অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઓમાં ઋતુકાળ ( વેતર) ની ઓળખ , તેનું મહત્વ અને પધતિઓ

પશુઓમાં ઋતુકાળ ( વેતર) ની ઓળખ , તેનું મહત્વ અને પધતિઓ

  1. ઋતુકાળ/ગરમીના લક્ષ્ણો અને તેની ઓળખ :
  2. કોઠો 1 : ગરમી ચિહ્નો અને પૂર્વ, મધ્ય અને અંતિમ તબકકામાં જોવા મળતા ફેરફારો
  3. કોઠા-2 ગરમી ના પ્રકાર મુજબ ચિહ્નોમાં જોવા મળૅતી તિવ્રતા
  4. કોઠો-3 : ગરમીના સમય દરમ્યાન લાળીમાં થતા ફેરફારો
  5. બીજદાનનો યોગ્ય સમય :
  6. કોઠો – 4 : બીજદાનનો સમય અને ગર્ભધારણનો દર
  7. ગરમી ઓળખવામાં નડતી મુશ્કેલીઓ:
    1. મૂંગી કે છાની ગરમી :
    2. ઋતુકાળ/ ઋતુચક્રની અનિયમિતતા :
    3. અન્ય અવસ્થા – બરાડવું , લાળી પાડવી  :
  8. પશુઓમાં વેતર/ગરમી પારખવાની વૈજ્ઞાનિક પધ્ધ્તિઓ :
    1. ટીઝર – નસબંધી કરેલ સાંઢનો ઉપયોગ :
    2. પશુ રહેઠાણમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ :
    3. કામાર હીટ માઉંન્ટ ડીટેકટર – ડબલ કવરની રંગીન કેપ્સુલનો પશુની પૂંઠ ઉપર ઉપયોગ :
    4. ટેઇલ પેઇન્ટીંગ :
    5. અભિરંજીત કરેલ વાદળીનો ટિઝરની દાઢી પર ઉપયોગ (ચીન એન્ડ બોલ માર્કિગ ડીવાઇસ)
    6. પેડોમીટર (વાહનના માઇલોમીટર જેવું સાધન પશુના પગે અને ડોકે /શીંગડે લગાવવું ):
    7. ટ્રેઇન્ડ ડોગ લાળી સુંઘાડી તાલીમ આપેલ કૂતરાના ઉપયોગથી :
    8. લોહી-દૂધમાં પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનું પ્રમાણ માપીને :
  9. સારાંશ :
પશુપાલકોના અનુભવ અને વૈજ્ઞાનિકો હકીકત મુજબ પુખ્ય વયના દૂધાળ પાલતું માદા જાનવરો તેના ઋતુચક્રના અમુક ચોક્ક્સ દિવસે રોજના કરતાં જુદી રીતે વર્તન કરે છે જેમ કે દૂધ આપવામાં અનિયમિતતા, ખોરાક લેવામાં ઘટાડો , વારંવાર પેશાબ કરે અને બરાડે તથા કૂદાકુદ કરે અને પેશાબની ઇન્દ્રિય વાટે બહુધા ચીકણી કાચ જેવી લાળી પણ કરે છે. સાધારણ રીતે જાનવર આવા ચિહ્નો દર્શાવે ત્યારે તે ગરમીમાં આવેલ તેમ મનાય છે. આવે વખતે જાનવરના માલિક તેને નર જાનવર સાથે કુદરતી સમાગમથી અથવા કૃત્રિમ બીજદાનથી ફેળવે તો તે મોટે ભાગે ગર્ભધારણ કરે છે.

 

ઋતુકાળ/ગરમીના લક્ષ્ણો અને તેની ઓળખ :

વેતર/ગરમીનું મહત્ત્વ આપણે એકવાર સ્વિકારીએ એટલે તે સમય કેવી રીતે ઓળખવો તે આપણે માટે મહત્ત્વનું બની રહે છે. જુદી જુદી જાતના જાનવરો ગરમીના જુદા જુદા લક્ષણો બતાવે છે, તેમજ એક જ જાતના જાનવરોમાં પણ ઢોર પરત્વે અલગ અલગ ચિહ્નો હોઇ શકે છે. આથી ખાલી, બિન-સગર્ભા માદાનો વેતર/ગરમીનો સમય શોધી કાઢવા માટે દિવસમાં ત્રણ થી ચાર વખત થોડી મિનિટો સુધી તેનું નિરિક્ષણ કરવું જોઇએ . સામાન્ય રીતે જોવા મળતા 18 થી 24 કલાકના ઋતુકાળને આપણે લક્ષણો/ ચિહ્નો આધારે ત્રણ તબક્કામાં વહેચી શકીએ જેમ કે (1) ગરમીનો પૂર્વ તબક્કો ( અર્લી હીટ )(2) મધ્ય તબક્કો (મિડ હીટ) અને અંતિમ તબક્કો (લેટ હીટ). આ સમય દરમ્યાન ચિહ્નોમાં શું શું ફેરફારો થાય છે તે જો આપણે જણતા હોઇએ તો ગરમીનો યોગ્ય/મધ્ય ભાગ પારખી તે સમયે પશુને કૃત્રિમ બીજદાન માટે લઇ જઇએ તો ગર્ભધારણની સફળતા વધુમાં વધુ મળશે જ. ગરમીના ચિહ્નોમાં તેના તબકકા અને તીવ્રતા પ્રમાણે નીચે કોઠા નં 1 અને 2 માં દર્શાવ્યા મુજબના ફેરફારો જોવા મળતા હોય છે અને તેની લાળીના ગુણધર્મો કોઠા નં 3 માં જણાવ્યા મુજબ ફેરફાર થતા હોય છે. જેથી પશુને નિરખીને જોતા કોઇને કોઇ ચિહ્ન એવાં જોવાં મળશે જ કે જે ગરમીને લીધે હોય , જેમ કે રોજીંદા વર્તનમાં ફેરફાર , ખોરાક લેવામાં અને દૂધ આપવામાં અનિયમિતતા કે છ્ણકો કરવો , બરાડવું /આરડવું/રેકવું ,બેચેની/ઉશ્કેરાટ , વારંવાર થોડો થોડો પેશાબ કરવો , છૂટા ફરતા પશુ એકબીજા પર કૂદે અને ખાસ કરી બીજા પશુને પોતાના પર કૂદવા દે ,ભગોષ્ટ્માં સુજન અને રતાશ જણાય તથા છાણવાસીદામાં અથવા પૂંછડી અને પેશાબની ઇન્દ્રિય પર તાજી કે ખરડાયેલ લાળી જોવા મળશે .

“ પશુપાલકો જાણે છે કે ગાય ભેંસ દર 18 થી 21 દિવસે ગરમીમાં રહે છે. આ સમયે જ અંડાશયમાંથી બીજ છુંટું પડે છે, તેથી માદા જયારે ગરમીમાં હોય ત્યારે જ તેને સાંઢા- પાડાનુ વીર્ય આ મર્યાદિત કાળમાં મૂકવાથી આ છૂટા પડતા અંડનું ફલન થવાથી ગર્ભધારણ થઇ શકે છે , નહિ તો નહિ . ગરમીનો સમય ઓળખી કાઢવો તે ખૂબ જ અગત્યનું અને પશુ સંવર્ધન તથા ઉત્પાદન કાર્યમાં મહત્વનું પાસું છે .વળી આશરે 50 ટકા ઢોરો અનિયમિત અગર ખૂબ જ મોડાં વિયાય છે અને કેટલાંકને તો વગર વાંકે વાંઝિયામેણું સહેવું પડે છે કારણકે માલિક ગરમીનો સમય ઓળખી શકતો નહિ હોવાથી જાનવરો સગર્ભ થતા નથી. આથી ઋતુકાળના લક્ષણો ,તેની ઓળખ , ઓળખવામાં નડતી મુશ્કેલીઓ અને ઓળખની કેટલીક વૈજ્ઞાનિક પધ્ધ્તિઓની માહિતી આ લેવામાં દર્શાવેલ છે.

કોઠો 1 : ગરમી ચિહ્નો અને પૂર્વ, મધ્ય અને અંતિમ તબકકામાં જોવા મળતા ફેરફારો

અ.નં.

ગરમીના ચિહ્નો

પૂર્વ તબક્કો

(0થી8કલાક )

મધ્ય તબક્કો

(8થી16કલાક)

અંતિમ તબક્કો

(16થી24કલાક)

1

બીજા જાનવરો સાથેનું વર્તન

બીજા પશુઓથી અલગ થવાની ઇચ્છા રાખે

બીજા પશુઓમાં ભળી જાય

બીજા પશુઓમાં મળી થઈ સામાન્ય વર્તન કરે

2

સ્વભાવ (ઉગ્રતા)

સ્વભાવ શરુઆતમાં નરમ લાગે, બીજા પર ઠેકે કે પછી ઉગ્ર બને

ઉગ્ર સ્વભાવ લાગે . બીજા જાનવરોને પોતાના ઉપર ઠેકવા દે

શાંત જણાય

3

ભૂખ- ખોરાક લેવાની ટેવ

ખોરાક ઓછો લે

ખુબ જ ઓછો ખોરાક લે

સામાન્ય ખોરાક લે

4

ભાંભરવુ/આરડવું

કોઇકવાર

વારંવાર

ભાગ્યે જ

5

પેશાબ કરવાનું આવર્તન

થોડુ વધે

દર 15 – 20 મિનિટે થોડો થોડો પેશાબ કરે

સામાન્ય થઇ જાય

6

દોહન/દૂધ ઉતારવું

ડબકાય રહે , દોહવા ન દે ,દૂધ ઘટે

દોહવા/બચ્ચાને ધાવવા ન દે

સામાન્ય થઇ જાય

7

પીઠના ભાગના સ્નાયુઓનું ખેંચાણ , ખાસ કરીને સંકર ગાયોમાં

સહેજ વધારે જોવા મળે

દેખીતી રીતે જ વધારે જણાય

ભાગ્યે જ ,ધીરે ધીરે સામાન્ય થાય

8

શરીર નુ ઉષ્ણતામાન

સહેજ વધે

એકદમ 10સે જેટલું વધે

ધીરે ધીરે સામાન્ય થાય

9

ભગ (યોનિ)

ઓછી કરચલિઓ દેખાય , સહેજ સોજો દેખાય.

દેખીતી રીતે સોજો જોવા મળે

સામાન્ય થતી જણાય

10

યોનિનો અંદરનો ભાગ

થોડી લાલાશ જોવા મળે

લાલાશ જોવા મળે

ધીરે ધીરે સામાન્ય થતી જણાય

 

11

મળાશય તપાસમાં ગર્ભાશયની પરિસ્થિતિ

ગર્ભાશય કડક બને

વધુ કડક ઉત્થાન પામેલા લાગે

સામાન્ય જણાય

કોઠા-2 ગરમી ના પ્રકાર મુજબ ચિહ્નોમાં જોવા મળૅતી તિવ્રતા

અ.નં.

ગરમીના ચિહ્નો

ઉગ્ર ગરમી

સામાન્ય ગરમી

નબળી ગરમી

1

ઉશ્કેરાટ , દોડાદોડી

વધારે દેખાય

બહુ જ ઓછી

 

2

ભાંભરે , બરાડે

વારંવાર

ક્યારેક

ભાગ્યે જ

3

બીજા જાનવર ઉપર કૂદકા મારે

હંમેશા જોવા મળે

કયારેક જોવા મળે

ભાગ્યે જ

4

ખૂંટ કૂદે ત્યારે ઊભી રહે

હંમેશા

હંમેશા

ક્યારેક

5

બીજા જાનવરોને ચાટે

ચાટે

ચાટે

કયારેક

6

પૂંછડી એક બાજુ વાંકી રાખે

જોવા મળે

જોવા મળે

કયારેક

7

બરાબર ખાય નહિ

ઓછું ખાય

ભાગ્યે જ ઓછું ખાય

બરાબર/નિયમિત

8

આંખોમાં રતાશ

જોવા મળે

કયારેક

કયારેક

9

યોનિમાર્ગમાથી સફેદ સ્વચ્છ ચીકણું પ્રવાહી (લાળી) પડે

સામાન્ય , પુષ્કળ લાળી જોવા મળે

બહુજ ઓછી લાળી જોવા મળે

થોડી દેખાય , પણ ઘણી વખત જાણ થતી નથી

10

યોનિમાર્ગની આંતરત્વચા રતાશ  અને ચીકાશવાળી જણાય

જોવા મળે

બહુ જોવા મળે

શોધવામાં મુશ્કેલી પડે

11

યોનિમાર્ગનો સોજો

જોવામાં આવે

બહું જોવામાં આવતો નથી

કયારેક જ જોવા મળે

12

વારંવાર થોડો થોડો પેશાબ કરે

જોવા મળે

જોવા મળે

કયારેક , સામાન્ય

13

દૂધ ઉત્પાદન ઘટે , ડબકાઇ રહે

ગરમીમાં આવ્યાના દિવસે જોવા મળે

કોઇક વખત , ઓછું

સામાન્ય

કોઠો-3 : ગરમીના સમય દરમ્યાન લાળીમાં થતા ફેરફારો

ક્રમ

લાળીની સ્થિતિ

પૂર્વ તબકકો (અર્લી હીટ)

મધ્ય તબક્કો (સ્ટેન્ડીંગ હીટ)

1

રંગ

ચોખ્ખાપાણી જેવી પાતળી

પારદર્શક પરંતુ ઘટ્ટ

2

ઘટટ્તા

પાતળી

ઘટ્ટ

3

જથ્થો

વધુ

ઓછો

4

પીએચ

6.8 થી 7.0

6.5 થી 6.7

5

સ્થિતિસ્થાપકતા

લાળી ઓછી સ્થિતિસ્થાપક અને જલદી તૂટી જાય/બીજદાન કરાવવું જોઇએ.

દોરડા જેવી અને સ્થિતિસ્થાપક હોય યોનિમાર્ગ થી નીચે સુધી લટકતી રહે

6

વિધુત અપસારણ / કન્ડકટીવિટી

170 થી 190 ઓહમ

190 થી 210 ઓહમ

ઉપર મુજબ ચિહ્નોના આધારે અનુભવ અને સતત નિરીક્ષણથી પશુપાલક તેના જુદા જુદા જાનવરોમાં ગરમીનો સમય શોધી શકે છે. તેમ છતાં જાનવરની જાત અને વંશ ઉપર પણ ગરમીના લક્ષણો બતાવવાની શક્તિનો આધાર હોય છે.તેથી આવા પશુને પશુતબીબ કે બીજદાન કર્મચારી પાસે તપાસ કરાવી યોગ્ય સમયે સંવર્ધન પશુ જો ખરેખર ગરમી માં હશે તો તેને મળાશય મારફતે તપાસતા ગર્ભાશય ઉત્થાન પામેલ કડક જણાશે , કમળમુખ થોડું ઢીલું / ખુલેલું હશે તથા અંડાશય પર ફોલ્લા જેવા પરિપકવ પુટકનું પરીસ્પર્શન કરી શકાશે અને પશુ યોનિમાંથી લાળી પણ પડશે. 

બીજદાનનો યોગ્ય સમય :

સામાન્ય રીતે ગાય/ભેંસ ને જો તેની ગરમીના મધ્યભાગમાં (સ્ટેંન્ડીંગ હીટ) એટલે કે ગરમીના ચિહ્નો શરુ થાય પછી 12 થી16 કલાક દરમ્યાન કૃત્રિમ બીજદાન કે નર સાથે સમાગમ કરાવવામાં આવે તો ગર્ભધારણની ટકાવારી વધુમાં વધુ મળે છે. અમારી સંસ્થા ખાતે પશુપાલકોએ વેતરની શરુઆત અંગે આપેલ માહિતીના આધારે રાવ અને કોડાગલી (1982) દ્રારા 500 સુરતી ભેંસોમાં વેતરની શરુઆતથી 48 કલાક દરમ્યાન છ-છ કલાકના અંતરે કૃત્રિમ બીજદાન કરતાં મળેલ ગર્ભધારણ દર કોઠા – 4 માં દર્શાવ્યા મુજબ જોવા મળેલ.

કોઠો – 4 : બીજદાનનો સમય અને ગર્ભધારણનો દર

બીજદાનનો સમય (વેતરની શરુઆતથી કલાકોમાં )

ગર્ભધારણનો દર ( ટકામાં )

0 - 6

16.66

6 – 12

33.33

12 – 18

50.46

18 – 24

60.60

24 – 30

51.81

30 – 36

25.00

36 – 48

0.0

 

ઉપરોકત કોઠામાં સ્પષ્ટ થાય છે કે ભેંસોંમાં સારો ગર્ભધારણ દર મેળવવો હોય તો તેને વેતરની શરુઆત બાદ 18 થી 24 કલાકે અને ગાયોને 12 થી 18 કલાકે ફેળવવી જોઇએ.

આથી જ ઋતુકાળ/ વેતરનો ફેળવવા યોગ્ય તબક્કો શોધી કાઢવો સફળ ફલન માટે અતિ આવશ્યક છે. ટૂંકમાં એક સિધ્ધાંત રુપે સવારે વેતરે આવેલ પશુને તે જ દિવસે સાંજે વેતરે જણાયેલ પશુને બીજા દિવસે સવારે ફેળવવું/બીજદાન કરાવવું જોઇએ.

ગરમી ઓળખવામાં નડતી મુશ્કેલીઓ:

મૂંગી કે છાની ગરમી :

જે માદા જાનવરો ગરમીમાં આવ્યાના કોઇપણ ચિહ્નો બતાવતાં ન હોય અને તેમ છતાં તે વેતરમાં હોય તેને મૂંગી ગરમી, ટાઢી ગરમી કે બહેરું આવવું વગેરે નામોથી લોકો ઓળખે છે. આનો અર્થ એ જ કે કોઇક ચિહ્ન તો એવું હોય છે જ કે જેના આધારે આપણે તેને વેતરમાં આવેલું ગણતા હોઇએ છીએ .જાનવરની ખાસિયતો ,સ્વભાવ તેમજ અનુભવ અને સતત નિરિક્ષણથી મૂંગી ગરમીના લક્ષણો દરેક પશુપાલકે શોધી કાઢવાં જોઇએ.

નિયમિત દૂધ ઉત્પાદન અને સંવર્ધન માટેના જાનવરોની જરુરિયાતને પહોંચી વળવા માટે ગરમીનું નિદાન જ સચોટ ઉપાય છે. ધણમાં આવા મૂંગી ગરમીવાળા જાનવરોનો ઋતુકાળ પારખવા  માટે નસબંધી કરેલ સાંઢ (ટીઝર) નો ઉપયોગ કરવો હિતાવહ છે. વળી અભ્યાસથી એવું જણાયું છે કે 20 થી 27 ટકા જાનવરોમાં મૂંગી ગરમી હોય છે અને 13 થી 15 ટકા જાનવરોમાં નસબંધી કરેલ સાંઢ વાપરવા છતાં પણ મંદ ઋતુકાળ પારખી શકાતો નથી.

ઋતુકાળ/ ઋતુચક્રની અનિયમિતતા :

જાનવરોમાં ઋતુકાળ મર્યાદિત અથવા ટૂંકો ( 6 થી 12 કલાક), સામાન્ય (12 થી 24 કલાક) અને લાંબો (24 થી 41 કલાક) એમ ત્રણ પ્રકારે હોઇ શકે છે. તેવી જ રીતે ઋતુચક્ર પણ અતિ ટૂંકું (9 દિવસથી ઓછું) મધ્યમ ટૂંકું (9 થી 12 દિવસનું ) ,ટૂંકું (12 થી 18 દિવસનું ),સામાન્ય (18 થી 24 દિવસનું) અને લાંબુ (25 દિવસ થી વધુ) હોઇ શકે છે. તેથી આવા મર્યાદિત અને લાંબા ઋતુકાળ તથા સામાન્ય સિવાયના અન્ય ઋતુચક્રવાળા પ્રાણીઓમાં સાચો ઋતુકાળ પારખવા માટે પશુચિકિત્સની સલાહ લેવી હિતાવહ છે કારણકે આવા કિસ્સા અસામાન્ય પણ હોઇ શકે છે.

અન્ય અવસ્થા – બરાડવું , લાળી પાડવી  :

પશુઓમાં માલિકની ગેરહાજરી , કયારેક અચાનક ભડકી જવાથી , ગમાણમાં સાપ જેવો જીવ જોઇ જવાથી, હડકવાગ્રસ્ત પશુ વગેરે વેતરમાં ન હોય તો પણ વારંવાર બરાડે/ભાંભરે/રેકે છે.તે જ રીતે કેટલાક સગર્ભા પશુમાં પણ શરુઆતના 2 – 3 માસ દરમ્યાન થોડી થોડી ઘટ્ટ લાળી જોવા મળે છે પરંતુ અન્ય કોઇ ચિહ્ન હોતું નથી, જે સામાન્ય વેતરમાં જોવા મળે છે. આથી પશુ આરડે કે લાળી કરે તો તે વેતર/ગરમીમાં જ હોય તેવું માની લેવાના બદલે ખાતરી કરાવી, ખરેખર વેતરમાં હોય તોજ બીજદાન કરાવવું જોઇએ. આમ ઘણીવાર પ્રાણીનું વર્તન જોતાં એ ગરમીમાં આવ્યું હોય એમ જ લાગે છે, પણ  હકીકતમાં એમ હોતુ નથી. અમુક લાગણીને લીધે કે માનસિક કારણોસર પ્રાણીઓમાં માનસિક અને શારીરિક ફેરફાર થતાં આવી નિશાનીઓ કે લક્ષણો જોવા મળે છે, અને તે માલિકને ગેરમાર્ગે દોરે છે. ગરમીનો સમય નક્કી કરવા માટે સામાન્ય દ્રષ્ટિ , બહોળો અનુભવ , દરેક પશુની પૂરેપૂરી જાણકારી અને તેના વિષે રાખેલ વ્યવસ્થિત નોંધ ઘણી જ મદદરુપ બને છે.

પશુઓમાં વેતર/ગરમી પારખવાની વૈજ્ઞાનિક પધ્ધ્તિઓ :

વિદેશોમાં ખાસ કરીને ચરિયાણ પર નિભાવાતા હજારો પશુના મોટા ટોળામાં અને કેટલીક સ્થાયી ગૌશાળાઓમાં નીચેનામાંની કેટલીક રીતો પશુ ગરમી/વેતરમાં છે કે નહિ તે જાણવા અપનાવવામાં આવે છે. જો કે આવી પધ્ધ્તી આપણે ત્યાં રખાતા એકલ-દોકલ પશુ કે નાની ગૌશાળામાં બહુ ઉપયોગી કે પ્રચલિત નથી તેથી વાચકોની જાણ હેતુ અત્રે ટૂંકમાં માહિતી આપેલ છે.

ટીઝર – નસબંધી કરેલ સાંઢનો ઉપયોગ :

મોટા ધણ- તબેલામાં નસબંધી કરેલ (ટીઝર) નરનો ઉપયોગ હિતાવહ છે , જેથી મૂંગી કે છાની ગરમીવાળા પ્રાણીઓનો ઋતુકાળ પણ પારખી શકાય છે . ભેંસોમાં ઋતુકાળ નિદાન માટે પાડા પર વિક્ષ્વાસ રાખી શકાય કારણકે તે ઋતુકાળમાં આવેલી ભેંસોના લગભગ 70 ટકામાં સાચું નિદાન આપી શકે છે . જ્યારે ભેસો પાડા સાથે છૂટી ફરતી હોય ત્યારે ઋતુકાળ ચૂકી જવાની શકયતાઓ ઓછી હોય છે કારણકે ભેંસોમાં મૂંગી કે છાની ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે જેથી પાડાના ઉપયોગથી ઋતુકાળની પરખ ચોકસાઇઅપૂર્વક થૈ શકે છે.

પશુ રહેઠાણમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ :

રેકોર્ડીગ સીસ્ટ્મના કારણે પશુની દરેક પ્રવૃત્તિનું નિરિક્ષણ કરી શકાય છે . વેતર/ ગરમીમાં આવેલ પશુના બાહ્ય ચિહ્નો જેવા કે બરાડવું.આરડવું , કૂદાકૂદ કરવું ,વારંવાર પેશાબ કરવો અને બીજા પ્રાણીઓ સાથેનું વર્તન જાણી શકાય છે. આ પધ્ધતિ ફકત બંધિયાર રહેઠાણો- વાડામાં જ વાપરી શકાય છે , છૂટક ઘર કે ખુલ્લા રહેઠાણોમાં નહી, કારણ કે અમુક વખતે પશુ કેમેરાની રેન્જમાં ન આવતા હોવાથી તેની પ્રવૃતિ વિષે ખ્યાલ આવતો નથી અને માદા પશુઓમાં ગરમી ઓળખવા માં મુશ્કેલી પડે છે.

કામાર હીટ માઉંન્ટ ડીટેકટર – ડબલ કવરની રંગીન કેપ્સુલનો પશુની પૂંઠ ઉપર ઉપયોગ :

કામાર હીટ માઉંન્ટ ડીટેકટર એ કૃત્રિમ રીતે વિક્સાવેલું એક દબાણ સંવેદનશીલ ઉપકરણ છે જે પશુઓમાં ગરમી ઓળખવામાં મદદરુપ છે. આ ઉપકરણ માદા પશુના પૂંઠ પર લગાવવામાં આવે છે. તે ખાસ કરીને ગાયોમાં વધારે વપરાય છે જયારે ભેંસોમાં તેનો ઉપયોગ ખૂબ જ ઓછો છે. આ સાધન લગાવેલ પશુ ઉપર સાંઢ કે અન્ય ગાય કૂદે ત્યારે તેના છાતીના દબાણથી આ કેપ્સ્યૂલ તુટતાં તેનો રંગ બાહ્ય કવરમાં ફેલાઇ જાય છે, જેથી પશુ સ્ટેન્ડીંગ હીટ્માં હોવાનો ખ્યાલ આપે છે.

ટેઇલ પેઇન્ટીંગ :

પૂંછડી/પૂઠ્ના ભાગે બ્રશથી ચોકકસ પ્રકારે ઓઇલ પેઇન્ટ લગાવી માદા જાનવરો છૂટા ચરવા મૂકતા ,વેતરમાં આવેલ પશુ સ્થિર ઊભા રહી અન્ય પશુ કે ટીઝરને કૂદવા દેતા આ રંગ ખરડાય જાય છે જેથી પશુ સ્ટેન્ડિંગ હીટ્માં હોવાનો ખ્યાલ આવે છે.

અભિરંજીત કરેલ વાદળીનો ટિઝરની દાઢી પર ઉપયોગ (ચીન એન્ડ બોલ માર્કિગ ડીવાઇસ)

આ ઉપકરણને નર પશુની દાઢી હેઠળ ફીટ કરવામાં આવે છે. જયારે નર પશુ બીજા માદા પશુ પર ઠેકવા જાય છે ત્યારે તે પોતાની દાઢી માદા પશુના પીઠ્ના ભાગે દબાવે છે જેથી જે તે માદાની પીઠ ઉપર રંગનો છંટકાવ થાય છે . નર પશુમાં લગાવેલ ચીન એન્ડ બોલ માર્કીગ ડીવાઇસની મદદથી અસરકારક રીતે ગરમીમાં આવેલ માદા પશુને શોધી શકાય છે.

પેડોમીટર (વાહનના માઇલોમીટર જેવું સાધન પશુના પગે અને ડોકે /શીંગડે લગાવવું ):

ગરમીમાં આવેલ પશુ વધુ હલનચલન કરે છે જે બીજા ગરમીમાં ન આવેલ પશુની સરખામણીમાં બે થી ચાર ઘણું વધુ હોય છે.આથી પશુઓમાં ગરમીના સમયમાં વધી જતી હલનચલનની વર્તણુક પેડોમીટરના ઉપયોગથી જાણી શકાય છે . પેડોમીટરને પશુના ગરદન અથવા પગના ભાગ પર લગાવવામાં આવે છે. પેડોમીટરની મદદથી પશુઓમાં ગરમી શોધવાની કાર્યક્ષમતા 90 થી 96 ટકા છે.

ટ્રેઇન્ડ ડોગ લાળી સુંઘાડી તાલીમ આપેલ કૂતરાના ઉપયોગથી :

ફેરોમોન્સ એ પશુ ગરમીમાં છે કે નહિ તે માટેનું કુદરતી ઘ્રાણેન્દ્રિય લગતું સંકેત છે . જયારે પશુ ગરમીમાં આવે ત્યારે તેના યોનિમાર્ગમાથી પ્રવાહિલાળી નીકળે છે , જેમાં ચોકકસ પ્રકારની ગંધ હોય છે. આમ ટ્રેઇન્ડ ડોગની મદદથી યોનિમાર્ગમાથી નીકળતા પ્રવાહીની ગંધ પારખવાની તેની ક્ષમતાના કારણે પશુ ગરમીમાં છે કે નહિ તેનું પરિક્ષણ કરી શકાય છે . ટ્રેઇન્ડ ડોગ આશરે 80 ટકા જેટલી યોનિમાર્ગ પ્રવાહીની ગંધ પારખવાની ક્ષમતા ધરાવે છે.

લોહી-દૂધમાં પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનું પ્રમાણ માપીને :

અંડપિંડ ઉપર અંડમોચન થયા પછી તે જગ્યાએ રહેલા કોષોનો વિકાસ થઈને ત્યાં પિત્તકાયગ્રંથી નામની કાર્યકારી અંતસ્ત્રાવી ગ્રંથી સમયાંતરે ઉદ્દ્ભવે છે જે પ્રોજેસ્ટેરોન નામના અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. પિત્ત્કાયગ્રંથીના વિકાસને સમાયંતરે રુધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધું જાય છે જે ઋતુચક્રના (ગરમી પછીના) લગભગ 14 માં દિવસની આસપાસ મહત્તમ હોય છે.ત્યારબાદ માદા પ્રાણી જો સગર્ભા ના બને તો ગર્ભાશયની દિવાલમાંથી સ્ત્રવિત થતા પિત્તકાયભંજક નામના રસાયણને લીધે પિત્તકાયગ્રંથી ક્ષીણ થવા લાગે છે અને તેની પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટે છે તથા રુધિર અને દૂધમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે.પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટવાથી અંડપિંડ ઉપર વિકસતા નવા પુટકોને લીધે પ્રાણી ઋતુકાળના તબકકામાં દર્શાવે છે.આમ બીજદાન બાદ 20 થી 21 માં દિવસે દૂધ-લોહીમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ નહિવત (<1 નેનો ગ્રામ ) જણાય તો તે પશુ સગર્ભા ન રહેતા વેતરમાં પાછું ફર્યાનો સંકેત આપે છે.

સારાંશ :

આમ ઋતુકાળ નિદાનની ચોકકસ તથા પુરેપૂરી નોંધ રાખવાથી તથા અસરકારક ઉપયોગ કરવાથી વર્ષે વિયાણ હાંસલ કરી શકાય છે.મૂગો ઋતુકાળ બતાવતાં જાનવરો આ બાબતે સમસ્યારુપ બને છે. ઉપરાંત સંજોગોવસાત જાનવરના માલિકની બિનકાળજી કે ગેરહાજરી હકીકતમાં ગરમીમાં આવતા જાનવરોને પણ મૂંગી ગરમીમાં આવે છે તેવું માનવા પ્રેરે છે અને આવા માલિકો પોતાના જાનવરો સમયસર ગાભણ કેમ થતા નથી? તેનું કારણ સમજવા માટે મુશ્કેલી અનુભવે છે.પશુપાલન ક્ષેત્રે સફળ નિવડતા પશુપાલકો ઋતુકાળની નિયમિત અને કાળજીભરી તપાસ રાખતા હોય છે.દૂધાળ પશુનું ઋતુકાળ માટે દિવસમાં ત્રણ વાર સઘન નિરીક્ષણ કરી તેઓ જાનવરોને સમયસર ફેળવે છે.તેઓ અવારનવાર ઋતુકાળની ખાતરી કરીને નોંધ રાખે છે તથા સંભવિત ઋતુકાળ નિદાન મહત્તમ પ્રજનનક્ષમતા દર મેળવવા માટે ચાવીરુપ છે. નબળું ઋતુકાળ નિદાન એ મહદઅંશે ઓછી પ્રજનન ક્ષમતાનું જવાબદાર કારણ છે.આ બાબત આર્થિક દ્રષ્ટિએ એક મહત્વનું પાસું છે. અત્રે સૂચવેલ વેતરના ચિહ્નો ,નિદાનની ચાવીઓ/પધ્ધ્તિઓ અને બીજદાનના યોગ્ય સમયને જો પશુપાલકો સમજી અમલમાં મૂકશે તો ચોકકસપણે પોતાના પશુને સમયસર સગર્ભા કરી વાર્ષિક વિયાણ મેળવી આર્થિક લાભ મેળવી શકશે.

સ્ત્રોત:ડૉ.સંજય સી.પરમાર ,ડૉ.એ.જે.ધામી, ડૉ.જે.એ.પટેલ- ગાયનેકોલોજી વિભાગ, વેટેરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી , આણંદ-388001

કૃષિગૌવિદ્યા માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate