অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પરોપજીવથી પ્રાણીઓમાં થતાં બાહ્ય અને અંતહ રોગ અને નિયંત્રણ

પરોપજીવી કૃમિ અને તેમની જીવન જીવવાની કળા અત્યંત નિરાળી છે. સમયાંતરે એ પોતાના અને પોતાના વંશના રહેઠાણનો બદલાવ કરતા હોય છે. ઘડીકમાં યજમાનના શરીરમાં તો ઘડીક ખુલ્લા વાતાવરણમાં અસંખ્ય કષ્ટદાયક યાતનાઓનો સામનો કરીને પણ એ જીવન જીવી જાય છે. પશુઓના શરીરને પણ આવા પરોપજીવી કૃમિ રહેઠાણનું સ્થળ બનાવી જીવનચર્યા માટે જરૂરી ખોરાક તત્વો, પદાર્થો વિગેરેને પશુઓના શરીરમાંથી ઘણી જ સહેલાઈથી છીનવી લે છે. વળી ઘણી વખત યજમાન સાથે સુમેળભર્યું વાતાવરણ ઉત્પન્ન કરી લાંબા સમય સુધી આરામથી જીવન વિતવવાનું પસંદ કરતા હોય છે. શરીરમાં પરોપજીવી કૃમિની હાજરીથી પશુ સ્વાથ્ય પર અસર પડ્યા વિના રહેતી નથી. ગોળકૃમિ અને યકૃતકૃમિ પણ આવા જ પરોપજીવીઓ છે. ગોળકૃમિ મુખ્યત્વે ચતુર્થ આમાશય (જઠર) તથા આંતરડામાં અને યકૃતકૃમિ કલેજા(યકૃત) તથા પીતનળીઓમાં પોતાનું સ્થાન જમાવે છે.

મોટા ગોળકૃમિ

  • મોટા ગોળકૃમિ એટલે શુ? : ટોક્સોકેરા વીટયુલોરમ નામે ઓળખાતા મોટા કરમિયા છા મહિના સુધીની ઉમરના પાડા/વાછરડામાં વધુ જોવા મળે છે. તે આતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિની બાહ્યદીવાલ નાજુક અને પાતળી હોઈ અંદરના અંગો પણ નરી આંખે જોઈ શકાય છે.આપણા આ દેશમાં શિયાળાની શરૂઆતમાં આ રોગ વધુ જોવા મળે
  • એનું જીવન ચક્ર કેવું હોય છે? : પુખ્તવયના જાનવરમાં મોટા કરમિયાની નાની ઈયળ સ્નાયુપેશીઓમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. જયારે જાનવરને ગર્ભ રહે ત્યારે તે ઉતેજીત થઇ ગર્ભાશય તરફ પ્રયાણ કરે છે અને ગર્ભાશયમાં વિકાસ પામતા બચ્ચાના શરીરમાં દાખલ થાય છે.
  • નવજાત બચ્ચા ની અંદર કેવી રીતે પ્રવેશ કરે છે?: વિયાણ બાદ દુધમાં પણ આવી ઈયળ બહાર આવતી હોઈ નાના દૂધ પીતા બચ્ચાના શરીરમાં આ રીતે પ્રવેશ કરે છે.
  • તે નાના બચ્ચાના શરીરમાં કઈ કઈ જગ્યા થી પસાર થાય છે? :આ ઈયળ યકૃત, હૃદય, ફેફસા, શ્વાસનળીમાં થઇ અન્નનળી વાળે આંતરડામાં આવી પુખ્તવયના મોટા કરમિયા બને છે.
  • કેવી રીતે આ કૃમિ રોગ ઉત્પન કરે છે? : માદા કૃમિ નર સાથે મિલન કરી જે ઈંડા મુકે છે તે મળ વાટે બહાર આવે છે અને વાતાવરણમાં એકાદ અઠવાડિયામાં વિકાસ પામી રોગ કરવાની શકતી ધરવતા થઇ જાય છે.
  • મોટા કૃમિનો રોગ કેવી રીતે ફેલાઈ છે? : કૃમિ નો રોગ દુષિત ખોરાક/પાણી દ્વારા શરીરમાં દાખલ થઇ રોગ કરે છે. અને કેટલીક વાર રોગીષ્ટ પ્રાણીના મળ અને મુત્ર ખોરાક અને પાણીમાં ભળી જવાથી એ ખોરાક કે પાણી પીવાથી તંદુરસ્ત પ્રાણીની અંદર પણ રોગ થઇ શકે છે.
  • મોટા કૃમિ નો રોગ કઈ ઉમરે સૌથી વધારે જોવા મળે છે? :આ રોગ સૌથી વધારે ૬ મહિનાથી નીચેની ઉમરના નવા જન્મેલા બચ્યામાં જોવા મળે છે.
  • મોટા કૃમિની અસરથી થતા રોગોના ચિન્હો અને અસર શુ હોય છે? : નાના જન્મેલા પાડા/વાછરડાના આંતરડામાં જે મોટા પ્રમાણમાં મોટા કરમિયા થાય તો તે આંતરડામાં પોલાણને બંધ જેવું કરી દે છે જેથી ચૂંક આવે છે અને શરીરનો વિકાસ રૂંધાય છે. પાચન બરાબર થતું ન હોય વાછરડા/પાડા નબળા પડે છે. પાતળા, ચિકણા દુર્ગધ મારતા કાળાશ પડતા ઝાડા થાય છે અને જાનવરનું મરણ પણ થાય છે. જો કાળજી સારી રાખવામાં ન આવે તો ફાર્મ હાઉસમાં નાના બચ્યોના મરણ પ્રમાણમાં ખુબ વધારો થઇ શકે છે.
  • એનું નિદાન કેવી રીતે થઇ શકે છે? :ચિન્હો અને ઋતુના સમન્વયને ધ્યાનમાં લઇ પશુચિકિત્સક અધિકારી નિદાન કરે છે. પ્રયોગશાળામાં ઝાડા તપાસવામાં આવે છે તો કરમિયાના અસંખ્ય ઈંડા જોઈ શકાય છે. વળી ઘણીવાર જીવતા કરમિયા પણ ગુદામાંથી બહાર નીકળતાં જોઈ શકાય છે.
  • મોટા પરોપજીવીને અટકવાના ઉપાય અને તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
  1. પાડા/વાછરડા દસથી સોળ દિવસના થાય ત્યારે પાયરેન્ટલ, લેવાનીસોલ, પાયપેરાઝીન વિગેરે દવાઓ પશુચિકિત્સક અધિકારી અપાતા હોય છે.
  2. ગમાણની રોજબરોજની સાફસફાઈ પર વધુ દયાન આપવાથી રોગની તીવ્રતા ઓછી થઇ શકે. આથી દરરોજ ગમાણ બરાબર સાફ કરાવવી ખુબ જ જરૂરી છે.
  3. રોગ થયેલ વાછરડા અને પાડાને અલગ રાખવા અને તેમની સારવાર કરાવવી.

નાના કરમિયા

  • નાના કરમિયા એટલે શું? : જુદી જુદી જાતના નાના કરમિયા મુખ્યત્વે પાચનતંત્રના અવયવોમાં અને તેમાંથી ખાસ કરીને આમાશય (જઠર) અને આંતરડામાં રહી જીવન વિતાવે છે. ચતુર્થ આમાશયમાં રહેતા નાના કરમિયા લંબાઈમાં નાના હોય છે. અને તે મોટા કરમિયા કરતા વધારે  હાનીકારક હોય છે. કારણકે તે ખોરાક તરીકે પ્રાણીના લોહીનો ઉપયોગ કરે છે. આંતરડામાં રહેતા નાના કરમિયા જાતી પ્રમાણે જુદી જુદી લંબાઈના હોય છે. વાગોળતા પ્રાણીઓમાં આવા કરમિયા ટ્રાયકોસ્ટોન્ગાલીસ ગૃપથી ઓળખાય છે અને તે "પેરાસાયટીક ગેસ્ટ્રોએન્ટરાયટીસ " નામનો રોગ કરે છે. ચોમાસાની શરુઆતના મહિનાઓમાં આ રોગ વધુ જોવા મળે છે.
  • નાના કરમિયાનું જીવનચક્ર કેવું હોય છે? : આંતરડામાં રહેતા પુખ્તવયના કરમિયા જે ઈંડા મુકે છે તે મળ દ્વારા બહાર આવે છે. અને વાતાવરણમાં તેનો વિકાસ થાય છે. એકાદ દિવસમાં તેમાંથી નાની ઈયળ બહાર આવી ખોરાક ખાઈ વૃદ્ધિ પામી બે વખત કવચ ઉતારી રોગ કરવાની શકતી ધારણ કરે છે. આવી ઈયળ ગોચરમાં સવાર અને સાંજના સમયે ઘાસની ઉપર આવે છે. જેથી મુખ્ય યજમાન તેને ખોરાક દ્વારા સહેલાઈથી આરોગી જાય છે. મુખ્ય યજમાનના શરીરમાં પોતાના રહેઠાણની જગ્યાએ જઈ પુખ્તવયના બની નર અને માદા મિલન કરે છે. આ પછી માદા કૃમિ ઈંડા મુકે છે.
  • નાના કરમિયાની પ્રાણીઓ પર દેખાતા ચિન્હો અને હાનીકારકઅસર? : પ્રાણીઓ ભાગ્યે જ એક જ જાતિના નાના કરમિયાથી પીડાય છે. મોટા ભાગે કુદરતી રીતે જ જુદી જુદી જાતિના કરમિયાની નાની ઈયળ ખોરાક/પાણી દ્વારા એક સાથે શરીરમાં દાખલ થતી હોય આ બધી જ જાતિના કરમિયાથી જાનવર એકસાથે પીડાતું હોય છે. આથી બધી જ જાતિના કૃમિની ભેગી અસર જાનવરના શરીર પર વર્તાય છે. જેમાં મુખ્યત્વે ઢોર નબળું પડે છે, લોહી ચૂસતા કરમિયા શરીરમાં લોહીનું પ્રમાણ ઘટાડે છે. રક્તકણો પણ ઘટે છે. લોહી પાતળુ થઇ જાય છે, શરીર ફિક્કુ પડે છે અને શરીરનો ચળકાટ જતો રહે છે. જડબા નીચે પ્રવાહી ભરાય છે. ઝાડા અને કબજિયાત વારાફરતી થતાં હોય છે. ઉત્પાદન શકતી ઘટી જાય છે.

  • નાના કરમિયાનો નિદાન કેવી રીતે કરવો? : ચિન્હો દ્વારા વ્યક્ત પ્રમાણે પશુચિકિત્સક અધિકારી નિદાન કરતા હોય છે. વળી પ્રયોગશાળામાં ઝાડાના નમૂનાને તપાસવાથી નાના કરમીયાના ઈંડા જોઈ શકાય છે.
  • નાના કરમિયા દ્વારા રોગ પામેલ પશુની સારવાર કેવી રીતે કરવી? :થાયાબેન્ડાઝોલ, આલબેન્ડાઝોલ તથા તેના જેવી બીજી દવાઓના પશુચિકિત્સક અધિકારી સારવાર અર્થે ઉપયોગ કરે છે.
  • નાના કરમિયા ને કેવી રીતે અટકાવી શકાય?
  1. ચોમાસાની શરુઆત થતાં પશુચિકિત્સક અધિકારી સલાહ મુજબ દવાના ઉપયોગથી રોગની પીડાથી જાનવરને બચાવી શકાય છે.
  2. નિયમિત ગમાણની બરાબર સાફ સફાઈ કરાવી.
  3. છાણને એક જગ્યાએ ઢગલો કરી ભેગું કરવું. જેથી ઈંડા તથા તેમાંથી બહાર નીકળેલ ઇયળનો નાશ થઇ શકે.
  4. રોગીષ્ઠ જાનવરની સારવાર કરાવી.

યકૃતકૃમિ

  • યકૃતકૃમિ એટલે શુ? : યકૃત એટલે કે કલેજામાં રહેતા કૃમિને યકૃતકૃમિ કહે છે. આમ તો ચારેક જાતિના કૃમિ (ફેસીઓલા,ડાઈક્રોસીલીયમ, યુરીટ્રેમાં, ફેસિઓલાડસ) યકૃત ને પોતાનું રહેઠાણ બનાવે છે. તેમ છતાં સામાન્ય રીતે યકૃતકૃમિનો દાખલો આપવા માટે આપણે ફેસીઓલા જાતિનો ઉપયોગ કરીએ છીએ.આપણા દેશમાં મોટાભાગે ફેસીઓલા જાઈમેન્ટીકા નામના યકૃતકૃમિ શિયાળાની શરૂઆતના મહિનાઓમાં જાનવરોમાં રોગ કરતા હોય છે. આ કૃમિ પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટા અને પાન જેવા આકારના હોય છે.

શરીરના મધ્યમાં રાખોડી સફેદ રંગ ધરાવતા અને બાજુએથી કાળા રંગના ફેસીઓલા જાયગેન્તીકા લંબાઈ 8 થી 10 મિલિમિટરની હોય છે. એના શરીરનો આગળ નો માથા નો ભાગ શંકુ આકાર નો હોય છે. શરીરની પહોડાઈ આ ભાગ પછી વધતી હોઈ તે જગ્યાએ ખભા જેવો અસ્પષ્ટ દેખાવ બને છે. ખભાના પછી ધીરે ધીરે પહોળાઈ ઘટતી ચાલે છે. જે છેવટના ભાગે સૌથી ઓછી થઈ જાય છે. કરમિયાંના આંતરિક અવયવો જેવા કે અંધાત્ર, વિટેલાઇન ગ્લાન્ડ, શુક્રપિંડ વગેરે ખુબ જ વિભાજિત થયેલા હોય છે. એક જ કૃમિ માં નર અને માદા એમ બંને જાતિના અવયવો સાથે જ હોય છે. કુદરતે આ કૃમિને યકૃતમાં પકડ જમાવવા માટે સૌથી આગડના ભાગમાં એક ચૂસક અને ખભાની શરૂઆતના મધ્યમાં એક ચૂસક એમ બે ચૂસકો આવેલ છે.

  • મોટા ભાગે કયા પ્રાણીઓમાં આ યકૃતકૃમિ વધારે જોવા મળે છે? : ઘેટાં, બકરા, ગાય, બળદ, સસલા, હરણ, હાથી, ઘોડા વિગેરે તથા જવલ્લે મનુષ્ય પણ આ કૃમિનો ભોગ બનતા જોવા મળે છે.
  • આ રોગ કેવી રીતે પ્રાણીઓમાં થાય છે? : પુખ્તવના કૃમિ યકૃતની પીતનલલીઓમાં સોનેરી પીડા ઈંડા મૂકે છે જે પીતવાહિની મારફત પીત સાથે આંતરડામાં આવી મળ વાટે શરીર ની બહાર નીકળે છે. અને બહારના વાતાવરણમાં ઈંડા નો વિકાસ થાય છે અને એ અલગ અલગ અવસ્થામાથી પસાર હાય છે અને એના માટે એક લીમનીયા શંખ એનું વાહન કરે છે જે પાણીની અંદર રહેતા હોય છે. (એની અવસ્થા જેમ કે ઇડા-મીરામિડિયમ- સ્પોરોસિસ્ટરેડિયા- સરકેરિયા- મેટાસરફેરિયા) અને છેલે શંખ માથી સરકેરિયાનું મેટાસાર્કેરિયા બને છે જે મોટી સંખ્યામાં હોય છે અને એ મેટાસાર્કેરિયા પાણીમાં રહેલ અલગ અલગ વનસ્પતિસાથે ચોટી જાય છે અને જ્યારે પ્રાણી એ વનસ્પતિ કે ખોરાક લે તો એ મેટાસાર્કરિયા યજમાનના આંતરડામાં જાય અને ત્યાં વિકાસ પામે છે અને ધીમે ધીમે પિતાસય માં જઈને પુખ્ત બને છે અને ઈંડા ઉત્પન કરે છે.
  • એના ચિન્હો અને પ્રાણીઓમાં થતી અસર? : જો ઘણાબધા અપરિપક્વ કૃમિ યકૃતમાં એકસાથે પ્રવેશ કરે તો વધુ પડતાં યકૃતના કોષોનો નાશ કરી તીવ્ર પ્રકારનો રોગ કરે છે જેમાં યકૃતના કોષોનો નાશ કૃમિ ખોરાક તરીકે ઉપયોગ કરતાં હોવાથી જનવારનું મરણ જલ્દી થઈ શકે છે. જેથી રોગના ચિન્હો વધુ વખત જોવા મળતા નથી તેમ છતા મરણ પહેલા ખોરાક ઓછો લેવો, શરીર ફિક્કુ તથા નબળું થવું. મ્યુકસ મેમ્બરન ફીકા પાડવા અને જમણી તરફના ભાગમાં પેટ દબાવાથી દુખદાયક પીડા થવી વિગેરે ચિન્હો જોઈ શકાય છે.

જો થોડા પ્રમાણમા કૃમિ યકૃતમાં દાખલ થયા હોય તો બે એક મહિનામાં પીતનાલીઓમાં પહોચી પુખ્તવયના બની જીવન વિતાવે છે. આથી આવા કૃમિ મંદ (ક્રોનીક) પ્રકારનો રોગ કરે છે. જેમાં યકૃતના કોષોનો નાશ તથા રક્તસ્ત્રાવ થયા બાદ ફાયબ્રસ ટીસ્યુનો જમાવ સંધાણ માટે થાય છે જેથી યકૃતની કાર્યશક્તિ ઘટે છે. યકૃત મોટું થાય છે પિતનળીઓની દીવાલના કોષો તેનાથી વૃદ્ધિ વધારે છે. આથી તેમની દીવાલ જાડી કઠણ પાઇપ જેવી થઈ જાય છે. પિતનલીઓમાં જાડુ, ઘેરા સફેદ રંગનું, ચીકણું પ્રવાહી ભરાય છે. પિતાયશયની નળીઓમાં અવરોધ થવાથી પિતનો ભરાવ થવા લાગે છે અને પિતાશય મોટુ થઈ જાય છે. કમળા જેવા ચિન્હો જોવા મળે છે. વળી જડબા નીચે પ્રવાહી ભરાય છે. વજન ઘટે છે. મ્યુકોસ મેમ્બરન ફિક્કા પડે છે ઝાડા દુર્ગધયુક્ત બને છે. વાળ ખરી જાય છે. એનીમિયા થવાથી શરીર નબળું પડે છે અને ઉત્પાદનશક્તિ ઘટતી જાય છે, જેથી વધુ આર્થિક નુકશાન થાય છે.

  • આ રોગ નું નિદાન કેવી રીતે કરી શકાય છે?
  1. ચિન્હો અને ભૌગોલિક પરિસ્થિતીને ધ્યાનમાં લઈ પશુચિકિત્સક અધિકારી નિદાન કરતાં હોય છે.
  2. છાણના નામુનાની સૂક્ષ્મદર્શન યંત્ર વડે તપાસ કરવાથી યકૃતકૃમિના ઈંડા જોઈ શકાય છે.
  3. નજીકના ભૂતકાળમાં લીધેલ ખોરાક/પાણીની પૂછપરછથી પણ રોગનો ખ્યાલ આવી શકે છે.
  4. મરણોતર ચીરફાડ દ્વારા યકૃતમાં કૃમિઓની હાજરી નજરે પડે છે.
  • આ રોગ ની સારવાર માટે શું જરૂર હોય છે? કાર્બન ટેટ્રાંક્લોરાઈડ, ટ્રાઇક્લબેંડજોલ, હેકજાક્લોરોથેન, હેકજાક્લોરોફેન, બિથિયોનોલ, ટ્રોડેક્સ જેવી દવાઓ પશુચિકિત્સક અધિકારી આ રોગમાં આપતા હોય છે.
  • આ રોગને કેવી રીતે અટકાવી શકાય?
  1. ચોમાસાની ઋતુના પાછળના મહિનાઓમાં તથા શિયાળાની ઋતુના શરૂઆતના મહિનાઓમાં નદી/તળાવ/નહેરના કિનારનું ઘાસ ઢોરને ચરવા દેવું નહીં. આવું ઘાસ કાપી બરાબર રીતે સૂર્યતાપમાં સૂકવી ખવડાવી શકાય અથવા આવા ઘાસનું સાયલેજ બનાવી ઉપયોગમાં લઈ શકાય છે.
  2. શંખનો નાશ કરવો. આ માટે રસાયણનો ઉપયોગ થઈ શકે અથવા સાથે બતક જેવા પક્ષીઓ જે શંખનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે પાળી શકાય.
  3. રોગીષ્ઠ જનવરોની સારવાર કરવી તથા જનવરોનું છાણ એક જગ્યાએ ભેગું કરી ઢગલો કરવો જેથી અંદર ઉત્પન્ન થતી ગરમીથી ઇંડાનો નાશ થાય.(૪). નિલગીરીના પાન અને શિંગોડા શંખનો નાશ કરતાં હોઈ તેમના ઝાડને તળાવ નદી કિનારે ઉગાડવા જોઈએ.

બાહ્ય પરોપજીવી

બાહ્ય પરોપજીવી પોતાનું જીવનનો પૂરો અથવા થોડો ભાગ બીજાના શરીર ઉપર અથવા અંદર ગુજારતા હોય છે, એટલે તેમને  પરોપજીવી કહેવામાં આવે છે. પરોપજીવી હમેશા બીજાને નુકસાન કરતા હોય છે. બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પ્રાણીના શરીર ના ઉપરના ભાગમાં પસારે છે. બાહ્ય પરોપજીવીમાં અલગ અલગ જીવો જેમકે માખી, ચંચળ, ઇતરડી, જુ, અને બીજા ખરજવું કરવાવાળા જીવો સામેલ હોય છે, જે પશુના શરીરના બાહ્ય ભાગ માં રહે છે, જે પ્રાણીનું લોહી ચૂસે છે અને ઘણા રોગોનું વાહન પણ કરે છે અને એનો ફેલાવો પણ કરે છે. બધાજ પશુઓ પોતાના જીવનકાળ દરમિયાન પરોપજીવી રોજના શિકાર બનતા હોય છે. બાહ્ય પરોપજીવીના કારણે પશુઓને ઘણી તકલીફ વેઠવી પડે છે અને પશુપાલકોને પણ એની તકલીફ ઉઠાવી પડે છે.

બાહ્ય પરોપજીવીના લીધે પશુઓમાં થતી હાનીકારક અસરો.

  1. બાહ્ય પરોપજીવી પશુના શરીરનું લોહી ચૂસે છે જેના લીધે પ્રાણી કમજોર થઇ જાય છે.
  2. બાહ્ય પરોપજીવીના કારણે પશુના શરીરની ચામડી પર સતત ખંજવાળ આવે છે અને જેના લીધે પશુના વાળ નીકળી જાય છે.
  3. ચામડીના સતત ખંજવાળના લીધે પશુનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે.
  4. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જુદા-જુદા રોગ નું વાહન કરે છે જેવા કે થાયલેરીઓસીસ, બબેસીઓસીસ, એનાપ્લાઝમોસીસ તથા ત્રીપેનોઝોમાંસીસ રોગ મુખ્ય છે.
  5. કેટલાક બાહ્ય પરોપજીવીઓ વિવિધ પ્રકારના આંતહ પરોજીવીઓનો ફેલાઓ કરે છે.
  6. બાહ્ય પરોપજીવીઓ પશુઓના ચામડીના રોગ જેવા કે ખરજવું પણ ઉત્પન કરે છે.
  7. કેટલાક બાહ્ય પરોપજીવી જેવા કે ઇતરડી શરીર ઉપર ઝેરી પદાર્થો ચોડે છે જેનાથી પશુઓમાં લખવા થવાની શક્યતા વધી જાય છે જેને "ટીક પેરેલાયસીસ કેવામાં આવે છે.
  8. પશુ ઘાસચારો અને પાણી પીવાનું ઓછું કરી દે છે.
  9. પશુઓની દૂધ ઉત્પાદન કરવાની શકિત ઓછી થય જાય છે.

10. પશુઓનું વજન ઓછુ થય જાય છે.

11. પશુઓનો વિકાસ રૂંધાય જાય છે.

12. પશુઓની રોગ પ્રતિકારક શક્તિ માં ઘટાડો થાય છે.

13. જો કોઈપશુપાલકનું પશુ બાહ્ય પરોપજીવી રોગ થી પીડાય તો એ અન્ય પશુઓમાં રોગનો ફેલાવો કરે છે.

બાહ્ય પરોપજીવીઓને અટકાકવા માટેના ઉપાય:

  1. પરોપજીવીના રહેવાના વિસ્તારમાં પશુઓ તથા પશુના રહેઠાણના જુદા જુદા પ્રકારના બદલાવ કરવાથી બાહ્ય પરોપજીવીના ઈંડા કે લારવા જીવિત નહિ રહે. આ બદલાવ અલગ અલગ પ્રકારથી થાય છે જેમકે રોજે રોજ સાફ સફાઈ કરવાથી, જમીન કેદીને, માટીને બદલીને, માટીમાં ચૂનાનો સટકવ કરવાથી, ઘાસચારાનો યોગ્ય જગ્યા એ નિકાલ કરવાથી વગેરે.
  2. બાહ્ય પરોપજીવી ગ્રસ્થ અરીયામાંથી અલગ કરી અન્ય જગયે લઇ જવા કેમ કે બાહ્ય પરોપજીવી પશુના સરીર વગર એનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી
  3. પશુના રહેઠાણની આજુબાજુનો ઘાસ ચારો કે વનસ્પતિ ને બડી દઈ એમાં રહેલા પરોજીવીઓનો પણ નાશ થયી જશે જેનાથી એમાં વૃદ્ધિ અટકી જશે.૪).બાહ્ય પરોપજીવીઓનો નાશ કરવા માટે પશુના શરીર પર કે પશુ રહેઠાણ ના જગ્યાએ કીટક્નાશક દવાનો ઉપયોગ કરવી અવશ્યક છે, જેનાથી પરોપજીવીઓનો ઉપદ્રવ અટકાવી શકાય છે.

પશુના લોહીમાં થતા રોગ અને તેનું નિવારણ

પશુઓમાં પરોજીવીઓથી થતા અસંખ્ય રોજો છે. પરોપજીવો વાતાવરણમાં પોતાના ખોરાક અંદ રહેઠાણ માટે અંશતઃ અથવા સપુર્ણપણેપશુ અને મનુષ્યના શરીર ઉપર કે શરીરની અંદર વસવાટ કરતા હોય છે. આ સૃષ્ટી ઉપર અસંખ્ય જાતિઓના પરોપજીવીઓ વસવાટ કરતા હોય છે. એમના મોટા ભાગના પરોપજીવીઓ હાનીકારકણે છતાં પશુઓ ઉપર આધાર રાખતા હોય છે. અમુક પરોપજીવીઓ પશુઓમાં નુકશાન કરી રોગ પેદા કરે છે. પરોપજીવી સામાન્ય રીતે બે પ્રકારના હોય છે.

  1. બાહ્ય પરોપજીવીઓ : દા.ત.માખી, મચ્છર, ઇતરડી, બાગી,જુ, વગેરે.
  2. અંતઃ પરોપજીવીઓ દા.ત. કૃમિ અને પ્રજીવ.

આમ પ્રજીવો એ અંતઃ પરોપજીવી છે. પ્રાણી જગતમાં પ્રજીવોનો સમાવેશ પ્રજીવ નામના અલગ સમુદાય માં થાય છે. આ પ્રજીવો એક કોષના બનેલા હોય છે. પશુઓના પ્રજીવો વનસ્પતિના પ્રજીવોની જેમ જાતે ની બનાવતા તેના માટે પશુઓ પર આધાર રાખવો પડે છે. તેઓ એક કોષી હોવાથી તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તેમના આકાર અંદ કદના આધારે તેમની જુદી જુદી જાતિઓ ઓળખી શકાય છે. વિજ્ઞાનની ભાષામાં “પ” એટલે પ્રથમ અંદ જીવ” એટલે પ્રાણી. આમ, પ્રજીવ એટલે સૃષ્ટિમાં અસ્તિત્વમાં આવેલો પ્રથમ જીવ.

પ્રજીવ અંતઃ પરોપજીવી હોવાથી તે પ્રાણી શરીરની અંદર જોવા મળે છે. આમ પ્રાણી શરીરની અંદર પ્રજીવોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય.

  • લોહીના પ્રજીવો: દા.ત. ત્રીપોનોઝોમા, બેબેસિઆ, થાઈલેરિઆ અને એનાપ્લાઝમા.
  • આંતરડાના પ્રજીવો: દા.ત.એન્ટામોઈબા, હિસ્ટોમોનાસ, જીઆરડીઆ, આઇમેરિઆ અને ક્રીપ્ટોસ્પોરીડિયા.
  • માંસ પેસીઓમાં પુતીકા (ટીસ્યુ સીસ્ત) બનાવનાર પ્રજીવોઃ દા.ત.તોફોબ્લામાં,સાર્કોસીસ્ટ, હેમોન્ડીઆ.
  • પ્રજનન તંત્રના પ્રજીવો: ટ્રાયકોમોનાસ

ઉપરની પ્રજાતિમાં લોહીના પ્રજીવોની જતી જેવી કે ટ્રીપોનોસોમાં, ઈવાન્સી. ગાય-ભેંસ, ઘોડા,ઊંટ, અને કુતરમાં તથા જંગલી પશુઓમાં સરા(ચકરી), બેબેસિઆ બાઈજેમીના ગાયમાં, બેબેસિઆ ઇક્વાય ઘોડામાં, બેબેસિઆ કેનીસ કુતરમાં, બેબસીઓસીસ (લાલ પેશાબનો રંગ), થાઈલેરિઆ એન્યુલાટા ગાયમાં, થાઈલેરીઓસીસઅને એનાપ્લાઝમાં મારજીનાલે ગાય ભેંસમાં એનાપ્લાઝમોસીસ નામનો રોગ પેદા કરે છે.

માંસ પેશીઓના પુટીકા બનાવનાર પ્રજીવો (ટીસ્યુ સીસ્ટ ફોર્મીગ પ્રોતોઝોઆ) જેવા કે તોલોપ્લાઝમા ગોન્ડી બિલાડીના આંતરડામાં, સારકોસીસ્ટ પ્રજાતિની વિવિધ જાતિઓના કુતરા બિલાડાના અને અન્ય માંસાહારી પ્રાણીઓના આંતરડામાં લેઝનોઈટીઆ બેઝનોટી તથા હેમોન્ડિઆ હેમોન્ડી બિલાડીના આંતરડામાં જોવા મળે છે. તેમના આ પશુઓમાં કોઈ જાત નું નુકસાન કરતા નથી. આ તમામ પરોપજીવો જીવનચક્ર પરોક્ષ હોય છે અને ગાય ભેંસ, ઘેટા બકરા, ઘોડા, ભૂંડ વગેરે પશુઓ મધ્યસ્થી યજમાન તરીકે કામ કરે છે. આ મધ્યસ્થી યજમાનોની માંસપેશીઓમાં ઉપરોક્ત ઉપરોક્ત પ્રજીવો પુતીકા બનાવે છે અને તોલોપ્લામોસીસ અને સારકોસીસ્ટોસીસ જેવો રોગ કરે છે.

પ્રજનન તંત્રના પ્રજીવો જેવા કે ટ્રાયકોમોનાસ ફીટસ ખાસ કરી ગાયો ભેસોમાં ટ્રાકોમોનીઆસીસ (ગર્ભપાત) નામનો રોગ કરે છે.

  • ટ્રીપાનો સોમીઓસીસ (સરા, ચકરી) રોગના જવાબદાર પ્રજીવો: ટ્રીપાનોસોમા ઈવાન્સી
  • અસર પામતા પશુઓ: મુખ્યત્વે ઘોડા-ગધેડા, ઊંટ, અને કુતરમાં આ રોગ થાય છે. આ ઉપરાંત, ગાય-ભેંસમાં, ઘેટા-બકરામાં તથા ભંડમાં અને જંગલી પશુઓમાં પણ આ રોગ જોવા મળે છે.
  • રોગ નો ફેલાવો: આ પ્રજીવો જીવનચક્ર પરોક્ષ છે. તેમને એક પશુઓમાંથી બીજા પશુમાં દાખલ થવા માટે ઘોડા માખી, તાબેલા માંખ, ઓર્નીથોડોરસ નામના જુઆ (સોફ્ટ ટીક્સ) જેવા લોહી ચુસનારા બાહ્ય પરોપજીવીઓ જવાબદાર છે. ઉપરોક્ત બાહ્ય પરોપજીવીઓ જયારે રોગીષ્ટ પશુમાંથી લોહી ચૂસે છે ત્યારે ત્યારે તેમના મોઢાના અંગોમાં લોહીની સાથે પ્રજીવો પણ સાથે આવી જાય છે. જયારે આવી માખ બીજા તંદુરસ્ત પશુના શરીર ઉપર બેસીને લોહી ચૂસે છે ત્યારે પ્રજીવો પણ તંદુરસ્ત પશુના શરીરમાં દાખલ થાય છે અને રોગનો ફેલાવો કરે છે. આવી માંથીઓમાં મોઢાના અંગમાં આ પ્રજીવ ફક્ત ૧૦ થી ૧૫ મિનીટ સુધી જ જીવંત અવસ્થામાં રહી શકે અને આ અવસ્થા દરમિયાન કોઈ વિકાસ કે વૃદ્ધિ થતી નથી. આ ઉપરાંત પશુઓમાં રસીકરણ દરમિયાન જો સ્વચ્છતા અને ચોખાઈનું દયાન ન રાખવામાં આવે તો પણ આ રોગનો ફેલાવો થાય છે. આ પ્રકારના ફેલાવાને મીકેનીકલ ટ્રાન્સમીશન” તરીકે ઓળખવામાં આવે છે.
  • રોગ થવાના પરિબળો: પશુઓમાં આ રોગ થવા માટે પાંચ પરિબળો મહત્વનો ભાગ ભજવે છે.
  1. યજમાન (પશુ પોતે)
  2. પ્રજીવ
  3. વાતાવરણ
  4. ફેલાવો કરનાર એજન્ટ (માખી)
  5. પ્રજીવોનો સંગ્રાહક યજમાન (રીઝર્વયાર હોસ્ટ).

રોગ નો ફેલાવું કરનાર ઘોડા માખી/તબેલા માખી પાણીવાળી જગયાએ પોતાનું સંવર્ધન કરે છે. જેથી તેનો ઉપદ્રવ ચોમાસામાં અને તે પસીના ૧ થી ૧.૫ માસ પછી વધારે જોવા મળે છે. આ માખ તેની સવર્ધનની જગ્યાએથી ૧ કિલોમીટર સુધીના વિસ્તારમાં ઝડપથી ઉડી સકે છે, તેથી આ રોગ ચોમાસામાં અને તે પછી જોવા મળે છે. તેમ છતાં પણ વાતાવરણમાં રોગના લક્ષણો વિહીન (લેટન્ટ કેસ) પશુઓની ઉપસ્થિતિ હોવાથી તેઓ પણ વર્ષ દરમિયાન રોગ ફેલાવામાં મદદ કરે છે. આ રોગમાં અસર પામતા પશુઓની યાદી ઘણી લાંબી હોવાથી વાતાવરણ માં જંગલી અને પાલતું પશુઓમાં પણ ઘણી વખતે તેમના શરીરમાં પ્રજીવો હોય પણ રોગના લક્ષણો જોવા ન મળતા એવા (લેટન્ટ ઇન્ફકશન અથવા રીઝર્વીયર અથવા કેરિયર) પશુઓ રોગ ફેલાવવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. લેટર ઇન્ફકશન વાળા પશુઓમાં જયારે કામ નો બોજો વધારે પડતો રહે (દા.ત. દૂધ ઉત્પાદનની સાથે સાથે સગર્ભ અવસ્થા દરમિયાન બચ્ચાનું પોષણ), યોગ્ય પોષણનો અભાવ, રસીકરણ દમિયાન રીએક્સન, અન્ય રોગો જેવા કે ખારવા મોવાસા, ગળસુંઢો વગેરે વખતે પશુઓમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે અને આ રોગનો હુમલો થાય છે.

રોગની પ્રક્રિયા અને તેના લક્ષણો:

ગાય-ભેંસ:

રીપોર્ટ અને અનુભવના આધારે ગાય-ભેંસ વર્ગના પશુઓમાં પ્રજીવો સામાન્ય રીતે નુકસાનકારક નથી અને તેમાં આ રોગ જોવા મળતો નથી. પ્રજીવો મોટા ભાગના કેસમાં છુપાયેલી અવસ્થામાં રહે છે. તેમ છતાં પણ આ રોગ નાના, નબળા, ત્રાસ સહન કરતા અને ખરવ મોવાસાની અસર પામેલા પશુઓમાં વધારે ગંભીર પ્રકારે જોવા મળે છે. આ રોગ ગાય ભેંસોમાં કોઈ પણ જાતના લક્ષણો વિહીનથી અતિતીવ્ર પ્રકારે જોવા મળે છે. રોગ ની તીવ્રતાના આધારે આ રોગ અતિતીવ્ર, તીવ્ર, માધ્યસ્તીવ્ર અને દીર્ઘકાલીન સ્વરૂપે જોવા મળે છે.

અતિતીવ્ર પ્રકારે થતા રોગમાં પશુ બે થી ત્રણ કલાકમાં મુત્યુ પામે છે. આ પ્રકારમાં ચેતાતંત્ર અસર પામે છે અને પશુ તન જેવા લક્ષાનો દર્શાવી મુત્યુ પામે છે. આ પ્રકારના રોગના અચાનક મૃત્યુ થતા ઘણી વખતે સાપ કરડવાનો, કીતાનાશક દવાઓની ઝેરી અસરનો, મગજની ગાંઠ અથવા પુતીકા, ચેતાતંત્રને અધીન કીટોસીસ વગેરે પરિસ્થિતિઓને નિદાન વખતે દ્યાનમાં લેવી પડે છે.

તીવ્ર પ્રકારના રોગમાં પશુ સરુઆત્મ સંત અને ત્યારપછી સરીરની સંતુલન ગુમાવી બેસે છે, આથડે છે, લથડીયા ખાય છે કે ગોળ ગોળ ફરે છે. તેની આંખો પહોળી થઇ જ છે અને અખોના ડોળા બહાર દેખાય છે. માથું ખુનતા સાથે કે ગમન અથવા નજીકની દીવાલ સાથે પછાડે છે. આંખે જોઈ શકતું નથી. મોઢામાંથી લાળ પડે છે. છેલ્લે બધાજ લક્ષાણો દુર થાય છે અને પશુ કોમામાં જઈ ચારે પગે અશક્ત થઇ જમીન ઉપર સુઈ જાય છે અને છેવટે ૬ થી ૧૨ કલાકમાં મૃત્યુ થાય છે. આ રોગમાં હમેશા તાવ આવે તે જરૂરી નથી, કોઈક વખતે પશુને તાવ નથી પણ આવતો.

મધ્યમતીવ્ર અને દીર્ઘકાલીન રોગની અવસ્થામાં પશુ શરુઆત સંત અને નિદ્રાધીન દેખાય છે અને બંને આખોમાંથી પાણી આવે છે. ધીરે ધીરે રોગના કારણે શરીર ક્ષીણથતું જાય છે, આંતરીયો તાવ આવે છે, પગે સોજો આવે છે, ઝાડા થાય છે અને છેવટે મુત્યુ થાય છે. રોગ દરમિયાન લોહીમાં પ્રજીવોની સંખ્યા ઓછી હોય છે તેથી ઉંચો તાવ જોવા મળતો નથી અને તાવ ણ હોવા છતાં પણ લોહીમાં પ્રજીવો હોઈ શકે છે.

ગાય ભેંસમાં ખાસ કરીને ચાકરીના રોગમાં અત્રે અ યાદ રાખવું ખાસ જરૂરી છે કે ઉપર દર્શાવેલા અતિતીવ્ર, તીવ્ર, માંડ્યાસ્તીવ્ર અને દીર્ઘકાલીન રોગમાં દર્શાવેલા લક્ષણો બીજા અન્ય ઘણી બધી પરીસ્થિતિઓમાં અને રોગોમાં જોવા મળે છે, તેથી રોગના નિદાન માટે એકલા લક્ષણો ઉપર ભાર મુકવો કે વિશ્વાસ કરવો યોગ્ય નથી. લક્ષાનોના આધારે અંદાક્કારી પ્રયોગશાળામાં યોગ્ય નિદાન કાર્ય પસી જ રોગ જાહેર કરી શકાય છે અને યોગ્ય સારવાર કરી શકાય છે.

ઘોડો:

ઘોડામાં આ રોગ ગાયો ભેંસો કરતા વધારે ગંભીર હોય છે. ઘોડામાં આ રોગમાં સમયસર નિદાન અને સારવાર પણ થાય તો હમેશા મુત્યુ થાય છે. એક વખત ચેપ સરીરમાં દાખલ થયા પછી ઘોડામાં આ રોગ ૪ થી ૯ દિવસમાં થાય છે. અરોગના પ્રજીવોની વિનાશકતાના આધારે સામાન્ય રીતે થોડા દિવસોમાં મુત્યુ થાય છે. રોગ દરમિયાન શરીરની ક્ષીણતા અને દુખાવ રહિત સોજો આ રોગ ના મુખ્ય લક્ષણો છે. આ રોગથી મુત્યુ લંબાય તો શરીર ધીરે ધીરે ખુબ ક્ષિન થઇ જાય છે અને ઘોડો ખોરાક ખોરાક ખાવાનું ચાલુ રાખે છે. આ પરિસ્થિતિમાં સારો અને પુરતો ખોરાક ચાલુ હોવા છતાં જાણે એવું લાગે છે કે ઘોડો કુપોસન અને ગંભીર કૃમિજન્ય બીમારીથી પીડાતો હશે. દુખાવા વગરનો સોજો સામાન્ય રીતે પેટના નીચેના ભાગે અને પગમાં જોવા મળે છે. વધુમાં આ રોગમાં પ્રજીવો દ્વારા એલર્જીક રીએકશન થતા ગરદન અને તેની નીચેના ભાગમાં ગોળ ગોળ ચકામાં જોવા મળે છે અને ગુદાદ્વારના ભાગે

જ્યાં પાતળી અંદરની ચામડી અને જાડી બહારની ચામડી જ્યાં મળતી હોય ત્યાં લોહી જોવા મળે છે. રોગ દરમિયાન તાવની ચઢ ઉતર જોવા મળે છે અને અમુક વખત તીવ્ર પ્રકારના રોગમાં ગાય ભેંસની જેમ તાવ બિલકુલ જોવા મળતો નથી.

રેફરન્સ : ડો. બી.જે. ઠાકર, ડો. બિનોદ કુમાર, ડો. નીલિમા બ્રહ્મભટ્ટ, ડો. જે.આર.ડામોર, ડો. કે.એચ.પરમાર, ડો. જોઇસ.પી.જોસેફ અને ડો. જીમ્મી એ.પટેલ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ, જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate