પ્રસ્તાવના:
ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. પશુપાલનના વ્યવસાયમાં દૂધાળા પ્રાણીને ઘરના કમાઉ સભ્ય તરીકે ગણવામાં આવે છે. ઘણા પશુપાલકોના ઘરનો બધો જ આધાર દૂધની આવક પર રહેલો હોય છે. ભારત દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે પરંતુ પ્રતિ પશુ દિઠ દૂધ ઉત્પાદનમાં ખૂબ જ પાછળ છે. જેમ જેમ ભારતમાં વસ્તી વધે છે તેમ દૂધની માંગ પણ વધે છે. આ દૂધમાંથી આવક પ્રાપ્ત થાય તે માટે સ્વચ્છ અને સ્વાસ્થ્યના ધારાધોરણ મુજબનું દૂધ પ્રાપ્ત થાય તે જરૂરી છે. બાવલાનો રોગ આર્થિક રીતે અસરકર્તા રોગ છે. દુધાળા પશુઓમાં આંચળ નકામો જવાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે તેમજ તે પશુની આર્થિક કિંમતમાં પણ ઘટાડો જોવા મળે છે.
આંચળની બીમારીના ત્રણ પ્રકાર છે
- એક્યુટ(તીવ્ર) : બાવલામાં દુખાવો થવો, બાવલાનો ભાગ તથા દૂધ ગરમ હોવું, તીવ્ર સોજો આવવો, લાલાશ આવવી, બાવલુ કઠણ થઈ જવું, દૂધમાં ફેરફાર થવા. પશુને તાવ આવવો, ખોરાક ઓછો થઈ જવો.
- ક્રોનીક (સ્થિર): બાવલાના કદમાં ઘટાડો જોવા મળે, દૂધ ઓછું કે કાયમી બંધ થઈ જાય છે.
- સબક્લીનીકલ (છુપો): દૂધમાં કોઈપણ ફેરફાર ના થાય ફક્ત દૂધની માત્રામાં ઘટાડો જોવા મળે છે તેથી જ પશુપાલક આ બીમારીથી અજાણ હોવાથી સૌથી વધારે નુકશાન થાય છે.
રોગ થવાનાં કારણો
ધારદાર વસ્તુ કે કાંટાળા તાર વાગવાથી આંચળ પર ઘા પડે છે. ક્યારેક બાજુના જાનવરના ખરી કે શીગડા વડે બાવલાને ઇજા થતાં જીવાણુઓ બાવલામાં સહેલાઇથી દાખલ થાય છે. પશુના રહેઠાણનું ગંદુ ભોયતળિયું, તેમજ ચોમાસામાં પશુને ખુલ્લામાં બાંધતા કાદવને લીધે જીવાણુંઓ બાવલામાં પ્રવેશે છે. પશુને દોહતી વખતે દોહનાર વ્યક્તિના હાથ કે બાવલાને વ્યવસ્થિત ધોવામાં ન આવે તો હાથ તથા બાવલાની ચામડી ઉપરના જીવાણું બાવલામાં પ્રવેશે છે. પશુનાં દૂધ દોહનની ખોટી રીત કે જેમાં અંગુઠો વચ્ચે રાખીને દોહન કરવાથી આચળમાં ઇજા થવાથી તેમાં ગાંઠ પડી જતાં, પૂરતા પ્રમાણમાં દૂધ બહાર ન આવવાથી અવશેષીત દૂધનું પ્રમાણ વધવાથી જીવાણુઓની વૃદ્ધિ જડપથી થાય છે. જે જાનવરનું બાવલું લટકતું હોય તેમાં બાવલાનો રોગ થવાનું પ્રમાણ વધે છે.
રોગ માટે જવાબદાર જીવાણુઓ:
મુખ્યત્વે સ્ટ્રેપટોકોકસ, સ્ટેફાઇલોકોકસ, બ્રુસેલ્લા, કોરાઈનેબેક્ટેરીયમ, ઈ.કોલાઈ.
રોગનાં લક્ષણો
બાવલા ઉપર એકાએક સોજો આવે છે તેમજ તે ભાગ ગરમ લાગે છે. આંચળમાંથી દૂધને બદલે ચીકણું પ્રવાહી કે પરુ નીકળે, કોઈવાર લોહી પડે. કેટલીક વખતે દૂધ છાસ જેવું નીકળે, દૂધમાં ફોદા નીકળે, આંચળ અને બાવલાનો ભાગ કઠણ થઈ જાય. પશુને બવાલાના ભાગે સોજો આવવાથી દુઃખાવો થાય છે તેથી દૂધ દોહતી વખતે પશુ તોફાન કરે છે. દૂધ ઉત્પાદન ઘટી જાય છે. ઘણીવાર બવાલાના ભાગે વધુ પડતો સોજો આવવાથી પશુને ઉઠબેસ કરવામાં તથા ચાલવામાં પણ તકલીફ પડે છે.
નિદાન:
આ રોગનું નિદાન ઉપર જણાવેલ લક્ષણો પરથી સહેલાઈથી કરી શકાય છે. રોગના નિદાન માટે કેલીફોર્નિયા મસ્ટાઈટીસ ટેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે બજારમાં રોગનાં નિદાન માટે કાર્ડ પણ મળે છે. જેના પર દૂધનું ટીપું મૂકવાથી કાર્ડના રંગમાં થતાં ફેરફારથી પણ રોગને ઓળખી શકાય છે.
સારવાર:
રોગગ્રસ્ત પ્રાણીની તાત્કાલિક ડોકટરી સારવાર કરાવવી જોઈએ. આ રોગમાં જેમ સમય પસાર થાય તેમ નુકશાન વધતું જાય છે. એક વખત બાવલું કઠણ થઈ જાય પછી તેનો અસરકારક ઈલાજ થઈ શકતો નથી. ડોકટરી સારવારમાં એન્ટીબાયોટીકની ટયુબ આંચળમાં ચડાવવી તેમજ ઈન્જેકશનની સારવારનો સમાવેશ થાય છે. જરૂર જણાય તો બગડેલા દૂધની લેબોરેટરી તપાસ પણ કરાવવામાં આવે છે.
આંચળની બિમારી અટકાવવાના ઉપાયો :
- જાનવરના રહેઠાણનું શેડનું તળિયું ખાડા વગરનું અને સુકું રાખવું જોઈએ.
- જાનવરના રહેઠાણમાં અણીદાર વસ્તુ રાખવી નહિ. જાનવરને યોગ્ય અંતરે બાંધવા જોઇએ.
- રહેઠાણમાંથી છાણ-મૂત્ર નો નિકાલ કરી સ્વચ્છતા જાળવવી જોઈએ તેમજ સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જોઈએ.
- દૂધ દોહનાર વ્યક્તિએ પોતાના હાથ તથા પશુના આંચળ ને જંતુનાશક દ્રાવણથી સાફ કરીને જ દોહવા જોઈએ.
- મશીનથી દૂધ નીકળતાં પહેલાં આંચળને આયોડીન લગાવી, ત્યારબાદ સ્વચ્છ પાણીથી સાફ કરીને જ મશીન લગાવવું જોઈએ.
- અંગુઠો બહાર રાખી દૂધ દોહનની સાચી પધ્ધતિ અપનાવવી જોઈએ.
- તંદુરસ્ત પશુનું પ્રથમ દોહન કરવું,રોગવાળા પશુને છેલ્લે દોહવું જોઈએ તથા તેનું દૂધ વપરાશમાં લેવું જોઈએં નહી.
- દૂધ દોહન માટે મશીનનો ઉપયોગ થતો હોય તો તેને વ્યવસ્થિત સાફ કરવું જોઈએ. આંચળની બીમારીમાં ખરાબ દૂધ જમીન પર ન પાડતા અલગ વાસણમાં લઈ યોગ્ય નિકાલ કરવો જોઈએ.
- દૂધ દોહન બાદ આંચળ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દૂધ દોહન બાદ પશુને થોડો સમય ઊભા રાખવા જેથી કરીને આંચળનું મુખ બંધ થઈ જાય અને જીવાણુઓનો પ્રવેશ અટકાવી શકાય.
- વિયાણ બાદ મેલી તથા અન્ય બગાડની તળિયા પરથી યોગ્ય સફાઈ કરવી જોઈએં.
- પશુ જયારે વસુકી જાય ત્યારે છેલ્લી વખત તેના આંચળમાંથી દૂધ ખેંચી લીધા પછી ચારેય આંચળમાં એક એક દવાની ટયુબ ભરી દેવાથી વિયાણ સમયે બવાલાનો રોગ થવાની શક્યતા ઘટી જાય છે.
ગળીયાની તાત્કાલીક સારવાર બચાવે અમૂલ્ય પશુધન
ગૌધુલી
સ્ત્રોત : ડો. જીગર વી. પટેલ