অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લસણના ગુણવત્તા સભર નિકાસલક્ષી ઉત્પાદન માટેના ચાવીરૂપ મુદ્દાઓ

પ્રસ્તાવના

લસણની સ્થાનિક બજારમાં ખૂબ જ માંગ રહે છે. આ ઉપરાંત લસણનો ઉપયોગ સંગ્રહ માટે, સુકવણી માટે તેમજ નિકાસ માટે થાય છે. જેમાં જરૂરીયાત મુજબ લસણની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી ખેડૂતો નિકાસ કરી વધારે ભાવ મેળવી શકે. ગુજરાત રાજયમાં આપણે મોટેભાગે સ્થાનિક બજાર અને સંગ્રહને ધ્યાનમાં રાખીને જ લસણની ખેતી કરીએ છ ીએ. પરંતુ દર વર્ષે લસણની નિકાસ કરી ભારત દેશ સારૂ એવું વિદેશી હુંડિયામણ મેળવે છે. નિકાસમાં નેધરલેન્ડ, સ્પેન પછી ભારત ત્રીજા ક્રમે આવે છે. જેથી વિશ્વ વ્યાપારમાં ટકવા માટે આપણે પ્રોસેસિંગ અને નિકાસને ધ્યાનમાં રાખીને લસણનું વધુ ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ આ લેખમાં આપવામાં આવેલ છે.

આબોહવા

જમીન અને જમીનની તૈયારી

વાવેતર સમય, અંતર, વાવણીની રીત અને બીજનો દર

લસણના પાકને ઠંડી, સુકી આબોહવા વધુ માફક આવે છે. લસણના દડાના વિકાસ માટે ઠંડી અને લાંબી રાત્રીવાળુ વાતાવરણ વધુ માફક આવે છે.

પોટાશતત્વ ધરાવતી ગોરાડુ, બેસર કે મધ્યમકાળી અથવા કાળી જમીન તેમજ સારા નિતારવાળી જમીન અનુકુળ આવે છે. લસણના પાકના મુળીયા છીછરા હોવાથી ઉંડી ખેડની જરૂર નથી.

ગુજરાત રાજયમાં લસણનું વાવેતર શીયાળુ ૠતુમાં ઓકટોબર–નવેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. સંશોધનના પરિણામો પરથી જાણવા મળેલ છે કે ૧૦ થી ર૦ મી ઓકટોબર દરમ્યાન વાવેતર કરવાથી લસણનું વધુ ઉત્પાદન મળે છે.

વાવણીની રીત

થાણી ને

છાંટીને

વાવણીયાથી ઓરીને

આ પધ્ધતિમાં બે હાર વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. તથા હારમાં બે કળીઓ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખી અગાઉથી તૈયાર કરેલ કયારામાં હાથથી વાવેતર કરવામાં આવે છે. આ પધ્ધતિથી એક હેકટરના વાવેતર માટે પ૦૦ થી ૬૦૦ કી.ગ્રા. કળીઓની જરૂરીયાત રહે છે.

આ પધ્ધતિમાં અગાઉથી તૈયાર કરેલ કયારામાં કળીઓ હાથથી એકસરખી છાંટવામાં આવે છે. ત્યાર બાદ ખંપાળીની મદદથી જમીનમાં ભેળવી તુરત પાણી આપવું. આ પધ્ધતિમાં એક હેકટરના વાવેતર માટે ૭૦૦ કિ.ગ્રા. કળીઓની જરૂરીયાત રહે છે.

આ પધ્ધતિમાં યોગ્ય માપના સપાટ કયારા બનાવી દંતાળ  દ્રારા ૧પ સેમી. ના અંતરે બળદ કે ટ્રેકટર દ્રારા વાવેતર કરવામાં આવે છે. અત્યારે મોટાભાગના ખેડૂતો આ પધ્ધતિ દ્રારા મોટા પાયે વાવેતર કરે છે. આમાં એક હેકટર દીઠ ૭૦૦ થી ૮૦૦ કી.ગ્રા. કળીઓની જરૂરીયાત રહે છે.

લસણની સુધારેલી જાતો

લસણની નિકાસ માટેની જાતો

પાઉડર માટેની જાતો

ગુ.લસણ–ર, ગુ.લસણ–૩, ગુ.લસણ–૪, એગ્રીફાઉન્ડસફેદ (જી.૪૧), યમુના સફેદ–૧(જી–૧), યમુના સફેદ–ર (જી–પ૦),યમુના સફેદ–૩(જી–ર૮ર), એગ્રીફાઉન્ડપાર્વતી, એનઆરસીઓજી–પ૦ તથા એનઆરસીઓજી–ર૦૦

યમુના સફેદ–૩, એગ્રીફાઉન્ડ પાર્વતી, જીજી–ર અને જીજી–૪

 

જીજી–૩, એગ્રીફાઉન્ડ સફેદ(જી–૪૧) અને યમુના સફેદ–ર

(જી–પ૦)

છાણીયુ ખાતર

રાસાયણીક ખાતર

ર૦ થી રપ ટન પ્રતિ હેકટર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું.

લસણના પાકમાં  પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને પ૦ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેકટરે  આપવાની  ભલામણ છે, એટલે કે પાયાના  ખાતર  તરીકે  ડી.એ.પી. ૧૧૦  કિ.ગ્રા.,યુરીયા ૧૧ કિ.ગ્રા., મ્યુરેટ ઓફ પોટાશ ૮પ કિ.ગ્રા./ હે.  અને પુર્તિ ખાતર તરીકે યુરીયા પ૪ કિ.ગ્રા./ હેકટર આપવુ જોઈએ.

પિયત :

લસણના પાકના મૂળ છિછરા અને પાતળા તંતુમૂળ હોય છે. આથી લસણના પાકને હલકા પરંતુ વધારે પિયતની જરૂર રહે છે. દક્ષિણ સૈારાષ્ટ્રમાં લસણના પાકને પ સે.મી. ઉંડાઈના ૧૪ પિયત આપવાની ભલામણ છે. લસણના વાવેતર બાદ તુરત જ હળવું પિયત આપવુ, બીજું અને ત્રીજું પિયત પ દિવસના ગાળે, ચોથાથી અગિયારમાં પિયત સુધી ૭ થી ૮ દિવસે પિયત આપવું. બાકીના પિયત ૮ થી ૧૦ દિવસના ગાળે આપવા. પાછલી અવસ્થા એટલે કે વાવેતરના ૭૦ દિવસ બાદ બે પિયત વચ્ચે નું અંતર વધારવું જોઈએ જેથી લસણની ગાંઠો બંધાયા બાદ દેહધાર્મિક ક્રિયામાં થોડું પરિવર્તન આવી જવાથી કળીઓ ફુટી/ઉગી જાય છે  તેનું પ્રમાણ ઘટાડી શકાય.

આંતર ખેડ અને નિંદામણ નિયંત્રણ :

લસણનું વાવેતર સાંકડા અંતરે થતું હોવાથી ખેતી ઓજાર ચલાવી આંતર ખેડ કરી શકાતી નથી તેથી શરૂઆતના બે માસ દરમ્યાન એક થી બે વખત ખુરપી દ્વારા હાથથી ગોડ કરવી. નિંદણ નિયંત્રણમાં રાસાયણિક નિયંત્રણ જોઈએ તો લસણના વાવેતર બાદ પ્રથમ પિયત પછી બીજા દિવસે પેન્ડામીથીલીન (સ્ટોમ્પ) ૪૦ મી.લી. પ્રતિ ૧૦ લીટર અથવા તો વાવેતર પહેલા બાસાલીન ૪૦ મી.લી. પ્રતિ ૧૦ લીટર પ્રમાણે (હેકટર દીઠ ર લીટર પ્રમાણે પ૦૦ લીટર) પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. તેમજ જરૂરીયાત મુજબ ર થી ૩ વખત હાથથી નિંદામણ કરી પાક નિંદણ મુકત રાખવો.

કાપણી, સુકવણી અને સંગ્રહ :

લસણનો પાક આશરે ૧૩૦–૧૩પ દિવસે તૈયાર થાય છે. લસણના છોડની ટોચનો ભાગ સુકાઈને બદામી રંગનો થાય અને જમીન તરફ ઢળે ત્યારે માનવું કે લસણના દડા કાપણી માટે તૈયાર થઈ ગયેલ છે. આ સમયે કંદને ઈજા ન પહોંચે તે રીતે રાંપ ચલાવીને લસણને પાન સાથે ઉપાડવું. ત્યારબાદ તેની નાની નાની જુડીઓ બનાવીને સીધી હારમાં બે દિવસ સુધી ખેતરમાં રાખી પછી જુડીઓને છાંયાવાળી જગ્યામાં લઈ ગયા પછી પાસે પાસે ઉભી ગોઠવવામાં આવે છે. અને ત્યાર બાદ લસણના કંદ ઢંકાઈ જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આ રીતે દાબો નાખ્યા પછી ર૦ થી ૩૦ દિવસે બીટણી કરવામાં આવે છે. જેમાં કંદથી ર.પ થી ૩ સે.મી ડીંટનો ભાગ રહેવા દઈ પાનનો ઉપરનો ભાગ કાપી નાખવામાં આવે છે. તેમજ લસણના ગાંઠીયા નીચેના તંતુમૂળ દૂર કરવામાં આવે છે. આ રીતે લસણનાં બીટેલા ઢગલાને ઉપાડીને સારા ગાંઠીયાને આછા શણની ગુણમાં ભરીને ઓરડા/ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે.

પાક સંરક્ષણ રોગ :

ભુકીછારો

લસણમાં આ રોગ પાકની પાછલી અવસ્થાએ જોવા મળે છે. રોગના લક્ષણોમાં જોઈએ તો જુના પાન ઉપર સફેદ રંગની ફૂગ જોવા મળે છે. વધારે પડતા રોગને કારણે પાન જલદીથી સુકાઈ જાય છે પરિણામે કંદના કદમાં ઘટાડો થતાં ઉત્પાદન ઓછું મળે છે.

 

નિયંત્રણઃ આ રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૦.૦પ ટકા એટલે કે ૧૦ ગ્રામ દવા, ૧૦ લીટર પાણીમાં ભેળવી રોગની શરૂઆત થાય કે તુરત જ છંટકાવ કરવો. ત્યાર બાદ ૧૦ થી ૧ર દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

સુકારો :

રોગની શરૂઆતમાં પાન ઉપર કાળા ડાઘ જોવા મળે છેે, અને પાછળથી છોડ નમીને સુકાય જાય છે. આ રોગનો ઉપદ્રવ ઓછો હોય તો છોડ સુકાતા નથી, પરંતુ કંદની વૃધ્ધિ અટકી જાય છે

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે  બોર્ડો મિશ્રણ પઃપઃપ૦ નાં પ્રમાણમાં ત્રણ છંટકાવ કરવા અથવા મેન્કોઝેબ રપ થી ૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીં અથવા બાવિસ્ટીન પ થી ૭ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

 

જીવાત :

થ્રીપ્સ :

લસણનાં પાક ને નુકશાન કરતી જીવાતોમાં થ્રીપ્સ જીવાત સૈાથી વધારે નુકશાન કરે છે. આ જીવાત પાન ઉપર ઘસરકા કરે છે. પાન ઉપર સફેદ રંગના ડાઘ દેખાય છે. વધારે ઉપદ્રવ હોયતો પાન કોકડાય જાય છે અને છોડની વૃધ્ધિ અટકી જાય છે.

નિયંત્રણઃ ચુસિયા (થ્રીપ્સ)ના નિયંત્રણ માટે ડાયામીથીઓટ ૩૦ ઈ.સી. (૦.૦૩ ટકા) ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં અથવા  ઈમીડાકલોપ્રાઈડ૦.૦૦પ% અથવા થાયોમિથોકઝોન ૦.૦રપ % પ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં  ઓગાળીને વારા ફરતી છંટકાવ કરવો.

ઉત્પાદન

લસણના ગાંઠીયાના ઉત્પાદનનો આધાર જમીનના પ્રકાર, વાવેતર સમય, પાક સંરક્ષણ, આબોહવા તથા જાત અને માવજત ઉપર રહેલો છે. જો બધા સંજોગો અનુકુળ હોયતો હેકટરે સરેરાશ ૮ થી ૧૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.

સ્ત્રોત: ડો. ડી.બી.પ્રજાપતિ તથા ડો. એમ. એ. વાડદોરીયા, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણ–૩૮ર ૭૧૦, જી. મહેસાણા અને શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate