অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ અને તેની વિગત

ખેત ઉત્પાદન ક્ષેત્રે ભારતે હરણફાળ ભરી છે. વધુ ઉત્પાદન આપતી જાતો ખેડૂતો વાવતા થયા છે. આ વધુ ઉત્પાદન આપતી જાતોમાં રોગ–જીવાતોના ઉપદ્રવના પ્રશ્નો વધ્યા છે. વધુ રાસાયણિક ખાતરોના ઉપયોગનો આ જાતો સારો પ્રતિભાવ ઉત્પાદન ધ્વારા આપે છે. બદલાતા સમય સાથે ખેતીમાં વપરાતા ઈનપુટના ભાવો વધ્યા છે. તેના પ્રમાણમાં ખેત ઉત્પાદનના ભાવોમાં વધારો જોવા મળતો નથી. મહતમ ઉત્પાદન આપવાની જાતોની અને જમીનની ક્ષમતા પણ મર્યાદીત છે. ત્યારે ખેતીમાં વધારાના ઈનપુટ અને ખેત પધ્ધતિઓનો સમજપૂર્વક ઉપયોગ અને અપનાવવાથી આપણને વળતરપૂર્વક ઉત્પાદન મેળવી શકીએ તેમ છીએ. આમાં કેટલીક બાબતો ખર્ચ વગરની અને કેટલી ઓછા ખર્ચવાળી છે. તેની વિગત આ પ્રમાણે છે.

ખર્ચ વગરની / ઓછા ખર્ચવાળી ખેતી પધ્ધતિઓ

  1. વાવણીનો સમય : કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ જે તે સમયે પાકોનું વાવેતર કરવું. ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય ત્યારબાદ વહેલી તકે વાવેતર કરવાથી ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. મગફળીનું મે મહિનામાં છેલ્લા અઠવાડિયામાં (મૃગશિષ નક્ષત્રમાં) વાવેતર કરવાથી રપ ટકાનો ઉત્પાદનમાં વધારો જોવા મળે છે.
  2. વાવેતરનું અંતરઃ જુદા જુદા પાકોનું વાવેતર ભલામણ મુજબ જ કરવું જોઈએ. જેમકે, આડી જાતોની મગફળી ૬૦ સે.મી. અને ઉભડી જાતોની મગફળી ૪પ સે.મી.નું અંતર બે હાર વચ્ચે રાખવાથી વધુ ઉત્પાદન મળે છે.
  3. બીજની માવજત : બીજના સડા તથા જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં એક કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપી વાવેતર કરવું.
  4. બિયારણની પસંદગી : કોઈપણ પાકને હાઈબ્રીડ કે સુધારેલી જાતનુ સર્ટિફાઈડ બિયારણ પસંદ કરવું આવશ્યક છે. કારણ કે બિયારણનો કુલ ઉત્પાદનમાં ર૦ ટકા ફાળો હોય છે.
  5. બિયારણનું પ્રમાણ : દરેક પાકમાં ભલામણ મુજબ હેકટર દીઠ બિયારણનું પ્રમાણ રાખવાથી જે તે પાકમાં હેકટરે છોડની સંખ્યા જળવાઈ રહે છે અને પૂરતુ ઉત્પાદન મળે છે. દા.ત. ઘઉંમાં હેકટરે ૧૦૦ કિગ્રા. બિયારણ વાપરવાની ભલામણ છે.
  6. ખાલાં પુરવા : દરેક પાકમાં ઉગાવાની સાથે જ વહેલી તકે ખાલા પુરવા આવશ્યક છે. જેથી છોડની સંખ્યા જળવાઈ રહે. મગફળી જેવા પાકમાં મોડુ થાય તો મગ, અડદ, તલ કે મકાઈ જેવા ટુંકાગાળાના પાકોથી ખાલા પુરવાથી પુરક ઉત્પાદન અને આવક મળી શકે.
  7. એગ્રી. બાયો ટેકનોલોજીનો ઉપયોગ

જૈવિક ખાતરો ( બાયો ફર્ટિલાઈઝર)

સોરાષ્ટ્ર વિસ્તારની પરિસ્થિતિમાં મગફળી જેવા પાક માટે બાયો ફર્ટિલાઈઝર રાઈઝોબીયમ કલ્ચરના રુપમાં મળે છે. વાવણી વખતે બિયારણને કલ્ચરનો પટૃ આપી વાવેતર કરવાથી પાક ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. ગુજકોમાસોલ અને જીએસએફસી કંપની આનુ વેંચાણ કરે છે. હેકટર દીઠ ર કિલોગ્રામ કલ્ચરની જરુરીયાત રહે છે જેનો અંદાજીત ખર્ચ ફકત રુ.ર૪/– થાય છે.

જૈવિક નિયંત્રણ (બાયો કન્ટ્રોલ)

જૈવિક નિયંત્રણ માટે કિટકોનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેમકે, લેડી બર્ડબીટલ (દાળીયા), ટ્રાઈકોગ્રામા (ઈંડાની પરજીવી) ક્રાઈસોપા જે મશી, તડતડીયા, થ્રીપ્સ વગેરે જીવાતોને ખાઈ જાય છે અને તે દ્વારા તેનું નિયંત્રણ થાય છે.

જમીન સુધારકોનો ઉપયોગ :સૈારાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને મગફળીના પાકમાં જીપ્સમના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે તેનાથી જમીનમાં ક્ષારનુંં પ્રમાણ ઘટે છે. જમીન પોચી બને છે અને પાક ઉત્પાદન વધે છે. જીપ્સમની કિંમત નજીવી છે અને જીએનએફસીના ડેપો ઉપરથી પ૦ ટકા સબસીડી થી મળે છે.

કાપણીનો સમય :પાક તૈયાર થયે સમયસર કાપણી કરવી જરુરી છે. તેથી પાકની ગુણવતા જળવાઈ રહે છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થતી નથી. મગફળીના પાકમાં મોડુ કરવાથી મગફળીના ડોડવા જમીનમાં તૂટવાથી ઉત્પાદન ઘટે છે. ઘઉના પાકમાં કાપણી મોડી થાય તો ઘઉં ખરવાથી ઉત્પાદન ઘટે છે.

મલ્ચીંગ (આવરણ) : મગફળી જેવા પાકોમાં ફાર્મ વેસ્ટ કે પ્લાસ્ટીકના પટનો મલ્ચ તરીકે ઉપયોગ કરવાથી અછતવાળા વર્ષોમાં બમણુ ઉત્પાદન મળે છે.

પાક પધ્ધતિ

પાકની પસંદગી: સામાન્ય રીતે ખેડૂતો જે ખેત પેદાશ (પાકો)ના બજાર ભાવ વધારે હોય તેનું વાવેતર કરે છે તેથી જરુરીયાત કરતા વધારે પાક ઉત્પાદન થવાથી જે તે પેદાશના ભાવ ઘટે છે. તેથી ખેડૂતોએ બજારમાં જે પાક પેદાશની છત હોય તે પાકની પસંદગી કરવી હિતાવહ છે.

પાકની ફેરબદલી:  જમીનની ફળદુ્રપતા જાળવવા તેમજ પાકના રોગ અને જીવાતોને કાબુમાં લેવા પાકની ફેરબદલી અગત્યનો ભાગ ભજવે છે. જેમકે, મગફળી પછી કપાસનો પાક લેવામાં આવે તો મગફળીના મુળ જમીનમાં ઉંડા જતા નથી જયારે કપાસના સોટી મુળ જમીનમાં ઉંડેથી પોષકતત્વો મેળવેછે. તેથી જમીનની ફળદુ્રપતા જળવાઈ રહે છે અને રોગ જીવાત ઓછી લાગે છે.

આંતર પાક:  સૈારાષ્ટ્ર વિસ્તારમાં મગફળી–દિવેલા (૩ :૧) અથવા મગફળી – –તુવેર (૩ :૧) ત્રણ લાઈન મગફળી પછી એક લાઈન દિવેલા/તુવેરનું વાવેતર કરવાથી મગફળીના એકલા પાક કરતા વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે.

રીલેપાક પધ્ધતિ

સંશોધનની ભલામણ મુજબ મગફળી જેવા પાકોમાં છેલ્લી આંતર ખેડ કર્યા બાદ (વાવેતરના એક મહિના પછી) બે હાર વચ્ચે તુવેર જેવા પાકોનું વાવેતર કરવાથી મુખ્ય પાકમા ઘટાડો થયા વગર તુવેરનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે.

મીકસ ફાર્મિંગ

ખેતીની સાથે સંલગ્ન પશુપાલન, ડેરી, પોલ્ટ્રી, મરઘા ઉછેર, ફીશ ફાર્મિંગ જેવા સાહસો કરવાથી રોજગારી, ઉત્પાદન અને આવકમાં વધારો થાય છે.

ખેત સાધન–સામગ્રીનો કાર્યક્ષમ ઉપયોગ

ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ : દરેક ખેડૂતોએ પોતાની જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી, પાકની ભલામણ મુજબ જરુર પુરતા જ સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરો આપવા જોઈએ.

સેન્દ્રિય ખાતરો : જમીન તૈયાર કરતી વખતે છાણીયું / કમ્પોસ્ટ ખાતર જેવા સેન્દ્રિય ખાતરોના ઉપયોગથી જમીનનું પોત સુધરે છે. ભેજ સંગ્રહશકિત વધે છે અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનનું સેન્દ્રિય ઉપજ (ઓર્ગેનિક પ્રોડકટ) તરીકે વેંચાણ કરવાથી ર૦–રપ ટકા વધુ ભાવો મળી શકે છે.

રાસાયણિક ખાતરો : સંશોધનોની ભલામણ મુજબ દરેક પાકમાં રાસાયણિક ખાતરનો પ્રથમ હપ્તો પાયાના ખાતર તરીકે ચાસમાં વાવણી પહેલાં ઓરીને આપવું હિતાવહ છે. તેવી જ રીતે પુરક ખાતરો પણ ભલામણ મુજબ ચોકકસ સમયે અને ચોકકસ રીતે આપવા જરૂરી છે. તેમજ રાસાયણિક ખાતરો પાક ઉપર છાંટી પિયત આપવાથી ખાતરોનું ધોવાણ થાય છે.તેથી પૂરક ખાતરો પણ પાકની લાઈન બાજુમાં ચાસ કરી અથવા છોડ ફરતે રીંગ કરી આપવા હિતાવહ છે.

પાણી

પાક ઉત્પાદન માટે જમીનમાં પુરતો ભેજ જળવાઈ રહે તે જરુરી છે. વધારે પાણી આપવાથી જમીન બગડે છે અને પાણીનો વ્યય થાય છે. દરેક પાકની ક્રાિંંતક અવસ્થાએ ભેજ જળવાઈ રહે તે જરુરી છે. ચોમાસુ બિનપિયત પાકોમાં અનિયમિત વરસાદને લીધે પાક ઉત્પાદન ઘટે છે. તેથી મગફળી જેવા પાકની ક્રાંતિક અવસ્થાઓ છોડમાં ફૂલ આવવા, સુયા બેસવા, ડોડવાનો વિકાસ જેવા સમયે જમીનમાં પુરતો ભેજ ન હોય તો આરક્ષિત પિયત આપવાથી પાક ઉત્પાદનમાં પ૦ ટકા જેવો વધારો થાય છે.

પિયત પધ્ધતિ

પિયત માટે સુધારેલી પિયત પધ્ધતિઓ જેવી કે, ફુવારા પિયત પધ્ધતિ અથવા ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવાથી પ્રાપ્ત પાણીના જથ્થામાં ૪૦૦ ટકા સુધી પિયત વિસ્તાર વધારી શકાય છે. પાકની જરુરીયાત મુજબ પાણી મળવાથી રોગ – જીવાત ઓછા લાગે છે અને પાક ઉત્પાદનની ગુણવત્તા જળવાય રહે છે.

પાક સંરક્ષણ

પાક ઉત્પાદનમાં પાક સંરક્ષણનો ફાળો ૪૦ ટકા જેટલો છે. તેથી પ્રથમ રોગ કે જીવાત લાગે તે માટે બિયારણની માવજત તેમજ નિંદામણ મુકત ખેતરો રાખવા જરુરી છે. જે તે પાકના રોગ કે જીવાતની ઓળખ અને તેના ઉપાયોની સંપૂર્ણ માહિતી હોવી જરુરી છે. જેથી રોગ કે જીવાતની શરુઆત થાય કે તુરત જ યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઈએ. એક વખત દવા છાંટવાથી તેની અસર ૧પ દિવસ સુધી રહેતી હોવાથી ટુંકાગાળાના પાક માટે ત્રણ છંટકાવ કરવાથી પાકને રોગ–જીવાતથી થતુુ નુકસાન અટકાવી શકાય છે. દવાના છંટકાવમાં દવાની પસંદગી, દવાનો ડોઝ – જથ્થો તેમજ પંપની પસંદગી અને દવાના છંટકાવમાં સંપૂર્ણ કાળજી લેવી જરુરી છે.

મૂલ્ય વૃધ્ધિ

પાક ઉત્પાદનનું યોગ્ય વળતર / પૂરતા ભાવો ખેડૂતોને મળતા નથી તે માટે મૂલ્ય વૃધ્ધિ આવશ્યક છે. તેમાં.

સફાઈ અને સુકવણી : પાક ઉત્પાદનમાં કચરો, કાંકરી વગેરે દૂર કરી તેની સંપૂર્ણ સુકવણી કરવાથી તેમાં ભેજના ટકા ઘટી જાય છે. સામાન્ય રીતે આઠ ટકા સુધી ભેજ ગ્રાહય છે. આમ કરવાથી પાક ઉત્પાદન લાંબા સમય સુધી ખરાબ થતો નથી અને તેની ગુણવત્તા જળવાઈ રહે છે.

સંગ્રહ : પાક ઉત્પાદનના સંગ્રહ માટે ઉંદર મુકત ગોડાઉનો જરુરી છે. તેમજ ગોડાઉનોમાં હવાની અવર–જવર અને યોગ્ય તાપમાન જળવાઈ રહે તે જોવું જરૂરી છે. ફળ–શાકભાજી જેવી પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ જરૂરી છે. જેથી યોગ્ય બજાર ભાવો મળે ત્યારે પાક ઉત્પાદનનું વેંચાણ કરી શકાય.

ગુણવત્તા ક્રમ: પાક ઉત્પાદનની સફાઈ, સુકવણી કયા પછી તેનું ગે્રડીંગ જરુરી છે. જેથી ખેડૂતોને ગુણવત્તાના આધારે પાક ઉત્પાદન કિંમત બજારભાવ કરતા ર૦–રપ ટકા વધારે મળે છે. ઘઉં માર્કેટ યાર્ડમાં જથ્થામાં વેંચાણ કરવાને બદલે ગે્રડીંગ કરી વેંચાણ કરવાથી ભાવ રૂ.૧પ૦/–ને બદલે રૂ.ર૦૦/– મળે છે.

પ્રોસેસીંગ (રુપાંતરણ) : ખેત ઉત્પાદનનું સારુ વળતર મેળવવા પ્રોસેસીંગ જરુરી છે. જેમકે, મગફળીનુું સીધુ વેંચાણ કરવાને બદલે તેની ૧૦૦ જેટલી જુદી જુદી બનાવટો પૈકી રુપાંતર કરી વેંચવાથી વધુ નફો મળે છે. જેમકે, મગફળીના વેંચાણને બદલે તેલ કાઢી તેલ અને ખોળનું વેંચાણ કરવું ફાયદાકારક છે.

પેકેજીંગ (ગાંસડી, પોટલા, પેટીમાં ભરવું) : પાક ઉત્પાદનનું છુટુ વેંચાણ કરવાને બદલે ચોકકસ વજનના પ, ૧૦, ૧પ, ર૦ કિલોના આકર્ષક પેકીંગ બનાવી, વેંચવાથી પૂરતુ વળતર મળે છેે. જેમકે, જીરાનો ભાવ ૧ કિલોના ૧૦૦ની આસપાસ હોય છે જયારે રપ, પ૦ કે ૧૦૦ ગ્રામના પેકીંગમાં રુ. ૧પ૦/–ના ભાવે વેંચાય છે. શાકભાજીના બિયારણો પણ આ જ રીતે વેંચાય છે. ખેત ઉત્પાદન ઉપભોગતા (ગ્રાહક) સુધી પહોંચાડતા માર્કેટ યાર્ડ, એજન્ટો, મોટા વેપારી અને નાના વેપારી પાસેથી પસાર થાય છે. તેથી ઉત્પાદનની કિંમત ખેડૂતોને પુરતી મળતી નથી. ખેડૂતો પોતાના ઉત્પાદનનું જેમ સીધુ વેંચાણ કરે તેમ તેને વધુ ફાયદો મળે છે.

શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate