બાજરો એ ડાંગર , ઘઉં અને જુવાર પછીનો અગત્યનો અને જુવાર પછીનો અગત્યનો ધાન્યપાક છે . ગુજરાત રાજય બાજરાના વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં બીજા નંબરનું રાજય છે. બાજરાનો પાક દાણા અને પૌષ્ટિક પશુઆહાર (લીલો તેમજ સૂકો ચારો)પૂરો પાડતો પાક છે. બાજરાના દાણા અને ડાંડરમાં બીજા ધાન્યપાકોની સરખામણીમાં વધુ પોષક તત્વો ખાસ કરીને પ્રોટીન (9-13%), ચરબી (3-8%), ખનીજ તત્વો(2-3%)ખાસ કરીને જસત અને લોહ તત્વો અને વિટામિન ધરાવે છે. દાણામાં સારા એમા પ્રમાણમાં થાયામીન, રાઇબોફ્લેવિન અને નિકોટીનિક એસિડ રહેલા છે. આ પાકમાં અન્ય ધાનયપાકો કરતા લોહ અને જસતનું પ્રમાણ વધુ હોવાથી લ્યુકેમિયા રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. વધુમાં બાજરાનો ગ્લાઇસેમિક ઇન્ડેકસ ઓછો હોવાને લીધે મેદસ્વિતા તેમજ ગ્લુટેન મુક્ત હોવાને કારણે ગ્લુટેનની એલર્જી ધરાવતા દર્દીઓ માટે બાજરો સલામત ખોરાક છે. બાજરાનું દાદરા ખૂબ જ પૌષ્ટિક પશુઆહાર પૂરો પાડે છે કારણ કે તેમાં હાઇડ્રોસાયનિક એસિડનું પ્રમાણ જુવાર કરતા ઓછું હોય છે. બાજરાના લીલા ચારામાં પ્રોટીન , કેલ્શિયમ , ફોસ્ફરસ અને અન્ય સૂક્ષ્મતત્વોનું પ્રમાણ વધુ હોય છે
બાજરાનો પાક ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતો પાક છે. બીજા પિયત પાકોની સરખામણીમાં બાજરાના પાકને ઓછા પાણીની જરૂરીયાત રહે છે.આમ, સિંચાઇના પાણી અને ઊર્જાના ઓછા વપરાશ દ્વારા વધુ અન્ન ઉત્પાદન આપે છે.
“છેલ્લા કેટ્લાક સમયથી દુનિયાના અનેક વિસ્તારોમાં હવામાન ખેતી માટે ભયજનક રીતે પ્રતિકૂળ બનતું જાય છે અને તેની માઠી અસર વિક્ષ્વના અન્ન ઉત્પાદન પર દેખાવા લાગી છે. છેલ્લા દસકામાં અન્ન ઉત્પાદન નિર્ધારેલા અંદાજો કરતા ઓછું થાય છે. આપણી ખેતી પર ફક્ત હવામાનના બદલાવની સારી માઠી અસરો જ નથી થતી પણ હવામાનમાં બદ્લાવ લાવવા માટેના પરીબળો પૈકી આપણી ખેતી પણ એક પરીબળ છે. આવા બદલાવની પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તા પર કેટલા અંશે અસર થાય છે તે આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ નથી પણ આ અસરો આપણી જીવસૃષ્ટિ અને આપણા અર્થતંત્ર બંનેને હચમચાવી શકે તેવી શકયતાઓને આ તબક્કે નકારી શકાય તેમ નથી.છે હવામાનની સાનુકુળ પરિસ્થિતિમાં ખેડૂત ખેતીની તાંત્રિકતાનું સંકલન કરી મહત્તમ પાક ઉત્પાદન મેળવી શકે છે પરંતુ હવામાનની વિપરીત પરિસ્થિતિના સમયે ખેતીને થતું નુકસાન અટકાવવું મુશ્કેલ હોવા છ્તાં ખૂબ જરૂરી છે. “
બાજરાનું વાવેતર ઓછી ફળદ્રુપ ,પોષકતત્વોની ઉણપવાળી અને ક્ષારમય જમીનમાં પણ કરીશકાય છે કારણકે બાજરો ક્ષાર સહન કરી શકતો પાક છે. તેથી જ તે સૌરાષ્ટ્ર્ના દરિયાકાંઠાના વિસ્તાર કોડીનાર, અમરેલી અને ભાવનગર જીલ્લામાં ત્રણેય ઋતુઓ ખરીફ ,ઉનાળુ અને ખાસ કરીને અર્ધશિયાળુ પાક તરીકે તેનું વાવેતર કરવામાં આવે છે.
બાજરી ગરમ ભેજવાળા આબોહવાકીય વિસ્તારમાં થતો ટૂંકા દિવસનો વધુ પ્રકાશસંક્શ્લેષણશક્તિ ધરાવતો પાક છે. તેથી તેની ભેજની અછ્ત સામે ટકવાની ક્ષમતા અન્ય ધાન્યપાકો કરતા વધારે હોય છે. બાજરાના પાક પર ભેજના પ્રમાણની અસરો જીવનકાળના તબ્બકા પ્રમાણે નીચે મુજબ થાય છે.
ઉપર જણાવ્યા મુજબ બાજરો ભેજની બદલાવવાળી પરિસ્થિતિમાં ટકી શકે છે.
બાજરો ભેજની અછ્ત સામે ટકી શકે છે તેનું બીજુ કારણ તેના મૂળની ગોઠ્વણ છે. જયારે ભેજની ખેંચ હોય તેવા સંજોગોમાં તેના મૂળ જમીનમાં 180 સે.મી. જેટ્લા ઊંડા વિકસિત થાય છે. આ મૂળ જમીનનાં નીચલા પડમાંથી પાણી ખેંચી પાણીની અછ્ત સામે ટકી શકે છે. જમીનમાં ઊડે સુધી મૂળનો વિકાસ કરી શકે છે.જમીનમાં ભેજની અછ્તના સમયગાળા દરમ્યાન પાક તેની પ્રકાશ સંક્ષ્લેક્ષણની ક્રિયામાં ફેરફાર કરી દુષ્કાળ સામે ટ્કે છે.
વૈક્ષ્વિક રીતે વધતાં તાપમાનનાં કારણે દરેક પાકોની ઉત્પાદકતા પર સીધી તેમજ આડકતરી રીતે ઘણું નુકસાન થાય છે. સામાન્ય સંજોગોમાં બાજરો ઊંચુ તાપમાન સહન કરી શકતો પાક છે,પણ જો ફૂટ અવસ્થાએ અને ફલિનીકરણ અવસ્થાએ 420 સે.થી વધારે તાપમાન હોય તો વંધ્ય ડૂંડા જોવા મળે છે જેમાં દાણા બેસતા નથી. આ પ્રશ્નના ઉકેલ લાવવા ઇક્રીસેટ દ્વારા 420 સે. થી વધારે તાપમાન સામે ટકી શકે તેવી જાતો વિકસીત કરી રહ્યા છે.જો તાપમાન 10-150સે.જેટલું નીચું જાય તો બાજરાની વૃધિમાં ઘટાડો થાય છે અને જીવનકાળ લાંબો થાય છે પણ આ દરમ્યાન ફૂટ્ની સંખ્યામાં વધારો થાય છે અને ઉત્પાદન જળવાઇ રહે છે.આ પરિસ્થિતિ સામે ટ્કી રહેવા અર્ધશિયાળુ બાજરાનું વાવેતર 15 સપ્ટેમ્બર થી 10 ઓકટોકબર દરમ્યાન કરવામાં આવે તો દાણાનો ઉગાવો , ફલિનિકરણ તેમજ દાણા બેસવામાં થતી વિપરીત અસરોને નિવારી શકાય છે. વૈજ્ઞાનિકો દ્વારા જુદા-જુદા પાકો પર ઊંચા તાપમાનનો આંક 360 સે .થી વધુ થાય તો તેના પુંકેસર નિષિક્ર્ય થઇ જાય છે. ઘઉં અને જુવારમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી ફલિનીકરણ થાય તે સમયગાળા દરમ્યાન જો થોડા સમય માટે પણ તાપમાનમાં વધારો થાય તો ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેની સરખામણીમાં બાજરાનો પાક 420 સે. તાપમાન સહન કરી શકે છે. બાજરા સંશોધન કેંન્દ્ર , જામનગર ખાતેથી વિકસાવેલ સંકર જાતો જી.એચ.બી.526 અને જી.એચ.બી.538 ઊચા તાપમાનને સહન કરી શકતી જાતો છે.
આમ , બાજરો વિપરીત પરિસ્થિતિ જેવી કે , વધુ-ઓછું, તાપમાન , ઓછા વરસાદ ,જ્મીનમાં ભેજની અછ્ત ,ક્ષારમય કે પોષકતત્વોની ઉણપવાળી જમીન અને દરેક ઋતુ જેવીકે, ચોમાસુ , ઉનાળુ અને અર્ધ શિયાળુમાં ઉગી શકતો પાક છે.બાજરો અન્ન , પશુચારો, સ્વાસ્થ્ય, પોષણ પ્રદાન કરી વાતાવરણને ઓછું પ્રદુષિત કરી પર્યાવરણનું રક્ષણ કરે છે. તેથી ભવિષ્યમાં હવામાનની વિપરીત પરિસ્થિતિ સામે ટકી રહેવા અને અન્ન સુરક્ષા પ્રાપ્ત કરવા બાજરો એક આશાસ્પદ પાક બની રહેશે.
સ્ત્રોત :- પ્રો.આશા સી.મહેતા , ડો. ડો.કે.ડી.મુંગરા , શ્રી એન.એન.ચૌધરી બાજરા સંશોધન કેંન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ,જામનગર- 361003
કૃષિગૌવિદ્યા માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11સળંગ અંક : 815
કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020