অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચોમાસાની ઋતુમાં પશુમાં થતા રોગો અને તેની માવજત

પ્રસ્તાવના

પશુઓમાં મોટા ભાગના રોગ ચોમાસાની ઋતુ દરમ્યાન થતાં હોય છે જેને લીધે પશુપાલકોને ઘણું નુકશાન વેઠવું પડે છે. પશુમાં વિયાણનો દર ચોમાસામાં વધુ હોય છે. તેથી જો ચોમાસા દરમ્યાન પશુની સારી સારસંભાળ અને દેખરેખ રાખવામાં આવે તો વિયાણ પહેલાં અને વિયાણ પછી થતી ઘણી બીમારીઓ અટકાવી શકાય છે. આ લેખમાં આપણે ચોમાસા દરમ્યાન થતી બીમારીઓ જેવી કે ગળસૂંઢો, મેલી ન પાડવી, માટી ખસી જવી, સુવા રોગ, કીટોસીસ અને બાવલાનો રોગ વિશે જાણકારી મેળવીશું.

સુવા રોગ (દૂધિયો તાવ)

વિયાણ સમયે શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઝડપથી નીચું જતું રહે છે તેથી મોટાભાગના પશુ વિયાણ પછી સુવા રોગનો ભોગ બને છે. દુધમાં કેલ્શિયમ રહેલું હોય છે જેથી પશુમાંથી જયારે બધું જ દૂધ ખેંચી લેવામાં આવે ત્યારે આ રોગ થવાની શક્યતા રહેલી છે.

આ રોગની અંદર પશુ વિયાણ પછી ૨૪ થી ૭૨ કલાકની અંદર ઠંડુ પાડી જાય, કંપારી અનુભવે, કબજીયાત થાય, ખાવાનું બંધ કરી દે, પશુ બેસી જાય કે આડું પાડી જાય.

આ રોગમાં તાત્કાલિક પશુ ડોકટરનો સંપર્ક કરવો. પશુને શરીરમાં હુંફ મળી રહે તે હેતુથી નીચે ઘાસની પથારી કરવી અને શરીર ઉપર કંતાન (કોથળા) ઓઢાડવા. પશુને નસમાં, ચામડી નીચે કે મોઢા વાટે કેલ્શિયમ આપવું. આ ઉપરાંત કબજીયાત દુર કરવા ૪૦ થી ૫૦ ગ્રામ વિલાયતી મીઠું આપી શકાય.

ગળસૂંઢો

ગળસૂંઢાના રોગને સાકારડો અથવા હેમરેજીક સેપ્ટીસેમીયા અથવા એચ.એસ. તરીકે ઓળખવામાં આવે છે. આ એક જીવલેણ ચેપી રોગ છે અને તે ચોમાસામાં વધારે જોવા મળે છે કારણ કે ચોમાસામાં જીવાણુંને અનુકુળ વાતાવરણ મળી રહે છે. આ રોગમાં ગળા ઉપર સોજો આવતો હોવાથી તેને ગળસૂંઢો કહેવાય છે. આ રોગમાં મૃત્યુ દર ઘણો વધારે હોય છે. પૂરગ્રસ્ત વિસ્તાર અને જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવી જગ્યામાં આ રોગના જીવાણું વધુ સમય સુધી જીવિત રહે છે.

ચોમાસાની ઋતુમાં જુલાઈ થી સપ્ટેમ્બર માસ સુધીમાં આ રોગ વધુ જોવા મળે છે. આ રોગમાં જાનવરને અચાનક તાવ આવે છે. આંખો લાલ થઈ જાય છે અને પશુ કાંપવા માંડે છે. અસરગ્રસ્ત પશુઓમાંથી ૬૦ થી ૯૦ % પશુ મૃત્યુ પામે છે.

જડબા અને ગળાની નીચે સોજો આવી જાય છે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગળામાંથી ઘુરર-ઘુરર અવાજ આવે છે. મોઢામાંથી લાળ પડે છે.  જીભ પર સોજો આવે છે અને જીભ બહાર રાખે છે. શ્વાસ લેતી વખતે મોટું ખુલ્લું રાખે છે. પશુનું ખાવાપીવાનું બંધ થઈ જાય છે અને અચાનક દૂધનું પ્રમાણ ઘટી જાય છે.

આ રોગને અટકાવવા માટે ચોમાસા પહેલાં દરેક પશુને રોગ પ્રતિકારક રસી મુકાવવી જોઈએ. રોગનાં ચિન્હો જણાય કે તરત જ પશુ ડોકટરનો સંપર્ક કરી તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.

મેલી (ઓર) ન પડવી

ગાય અને ભેંસોમાં વિયાણ બાદ ૨ થી ૨૦ કલાકમાં મેલી પાડી જતી હોય છે પરંતુ અમુક કિસ્સામાં નિયત સમયમાં મેલી ન પડે તો ૨૪ કલાક બાદ પશુ ડોકટરનો સંપર્ક કરી મેલી પડાવી લેવી જોઈએ.

મેલી ન પડવાના કારણોમાં ગર્ભાશયનો ચેપ, વિટામીન એ ની ઉણપ, કષ્ટદાયક પ્રસુતિ, ખાડા-ટેકરાવાળું ભોયતળિયું વગેરે છે. આ રોગમાં ઘરગથ્થું ઉપાય તરીકે મેલી ના બહાર દેખાતા છેડા સાથે વજન લટકાવવામાં આવે છે. પરંતુ વજનને કારણે મેલી તૂટી જવાથી ગર્ભાશયમાં રહી જાય છે અને ચેપ લાગે છે. આવા કિસ્સામાં પશુ ડોક્ટર જોડે સારવાર કરાવવી જોઈએ.

માટી ખસી જવી

આ સમસ્યા ખાસ કરીને વિયાણ પછી જોવા મળે છે, પરંતુ અમુક કિસ્સામાં વિયાણ પહેલાંના ૨-૩ માસ અગાઉ પણ જોવા મળે છે.

આ સમસ્યા મોટાભાગે ત્રીજા વેતર પછીના પશુમાં જોવા મળે છે. અમુક પશુમાં આ સમસ્યા વારસાગત પણ હોય છે.

આ અટકાવવા માટે ગાભણ પશુને એક સ્થળે બાંધી ન રાખતા હલનચલન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પશુને જો કબજીયાતની તકલીફ રહેતી હોય તો માટી ખસી જવાની શક્યતા રહેલી છે. તેથી  કબજીયાતના નિવારણ માટે વિલાયતી મીઠું ખવડાવવું જોઈએ. જે પશુમાં આ સમસ્યા રહેતી હોય તેમની બેઠક વ્યવસ્થા એવી કરવી જેથી કે શરીરનો પાછળનો ભાગ ઉંચો રહે. પશુના યોનીદ્વાર ફરતે ઈંઢોણી બાંધવી.

કીટોસીસ

વિયાણ પછીના એક બે મહિનાની અંદર પશુઓમાં આ રોગ જોવા મળે છે. આ રોગમાં પશુના દૂધ ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે. પશુ ખાવાનું બંધ કરી દે છે અને વજનમાં ઘટાડો જોવા મળે છે. પશુ ગોળ ગોળ આંટા મારે છે અને આંધળું હોય તેમ વર્તે છે. પશુની અંદર બીજા કોઈ ચિહ્નો દેખાતા નથી.

આ રોગનાં નિયંત્રણ  માટે પશુચિકિત્સકની સારવાર પછી કેલ્સિયમ યુક્ત પ્રવાહી પીવડાવવું જોઈએ. ઘરગથ્થું ઉપચાર તરીકે ગોળની રસી પણ પીવડાવી શકાય છે.

બાવલાનો રોગ

આ રોગ ખેડૂતને આર્થિક રીતે ખૂબ જ નુકશાનકર્તા છે. આંચળનો રોગ ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે. આ રોગ બેક્ટેરિયાથી થાય છે.

આ રોગમાં બાવલા ઉપર એકાએક સોજો આવે છે તેમજ તે ભાગ ગરમ લાગે છે. આંચળમાંથી દૂધને બદલે ચીકણું પ્રવાહી કે પરુ નીકળે, કોઈવાર લોહી પડે. કેટલીક વખતે દૂધ છાસ જેવું નીકળે, દૂધમાં ફોદા નીકળે, દૂધના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે, આંચળ અને બાવલાનો ભાગ કઠણ થઈ જાય. પશુને બવાલાના ભાગે સોજો આવવાથી દુઃખાવો થાય છે તેથી દૂધ દોહતી વખતે પશુ તોફાન કરે છે. ઘણીવાર બવાલાના ભાગે વધુ પડતો સોજો આવવાથી પશુને ઉઠબેસ કરવામાં તથા ચાલવામાં પણ તકલીફ પડે છે. શરીરનું તાપમાન વધી જાય છે.

આ રોગને અટકાવવા માટે દૂધ દોહનાર વ્યક્તિએ પોતાના હાથ તથા પશુના આંચળ ને જંતુનાશક દ્રાવણથી સાફ કરીને જ દોહવા જોઈએ.મશીનથી દૂધ નીકળતાં પહેલાં આંચળને આયોડીન લગાવી, ત્યારબાદ સ્વચ્છ પાણીથી સાફ કરીને જ મશીન લગાવવું જોઈએ. અંગુઠો બહાર રાખી દૂધ દોહનની સાચી પધ્ધતિ અપનાવવી જોઈએ. તંદુરસ્ત પશુનું  પ્રથમ દોહન કરવું,રોગવાળા પશુને છેલ્લે દોહવું જોઈએ તથા તેનું દૂધ વપરાશમાં લેવું જોઈએં નહી. આંચળની બીમારીમાં ખરાબ દૂધ જમીન પર ન પાડતા અલગ વાસણમાં લઈ યોગ્ય નિકાલ કરવો જોઈએ. દૂધ દોહન બાદ પશુને થોડો સમય ઊભા રાખવા જેથી કરીને આંચળનું મુખ બંધ થઈ જાય અને જીવાણુઓનો પ્રવેશ અટકાવી શકાય.

ખરવા-મોવાસા

ખરવા-મોવાસા રોગને ફુટ એન્ડ માઉથ રોગ કે ‘ખરવા’ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. આ રોગ પ્રચલિત હોવાથી ગ્રામ્ય સ્તરે પણ બધા પશુપાલકો તેનાથી વાકેફ હોય છે. આ રોગ પ્રત્યે પશુપાલકો વિશેષ ધ્યાન આપતા નથી કારણ કે આ રોગમાં પશુનું મૃત્યુ થવાની સંભાવના ઓછી છે.

પરંતુ એક વાત અહિયાં નોંધવી જરૂરી છે કે આ રોગ આર્થિક રીતે ખૂબ જ નુકશાનકર્તા છે. આ વાયરસ થી થતો ચેપી રોગ છે. વાયરસના અનેક સબટાઈપ છે. ભારતમાં ઓ, એ, સી અને એશિયા-૧ મુખ્ય છે જેમાં અત્યારના સમયમાં ‘ઓ’ વિશેષ જોવા મળે છે. આ રોગના ફેલાવા માટે રોગીષ્ઠ પ્રાણીનો દૂષિત ચારો, પાણી, દાણ, લાળ તથા હવા જવાબદાર છે. આ રોગ માટેના વાયરસ પશુના શરીરમાં મુખ, નાક કે ગુદાના માર્ગે દાખલ થાય છે. આ રોગનું પ્રમાણ દેશી ગાયોની સરખામણીમાં સંકર ગાયોમાં વધુ જોવા મળે છે. રોગની શરૂઆતમાં પશુને ૧૦૨ થી ૧૦૫ ડીગ્રી ફેરનહીટ જેટલો સખત તાવ આવે છે. મોઢામાંથી ખૂબ જ લાળ પડે છે અને સમય જતાં જીભ પર, હોઠના અંદરના ભાગે તથા પગની ખરીઓ વચ્ચે ફોલ્લા પડે છે. આ રોગગ્રસ્ત પશુને ખાવામાં તથા ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. પશુનો ખોરાક ઘટી જાય છે. દૂધાળ પશુનું દૂધ ૨૫ થી ૬૦ ટકા સુધી ઘટી જાય છે. પશુ ગાભણ હોય તો તરવાઈ જવાની પૂરેપૂરી શકયતા રહેલી છે.

આ રોગની સારવારમાં રોગી પશુઓના મોંઢા અને પગ ૧% લાલ દવા (પોટાશીયમ પરમેંગેનેટ) ના સોલ્યુશનથી ધોવા જોઇએ. પગના ચાંદા પર એન્ટિસેપ્ટિક લોશન લગાડવું. મોઢાના ચાંદા પર બોરિક એસિડ ગ્લીસરિન પેસ્ટ લગાવવી. બધા પશુઓને નિયમિત રસી મુકાવવી જોઈએ. જે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તે વિસ્તારમાં તંદુરસ્ત પશુઓને પણ રસી મુકાવવી જોઈએ. રોગની સંભાવના ધરાવતા તમામ પશુઓને છ મહિને એકવાર ખરવા-મોવાસા ની રસી આપવી. સામાન્ય રીતે જૂન-જુલાઈ માસમાં અને નવેમ્બર- ડીસેમ્બરમાં રસી મુકાવવી જોઈએ. રસી મુક્યા પછી ૭ થી ૨૦ દિવસની અંદર રસીની અસર થઈ જાય છે. વાછરડાઓને ૪ મહિનાની ઉંમરે પ્રથમ રસી આપવી જોઇએ અને બીજી રસી ૫ મહિને આપવી જોઇએ. ત્યાર બાદ ૬ મહિને એકવાર ડોઝ આપવો જોઇએ.

સ્ત્રોત : ડો.જીગર પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate