કોઈ પણ વ્યવ્સ્થામાં આવક-જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના પરથી નફા નુકશાન ની જાણકારી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ખેતી પણ એક વ્યવસાય છે એ દ્ધષ્ટિએ તેમા પણ આવક – જાવક નો હિસાબ રાખવાનું એટલુ જ જરૂરી છે. ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ માત્ર ખેતી કરનાર ખેડુત માટે જ એવુ નથી પરંતુ ખેડુત ઉપરાંત ખેતી સાથે સંકળાયેલ સરકારી વિભાગો, ધિરાણ કરતી બેંકો અને ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ સહુ માટે આ જાણકારી ખેતીને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં ખુબ જ ઉપયોગી બને છે.
ખેડુતને પોતાની ખેતીમાં આવક
જાવકનો હિસાબ રાખવાથી ક્યાં પાકમાંથી કેટલો નફો થયો અને કયાં પાકમાં નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા નુકશાનની સરખામણી કરીને ભવિષ્યમાં મહતમ નફો લેવા માટે કયા પાકો લેવા તેનું આયોજન કરી શકાય છે. ખેતીનુ આગોતરૂ આયોજન કરવાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડેશે તે જાણી શકાય છે. તેના આધારે બેંકમાંથી ધિરાણ મેળવવાનું સરળ બને છે. તેમજ નાણાનું યોગ્ય વ્યવ્સ્થાપન કરવાથી ખેટા વ્યાજ ખર્ચની બચી શકાય છે. ખર્ચની ગણતરી રાખવાથી પેટા ખર્ચ થતા હોય તો તેને ખ્યાલ આવે છે અને આવા ખોટા ખર્ચ નિવારવાથી સરવાળે નફામાં વધારો કરી શકાય છે. ટુંકમાં ખેતી ખર્ચની ગણતરીના આધારે સુચારૂ આયોજન થકી નફામાં વધારો કરી શકાય છે.
સરકાર માટે ઉપયોગીતા :
સરકાર ખેતીના વ્યવસાયને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે અવાર – નવાર કૃષિ નીતીમાં જરૂરી સુધારા કરે છે. યોગ્ય અને અસરકારક કૃષિ નીતી ઘ્ડવા માટે ખેતી ખર્ચ અને નફા – નુકશાનની સચોટ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ભારત સરકાર દ્ધારા હાલમાં ૨૨ જેટલા ખેતી પાકોમાં લધુતમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેનાથી ખેડુતને બજાર ભાવની વિષમ સ્થિતિમાં રક્ષણ મળે છે. લધુમત ટેકાના ભાવ નિર્ધારણ કરવામાં ખેતી ખર્ચની માહીતિને મુખ્ય આધાર માનવામાં આવે છે. એ જ રીતે કુદરતી આપતિ વેળા સહાય ચુકવવા માટે વળતરની ગણતરી કરવામાં પણ પાક ઉત્પાદન ખર્ચની ગણતરી ખુબ ઉપયોગી નિવડે છે. જાહેર હિતના કાર્યો જેવા કે કેનાલ, રોડ, રેલ્વે વગેરે માટે જમીન સંપાદન વેળા ખેડુતોને વળતર ચુકવવા માટે પણ ખેતી ખર્ચની માહિતી ઉપયોગી બને છે. ખેડુતો દ્ધારા વળતર ની રકમ સામે કરવામાં આવતા ખર્ચની માહીતી ઉપયોગ બને છે.
બેંકો તેમજ ધિરાણ સંસ્થાઓ માટે ઉપયોગીતા :
બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ દ્ધારા આવા પાક ધિરાણની મહતમ રકમ ( સ્કેલ ઓફ ફાઈનાન્સ ) નક્કી કરવામાં પ્રવર્તમાન ખેતી ખર્ચની માહિતીનો આધાર લેવામાં આવે છે. ધિરાણની રકમ પાક ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે પુરતી હોવી જોઈએ અને જરૂર કરતા વધારે પણ ન હોવી જોઈએ કે જેથી ધિરાણનો બિન – ઉત્પાદનકીય કાર્યોમાં વપરાશ થાય અને પરિણામે બિન જરૂરી વ્યાજ બોજ વધે. આમ ખેડુત અને બેંક બન્નેના હિતમાં હોય તેવો સ્કેલ ઓફ ફાઈનાન્સ પ્રતિ વર્ષ સ્થાનિક લેવલે પાક ઉત્પાદન ખર્ચની ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે.
સ્ત્રોત :ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની- કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦
પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦
ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦