অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ સારવારમાં ઘરગથ્થુ ઔષધીઓની ઉપયોગિતા

પશુ સારવારમાં ઘરગથ્થુ ઔષધીઓની ઉપયોગિતા

એલોપેથી ઔષધ અને એલોપેથી ચિકિત્સા સિવાયના ઘણા બધા ઉપચારો છે, જે પરંપરાગત રીતે વિવિધ રોગોની સારવારમાં અજમાવવામાં આવે છે. આવા ઉપચારોને આપણે ઘરેલુ ઉપચાર કે ઘરગથ્થુ ઉપચાર કહીએ છીએ અને આવા ઉપચાર કરનાર અનુભવી વ્યક્તિને દેશી વૈદરાજ કે ઘરેલુ ઉપચારક તરીકે વર્ણવીએ છીએ. ભારતીય સંસ્કૃતિના ઉદયથી આ પરંપરા ચાલુ છે. આવા ઉપચારોથી ક્યારેય નુકશાન થતું નથી. પરંતુ તાત્કાલિક સંજોગોમાં પશુનું આરોગ્ય અને ઘણી વખત જીવ પણ બચાવી શકાય છે.

એક પણ વાર ગાભણ ન થયેલ પશુનો બહારથી જોતાં શારીરિક વિકાસ દેખાય, પરંતુ ગભાર્શય નો વિકાસ ન હોય તેવા પશુને દરરોજ ફણગાવેલા મઠ ૩૦૦ થી ૪૦૦ ગ્રામ ૨૦ થી ૨૫ દિવસ ખવડાવતા સારું પરિણામ જોવા મળે છે. પશુના વિયાણ બાદ મેલી (ઓર) સમયસર નીકળી જાય તે માટે ગોળ અને સુવાનું પાણી પીવડાવવું જોઈએ તથા પશુ બીમાર ન પડે અને સારું દૂધ ઉત્પાદન આપે તે માટે ગોળ, સુવા, મેથી, કાળીજીરી, અસેળીયો અને અજમો વગેરેને ભેગું કરી તેના લાડવા બનાવી ખવડાવવા જોઈએ. વિયાણ બાદ પશુનું ગર્ભાશય બહાર નીકળી ગયું હોય (માટી ખસી ગઈ હોય, તો તેના પર ફટકડીનું ઠંડું પાણી રેડવું તેમજ ભીનું સ્વચ્છ કપડું ઢાંકી દેવું. વિયાણ બાદ ઘણીવાર પશુ ખોળ કે દાણ ન ખાતું હોય અને પેશાબમાં મીઠી વાસ આવતી હોય તો ગોળનું પાણી, ખડી સાકર કે ગ્યુકોઝ પાવડર પીવડાવવાથી પશુ તરત જ ખાવાનું શરુ કરી દે છે. પશુનું બચ્ચું મરી ગયું હોય કે કોઈ અન્ય કારણસર પશુ દૂધ ન ઉતારતું હોય (પાનો વારતું ન હોય, તો સવાર-સાંજ દોહવાના કલાક પહેલા ૨૦ થી ૩૦ ગ્રામ ખસખસ અને અડધું જાયફળ ખવડાવવાથી તકલીફ દૂર થાય છે.

મોઢા માં ચાંદા પડ્યા હોય તો, કાથાનો પાવડર દિવસમાં બે-ત્રણ વખત લગાડવાથી પીડામાં રાહત થાય છે. પશુના આંચળ પર વાઢીયા પડ્યા હોય કે આંચળ ફાટી ગયા હોય તો, કણજીનું તેલ કે હળદર નો લેપલગાવવાથી રૂઝમાં મદદરૂપ થાય છે. પશુના શરીર પર થયેલ ગૂમડું કે બચ્ચાનો ડુંટો કઠણ અને અપરિપક્વ હોય તેના પર ગોરમટી માટી કે કબુતરની અઘાર, સાબુ, કોલસો અને મીંથલ ભેગું કરી ઘસીને તેનો લેપ કરવાથી જલ્દીથી પરિપક્વ થઈ ફાટી જાય છે અને પશુને રાહત થાય છે. પશુને જયારે ખરવા મોવાસા રોગમાં મોથામાં ચાંદા પડે છે. ખૂબ જ લાળ ઝરે છે અને પશુ ખાવાનું બંધ કરી દે છે. ત્યારે કાથો અને ગ્લીસરીન કે હળદર અને તેલ મિક્ષ કરી ચાંદા પર ચોપડવાથી ઘણો ફાયદો થાય છે. તેમજ પોટેશિયમ પરમેંગેનેટવાળા પાણીથી ન્હોં તથા પગની ખરીઓ ધોવાની સારી રાહત જણાય છે. પશુને કોઈ ઘા લાગે ત્યારે તેના પર કાંચનારની છાલનો અર્ક તથા ખાખરાની છાલનો અર્ક લગાડવાથી જલ્દી રાહત થાય છે.

દોડી જીવંતીના મુળ અને પાનનો ભૂકો ૩-પગ્રામ નિયમિત ખોરાક સાથે પ્રસુતિ પહેલા આપવાથી જાનવરનું દૂધ ઉત્પાદન વધારી શકાય છે. આ ઉપરાંત ડોડી સાથે સરખા ભાગે શતાવરી અને અડધા પ્રમાણમાં અશ્વગંધા પાવડર ઉમેરી મિશ્રણ તેયાર કરવું. જે ગાય-ભેસના બચ્ચાનું મૃત્યુ થયું હોય અને પશુ દૂધ દોહવાની પ્રવુતિ પ્રત્યે અરુચિ બતાવે તો આવા મિશ્રણના ઉપયોગથી એમાં ફાયદો થાય છે, જાનવરનું દૂધ ઉત્પાદન વધે છે અને નિયમિત બને છે. ક્ઝીયાની ગાંઠના પાવડર ને પશુઆહાર સાથે મિશ્રણ કરી તેનો દૂધ ઉત્પાદન ઉપયોગ કરી શકાય છે.

પશુના આંચળ કે બાલવામાં સોજો આવી કઠણ થઈ ગયું હોય ત્યારે કપૂરની ગોટી ૨-૨ નંગ કાચા પાકા કેળામાં મૂકી ૭ થી ૧૪ દિવસ સુધી આપવી તેમજ કપૂરની ગોટી તથા સહેજ દીવેલ લઈ તેની આંચળ કે બાવલા પર માલીશ કરવી તેમજ ઠંડુ પાણી કે બરફ ઘસવાથી સારો ફાયદો થાય છે. પશુના આંચળના રોગોમાં જેમ કે કણી, ફોદા આવતા હોય, દૂધ પાતળું પાણી જેવું થઈ ગયું હોય કે લાલ કે ગુલાબી દૂધ આવતું હોય તો લીબુંનો રસ, ફટકડીનું પાણી અને લીલા ધાણા નો રસ પીવડાવવાથી ખુબ જ સારો ફાયદો થતો જોવા મળે છે. બાવળામાં આરહો (પાણી ભરાયેલ સોજો) આવવાથી ખુબજ દુ:ખાવો થતો હોય છે તેમજ દોહનની ક્રિયામાં પણ તકલીફ પડે છે તેવા કેસમાં કપડા ધોવાની ગળી બાવલા પર લગાડવાથી તથા ચાની ભૂકીની ઉકાળો પીવડાવવાથી લાભ થાય છે. વધુ પડતો લીલો ઘાસચારો ખાવાથી પશુ આફરી જાય તેવા કિસ્સામાં હિંગ, ખાવાનું તેલ કે દીવેલ પીવડાવવાથી ઘણી રાહત જોવા મળે છે. જો આફરો કબજિયાત ને લીધે રહેતો હોય તે ૩૦૦ થી ૫૦૦ મીલી એરંડિયાનું તેલ આપી શકાય છે. પશુને પાણી પીવડાવવાના હવાડામાં સમયાંતરે ચૂનો લગાવવાથી પાણી દ્વારા કેલ્શિયમ તત્વ પશુને મળી રહે છે. જેથી બહારથી આપવામાં આવતા પ્રવાહી કેલ્શિયમ સીરપનો ખર્ચ ઘટાડી શકાય છે. પશુને ખવડાવવામાં આવતા લીલા તેમજ સુકા ચારને કાપીને નાના ટુકડા કરી તેના પર આયોડીનયુક્ત મીઠું ભભરાવી ખવડાવતા ચારાનો થતો બગાડ અટકાવી પૂરેપૂરું વળતર મેળવી શકાય છે. પશુને જયારે બાજરી કે અન્ય અનાજ ખવડાવવામાં આવે તો, તેમાં અવશ્ય પાપડિયો ખારો નાખવો જ જોઈએ (૨૦ થી ૪૦ ગ્રામ) જેથી કરીને એસીડોસીસ રોગ થતો અટકાવી શકાય અને પશુને સરળતાથી પાચન થઇ શકે. ઉનાળામાં જયારે પશુ ગરમીને કારણે હાંક્યું હોય કે ખુબ જ તાવ આવ્યો હોય તો, મીઠાના પાણીમાં બોળેલ કંતાન ઓઢાડવાથી ઘણી રાહત થતી જોવા મળે છે. ઘણીવાર પશુને વરીયાળી અને ખડી સાકરનું માટલામાં રાખેલ પાણી પીવડાવવાથી સારી રાહત રહે છે.

પશુના શરીર પર થતા ખોડામાં કે ચામડીના રોગોમાં લીમડા પાન કે છાલના ઉકાળેલા પાણીથી નવડાવી શરીર પર લીંબોળીનું તેલ, દીવેલ કે એજીનનું બળેલું ઓઇલ લગાડવાથી સારો ફાયદો થાય છે. લીંબોળીનું તેલ અથવા લીમડાના પાનની ચટણી બનાવી તેમાં સપ્રમાણ હળદર ઉમેરવી અને સરસવનું તેલ નાંખી (અથવા તલ નું તેલ), ખરજવાથી અસરગ્રસ્ત ચામડીના ભાગ ઉપર લગાડવાથી રાહત થાય છે. પશુઓને ઘણી વખત ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ધાધર થતી હોય છે. આવા સમયે લસણની કળીને વાટી, કુવાડિયાનાં બી તથા કાળીજીરી નો પાણીમાં લેપ બનાવી, તેને તાત્કાલિક અસરગ્રસ્ત ધાધરવાળા ચામડીના ભાગ ઉપર લગાડી શકાય. પશુના પગમાં કોઈ જીવાત કે ચેપ લાગેતો અરણીના પાન કે મુળ નો મલમ પાણીમાં બનાવી ને લેપ કરી શકાય. પશુને ચામડી પર ચેપ હોય અને વાંરવાર ખંજવાળતું હોય તો બાળવના પાનના અથવા લિમડાના પાન /છાલના પાણીથી સાફ કરતું રહેવુ.

લાંબા સમયની કબજિયાત થઈ હોય તો નવસેકું ગરમ દીવેલ કે પ્રવાહી પેરાફીન (૪૦૦ થી ૫૦૦ મિલી) કે સીતાફળી ના પાનનો રસ પીવડાવવાથી તકલીફ દૂર થાય છે. વિલાયતી મીઠું ખવડાવવાથી પણ ફાયદો થાય છે. ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન પશુ ઝાડો પેશાબ કરે કે નીચે બેસે ત્યારે માટી (દિલ કે પૂઠ) બતાવે છે. તેવા પશુને ખાવાનો ગુંદર ખવડાવવો. એકીસાથે વધુ પાણી ન પીવડાવતા સમયાંતરે થોડું થોડું પાણી પીવડાવવું તેમજ પશુને પાછળના પગનો ભાગ ઊંચો તેમજ આગળ ઢળતો હોય તે રીતે બાંધવું જોઈએ.

પગ ઉતરી ગયો હોય કે મચકોડાયેલ હોય તો ગોરમટી માટી, અસેરીયો કે સરેશનો લેપ કરવાથી ઘણો ફાયદો થાય છે. હળદર અને હાંડ સાંકળ વનસ્પતિ નો લેપ અથવા પાટો બાંધવાથી પણ ફાયદો થાય છે. શિગડું ભાગી ગયું હોય કે પુંછડી કપાઈ જતાં પુષ્કળ લોહી વહી જતું હોય તો તે જગ્યાએ હળદર કે શંખ જીરું લગાવી સખ્તાઈ થી સ્વચ્છ કપડું બાંધી દેવું જોઈએ. ખૂબ વળાંકવાળા ગોળાકાર શીંગડા ધરાવતા પશુના શિંગડાની ટોચ શરીરમાં ન ઊતરે તે માટે કાપતા કે આકસ્મિક રીતે તૂટી જતાં તેમાંથી લોહી નીકળે છે તો ચેપ ન લાગે તે માટે તેમાં તમાકુ અને ચૂનો મિક્ષ કરી કે ડામર ભરી પૂરી સરસ સંધાઈ જાય છે. જયારે ઘા પડ્યો ત્યારે તેમાં કીડા પડ્યા હોય તો કણજીનું તેલ કે ટર્પેનટાઈન નું તેલ લગાડવાથી કીડા મરી જાય છે અને ફરી થતા નથી. પશુના શરીરનો કોઈ ભાગ સોજી ગયો હોય તો પીળા ગુલમહોરના પડીયાનો પાણીમાં મલમ બનાવી લગાડવાથી રાહત થાય છે. ઉનાળાની

ઋતુમાં ઘણા પશુઓને નસકોરી ફૂટવાથી નાકમાંથી લોહી વહી જતું હોય ત્યારે ફટકડી નું પાણી છાંટવું તેમજ ભીનું કપડું માથે રાખી મ્હોં ઊંચું રાખવું. પશુ જયારે ખાંસતું હોય (ઉધરસ આવતી હોય, તો અજમો, લસણ, કપૂર અને ગુગળ નો ધૂમાડો કરી ન્યાસ લેવડાવવો જોઈએ. પશુની આંખમાં ઇજા થવાથી આંખ પર છારી બાઝી જાય છે અને દેખાતું બંધ થઈ જાય છે. તેવા કેસમાં આંખમાં મીઠાના પાણીનો છંટકાવ કરવો તેમજ મીઠું અને જારના દાણા મિક્ષ કરી આંખમાં નાખવાથી ધીમે ધીમે છારી દૂર થઈ પશુને દેખાતું થઈ જાય છે. પશુને આંખમાં કોઈ ચેપ લાગે તો રગત રોહીડા ની છાલ અથવા હરડેના પાણીથી આંખને ધોઈ શકાય, દિવસમાં ૪-૫ વખત તાજા પાણીથી ધોવાથી ચેપને આગળ વધતો અટકાવી શકાય છે. પશુ દ્વારા જયારે ઝેરયુકત લીલો કે સુકો ચારો ચરવામાં કે નીરવામાં આવે તો કદાપી તરત જ પાણી ન પીવડાવવું જોઈએ, પરંતુ ગોળની સાથે ચૂલાનો કોલસો અને આમલીનું થોડું પાણી પીવડાવવું જોઈએ તેમજ વિલાયતી મીઠું ખવડાવવું જોઈએ. જેથી રાહત થતી જોવા મળે છે.

રેફરન્સ : ડૉ. સી. એમ. મોદી, ડૉ. યુ. ડી. પટેલ, ડૉ. એચ. બી. પટેલ ફાર્મેકોલોજી અને ટોક્ષીકોલોજી ભાગ , પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate