હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુઓમાં રસીકરણની અગત્યતા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓમાં રસીકરણની અગત્યતા

પશુઓમાં રસીકરણની અગત્યતા વિશેની માહિતી આપે છે.

પશુઓમાં ઘણા રોગો વિષાણુ અને સૂક્ષ્મજીવાણુઓથી થતા હોય છે. આવા રોગો ચેપી હોઈ એક જાનવરમાંથી બીજા જાનવરમાં ફેલાય છે. આ પૈકીના વિષાણુઓથી થતા રોગોની કોઈ સીધી સારવાર નથી. ફક્ત રસીકરણ દ્વારા જ પશુઓને આવા રોગોથી રક્ષણ આપી શકાય.

સામાન્ય રીતે પશુઓમાં રોગ થવાની સંભાવના હોય તે પહેલા થતા રોગોને અટકાવવા માટે રોગવિરોધી રસી મૂકવામાં આવે છે. આવી રસી મૂકવાથી ભવિષ્યમાં મર્યાદિત કે લાંબા સમય માટે તે રોગ થતો અટકાવી શકાય છે. વધુમાં ઘણા આર્થિક રીતે નુકસાન કરતા રોગોને સંપૂર્ણ નાબૂદ કવા માટે રસીકરણની ઝુંબેશ ખૂબ જ અસકારક હથિયાર છે. જેમ મનુષ્યમાં શીતળાનો રોગ રસીકરણ દ્વારા નાબૂદ કરવાની સફળતા આપણને મળી છે જેમાં સર્વે પશુપાલક મિત્રોનો ફાળો ખૂબ જ અગત્યનો હતો કારણે કે તેમના જાનવરોને રસી મૂકાવવા માટે જો તેઓએ ઉત્સાહપૂર્વક આ રસીકરણ ઝૂંબેશમાં ભાગ ના લીધો હોત તો આ અશક્ય હતું.

પશુઓને જે ભૌગોલિક વિસ્તારમાં રાખવામાં આવતા હોય તે વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા પશુઓના રોગોથી પશુઓને રક્ષણ આપવા માટે રસીકરણ કરવામાં આવે છે. રસીકરણ દ્વારા જે રોગની રસી મૂકવામાં આવે છે તે રોગ સામે રક્ષણ મળે છે. રસીમાં જે રોગની રસી તે રોગના જંતુને નિષ્ક્રિય કરીને આપવામાં આવતી હોય છે. જે પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ એટલે કે એન્ટિબોડી ઉત્પન્ન કરે છે જે પશુઓના રકતમાં પરિભ્રમણ કરે છે જેથી જો તે રોગનો ચેપ લાગે તો આ એન્ટિબોડી દ્વારા પશુઓને રોગ સામે રક્ષણ મળે છે.

પશુઓના ધણમાં રસીકરણ કરવું એ ખૂબ જ જરૂરી પાસું છે. રસીકરણથી પશુઓને મળતું રોગો સામેનું રક્ષણ પશુઓની માવજત ઉપર આધાર રાખે છે. રસીકરણના મહત્તમ લાભ માટે આપણે રસીના પ્રકાર, રસીકરણથી થતી જૈવિક પ્રતિક્રિયા, રસીકરણથી મળતો રક્ષણનો સમય, જાળવણી અને તેના સંભવિત ભયસ્થાનો જાણવા ખૂબ જ જરૂરી છે.

રસી મુખ્યત્વે બે પ્રકારની હોય છે. જીવંત અને મૃત રસી

જીવંત રસીમાં રોગ કરતા જીવાણુઓને જીવંત હોય પણ તેમની રોગ કરવાની ક્ષમતા ખત્મ કરી નાખવામાં આવી હોય છે જેથી તે જે પશુઓમાં રસીકરણ કરવામાં આવે છે તેમાં ઉછરે છે પણ રોગ કરતા નથી અને આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. ચેપી ગર્ભપાત એટલે કે બુસેલોસીસની રસી અને થાયલેરીયાની રસી આવા પ્રકારની રસીના ઉદાહરણ છે. આવી રસી મોટા ભાગે લાંબા ગાળા સુધી રક્ષણ આપે છે. મૃત રસીમાં રોગ કરતા જીવાણુઓને રાસાયણિક પ્રક્રિયા દ્વારા મારી નાખવામાં આવેલ હોય છે. મૃત રસી મૃત હોવાથી પ્રતિકારક તંત્રને ઓછું ઉત્તેજીત કરે છે જેથી આવી રસી ટૂંકા ગાળા માટે રોગપ્રતિકારક શક્તિ આપે છે. આવી રસી વધારે માત્રામાં અને વારંવાર મૂકવી પડે છે.

પશુપાલક મિત્રોને ખાસ જણાવવાનું કે રસી એક જૈવિક ઉત્પાદન હોવાથી તેની યોગ્ય તાપમાને જાળવણી કરવી ખૂબ જરૂરી છે. રસીને તેના પ્રકાર મુજબ રેફ્રિજરેટરમાં, ડીપ ફ્રિજમાં કે પ્રવાહી નાઈટ્રોજનમાં સંગ્રહિત કરવામાં આવે છે અને રસી પશુઓને મૂકાય ત્યાં સુધી નિશ્ચિત તાપમાન જળવાય રહે તે ખૂબ જ જરૂરી છે અન્યથા તેની અસરકારકતામાં ફરક પડે છે.

જે પશુઓમાં રસીકરણ કરવાનું હોય તેનું આરોગ્ય સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આવા પશુને પુરતુ પોષણ આપવું પણ જરૂરી છે જેથી રસીકરણ પછી પૂરતા પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ મેળવી શકાય. પશુ શરીરમાં કૃમિ હોય તો પણ રસીની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. આથી રસી મૂકતાં પહેલાં કૃમિનાશક દવાનો કોર્સ કરવો લાભદાયક છે.

સામાન્ય રીતે ચાર માસની નાના બચ્ચાને રસી ન મૂકાવવી જોઈએ. રસી મૂકતી વખતે પશુને બરાબર કાબૂમાં કરવું જરૂરી છે જેથી નિયત માત્રામાં રસીનો ડોઝ નિશ્ચિત જગ્યાએ આપી શકાય. પશુમાં સામાન્ય રીતે રસી ગરદનના ભાગમાં ડાબી કે જમણી બાજુએ મૂકવામાં આવે છે. કેટલીક વખત થાપામાં પણ રસી મૂકી શકાય છે. રસી મૂક્યા બાદ ઘણી વખત તે જગ્યાએ સોજો કે ગાંઠ થાય છે પરંતુ આવા સોજા સામાન્ય રીતે થોડા દિવસમાં ઓસરી જતા હોય છે. તેની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. રસી મૂકાવ્યા બાદ ૨૧ દિવસ પછી તેની અસર થતી હોવાથી રોગચાળાની ઋતુ પહેલાં રસીકરણ કરવું જરૂરી છે. રસી મૂકાવ્યા બાદ પશુને ખોરાક પાણી આપી શકાય છે. પશુમાં રસી મૂકવાથી તેની અસર થતાં ઘણી વખત પશુઓમાં તાવ પણ આવે છે અને દૂધ આપતાં પશુઓમાં દૂધમાં ઘટાડો પણ જોવા મળે છે. પરંતુ આ થોડા સમય પૂરતુ જ એટલે કે બે કે ત્રણ દિવસ પુરતુ જ હોય છે. જ્યારે જો પશુઓમાં ચેપી રોગ આવે તો થતો દૂધ ઉત્પાદનનો ઘટાડો મોટા ભાગે કાયમી હોય છે અને ઘણા ખરા રોગોમાં પશુનું મરણ થતું હોય છે તેથી પશુપાલકે રસી અવશ્ય મૂકાવવી જોઈએ.

દરેક રસીનું ઉત્પાદન તથા તેની ગુણવત્તાની ચકાસણી ડ્રગ અને કોમેટિક એકટમાં દર્શાવેલ નિયમો અને માન્ય કરેલ પરિક્ષણ મુજબ કરવામાં આવે છે. રસી ઉત્તમ ગુણવત્તાની હોવી પ્રાથમિક અને પાયાની જરૂરિયાત છે. પરંતુ તેની જાળવણી અને ઉપયોગ પણ ખૂબ અગત્યતા ધરાવે છે. રસીની જાળવણી અને ઉપયોગ યોગ્ય રીતે ન થાય તો તે આડઅસર પણ કરે છે.

પશુઓમાં ચેપી રોગ જેવા કે ખરવા મોવાસા, ગળસૂઢો, કાળિયો તાવ, ચેપી ગર્ભપાત, હડકવા, ઠેકડયું, માથાવટું, પીપીઆર, ઘેટાના શીતળા વગેરે રોગો ગુજરાતમાં જોવા મળતા હોવાથી પાલતુ પશુઓમાં આ રોગો સામે રસીકરણ કરવામાં આવે છે.

ખરવા-મોવાસા રસીકરણ એ પશુપાલન વિભાગ - દ્વારા ખરવા-મોવાસા નિયંત્રણ અભિયાનના સ્વરૂપે કરવામાં આવે છે. આ રોગની રસી આપવા માટે દર છ માસે ચાર વર્ષથી મોટા ગાય અને ભેંસ વર્ગના બધા જ જાનવરોને આવરી લેવામાં આવે છે. ખરવા મોવાસા એ વિષાણુઓથી થતો રોગ હોવાથી એક વાર રોગ આવ્યા પછી તેની સીધી કોઈ સારવાર નથી પરંતુ રસીકરણ દ્વારા જ તેનું નિયંત્રણ કરી શકાય. આ રોગમાં સપડાયેલ પશુઓના મો અને પગમાં ચાંદા પડે છે અને પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે. નાના બચ્ચાંમા વિષાણુની અસર સીધી હૃદય ઉપર થતી હોવાથી મરણ થાય છે. બળદ લંગડાઈ છે અને કામ કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આમ ખૂબ જ આર્થિક નુકસાન કરે છે. તેથી પશુપાલકને નમ્ર વિનંતી કે તેઓ સમયાંતરે ખરવા-મોવાસાનું રસીકરણ અવશ્ય કરે.

બીજો આવો અગત્યનો ગુજરાતમાં જોવા મળતો રોગ ગળસૂઢો છે. આ રોગને સાકરડો કે એચ.એસ. તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ પણ ગાય અને ભેંસ વર્ગના જાનવરોમાં જોવા મળે છે. આ રોગના જીવાણુઓ પશુની શ્વાસનળીમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. પરંતુ વાતાવરણમાં પરિવર્તનના કારણે પશુ તણાવમાં આવવાથી આ રોગ થાય છે. રોગ ગ્રસ્ત પશુના સંપર્કમાં આવતા તેમને ચેપ લાગે છે. આ રોગમાં પશુને ઝડપથી સારવાર ના મળે તો તેનું મરણ થાય છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળતું હોવાથી ચોમાસાની ઋતુના ૨૦ થી ૨પ દિવસ પહેલાં જાનવરોમાં આ રોગનું રસીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. આ રોગ માટેની રસી પશુપાલન વિભાગ દ્વારા પશુ જૈવિક સંસ્થા, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવે છે.

આ ઉપરાંત કાળિયો તાવ એટલે કે એન્ટેક્ષ અને ગાંઠિયો તાવ એટલે કે બીનો રોગના છૂટાછવાયા રોગચાળા ગુજરાતના અમૂક વિસ્તારમાં જોવા મળે છે. તો પશુપાલકોને આ રોગો સામે રક્ષણ મેળવવા માટે પશુઓમાં રસી મૂકાવવી જરૂરી છે જે માટે નજીકના સરકારી પશુદવાખાનાનો સંપર્ક સાધવા પશુપાલકોને અનુરોધ છે.

નાના વાગોળતા જાનવરો એટલે કે ઘેટાં અને બકરાંમાં બળીયા એટલે કે પીપીઆરનો રોગચાળો ખૂબ જ જોવા મળે છે અને આ રોગમાં પશુઓમાં વ્યાપક પ્રમાણમાં મરણ થાય છે અને આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ રોગની જીવંત રસી હાલમાં ઉપલબ્ધ છે જેને એક વાર મૂકવાથી પશુને ત્રણ વર્ષ સુધી રોગ સામે રક્ષણ મળે છે.

ઘેટામાં શીતળા એટલે કે શીપ પોક્ષ રોગ પણ ગુજરાતમાં જોવા મળતો હોવાથી આ માટે પણ તેની રસી ઉપલબ્ધ છે.

આ ઉપરાંત ઘેટામાં ઠેકડીયું એટલે કે એન્ટોટોમૅમિયાનો રોગ પણ ચોમાસાની શરૂઆતમાં જોવા મળે છે. ખાસ કરીને તાજુ ઘાસ ખાવાથી થાય છે. આ બન્ને ઘેટાના રોગોની રસી ઘેટા કેન્દ્રો અને પશુ દવાખાના મારફતે મૂકવામાં આવે છે. તો તેનો લાભ લેવા ઘંટા રાખતા પશુપાલકોને ખાસ અનુરોધ છે.

આ ઉપરાંત પશુઓને જો કોઈ હડકાયું કુતરુ કે જાનવર બચકું ભરે તો તેને હડકવાથી મરણ થવાની સંભાવના રહે છે. તેના માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા વિનંતી.

રસીકરણનો મહત્તમ લાભ લેવા માટે આપણે આપણા વિસ્તારમાં જોવા મળતા રોગો અને તેને આધારિત રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકવો જરૂરી છે. જો કોઈ નવા જીવાણુનું આગમન અને બજારમાં ઉપલબ્ધ નવા નવા પ્રકારની રસીઓની માહિતી રાખવાથી રસીકરણનો મહત્તમ ફાયદો મેળવી શકાય છે.

સ્ત્રોત : કૃષિ ગોવિધા , જૂન-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ર સળંગ અંક: ૮૪ર

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top