સૂવા રોગ / દૂધીયો તાવ (મિલ્ક ફિવર) :
આ રોગ વિયાણ બાદ તૂરત જ થાય છે જેમાં ખોરાકમાંથી કેશિયમ ઓછું મળવાના કારણે અને ખીરા તેમજ દૂધમાંથી વધુ પડતા કેલ્શિયમનું વહી જવાના કારણે આ રોગ થાય છે. વધુ વેતરવાળી (૪ થી ઉપર) ગાયભેંસોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા વધુ ઉંમરવાળા પશુઓના હાડકામાં ઓસ્ટીયોબ્લાસ્ટ કોષો ઓછા હોવાથી હાડકામાંથી કેલ્શિયમ પુરતા પ્રમાણમાં તૈયાર કરી શકતું નથી જેથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. વસૂકેલ સમય દરમિયાન 100 ગ્રામ કેશિયમ પ્રતિદિન આપવાથી પણ આ રોગ થાય છે.
રોગના લક્ષણો :
- પશુ શરૂઆતમાં ઉગ્રતા બતાવે છે, ધનૂર જેવા ચિહ્નો પણ બતાવે છે.
- માથા અને ગળાના સ્નાયુઓ ધ્રુજવા જેનાથી સપ્તપણુ આવવું.
- ત્યારબાદ તણાવ, ખોરાક છોડી દેવો, પેટનું હલનચલન બંધ થવું, દૂધ બંધ થવું.
- જીભ બહાર આવી જવી તથા દાંત કચકચડાવવા.
- શરીરનું તાપમાન ઘટવું.
- પશુ છાતીના હાડકાંના સહારે જમીન ઉપર બેસી જાય છે તેમજ માથુ પાછળ રાખે છે જાણે પેટ તરફ નજર હોય
- શરીરનું તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું જાય છે.
- પશુ ઊભું થઈ શકતું નથી., હૃદયના ધબકારા વધે છે પણ નાડીના ધબકારા મંદ પડે છે.
- પેટનું હલનચલન બંધ થાય છે જેના કારણે આફરો અને કબજીયાત સામાન્ય રીતે દેખાય છે.
- સારવાર વગરના પશુઓ ખેંચ કે તાણ અથવા શ્વાસોશ્વાસ બંધ થઈ જવાના કારણે મૃત્યુ પામે છે.
સારવાર :
- પશુચિકિત્સકને તૂરત બોલાવી, પશુની સારવાર કરાવવી હિતાવહ છે.
- ત્યારબાદ પશુની બેસવાની જગ્યાએ ઘાસચારાની ગાદી બનાવી રાખવી અનેઅમૂક કલાકે પડખા ફેરવવા જરૂરી બને છે.
- વિપરીત વાતાવરણ (ઠંડી, વરસાદ)માં આર્થિક રીતે પરવડે તેવું પશુ આવાસ પરું પાડવું જરૂરી છે.
-
કીટોસીસ (એસીટોનેમીયા) :

કાર્બોદિત પદાર્થો અને વોલેટાઈલ ફેટી એસિડના ખોટા ચયાપચયના કારણે શરીરમાં ઊર્જાનું પ્રમાણ ઘટી જવાથી આ રોગ થાય છે. વધુ દૂધ આપતા પશુઓમાં વિયાણ બાદના ૨ મહિના પછી સામાન્ય રીતે આ રોગ થાય છે. શરીરમાં ઊર્જાનું ચયાપચયના નિયમન માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહેવું ખૂબ જ અગત્યનું છે. વાગોળનારા પશુઓમાં કાર્બોદિત પદાર્થોનું શોષણ ખૂબ જ ઓછું થાય છે કારણ કે આવા પશુઓના બીજી પેટ (રૂમેન)માં કાર્બોદિત પદાર્થોનું રૂમનમાં હાજર રહેવા જીવાણુઓ દ્વારા વોલેટાઈલ ફેટી એસિડમાં વિઘટન થાય છે.
રોગના લક્ષણો :
- પશુ ખોરાક ધીરે ધીરે ઓછો ખાય છે.
- દૂધ ઉત્પાદનમાં અને શારીરિક વજનમાં એકદમ ઘટાડો જોવા મળે છે.
- શ્વાસમાં એક અલગ પ્રકારની એમાનિક વાસ આવે છે.
- રોગ થયેલ પશુને લાળ પડવી, અસામાન્ય વાગોળ-જડબા હલાવે છે.
સારવાર :
- નજીકના પશુચિકિત્સકને તૂરત બોલવી, પશુની સારવાર કરાવવી હિતાવહ છે.
- પશુને ભૂખ્યું રાખવું નહી તેમજ વધુ પડતું ખવડાવવું નહી.
- વિયાણ બાદ દાણનું પ્રમાણ ધીરે ધીરે વધારવું. સામાન્ય રીતે દૂધ ઉત્પાદનની ક્ષમતાને ધ્યાને રાખીને તેનાથી થોડાક વધુ ખોરાક આપવો.
- પશુને દરરોજ થોડી કસરત આપવી.
- વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને ગર્ભાવસ્થા દરમિયાન સુપાચ્ય કાર્બોદિત પદાર્થો આપવા જરૂરી છે.
- હલકા પ્રકારનો ઘાસચારો અને વધુ પડતું પ્રોટીન આહારમાં ન આપવું.
ગ્રાસ ટેટેની (લોહીમાં મેગ્નેશીયમની અલ્પ મામા) :

કુમળા ઘાસ ખવડાવતા દૂધાળ-ભેંસમાં આ રોગ જોવા મળે છે. જ્યારે વાતાવરણ ઠંડું હોય, ગાયભેંસ તાજી વિયાયેલ હોય, મેગ્નેશીયમને ઓછું પ્રમાણ ખોરાકમાં હોય ત્યારે આ પરિસ્થિતિનું રોગનું નિર્માણ થાય છે. બે ગુણભાર ધરાવતો મેગ્નેશીયમ તત્ત્વ કોષની અંદર વિવિધ ઉસ્તચકીય પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે. એવો ઘાસચારો જેને વધુ પડતા નાઈટ્રોજન અને પોટેશિયમવાળો ખાર આપવામાં આવ્યો હોય ત્યારે પણ આ રોગ થવા માટે જવાબદાર છે. વધુ પડતી ઉંમરમાં હાડકામાં સંગ્રહ થયેલ મેગ્નેશીયમ જ્યારે ઉપયોગ ના થાય ત્યારે પણ આ રોગ થાય છે. દૂધ આપતા પશુઓમાં જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં સૂકા તત્ત્વો ન મળે ત્યારે પણ આ રોગ થવાની સંભાવના છે.
રોગના લક્ષણો :
- આ રોગ થયેલ પશુઓ ચેતાતંત્ર-માંસપેશીઓની ઉત્તેજના બનાવે છે તેમજ અલગ અલગ પ્રકારની સાવધાની બતાવે છે.
- તીવ્ર પ્રમાણમાં હાઈપરસ્થેસીયા, શ્વાસ ચઢવો, વારંવાર બરાડા પાડવા, ખેંચ આવવી, આંખની જર્ની હલનચલન, મોઢામાં ફીણ આવવું, આખના પોપચા પહોળા થઈ જવા વગેરે ચિહનો બતાવે છે.
- શરીરનું તાપમાન ૧૦૪-૧૦૫° ફે. જેટલું વધે છે.
- જો મર્યાદિત સમયમાં સારવાર આપવામાં ન આવે તો એકાદ કલાકમાં પશુ મૃત્યુ પામી શકે છે.
સારવાર :
- નિષ્ણાત પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી હિતાવહ છે.
ડાઉનર કાઉ સીન્ડ્રોમ :

આ રોગ વાસ્તવમાં સૂવા રોગની આડ અસર છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓમાં વિયાણ બાદ સામાન્ય રીતે આ રોગ થાય છે. ઉનાળાની ઋતુના તાણને કારણે આ રોગ ઉનાળામાં વધુ થાય છે. શરૂઆતમાં આ રોગ સૂવારોગ જેવો જણાય છે.
રોગના લક્ષણો :
- શ્વસન દર અને શરીરનું તાપમાન સામાન્ય રહે છે.
- મળ-મૂત્ર પણ સામાન્ય હોય છે.
- સ્નાયુના ભંગાણ થવાથી પ્રોટીન અને યુરિયાનું પ્રમાણ વધુ હોય છે.
- બે દિવસથી વધુ સમય પશુ પડી રહે તો શરીર ઉપર ચાઠાંઘાઘ, ઈજીઓ અને અન્ય બીજી તકલીફોની શરૂઆત થાય છે.
- પશુ ઊભું થવાની કોશિશ કરે છે પરંતુ પાછળના બે પગ લાંબા કરી શકતું નથી તેમ છતાં પાછળનો ભાગ ઊંચો કરવાનો પ્રયત્ન કરે છે.
- વારંવાર કોશિશ કરવાના કારણે પશુ દેડકાની જેમ અવાજ કરે છે, આના કારણે થાપાના સ્નાયુઓમાં ખૂબ જ ઈજાઓ થાય છે.
- પશુના પગે સખત અને દુ:ખાવો થતો હોય તેમ લાગે છે તેમજ પશુ તેના શરીરના વજનનું વહન કરી શકતું નથી. ઊભા થવાના પ્રયત્નોના કારણે સાથળના ભાગે ચેતાતંત્રને નુકસાન થાય છે.
સારવાર :
નિષ્ણાત પશુ ચિકિત્સકની પાસે સારવાર કરાવવી. શરીર ઉપર ચાઠાં ન પડે તે માટે સમયાંતરે પડખા ફેરવવા તેમજ પથારી કરી આપવી. દૂધ આપતું હોય તો દૂધ કાઢવું તેમજ એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું.
ડૉ. પ્રદીપ સી. બોરડીયા, ડૉ. એચ. એચ. સવસાણી, ડૉ. જે. એ. પટેલ
મુ.પો. તગડી તા. ધંધુકા જી. અમદાવાદ - ૩૮૨૨૫૦ ફોન : (મો.) 9૭૭૭૯૯૬009
કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી