દિવેલા ઓગસ્ટ મહિનામાં તથા પહોળા અંતરે વવાતો પાક છે. વધુ આવક મેળવવા આંતરપાક તરીકે ચોમાસુ પાકો જેવા કે મગ, સૂર્યમુખી, સોયાબીન, અડદ, તલ, મગફળી તથા બીટી કપાસ વાવી શકાય. ચોમાસામાં વવાતા પાકોને ભલામણ કરેલા સમયે 5 ફૂટ થી 6 ફૂટ ના અંતરે એક લાઇન દિવેલાની વાવણી માટે બાકી રાખીને વાવણી કરવી. ત્યારબાદ ઓગષ્ટ માસના બીજા પખવાડિયા દરમ્યાન ખાલી રાખેલ લાઇનમાં દિવેલા ની વાવણી બે છોડ વચ્ચે 60 થી 75 સેમી અંતર રાખી કરવી. આ પાકો ની કાપણી પછી દિવેલાનો વિકાસ સારો થાય છે અને દિવેલાનું પૂરેપુરું ઉત્પાદન મળે છે. જૂન મહિનામાં વાવણી કરેલ બીટી કપાસમાં દિવેલાનું ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં વાવણી કરીને કપાસના ઉત્પાદન ને અસર કર્યા સિવાય દિવેલાનું 2 થી 3 ટન/હેક્ટર વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિવેલા + મગફળી 1 : 3 ના પ્રમાણ માં વાવણી કરવી. આ અવસ્થા માં મગફળી ને ભલામણ ના 50% અને દિવેલા ને 100% મુજબ ખાતર આપવું.
દિવેલાના પાકની સતત વાવણી ના કરતાં મધ્ય ગુજરાતમાં બીટી કપાસ, તુવેર, મરચી રીંગણી તેમજ ટામેટાં જેવા પાકો વડે પાકની ફેરબદલી કરવી. ચોમાસા માં ઓછા વરસાદ અથવા વધારે વરસાદ પડવાથી ખરીફ પાકો નિષ્ફળ જાય ત્યારે સપ્ટેમ્બર માસ માં દિવેલા ની વાવણી કરી શકાય. ક્યારીની જમીન માં ડાંગર ની કાપણી પછી સચવાયેલા ભેજમા પણ દિવેલાનો પાક લઈ શકાય.
જમીનની તૈયારી:દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી તેને ફળદ્રુપ, સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી કાળી જમીન અને ક્ષારીય જમીન ઓછી માફક આવે છે. આ પાક પિયત અને બિનપિયત એમ બંને જમીન માં લઈ શકાય છે. આ પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી.
ઉનાળા માં ઊંડી ખેડ તથા વાવણી વખતે હળની એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવતર કરવું.વાવણી માટે જાતો જેવી કે GAUC 1, GC-2, GAUCH-1, GCH-2, GCH-4, GCH-5, GCH-6, GCH-7 અથવા GC-3 પસંદ કરવી. આ પૈકી જીસીએચ-7 પિયત માટે સારી છે. તે આશરે 1200 કિલો/એકર ઉત્પાદન આપે છે અને સુકારા તથા કૃમિ પ્રત્યે પ્રતિકારક શક્તિ ધરાવે છે. બિન પિયત વિસ્તાર માટે જીસી-3 અથવા જીસીએચ-2 અથવા જીએયુસીએચ-1 જાત પસંદ કરવી.
પાકને બીજજન્ય રૉગથી રક્ષણ માટે બીજને થાઈરમ 3 ગ્રામ અથવા બાવીસ્ટીન 1 ગ્રામ ફુગનાશક દવાનો 1 કિલો બીજ પ્રમાણે પટ આપવો.
બિનપિયત દિવેલાની વાવણી જુલાઇ ના બીજા પખવાડિયામાં વાવણી લાયક વરસાદ થયે કરવી.
જો જીએયુસીએચ-1 અથવા જીસીએચ-2 અથવા જીસીએચ-6 ની વાવણી કરવી હોય તો જુલાઇ અંત થી 15 મી ઓગસ્ટ સુધી 90 સેમી x 60 સેમી અંતરે કરવી.
જો જીસીએચ 4 ની વાવણી કરવી હોય તો ઓગસ્ટ મધ્ય માં 120 સેમી x 60 સેમી અંતરે વાવણી કરવી.
જો જીસીએચ 5 ની વાવણી કરવી હોય તો ઓગસ્ટ મધ્યથી સપ્ટેમ્બર ના પ્રથમ પખવાડિયા સુધી માં 150 સેમી x 75 સેમી અંતરે વાવણી કરવી. શિયાળુ દિવેલાની વાવણી 15 ઓક્ટોબર આસપાસ 90 સેમી x 60 સેમી ના અંતરે કરવી. આ માટે જીસીએચ 5 જાત પસંદ કરવી.
જો જીસીએચ 7 જાત ની વાવણી કરવી હોય તો ઓગષ્ટ ના બીજા પખવાડિયા સુધી માં 150 x 120 સેમી અંતરે કરવી.
જો શરૂવાત માં 45 દિવસ સુધી નીંદણ નિયંત્રણ ના કરવામાં આવે તો નીંદણ થી 32% સુધી ઉત્પાદન ઘટી શકે. નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ,ટાટાપેનીડા) @1.3 Ltr/એકર/200Ltr પાણી મુજબ છાંટો.
શરૂવાતના 45 દિવસ સુધી પાકને નીંદણ મુક્ત રાખવા બે વખત આંતરખેડ અને એક થી બે વખત હાથથી નીંદામણ કરવા. દિવેલામાં 60 દિવસ પછી મુખ્ય માળ આવી જતાં તથા ડાળીઓમાં પણ માળો ફૂટતી હોવાથી ત્યાર બાદ આંતરખેડ કરવી નહીં.દેશી ખાતર:દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે એકર દીઠ 4 ટન છાણિયું ખાતર અથવા 400 કિલો દિવેલી નો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો. આ બંને ના મળી શકે તો જૂનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો.
રાસાયણિક ખાતર: સામાન્ય રીતે દિવેલાના પાક માટે આ 1 એકરમાં કુલ 48 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફૉસ્ફરસ ની ભલામણ છે, આ પૈકી 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ) અને 10 કિલો ફોસ્ફરસ (62.5 કિલો SSP) પ્રતિ એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણીના 40 થી 50 દિવસે 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપવો અને આ જ જથ્થો 70 થી 80 દિવસે ફરીથી આપવો.
જીસીએચ 7 જાત સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાત છે. આ જાત ના સારા વિકાસ માટે 18 કિલો નાઇટ્રોજન (40 કિલો યુરિયા અથવા 90 કિલો એમોનિયમ સલ્ફેટ) + 15 કિલો ફોસ્ફરસ (94 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ 18 કિલો નાઇટ્રોજન (40 કિલો યુરિયા અથવા 90 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ વાવણી બાદ 40-50, 70-80 અને 100 થી 110 દિવસે જમીન માં ભેજ હોય ત્યારે આપવાથી વધારે ઉત્પાદન મળે છે.
ઉત્તર ગુજરાત ના બિનપિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) + 16 કિલો ફોસ્ફરસ (100 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 30 થી 35 દિવસે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવોસૌરાષ્ટ્ર ના બિનપિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) + 12 કિલો ફોસ્ફરસ (75 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 30 થી 35 દિવસે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.
પિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 15 કિલો નાઇટ્રોજન (32 કિલો યુરિયા અથવા 75 કિલો એમોનિયમ સલ્ફેટ) + 20 કિલો ફોસ્ફરસ (125 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 40 દિવસે અને 70 દિવસે 15 કિલો નાઇટ્રોજન (32 કિલો યુરિયા અથવા 75 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.ભાલ વિસ્તાર માં સારા વિકાસ માટે 5 કિલો નાઇટ્રોજન (11 કિલો યુરિયા અથવા 25 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 35- 40 દિવસે 5 કિલો નાઇટ્રોજન (11 કિલો યુરિયા અથવા 25 કિલો એમોનિયમ સલ્ફેટ/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.
સંશોધન મુજબ દિવેલા ના પાક ને એકલું રાસાયણિક ખાતર આપવા કરતાં નીચે પ્રમાણે સંકલીત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીન ની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
- 75% રાસાયણિક ખાતર + 25% નાઇટ્રોજન છાણિયા ખાતરમાથી + લીલો પડવાશ
- 75% રાસાયણિક ખાતર + 25% નાઇટ્રોજન છાણિયા ખાતરમાથી કે 25% નાઇટ્રોજન દિવેલી ખોળ દ્વારા અથવા લીલો પડવાશ કરીને.
- 75% રાસાયણિક ખાતર + 25% નાઇટ્રોજન છાણિયા ખાતર દ્વારા + એઝોસ્પીરીલમ બીજ માવજત (50 ગ્રામ કલ્ચર એક કિલો બીજ માટે)
જો જમીન સલ્ફર તત્વ ની ઉણપ વાળી હોય તો 8 કિલો સલ્ફર(50 કિલો જીપ્સમ)/એકર મુજબ આપવું.
જમીન ચકાસણી ના રિપોર્ટ ના આધારે જો લોહ તત્વ 4.15 પીપીએમ કરતાં ઓછું હોય અને જસત 0.4 પીપીએમ કરતાં ઓછું હોય તો તેવી જમીન માં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીન ચકાસણી અહેવાલ ના આધારે 6 કિલો ફેરસ સલ્ફેટ અને 3 કિલો ઝીંક સલ્ફેટ/એકર મુજબ આપવું અથવા સરકાર માન્ય ગ્રેડ 5 સૂક્ષ્મ તત્વ મિશ્રણ વાવણી સમયે પાયામાં 8 કિલો/એકર મુજબ આપવું. જેમાં 2% લોહ, 0.5% મેંગેનીઝ, 5% જસત, 0.2% તાંબું અને 0.5% બોરોન હોય છે.
પિયત સમયપત્રક: દિવેલા ના પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહ શક્તિ મુજબ 6 થી 8 પિયત ની જરૂર પડે છે. જેમાં પ્રથમ ચાર પિયત વરસાદ બંધ થયા બાદ 15 થી 20 દિવસ ના ગાળે તથા બાકીના પિયત 20 થી 25 દિવસ ના ગાળે આપવા.
ફૂલકાળ અવસ્થાએ પાણી ની ખેંચ પડવી જોઈએ નહીં, આ અવસ્થાએ પાણી ની ખેંચ પડવાથી માળમાં નર ફૂલોનું પ્રમાણ વધે છે જેથી ઉત્પાદન ઘટે છે.
સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ: પાણીની અછતવાળા ઉત્તર ગુજરાત વિસ્તાર માં ટપક સિંચાઇ પદ્ધતિથી પિયત આપવું, જેનાથી 24 ટકા પાણી બચે છે તથા 36 ટકા વધુ ઉત્પાદન મળે છે. આ પદ્ધતિ થી આંતરા દિવસે ઓક્ટોમ્બર- નવેમ્બર માસમાં 40 મિનિટ તથા ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન 30 મિનિટ પાણી ચલાવવું.
દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માં ટપક સિંચાઇ પદ્ધતિથી 29 ટકા પિયત પાણીનો બચાવ થાય છે તથા 43 વધુ ઉત્પાદન મળે છે. જ્યારે મધ્ય ગુજરાત માં ટપક સિંચાઇ પદ્ધતિથી 73 % પાણીની બચત થવા ઉપરાંત 23 % જેટલું વધારે ઉત્પાદન મળે છે.
થ્રીપ્સ:થ્રીપ્સ પાન માંથી રસ ચૂસે છે. તેથી પાન પર સફેદ રંગના પટ્ટા પડે છે. વધુ ઉપદ્રવમાં પાન કોડીયા જેવા થઈ જાય છે. ફૂલમાં નુકસાન થવાથી ફૂલ ખરી પડે છે અને માળમાં ડોડવા ઓછા બેસે છે. સૂકા વાતાવરણમાં ઉપદ્રવ ઝડપથી વધે છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) @30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન 5EC (કરાટે, રીવા) @15-20 ml/15Ltr પાણી મુજબ છાંટો.
સફેદમાખી: સફેદમાખી પાનમાં થી રસ ચૂસી ને નુકસાન કરે છે. અસર પામેલા પાન કોકડાઈ ને સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવમાં છોડનો જુસ્સો ઘટી જાય છે. સફેદમાખીનો મીઠો પેશાબ પાન ઉપર પડતાં ત્યાં કાળી ફૂગ ઉગવાથી છોડ કાળા પડીને ઠીંગણા રહી જાય છે. રોકવા 8-10 દિવસે બે વખત 2Ltr ગૌમુત્ર + 2 Ltr ખાટી છાસ/15Ltr પાણી મુજબ છાંટો. જો સફેદ માખી પાન દીઠ 5 કરતાં વધુ દેખાય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
ઘોડિયા ઇયળ:આ ઇયળ ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં વધુ જોવા મળે છે. ઇયળ રાખોડી કે બદામી રંગની હોય છે જે ચાલે ત્યારે ઉદર પ્રદેશનો વચ્ચેનો ભાગ ઉંચો થાય છે. નાની ઇયળો પાનને કોરે છે. પરંતુ મોટી ઇયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. વધુ ઉપદ્રવમાં માળ અને ડોડવા પણ કોરી ખાય છે. ફૂદા રાત્રે લીંબુ વર્ગના ફળ નો રસ ચૂસી નુકસાન કરે છે. ઉનાળાના ઘોડીયા ઇયળ બોરડી ના પાન ખાઈ ને જીવે છે.
આ ઇયળોના નિયંત્રણ માટે નીચે મુજબ ના પગલા લેવા.
1. ઉનાળામાં જમીનમાં ઊંડી ખેડ કરવી.
2. ઇયળો ઓછી હોય તો હાથ વડે વીણી લેવી.
3. 15મી ઓગષ્ટ પછી વાવેતર કરવું.
4. છોડ દીઠ 4 ઇયળ જોવા મળે તો નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
ડોડવા ખાનારી ઇયળ:નવેમ્બર માસ માં આ જીવાત વધારે આવતી હોય છે, આ જીવાતનો ઉપદ્રવ માળ આવવાના સમયે શરૂ થાય છે. ઇયળ કુમળા ડોડવા કોરીને દાણા ખાય છે. પાસે પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હગાર વડે જોડી ને જાળું બનાવી તેમાં રહે છે. ઘણી વખત અગ્ર ટોચને પણ કોરે છે. દિવેલા ઉપરાંત આંબાના મોર, જમરૂખ અને ફણસના ફળોમાં પણ આ જીવાત નુકસાન કરે છે. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
લશ્કરી ઇયળ:નાની ઇયળોનો સમૂહ પાનની સપાટી નો લીલો ભાગ કોતરી ખાય છે જેથી પાન અર્ધ પારદર્શક બની જાય છે.
આ ઇયળોના નિયંત્રણ માટે નીચે મુજબ ના પગલા લેવા.
1. હેક્ટર દીઠ 5-6 ફેરોમેન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતાં નર ફૂદા નો નાશ કરવો.
2. શરૂવાતની અવસ્થાએ ઈંડા કે ઇયળના સમૂહવાળા પાન કાપી તેનો નાશ કરવો.
3. 20 છોડ ચકાસો, નાની ઇયળો ના સમૂહ 20 છોડ દીઠ 10 જેટલા મળે ત્યારે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
લીલા તડતડિયાં: લીલા તડતડિયાં પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે. તેથી પાનની ધાર પીળી પડી બદામી રંગની થઈ જાય છે અને છેવટે પાન વળી જાય છે. જો લીલા તડતડીયાની સંખ્યા ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રીડે 1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
રેનીફોર્મ કૃમિ: આ પ્રકારના કૃમિ મૂળ ઉપર ગાંઠો બનાવતા નથી પણ અડધા મૂળની બહાર રહી મૂળમાંથી ચૂસીકાની મદદથી રસ ચૂસે છે. કૃમિની અસરથી છોડ ઠીંગણો રહે છે અને વૃધ્ધિ અટકી જાય છે. મૂળ કાળા પડી જાય છે. કૃમિથી મૂળમાં કાણાં પાડવાને લીધે સુકારો કરતી ફૂગ સહેલાઈથી મૂળમાં દાખલ થાય છે અને સુકારા રોગની તીવ્રતામાં વધારો થાય છે. નિયંત્રણ માટે 12kg કાર્બોફ્યુરાન3G (ફ્યુરાડોન/ફ્યુરાન/કાર્બોમેઈન)/એકર મુજબ ચાસમાં આપવો.
સુકારો: આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. પરંતુ રોગની તીવ્રતા નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન વધારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં છોડના ટોચના પાન પીળા પડે છે જે પાછળથી કિનારીઓથી આછા બદામી રંગના થઈ ખરી પડે છે.
સુકારા નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા.
1. બીજ ને ફૂગનાશક દવા નો પટ આપી વાવણી કરતાં 80 ટકા રોગ આવતો અટકી શકે છે (થાયરમ કે કેપ્ટાન 3 ગ્રામ અથવા બાવિસ્ટીન 1 ગ્રામ/(1 કિલો બીજ મુજબ).
2. ઓછામાં ઓછા ત્રણ વર્ષે ફેરબદલી કરવી.
3. રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉપાડી નાશ કરવો.
4. ઉનાળામાં ઊંડી ખેડ કરી ખેતર સૂર્ય તાપમાં તપવા દેવું.
5. જૂન માસ માં ગવાર કે શણનો લીલો પડવાશ કરવો.
6. સુકારાના રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે જીસીએચ-4, જીસીએચ-5, અને જીસીએચ-7 ની વાવણી માટે પસંદ કરવી.
તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25kg/એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. રોગ દેખાય તો 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ પિયત સાથે આપો.
મૂળ નો કહોવારોઆ રોગ પણ જમીનજન્ય ફૂગ થી થાય છે. ખાસ કરીને આ રોગ ભાદરવા માસના ઓતરા ચીતરાના તાપમાં વધારે જોવા મળે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પાણી ની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં એકાએક આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઈથી ઉપડી જાય છે. મુખ્ય મૂળ અને પેટા મૂળ કોહવાઈ જવાથી તેની છાલ સહેલાઈથી છૂટી પડી જાય છે.
મૂળના કોહવારા નો રોગ નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા.
1. બીજ ને ફૂગનાશક દવા નો પટ આપી વાવણી કરતાં 80 ટકા રોગ આવતો અટકી શકે છે (થાયરમ કે કેપ્ટાન 3 ગ્રામ અથવા બાવિસ્ટીન 1 ગ્રામ/(1 કિલો બીજ મુજબ).
2. ઓછામાં ઓછા ત્રણ વર્ષે ફેરબદલી કરવી.
3. રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉપાડી નાશ કરવો.
4. ઉનાળામાં ઊંડી ખેડ કરી ખેતર સૂર્ય તાપમાં તપવા દેવું.
5. જૂન માસ માં ગવાર કે શણનો લીલો પડવાશ કરવો.
6. મૂળના કોહવારા નો રોગ અટકાવવા માટે ભાદરવા માસમાં ભેજની તંગી અને ગરમી વધુ હોય ત્યારે તો રાત્રે પિયત આપવું તથા આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જીસીએચ-2 અને જીસીએચ-6 જાતો ની વાવણી કરવી. નિયંત્રણ માટે 500gm કોપરઓક્સિક્લોરાઈડ 50WP (બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ) + 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ પિયત સાથે આપો.
ઝાળ રોગ:આ રોગ ઓલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન ઉપર આછા ભૂરા રંગના ટપકાં પડે છે જે ધીમે ધીમે બદામી રંગના થઈ જાય છે અને ટપકાં પર વર્તૃળાકાર ગોળ વલય જોવા મળે છે. રોગની તીવ્રતા વધુ હોય તો આવા ટપકાં મોટા થઈ એકબીજા સાથે ભળી જઈ પાનને સૂકવી નાખે છે અને પાન/છોડ ઉપર ઝાળ લાગી હોય તેવો ભાસ ઉભો કરે છે. આ રોગ ભેજવાળા વાતાવરણમાં વધુ ઉગ્ર બને છે. નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64 WP (રિડોમિલ, સંચાર) @30gm/15Ltr પાણી અથવા બાઇટરલેટોન 25 WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ 250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63 WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
જીવાણુ થી થતાં પાન ના ટપકા: આ રોગ ની શરૂઆતમાં પાન ઉપર ચળકતા આછા બદામી રંગના ટપકાં જોવા મળે છે જે પાછળ થી કાળા રંગના થઈ જાય છે. આ ટપકાં પાનની નસો વચ્ચે મર્યાદિત રહેવા પામે છે જેથી ખુણિયા આકારનાં ટપકાં જોવા મળે છે. આ રોગની તીવ્રતા ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ સતત પડતો હોય ત્યારે વધુ જોવા મળે છે. રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @1gm + કોપરઓક્સિક્લોરાઈડ 50WP (બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ) @45gm/15ltr પાણી મુજબ છાંટો.
સરકોસ્પોરા પાન ના ટપકા: આ રોગ સરકોસ્પોરા નામની ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન પર પાણીપોચા નાના ટપકાં જોવા મળે છે જે ધીમે ધીમે બદામી રંગના થઈ જાય છે જેની વચ્ચે સફેદ ટપકું જોવા મળે છે રોગિષ્ટ ટપકાં એકબીજા સાથે ભળી જઈ પાનને સૂકવી નાખે છે. નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64 WP (રિડોમિલ, સંચાર) @30gm/15Ltr પાણી અથવા બાઇટરલેટોન 25 WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ 250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63 WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
ફાયટોપ્થોરા પાનનો સુકારો:દિવેલામાં પાનનો સુકારો બહુ જ વ્યાપક રોગ છે તથા દેશમાં આ પાકના બધા વિસ્તારમાં જોવા મળે છે. આ રોગ ફાઇટોપ્થોરા નામની ફૂગથી થાય છે. સામાન્ય રીતે છોડ ને 15 થી 20 સેંમી લાંબા થવા સુધી તેની પ્રારંભિક વિકાસ અવસ્થા માં લાગે છે. રોગના લક્ષણ બીજપત્ર ની બંને સપાટી પર ગોળ અને ઝાંખા ટપકાના રૂપમાં દેખાય છે. તેને રોકવામાં ન આવે તો આ રોગ પાનથી થડ તથા ક્રમશ: વર્ધન ટોચ સુધી પહોચી જાય છે. બીમારીની અંત અવસ્થામાં પાન સુકાવા લાગે છે તથા છોડ સુકાઇને પડી જાય છે. નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8% + મેંકોજેબ64WP (રિડોમિલ, સંચાર) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા બાઇટરલેટોન25WP (બાયકોર) @ 30 ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ75WP @ 30 ગ્રામ/ 15 લિટર પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ટોર્ક, ફોલિકયુર) @15મિલી / 15 લિટર પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બિપ્લસ) @ 30 ગ્રામ / 15 લીટર પાણી પ્રમાણે છાંટો.
કાપણી અને પછી ની વ્યવસ્થા
વાવણી બાદ લગભગ 110 થી 115 દિવસે મુખ્ય માળ પીળી પડી તેમાં અંદાજે 5 ટકા ડોડવા પાકી જાય ત્યારે માળોની કાપણી સમયસર કરવી. છોડ ઉપર ની માળ પીળી પડતાં સમયસર કાપણી કરવાથી છોડ માં નવી માળો ઝડપી ફૂટે છે અને છોડ માં બે કાપણી વધુ થાય છે.
આમ માળો ની કાપણી 5 થી 6 વખત છેલ્લા 4 માસ સુધી ચાલુ રહે છે બધી માળો ઉતરી જાય ત્યારે ખળામાં કાપેલ માળો ઢગલો ન કરતાં ખળામાં પાથરીને સૂર્ય ન તાપમાં બરાબર સુકવવી. દિવેલા કાઢવા ની થ્રેસર ની યોગ્ય કાણાંવાળી જાળી રાખી ને દાણા છૂટા પાડી, બરાબર સાફ કરી ઉત્પાદન વેચાણ માટે તૈયાર કરવા માં આવે છે.
સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020