অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીપાકોમાં રોગ અને જીવાતના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ વિષે જાણો

ખેતીપાકોમાં રોગ અને જીવાતના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ વિષે જાણો

ખેતી પાકોમાં જુદી જુદી જાતિની મોલો નુકસાન કરતી જોવા મળે છે. આ દરેક જાતિની મોલોનો ઉપદ્રવ જે તે ઋતુમાં જ જોવા મળે છે જેમ કે રીંગણી, ભીંડા અને કંપાસ જેવા પાકમાં નુકસાન કરતી પીળી મોલો ખાસ કરીને ઊંચુ તાપમાન અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે ચોમાસુ અને ઉનાળુ) જોવા મળે છે. જ્યારે કોબીજ, ફલાવર, રાયડો અને પાપડીમાં નુક્સાન કરતી લીલી અને કાળી મોલોનો ઉપદ્રવ નીચું તાપમાન અને સૂકું વાતાવરણ હોય ત્યારે (શિયાળામાં જોવા મળે છે. રીંગણી, કપાસ અને ભીંડાના પાકમાં પાનકથીરીથી થતુ નુકસાન ખાસ કરીને ઉનાળુ ઋતુમાં અને ભાદરવા મહિનામાં તાપમાન ઊંચુ હોય ત્યારે જોવા મળે છે. આ જીવાતને ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ ન હોવાથી તેનો ઉપદ્રવ ખાસ કરીને શિયાળામાં જોવા મળતો નથી. કેટલાક ફળ પાકો અને વેલાવાળા શાકભાજીના પાકોમાં નુકસાન કરતી ફળમાખીની હાજરી થોડા ઘણા પ્રમાણમાં લભગભગ આખુ વરસ જોવા મળતી હોય છે. પરંતુ ઉનાળામાં જ્યારે તાપમાન ઊંચુ હોય ત્યારે તેનાથી થતું નુકસાન વધારે પડતું જોવા મળે છે. સીતાફળના પાકમાં ફળ પર નુકસાન કરતી ચિકટો (મીલીબગ) નામની જીવાતને સૂકું વાતાવરણ વધારે અનુકુળ આવતું હોવાથી તેનો ઉપદ્રવ સામાન્ય રીતે શિયાળામાં વધુ જોવા મળે છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા પ્રિપ્સનું પ્રમાણ વધતુ જોવા મળે છે. કેટલીક જીવાતોના ઉપદ્રવ સાથે એકલું તાપમાન નહિ પરંતુ હવામાનના અન્ય પરીબળો સાનુકૂળ જણાય ત્યારે તેની વસ્તી એકાએક વધી જતી હોય છે. ડાંગરના પાકમાં નુકસાન કરતા બદામી અને સફેદ પીઠવાળા ચૂસિયાની વસ્તી ઊંચા તાપમાનની સાથે સાથે સાપેક્ષ ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે જ જોવા મળે છે. ચોમાસુ ઋતુમાં ખેતી પાકોમાં નુકસાન કરતી કાતરા અને ડોળ (ધૈણ) નામની જીવાત શિયાળુ અને ઉનાળુ ઋતુમાં જમીનમાં સુષુપ્ત અવસ્થામાં હોય છે. ચોમાસુ ઋતુમાં પહેલો વરસાદ પુરતા પ્રમાણમાં થતા વાવતરણમાં અને જમીનમાં ભેજનું પ્રમાણ વધતા જમીનમાંથી કાતરાની ફૂદી અને ડોળના ઢાલિયા મોટી સંખ્યા બહાર નીકળી આવે છે. કપાસના પાકમાં નુકસાન કરતી ચિકટો (મીલીબગ) ના કિસ્સામાં પણ આવું જ છે. ચોમાસાનો વરસાદ થતા સૌ પ્રથમ તેની હાજરી શેઢા-પાળા પરના ધાસ નીંદણ પર અને પછી ખેતરમાં ઉગાડેલા મુખ્ય પાકમાં જોવા મળે છે.

અગાઉ જણાવ્યું તેમ ખેતીપાકમાં જોવા મળતા મોટા ભાગના રોગ હવામાનના અમુક ચોક્કસ પરીબળ પર વધારે આધાર રાખે છે. હવામાનના વિવિધ પરીબળો પૈકી સાપેક્ષ ભેજ અને વાદળછાયું વાતાવરણ રોગની તીવ્રતા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલ છે. બાજરીના પાકમાં કુતૂલ (બાવાનો રોગ) તથા સોયાબીન, કોબીજ અને અન્ય પાકોમાં તળછારો રોગ સામાન્ય રીતે વધારે પડતા ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. જુવારના ડૂંડામાં દાણાની ફૂગ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે. બાજરી અને ઘઉંના ગેરે માટે હૂંફાળુ અને ભેજવાળુ વાતાવરણ અનુકૂળ આવે છે. ઘઉંના દાણા પર થતો કાળી ટપકીનો રોગ વધુ પડતા ઝાકળ અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. તમાકુનો લાલ ટપકા (લાલ ચાંચડી) નો રોગ ઝાકળ વધારે પડે તેમ વધુ ફેલાય છે. ખેતી પાકોમાં જોવા મળતા ભૂકી છારાના રોગ માટે સૂફ અને ઠંડુ વાતાવરણ અનુકૂળ આવે છે જ્યારે શેરડીના ચાબૂક આંજીયા માટે સૂકું અને ગરમ હવામાન અનુકૂળ આવે છે. જીરૂના પાકમાં કાળીયો ચરમી રોગ વાદળછાયા અને ધુમ્મસવાળા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે. માવઠું થાય તો જીરૂનો પાક સદંતર નિષ્ફળ જાય છે. વાતાવરણ વાદળછાયું હોય ત્યારે અગમચેતીના પગલા રૂપે મેન્કોઝેબનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. ડાંગરના પાકમાં ફૂલ અવસ્થાએ સતત ઝરમર વરસાદ હોય ત્યારે અથવા તો વાદળછાયું, ગરમ ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે કંટીમાં ગલત આંજીયાનો રોગ આવવાની શક્યતા રહે છે. પવનની ગતિ પણ કેટલાક રોગના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે. બાજરીના ગુંદરીયો (અરગટ) અને બીજા કેટલાક ફૂગજન્ય રોગમાં ફૂલના બીજાણું પવન મારફતે દૂર સુધી ફેલાતા હોય છે.

આમ ઉપરોક્ત બાબત પરથી ફલિત થાય છે કે પાકમાં નુકસાન કરતી જીવાતો અને રોગના વધઘટ અને ફેલાવા / પ્રસરણ માટે હવામાનના વિવિધ પરીબળો સંકળાયેલા છે. વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ)ની કૃષિ પર અને તેમાંય ખાસ કરીને રોગજીવાત પર થતી સંભવિત અસરો અંગે ઘણું સાહિત્ય પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. કૃષિમાં હવામાનની આવી અસરથી પ્રભાવિત થઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિ વખતે જે તે પાકમાં નુકસાનના આધારે પાકે વીમાની રકમ ચૂકવાતી હતી પરંતુ હવે રાજ્ય સરકાર હવામાન આધારિત પાકની વીમાની રકમ ચૂકવવાની યોજના બનાવવાનું વિચારી રહી છે. હાલમાં આવી યોજના મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ રાજ્યમાં અમલમાં છે. નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકાર પણ આ પ્રમાણે હવામાન આધારીત પાક વીમા યોજના અમલમાં મૂકશે. આવા સંજોગોમાં હવામાનના વિવિધ પરીબળો વિષે ખેડૂતોને પ્રાથમિક જાણકારી હોવી ખાસ જરૂરી છે.

ખેતી પાકોના ઓછા ઉત્પાદન માટે અસર કરતા વિવિધ જૈવિક પરીબળો પૈકી રોગ અને જીવાતથી થતુ નુકસાન એક અગત્યનું નિદાયક પરીબળ છે. સામાન્ય સંજોગોમાં રોગ-જીવાતનું પ્રમાણ નહિવત હોય છે પરંતુ સાનુકૂળ હવામાન મળતા તેનું પ્રમાણ વધી જતું હોય છે. રોગ-જીવાતની તીવ્રતાનું પ્રમાણ હવામાનના વિવિધ પરીબળો તાપમાન, સાપેક્ષ ભેજ, વરસાદ, પવન, બાષ્પદાબ વગેરે) પર આધાર રાખે છે. આ બધા અજૈવિક પરીબળો પૈકી તાપમાન અને સાપેક્ષ ભેજની અસર રોગ-જીવાત પર પ્રમાણમાં વધારે થતી હોય છે. જયારે વરસાદ અને પવન જેવા પરીબળો રોગને લાવવામાં મદદ કરે છે. ખેડૂતો પણ જે તે પાક સાથે ઘણા સમયથી સંકળાયેલા હોય છે એટલે પોતાના લાંબા ગાળાના અનુભવના આધારે જે તે પાકમાં રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળશે કે કેમ તેની શક્યતા | સંભાવના અંગે પ્રાથમિક જાણકારી મેળવી શકે છે. ખાસ કરીને પાકમાં નુકસાન કરતી જીવાતો કરતા રોગની તીવ્રતા પર હવામાનની વધુ અસર થતી હોય છે.

સ્ત્રોત : ડો. ડી. એમ. કોરાટ, સહ સંશોધન નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ,કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate