অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રદુષણજન્ય તત્વોની પશુ આરોગ્ય પર થતી માઠી અસર અને તેના ઉપાય

અલગ અલગ પ્રકારના પ્રદુષણની માઠી અસર સૌથી વધારે પશુને ભોગવવી પડે છે. કારણ કે પશુને વધારે સમય ઘરની બહાર રહેવું પડે છે, ઉપરાંત તેઓએ ઘણી વખત મજબુરીથી પ્રદૂષાિત ઘાસચારો અને અખાધ્ય ખોરાક ખાવો પડતો હોય છે. આપણાં દેશમાં પ્રદુષણનું પ્રમાણ દરરોજ વધતું જાય છે. રોજ નવી ફેકટરીઓ નંખાય છે પરંતુ તેનાથી ઉત્પન્ન થતું પ્રદુષણ નાથવા માટેના યોગ્ય નિયમ મુજબના પગલા લેવામાં આવતા નથી. તદ્ઉપરાંત જંતુનાશકોનો ખેતરમાં ઉપયોગ બહુ જ વધારે પ્રમાણમાં થઈ રહયો છે. જે સીધી કે આડકતરી રીતે પશુના શરીરમાં જઈ રહયું છે. જેની પશુના સ્વાસ્થય ઉપર વતે ઓછે હાનિકારક સાબિત થઈ રહયું છે.

પ્રદુષણના પ્રકાર

સામાન્ય રીતે પશુઓમાં નીચે પ્રકારના પ્રદુષણનો ભોગ બનતા હોય છે.

  • જંતુનાશક દવાઓ દ્રારા : ખેતીના પાકમાં વધુ ઉત્પાદન માટેઅને જીવાત કાબૂમાં રાખવા માટે વધુ પ્રમાણમાં અંતઃ સ્ત્રાવો, કીટનાશકો, રોગનાશકો, નિંદામણનાશકો અને બીજી દવાઓ વગેરે ઉપરાંત પશુ પર ઉપયોગ થતા એકટોપેરાસાઈટીસાઈડઝ થી સીધી અથવા આડકતરી રીતે પશુના આરોગ્ય પર માઠી અસર થાય છે.

  • ઔધોગિક એકમો દ્રારા : ઉદ્યોગો તરફથી પ્રદુષણ ફેલાય છે. જેમાં મુખ્યત્વે સીસુ(લેડ), કલોરાઈડ અને પેસ્ટીસાઈડસની ઝેરી અસર ભારતભરમાં પશુઓમાં અવારનવાર જોવા મળે છે. આ ઉપરાંત આર્સેનિક મર્કયુરી, કાર્બન મોનોકસાઈડ, સલ્ફર ઓકસાઈડ વગેરે ઘણાં બધા ઝેરી તત્વો વાતાવરણમાં ભળે છે જે પશુઓને સીધી કે આડકતરી રીતે સંપર્કમાં આવી માઠી અસર પહોચાડે છે.
  • ઝેરી તત્વો ધરાવતી વનસ્પતિ દ્રારા : અલગ અલગ પ્રકારના ઘાસચારામાં વિવિધ પ્રકારના ઝેરી તત્વો રહેલા હોય છે. જેમ કે જુવાર, મકાઈ, લીલો રજકો, ઓટ, શાકભાજીના લીલા પાન, શેરડીની ચમરી અને આગળા, કોબીજ અને ફૂલાવરના પાન, દિવેલા, સુગર બીટ, બટાકાનું પલુર, લેન્ટના, ધતુરાના પાન, પરિવહન દરમ્યાન બફાઈ ગયેલો લીલો ચારો, વધુ પ્રમાણમાં કઠોળ કે કાર્બોદિત પદાર્થ વગેરે ખવડાવાથી પશુના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે અને ઘણી વખતઝેરી અસરથી પશુનું મૃત્યુ પણ થાય છે.
  • પોલીથીન બેગ અને બીજી અખાધ્ય વસ્તુઓ દ્રારા :આજકાલ બજારમાં આપણે સહુ કોઈ જોઈ શકીએ છીએ કે પોલીથીન બેગ (ઝબલા અથવા થેલી) અને બીજી ઘણી બધી અખાદ્ય ચીજ વસ્તુઓ ભૂખવશાત મજબુરીથી પશુ ખાય છે. જેને લીધે તેના શરીર પર તેની અસર થાય છે. ઘણાં લોકોપ્લાસ્ટિકની થેલીમાં શાકભાજીનો અને ઘરનો કચરો મૂકીને થેલીને ગાંઠો વાળી દે છે અને આ થેલી કે ઝબલું રસ્તા પર ફેકી દે છે. પશુ આવી થેલીઓમાં રહેલ ખાદ્ય પદાર્થ ખાવાની આશાએ અને ગાંઠો ખોલી ન શકતું હોવાથી આખી કોથળી કચરા સહિત ખાઈ જાય છે. આમ થેલીઓ ખાવાથી નુકશાન થતું હોય છે.
  • દૂષીત પાણી દ્વારા : ખુલ્લી ગટરો, નાળા અને ખાડાઓમાંસ્થગિત થયેલું દૂષિત પાણી ઘણી જગ્યાએ જોવા મળે છે. જે પ્રાણીઓ મજબૂરીથી ખૂબ તરસ લાગે ત્યારે પીતા હોય છેઅને આવા પાણી થી બિમારી ઉત્પન્ન થાય છે.
  • યુરિયા છાંટેલા પાક અને પાણીની અછતવાળા ઘાસચારા દ્રારા :યુરિયા નાખ્યા પછીના પંદર દિવસ સુધીના ઘાસચારામાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જે પશુને ઝેરી અસર કરે છે ઉપરાંત પાણીની અછતમાં ઉત્પન્ન થયેલા ઘાસચારામાં પણ ઝેરી તત્વો જોવા મળે છે. જે ખવડાવવાથી પશુ આરોગ્ય પર માઠી અસર થાય છે.

પ્રદુષણથી પશુમાં જોવા મળતા લક્ષાણો :

પશુમાં પ્રદુષણથી જોવા મળતા લક્ષાણો તેને કયા પ્રકારના ઝેરી તત્વની અસર થઈ છે તેના પર આધારિત છે. અલગ અલગ પ્રકારના ઝેરી તત્વો શરીરના અલગ અલગ તંત્રો પર માઠી અસર કરે છે.

જયારે આ ઝેરી તત્વોની અસર પાચનતંત્ર પર પડે ત્યારે પશુને અપચો થાય, ઝાડા થઈ જાય, કેટલીક વખત કબજીયાત પણ થાય, આફરો ચઢે અને પશુનું મૃત્યુ પણ થાય. જયારે પ્લાસ્ટિકની કોથળીઓ મોટા પ્રમાણમાં આંતરડામાં જમા થઈ જાય છે. ત્યારે છેલ્લે પશુ મોતને ભેટતું હોય છે. કોઈ વખત આ પ્રકારની તકલીફમાં ઓપરેશન કરીને પાચન તંત્રમાંથી સંખ્યાબંધ કોથળીઓ અને અખાદ્ય પદાથો મળી આવે છે.

જે વિસ્તારમાં હવાનું વધુ પ્રમાણમાં પ્રદુષણ હોય તે વિસ્તારના પશુઓમાં શ્વસનતંત્રની બિમારી જોવા મળે છે. શ્વસનતંત્ર પર અસર થવાના કારણે પશુને શ્વાસોચ્છવાસમાં તકલીફ થાય, ખાંસી થાય, ફેફસામાં કાળા ચાંદા પડે અથવા કોઈ વખત ફેફસાનું કેન્સર પણ થવાની શકયતા રહે છે જેને કારણે પશુ મૃત્યુ પામે છે.

અમુક ઝેરી તત્વોની અસર ચેતાતંત્ર પર પડવાથી પશુના મગજ ઉપર તેની વિપરીત અસર જોવા મળે છે જેના પરિણામે પશુની વર્તણૂક બદલાય છે. પશુ ખૂબ જ ચીડિયા સ્વભાવનું થઈ જાય અને આક્રમક બની જાય છે. ગમે તેને મારવા દોડે છે. વધુ ભાંભરે છે. કાન અને કોયણું ફેરફેરાવે છે. જડબું કચકચાવે છે. તો વળી કેટલીક વખત ખૂબ જ ડીપ્રેશન થઈ જાય છે તેમાં પશુ સૂનમુન થઈ ઉભું રહે કે બેસી રહે અને નિસ્તેજ થઈ જાય છે.

કિડની પર અસર થાય છે ત્યારે પેશાબને લગતી બિમારીનો ભોગ બને છે. કિડની નબળી પડી જાય છે. પ્રજનન તંત્ર પર અસર થવાથી વ્યંધ્યત્વ આવી જાય છે. કેટલીક વખત પ્રદુષણની આડઅસર પણ પશુઓમાં જોવા મળે છે જેવી કે શરીરના વાળ ખરવા, વજન ઘટવું, પશુની વૃદ્ધિ અટકવી, રોગ પ્રતિકારક શકિત ઘટવી, દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટવું. આ પ્રકારે ઘણું આર્થિક નુકશાન થાય છે.

તીવ્ર ઝેરી અસરના તાત્કાલીક ચિન્હો :

પશુમાં ધ્રુજારી અનુભવાય, આંચકા આવે, ખેંચ આવે, પગ પછાડે, શ્વાસોચ્છવાસ વધી જાય, આંખોના ડોળા ચકળ વકળ થાય, પશુ પછડાટ ખાય, પેટ ખૂબ ફૂલી જાય, ભાંભરે, ઝાડા પણ થાય, પશુ બેચેન થાય, મોઢામાં ફીણ આવે, પશુ લંગડાય, લાળ પડે, દાંત કચકચાવે, વધુ પેશાબ આવે, જીભ બહાર કાઢે, મૃત્યુ પણ થઈ શકે.

પ્રદુષણ થી બચવાના ઉપાયો :

પ્રદુષણથી બચવા નીચે મુજબના ઉપાયો હાથ ધરી શકાય તેમછે

  • જંતુનાશક દવા છાંટેલા શાકભાજી ચારા નીરવા નહી અથવા બરાબર ચોખ્ખા પાણીથી સાફ કર્યા બાદ જ નીરવા.
  • પશુપાલકે પશુને ઔધોગિક પ્રદુષણવાળા વિસ્તારમાં ચરવા માટે ન જવા દેવા અને તેવા વિસ્તારમાંથી આવેલ ચારો ન નીરવો.
  • પશુને પીવા માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી. પ્લાસ્ટિકની થેલીઓમાં કચરો ગાંઠ વાળી ન નાખો. અને પ્લાસ્ટિકની થેલીનો યોગ્ય નિકાલ કરવો.
  • લીલી જુવાર નિઘલ્યા પહેલા કદાપિ નીરવી નહી.
  • ચારા પાકમાં યુરિયા ખાતર નાખ્યા પછી ૧૫ થી ૨૦ દિવસ પછી જ કાપણી કરવી.
  • લીલો રજકો, એકલો વધારે પ્રમાણમાં ન ખવડાવતા તેને સુકા ચારા સાથે મિશ્ર કરીને આપવો.
  • દિવેલાના કાચા પાનથી આફરો-મેણો ચડે છે.
  • સુબાબુલના પાન વધારે આપવા નહી.
  • બટાયેલો, બફાયેલો કે ફૂગવાળો આહાર કે ચારાનો ઉપયોગ પશુને ખવડાવવા ન કરવો જોઈએ.
  • પાણીની અછતથી ખેચાયેલ ચારા પાક ખવડાવવો નહી અને કદાચ ખાય જાય તો પશુને પાણી તુરત પીવા નદેવું.
  • ઘઉંની ઘૂઘરી, ભાત અને બીજા કાર્બોદીત પદાર્થો પશુને પહેલી જ વખત વધારે પ્રમાણમાં કયારેય ના ખવડાવવા જોઈએ.
  • પશુને ઝેરની અસર માલુમ પડે કે તુરત જ નજીકના પશુ દવાખાના દ્વારા સારવાર કરાવવી.

રેફરન્સ : ડૉ. એસ. એચ. સિંધી, ડૉ. જે. બી. કથિરીયા તથા ડૉ. જી. એમ. ચૌધરી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ. કૃ. યુ, જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate