઓરીને કરવામાં આવે છે. સામાન્ય રીતે બિનપિયત ખેતીમાં બીજ જમીનમાં ૪-૫ સે.મી. ઉંડાઇએ ભેજમાં પડે તેવી રીતે વાવેતર કરવું. જેથી બીજનો ઉગાવો પુરતો મળી રહે. નીચાણવાળી જમીનમાં પાણી ભરાઇ રહેતુ હોઇ ત્યાં પાળી બનાવી બીજ પાળા ઉપર વાવણી કરતાં છોડ પાણીથી કહોવાઇ જતો અટકાવી શકાય છે.
ખાસ કરીને કપાસનું વાવેતર ઓરીને કર્યુ હોય અને છોડની સારી સંખ્યા ઉગી નીકળેલ હોય તો કપાસના છોડ ૬ થી ૮ ઇચ ઉચાઇના થાય ત્યારે કપાસની હારમાં બે છોડ વચ્ચે ૧૨ ઇંચનું અંતર જાળવી એક જગ્યાએ એક છોડ રાખી વધારાના છોડ પારવી નાખવાં પરિણામે છોડનાં વિકાસ માટે પુરતી જગ્યા, હવા, પાણી અને પોષક તત્વો પુરતાં પ્રમાણમાં મળી રહેવાથી ઉત્પાદન વધુ મળે છે.
બીજની ઓછી સ્ફુરણશક્તિ તેમજ બીજનાં ઉગાવા માટે પ્રતિકુળ સંજોગોને કારણે ખાલા પડે છે. આવા ખાલા શક્ય તેટલા વહેલા પુરવા જેથી એકમ વિસ્તારમાં પુરતા છોડની સંખ્યા જળવાઇ રહે અને વધુ ઉત્પાદન મેળવી શકાય.
સેન્દ્રિય ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ, જમીનની નિતાર શક્તિ, હવાની અવર જવર તથા જમીનની પ્રત સુધારે છે. તે જમીનમાં રહેલ સુક્ષ્મ જીવાણુંઓનું સંવર્ધન તથા તેમની પ્રવૃત્તિમાં વધારો કરે છે. અને પોષકતત્વો પુરા પાડે છે. માટે પાયાના ખાતર તરીકે પાકને હેક્ટરે ૧૦ ટન (૪ થી ૫ ટ્રેઇલર) સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર દર ત્રણ ચાર વર્ષે એક વખત આપવું જોઇએ. જો સેન્દ્રિય ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો ચાસે ભરવું અને વરસાદ થયે તે ચાસ માં કપાસની વાવણી કરવી જોઇએ. દિવેલી ખોળ હેક્ટરે ૫૦૦ કિલો વાવણી પહેલા ચાસમાં આપવાથી સુકારના રોગની અસર ઓછી જોવા મળે છે.
રાસાયણીક ખાતરોમાં હેક્ટર દીઠ ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) બે સરખા ભાગે આપવો. ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન ખાતર વાવણી બાદ ૨૦-૨૫ દિવસે પારવણી તથા નિંદામણ કર્યા બાદ આપવો. બીજો હપ્તો વાવણી પછી આશરે ૪૫ થી ૫૫ દિવસે આપવો. ખાતર આપતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે. કપાસના પાકમાં ફોસ્ફરસ અને પોટાશ્યુક્ત ખાતરો આપવાની ભલામણ નથી. છતાં જમીનની ચકાસણી કરાવી જરૂર જણાયતો જ જે તે તત્વોની ઉણપ પ્રમાણે ખાતરો આપવા.
નિંદણ પાક સાથે પ્રકાશ, ભેજ અને પોષક તત્વો માટે હરિફાઇ કરે છે. પાક લગભગ ૬૦ દિવસનો થાય ત્યાં સુધી નિંદણ પાકને નુકશાન કરે છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તેથી હાથ નિંદામણ અને નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ તેમજ આંતર ખેડ કરી ખેતર નિંદામણ મુક્ત રાખવા જોઇએ. સંશોધનની ભલામણ મુજબ પેન્ડીમીથાલીન અથવા ફ્લુક્લોરાલીનનો હેક્ટર દીઠ ૯૦૦ ગ્રામ પ્રિ-ઇમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે નિંદામણ અને આંતરખેડ કરવી.
દેશીકપાસને વધુ પાણી માફક આવતુ નથી. છોડની દેહ ધાર્મીક ક્રિયાઓ માટે ભેજ સતત મળવો જરૂરી છે. આપણા વિસ્તારમાં સામાન્યત: પાણીની ઉપલબ્ધી મર્યાદીત છે. આથી પિયતની સગવડ હોય અને વરસાદ લંબાય તો કટોકટીની અવસ્થા જેવી કે મહતમ ફુલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ પિયત આપવું. જો વિસ્તાર વધુ હોય અને પાણી મર્યાદીત હોય તો પાકને એકાંતરે પાટલે (ચાસમાં) આપીને પણ પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
કપાસની દેશી જાતોમાં રોગ અને જીવાતનું પ્રમાણ નહીવત જોવા મળે છે. તેમ છતાં જ્યારે જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે જરૂરીયાત મુજબ યાંત્રિક, જૈવીક, તથા રાસાયણીક પધ્ધતિથી જરૂરીયાત મુજબ નિયંત્રણનાં પગલાં લેવાં.
કપાસના બીજા વિસ્તારોની સરખામણીમાં વાગડ વિસ્તારમાં કપાસની વીણી સીધી ના કરતાં કાલા સાથે જ તોડીને કરવામાં આવે છે. અને ત્યારબાદ સમય મળે કાલા ફોલાવીને કપાસ જુદો કરવામાં આવે છે. અને કાલાની વીણી ઝડપથી થાય તે હેતુથી વીણી ઉચ્ચક વજન ઉપર કરવામાં આવે છે. તેથી કપાસમાં કીટી કસ્તરનું પ્રમાણ ૧૬-૧૭ ટકા જેટલુ જોવા મળે છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ટકી રહેવા માટે કપાસને નિકાસ લાયક બનાવવા માટે કીટી કસ્તરનું પ્રમાણ ઓછું કરવુ ખુબજ અગત્યનું છે. જે કપાસની વીણી સમયે જરૂરી કાળજી લઇ મજૂરોને જરૂરી માર્ગદર્શન આપી કરી શકાય છે. તે માટે વીણીનાં દરને કપાસની ગુણવત્તા સાથે સાંકળવા જોઇએ. વીણીનો ખર્ચ ઘટાડવાનાં આશયથી એક જ વીણી કરવામાં આવેતો ધુળનાં રજકણો, કીટી ચોંટવાથી તેમજ કેટલીકવાર કમોસમી વરસાદથી કપાસની ગુણવત્તા ઘટી જાય છે. તારની ચમક ઓછી થાય છે. સુંવાળાપણું ઘટે છે. મજબુતાઇ પર અસર થાય છે. અને રંગ ઝાંખો પડે છે પરિણામે કપાસની કિંમત ઓછી મળે છે. માટે કપાસની વીણી કાલા ફાટે ત્યારે જમીન પરનાં સુકાં પાન, ધુળ, વગેરે ના ચોંટે તે રીતે સમય સર બે થી ત્રણ વખત કરવી જોઇએ.
અ. ફાર્મ પર લેવાના પગલા:
બ. ફાર્મ પર ‘ન’ લેવાના પગલાં:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020