આજના હરીફાઈના યુગમાં દૂધ ઉત્પાદનના જથ્થાની સાથે સાથે દૂધની ગુણવત્તાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. આપણો દેશ દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે પરંતુ દૂધની ગુણવત્તા અન્ય દેશોની સરખામણીમાં ઉતરતી કક્ષાની છે. આપણા પશુપાલકો તેમનું પશુ વધુ દૂધ પેદા કરે તે માટે પુરતું ધ્યાન રાખે છે પણ ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ પેદા કરવા તરફ ભાગ્યે જ ધ્યાન આપે છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન કરવું એ ખર્ચાળ અને આર્થિક રીતે પોષણક્ષમ્ય નહી થાય, એવું પશુપાલકો માને છે જે ભૂલ ભરેલું છે. પશુપાલક મિત્રોએ સમજવું જોઈએ કે ઉચ્ચ ગુણવત્તા અને નફા વચ્ચે અતુટ સબંધ છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધનો ભાવ સામાન્ય રીતે ઉંચો આવે છે અને તેની માંગ પણ દિવસે દિવસે વધતી રહે છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લેતાં પણ આવા દૂધની અત્યારના સમયમાં ખુબ જ જરૂરિયાત છે.
સ્વચ્છ દૂધ એટલે શું?
જે દૂધ તંદુરસ્ત દૂધાળ પશુઓ દ્વારા ઉત્પન થયેલ હોય, જેનો સ્વાદ અને સોડમ સારી હોય, જેમાં ખૂબ જ ઓછી સંખ્યામાં સુક્ષ્મ હાનીકારક જીવાણું અને રસાયણનાં અવશેષો હોય તથા જેને કોઈપણ પ્રકારની પ્રક્રિયા વિના લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવા દૂધને સ્વચ્છ દૂધ કહે છે.
સ્વચ્છ દૂધ ઉત્પાદન શા માટે ?
- સ્વચ્છ દૂધ ઉત્પાદનથી ઉત્પાદક, વિતરણ કરનાર અને વાપરનાર એમ ત્રણેયને ફાયદો થાય છે.
- સ્વચ્છ દૂધથી ઉત્પાદકને ભાવ ઊંચા મળે છે તથા સમાજમાં આબરૂ વધે છે.
- સ્વચ્છ દૂધમા દૂધને બગાડતા જીવાણુઓ હોતા નથી અથવા ઓછા હોય છે તેથી તેને વાપરવાથી આરોગ્યને હાની પહોચાડ્યા સિવાય જરૂરી પોષકતત્વો મેળવી શકાય છે.
- સ્વચ્છ દૂધ લાંબા સમય સુધી બગડતું નથી જેથી તેનો વેપાર કરનાર પોતાની અનુકુળતાએ તેનો વેપાર કે વિતરણ કરી શકે છે.
- સ્વચ્છ દૂધ લાંબા સમય સુધી બગડતું નથી તેથી તેની બનાવટો વધુ સમય સુધી સાચવી શકાય છે તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત રહે છે.
- દૂધની પેદાશોની નિકાસ કરવાનું સરળ રહે છે.
- દૂધ અને તેની બનાવટોના આરોગ્યને લગતા ધારાધોરણો જાળવવાનું કામ સરળ બને છે.
સ્વચ્છ દૂધ ઉત્પાદનને અસર કરતાં પરિબળો
નીરોગી પશુ :
પશુઓની ખરીદી કરતાં પહેલાં તે સંપૂર્ણપણે રોગમુક્ત છે કે નહિ તેની તપાસ પશુ ચિકિત્સક પાસે કરાવીને જ ખરીદો.
- પશુઓમાં થતો બાવલાનો રોગ (મસ્ટાઈટીસ), ટી.બી. ચેપી ગર્ભપાત જેવા રોગો માટે સમયાંતરે તપાસ કરાવવી જરૂરી છે.
- ચેપી રોગો જેવા કે ખરવા-મોવાસા, ગળસુંઢો વગેરે માટે યોગ્ય સમયે રસી મુકાવવી.
- રોગીષ્ઠ પશુઓ અલગ બાંધવા તથા તેમનું દૂધ તંદુરસ્ત પશુઓના દૂધ સાથે ન ભેળવવું. રોગી પશુના સારવાર માટે અપાતી દવા દૂધમાં પણ ઉતરે છે. તેથી આવા પશુની સારવાર બંધ થાય પછી ચાર દિવસ સુધી દૂધ અલગ રાખવું.
પશુઓની સફાઈ :
- પશુના શરીર પરના તેમજ પૂંછડા પરના લાંબા વાળ પર છાણ-માટી સહેલાઈથી ચોંટી રહે છે. તેથી તેને સમયાંતરે કાપતા રહો અન્યથા વાળ દૂધમાં પડે છે.
- પશુને અવાર-નવાર નવડાવીને સાફ રાખો.
- શિયાળાના સમયમાં જયારે વધુ ઠંડી હોય ત્યારે પશુઓને હાથીયાથી પણ સાફ કરી શકાય. હાથીયાથી સાફ કર્યા પછી સ્વચ્છ કોરા કપડાથી સારી રીતે સાફ કરવું.
પશુઓના રહેઠાણ/દોહન ઘરની સફાઈ :
- પશુઓના રહેઠાણમાં છાણ-મૂત્રના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી. ઉકરડો પશુઓના રહેઠાણથી ૬૦ ફૂટ દૂર બનાવવો.
- પશુઓનું રહેઠાણ પુરતું હવા ઉજાસવાળું હોવું જોઈએ.
- પશુ આવાસ માખી, મચ્છર, વંદા વગેરેથી મુક્ત રહે તે માટે સમયાંતરે દવાનો છંટકાવ કરવો.
- પશુ આવાસ શક્ય હોય તો પ્રદુષિત હવા અને દુર્ગંધ થી દૂર હોવા જોઈએ.
- દોહન ઘર પાકું હોવું જોઈએ. દોહન ઘરનું ભોંયતળિયું પાકું અને તાત્કાલિક તથા બરાબર સાફ થઈ જાય તેવું હોવું જોઈએ.
દૂધ દોહનારે લેવાની કાળજી
- દૂધ દોહનાર વ્યક્તિને કોઈ ચેપી રોગ ન હોવો જોઈએ કારણ કે ચેપી રોગના જીવાણુઓ દૂધ ધ્વારા ફેલાઈ શકે છે. દૂધ દોહનાર વ્યક્તિનું સમયાંતરે સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવું જોઈએ.
- દોહનાર સ્ત્રી અથવા પુરુષે સ્વચ્છ કપડાં પહેરવા તથા સ્વચ્છતા જાળવવી જોઈએ. દોહનારના હાથ-પગ ધોયેલા તથા નખ કાપેલા હોવા જોઈએ.
- દોહનાર વ્યક્તિએ મોઢાં ઉપર રૂમાલ તેમજ માથું ઢાંકેલું રાખવું જેથી વાળ તેમજ ખાંસી કે છીંક ખાવાથી ફેલાતા જીવાણુઓ અટકાવી શકાય.
દૂધ દોહન :
દૂધ દોહન પહેલાં લેવાની કાળજી
- દૂધ દોહનના એક કલાક પહેલાં પશુને હાથિયો કરવો. જેથી દોહન વખતે પશુના શરીર પરના વાળ દૂધમાં ન ભળે.
- દૂધ દોહનના અડધા કલાક પહેલાં દોહન ઘરની સફાઈ કરી લેવી.
- દોહન પહેલાં પશુના પાછળના પગ અને પૂંછડી ધોઇને સાફ કરવી. પૂંછડીને પાછળના પગ સાથે બાંધી દેવી.
- દોહન પહેલાં પશુના બાવલા અને આંચળને હુંફાળા ક્લોરીન અથવા પોટેશિયમ પરમેંગેનેટ ના દ્રાવણથી ધોઈ નાંખવા જોઈએ. ત્યારબાદ સ્વચ્છ કપડાથી લુછીને કોરા કરી નાંખવા.
દૂધ દોહન વખતે લેવાની કાળજી
- પશુને સવાર-સાંજ ચોક્કસ સમયે જ દોહવું. દોહન સમયે શાંતિ જાળવવી
- દોહતી વખતે પશુને સુકો ચારો ન ખવડાવતાં દાણ કે લીલો ચારો જ ખવડાવવો.
- પાનો મુક્યા પછી શરૂઆતની ત્રણ-ચાર શેડ વાસણની બહાર લેવી કારણ કે શરૂઆતની શેડમાં જીવાણુઓની સંખ્યા વિશેષ હોય છે જેથી દૂધ બગડી જવાની શક્યતા વધુ રહેલી છે.
- અંગુઠો બહાર રાખીને મુઠ્ઠી પધ્ધતિથી દોહન કરવું. નાના આંચળવાળા પશુઓને ચપટી પધ્ધતિથી દોહવાનું રાખો. દોહન યંત્રનો ઉપયોગ કરતી વખતે યોગ્ય દબાણે જ ઉપયોગ કરવો.
- એક વખત દોહવાનું ચાલુ કરો પછી ઝડપથી (૫ થી ૭ મીનીટમાં) દોહવાનું પૂર્ણ કરો.
- એક કરતાં વધુ પશુને દોહવાના થાય ત્યારે એક પશુના દોહન પછી પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી હાથ ધોઈ ને જ અન્ય પશુને દોહવા.
- રોગી પશુનું દૂધ જમીન પર ન કાંઢતા અલગ વાસણમાં કાઢી દૂર ફેંકી દેવું જોઈએ.
- દૂધ દરેક આંચળમાંથી પૂરેપૂરું દોહી લો. સામ સામે (ક્રોસમાં) આંચળ દોહવા જોઈએ નહિ.
- દોહન ક્રિયા ૭ થી ૮ મીનીટમાં પૂર્ણ કરવી.
- દૂધ દોહન પૂર્ણ કર્યા બાદ આંચળને જીવાણુંનાશક દ્રાવણ (ક્લોરીન અથવા પોટેશિયમ પરમેંગેનેટ) માં ડૂબાડવા જોઈએ
દૂધ દોહન પછીની કાળજી
- દૂધ દોહ્ય પછી ત્યાંથી અન્યત્ર ખસેડી લો જેથી આજુબાજુની વાસ તેમાં શોષાયને દુધનો સ્વાદ ન બગડે.
- દૂધને સ્વચ્છ કપડાથી ગાળી લો અને સહેજ પણ વિલંબ કર્યા વગર મંડળીમાં પહોચાડી દો.
- ખાટું કે વાસી દૂધ મંડળીમાં ન ભરાવવું.
- દૂધ દોહન બાદ દૂધને સ્વચ્છ અને ઠંડી જગ્યાએ રાખવું.
દૂધના વાસણો અને તેની સ્વચ્છતા
- દૂધ એકત્રીકરણના વાસણો સાંધા વિનાના એલ્યુમિનિયમ અથવા સ્ટેનલેસ સ્ટીલના હોવા જોઈએ. દૂધના વાસણો સાફ હોવા જોઈએ.
- દૂધ હંમેશા સાંકડા મોઢાવાળા કે ઢાંકણાવાળા વાસણમાં દોહવું.
- દૂધ દોહન પહેલાં અને પછી વાસણોની ડીટરજન્ટયુક્ત ગરમ પાણીનો ઉપયોગ કરીને બરાબર બ્રશથી સાફ કરવાં, ત્યારબાદ તડકામાં સુકવ્યા બાદ વપરાશમાં લેવા.
દૂધ મંડળીએ રાખવાની સાવચેતી
- દૂધ મંડળીએ દૂધ સ્વચ્છ અને કચરા રહિત વાસણ કે કેનમાં ભરવું.
- દૂધના કેન પશુ-પક્ષીથી સુરક્ષિત રાખવા. દૂધ મંડળીની જગ્યા માખી, મચ્છર અને વંદાથી જંતુમુક્ત રહે તે માટે અવાર-નવાર દવાનો છંટકાવ કરવો.
- દૂધ મંડળીના બધા જ વાસણો જંતુરહિત દ્રાવણથી સ્વચ્છ રાખવા.
- ભરેલા દૂધના કેન ઢાંકીને સૂર્યપ્રતાપ અને ભેજ વગરની સ્વચ્છ જગ્યાએ રાખવા
- દરેક દૂધ મંડળીએ બલ્ક કુલર રાખવા જેથી દૂધ ઠંડુ રાખી શકાય અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય.
સ્ત્રોત -ડો.જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.