অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઓમાં થતો આફરાનો રોગ અને અટકાવ

પશુઓમાં થતો આફરાનો રોગ અને અટકાવ

આફરો એ મુખ્યત્વે ગાય ભેંસ અને ઘેટાં બકરામાં થતો રોગ છે. પશુના પેટમાં ખોરાકના પાચન દરમ્યાન ગેસ ઉત્પન્ન થતો રહે છે જે સામાન્ય રીતે મો વાટે બહાર આવતો હોય છે. પરંતુ જયારે આ ગેસ વધારે માત્રામાં ઉત્પન્ન થાય અથવા તેનો નિકાલ બહાર ન થાય તો તે પેટમાં ભરાયેલ રહે છે અને પેટ ફુલવા માંડે છે જેને આપણે આફરો કહીએ છીએ. જો આફરો એકદમ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવી જરૂરી છે નહી તો તે જીવલેણ નિવડી શકે છે. આફરો મુખ્યત્વે તાજો નવો ફુટેલો ઘાસચારો વધારે માત્રામાં ખાવાથી થાય છે. આ ઉપરાંત પશુઓને વધુ પ્રમાણમાં પોલીથીન બેગ ખાવામાં આવે અથવા ધારદાર ધાતુ ખાઈ જવાથી તો કયારેક અન્નનળીમાં કોઈ અવરોધ થવાથી આફરો રહે છે. ચોમાસામાં કુણા લીલા ઘાસચારાનાં કારણે પશુઓમાં આફરો વધારે પ્રમાણમાં જોવા મળે છે.

મુખ્ય લક્ષણ

  • રોગના મુખ્ય લક્ષણમાં પશુનાં પેટનો ડાબી બાજુનો ભાગ ફુલી ઢોલકા જેવો બની જાય છે. આફરો જો ઓછી માત્રામાં હોય તો પશુને કોઈ તકલીફ થતી નથી અને કયારેક આપોઆપ મટી પણ જાય છે. જો આફરો વધતો જ જાય તો તેનું પેટ ફુલવા લાગે છે અને તેના પર હાથ લગાવવાથી ઢોલ જેવો લાગે છે. પશુ ઉઠબેસ વધારે કરે છે અને પોતાના દાંત કચડે છે. જયારે આફરો ખૂબ જ વધી જાય તો પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને મો ખુલ્લું રાખીને શ્વાસ લે છે. કયારેક પશુ આડુ પડી જાય છે અને શ્વાસ ન લઈ શકવાનાં કારણે મૃત્યુ પામે છે.

તાત્કાલિક સારવાર

પશુઓમાં આફરાની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે. જો આફરો સામાન્ય પ્રમાણમાં હોય તો પશુ હલનચલન કરી શકે છે. તેની પ્રાથમિક સારવાર માટે પશુને સીધુ ઊભુ રાખવું જોઈએ અને થોડુ ચલાવવું જોઈએ. પેટના ભાગને હલાવવું જોઈએ તેમજ પશુનાં મો પાસે નાનું લાકડું બાંધવું જોઈએ જેથી પશુ એને ચાટે અને તેની લાળનું પ્રમાણ વધે જેથી ગેસ બનવાનો ઓછો થાય. આ ઉપરાંત પશુનાં ગળાનાં ભાગમાં હાથ ફેરવવો જોઈએ જેથી તે ગેસને બહાર નીકળવામાં મદદરૂપ થાય. ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે પશુને જો આફરાનાં સામાન્ય ચિહ્નો જણાય તો ઘેટાં બકરાં જેવા પશુઓમાં ૧૦ થી ૨૦ ગ્રામ અને ગાયો ભેંસોમાં ૪૦થી ૫૦ ગ્રામ ખાવાના સોડા આપવાથી રાહત થાય છે. જો આફરો ખૂબ જ માત્રામાં હોય અને પશુને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો પશુનો જીવ બચાવવા તાત્કાલિક પશુ ડૉકટરનો સંપર્ક કરી ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે. આવા કિસ્સામાં પશુ ચિકિત્સક રબરની પાઈપ મો વાટે પેટમાં જવા દે છે અથવા તો પેટમાં સીધુ કાણુ પાડે છે જેથી પેટમાં ભરાયેલ ગેસ બહાર નીકળી જાય અને છાતી પર પેટનું દબાણ ઓછુ થઈ જાય.

જો આફરો અન્નનળીમાં અવરોધને કારણે થયો હોય તો તે અવરોધને પશુની અન્નનળી પર હાથ ફેરવીને તેને મો તરફ અથવા નાની રબરની પાઈપ વડે પેટમાં ધકેલવી જોઈએ. જો અન્નનળીનો અવરોધ ખસી શકે તેમ ન હોય તો તેને અન્નનળીની શસ્ત્રક્રિયા વડે કાઢવો પડે છે. આફરો જો લાંબા સમય સુધી રહે તો પશુનાં પેટની દિવાલને ખૂબ જ કાયમી નુકસાન થાય છે જેથી તેનો સમયસર ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે. આ આફરો પ્રાથમિક સારવારથી ના મટે તો ક્યારેક તેમાંથી પ્લાસ્ટિક અને ધાતુ પણ નીકળે છે. આ દરમિયાન પશુને બીજા સ્વસ્થ પશુનો વાગોળ અસર પામેલા પશુના પેટમાં સીધો નાખી શકાય છે.

પશુમાં આફરો ના થાય તે માટે પશુનાં ખોરાક પર ધ્યાન રાખવું જરૂરી છે. પશુને વિવેક પૂર્વક લીલો સૂકો ચારો ખોરાકમાં આપવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ. આ ઉપરાંત પશુને લીલો નવો ચારો આપવામાં પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જાનવરનાં ખોરાકમાં ઘાસચારો અને ખાસ કરીને લીલા ચારાનું પ્રમાણ ધીરે ધીરે વધારવું જોઈએ. આફરો અટકાવવા માટે ઘાસચારો અને ખાણદાણ કે જેને ટોટલ મિક્સડ રાશન કહે છે એ ખોરાકની પધ્ધતિ અપનાવવી આજના સમયની જરૂરિયાત છે. ટોટલ મિડ રાશનનાં ઘણા ફાયદા છે જેમકે જાનવરની ઉત્પાદન ક્ષમતા અને પ્રજનન ક્ષમતા સારી એવી વધારી શકાય છે તેમજ આફરા જેવા જીવલેણ રોગો પણ નિવારી શકાય છે.

જાનવરનાં ખોરાકમાં ઘાસચારો અને ખાસ કરીને લીલા ચારાનું પ્રમાણ ધીરે ધીરે વધારવું જોઈએ આફરો અટકાવવા માટે ઘાસચારો અને ખાણદાણ કે જેને તો ધીરેધીરે શરૂ કરવો જોઈએ અને તેની માત્રામાં ધીરે ધીરે વધારો કરવો જોઈએ. બને ત્યાં સુધી ફક્ત સૂકો ચારો આપવો ના જોઈએ પરંતુ સૂકા-લીલા ચારાનું મિશ્રણ આપવું જોઈએ. જાનવરને ભૂખ્ય રાખતા સમયાંતરે વિવેકપૂર્વક ઘાસચારો આપવો જોઈએ. ભૂખ્ય જાનવર ખૂબ જ ઝડપથી વધુ પ્રમાણમાં ચારો ખાઈ જવાથી આફરો થવાની શક્યતા વધી જાય છે.

કૃષિગોવિધા ઑગષ્ટ-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૪ સળંગ અંક : ૮૪૪

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate