অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ આહારમાં ઝેરી તત્વો, તેની અસર અને સારવાર

પ્રસ્તાવના:

દેશમાં અને રાજયમાં ઘાસચારાની અનેક જાત વિકસી છે. ખેડૂત કે પશુપાલક ટુંકા ગાળામાં થતા પાકો પછી તે રોકડીયા પાક હોય કે ઘાસચારાના પાકો હોય તે પસંદ કરે છે. ખેડૂત ડેરી ઉદ્યોગનો વિકાસ થતાં વધુ દૂધ ઉત્પાદન લેવા અનેક અખતરા પણ કરે છે. સારા પોષણયુક્ત ઘાસચારાના ઉત્પાદનનો આધાર જમીન, ખાતર, વાતાવરણ, વરસાદ, પિયત વિગેરે અનેક બાબતો પર છે. ઔપચારિક રીતે આપણે ઘાસચારા કે દાણને પશુઆહાર તરીકે જોઈએ છીએ. આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ઘાસચારો પશુનો મુખ્ય પોષણક્ષમ આહાર કહી શકાય. પરંતુ રજકો અને જુવાર જેવા પ્રચલિત ઘાસચારામાં પણ ઝેરી તત્વ અમુક કક્ષાએ હોય છે અને પશુ માટે જીવલેણ નીવડી શકે છે. અછત અને અર્ધઅછત જેવી પરિસ્થિતિ કેટલીકવાર અતિવૃષ્ટિ, પિયતની અપુરતી સગવડ વિગેરે બાબતો ઘાસચારાના ઉત્પાદન અને તેમાં રહેલાં તત્વો પર અસર કરે છે. જુદા જુદા ઘાસચારામાં રહેલા "ઝેરી તત્વો" કયારે નુકસાનકારક બને અને પશુની તંદુરસ્તી પર કેટલી અસર કરે છે તે વિચારીએ.

જુવાર(હાઈડ્રોસાયાનીક એસિડ કે એચ.સી.એન.પોઈઝનિંગ)

લીલા ચારામાં ખુબ જ પ્રચલિત અને પોષણયુક્ત ચારા તરીકે જુવાર આગવું સ્થાન ધરાવે છે. હવે તો જુવારની અનેક જાતો ખેડુતો વાવે છે. આ ચારો ટુંકા ગાળામાં તૈયાર થતો હોય તેમ જ પશુ પણ સારી રીતે ખાતાં હોઈ લીલાચારા તરીકે લોકપ્રિય છે. પરંતુ કેટલાક સંજોગોમાં જુવાર પશુ માટે જીવલેણ નીવડે છે. જુવારમાં સાયનોજનીક ગ્યુકોસાઈડ કે સાયનાઈડ નામે ઝેરી તત્વ પશુ માટે જીવલેણ બની શકે છે. ગામઠી ભાષામાં આ ચારો ખાધા પછી પશુપે "મેરો" ચડયો છે તે તરીકે ઓળખે છે.

જુવારમાં રહેલું સાયનાઈડ તત્વ જુવાર ઉપરાંત શેરડી, મકાઈ (મયર ાદિત), સુદાન ઘાસ, અળસીનો ખોળો વિગેરેમાં હોય છે. ૧૦૦ ગ્રામ લીલા ચારામાં ર૦ મી. ગ્રામ સાયનાઈડ (૦.૦૫%) હોય તો ઝેરી અસર થાય છે. જુવારમાં રહેલું આ ઝેરી તત્વ વાવણીથી વાઢ સુધી જુદા જુદા પ્રમાણમાં હોઈ શકે છે. પશુને નિંધલ્યા પહેલાની જુવાર, કુમળી અવસ્થામાં કાપી ખવરાવેલ જુવાર, પાણીની ખેંચવાળી જુવાર ખવડાવવામાં આવે તો ઝેરની અસર થાય છે. આ ઉપરાંત જુવારની કાપણી કયરી બાદ ફુટી નીકળતી જુવાર કે પીલા વગેરેમાં પશુને મેણો કે ઝેરની અસર થાય તેવાં તત્વો વધુ હોય છે.

જુવારમાં રહેલા હાઈડ્રોસાયનિક એસિડનું પ્રમાણ છોડની વૃધ્ધી સાથે સંકળાયેલ છે. છોડ તદ્ર નાનો ઓય ત્યારે તેમાં એચ.સી.એન. નું પ્રમાણ ૦.૨ થી ૮.૩% જેટલું હોઈ શકે છે અને આ પ્રમાણે છોડ ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યાં સુધી જળવાય છે. ત્યારબાદ ઝેરી તત્વનું પ્રમાણ છોડની વૃધ્ધી સાથે ઘટતું જાય છે, અને પુખ્ત કાપણી સમયે ૦.૦૧% થી ઓછું રહે છે જેથી આવો ચારો નુકસાનકારક બનતો નથી. તે જ રીતે જુવારના છોડના જુદા જુદા ભાગોમાં સાયનોજનિક ગ્યુકોસાઈડ (એચ.સી.એન.નું પ્રીફોર્મ) નું પ્રમાણ અલગ-અલગ હોય છે. સાદી ભાષામાં કહીએતો જુવારના છોડમાં ૬૦% ઝેરી તત્વ પાનમાં હોય છે, જયારે દાંડી કે થડમાં પ્રમાણ ઘણું ઓછું હોય છે.

બીજું અગત્યની અને રસ પડે તેવી બાબત એ છે કે દિવસના જુદા-જુદા સમયે ઝેરી તત્વ (એચ.સી.એન.નું) પ્રમાણ પણ વધતું-ઓછું હોય છે. સવારના સમયે જુવારના છોડમાં ઝેરી તત્વ સૌથી વધુ હોય છે અને દિવસ ચડતો જાય તેમ ઝેરી તત્વનું પ્રમાણ વધતું જાય છે અને બપોરના ભાગે સૈથી વધુ હોય છે. બપોરબાદ આ પ્રમાણ ઘટતું જાય છે અને સાંજ કે રાત્રી દરમ્યાન ઝેરી તત્વ સૌથી ઓછી માત્રામાં હોય છે. આથી જુવારની કાપણી વહેલી સવારે કે મોડી સાંજે કરવી હિતાવહ છે.

અગાઉ જણાવ્યા પ્રમાણે પશુ જયારે કુમળી જુવાર, સિંઘલ્યા પહેલાંની જુવાર, પાણીની ખેંચ કે ઓછી પિયતથી પકવેલ જુવાર કે વાઢયા પછી ફુટી નીકળતા પીલા ખાય છે ત્યારે ઝેરની અસર થાય છે. કેટલીકવાર પશુ ૧૫ થી ૨૦ મિનિટમાં જ મૃત્યુ પામે છે, જયારે ઓછી અસર થઈ હોય તે પશુ ૧ થી ૨ કલાકમાં મૃત્યુ પામી શકે છે. ઝેરી અસરવાળા પશુનો શ્વાસોચ્છાસ ખૂબ વધી જાય છે. શરીરે તાણ આવે છે. પશુ આડુ પડી ભાંભરે છે. ખૂબ જ આફરો ચડે છે. ડોળા પહોળા થઈ જાય છે અને થોડા સમયમાં જ પશુ મૃત્યુ પામે છે.

જુવાર પોઈઝનીંગની અસરવાળા પશુનું નિદાન પ્રમાણમાં સહેલું છે. પશુપાલકે જુવાર પશુને ખવરાવી હોવાનું કે આકસ્મિક કોઈના ખેતરમાં પશુ થયા હોવાનું જાણતા હોય છે.

આવા અસર પામેલ પશુઓની સારવાર ખૂબ જ ઝડપથી કરાવવી જરૂરી છે. ઝેરની અસરવાળા પશુને ૩ ગ્રામ સોડિયમ નાઈટ્રોઈટ અને ૧૫ ગ્રામ સોડિયમ થાયોસલ્ફટ ૨૦૦ મી.મી. ડિસ્ટીલ્ડ વોટરમાં ઓગાળી લોહીની નસ દ્રારા ઈજેકશન અપાય છે. આ ઉપરાંત ૩૦ ગ્રામ સોડિયમ થાયોસલ્ફટ પાણીમાં ઓગાળી મોં વડે જરૂર મુજબ પાવામાં આવે છે. મીથીલીન બ્લ્યુ પશુના દર ૧ કિ. વજન દીઠ ૪ થી ૬ મિ.ગ્રા. ર થી ૪% નું દ્રાવણ બનાવી શિરા દ્રારા ઈજેક્શનથી આપી શકાય છે.

જુવાર પોઈઝનિંગ કે મેણો અટકાવવા નીચેની કાળજી લઈ શકાય

  1. પશુને પુખ્ત સમયે કાપણી કરેલી જુવાર જ ખવડાવવી.
  2. અપરિપકવ, ઓછા પાણીથી થયેલ જુવાર, ઓછા પિયતથી થયેલજુવાર પશુને ખવડાવવી હિતાવહ નથી.
  3. વહેલી સવારે કે મોડી સાંજે વાઢેલા પુખ્ત થયેલ જુવાર જ ખવડાવવી.
  4. લીલાં ચારામાં ફકત જુવાર જ ન ખવડાવતા સુકો ચારો થોડાપ્રમાણમાં સાથે આપવો હિતાવહ છે.
  5. જુવારની કાપણી કરેલ ખેતરમાં ફરી ફુટ થાય તે બણગા કે થડિયાપશુ ન ખાય તેની કાળજી રાખવી.
  6. કાપણી કરેલ જુવાર તુરંત ન ખવડાવતાં સુકવ્યા બાદખવડાવવાથી ઝેરની અસર નિવારી શકાય.
  7. પશુને એર સાથે બધો ચારો ન નીરતાં થોડો થોડો ચારો સમયાંતરેનીરવો હિતાવહ છે.
  8. કાપણી કરેલ જુવારમાં એચ.સી.એન. ઝેરી તત્વ છે કે કેમ તેપિફિરક એસિડ ટેસ્ટથી જાણી શકાય.
  9. જુવારનો ચારો નિરયા બાદ પશુ અસ્વસ્થ લાગે તો તુરંતપશુચિકિત્સકનો સંપર્ક સાધવો.

નાઈટ્રેટ પોઈઝનીંગ:

રાજયમાં દુષ્કાળ, અછત કે અર્ધઅછતની પરિસ્થિતિ અવાર-નવાર સર્જાતી રહે છે. ખેડુતો વધુ પાક લેવા રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરતા થાય છે. આવી પરિસ્થિતિમાં ઘાસચારામાં નાઈટ્રેટનું પ્રમાણ વધી જાય છે અને આવો ચારો પશુઓ ખાતાં નાઈટ્રેટ પોઈઝનિંગ કે નાઈટ્રેટની ઝેરી અસર થાય છે. આમ તો જુવાર, મકાઈ, જવ(ઓઠ), બાજરી જેવા તમામ ધાન્ય વર્ગના ઘાસચારામાં નાઈટ્રેટનું પ્રમાણ વરસાદની ખેંચ કે અછતની સ્થિતિમાં વધી જાય છે અને આવો લીલો ચારો ખાતાં પશુને ઝેરની અસર થાય છે. ઘાસચારામાં અમુક ખાસ સંજોગોમાં નાઈટ્રેટનું પ્રમાણ વધે છે તે જાણવું પણ જરૂરી છે.

  1. કુવા-બોરના પાણીમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોય અને આપાણી કોલીફોર્મ (ઈ.કોલી) જીવાણુંથી દૂષિત થાય તો ઝેરની અસર જલ્દી થાય છે. તે જ રીતે પિયત તરીકે વપરાતા સુએઝના પાણીથી પણ ઝેરની અસર થવાનીશકયતા છે.
  2. ભેજવાળી હવા અને ઠંડા વાતાવરણમાં નાઈટ્રેટનું પ્રમાણચારામાં વધવાની શકયતા રહેલી છે. તે જ રીતે ગરમ અને ભેજવાળી હવામાં જયારે ઘાસચારાનો ઉગાવો વધતો હોય ત્યારે નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોય છે.
  3. અછતની પરિસ્થિતીમાં નબળા ઉગાવાવાળા અપરિપકવચારામાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોય છે.
  4. ઓછો પ્રકાશ, વાદળીયું વાતાવરણ પણ છોડમાં વધુનાઈટ્રેટનું પ્રમાણ મદદરૂપ છે.
  5. ઓછી આમલ્લા (પી.એચ.) વાળી ખુલ્લી જમીન,મોલીન્ડેનમ, સલ્ફર તથા ફોસ્ફરસની ઊણપવાળીજમીનમાંથી નાઈટ્રેટનું પ્રમાણ ઓછું રહે છે.
  6. આ ઉપરાંત કોઈપણ કારણોથી છોડનો ઉગાવો ઓછો થાયતો નાઈટ્રેટનું પ્રમાણ છોડમાં વધે છે.
  7. નાઈટ્રેટનું પ્રમાણ છોડના થડમાં વધુ હોય છે. ઉપરાંતકાપણી કરેલ ચારામાં અનુકુળ ભેજ, ઉષ્ણતામાન, વાતાવરણની અસરથી નાઈટ્રેટનું વધુ ઝેરી નાઈટ્રાઈટમાં રૂપાંતર છે.

ઝેરની અસર: પશુ આવો ચારો ખાય કે ખેતરમાં ચરે પછી ઝેરની અસર થાય છે. પશુના પેટમાં ચારામાં નાઈટ્રેટનું એમોનિયા અને નાઈટ્રાઈટમાં રૂપાંતર નાઈટ્રાઈટ નાઈટ્રેટ કરતા ૧૦ ગણું ઝેરી હોય છે. લોહીમાં રકતકણના હિમોગ્લોબીન સાથે નાઈટ્રાઈટનું મીથેમોગ્લોબીનમાં રૂપાંતર થાય છે. આથી પશુના શરીરના કોષાશે, અગત્યના અવયવો, ઓકિસજનથી વંચિત થઈ જાય છે. પશુના શ્વાસોચ્છવાસ એકદમ વધી જાય છે. મોં ખુલ્લું રાખી શ્વાસ લેવા પ્રયાસ કરે છે. ઝાડા થાય છે અને પશુનું એકાદ કલાકમાં મૃત્યુ પણ થઈ શકે છે. કેટલીકવાર પશુ તરવાઈ જવાની શકયતા રહે છે.

નાઈટ્રેટ પોઈઝનિંગનું નિદાન ચિન્હો, પરિસ્થિતિ અને પ્રયોગશાળામાંના પરીક્ષાણથી થઈ શકે છે. ક્ષત્રિય કક્ષાએ ફિનાઈલ અમાઈન બ્લ્યુ ટેસ્ટ (ડી.પી.બી.ટેસ્ટ) થઈ શકે છે. સારવાર : નાઈટ્રેટ ઝેરની અસર પામેલ પશુને ૧% મીથીલીન બ્લ્યુ લોહીની નસ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત આઈસોટોનીક સલાઈન પણ ઈજેકસન દ્રારા અપાય છે. જરૂર મુજબ મુખ્ય સારવાર રીપીટ કરવી જરૂરી છે.

અટકાવ : પશુને પોષણક્ષમ દાણ, મીનરલ મિકસચર આપવાથી નાઈટ્રેટ ઝેરની અસરથી બચાવી શકાય છે. ઉપરાંત ફકત લીલો ચારો ન આપતાં પ્રમાણસર સુકો ચારો આપવો જરૂરી છે. સુકવેલ ઘાસ પરંતુ ભેજયુકત અને ભીનું હોય તો આપવું હિતાવહ નથી. તે જ રીતે વરસાદમાં પલળેલ ઘાસ પણ ખવડાવવું હિતાવહ નથી.

ઓકઝલેટ પોઈઝનિંગસ

કેટલાક ઘાસચારામાં એકઝલેટનું પ્રમાણ વધુ હોય છે. ખાસ કરી ઘાસચારાની હાઈબ્રીડ નેપીયરની જાતો, ગીની ઘાસ, પેરા ઘાસ, સુગરબીટ, ડાંગરનું પરાળ, વિગેરેમાં ઓકઝલેટનું પ્રમાણ વધુ હોય છે. આવો ચારો ખાતાં ચારામાં રહેલ ઓકઝલેટ લોહીમાં રહેલ કેશિયમ સાથે ભળે છે. તેથી પશુમાં કેશિયમની ઉણપ ઉભી થાય છે. આના લીધે શરીર ખેંચાય છે. પશુ ધ્રુજે છે. કેટલાક કિસ્સામાં પશુ મૃત્યુ પામે છે. જયારે કેટલીકવાર બળદમાં પથરી થવાથી પેશાબમાં રૂકાવટ થાય છે. જયારે કેટલાક કિસ્સાઓમાં લોહીના લાલ કણો તૂટી જાય છે. અને મગજ પર અસર થવાથી પક્ષાધાત થવા સંભવ રહે છે. આવા પશુની સારવાર કેશિયમ બોરો ગ્યુકોને યોગ્ય માત્રામાં આપી કરવામાં આવે છે.

ઓકઝલેટ ઝેર અટકાવવા આવા ચારા સાથે કઠોળ વર્ગનો ચારો આપવો હિતાવહ છે. તે જ રીતે કેલશિયમ યુકત મીનરલ મિકસચર આપવું ફાયદાકારક છે.

સેપોનીન ઝેર (બ્લોટ, ટીમ્પની, ફણયુકત આફરો):

ખાસ કરીને પશુ જયારે કુમળો રજકો કે લીલો ચારો વધુ પ્રમાણમાં ખાય ત્યારે આફરો ચડે છે. રજકાની ઋતુમાં પશુપાલકો પશુને પુષ્કળ પ્રમાણમાં રજકો નીરતા હોય છે. પ્રથમ વાઢના કુમળા રજકામાં સેપોનીન નામનું દ્રવ્ય હોય છે, જે પેટમાં (રૂમેનમાં) ગેસ અને ફીણ ઉત્પન્ન કરે છે. ફીણયુકત ગેસનો પેટમાં ભરાવો થતાં ગેસ અને ફીણ ઉત્પન્ન કરે છે. ફીણયુકત ગેસનો પેટમાં ભરાવો થતાં પેટ ફૂલી જાય છે, જેને પશુપાલકો "આફરો ચડય?" તરીકે ઓળખે છે. આવા ગેસથી પશુ બેચેની અનુભવે છે, પશુના પેટનો ડાબો ભાગ ખુબ ફુલી જાય છે અને તે ફુલીને ઢોલ જેવો અવાજ આવે છે. પશુને શ્વાસમાં તકલીફ પડે છે. મોઢું ખુલ્લુ રાખે છે. લાળ પડે છે. આંખો (ડોળા) ચઢી જાય છે અને વધુ અસરવાળા પશુ ૩-૪ કલાકમાં મૃત્યુ પામે છે.

આવા ઝેર ચડેલ પશુના પેટની ડાબી બાજુ ટ્રોકાર કેન્યુલા કે ધારદાર ચપ્પથી તુરંત કાણું પાડી ગેસ દૂર કરવો. મોઢા દ્વારા કે કેન્યુલા દ્રારા પેટમાં મગફળીનું તેલ ૨૦૦ મી. ૩૦૦ મી.લી. તથા ૬૦ થી ૧૦૦ મી.લી. ટરપેન્ટાઈન તેલ આપવું

આવા ઝેરની અસર અટકાવવા પશુને ફકત રજકો ન આપતાં પ્રથમ સુકું ઘાસ આપવું તેમજ લીલા-સૂકા ચારાનું પ્રમાણ જળવાય તેની કાળજી રાખવી.

એટગટ ઝેર:

ધાન્ય વર્ગના બાજરી, જુવાર તેમજ લ્યુપેનીક જેવા ઘાસચારાના ડુંડામાં આ ઝેર હોય છે. જમીનમાં કલેવીસેપ્સ પરપ્યુરા નામની ફૂગ હોય છે. જમીનમાં વધુ ભેજ હોય ત્યારે છોડ મારફત આ ફૂગ દાણા સુધી પહોંચે છે. ડુંડામાં સર્વત્ર ફૂગના દાણાનો ચેપ લાગે છે. અને ડુંડા સમગ્ર રીતે ભૂખરાથી કાળા પડી જાય છે. આવો ઘાસચારો પશુ ખાય તો એરગટ ઝેરની અસર થાય છે. ઘાસચારામાં ૦.૬ ટકા થી ઓછી ફુગ હોય તો પણ પશુને ઝેરની અસર થાય છે. આ ઝેરથી પશુના કાન, પૂંછડી, પગની ખરી આસપાસનો ભાગ સડવા માંડે છે અને સૂકો બને છે (ગેંગરીન) પશુ લંગડું ચાલે છે. કેટલીકવાર આવો દૂષિત ચારો પશુ ૬ થી ૧૦ દિવસ સુધી ખાય પછી ૩-૪ અઠવાડિયાં બાદ ચિન્હો જણાય છે જેમાં પશુ ખાતું નથી, લંગડું ચાલે, શુષ્ક લાગે તેમ જ શ્વાસમાં તકલીફ જણાય. પશુની પૂંછડી, કાન અને ખરીનો ભાગ ઠંડો લાગે તેમ જ ચામડી તરડાઈ જાય છે. કેટલીકવાર ખરીથી ઉપરની ચામડી જુદી થઈ જાય છે.

એક વખત ઝેરની અસર થાય પછી સારવાર ખાસ ઉપયોગી થતી નથી. પરંતુ ફૂગયુકત ચારો નાશ કરવો જરૂરી છે.

માયમોસીન ઝેર:

૧૯૭૦ થી ૧૯૮૦ ના દસકામાં સુબાબુલ નામના ચારાનો ખૂબ પ્રચાર અને પ્રસાર થયેલો. આ છોડનાં પાન તથા બીમાં ઝેર તત્વ માયમોસીન હોય છે. જુદા જુદા પ્રયોગો અને અનુભવને આધારે આ ઘાસ અન્ય ચારા સાથે ૩૦ ટકા મિશ્ર કરી આપવાથી ઝેરની અસર થતી નથી. એકલા સુબાબુલનો ચારો પશુને ખવડાવવાથી માયમોસીન ઝેરની અસર થાય છે. પશુની ચામડી ખરબચડી બને છે. તથા વાળ ખરી જાય છે. તે ઉપરાંત પશુને પ્રજનની સમસ્યા પણ થાય છે. કેટલીકવાર ગાભણ પશુ તરવાઈ જાય છે.

અસર પામેલ પશુને ફેરસ સલ્ફટ તથા પોટેશિયમ આયોડાઈડયુકત ક્ષારનું મિશ્રણ આપવું તથા તે લીલા ચારાના ૩૦ ટકાથી વધુ ન અપાય તેની કાળજી રાખવી જરૂરી છે.

રેસીન ઝેર:

દિવેલાના પાન, દિવેલાનાં બીજ તથા તેના ખોળમાં આ ઝેરી તત્વ હોય છે. દિવેલાનાં કુમળાં પાન કે બી થોડા પ્રમાણમાં પશુ ખાય તો પણ ઝેરની અસર થાય છે. ઉભા પાકમાં ઘણી વખત પશુઓ ચરતા આ ઝેરની અસર થાય છે. આ ઝેરની અસરથી પશુને તાણ આવે છે. ઝાડા થાય અને થોડા સમયમાં મૃત્યુ પામે છે. મોટે ભાગે સારવાર પહેલાં પશુ મૃત્યુ પામે છે. મોટે ભાગે સારવાર પહેલાં પશુ મૃત્યુ પામતાં હોય છે. પરંતુ ઓછી અસરવાળા પશુને જુલાબ આપવાથી તેમજ નસ દ્રારા ગ્યુકોઝ સલાઈન, વિટામીન ઈજેકશનો આપવાથી રાહત થાય છે.

દિવેલાનાં પાકવાળા ખેતરમાં પશુ ચરે નહી તેની કાળજી રાખવી તેમજ પાકટ પાન સવારે તોડી સાંજે આપવા હિતાવહ છે. દિવેલાના પાન સાથે અન્ય ચારો પણ આપવો.

લેન્ટાના પોઈઝનિંગ:

લેન્ટાના શોભાયમાન જંગલી છોડ રસ્તા પર અનેક જગ્યાએ ઉગેલા જોવામાં આવે છે. પશુ, ઘેટાં-બકરા આકસ્મિક રીતે છોડ ખાતા હોય છે. આ છોડનાં ફૂલ આછા ગુલાબી રંગનાં, પીળા રંગના, નારંગી રંગના અથવા લાલ (ચેરી) રંગના, જોવામાં આવે છે. આ છોડ તેના દરેક ભાગમાં લેન્ટાડીની - એ અને બી પ્રકારનું હોય છે. આ ઝેરની અસર પામેલા પશુ ખાવાનું  બંધ કરે છે, પછી શુષ્ક બની જાય અને કેટલીકવાર થોડા કલાકે મૃત્યુ પામે છે. અસર પામેલ પશુની ચામડી, યકૃત, હદય પર પણ હાનિકારક અસર થાય છે. આવા પશુ ડ્યુકોઝ સલાઈન, લીવર ટોનિક વગેરે આપવાથી ફાયદો થાય છે. પશુ લેન્ટાનાના છોડ હોય ત્યાં ચરિયાણ છોડવા નહીં તેની કાળજી રાખવી. રાજયમાં સાબરકાઠાં, પંચમહાલ, બનાસકાંઠા વિસ્તારમાં લેન્ટાના ઝેર કિસ્સા અવાર-નવાર બનતા હોવાનું જણાયેલ છે.

ગોસીપોલ પોઈઝનિંગ:

આ ઝેર, કપાસ, તેની પેદાશો-ઉપપેદાશો કપાસિયા અને ઓછા પ્રમાણમાં કપાસના કાલામાં જોવા મળે છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં કપાસનો પાક મુખ્ય ગણાય છે. પશુપાલકો કાલા, કપાસિયા તેનો ખોળ છુટથી ખવરાવતા હોય છે. આ સંદભર તેમાં રહેલ ગોસીપોલ વિશે માહિતી ઉપયોગી નિવડી શકે છે. કપાસના છોડમાં ગોસીપાલ તત્વ થોડાથી માંડી ૬ ટકા જેટલું હોઈ શકે છે. ગોસીપોલનું છોડમાં પ્રમાણ વધતું ઓછું હોય શકે છે. તેનો આધાર તુ, જમીનનો પ્રકાર વગેરે પર હોઈ શકે છે. કપાસની ગ્રંથિ વગરની જાત સિવાય તમામ જાતોમાં ગોસીપોલ હોય છે. દરેક પશુમાં ગોસીપોલની અસર થાય છે. પરંતુ હોસ્ટીન પ્રકારની જાતમાં તે વિશેષ: અસર થાય છે. પશુપાલકો કાલા, કપાસિયા, ખોળ વગેરે નિયમિત આપતા હોય છે. પશુ લાંબાગાળે આવો ખોરાક ખાય ત્યારે ગોસીપોલ ઝેરની અસર થાય છે. અસર પામેલ પશુ નબળું પડતું જાય છે. સતત શ્રમથી ધ્રાંસે છે, ચામડી ફીકકી અને પશુ કાળઢી ગયેલ જણાય, દુધ ઉત્પાદન ઘટે, વિશેષ કરી માદા પશુમાં પ્રજનન સમસ્યાઓ રહે, જેમાં ફાલુ નથવું, ઉથલા મારવા, અનિયમિત ગરમીમાં આવવું વગેરે મુખ્ય ગણી શકાય. આ ઝેરનું નિદાન પ્રમાણમાં સહેલું છે. જેમાં

  1. કાલા-કપાસિયા ખવરાવવાની જાણકારી.
  2. સામાન્ય રીતે ઘરમાં રખાતાં બધાં પશુને ઓછી વધતીઅસર દેખાય.
  3. પશુ નબળું પડતું જાય, ખોરાક ન લે તેમજ ધ્રાંસે છે.
  4. એન્ટીબાયોટીક સારવારની ખાસ કોઈ અસર થતી નથી.

અસર પામેલ પશુઓને સારવાર ખાસ ઉપયોગી થતી નથી તેથી કાલા - કપાસ તેની આડપેદાશોનો ખોરાક મદદરૂપ નીવડી શકે છે.

એસીડોસીસ:

કેટલીકવાર પશુને ઘઉંનુ ભડકું, મકાઈ કે મકાઈની ફોતરી વધુ પડતી ખવડાવવામાં આવે છે. ઉતરાયણ જેવા તહેવાર પર ઘઉં, લાપસી કે તેની બનાવટો ગાયોને ખવરાવાય છે. કોઈ વખત પશુઓ ઘઉંનો લોટ કે બેકરી લોટ ખાતા હોય છે. વધુ પડતા અનાજ ખાવાથી પશુનો પી.એચ.(અલ્કલત) નીચો જાય છે. એ ઘણી વાર ૪ થી ૫ ટકા જેવો થઈ જાય છે. અસર પામેલ પશુને સખત જાડા થાય છે. પેટમાં દુખાવો થતાં પગ પછાડી પશું આડું પડી જાય છે. ભાંભરે છે. શરીરમાં લેકટિક એસિડનું પ્રમાણ વધી જાય છે અને થોડા કલાકોમાં પશુ મૃત્યુ પામે છે. આ પરિસ્થિતી કે ઝેર એસિડોસીસ તરીકે ઓળખાય છે. આવા અસર પામેલ પશુને નિયત માત્રામાં સોડાબાયકાર્બનું દ્રાવણ મુખ દ્વારા તેમજ નસમાં આપવામાં આવે છે. આ ઉપરાંત રીંજર કે નોરમલ સલાઈન, વિટામિન વગેરે સારવાર દરમ્યાન આપવામાં આવે છે.

એસિડોસીસ અટકાવવા માટે પશુને ઘઉં, મકાઈ જેવા ધાન્ય વર્ગના અનાજ એકલાં ન ખવડાવતા સૂકા-લીલા ચારા સાથે તેનું પ્રમાણ જાળવી રાખવા તેમજ તહેવારો દરમ્યાન પશુ છુટા ન મૂકવા તેમ જ ઘઉં કે તેની બનાવટો પશુ ન ખાય તેની કાળજી રાખવી.

આલ્કલોસીસ:

યુરિયા પોઈઝનિંગ:- કેટલીકવાર પશુઓ આકસ્મિક રીતે યુરિયા ખાઈ જાય છે. યા તો યુરિયા ખાતરવાળા કોથળા ગાયના અવેડામાં ધોવામાં આવતાં તેમાં રહેલ યુરિયા (રેસીડયુએલ) પાણીમાં ભળે છે. આવું પાણી પશુઓ પીતાં પણ યુરિયા ઝેર ચડે છે. આ ઉપરાંત પશુઓ આકસ્મિક રીતે વધુ પડતાં કઠોળ જેમ કે અડદ, મગ, ગુવાર, ખાઈ જવાથી આવ્હાલોસીસ ઝેર થાય છે. રૂમેનમાં એમોનિયા ગેસનું પ્રમાણ વધે છે. રૂમેન પી.એચ. જે સામાન્ય રીતે ૬.૮ થી ૭.૦ હોય છે તે ૮.૦ થી ઉપર જાય છે. એમોનિયા લોહીમાં ભળતાં આલ્કલોસીસ ઝેરની અસર તીવ્ર બને છે. પશુને તાણ આવે છે. વારંવાર પેશાબ કરે છે. આંખો ખૂબ લાલ થઈ જાય છે. પશુ આડું પડી પગ પછાડે છે. કોઈ વખત ઝાડા થાય છે. અને થોડા કલાકમાં મૃત્યુ પામે છે. આ ઝેરની અસરવાળાં પશુઓને મુખ દ્વારા જરૂરી માત્રામાં સમયાંતરે એસિટીક એસિડનું દ્રાવણ આપવામાં આવે છે. નસ દ્રારા સલાઈન, ક્ષુકોઝ વગેરે પણ આપવામાં આવે છે. કેટલીકવાર રૂમીનોટોમી ઓપરેશન દ્વારા પેટમાંનો ખોરાક બહાર કાઢી નાખવામાં આવે છે. આ સારવાર એકાદ બે પશુને અસર થઈ હોય તો શકય બને છે. આ ઝેર અટકાવવા ખાતર ભરેલા ખુલ્લા કોથળા પશુની નજીક ન રાખવા તથા કઠોળ વર્ગના અનાજના ઢગલા ખેતરોમાં પડેલ હોય ત્યારે પશુ આકસ્મિક રીતે ખાઈ ન જાય તેની કાળજી રાખવી.

બટાકાનું પલુર:- ગુજરાતમાં બટાકાનો પાક ઘણા વિસ્તારમાં લેવાય છે. બટાકા છુટા પાડી પાંદડા, જે પલુર તરીકે

ઓળખાય છે તે ખેતર બહાર છોડી દેવામાં આવે છે, આ પલુર પર ફુગ (ફંગસ) નો ચેપ સહેલાઈથી લાગે છે. આવું પલુર પશુઓ ખાતા ઝેરની અસર થાય છે અને મોટેભાગે પશુનું મરણ થાય છે. ઝેરની અસર નિવારવા પલુર ખેતરના શેઢે, વાડમાં કે ખેતરમાં છોડી ન દેતા સલામત જગ્યાએ તડકામાં રાખી દાટી કે બાળીને નિકાલ કરવો જરૂરી છે.

રેફરન્સ : ડૉ. વી. એલ.પરમાર, જે.એસ. પટેલ, ડો. ભાવિકા આર. પટેલ, ડો. બી.બી. જાવિયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate