પરિવર્તન દરેક બાબતે કુદરતી છે અને તે આપણી ખેતીની પદ્ધતિમાં પણ આવ્યું છે. હરિયાળી ક્રાંતિ તરીકે જાણીતી ચળવળના પરિણામે આજે દેશમાં જ્યાં દેશવાસીઓને ખાવા જોગ અનાજ પૂરું પડતું નહોતું ત્યાં અનાજ નિકાસ કરી શકીએ છીએ, પરંતુ પરિવર્તનના પવનમાં કેટલુંક નુકસાન પણ થઈ જાય છે. અહીં પણ અનાજ ઉત્પાદન વધવાની સાથે પાકનું વૈવિધ્ય ભુલાઈ રહ્યુ છે. ૨૩ ડિસેમ્બરના 'કિસાન દિવસ'ને યાદ કરીને ચાલો તપાસીએ કે હરિયાળી ક્રાંતિએ બધાના પેટ ભરવાની સાથે કેટલું નુકસાન કર્યું છે.
એક સમયે આપણા ખેડૂતો પોતાને અને પોતાનાં પશુઓને આખું વર્ષ અનાજ ઉપરાંત જે ધાન્ય જોઈએ તે ખેતરમાં ઊગાડી લેતાં હતાં. બધા સ્વાયત્ત હતા. ખેડૂતને અને ઘરની ગૃહિણીને પોતાના વડીલો પાસેથી મળેલું નક્કર જ્ઞાન હતું કે કયા ધાન્યમાં કેવાં તત્ત્વો છે, તેની વર્ષમાં કેટલી જરૃર પડશે વગેરે. ધીમે ધીમે એ ડહાપણ ઘસાતું ચાલ્યું. રોકડિયા પાક ઉતારવાની અને ધનવાન બનવાની હરીફાઈ જોર પકડવા લાગી. ઓછા પાણી અને ખાતરે વધુ દળ ઉતારતા હાઈબ્રીડ બિયારણ શોધી આપ્યા. પછી પોષક તત્ત્વોને બદલે કેટલો ઉતાર આવે છે એની જ ચર્ચા ચાલી. આજે એવી સ્થિતિ એવી છે કે ભાગ્યે જ કોઈ ખેડૂતને બધાં ધાન્યનાં નામ પણ યાદ હશે.
એક સમય હતો કે ગામેગામ ખેડૂતો પોતાનાં નાનાં-નાનાં ખેતરમાં પણ અનેક જાતનાં ધાન્યો પકવતા હતા. મગફળી, બાજરી, ઘઉં, ડાંગર જેવા મુખ્ય પાક સાથે એક જ ખેતરમાં જરૃરિયાત પ્રમાણે જવ, રાળો, રાજમા, મગ, મઠ, લાંગ પણ પકવતા. તેલ-મસાલા માટે કળથી, અળવી, સરસિયા, લસણ, ધાણા, જીરું પકવતાં અને શાકભાજી માટે ચિભડા, ગલકાં, તૂરિયાં, મરચાં, રીંગણ જેવાં શાકભાજી પણ પકવતાં હતાં.
માણસા તાલુકાના અમરાપુરની ગ્રામભારતીએ ધાન્યની પરંપરાગત જાતો રાજ્યમાં દેશી બીજોની મોજણી અને નોંધણીનો કૃષિ વિવિધતા સંશોધન પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમની મોજણી પ્રમાણે, માત્ર ડાંગર(ચોખા)માં દાહોદ જિલ્લામાં વરી, કાળાબાદલ, નવારા, ધણા, કાજલ, બરુ, કોલંબો, હિંદડી, જેડજીરા, પંખી, ઢીંમણી, કોલમ, મસૂરી, ગુજરાત, શીતી જાતો છે. ડાંગ જિલ્લામાં જયા, ફુટિયા, રત્ના, તુળશીયા, કાકુડી, સરબતી જાતો છે. પંચમહાલ જિલ્લામાં ડાંગરની કાજોળ, જેડ, ઓરણ, હાઇટી, સુખવેલ, ઢેબરી, ગોળાહાર, ડાભળાહાર, સુતરહાર, શ્રાવણિયા, હાઠી, ઠુમડી, કાળી અશીયાળી, ટુકડી, શિવપુરી, જીરાહાર, સાઠી, કાળી પાથરિયું, ભાઢોળિયા, ધાણાહાર જાતો છે. ડાંગ જિલ્લામાં ડાંગરની જયા, ફુટિયા, રત્ના, ખરસીયા, કાકુડી, કુટિયા જાતો છે. તો ખેડા જિલ્લામાં ઢેબરી, કંકુહાર, સાંઠી, જીરાહાર અને વલસાડ જિલ્લામાં ટાયચુન, બમ્બેક રચણ, કુડા, ફુટે, સુખવેલ તેમજ સાબરકાંઠામાં રાતી, સુતર, ઓકલો જાતો છે. નવસારીના વાંસદામાં જીરીયું, સુરતના વ્યારામાં સુગંધીદાર સ્વાદિષ્ટ કીરલે, ધોળકામાં બાસમતીનો પાક લેવાય છે.
ચોખાની દરેક જાતની એક આગવી ખાસિયત છે. ઓકલો જાતની ડાંગર સાવ ઓછા પાણીએ પાકે તો જાડી જાતની ડાંગર પકવવા પુષ્કળ પાણી જોઈએ. આમાં કોઈ ડાંગર એકરે ૧૦૦ મણ થાય તો કીરલે જેવી જાત ૧૪ મણ જ થાય. પંચમહાલના શહેરા વિસ્તારમાં થતાં હાઠી(સાઠી) ચોખા ૬૦ દિવસમાં પાકે તો કોઈ નવારા ૯૦ દિવસે પાકે. કડાણા વિસ્તારમાં થતી જાત નવારાનો દાણો કાળો અને લાલ પૂંછડીવાળો કલરફુલ હોય તો ફતેપુરા વિસ્તારમાં થતાં પંખીમાં બંને બાજુ પાંખો હોય છે. આ તો હયાત જાતો છે, કેટલીય જાતો નામશેષ થઈ ગઈ છે.
બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા ધાન્યની અનેક જાતો થતી. ઉપવાસમાં ખવાતું બટેટા જેવું કાંદાગોળું, શાક બનાવીને ખવાતી કાનખડી, વાના રોગી માટે અતિ ઉપયોગી એવી વાલાકડી, વરી, ખરસાણી, શાક બનાવીને ખવાતા દોડકા, રાજમા, કુડીદ, મઠ, કળથી, કળોત, અળવી, અસારીયા, શક્કરિયા, પાંદડાંની ભાજી બનાવવામાં વપરાતું આળુ, કાળીજીરી, બાફીને ખવાતા રવા, ગોપચા, હવરો, બીજનો લાડવામાં અને પાંદડાંનો ભાજીમાં ઉપયોગ થાય તેવી માટાની ભાજી, વરઈ, ખીચડી બનાવવા વપરાતો રાડો, રોટલા બનાવવા વપરાતા જવ, દવા માટે ઉપયોગી એવી ગીલોળી... આ અને આના સિવાયના કેટલાય પાક જેમાંથી ઘણાના તો નામની પણ આજે આપણને ખબર નથી.
જ્યાં ઠંડી, ગરમી અને વરસાદનું કંઈ જ નક્કી ન હોય એવા વિસ્તારોમાં અનેક પાક એકસાથે વાવવામાં આવતા. પરિણામે હવામાન અણધાર્યું બદલાય તો પણ કોઈને કોઈ ધાન્યનો પાક સફળતાથી પાર પડે. જેમ કે હિમાલયની 'બારાનાજા' પદ્ધતિ. આ પદ્ધતિમાં ખેતરમાં એકસાથે જુદાં જુદાં પ્રકારનાં ૧૨ ધાન્ય વાવવામાં આવે છે. જેમાં મુખ્ય બરછટ ધાન્યો હોય છે. એવી જ રીતે, રાજસ્થાનમાં 'સાત ધાન'ની પદ્ધતિ જાણીતી છે. જેમાં જુદાં જુદાં પ્રકારનાં ધાન્યનું વાવેતર કરાય છે. દક્ષિણ ભારતમાં 'પન્નન્દુ પંટાલુ' તરીકે ઓળખાતી પદ્ધતિમાં ધાન્યને કઠોળ અને તેલીબિયાં સાથે ભેળવીને વાવેતર કરાય છે. આ બધા વિપરીત હવામાનમાં સંપૂર્ણ કૃષિ પદ્ધતિના આદર્શ ઉદાહરણો છે.
આ ધાન્યોમાં પોષક તત્ત્વોનો ભંડાર છે તેથી કુપોષણમાંથી મુક્તિ અપાવવા સક્ષમ છે. જૈવિક સંતુલન પણ જાળવે છે.
તાપમાનમાં બે ડિગ્રી જેટલા વધારાથી ઘઉંનો આખો પાક બળી જઈ શકે, પણ બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા બરછટ અનાજ કે તૃણ ધાન્યને આ વિપરીત વાતાવરણની અસર થતી નથી. આ ધાન્યોનું વાવેતર દરેક ઋતુમાં કરી શકાય છે અને ઓછા પાણીએ પાકે છે.
બરછટ ધાન્યો ખરાબ જમીનમાં પણ પાકે છે. કેટલાક તો એસિડિક જમીનમાં કે ખારી જમીનમાં પણ પાકે છે. જેમ કે નાગલીનો પાક ખારાશવાળી જમીનમાં સારો લઈ શકાય છે. સામાનો પાક પણ ઓછી ફળદ્રુપ જમીનમાં સારું ઉત્પાદન આપે છે.
મોટા ભાગના બરછટ ધાન્યનાં ખેતરોમાં મૂલ્યવાન એવી જૈવિક વિવિધતા જોવા મળે છે. તેમાં ઘઉં-ચોખા કરતાં વધુ ખનીજ તત્ત્વો છે, વધુ રેસા છે, કેટલાકમાં તો ચોખા કરતાં ૫૦ ગણા વધુ રેસા છે. નાગલીમાં ચોખા કરતાં ૩૦ ગણું વધારે કેલ્શિયમ છે. કાંગ અને કુરીમાં લોહતત્ત્વ ચોખા કરતાં ઘણું વધારે છે. બીટા કેરોટિન ચોખામાં નથી, પણ આ ધાન્યોમાં ભરપૂર છે.
હરિયાળી ક્રાંતિ આપણને ચોખા અને ઘઉંના ઉત્પાદન વધારવામાં જ દેખાઈ. ચોખાનું ઉત્પાદન ૧૨૫ ટકા વધ્યું, ઘઉંનું ઉત્પાદન ૨૮૫ ટકા વધ્યું અને આ ધાન્યોનું ઉત્પાદન ૧૯૬૬માં થતું હતું તેના કરતાં પણ ઘટ્યું છે. ૧૯૫૬માં આપણા ખોરાકમાં ૪૦ ટકા હિસ્સો આ ધાન્યોનો હતો જે ૨૦૦૬માં ઘટીને ૨૧ ટકા થઈ ગયો છે. આજે રોકડિયો પાક આ ધાન્યોની જગ્યા પચાવી રહ્યા છે. ૨૦૧૪નું વર્ષ કૃષિ વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું, પણ ધાન્યોની દેશી જાતોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ કામગીરી નથી કરી.
અમદાવાદની 'સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટીવ્સ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ' (સૃષ્ટિ) સંસ્થાએ પંચમહાલનાં ગામડાંઓમાં લુપ્ત થઈ ગયેલી અને લુપ્ત થવા જઈ રહેલી ધાન્યની જાતો પર સંશોધન કર્યું છે. સૃષ્ટિના સેક્રેટરી રમેશ પટેલ કહે છે કે, 'હાઈબ્રિડ બિયારણ આવવાથી આપણી ઘણી મુળ જાતો નામશેષ થઈ રહી છે. મકાઈની તો ઓરિજિનલ જાત જ નથી રહી. આપણે આપણા મુળ ધાન્યોની જાતોને પાછી લાવવા અંગે વિચારવું પડશે.'
આ સંસ્થા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદનાં કેટલાંક ગામડાંઓમાં લુપ્ત થયેલી ધાન્યની જાતો ઉપર છેલ્લાં ઘણાં વર્ષોથી સંશોધન કરી રહી છે. જેમાં ધાન્યની ડઝનબંધ જાતો આજે નામશેષ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.
સંસ્થાના સંશોધન મુજબ ડાંગ વિસ્તારમાં ધાન્યની જાત નાગલીને અન્નના દેવતા ગણવામાં આવે છે. જેનું ૪૮ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. કોદરાનું વાવેતર ૬૨ હજાર હેક્ટરમાં થાય છે. બંટી, કાંગ, વારી, કોદરા અને છીણા માટે ૫૩ હજાર હેક્ટર વાવેતર વિસ્તાર બચ્યો છે. સાવ ઓછી ફળદ્રુપતા ધરાવતા આદિવાસી વિસ્તારના આ ધાન્ય પાકો છે. સૃષ્ટિ સંસ્થાના સ્થાપક પ્રમુખ આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા કહે છે કે, 'આ વૈવિધ્યસભર ધાન્ય આપણા શરીરની સાથે આપણા અંતરમનને પણ પોષણ પૂરું પાડે છે. એ ગુમાવીને આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. આપણે ધાન્ય સમૃદ્ધિ ગુમાવી રહ્યા છીએ.'
ભલે શહેરોમાં બહુ ન ખવાતો હોય તો પણ બાજરાનું વાવેતર આ દેશમાં ઘઉં પછી બીજા ક્રમે અને ઉત્પાદન ઘઉં અને ચોખા પછી ત્રીજા ક્રમે છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા ઓછા પાણીવાળા વિસ્તારોમાં બાજરો મુખ્ય ખોરાક છે. ભારતના અન્ય ભાગોથી વિપરીત ગુજરાતમાં બાજરો ગરીબ વર્ગનો જ નહીં, પણ ધનિક વર્ગનો પણ એક મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં ખરીફ અને ઉનાળુ પાક તરીકે રાજ્યમાં ૮.૬૬ લાખ હેક્ટરમાં ઉગાડવામાં બાજરી ઉગાડવામાં આવે છે. બાજરીમાં સંશોધન માટે જામનગરનું પર્લ મિલેટ રિસર્ચ સ્ટેશન દેશનું એક અગ્રણી સંશોધન કેન્દ્ર છે. બાજરીમાં ૧૯૬૧ના વર્ષમાં રાજ્યમાં બાજરીની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર માત્ર ૩૭૬ કિલોગ્રામ હતું જે ૨૦૦૨ના વર્ષમાં ૧૬૧૪ કિલોગ્રામથી વધીને ૨૦૧૧માં ૨૫૩૧ કિલોગ્રામે પહોંચી ગઈ, પણ ઉત્પાદનથી તદ્દન વિપરીત બાજરીની દેશી જાતોનો સોથ વળી ગયો. સાથે જ તેનો ઉત્પાદન વિસ્તાર ૪૦ ટકા જેટલો ઘટી ગયો છે.
બરછટ અનાજની પરંપરાની વિશેષતા હોવા છતાં આ અનાજોનું ઉત્પાદન કરતા વિસ્તારો હરિયાળી ક્રાંતિના સમયથી ઘટતા રહ્યા છે અને હાલના સમયમાં ઝડપથી ઘટી રહ્યા છે. ૧૯૬૬થી ૨૦૦૬ દરમિયાનના વર્ષમાં આ ધાન્યોનું ઉત્પાદન કરતા વિસ્તારો પૈકીનો ૪૪ ટકા વિસ્તાર કપાસ જેવા અન્ય રોકડિયા પાકો માટે વપરાતો થઈ ગયો છે.
પર્યાવરણીય વિકાસ કેન્દ્ર નામની સંસ્થા ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને બાજરા ઉપર કામ કરે છે. આ સંસ્થાના ડાયરેક્ટર તુષાર પંચોલીએ ઓગસ્ટ ૨૦૧૪માં મુખ્યમંત્રી આનંદીબહેનને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે બાજરાના વાવેતરને પ્રોત્સાહન આપવાની કોઈ નીતિના અભાવની અને ખેડૂતો રોકડિયા પાક માટે બાજરાના વાવેતરને ત્યજી રહ્યા હોવાની ફરિયાદ કરી છે. તુષારભાઈ કહે છે કે, 'અમે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ(પીડીએસ)માં બાજરીને દાખલ કરવાની ને શાળાના મધ્યાહ્ન ભોજન કાર્યક્રમમાં બાજરાને અઠવાડિયામાં બે વાર સમાવવાની, બાજરી આધારિત મનરેગા લાગુ પાડવાની રાજ્ય સરકારને ભલામણ કરી છે.'
સરકારને રાસાયણિક ખાતર દ્વારા શરૃઆતમાં ખૂબ સારો ઉતાર આવ્યા પછી ધરતી સાવ રસકસ વિનાની બની જાય એ હકીકત સમજાઈ. સરકાર રાસાયણિક ખાતરની સબસિડીને હવે ઓર્ગેનિક ખેતી તરફ વાળવાની નીતિઓ ઘડી રહી છે.
સ્વદેશી જાગરણ મંચના સ્વ. રાજીવ દીક્ષિતે કહ્યું હતું કે, 'ધાન્યની બચેલી જાતોનું સંવર્ધન કરવાની, લુપ્ત થયેલી દેશી જાતોને પાછી લાવવાની અને તેમાંથી નવીન જાતો શોધવાની આપણી જૂની પરંપરાને આપણે ફરી શરૃ કરવી પડશે.'
કેટલાક ખેડૂતોએ આ દિશામાં પહેલ કરી છે. તુષારભાઈ કહે છે કે, 'બરછટ અનાજને જલ્દીથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સમાવવાની જરૃર છે. નીતિવિષયક ફેરફારો અને આર્થિક સહયોગ પૂરો પાડીને આ પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો આગામી ૫૦ વર્ષમાં આપણા ખેતરોમાંથી બરછટ ધાન્યો અદ્દશ્ય થઈ જાય તેવી શક્યતા છે.'
સ્ત્રોત : અભિયાનફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020