જરૂરી એવા બધા જ તત્વો સમતાલ પ્રમાણમાં મળી રહે તે માટે જુદા જુદા પ્રકારના અનેક જાતના દાણાનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી જે દાણ બનાવવામાં આવે છે તેને સુમિશ્રિત દાણ કહે છે. આવા પ્રકારનું દાણ પોષકતત્વોથી સભર અને પશુઓને ભાવે તેવું હોય છે. વાછરડાં, પાડિયા જેવા ઉછરતા પશુઓ, પુખ્રવયના પશુઓ અને દૂધાળા પશુઓ માટે સુમિશ્રિત દાણના ઘટકોનું પ્રમાણ અલગ અલગ હોય છે.દૂધ ઉત્પાદક સહકારી સંઘો પણ મોટા પાયા પર સુમિશ્રિત દાણ બનાવતા હોઈ ગામડામાં આવેલ દૂધની મંડળીઓ મારફતે આવું દાણ ટીકડીના રૂપમાં મળે છે તે પણ પશુઓને ખવડાવી શકાય. ગ્રામ્ય કક્ષાએ પશુપાલકો સુમિશ્રિત દાણનો ઉપયોગ કરવાને બદલે જે તે વિસ્તારમાં મળતા એકલા દાણ જેવા કપાસિયા, ગુવાર, મગફળી ખોળ, કપાસિયા ખોળ, મકાઈ ખોળ કે અન્ય ખોળ અથવા કોઈ એક થુલુ કે ચુની અથવા બે વસ્તુ ભેગી કરી ખવડાવે છે. પરંતુ જુદા જુદા દાણનું યોગ્ય મિશ્રણ કરતા નથી તેમજ મીઠું, ક્ષારમિશ્રણ વગેરેની જરૂરિયાત ધ્યાનમાં લેવાતી નથી જેને પરિણામે લાંબા ગાળે આવા ક્ષારોની ઉણપ વર્તાય છે જેની અસર પશુઓની વૃદ્ધિ, વિકાસ, પ્રજનન અને દૂધ ઉત્પાદન પર પડે છે.
સુમિશ્રિત દાણના ફાયદાઓ
- એક કરતાં વધારે પ્રકારના આહારનું મિશ્રણ હોવાને કારણે પશુઓને તે વધારે ભાવે છે.
- દરેક આહારમાં જુદા જુદા પોષક તત્વોનું પ્રમાણ વધારે-ઓછું હોય છે જેથી કોઈપણ એક આહાર ખવડાવવાથી અચૂક પોષક તત્વોની ઉણપ વર્તાય છે જેની ગંભીર અસર પશુઓના સ્વાથ્ય અને ઉત્પાદન પર પડે છે. સુમિશ્રિત પશુ આહારમાં એક કરતાં વધુ ઘટકો હોવાને કારણે એકમાં રહેલ પોષક તત્વોની ઉણપ વર્તાતી નથી અને પશુઓનું સ્વાચ્ય અને ઉત્પાદન જળવાઈ રહે છે.
- જુદા જુદા આહારોનું મિશ્રણ હોવાને કારણે સુમિશ્રિત દાણ સરવાળે સસ્તું પડે છે.
- ઘાસચારામાં ખૂટતા પોષક તત્વો જેવા કે પ્રોટીન, ક્ષારો તથા પ્રજીવકોની જરૂરિયાત સુમિશ્રિત દાણમાંથી મળતાં પશુઓ તંદુરસ્ત રહે છે.અપુરતા પોષણને લઈને થતા રોગોથી તેમને બચાવી શકાય છે.
- કાચા માલની ખરીદી મોટા પ્રમાણમાં અને ઋતુઓ આધારિત તેમજ લભ્યતા પ્રમાણે થતી હોવાથી તે સસ્તો પડે છે અને સામાન્ય રીતે આખા વર્ષ દરમ્યાન એક જ ભાવે જથ્થો મળતો રહે છે.
- માલનો સંગ્રહ, સફાઈ તથા જાળવણી મોટા પાયા પર વધુ સરળતાવાળી બનાવી આર્થિક ફાયદાઓ મેળવી શકાય છે. આવા પશુ આહારમાં મોલાસીસ (ગોળની રસી) વપરાય છે. વ્યક્તિગત રીતે આબકારી જકાતના કારણોને લઈને મેળવવી મુશ્કેલ પડે છે જયારે કારખાનેદારો તે મેળવી દાણની કિંમત ઘટાડી શકે છે.
- આવો પશુઆહાર પેલેટના (ટીકડીઓના) રૂપમાં અપાતો હોવાથી શુદ્ધ માલ ગ્રાહક પાસે પહોંચાડી શકાય છે તથા જાનવર તેમની પસંદગી પ્રમાણે નહીં પરંતુ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરે છે. દાણ બાફવાની જરૂર રહેતી ન હોવાથી બળતણનો ખર્ચ ઘટે છે.
- પેલેટના રૂપમાં મળતા દાણમાં ભેળસેળ કરી શકાતી નથી. પશુઓ પેલેટનો બગાડ ઓછો કરે છે. છૂટુ દાણ વેરાઈ જાય તેમજ ઉડી જાય તેવું પેલેટમાં બનતું નથી
- ખેતી તેમજ ઉદ્યોગોની આડપેદાશો અને બિનપ્રચલિત આહારનો ઉપયોગ કરી શકાય છે જેથી દાણમાં વપરાતું અનાજ બચાવી શકાય છે.
પશુઓના આહારમાં દાણની અગત્યતા :
- ઘાસચારામાંથી પુરતા પ્રમાણમાં ન મળી શકતા પોષકતત્વો થોડા દાણમાંથી પૂરા પાડી શકાય છે. પશુઓની વૃદ્ધિ અને વિકાસ, પ્રજનન તથા ઉત્પાદન માટે દાણ આપવું જરૂરી છે જેની માત્રા જાનવરોના વૃદ્ધિદર, દૂધ ઉત્પાદન અને કામના પ્રકાર પર આધાર રાખે છે.
- સામાન્ય રીતે પશુપાલકો જાનવરોને એકલા કપાસીયા, બાજરી, ગુવાર કે ખોળ ખવડાવે છે. તેના કરતાં ૪-૫ જુદા જુદા પ્રકારના દાણનું ર્યોગ્ય મિશ્રણ બનાવી આપવામાં આવે તો તે વધુ પૌષ્ટિક અને સસ્તુ બનાવી શકાય. તેમાં ૧ ટકા મીઠું અને ૧ ટકા ક્ષાર મિશ્રણ ઉમેરવાથી તે દાણમાંથી ક્ષારોની જરૂરિયાત પુરી પાડી શકાય. આ રીતે બનાવેલ દાણ મિશ્રણને સુમિશ્રિત દાણ કહે છે.
- સહકારી ડેરીઓ દ્વારા વેચાતું સુમિશ્રિત દાણ આપવું વધુ હિતાવહ છે જેમાં લગભગ ૧૮-૨૦ % જેટલું પ્રોટીન હોય છે.
- આવું સુમિશ્રિત દાણ દૂધાળા પશુઓને, ભેસ માટે દૂધ ઉત્પાદનના પ૦ ટકા અને ગાયો માટે દૂધ ઉત્પાદનના ૪૦ ટકા પ્રમાણે તેમજ શરીરના નિભાવ માટે એક કિલો જેટલું આપવું જરૂરી બને છે.
પશુપાલકો નીચે પ્રમાણે જુદા જુદા આહારના ઘટકો વાપરી ભાવને ધ્યાનમાં રાખી કોઠામાં દર્શાવ્યા મુજબ સુમિશ્રિત દાણ બનાવી શકે છે.
દાણમાં જુદા જુદા આહારના ઘટકો
|
ટકા
|
જુવાર /બાજરી/મકાઈ
|
૧૦
|
કપાસિયાખોળ
|
૩૦
|
તુવેર ચુની/મગ ચુની /અડદ ચુની
|
૨૦
|
ઘઉં નું થુલું
|
૧૦
|
ડાંગર કુશ્કી (રાઈસ પોલિશ)
|
૧૨
|
મગફળી છોડા
|
૦૫
|
ગોળ ની રસી(મોલાસીસ)
|
૧૦
|
ક્ષારમિશ્રણ
|
૦૧
|
કુલ
|
૧૦૦
|
બજારૂ દાણમાં ભરમાશો નહી :
આપણે જાણીએ છીએ કે બજારમાં દેખાવે એકસરખી દેખાતી ચીજવસ્તુઓના ભાવ અલગ અલગ હોય છે. આપણો માનવ સ્વભાવ જ એવો છે કે મોંઘવારીના જમાનામાં સસ્તી ચીજવસ્તુ લેવા માટે પ્રેરાઈએ છીએ. સાથે સાથે આપણો એવો પણ અનુભવ રહ્યો છે કે થોડીક મોંઘી લાગતી પરંતુ સારી ચીજ કે લાંબે ગાળે લાભદાયી હોય તેવી ચીજો પણ ખરીદીએ છીએ જેની પાછળનું એક જ ગણિત હોય છે. મોંઘી લાગતી વસ્તુ અનેક રીતે ફાયદારૂપ હોય છે. આપણા જીવનનો આ એક અનુભવ છે. આવી જ બાબત દૂધ ઉત્પાદક સહકારી સંઘો મારફત આપણા દાણ માટેની છે. આ દૂધ ઉત્પાદક સહકારી સંઘો પોતાના સભાસદોને લાંબે ગાળે ફાયદારૂપ નિવડે તેવું સમતોલ આહાર સ્વરૂપે પશુઆહાર બનાવીને મંડળી બેઠા પુરુ પાડે છે.
બજારમાં મળતા સસ્તા દાણ મેળવવા લોભમાં પશુપાલકો એ ભૂલી જાય છે કે ખરેખર બજારૂદાણ કેટલું પોષણક્ષમ છે. બજારમાં મળતા કેટલાક દાણમાં સિલિકા (રેતી)નું પ્રમાણ પ થી ૭ % જેટલું હોય છે જે ખરેખર બે ટકાથી વધુ ન હોવું જોઈએ તેમજ ફાઈબર (રષાયુક્ત) ઘટક ૧૫ થી ૧૮% જેટલું વધુ હોય છે. તેનો મતલબ એવો થાય કે દાણની ગુણવત્તા ઓછી, પ્રોટીન કે જે શારીરિક વિકાસ તથા દૂધ ઉત્પાદન માટે જરૂરી છે તે ૧૮ થી ૨૦ % ને બદલે ૮ થી ૧૦ % બજારું દાણમાં હોય છે. આવા બજારૂ દાણના ઉપયોગથી લાંબો ગાળો ઘણી મુશ્કેલીઓ જેવી કે જાનવરદીઠ દૂધ ઉત્પાદનમાં ઘટાડો, ગર્ભધારણની સમસ્યા કે વાંઝીયાપણાના કેસમાં સતત વધારો વગેરે નોંતરવા બરાબર છે.
સ્ત્રોત:ફેબ્રુઆરી-૨૦૧૮,વર્ષ :૭૦,સળંગ અંક :૮૩૮, કૃષિગોવિદ્યા,
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,