પશુપાલનનો વ્યવસાય કૃષિ સાથે સંકળાયેલો છે. તેમ છતાં આજે પણ મોટા ભાગના પશુપાલકો, પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે સ્વીકારવામાં ખચકાટ અનુભવે છે. ઓછી ઉત્પાદકતા અને વધુ ખર્ચને કારણે આ વ્યવસાય મહેનત ના પ્રમાણમાં ઓછો નફાકારક છે. તેથી નફાકારક પશુપાલન માટે વિચારવું જરૂરી છે. ટકાઉ અને નફાકારક પશુપાલન માટે અત્રે આપેલ કેટલીક માહિતી ઉપયોગી થશે.
ડેરી ફાર્મ માટે પશુઓ ભરોસાપાત્ર વ્યક્તિ કે સંસ્થા પાસેથી ખરીદવા જોઈએ. તેથી તેમના માતા પિતા ના ઉત્પાદન અંગેની માહિતી મળી રહે. હંમેશા તાજા વિયાયેલ અને પ્રથમ કે બીજા વેતરના હોવા જોઈએ. નવા પશુઓ લાવ્યા બાદ તેમને ૧૫ થી ૩૦ દિવસ માટે શક્ય હોય તો અલગ સ્થળે રાખવા જોઈએ.
શિયાળા માં પશુઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે રાત્રે શેડમાં અને દિવસે ખુલ્લા તડકામાં રાખવા જોઈએ. જરૂર જણાય તો પશુઓને શણના કોથળાથી ઢાંકીને પણ ઠંડી થી રક્ષણ આપી શકાય. ઉનાળામાં પશુઓને ચોવીસે કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.તેમને છાંયડામાં રાખવા જોઈએ. ગરમ તેમજ ભેજવાળા વાતાવરણમાં લીખ, જુઆ ,ચાંચડ, ઇતરડી વગેરેનો ઉપદ્રવ ખુબજ હોય છે. જે ઘણાખરા જીવલેણ રોગ ફેલાવે છે. તેને રોકવા માટે ૦.૦૨ ટકા બ્યુટોક્ષ પશુઓ ઉપર તેમજ શેડમાં છંટકાવ કરવો જોઈએ.(જે છ મહિનાથી ઓછી ઉંમરના બચ્ચાઓને છાટવી નહિ )
જન્મેલ દરેક બચ્ચાનો ભવિષ્યના દુધાળ પશુ તરીકે ઉછેર કરવો જોઈએ. બચ્ચાને તેના જન્મ પછી ના બે કલાકની અંદર ખીરું આપવું જોઈએ. મેલી પડવા સુધીની રાહ જોવી જોઈએ નહિ. ખીરું બચ્ચાને કાયમી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. ત્રણ મહિનાના બચ્ચાને ખરવા મોવાસો અને ગળસુંઢો ની રસી મુકાવવી જોઈએ.
પશુઓમાં પોષણને ખુબજ મહત્વ આપવું જોઈએ. તે માટે સારી ગુણવત્તાવાળો લીલો ઘાસચારો અને જાનવર દીઠ ૨ થી ૩ કી.ગ્રા. સારૂ દાણ આપવું જોઈએ. જાનવરોને રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ હોય તેવો ઘાસચારો ખવડાવવો જોઈએ નહિ. સાત મહિનાના ગાભણ જાનવરોને સુકો ચારો વધારે ખવરાવવો જોઈએ નહિ. અને પુરતો આરામ આપવો જોઈએ.
જાનવરોને લગતી તમામ નોધો જેવી કે બીજદાન કર્યા ની તારીખ, ગાભણ ની તપાસ, વિયાવાની અંદાજીત તારીખ, દૂધ ઉત્પાદન ને લગતી તમામ માહિતી. જો કોઈ રોગ નો ઉપદ્રવ થયો હોય તો તેને લગતી માહિતી, દવા કરેલ હોય તો તેની માહિતી વગેરે રાખવી જોઈએ.જેથી ભવિસ્યમાં પશુપાલક ની ખ્યાલ રહે.
વિયાણ પછી જાનવરને તરત જ પૂરેપૂરું દોહવું જોઈએ નહિ. જેથી સુવા રોગથી બચાવી શકાય. આ રોગને રોકવા માટે ગર્ભાવસ્થાના છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન વધારે પડતું કેલ્શિયમ આપવું જોઈએ નહિ. ગાય કે ભેસ વિયાણ પછીના બે કે ત્રણ મહિનામાં ગાભાન થઇ જવી જોઈએ. એક વખત ફેળવવાનું ચુકી જવાથી ૧૫૦૦ થી ૨૦૦૦ રૂ. નું નુકસાન જાય છે.
ઉપરોક્ત બાબતોની કાળજી રાખવાથી પશુપાલન નફાકારક બને છે.
સ્ત્રોત: જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020