অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલનમાં લીલાચારાનું મહત્વ

cow

આપણા દેશની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં પશુપાલન એક પૂર્ણ સમયના વ્યવસાય તરીકે ઉપસી આવેલ છે. ભારતમાં ગાય વર્ગના પશુઓની સંખ્યા લગભગ ૧૯.૩ કરોડ અને ભેંસ વર્ગના પશુઓની સંખ્યા ૭.૦ કરોડ છે. આમ આપણો દેશ દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસો પર ટકા, ગાયો ૪૫ ટકા અને ઘેટાં-બકરાંનો ૩ ટકા ફાળો રહેલ છે. આમ દેશમાં દૂધ ઉત્પાદનમાં ગાય તથા ભેંસ મોખરાનું સ્થાન ધરાવે છે. પશુ પાલન એ ગામડાઓમાં ખેતીનો પૂરક ધંધો તરીકે વ્યવસાય છે. આ ધંધો આજના સમયમાં ખાસ કરીને સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજૂરો માટે તેમની આજીવિકાનો  મુખ્ય સાધન તરીકે ઉપસી રહ્યો છે.

પશુઆહાર અને પશુ માવજત પશુપાલનના મહત્ત્વના પાસાઓ છે. પશુ ઉત્પાદનમાં ૭૦ થી ૭૫% ખર્ચ પશુઓના ખોરાક પાછળ થાય છે. મોટા ભાગના પશુઓ (ગાય, ભેંસ, ઘેટા, બકરા) વાગોળતા પ્રાણીઓ હોવાથી ઘાસચારી તેમની કુદરતી આહાર છે. પશુ આહારમાં ખાણદાણ તેમજ સૂકા અને લીલા ચારાનો સમાવેશ થાય છે. ચોમાસાની શરૂઆત થતા વરસાદ પડતા જ કુમળું ઘાસ ઉગી નીકળે છે. ચોમાસામાં લીલો ચારો વધુ પ્રમાણમાં મળતો હોય પશુઓને વર્ષ દરમ્યાન લીલો ચારો પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ.

 

 

પશુ આહારમાં લીલોચારાની અગત્યતા અને તેના ફાયદાઓ

પશુ આહારમાં લીલો ચારો ઘણી અગત્યતા ધરાવે છે અને તેના ફાયદાઓ અત્રે દર્શાવેલ છે

 • લીલો ચારો રસાળ હોય છે અને તે પશુઓને વધુ ભાવે છે. લીલા ચારામાંથી વિટામિન-એ કેરોટીનના રૂપમાં મળે છે જે સૂકા ચારામાંથી મળતુ નથી અથવા તો નહીંવત માત્રામાં મળે છે. વિટામિન-એ પશુઓની શરીરની વૃદ્ધિ, દૂધ ઉત્પાદન, દ્રષ્ટિ તેમજ પ્રજનન માટે ઘણું જ અગત્યનું છે.
 • લીલા ચારામાં વિવિધ પોષકતત્વો જેવા કે પ્રોટીન, ક્ષારો તેમજ પ્રજીવકો વગેરેનું પ્રમાણ તે જ જાતીના સૂકા ચારાની સરખામણીએ વધુ હોય છે. લીલા ચારા સાથે બીજા સૂકા ચારાને ખવડાવવાથી સૂકા ચારાની પોષણ ગુણવત્તા તેમજ પાચ્યતા વધે છે તેમજ પશુ વધારે ખોરાક ખાય છે.
 • લીલા ચારામાં ખાસ પ્રકારના જીવંત રસ હોવાથી તે પશુઓના શરીરની વૃદ્ધિ તેમજ ઉત્પાદન ક્ષમતા વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. લીલો ચારો ખવડાવવાથી દૂધમાં વિટામિન-એનું પ્રમાણ વધે છે. જે મનુષ્યની તંદુરસ્તી માટે લાભદાયક છે.
 • લીલો ચારો પશુઓને પુરતા પ્રમાણમાં આપવાથી પશુ ઉત્પાદન ખાસ કરીને દૂધ ઉત્પાદન સસ્તુ બનાવી શકાય અને એ રીતે પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બનાવવામાં મદદ મળે છે.

લીલો ચારો કેટલો આપવો જોઈએ ?

દરેક પુષ્ય જાનવરને શક્ય હોય તો દરરોજ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઈએ. આદર્શ ચારાની વાત કરીએ તો પુખ્ત વયના પશુને ધાન્ય વર્ગનો લીલો ચારો ૧૨ થી ૧૫ કિ.ગ્રા. અને કઠોળ વર્ગનો ચારો ૮ થી ૧૦ કિ.ગ્રા. મળી રહે તે ખાસ જરૂરી છે. તેમ છતાં અછતની પરિસ્થિતિમાં પશુની વિટામિન-એ ની જરૂરિયાત સંતોષવા પ્રતિ દિન ઓછામાં ઓછો  કિ.ગ્રા. લીલો ચારો તો અવશ્ય આપવો જોઈએ.

ઘાસચારાની ઝેરી અસરથી બચવા કઈ સાવધાની

ઘાસચારાની ઝેરી અસરથી બચવા કઈ સાવધાની રાખવી જોઈએ ?

 • આહાર/લીલોચારો સડેલો, ફૂગવાળો કે બફાઈ ગયેલા ન હોવા જોઈએ.
 • જંતુનાશક દવાની અસરથી મુક્ત હોવો જોઈએ.
 • યોગ્ય અવસ્થાએ કાપેલો હોવો જોઈએ. જુવારના પાકની સિંઘલ પહેલા કદાપી કાપણી કરવી નહી. ધ્વજપર્ણ આવ્યા પહેલા ઓટનો લીલાચારા તરીકે ઉપયોગ કરવો નહી. અછતમાં પાણી ખેંચ પડી હોય તો કાપણી બાદ ચારાને તડકામાં સૂકવવો અને ત્યારબાદ અન્ય ચારા સાથે મિશ્ર કરીને ઉપયોગમાં લેવો જોઈએ.

ઘાસચારાની તંગીને પહોંચી વળવા આટલું અવશ્ય અપનાવો :

 • લીલો અને સૂકો ચારો હંમેશા ટૂકડા કરીને મિશ્ર કરીને ખવડાવો જેથી બગાડ થતો અટકાવી શકાય. ખેતરનાં થોડો ભાગ પણ ઘાસચારાના ઉત્પાદન માટે રાખો અને જેમાં ઋતુ પ્રમાણેના ઘાસચારાનું વાવેતર કરો.
 • પાણીના કાયમી ઢાળીયા હોય તેની આજુબાજુ ગજરાજ ઘાસના જડીયા રોપી કાયમી લીલો ચારો મેળવો. ચોમાસા દરમ્યાન જુવાર અને મકાઈનું વધુ વાવેતર કરી સાયલેજ બનાવી સંગ્રહ કરવો જોઈએ જેથી ઉનાળામાં ખેંચના સમયમાં ખવડાવી શકાય
 • શેઢા પર સારી જાતના ઘાસનું વાવેતર કરો.
 • પાણીની અછતવાળા વિસ્તારોમાં શેઢા પાળા પર ચોમાસામાં સુબાબુલ અને શેવરીના ઝાડ રોપી નિયમિત લીલો ચારો અને બળતણ માટેના લાકડાં મેળવી શકાય. ગૌચર જમીનમાં ધામણ/ઝીંઝવો સ્ટાયલો જેવા ઘાસના બીજ પૂકીને નવસાધ્ય કરવા જોઈએ તેમજ દર વર્ષે પ્રતિ હેકટરે ચોમાસામાં ૨૫-૩૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ફોસ્ફરસ આપવો જોઈએ.
 • ગૌચર જમીનમાં નકામા ઝાંખરા-દાભ-બોરડી વગેરેનો નિકાલ કરવો જોઈએ. ગામ લોકોએ પંચાયતને ગૌચરના નિભાવ માટેના જરૂરી નિયમો તૈયાર કરી અમલ કરવો જોઈએ.
 • રોડ સાઈડ થતાં દેશી-ગાંડા બાવળની શીંગો કુંવાડીયાના બીજ ભેગા કરી બાફીને ખાણ-દાણના ઉપયોગમાં લેવા જોઈએ.

પશુ આહારના પ્રકાર :

પશુ આહારમાં મુખ્ય બે પ્રકાર છે.

ઘાસચારો :


ઘાસચારો મુખ્ય બે વર્ગમાં વહેંચી શકાય. લીલો ચારો અને સૂકો ચારો. ઘાસચારામાં રેસાનું પ્રમાણ ૧૮% જેટલું હોય છે. સૂકા ચારામાં પોષકતત્વો ઓછા અને રેસાનું પ્રમાણ વધારે હોય છે તેથી વધુ પ્રમાણમાં આપવાની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે જાનવરને તેના વજનના ૨.૫ ટકા જેટલો સૂકો પદાર્થ આપવો જરૂરી છે. ઘાસચારમામાં ઓછી પાચ્યતાવાળા ધરાવતા રેસાનું પ્રમાણ વધુ અને કુલ પાચ્ય તત્વનું પ્રમાણ ઓછું હોય છે. સૂકાચારાની સરખામણીએ લીલો ચારો જાનવરને વધુ ભાવે છે તેમજ સુપાચ્ય પણ હોય છે. લીલા ચારામાં વિટામિનો અને ખનીજ દ્રવ્યો વધુ હોય છે. તેમજ કેરોટીન નામનું તત્વ હોય છે. તેમાંથી જાનવરના શરીરમાં વિટામિન-એ પેદા થાય છે. લીલા ચારાને તડકે સૂકવવાથી કેરોટીનનો નાશ થાય છે.

લીલાચારા બે પ્રકારના હોય છે :

 • ધાન્યવર્ગ : જુવાર, મકાઈ, ઓટ, ગીની ઘાસ, નેપીયર ઘાસ, પેરા ઘાસ વગેરે
 • કઠોળ વર્ગ : રજકો, બરસીમ, વાલ, વટાણા, ચોળા, ગુવાર વગેરે

ધાન્ય ચારા કરતા કઠોળ વર્ગના ચારામાં પ્રોટીન અને ચૂનાનું પ્રમાણ વધે છે. આથી વિકાસ પામતા, સગર્ભા અને દુઝણા જાનવરોને કઠોળ ચારો આપવો જારૂરી છે. ધાન્ય ચારામાં કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી કુલ પાશ્ચતત્વો વધુ પ્રમાણમાં હોય છે. આમ કઠોળ ચારો પ્રોટીન સભર અને ધાન્ય ચારો શક્તિ સભર હોય છે. પરંતુ એકલો કઠોળ ચારો ખવડાવવાથી જાનવરને આફરો ચડવાની શક્યતા હોવાથી કઠોળ અને ધાન્ય ચારો મિશ્ર કરી ખવડાવવો જરૂરી છે. લીલી કુણી કાચી જુવાર ખાવાથી જાનવરને મીણો ચડે છે કારણ કે તેમાં હાઈડ્રોસાઈનિક એસિડ નામનું ઝેર હોય છે. જેથી આવો ખોરાક ન ખાય અને જુવારને ફૂલ આવ્યા પછી કાપીને ખવડાવવો હિતાવહ છે. લીલા ચારામાં ૭૦ થી ૮૦ટકા જેટલું પાણી રહેલ છે એટલે ૧૦૦ કિ.ગ્રા. લીલા ચારામાંથી ૨૦ થી ૩૦ કિ.ગ્રા. જેટલું સૂકુ દ્રવ્ય જાનવરને મળે છે. તેથી એક કિ.ગ્રા. સૂકા ચારાની અવેજીમાં ૩ થી પ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઈએ.

ખાણદાણ


જે ખાદ્યપદાર્થોમાં રેસાનું પ્રમાણ ૧૮ ટકાથી ઓછું અને પોષકતત્વનું પ્રમાણ ઊંચુ હોય તેને દાણ/ખાણ કહેવામાં આવે છે. મકાઈ, જુવાર, મકાઈ અને ઘઉંનું ભૂસ, તલ, અળસી, કપાસીયા, મગફળી વગેરેનો ખોળ, માંસનો ભૂકો, માછલીનો ભૂકો, કઠોળની ચુની તથા ડાંગરની કુશ્કી વગેરે ખાદ્યપદાર્થો દાણની વ્યાખ્યામાં આવે છે. જાનવરોનો કુદરતી ખોરાક ઘાસચારો છે. પરંતુ વૈજ્ઞાનિક સંવર્ધન અને ઉછેરથી દૂધાળ જાનવરોનું દૂધ ઉત્પાદન વધવાથી જાનવરોને પોષકતત્વો વધુ જથ્થામાં મળવા જોઈએ. આ પોષકતત્વો એકલા ઘાસચારાથી પુરા પાડી શકાતા નથી. આથી જાનવરોને ખાણદાણ ખવડાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આમ, ખાણદાણએ જાનવરોનો મુખ્ય આહાર નથી પરંતુ પૂરક આહાર છે. ઘાસચારો આપ્યા પછી જાનવરોને જે પોષકતત્વોની જરૂરીયાત પૂરી કરવામાં ઉણપ રહે તેને પૂરી કરવા માટે ખાણદાણ ખવડાવવું જોઈએ.

જાન્યુઆરી-ર૦૧૭ વર્ષ: ૬૯ અંક: ૯ સળંગ અંક: ૮ર૫ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate