অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વોડકીઓનો ઉછેર અને માવજત

પ્રસ્તાવના

વોડકી એટલે વાછરડી અથવા જોટુ જેને ધાવણ છોડ્યું હોય (૧૦-૧૨ મહિના) ત્યાંથી એક પણ વાર વિયાણ થયું ના હોય ત્યાં સુધીના માદા પશુઓને વોડકી કહેવાય છે. તેનો ઉછેર અને માવજત ખુબ જ અગત્યનો છે.  કારણ કે તેને વિયાણ બાદ ગાય/ભેંસ તરીકે ધણમાં જોડાઈને આવક રળી આપવાની છે. અને તેનું સમયસર અને વહેલા વિયાણ થાય તો જ નફાકારક બની રહે. સાથે તે આપણા ઉત્તમ ધણની ઓલાદ છે. જે તેના માં-બાપ જેવું અથવા સવાયું દૂધ ઉત્પાદન આપવાનું છે. આથી તેનો ઉછેર અને માવજત ખુબ જ અગત્યનો છે.  તેના ઉછેરના ત્રણ (૦૩) પ્રકાર છે.

  1. ચરાણ કરાવીને એટલે કે છુટ્ટી પધ્ધત્તીથી
  2. બાંધીને એટલે કે ઘનિષ્ટ પદ્ધતિથી
  3. ઉપરોક્ત બંને રીતોનું સંયોજન/મિશ્રણ પાલન કરીને – અર્ધ-ઘનિષ્ટ પદ્ધત્તિ

ચરાણ કરાવીને એટલે કે છુટ્ટી પધ્ધત્તીથી

આ ઉછેરની રીતમાં વોડકી/જોટાઓને ચરાણ કરાવીને ઉછેર કરવામાં આવે છે. આ રીતમાં નીચે જણાવ્યા મુજબ વ્યવસ્થા કરવી જોઈએ.

  • તેમને નિયમિત ચરાણ વિસ્તારમાં લઇ જવા જોઈએ.
  • ચરાણ વિસ્તારમાં સારી કક્ષાનું ઘાસ હોવું જરૂરી છે.
  • ચરાણ વિસ્તારને જમીનની ક્ષમતા પ્રમાણે વિભાજન કરીને વારાફરથી ચરાવવું.
  • વારાફરથી ચરાવવાથી ઘાસ જળવાઈ રહે છે. અને સમયાંતરે ઉગતું રહે છે.
  • સમયાંતરે ચરાણ વિસ્તારને ખાતર આપવું જરૂરી છે.
  • ચરાણ વિસ્તારમાં પીવાના પાણીની અને છાંયડાની વ્યવસ્થા હોવી જરૂરી છે.
  • દાણ આપવાનું થાય ત્યારે તેમને ચરાણ વિસ્તારમાં જ બનાવેલ દાણના ગમાણમાં જ આપવું.
  • ઉનાળામાં પશુઓને તડકાથી બચાવવા છાયડો/ઝાડ/કાચું છાપરું હોવું જરૂરી છે.
  • ઉનાળામાં પશુઓને ઠંડા સમયે ચરાવવા જોઈએ. જેના માટે વહેલી સવારે ચરાવવા લઇ જવા,  સાંજે  ચરાવી શકાય, અને અથવા રાત્રે પણ ચરાવી શકાય છે.
  • આ રીતના ફાયદા- ચરાણ સારું હોય તો ઉછેર ખર્ચ ઓછો આવે છે, કસરત મળી રહે છે, જેના કારણે પગની ખરીઓના અથવા લંગડાવવાના પ્રશ્નો ઘટે છે.
  • આ રીતના ગેરફાયદા- ચરાણ સારું ના હોય તો શારીરિક વિકાસ પુરતો થતો નથી જેના કારણે પ્રથમ વિયાણની ઉમર લંબાઈ જાય છે અથવા પ્રજનન તંત્રનો વિકાસ ના થવાના કારણે વિયાણ થતું નથી જેનાથી ઉછેર ખર્ચ વધે છે, ચેપી બીમાર પશુના કારણે અન્ય તંદુરસ્ત પશુંઓને ચેપ/રોગ થઇ શકે છે, કૃમિજન્ય રોગો થઇ શકે છે.

બાંધીને એટલે કે ઘનિષ્ટ પદ્ધતિથી

આ ઉછેરની રીતમાં વોડકી/જોટાઓને રહેઠાણમાં/ફાર્મ હાઉસ ખાતે રાખીને બાંધીને એક જ જગ્યાએ   ઉછેર કરવામાં આવે છે. રહેઠાણમાં વોડકી/જોટાઓને ખોરાક- લીલું ઘાસ, સુકું ઘાસ, દાણ અને અન્ય નીચે મુજબની વ્યવસ્થા અને માવજત આપવામાં આવે છે.

  • ખોરાકીય પ્રબંધન/વ્યવસ્થાપન- વોડકી/જોટાઓને સારી કક્ષાનું ઘાસ આપવું જોઈએ.
  • રહેઠાણ વ્યવસ્થા- નીચે જણાવ્યા પ્રમાણે ઉમર આધારિત પશુ દીઠ જગ્યા આપવી જોઈએ.

અ.નં.

ઉમર

જગ્યા (ચો.ફૂટ)

૧.

ત્રણ (૦૩) મહિનાથી નીચે

૨૦-૨૫

૨.

૩ -૬ મહિના

૨૫-૩૦

૩.

૬-૧૨ મહિના

૩૦-૪૦

૪.

> ૧૨ મહિના ઉપર

૪૦-૫૦

  • કસરત- સામન્ય કસરત કરાવવી- જે નજીકમાં ચરાણ કરાવવાથી આપી શકાય છે.

કસરતથી થતા ફાયદા

  • તંદુરસ્તી જળવાઈ રહે છે.
  • ખરીઓ વધતી નથી.
  • લંગડાવવાના પ્રશ્નો ઓછા બને છે.
  • કુદરતી વાતાવરણ મળે છે જેથી તેઓનું વેલ્ફેર જળવાઈ રહે છે.
  • વધારાની વોડકીનો ત્વરિત નિકાલ કરવો જેથી તેમનો નિભાવ ખર્ચ ઘટાડી શકાય.

નિકાલ કરવા માટેના કારણો-

  • ખરાબ કુટેવો અથવા અન્ય કારણ થી બિનજરૂરી વોડકીઓનો નિકાલ કરવો.
  • જાળવેલ ઓલાદ કરતા અલગ ઓલાદ જણાતી હોય.
  • શારીરિક વિકાસ થતો ન હોય.
  • પરોપજીવી રોગોનું નિયંત્રણ- બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ હોય તો સમયાંતરે BHC કે DDT કે ડેલ્ટામેથ્રીન કે સાયપરમેથ્રીન કે બજારમાં મળતી છાંટવા માટેની દવાઓ નજીકના પશુચિકિત્સકની સલાહ મુજબ છાંટી શકાય છે.
  • શરીરના અંદરના પરોપજીવીઓ માટે દર ત્રણ મહીને ૧૨ મહિનાના પશુઓને નજીકના પશુચિકિત્સકની સલાહ મુજબ આપવી હિતાવહ છે.

રસીકરણ

  • ખરવા-મોવાસા (પ્રથમ ડોઝ-૪ મહીને, બીજો ડોઝ- ૬ મહીને અને પછી દર ૬ મહીને) ,
  • ગર્ભપાત (૮-૧૨ મહીને) ,
  • ગળસુન્ઢો (ચોમાસાના ૧૫ દિવસ પહેલા),
  • ગાંઠિયો તાવ (ચોમાસાના ૧૫ દિવસ પહેલા),
  • થેલેરીયોસીસ (બે મહિનાની ઉમરે- ગાભણ પશુને નહિ આપવું)વિગેરે રોગો વિરૃધ્ધ રસીકરણ નિયત સમયે કરાવવું.
    • ગાભણ વોડકીનું યોગ્ય જતન- ખોરાક- વિયાણના પહેલા સારો પોષ્ટિક ખોરાક આપવો તેને  સ્ટીમીંગ અપ કહેવાય છે. જેમાં ખાસ કરીને લીલો-સુકું ઘાસ સાથે ૧.૫ કિલોગ્રામ દાણ આપવું જરૂરી છે. જેથી પશુનું અને ઉદરમાં રહેલ બચ્ચાનું જતન/વિકાસ સારો થઇ શકે છે.
    • માવજત- તેમની જોડે માયાળુતા રાખવી. તેઓ પહેલીવાર વિયાણ કરતા હોવાથી તેમને હાથિયો કરવો, ખાસ કરીને બાવલા વાળી જગ્યાને હાથ ફેરવવો, જેથી વિયાણ બાદ દોહતી વખતે તેને નવીનતાનો એહસાસ ન થાય. તેમને શક્ય હોય તો મોરડો પહેરાવવો, જેથી કાબુમાં કરી શકાય.
    • રહેઠાણ- વિયાણના એક મહિના પહેલા તેમને વિયાણવાડામાં તબદીલ કરવા. વિયાણના ૭-૧૦ પહેલાથી જ રોચક ખોરાક આપવો.

ઉપરોક્ત બંને રીતોનું સંયોજન/મિશ્રણ પાલન કરીને અર્ધ-ઘનિષ્ટ પદ્ધત્તિ

  • આ પદ્ધત્તિ માં બંને પદ્ધત્તિનો સમન્વય થાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate