অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુદરતી આફત સમયે પશુ આહાર વ્યવસ્થાપન

છેલ્લા બે દાયકાથી ગુજરાત રાજયમાં પશુપાલન વ્યવસાયનો સારો એવો વિકાસ થયો છે. પરંતુ આપણી ખેતી વરસાદ આધારીત હોવાથી તેમજ ભૌગોલીક પરિસ્થિતિને કારણે રાજયનો અમુક વિસ્તાર વારંવાર કુદરતી આફતો જેવી કે, દુષ્કાળ, અતિવૃષ્ટી, ધરતીકંપ કે સુનામીના પંજામાં આવી જાય છે. આવી કુદરતી આફત સમયે કિંમતી પશુધન માટે ઘાસચારા તેમજ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થાય છે. પશુઓના આહારમાં મુખ્યત્વે સુકો ચારો, લીલોચારો, સુમિશ્રિત દાણ તથા અન્ય અનાજનો સમાવેશ થાય છે. કુદરતી આફત સમયે પશુઓના પેટ ભરવા તથા જીવન નિભાવવા જરૂરી એવા લીલાચારા તથા સૂકાચારાની તંગી ઉદભવે છે. આ પરિસ્થિતિનો સહેલાઈથી સામનો કરવા માટે વૈજ્ઞાનિકોએ કિંમતી પશુધનની ભુખ પોષક તત્વોની જરૂરીયાત સાથે સંતોષાય એ માટે કેટલાક વ્યવહારૂક ભલામણો સુચવેલ છે. પશુપાલક આવી વૈજ્ઞાનિક ભલામણોનો ઉપયોગ કરી કુદરતી આફત સમયે પોતાના પશુધનને બચાવી શકે એ માટે આ લેખમાં અહી વિસ્તૃત ચર્ચા કરેલ છે.

દુષ્કાળ:

દુષ્કાળ દરમ્યાન લીલોચારો દુર્લભ હોય છે. આ તંગીને દુર કરવા પશુપાલક અછતના સમય દરમ્યાન લીમડો, વડ, આંબા, બોર, બાવળ, આમલી તથા પીપળ જેવા ઝાડના લીલા કે સુકા પાન પશુને ખવડાવી શકે. ઝાડના પાનમાં પ થી ૧૨ % જેટલું પ્રોટીન હોય છે. ઉપરાંત જો પાન લીલા હોય તો, વિટામીન -એ ની માત્રા પણ તે સારા પ્રમાણમાં ધરાવે છે એટલે પશુપાલક મીત્રો જો પશુઓને આવા પાન દુષ્કાળ કે અછત દરમ્યાન ખવડાવવામાં આવે તો એ લીલાચારાની ગરજ સારે છે.

તદઉપરાંત પશુપાલક દિવેલાના પાકટપર્ણ, સુબાબુલ, કુવાડીયા તથા શાકભાજીના પાન ઉપરાંત જંગલ વિસ્તારમાં થતા ઝાડના પાનનો પણ પશુ આહાર તરીકે ઉપયોગ કરી શકે છે.

જો સુકાઈને ખરી પડેલા પાનનો ભુકો કરી યુરીયા, મીઠા તથા ગોળની રસી સાથે મિશ્રણ કરીને પશુઆહાર તરીકે આપવામાં આવે તો, આ આહાર દુષ્કાળના સમયે પશુને શરીર નિભાવવા માટે જોઈતા પોષકતત્વો પુરા પાડે છે.

અછત અને દુષ્કાળ દરમ્યાન પશુપાલક પોતાના કિંમતી પશુધનને બચાવવા માટે અપ્રચલીત કે બિનપ્રણાલીગત વનસ્પતિ કે ઘાસચારા જેવા કે, થોર, કેળના પાન-થડ-ગાંઠ, પપૈયાના પાન, ફાફડા થોર અને કેતકી પણ ખવડાવી શકે. જયારે પશુપાલક થોર અને ઝાડના થડનો પશુઆહાર તરીકે ઉપયોગ કરે ત્યારે ખાસ ભલામણ છે કે, થોરના કાંટા બાળીને પ્રતિદિન ૧૫ થી ૧૭ કિગ્રા જેટલોજ થોર પશુને આપે, જયારે ઝાડના થડનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ઉપરની છાલ કાઢીને ઉપયોગ કરવો.

જયારે ભયંકર દુષ્કાળ / અછત હોય ત્યારે પશુપાલક મિત્રો રદદી કાગળ, લાકળાનો હેર, કપાસ તથા તુવેરની સાઠને દળીને દાણ સાથે આપી શકે. આ ઉપરાંત દુષ્કાળની ગંભીરતાને ધ્યાને લઈ પશુપાલક નીચે મુજબના પશુ આહારો, જે આપણે સારા વષામાં પશુને ખવડાવતા નથી, તેનો વૈજ્ઞાનિક ભલામણ મુજબ મહત્તમ ઉપયોગ કરી પોતાના કિંમતી પશુધનનો જીવ બચાવી શકે.

ઘાસચારાના ચોસલા : ઓછી ગુણવતા ધરાવતા હલકા પ્રકારના ઘાસચારા જેવા કે પરાળ, શેરડીના કુચા, કડબ વગેરે પશુઓને ભાવતા નથી. તદ ઉપરાંત દુષ્કાળમા પશુઓને મુખ્યત્વે સૂકાચારા પર જ નિભાવવાના થતા હોય છે એટલે આવા ઘાસચારાને જો ખાણદાણ, ગોળની રસી, મીઠું તેમજ યુરીયા સાથે ભેળવી ચોસલા બનાવી પશુઓને ખવડાવવામાં આવે તો, વળી તે પશુઓ સહેલાઈથી ખાશે. તદઉપરાંત તેમા જરૂરી પોષગક તત્વો હોવાથી તે પશુની જરૂરીયાત પણ પુરી કરશે. ચોસલા બનાવવાની રીતે પણ સહેલી છે. તદઉપરાંત આવા ચોસલાનો સંગ્રહ કરવા માટે જગ્યા પણ ઓછી જોઈએ. જયારે દુષ્કાળમાં આવા ચોસલા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના થાય છે. ત્યારે પરીવહન ખર્ચ પણ ઓછો આવે.

ચોસલા બનાવવા માટેની ફોર્મુલા (રીત) ઘઉંકુવળ / બગાસ /ઝાડના સુકા પાન /હલકી કક્ષાકાનો સુકો ચારો ૩.૦ કિગ્રા, ગોળ રસી ર-૨.૫ કિગ્રા, મીઠું રપ-૩૦ ગ્રામ, ક્ષાર મિશ્રણ ૫૦ ગ્રામ, યુરીયા ૫૦-૭૫ ગ્રામ, વિટામીન એ ૨૦,૦૦૦ આઈયુ .

આથી પશુપાલક મિત્રો આ પ્રકારના ચોસલા બનાવી દુષ્કાળમાં તમારા પશુઓને ખવડાવશો તો, સહેલાઈથી પશુઓનો નિભાવ કરી શકશો.

યુરીયા-મોલાસીસ પ્રવાહી ખોરાક : વાગોળતા પશુઓનું જઠર ચાર ભાગનું બનેલ હોવાથી તેઓ યુરીયા જેવા પદાર્થનો જઠરમાં રહેલ સુક્ષમજીવો દ્વારા પ્રોટીન બનાવી તેમની પ્રોટીનની જરૂરીયાત પુરી કરી શકે છે. આ પ્રકારના આહારમાં ગોળની રસી તથા યુરીયાનો ઉપયોગ થતો હોવાથી તે દુષ્કાળમાં પશુની પ્રોટીન તથા ઉજરડાની જરૂરીયાત સંતોષ:ડી શકે છે.

પ્રવાહી ખોરાકની ફોર્મ્યુલા (રીત) : ૨.૫ કિગ્રા યુરીયા, ર.૫ કિગ્રા પાણી, ૨ કિગ્રા ખનીજક્ષાબર મિશ્રણ, ૧ કિગ્રા મીઠું તથા ૯૨ કિગ્રા ગોળની રસી, રપ ગ્રામ વિટામીન મિશ્રણ.

આવો આહાર જયારે પણ પશુઓને ખવડાવવાનો થાય ત્યારે તેની ધીમે-ધીમે શરૂઆત કરવી. અચાનક ખવડાવવાથી પશુને ઝાડા થવાની સંભાવના રહે છે એટલે ખેડુતમિત્રો પ્રવાહી ખોરાક જયારે પણ પશુને ખવડાવો ત્યારે આ સાવચેતી યાદ રાખજો.

સંપુર્ણ પશુઆહાર ચોસલા :સંપુર્ણ પશુઆહાર એટલે કે, ઘાસચારા અને સુમુશ્રીત દાણના મિશ્રણયુકત ચોસલા. આ ચોસલામાં ગોળની રસી સાથે ઉતરતી કક્ષાના ઘાસચારા, ઝાડના પાન, રદી કાગળ, લાકડાનો વ્હેર તથા બીન પ્રણાલીગત પશુઆહાર અને સુમિશ્રિત દાણનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે પશુઓને રૂચિકારક લાગે છે તથા આવા ચોસલામાં પશુઓને એક તત્વો /વસ્તુની પસંદગી કરવાની તક મળતી નથી. આથી દુષ્કાળ સમયે જે વિસ્તારમા આવા ઘાસચારા ઉપલબ્ધ હોય ત્યા આવા ચોસલા બનાવી તેને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લાવવામાં આવે તો પરિવહન ખર્ચ પણ ઓછો થશે અને પશુઓને પોષણક્ષમ સમતોલ આહાર પણ મળી રહેશે.

ચાટણ ઈંટ:દુષ્કાળ સમયે ૩૦ કિલો ગોળની રસી, ૧૦ કિલો યુરીયા, ૧૦ કિલો કપાસીયા ખોળ, ૧૦ કિલો મીઠુ, ૧૫ કિલો ખનીજ ક્ષાર મિશ્રણ, ૧૦ કિલો ચોખાની કુસકી, ૧૫ કિલો મેંદાનો લોટ તથા ૩ કિલો ગમ ગુવારનુ મિશ્રણ બનાવી ઈંટ સ્વરૂપે પશુને ચાટવા આપવુ.

યુરીયા મોલાસીસ ચોસલા:દુષ્કાળ સમયે ૪પ કિલો ગોળની રસી, ૧૫ કિલો યુરીયા, ૧૦ કિલો કપાસીયા ખોળ, ૦૮ કિલો મીઠુ, ૧૫ કિલો ખનીજ ક્ષાર મિશ્રણ, ૦૪ કિલો કેલસાઈટ પાવડર તથા ૩ કિલો ગમ ગુવારનું મિશ્રણ બનાવી ચોસલા સ્વરૂપે પશુને ખવડાવવામાં આવે તો પશુ નિભાવ થય સરળતાથી થઈ શકે.

૫૦-૩૦૦ કિગ્રા વજન ધરાવતા બીન ઉત્પાદક પશુનો આહાર:જયારે ભયંકર દુષ્કાળ હોય અને પશુને ખવડાવવા માટે કઈ પણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં બીન ઉત્પાદક પશુનાં જીવ બચાવવા માટે અઠવાડિયામાં બે વખત ૨ કિગ્રા શેરડીના છોતા, ૪૦૦ ગ્રામ ગોળની રસી, ૦૮ કિલો શેરડીના આગ્રા, રર ગ્રામ યુરીયા, ૧૦૦ ગ્રામ ખનીજ ક્ષાર, ૩૦ ગ્રામ મીઠું આપવુ.

પ૦-૧૫૦ કિગ્રા વજન ધરાવતા ઉછરતા પશુનો આહાર: અતી અસરગ્રસ્ત સુકા કે દુષ્કાળ સમય વખતે જયારે પશુને ખવડાવવા માટે કઈ પણ ન હોય ત્યારે તેના જીવ બચાવવા માટે પશુને અઠવાડિયામાં બે વખત ર કિગ્રા શેરડીના છોતા, ૮૦૦ ગ્રામ ગોળની રસી, 03 કિલો શેરડીના આગ્રા, ૪૦ ગ્રામ યુરીયા, ૧૫૦ ગ્રામ ખનીજ ક્ષાર, ૩૦ ગ્રામ મીઠું આપવુ.

અપ્રચલીત બીન પ્રણાલીગત પશુઆહારનો ઉપયોગ:

  • બાવળ બીજની યુની: બાવળનાં બીજની યુનીમાં પ્રોટીન તથા કેલ્શીયમનું પ્રમાણ વધારે હોય છે એટલે તે દુષ્કાળ વખતે પશુઓને દાણમાં ૧૦-૨૦% સુધી ભેળવીને ખવડાવવામાં આવે તો પશુની વૃધ્ધી, પ્રજનન તથા દુધ ઉત્પાદન જાળવી શકાય છે.
  • કુવાડીયા બીજ: કુવાડીયા બીજનું પણ આપણા રાજયમાં ખુબ ઉત્પાદન થાય છે. સામાન્યપણે જયારે કુવાડીયા બીજ પાકટ થાય ત્યારે શીંગમાંથી આપમેળે ખરી જાય છે. જો આ કુવાડીયા બીજને બાફીને અન્ય દાણ સાથે પશુને ખવડાવવામાં આવે, તો ઓછા ખર્ચે પશુને ઉત્તમ પોષણક્ષમ આહાર આપી શકાય.
  • કેરીની ગોટલી: આપણું રાજય કેરીનું ઘર ગણાય એટલે કેરીની સીઝન દરમ્યાન જો ગોટલી ભેગી કરવામાં આવે તો, તેનો પણ પશુઆહારમાં સરળતાથી કે સહેલાઈથી ઉપયોગ કરી શકાય. કેરીની ગોટલીમાં પોષક તત્વો ધાન્યવર્ગની મકાઈ જેટલા હોય  છે. કેરીની ગોટલીનો પશુઆહારમાં મહત્તમ ઉપયોગ ર૦% સુધી કરવામાં આવે તો નુકશાનકારક નથી.

આ ઉપરાંત પશુપાલક દુષ્કાળના સમય દરમ્યાન ખજુર તથા જાંબુના ઠળીયા, આંબલીના કુસકા, મહુડા ખોળ, રેઈનટ્રીશીંગ વિગેરેનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકે. જયારે દરીયાઈ પટ્ટી વિસ્તારમાં રહેતા પશુપાલક ત્યા થતા ચેર તથા તોવેરના પાન અને તેના ફળ પશુને ખવડાવી શકે.

તદઉપરાંત પશુપાલક મિત્રો ફળોના જયુસના કારખાનામાંથી મળતી આડ પેદાશ, તેનો કચરો, છાલ, બીજ વિગેરેનો ઉપયોગ પણ તમે દુષ્કાળમાં તમારા પશુના નિભાવ કે જીવ બચાવવા માટે કરી શકો.

યુરીયા પ્રકિરયા યુકત કુંવળ / પરાળ: દુષ્કાળના સમયમાં જો હલકાચારા(ઘઉંનું પરાળ, ડાંગરનું પરાળ કે અન્ય હલકો ઘાસચરો) વિગેરે ઉપર યુરીયા પ્રક્રિયા  કરીને પશુઓને આહાર તરીકે આપવામાં આવે તો, પશુઓ પરાળની પાચ્યતા તથા પોષકતા વધવાને કારણે સહેલાઈથી ખાશે. ઉપરાંત યુરીયા પ્રક્િરયાથી પરાળમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધશે. આ પ્રક્રિયા ખુબજ સરળ તથા ઓછી ખર્ચાળ છે. આ પ્રક્િરયામાં ૪ કિગ્રા યુરીયાનું દ્રાવણ ૬૦ લીટર પાણીમાં બનાવી ૧૦૦ કિગ્રા પરાળ પર છાંટવામાં આવે છે. આ પ્રમાણે ૧૦૦-૧૦૦ કિગ્રાના થર પર થર બનાવતા જવુ અને દરેક થર વખતે તેને દબાવી તેમાં હવા ન રહે તેનું ધ્યાન રાખવું અને ત્યારબાદ તેને  ૨૧ દિવસ સુધી હવા રહિત પરિસ્થિતિમાં પ્લાસ્ટિકથી ઢાંકી રાખવુ. ત્યારબાદ આ કુવળ ૬ માસ થી ઉપરના વાગોળતા પશુને આપવું. પશુપાલક મિત્રો દુષ્કાળના સમયે આ યુરીયા પ્રક્િરયા યુકત પરાળ ખૂબ જ કારગત નિવડે છે.

અતિવૃષ્ટિ

  1. જયારે અતિવૃષ્ટિ થાય ત્યારે જે તે વિસ્તારમાં ઉપલબ્ધ ઝાડનાપાન તેમજ પેરાઘાસ અને નેપીયર ઘાસનો પશુઆહાર તરીકે ઉપયોગ કરવો.
  2. ઘઉં અને ડાંગરના પરાળનો જમીનથી ઉંચે લાકડા કે બબુના પ્લેટફોર્મ ઉપર સંગ્રહ કરવામાં આવતો હોવાથી અતિવૃષ્ટિ વખતે તે ઉપલબ્ધ મુખ્ય આહાર છે, જે પશુઓને ખવડાવી શકાય.
  3. અતિવૃષ્ટિ સમયે ઘણીબધી જળચર વનસ્પતિઓ તળાવ, નદીનાળા કાંઠે ઉગી નિકળે છે. જેનો અતિવૃષ્ટિ વખતે પશુઆહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ. આ છોડ ઓછા રૂચીકારક હોય છે, પરંતુ તે પશુના પેટ ભરવા તેમજ તેમાં પ્રોટીન ઊર્જા અને વિટામીન - એનું પ્રમાણ સારૂ હોવાથી પશુને તેની જરૂરીયાત મુજબના પોષક તત્વો પુરા પાડે છે.
  4. અતિવૃષ્ટિ વખતે મુખ્યત્વે પાન ફુટી, જળચર પાલકની ભાજી, જળચર વનસ્પતિની દાંડીઓ,કમળના પાન વગેરે ઉપલબ્ધ હોય છે. જો આવા છોડને સુકવીને કડબ તરીકે કે લીલાચારા સ્વરૂપે જો ઘાસચારાનું અથાણું બનાવી સંગ્રહ કરવામાં આવે અને કુદરતી આફત સમયે પશુને ખવડાવવામાં આવે તો પશુ વધુ ખાશે.
  5. અતિવૃષ્ટિ બાદ પશુઆહાર માટેના ઘાસચારાની તિવ્ર તંગી હોય છે. જો આવી પરીસ્થીતીમાં પરાળનું સાઈલેજ બનાવવામાં આવે તો તે ઉત્તમ આહાર પુરવાર થાય છે.
  6. પશુ છાણ અને મરઘાની ચરકમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ તેમાં સુક્ષમજીવો અને પરોપજીવોનું પ્રમાણ હોવાથી પશુઆહારમાં તેનો ઉપયોગ થતો નથી. પરંતુ જો તેને જીવાણુ રહિત કરવામાં આવે તો તેનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય.
  7. ગોબરગેસ પ્લાનટમાં પશુછાણ અને અન્ય નકામી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ગોબરગેસ પ્લાન્ટમાંથી નિકળતી સ્લરીનો પણ પશુ આહારમાં ઉપયોગ થઈ શકે કેમકે, તેમાં માઈક્રોબીયલ પ્રોટીન હોય છે.

ધરતીકંપ તથા સુનામી:

  1. આ ધરતીકંપના કારણે કેલ્શીયમ અને ફોસ્ફરસની તંગી ઉદભવેછે. જે પશુપાલન વ્યવસાયને અસર કરતુ હોવાથી તેના નિવારણ માટે અન્ય જગ્યાએથી પ્રભાવીત ક્ષોત્રમાં કેલ્શીયમ અને ફોસ્ફરસનો જથ્થો મળી રહે તેનું આયોજન કરવું.
  2. પાણીની પાઈપલાઈન તુટી જવાને કારણે પાણીની તંગી ઉદભવે છે એટલે તેના નિવારણ માટે પગલા લેવા કેમકે, પાણી હશે તો જ ઘાસચારાનું વાવેતર શકય બનશે.
  3. રાજયસરકાર કે અન્ય સહકારી સંસ્થા દ્વારા ઘાસચારાના બિયારણ અને ખાતરનું વિતરણ થાય એ જરૂરી છે.
  4. અઝોલા વનસ્પતિ ટ્રોપીકલ દેશમાં જોવા મળે છે. અઝોલા વનસ્પમિાં પ્રોટીન, ક્ષાર, વિટામીન તથા એન્ટીઓકિસડેન્ટનું પ્રમાણમાં ખુબ વધારે હોવાથી તે એક ઉત્તમ પોષણક્ષમ ઘાસચારો છે. સુનામી પ્રભાવીત વિસ્તારમાં પશુપાલક તેના પક્ષી તથા પશુઓને અનાજના બદલે અઝોલા ખવડાવી શકે.

વાવાઝોડું:

  1. આ વાવાઝોડુ કે વંટોળ પશુપાલન વ્યવસ્થા માટેનુકશાનકારક છે, કારણકે વાવાઝોડા કે વંટોળથી પશુઆહાર ભીનો થઈ જાય છે વળી ઝાડની ડાળી કે આખુ ઝાડ ઘાસચારા પર પડે છે, ત્યારે આવો ઘાસચારો પશુને ખવડાવવા જેવો રહેતો નથી. આવી કોઈપણપરિસ્થિતી પશુપાલન ઉત્પાદકો માટે ચિંતા ઉપજાવે છે.
  2. જ ભીંજાયેલા અનાજના દાણામાં ફુગ લાગવાની શકયતાવધુ છે. તદઉપરાંત તે જલદી સળગી પણ ઉઠે છે એટલે સુકાદાણાને અલગ કરી ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવોઅને ભેજરહિત અનાજના દાણા પશુને ખવડાવવા.
  3. કે ભીંજાયેલી કડબમાં પણ ફુગ થવાની તેમજ તેની સળગી ઉઠવાની શકયતા પણ વધી જાય છે એટલે સુકી કડબનેઅલગ કરી તેનો ઉંચી જગ્યાએ સંગ્રહ કરવો.
  4. જ પશુઓને ચોખુ સ્વચ્છ પીવાનું પાણી આપો તથાનુકશાનવાળા અનાજ કે કડબનો પશુઆહારમાં ઉપયોગ ટાળો.

કુદરતી આફત સમયે યાદ રાખવા જેવા મુદ્દાઓ:

  1. કુદરતી આફતનો સામનો સરળતાથી થઈ શકે તે માટે પશુપાલકોએ નીચેના વ્યવહારૂ મુદ્દાઓનો અમલ કરવો જોઈએ.
  2. વર્ષાઋતુમાં જયારે લીલાચારાનું ઉત્પાદન વધુ હોય ત્યારે તેનું સાઈલેજ (ઘાસચારાનું અથાણું) બનાવી સંગ્રહ કરવો અને દુષ્કાળ વખતે ઉપયોગ કરવો.
  3. આ જમીન તથા ઉપલબ્ધ ચારાને ધ્યાને રાખી પશુસંખ્યાનું નિયંત્રણકરો.
  4. જ ઉપલબ્ધ ઘાસચારાને ચાફ કટરની મદદથી ર-૩ સે.મી. ના ટુકડાકરી ખવડાવો, જેથી ૩૦% જેટલો ઘાસચારાનો બગાડ અટકશે અને એટલાજ ઉપલબ્ધ ચારામાં વધુ પશુનો નિભાવ થઈ શકશે.
  5. ગૌચર તથા પડતર કે ખરાબાવાળી જમીનનો મહત્તમ ઉપયોગ કરવો, તથા આવી જમીનોને કાંટાળાતારથી રક્ષાત કરી તેમાં ઉત્તમકક્ષાડાના ઘાસચારાનું વાવેતર કરવું. વધારાના સૂકાચારાના સંગ્રહ માટે ઘાસબેન્કનો ઉપયોગ કરવો.
  6. રાજય સરકાર તથા સહકારી સંસ્થાઓએ જંગલના ઘાસનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ગ્રામ્યકક્ષાએ ફોડરબેંક બનાવવા માટે પશુપાલકને પ્રોતસાહીત કરવા.
  7. પશુપાલકોએ તેમના પશુઓના દૈનિક આહારમાં ખનિજક્ષાગર મિશ્રણ(પ૦ ગ્રામ) તથા મીઠું (૩૦ ગ્રામ) ખવડાવવનો આગ્રહ રાખવો.
  8. પશુપાલક મિત્રો અંતે કુદરતી આફત સમયે સાવચેતી એજ ઉપાય કહેવતને ધ્યાને રાખી ઉપર સુચવ્યા મુજબના વ્યવહારૂ વૈજ્ઞાનિક ભલામણનો અમલ કરી આપણા કિંમતી પશુધનને બચાવો.

રેફરન્સ : એચ. એચ. સવસાણી, ડૉ. જી. એમ. ચૌધરી, ડૉ. રાજેશકુમાર ડો. એસ. એસ. પાટીલ, ડૉ. એસ. જે. વેકરીયા, ડૉ. એમ. આર. ચાવડા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate