অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ રહેઠાણની જગ્યા જંતુમુક્ત રાખવાના ઉપાય

પશુ રહેઠાણની જગ્યાને જંતુમુક્ત કરવાનો મુખ્ય આશય જે તે જગ્યાને કોઈપણ જાતના ચેપ રહિત કરવાનો હોય, તેના માટે વપરાતાં વિવિધ જંતુનાશકો બજારમાં ઉપલબ્ધ છે. આવા જંતુનાશકો જાનવરના છાણ, મૂત્ર, ઓગઠ તથા અન્ય કચરામાં સંગ્રહાયેલા જીવાણુઓનો નાશ કરવા સક્ષમ હોય, જીવાણુઓનો સમયાંતર નાશ કરવામાં ન આવે તો પશુપ્રજનન અને પશુ સ્વાસ્થયને ઘણું નુકશાન પહોંચાડે છે. જીવાણુઓ ખોરાક, પાણી, પવન કે વ્યક્તિ દ્વારા એક જાનવરમાંથી બીજા જાનવરમાં ફેલાઈને ધીરે ધીરે સમગ્ર રહેઠાણમાં બાંધેલા પ્રાણીઓને રોગનો ભોગ બનાવે છે. તેમાંય ખાસ કરીને વિયાણ પહેલાં અને વિયાણ બાદ જો જાનવરનાં બાંધવાની જગ્યા જંતુમુક્ત ના હોય તો આાઉનાં સોજાથી લઈને ગર્ભાશયને લગતી ગંભીર અને અસાધારણ બિમારીનો ભોગ બને છે, તેને લઈને લાંબા ગાળે જાનવર બિનઉત્પાદક અને વંધ્ય સાબિત થઈને પશુપાલકોને ઘણી જ આર્થિક નુકશાનની ગતિમાં ધકેલે છે. આવા ચેપી જીવજંતુઓને ગૌશાળામાંથી તથા ઘરઘરાઉ પશુ રહેઠાણમાંથી નાશ કરી પશુઓને ચેપી રોગથી બચાવી એકંદરે જાનવરની તંદુરસ્તી જાળવી શકાય છે.

જંતુમુક્ત કરવા માટેની પદ્ધતિઓ અને તેના માટે વપરાતા વિવિધ જંતુનાશકો

આ બાબતને ધ્યાને લઈને પશુ રહેઠાણને જંતુમુક્ત કરવા માટેની પદ્ધતિઓ અને તેના માટે વપરાતા વિવિધ જંતુનાશકોની વિસ્તુત સમજ આ લેખમાં ખાસ કરીને પશુપાલકો, ખેડૂતમિત્રો અને વિસ્તરણ હું કાર્યકરો માટે આપવાનો પ્રયત્ન કરેલ છે.

  • નાના પાડાં-પાડી,  વાછરડા-વાછરડીના કોઢનું કે રહેઠાણનું ભોયતળીયું પુષ્કળ પાણીથી અને ખરેડો મારી ધોયા બાદ ૦.૫% ફીનાઈલ વડે જંતુમક્ત કરવું જોઈએ.
  • સામાન્ય રીતે ભોંયતળીયામાં ફીનાઈલનો ઉપયોગ અઠવાડીયામાં બે વખત કરવો હિતાવહ છે. આમ છતાં, જયારે નાના બચ્ચામાં ચેપી રોગ કે ઝાડાનું પ્રમાણ વધે તે સંજોગોમાં બે થી વધુ વખત પણ કરી શકાય છે.
  • પાણી પાવાનો આવેડો અઠવાડીયામાં એક વખત અચૂક સાફ કરી અંદરના ભાગે ચૂનો લગાડવાથી આવેડાની દિવાલ અને ભોંયતળીયે લીલ જામશે નહિ તેમજ પાણી પણ જંતુમુક્ત રહેશે.
  • પશુની ગમાણોને અવારનવાર સાફ રાખવી જેથી જાનવરનાં લાળ કે તે દ્વારા દૂષિત થયેલ ચારાનો નાશ કરી શકાય અને અંદરના ભાગે ચૂનાયુક્ત આવરણ લગાડી શકાય.
  • કેલ્શિયમ કાર્બોનેટ (ચૂનો)ના ગાંગડા અને પાઉડરને પશુના મળ-મૂત્ર અને ખરાબ પાણીથી ભરેલા ખાડાઓમાં છંટકાવ કરી પુરવાથી ચૂનો વધારાના ભેજને શોષીને જગ્યાને જંતુમુક્ત રાખવામાં મદદ કરે છે.
  • જ્યારે જયારે વિષાણું કે જીવાણુથી ચેપી રોગ લાગુ પડેલ માલૂમ પડે ત્યારે, તે માટે યોગ્ય અસરકારક જંતુનાશક વાપરવા. ખાસ કરીને ધોવાનો સોડા, પોટેશિયમ પરમેગેનેટ વગેરે.
  • કુદરતી જંતુનાશક તરીકે જાનવરોનાં રહેઠાણમાં પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે જરૂરી છે.
  • જાનવરના રહેઠાણની જગ્યાના વાસણો જેવા કે તગારા, ડોલ, દૂધના કેન વગેરે તેમજ વિવિધ ઓજારો જેવા કે પાવડો, દંતાળી સીધા સૂર્યપ્રકાશમાં રહે તેમ રાખવાથી જંતુમુક્ત રહેશે.
  • જાનવરોના રહેઠાણ અને કોઢારને અવારનાર વાળી-ચોળી, સાફ-સૂફ કરવાથી ધૂળ રહિત અને ચોખા રહેવાના હિસાબે ઘણો ફાયદો થશે.

રહેઠાણમાં વપરાતાં સામાન્ય જંતુનાશકો

ધોવાનો સોડા: જ્યારે વિષાણું દ્વારા ફેલાતા રોગનો હુમલો થયો હોય ત્યારે જંતુનાશક તરીકે ધોવાનો સોડાનો ઉપયોગ કરી શકાય છે. ૪% દ્રાવણનો વાસણ ધોવા, સાધનો ધોવા કે પગના ખરા-ખરી ધોવા ઉપયોગ કરી શકાય છે

પોટેશિયમ પરમેગેનેટ: જયારે ખરવા-મોવાસા પગ અને ખરીઓને આ દ્રાવણયુક્ત પાણીથી ધોવાથી ફાયદો થાય છે જેમાં થોડાક કણોને પાણીમાં નાખતાં દ્રાવણ ગુલાબી કલર ધારણ કરશે.

કોસ્ટિક સોડા: જાનવરનાં રહેઠાણ તથા અન્ય મકાનોને જંતુનાશક કરવામાં ૨.૮%ના દ્રાવણનો ઉપયોગ થાય છે.

ફોર્મેલીન: ૨%નું દ્રાવણ જંતુનાશક તરીકે પશુ રહેઠાણનું ભોયતળિયું સાફ કરવામાં વાપરી શકાય છે. બજારમાં મળતુ ફોર્મલીન કે ફોમલ્ડિીહાઈડ ૩૭ કે ૪૦ ટકાના સ્વરૂપે મળે છે અને તેને સો-ટકા ગણી લઈને તેને અનુરૂપ ૨%નું દ્રાવણ બનાવવામાં આવે છે.

એમોનિયા: ૧૦%ના દ્રાવણને વાછરડાનાં વાડામાં કોકસીડીયાથી થતા ઝાડાનાં કિસ્સામાં જંતુમુક્ત તરીકે વાપરી શકાય છે. ખાસ કરીને મરઘા ફાર્મમાં આા ૧૦% નું દ્રાવણ કોકસીડીયા જંતુને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ફિનાઈલ: સામાન્ય રીતે ૦.૫ થી ૨.૦%નું દ્રાવણ જાનવરોના રહેઠાણમાં ભોયતળિયાને જંતુનાશક કરવા અને ખરાબ દુર્ગધને દૂર કરવા વપરાય છે.

બ્લિચિંગ પાઉડર: ચેપી રોગ ફેલાયેલો હોય ત્યારે જાનવરોના કોઢાર વગેરેને જંતુનાશક કરવામાં વપરાય છે. બ્લિચિંગ પાઉડર અત્યંત શક્તિશાળી જંતુનાશક છે. આમ છતાં તેની તીવ્ર વાસ દૂધમાં આવવાની શકયતાને લઈ દુગધાલયમાં વાપરવામાં ખચકાટ અનુભવવો પડે છે. ફિનોલ : તે ઝેરી દાહક છે અને ૧ થી ૨%નું દ્રાવણ જંતુનાશક તરીકે વાપરી શકાય છે.

કેલ્શિયમ કાબૉનેટ (કળીયુનો): ભોયતળિયા ઉપર છાંટવા તથા પાણીના અવેડા કે ગમાણની દિવાલોને ધોળવામાં વપરાય છે. જંતુનાશક અને દૂર્ગધ દૂર કરવામાં સારૂ કામ આપે છે.

સૂર્યપ્રકાશ: સૂર્યપ્રકાશ એ જંતુનાશક તરીકેનો કુદરતી ઉપચાર છે. સૂર્યપ્રકાશમાં જંતુનાશક શક્તિ તેમાં રહેલા અલ્ટાવાયોલેટ કિરણોને આભારી છે તેમજ પ્રકાશની તિવ્રતા અને પ્રકાશની દિશા ઉપર અવલંબિત છે.

સ્ત્રોત: સફળ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate