પાણી એ કુદરત તરફથી મનુષ્યને મળેલ અમૂલ્ય સંપતિ છે. મનુષ્યને જેટલી પાણીની જરૂર છે તેમ પશુઓમાં પણ દૈનિક ક્રિયાઓ માટે પાણીની એટલી જ અગત્યતા છે. પશુને સારો અને પોષ્ટિક ખોરાક આપવામાં આવે પણ જરૂર મુજબનું પાણી આપવામાં ના આવે તો પશુની પાચનક્રિયા ઉપર માઠી અસર જોવા મળે છે.
પશુઓને તેમની ઉંમર, વજન, કદ, શારીરિક કાર્ય, વાતાવરણ, ગાભણ, દૂધ ઉત્પાદન તેમજ ખોરાક મુજબ પાણીની જરૂરિયાત રહે છે. ઉનાળામાં પશુઓને વધુ પાણીની જરૂર રહે છે કેમ કે લીલો ચારો ઓછો મળે છે તેથી મુખ્યત્વે સૂકો ચારો અને દાણ પર જ રહેવું પડે છે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ નહીવત ૧૦ ટકા જેટલું જ હોય છે. એક તારણ પ્રમાણે પશુઓને ઉનાળામાં ઠંડુ પાણી અને શિયાળામાં હુંફાળું પાણી આપવાથી દૂધ ઉત્પાદન વધુ મળે છે. ઉનાળામાં પશુઓ સામાન્ય કરતાં ૭૫ ટકા વધુ પાણી પીવે છે.
પશુનું જીવન ટકાવી રાખવા પાણીની જરૂર છે. પાણી વગર શરીરના કોષો મૃત્યુ પામે છે. પાણી શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. શરીરના વિવિધ ભાગોમાં પોષક તત્વોને જરૂરિયાત મુજબ પહોચાડવામાં મદદ કરે છે. રુધિર પરિવહનમાં મદદરૂપ થાય છે. શરીરમાં ચયાપચાયને લીધે ઉત્પન થતાં કચરાના નિકાલમાં મદદરૂપ થાય છે. દુધના ઉત્પાદનમાં પણ પાણી મહત્વનું છે. શરીરના સાંધાઓમાં રહેલ પાણીને કારણે ઘર્ષણ ઓછું થાય છે. પશુઓને ચોખ્ખું પાણી ચોવીસ કલાક મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને ભેંસોને ઉનાળામાં વધુ પાણીની જરૂર પડે છે. પશુઓ ખોરાક વગર લાંબો સમય ટકી શકે છે પણ પાણી વગર રહી શકતા નથી. દૂઝણા પશુને દૈનિક જરૂરિયાત ઉપરાંત ૧ લીટર દૂધ ઉત્પાદન દીઠ ૨ લીટર જેટલું વધારાનું પાણી આપવું જોઈએ.
સ્ત્રોત: ડો.જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020