অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઓમાં વિષાણુજન્ય રોગોના લક્ષણ તથા નિદાન

પશુઓમાં વિષાણુજન્ય રોગોના લક્ષણ તથા નિદાન

પશુઓમાં અનેક ચેપી-બિન ચેપી રોગચાળા થતા હોય છે. કેટલાક રોગો ઋતુ સંલગ્ન હોય છે. કેટલાક રોગો જીવલેણ હોય છે. ચેપી રોગો ઝડપથી ફેલાતા હોય છે. આ રોગોના જીવાણુ કે વિષાણુઓનું વહન સંપર્કથી, વાસણો ધ્વારા, પાણી ધ્વારા, બુટ-ચંપલ ધ્વારા, હવાથી આમ અનેક રીતે થતું હોય છે. આ સંજોગોમાં રોગચાળા નિયંત્રણમાં આરોગ્યલક્ષી અન્ય પગલા જરૂરી છે.

સામાન્ય રીતે પશુઓમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કે ગામમાં જે તે રોગ સામેની પ્રતિકારક રસી મુકી રોગ નિયંત્રણમાં લેવાની પ્રથા ઘણી જુની અને સચોટ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં બીમાર પશુઓને સારવાર અપાય છે. ચેપીરોગનો ઉપદ્રવ થાય ત્યારે આ બે પગલા જ લેતાં કેટલીકવાર રોગચાળો કાબુમાં આવતો નથી અને ગામના બે-ચાર પશુઓમાં મર્યાદિત ન રહેતાં આખા ગામના પશુઓને ભરડો લે છે. રોગચાળો ગંભીર સ્વરૂપ ધારણ કરે તો આજુબાજુના ગામોએ પણ પ્રસરે છે. ચેપીરોગચાળા સંદર્ભે રસીકરણ અને સારવાર ઉપરાંત અતિ મહત્વની બાબત છે સ્વચ્છતા (હાઈજીન) તથા રોગચાળાવાળા વિસ્તારને જીવાણુ-વિષાણુઓ મુકત કરવા લેવાતા પગલા આ બે બાબત પાયાની તથા ઘણી મહત્વની છે.

ફકત સારવાર તેમજ રસીકરણ ઉપયોગી જણાતા નથી અને રોગ સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં પ્રસરતો હોય તેમ લાગે છે.

રોગચાળા નિયંત્રણના આયોજન વખતે ચેપી રોગ કયા જીવાણું કે વિષાણુઓથી થાય તે જાણવું જરૂરી છે. ઉપરાંત કયા રસાયણ કે પગલાથી નાશ થઈ શકે છે અથવા કયું વાતાવરણ જીવાણું- વિષાણુઓને મદદરૂપ છે અને રોગ શાથી ફેલાય છે તેની જાણકારી પણ મહત્વની બાબત છે. આવી જાણકારી હોય તે જ અનુરૂપ પગલા લઈ રોગચાળા નિયંત્રણ અસરકારક બનાવી શકાય છે.

સામાન્ય રીતે પશુઓમાં વિષાણુઓથી ખરવાસા-મોવાસા (FMD) હડકવા (Rabies) , માતા (Pox) બળિયો (RP), IBR જેવા ચેપી રોગો થાય છે.

ખરવાસા-મોવાસા (FMD):

ખરવા મોવાસાએ વાઈરસથી થતો આ રોગ બે ખરીવાળા પશુઓ ખાસ કરીને ગાય, ભેંસ, બળદ, ઘેટાં-બકરાં, ડુકકરને થાય છે. ઘોડામાં આ રોગ થતો નથી. આ રોગના વાઈરસની અનેક જાતો-ઉપજાતો હોવાથી રોગ-નિયંત્રણ અતિ મુશ્કેલ છે. રોગના વાઈરસ શરીરની બહાર ઘાસ પર, માંસ પર, જમીન પર, છાયડાવાળી જગ્યામાં દિવસો સુધી જીવિત રહી શકે છે. જયારે ઠંડા તાપમાનમાં એક વર્ષાદાથી વધુ જીવિત રહે છે. આ રોગ સાંસગકિ હોવા ઉપરાંત રોગના વાઈરસ માઈલો સુધી પવનની દિશામાં જઈ અન્ય જગ્યાએ રોગ ઉત્પન્ન કરે છે. રોગ થયેલ પશુના મોઢામાં ફોલ્લા ફુટે છે. અને લાળ દ્વારા પાણી, ઘાસચારો, આજુબાજુની જગ્યા ચેપી બને છે. પશુના દૂધ દ્વારા પણ વાઈરસ બહાર નીકળે છે.

રોગનાં ચિન્હો: રોગિષ્ટ પશુના છાણ, પેશાબ, લાળ, દૂધ, પાણી દ્વારા રોગનો ફેલાવો ઝડપથી થાય છે. મોટાભાગનાં પશુ આ રોગમાં સપડાય છે. સામાન્ય રીતે ચેપ ૧ થી ૫ દિવસમાં લાગે છે. શરૂઆતમાં જાનવરને ૧૦૪૦ થી ૧૦૫૦ ફેરનહીટ થી વધુ તાવ હોય છે. મોઢામાં જીભ પર, ગાલની અંદરના ભાગે અને દાંતના પેઢા પર ફોલ્લા પડે છે. ફોલ્લાઓ ફુટતાં જીભ પર ચાંદા પડે છે. પશુ ખાઈ શકતું નથી. મોઢામાંથી ખૂબ લાળ પડે છે. કેટલીક વખત મોઢામાં ચાંદાની સાથે પગની ખરી વચ્ચે ચાંદા પડે છે. અને ગંદકી, માખીના ઉપદ્રવમાં પગની ખરીમાં જીવડાં પડે છે. પશુ લંગડાય છે. પગના ચાંદાની કાળજી ન લેવામાં આવે તો દિવસો સુધી તે રૂઝાતા નથી અને સમય જતાં ખરી વચ્ચે મસા થાય છે. કેટલીક વાર આઉ અને આંચળ પર ઝીણી ફોલ્લીઓ થાય છે. દૂધ તદન ઘટી જાય છે. જાનવર નબળું પડી જાય છે. રોગમાંથી બહાર આવતાં પશુને ૧૫ થી ર૦ દિવસ થાય છે. છતાં મૂળ ઉત્પાદન મેળવી શકાતું નથી.

રોગનું નિદાન : રોગનું નિદાન રોગના ચિહ્નો પરથી સહેલાઈથી થઈ શકે છે. પશુના શરીરમાં મોંના ચાંદા, ખરીની ફાડમાં થતી ફોલ્લીઓ, દુઝણી ગાયોના આઉ-આંચળ પર થતી ફોલ્લીઓ પરથી કરી શકાય છે.

સારવાર અને અટકાવ: આ રોગમાં કેટલીક ઘરગથ્થુ સારવાર અને કાળજી ઉપયોગી છે. રોગિષ્ઠ પશુને તરત અલગ કરવા તેમ જ તેના, ખોરાક, પાણીની જુદી વ્યવસ્થા કરવી. પશુના મોઢાને પોટેશિયમ પરમેગનેટ કે ફટકડી (૧:૧૦૦૦)ને પાણીમાં મેળવી દિવસમાં ૪ થી ૫ વખત ધોવું. આ પાણી પશુ પી જાય તો પણ નુકશાન થતું નથી. આ ઉપરાંત પગની ખરી આ પાણીથી વારંવાર ધોવી, ખરીમાં થયેલા ધામાં જીવડાં પડયાં હોય તો ટપરન્ટાઈન દવાથી કે ટીચર-આયોડિનથી ધા સાફ કરી જીવડાં નાશ થતાં બોરીક પાઉડર કે ઝીંક પાઉડરનો મલમ લગાવી પાટો બાંધી રોજ ઘા સાફ કરી ડ્રેસિંગ કરવું, અને પશુ ડોકટરની સલાહ લેવી. રોગિષ્ટ પશુને સુકું ઘાસ ન આપતાં, ફણું લીલું ઘાસ આપવું આ રોગ અટકાવવા માટે અન્ય પગલાં જેમ કે ગમાણની સ્વચ્છતા, રોગિષ્ટ પશુના ખોરાક, પાણીની અલગ વ્યવસ્થા, હલનચલન પર નિયંત્રણ વગેરે જરૂરી છે.

હડકવા (રેબિઝ):-

વાઈરસથી થતો આ એક ભયંકર અને જીવલેણ રોગ છે. આ રોગ હડકાયા કૂતરાં કે હડકવા થયેલ પશુના કરડવાથી થાય છે. આ રોગ માણસ ઉપરાંત તમામ પ્રકારના પશુઓને થાય છે. આ રોગના વાઈરસ હડકાયા કૂતરાં દ્વારા કે અન્ય હડકવા થયેલ જાનવર અન્ય જાનવરને કરડે તો પછી તે વાઈરસ જ્ઞાનતંતુ મારફતે મગજ સુધી પહોચે છે અને ચેતાતંત્રને અસર કરે છે. વાઈરસ મગજ પર વિપરીત અસર કરતાં હોઈ કૂતરુ કે હડકાયું પશુ જો મો પર કરડે તો રોગની અસર જલ્દી થવા સંભવ છે, કારણકે આ રોગ 'લાળ' દ્વારા ફેલાય છે. આ રોગ દુનિયાના બધા જ દેશોમાં થાય છે. જો કે ઈંગ્લેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા કેટલાક દેશો આ રોગથી મુકત છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાંબકરાં, કૂતરાં, જંગલી જાનવરો વગેરેને આ રોગ થઈ શકે છે. કૂતરાં તથા શિયાળ રોગનાં ફેલાવામાં મોટો ભાગ ભજવે છે. હડકાયું કૂતરુ કે પશુ કરડે ત્યારે તેની મોંની લાળમાં રહેલાં વાઈરસ અન્ય પશુના શરીરમાં ઘા મારફતે દાખલ થાય છે. હડકવાથી મરેલા જાનવરનું માંસ જંગલી પ્રાણીઓ ખાય તો પણ રોગ થાય છે. ચામાચીડિયાથી પણ રોગનો ફેલાવો થાય છે.

રોગના ચિન્હો : હડકવા થયેલ જાનવરોમાં રોગના ચિહ્નો સ્પષ્ટ હોય છે. જાનવરને કૂતરું કરડયા પછી રોગના ચિહ્નો દેખાવાનો સમય ૨૧ દિવસ જેટલો હોય છે. પરંતુ, કેટલાંક કિસ્સાઓમાં રોગ થોડા માસ બાદ જોવા મળે છે. હડકવા લાગુ પડેલ પશુ વધુ ઉગ્ર દેખાય છે. આંખો ખુલ્લી અને જાનવર ચકળવકળ જોતું હોય તેમ લાગે છે. આગલા પગે વારાફરતી જમીન ખોદે છે. બાંધેલ જાનવર એક છેડાથી બીજા છેડે દોડાદોડી કરે છે. જમીન કે સામી દીવાલે માથું ટેકવે છે તથા પછાડે છે. પશુને છુટું મૂકતાં આમતેમ દોડે છે અને સામે આવે તે અન્ય પશુ કે માણસ પર હુમલો કરેછે.

મોઢામાંથી ખૂબ લાળ પડે છે જે ખૂબ ચેપી હોય છે. માણસ કે અન્ય પશુના ઈજાગ્રસ્ત ભાગ પર આ લાળ પડતાં તેને પણ હડકવા થઈ શકે છે. પશુ ખૂબ ભાંભરે છે. ઘણખુંટ માફક કોઈ પણ પદાર્થ પર ચડે છે. આવા ચિહ્નો દેખાયા બાદ પશુનું ર૪ થી ૪૮ કલાકમાં મૃત્યુ થાય છે. કૂતરામાં પણ આ ચિહ્નો અગાઉ જણાવ્યા પ્રમાણે સ્પષ્ટ હોય છે. પરંતુ કેટલીક વાર અન્ય ઉપર હુમલો કરવા પ્રેરાય છે. પાલતુ કુતરું હોય તો પોતાના માલિક પ્રત્યે વધુ લાગણી વ્યકત કરે છે. કેટલીક વાર એક ખૂણામાં બેસી રહે છે. કુતરું સતત હાંફે છે. સતત ભસે છે. આ રોગ માણસને પણ થતો હોવાથી જાહેર આરોગ્યની દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહે છે. માણસમાં વિશેષતા હડકાયું કૂતરું કે બિલાડી કરડવાના પ્રસંગો બને છે.

રોગનું નિદાન : હડકવા રોગનું નિદાન રોગનાં ચિહ્નો પરથી થઈ શકે છે. કૂતરું કરડયાની જાણ હોય તો નિદાન સહેલું અને ઝડપી બને છે. જેમાં રોગ લાગુ પડેલ પશુનું મૃત્યુ નિશ્ચિત છે તેમજ ચિન્હવાળા પશુની કોઈ સારવારનો પ્રયાસ હાથ ન ધરવો. રોગનું નિદાન પ્રયોગશાળામાં પરીક્ષાણથી પણ થઈ શકે છે. પરંતુ તે પશુના મૃત્યુ બાદ જ શકય બને છે.

સારવાર અને અટકાવ: માણસ કે પશુને કુતરું કરડયા પછીની સારવાર ખૂબ જ અગત્યની છે. હડકવાના ચિન્હો બતાવવા કે શંકાસ્પદ પશુને અલગ મજબુત રીતે બાંધી રાખવા. કુતરું કરડયા પછી શકય તેટલી ત્વરાથી ઘાને સાબુથી સારી રીતે ધોઈ નાખવાથી વાઈરસ નાશ પામે છે અને વાઈરસનો પ્રવેશ શરીરમાં અટકી જવાથી, રોગ નિવારી શકાય છે. ઘાને એમોનિયા, ધોવાના કે ખાવાના સોડા વડે પુષ્કળ પાણી વડે ધોઈ સાફ કરી શકાય છે. ઘાને ધોયા પછી ટીંચર આયોડિન, સેવલોન, ડેટોલ જેવી દવાઓ પણ લગાડી શકાય છે. કુતરું કરડયા પછી થોડી ક્ષણોમાં જ ઘાને સારી રીતે પાણીથી સાફ કરવાથી મોટા ભાગના કિસ્સાઓમાં રોગ નિવારી શકાય છે. જો કે આવી સારવાર પછી નિષ્ણાંત ડોકટરનો તાત્કાલિક સંપર્ક સાધવો એટલો જરૂરી છે. ડોકટરની સલાહ મુજબ હડકાયું કૂતરું કરડયા પછી હડકવા વિરોધી રસી લેવી જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મુજબ કુતરું કરડયા પછી ૦,૩,૭,૧૪,૨૮ દિવસે હડકવા વિરોધી રસી મુકાવવી. આવા પશુને બાંધેલ જગ્યાએ ૫ ટકા ફોમૅલીન કે મરકયુરીક કલોરાઈડના દ્રાવણથી અવાર નવાર સાફ કરવી.

  • હડકવા થયેલ પશુના સંપર્કમાં આવેલ પશુચિકિત્સક કેઅજાણતા પશુના મોંઢામાં હાથ નાખેલ હોય, તપાસ કરેલ હોય કે હાથ પર નાનો ઉઝરડો કે કોઈ ઈજા હોય તો પણ તુરત ડોકટરની સલાહ મુજબ એનટીરેબીક સારવાર લેવી.
  • આવા પશુ સમયાંતરે શાંત માલુમ પડે તો પણ દોહવાનો પ્રયાસ ન કરવો.
  • મૃત પશુને દાટી ને જ નિકાલ કરવો તેમજ દાટતી વખતે મીઠું, ચુનો, ૫ ટકા ફોમર લીન, મરકયુરીક કલોરાઈડ વગેરેનો ઉપયોગ કરવો.

આપણે જોયું કે રોગ નિયંત્રણના પગલા રૂપે ફકત સારવાર કે રસીકરણના પગલા ઉપયોગી થતા નથી. સુરતના નિયંત્રણ માટે આ અગાઉ ચર્ચા કર્યા મુજબ યોગ્ય રસાયણો અને આનુસંગિક પગલાં લેવા જરૂરી છે. સમયસરના પગલાં રોગીષ્ઠ પશુને તાત્કાલીક અલગ કરવા. તેની સારવાર, અન્ય તમામનું રસીકરણ, આજુબાજુના ગામોએ પણ તે જ વખતે રસીકરણ, મૃત પશુઓનો યોગ્ય નિકાલ તથા સાફ-સફાઈ અને નિકાલ માટે યોગ્ય રસાયણની પસંદગી અને ઉપયોગ રોગ નિયંત્રણના મહત્વના પગલાં ગણી શકાય. આ તમામ પગલાં અંગે થોડી કાળજી મોટા નુકશાનથી બચાવે છે.

બળીયાનો રોગ

વાઈરસથી થતા રોગે ભારતમાં હજારો પશુઓનો ભોગ લીધો છે. ૧૯મી સદીની શરૂઆતથી ૧૯૮૦ સુધી મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળતાં હજારો પશુઓના મરણ થતાં રહયા છે. આ રોગ પરદેશમાં ઘણા દેશોમાં નાબૂદ થયો છે. ભારતમાં આ રોગ નાબૂદીની જુદી-જુદી યોજના અમલમાં છે અને તેનાં ઉત્સાહજનક પરિણામો મળ્યાં છે. ભારતમાં મોટાભાગના રાજયોમાં ૧૯૮૯ પછી આ રોગ નોંધાયેલ નથી. તેથી, સંપૂર્ણ નાબુદી તરફ દેશ પ્રયાણ કરી રહયો છે તેમ કહી શકાય.

રોગના ચિન્હો : આ રોગમાં મરણ-પ્રમાણ ૯૦ ટકા સુધી પહોચી શકે છે. રોગિષ્ટ પશુને શરૂઆતમાં ૧૦૩° થી ૧૦૬° ફેરનહીટ જેટલો તાવ હોય છે. મોઢામાંથી ખૂબ લાળ પડે છે જે ઘટ્ટ બને છે. પશુને પાણી જેવો સતત ઝાડા થાય છે. મોઢામાં જીભ પર, પેઢાં પર ઝીણી ફોલ્લીઓ થાય છે. જાનવર ખાઈ શકતું નથી. દૂધ તદન ઘટી જાય છે. અતિઉગ્ર રૂપમાં શરીર પર ખાસ કરીને આઉ પર ચકામાં પડે છે. જે શરીર પર હાથ ફેરવતાં સ્પષ્ટ જાણી શકાય છે. આખમાંથી પાણી પડતું હોય છે. શરીરમાંથી થતા તમામ સ્ત્રાવ જેમ કે લાળ, પેશાબ, દૂધ, ઝાડા વગેરેમાં આ રોગના વાઈરસ હોય છે. અને તેનાથી ખોરાક અને પાણી દૂષિત થાય છે. વળી અન્ય પશુઓને ચેપ લાગે છે. વાઈરસ ધૂળના રજકણ સાથે ભળી શ્વાસોચ્છશ્વાસ દ્વારા ચેપ લગાડી શકે છે. રોગિષ્ટ પશુમાં પાચનતંત્ર પર વિશેષ અસર જણાય છે અને આંતરડામાં વળિયા પડી જાય છે. આ વાઈરસ લસિકાગ્રંથિઓમાં પણ જોવા મળે છે. રોગનો ચેપ લાગ્યા પછી રોગ એકાદ અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં જણાય છે. સામાન્ય રીતે રોગિષ્ટ પશુને ઝાડા શરૂ થતાં તાવ ઉતરી જાય છે. પરંતુ નબળું પડતું જાય છે. અને ૭ થી ૧૦ દિવસમાં તેનું મૃત્યુ થાય છે. રોગનું નિદાન : આ રોગના નિદાન માટે રોગના ચિહ્નો ઉપરાંત ખાસ કરીને લોહીનું પરીક્ષાણ જરૂરી છે.

સારવાર અને અટકાવ: આ રોગની ધનિષ્ટ સારવારથી પશુને બચાવી શકાય છે. આ માટે નિષ્ણાત ડોકટરની સારવાર જરૂરી છે. ધરગથ્થુ સારવાર ઉપયોગી થતી નથી. આ રોગને અટકાવવા છેલ્લા થોડાં વષારોમાં પ્રતિકારક રસીનો ઉપયોગ ખૂબ લાભદાયી નીવડયો છે. ભારતભરમાં આ રસીના ઉપયોગથી જ રોગ નિયંત્રણમાં લાવી શકાયો છે. છ માસ ઉપરના પશુને રસીકરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને જીવનકાળ દરમ્યાન એકવાર જ આવી રસી આપવાની જરૂર રહે છે. રોગચાળા દરમ્યાન સ્વચ્છતાના જરૂરી પગલાં જેમ કે રોગિષ્ટ પશુને અલગ કરવા, તેમના ખોરાક, પાણીની અલગ વ્યવસ્થા કરવી, હલનચલન, ઘાસની ફેરબદલી પર નિયંત્રણ વગેરે જરૂરી તે જ રીતે દૂષિત ખોરાક, પાણીનો નાશ, છાણ, પેશાબનો યોગ્ય  નિકાલ, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે રોગ નિયંત્રણનાં પગલાં જરૂરી છે.

માતા (POX) રોગ

આ રોગ મુખ્યત્વે પશુના આંતરડાની આંતરત્વચામાં વાઈરસના ચેપના કારણે થાય છે. આ રોગ પશુઓ ઉપરાંત માણસને પણ થાય છે. આ રોગવાળા પશુનો ચેપ માણસને પણ લાગે છે. દા.ત., ગાયોમાંથી ઘોડા, ઘેટાં, બકરા કે માણસને એકબીજાનો ચેપ લાગે છે. ઘેટા-બકરામાં માતાનો રોગ અવારનવાર જોવા મળે છે. રોગના ચિન્હો :

સામાન્ય રીતે આ રોગ માટે રોગસંક્રણકાળ ૬ દિવસનો છે. પશુના શરીરમાં ઉઝરડા કે ઘા મારફત વાઈરસ પ્રવેશ કરે છે. અને એક-બે દિવસમાં જ રોગના ચિહ્નો દેખાય છે. રોગનાં લાક્ષાણિક ચિહ્નો આઉ અને આચળની ચામડી પર જોવા મળે છે. તે ઉપરાંત હોઠ, ધાબળી, પગના થાપાની અંદરનો ભાગ અને નરનાં વૃષ્ણ ઉપર આ રોગના ચિહ્નો જણાય છે. માદામાં રોગની શરૂઆત થાય ત્યારે ગાય દોહતી વખતે લાતો મારે છે, આંચળ કઠણ અને સૂજેલ જણાય છે. તેના ઉપર નાના ફોલ્લા-ફોલ્લીઓ ગોળ-લંબગોળ દેખાય છે. આ ફોલ્લીઓ નીચે પ્રવાહી એકઠું થાય અને દાણા બને છે. ધીમે ધીમે આવા અસંખ્ય દાણાનું પ્રવાહી ઘણું ઘેરૂ બને છે અને દાણા ફૂટે છે અને અંદરનું પ્રવાહી સૂકાય છે. ત્યાર પછી જે-તે જગ્યાએ પીળાશપડતાં ગુલાબી ભીંગડા જણાય છે. થોડા વખતમાં ભીંગડા ખરી પડે છે, ત્યાં ડાઘ જણાય છે. રોગ થયો હોય ત્યાં સુધી પશુને તાવ પણ જણાય છે. દુઝણી ગાયોનું દૂધ ઘટી જાય છે. રોગનું નિદાન:

માતાના રોગનું નિદાન રોગનાં ચિહ્નો પરથી થઈ શકે છે. ખાસ કરીને પશુના શરીર પર દેખાતા 'દાણા' આ રોગનું સ્પષ્ટ નિદાન કરવા ઉપયોગી બને છે. સારવાર અને અટકાવ:

આ રોગનો ફેલાવો માણસના સંસર્ગથી પણ થતો હોય છે, એટલે આ બાબતે પશુપાલકોએ કાળજી રાખવી જરૂરી છે, શકય હોય તો રોગી પશુને અન્ય પશુથી અલગ રાખવા જોઈએ. પશુના ફોલ્લા-ફોલ્લીઓ ઉપર પશુચિકિત્સકની સલાહ અનુસાર મલમ કે પાઉડર લગાડવો જોઈએ. સામાન્ય રીતે હળવા જુલાબ સિવાય કોઈ બીજી દવા આપવી જરૂરી નથી. ઘેટાં-બકરાંમાં રોગપ્રતિકારક રસી અપાવવી લાભકારક નિવડે છે.

રેફરન્સ : ડૉ. બી. બી. જાવિયા, ડૉ. ડી. બી. બારડ તથા ડો. બી.એસ. મઠપતી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ, જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate