অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામ્ય કક્ષાએ ઉછેર કરી શકાય તેવી મરઘીની જાતો

ગામડાના નાના અને સીમાંત ખેડૂતો તથા જમીન વિહોણા ખેતમજૂરો તેમજ સ્ત્રોત વિહોણા આદિવાસી લોકો માટે સહેલાઇથી ઘરના વાડામાં કે વરંડામાં કે ખેતર માં બનાવેલ રહેઠાણની ખુલ્લી જમીનમાં ઉછેરી શકાય તે માટે દેશની સંશોધન સંસ્થાઓએ ખાસ પ્રકારની મરઘીની જાતો વિકસાવી છે જે મરઘાંની જાતો , ફલિત થયેલ ઇંડા , એક દિવસીય પીલાં કે છ અઠવાડિયાના મરઘીનાં બચ્ચાંના રુપમાં પ્રાપ્ત કરી શકાય છે . જે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો , સરકારનું પશુપાલન ખાતુ ગ્રામ્ય વિકાસ સંસ્થાઓ , મહિલા સરકારી સંસ્થા વગેરે સંસ્થાઓનો સંપર્ક સાધવો જરુરી છે. આ પ્રકારનાં મરઘાંની જાતો વિસ્તૃત ચરિયાણની સ્થિતિમાં ટકી શકે તેવી , વિવિધ વાતાવરણ ની પરિસ્થિતિમાં ટકી શકે તેવી ,સામાન્ય દેશી જાતોની સરખામણીમાં વધુ ઇંડા તથા માંસ ઉત્પાદન આપે તેવી અને મિશ્ર ખેતી પધ્ધ્તિ સાથે સંકલિત કરી શકાય તેવી હોય છે . મરઘાં ઉછેર કરવાની પ્રાપ્ત થતી જગ્યા , સ્થાનિક લોકોની પસંદ ( ઇંડા તથા માંસ ) તથા આર્થિક પરિસ્થિતીને અનુરુપ આવી મરઘાંની જાતોનો વિસ્તૃત ચરિયાણ કે અર્ધ ઘનિષ્ટ પધ્ધ્તિઓ પ્રમાણે ઉછેર કરી શકાય છે .

વનરાજા :

મરઘાં યોજના મહાનિર્દેશાલય પ્રારૂપ , હૈદ્રાબાદ દ્વારા આ દ્વિઅર્થી મરઘાંની જાત વિકસાવવામાં આવેલી છે . તે કઠણ અને વિપરીત હવામાનની પરિસ્થિતિમાં ખુલ્લા ચરિયાણમાં ઘર પછવાડાના વાડા/વરંડામાં પણ રાખીને ઉછેરી શકાય તથા સારુ ઉત્પાદન આપતી જાત છે . તેના પગ લાંબા હોય છે અને તે મરઘાંના સામાન્ય રોગોમાં સારી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવે છે . રંગ વૈવિધ્યના કારણે બેકયાર્ડ પધ્ધ્તિમાં સહેલાઇથી ભળી જાય છે અને લાંબા પગ હોવાને લીધે શિકારીઓથી સહેલાઇથી છટકી જઇ 150 જેટલા ઇંડા  આપે છે . તેના મુખ્ય લક્ષણોમાં આકર્ષક  , ભરાવદાર , વિવિધ કલરના પીંછા , સારી આયુ મર્યાદા , ઉછેર ખર્ચ નહિવત કે ઓછો , ઇંડાનું મોટું કદ , ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા વગેરે છે . પુખ્ય વયની મરઘીનું વજન 2 થી 2.2 કિલો હોય છે જે 175 – 180 દિવસની ઉંમરે પ્રથમ ઇંડૂ આપે છે , ઇંડાનું વજન 55 થી 65 ગ્રામ હોય છે . 17 થી 18 માસની ઉંમરે સુધી 140 થી 150 જેટલા ઇંડાં આપે છે . આ જાતના ભારતના પૂર્વોત્તર રાજયો અરૂણાચલ , નાગાલેંડ , મણિપુર , મિઝોરમમાં વધુ લોકપ્રિય બની છે . તેના ડ્રેસિંગ પરસેન્ટ ( ખાધ્ય માંસ ) દેસી મરઘી ના પ્રમાણમાં 8 ટકા ઊંચા હોય છે . સામાન્ય પણે ચરિયાણની સ્થિતિમાં ખરી પડેલ દાણા , જીવાત , ઘાસનાં બી , સફેલ ઊધઇ તથા અન્ય વનસ્પતિમાંથી પુરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . પરંતુ ઊર્જાની જરુરિયાત માટે વધરાના ખોરાક તરીકે , બાજરી , મકાઇ , રાગી , બંટી , જુવારના દાણા , ચોખાની કણકી કે કુશ્કી વગેરે આપવાથી સારો વિકાસ તથા વધુ ઇંડા ઉત્પાદન પ્રાપ્ત  કરી શકાય છે . આ ઉપરાંત , ચૂનાનો પાઉડર , છીપલા કણી , ચૂનાના પથ્થરો નો ભુકો આપવાથી ઇંડા તૂટવાની ખામી નિવારી શકાય છે .

મરઘાં યોજના મહાનિર્દેશાલય અને મેરઠ , કેંદ્રિય પક્ષી સંશોધન સંસ્થા , ઇજજતનગર , કૃષિ વિશ્વ વિધ્યાલયો બેંગલોર અને જબલપુર અને કેરાલા તથા પશુચિકિત્સા અને પ્રાણી વિજ્ઞાન વિશ્વ્ વિધ્યાલય ચેનનાઇ દ્વારા ગ્રામીણ ક્ષેત તથા આદિવાસી ક્ષેત્રોમાં ઉછેર કરી શકાય તેવી મરઘાંની વિવિધ જાતોનો વિકાસ કરવામાં આવેલ છે જેમાં ઇંડા ઉત્પાદનના હેતુસર ગ્રામપ્રિયા , ગિરિરાણી , ગ્રામલક્ષમી કલિંગબ્રાઉન , કૃષણા , જે . નંદનમ વગેરે જાતો , માંસના હેતુસર કૃષી બ્રો  તથા દ્વિઅર્થી જાતો વનરાજ અને ગિરિરાજા મુખ્ય છે . આ ઉપરાંત નિર્ભીક , શ્યામા , ઉપકારી  તથા હિતકારી જાતો પણ કેંદ્રિય પક્ષી સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ છે . વિવિધ શારીરિક રંગો ધરાવતી લાંબી આયુ મર્યાદાવાળી , મોટા કંદના ઇંડાવાળી તથા રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારમાં સહેલાઇથી અપનાવી શકાય તેવી જાતો છે . તેમાંની કેટલીક જાતોની ખાસિયતો વિષેની જાણકારી આ લેખ માં દર્શાવેલ છે .

ગ્રામપ્રિયા :

જે વિસ્તારોમાં શિકારી પ્રાણીઓનો ઉપદ્રવ વધુ હોય તેવા વિસ્તારોમાં મધ્યમ કદના શારીરિક બાંધો ધરાવતી અને ઉચ્ચ ઇંડા ઉત્પાદકતા ધરાવતી આ ગ્રામપ્રિયા જાતની વધુ પસંદગી થાય છે . તંદુરી પ્રકારના ચીકનની બનાવટ માટે ગ્રામપ્રિયાના નર વધુ અનુકુળ છે . ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં અર્ધ ઘનિષ્ટ ફાર્મ પરિસ્થિતિઓમાં તેની મરઘીઓ વધુ ઇંડા ઉત્પાન આપે છે . તેની બે જાતો જોવા મળે છે .  એક સફેદ ગ્રામપ્રિયા અને બીજી રંગીન ગ્રામપ્રિયા . રંગીન ગ્રામપ્રિયા જાતો ક્કરતાં સફેદ જાતો વધું ઇંડા આપે છે . રંગીન જાતોમાં મુખ્ય કલર છીંકણી જેવો અને કવચિત વિવિધ કલરમાં જોવા મળે છે . વધુ સારી રોગપ્રતિકારક શકતિ હોવાને લીધે તે ગ્રામ્ય સ્થિતીમાં લાંબા સમય સુધી ટકી શકે છે . મધ્યમ શારીરિક વજનના લીધે તે શિકારીઓની પકકડ માં સહેલાઇથી આવતા નથી જે બેકયાર્ડ પધ્ધ્તિમાં સૌથી મોટું જોખમ હોય છે . 6 અઠવાડીયાના શરુઆતી જીવનકાળમાં તેના ઉછેર બાદ  તેને અર્ધધનિષ્ટ કે ચરિયાણ પધ્ધ્તિમાં ઉછેર માટે મુકી શકાય છે . તેના વરદાન રુપ લક્ષણોમાં ઉચ્ચ ઇંડા ઉત્પાદન શક્તિ , બેકયાર્ડ / ચરિયાણ પધ્ધ્તિમાં વધુ અનુકુળ , ઇંડા ઉપર ટપકાં , વધુ ટકાઉપણું , ઓછો કે નહિવત ખર્ચ વગેરે છે. તેના આર્થિક લક્ષણોમાં 15 અઠવાડિયાની ઉંમરે 1.2 કિલો વજન , 53 થી 55 ગ્રામનું ઇંડાનું વજન , 72 અઠવાડિયે ઇંડા ઉત્પાદન 180 – 200 જેટલું છે . નર પક્ષીઓ 12 અઠવાડિયામાં 1.2 કિ.ગ્રા. જેટલું વજન ધરાવતાં હોય છે . એક વાર ચણ કરવાનું શીખી ગયા બાદ ગ્રામપ્રિયા પક્ષીઓ તેમનો ખોરાક ખુલ્લામાં સહેલાઇથી શોધી કાઢે છે . ગ્રામપ્રિયાની યુવા મરઘીઓ ( પુલેટ ) ને કેલ્શિયમના સ્ત્રોત જેવા કે ચૂના પથ્થરનો પાઉડર , છીપલા કણી , માર્બલકણી , પથ્થર કણી વગેરે દરરોજ 4.5 ગ્રામ / પક્ષી આપવાથી તેનું ઇંડા ઉત્પાદન સારું રહેવા સાથે જીવાદરોરી પણ વધે છે .

કૃષિ બ્રો- વિવિધ રંગી માંસાળ પક્ષીઓ :

કેટલીક માન્યતાઓ , દેશી દેખાવ , સાંસ્કૃતિક અને ધાર્મિક કારણોસર આપણે ત્યાં વિવિધ કલર ધરાવતાં પીંછાઓવાળા માંસ હેતુક પક્ષીઓ વધુ પસંદ પામે છે. વાણિજ્ય હેતુઓ માટેના માંસ હેતુક પક્ષીઓ ઘણા બધા રોગોનો ભોગ બનતાં હોય છે અને વધુ વ્યવસ્થા માગી લેતા હોય છે . તેના કરતા મધ્યમ કદના રંગીન પક્ષીઓ ભારતની વિષમ આબોહવામાં વધુ સારી રીતે ટકી શકે છે.  મરઘાં યોજના મહાનિર્દેશાલય હૈદ્રાબાદ અંતર્ગત કૃષિ બ્રો જાતનો વિકાસ થયો છે જે 42 દિવસમાં 1.5 કિ.ગ્રા. જેટલું શારીરિક વજન પ્રાપ્ત કરી લે છે . તેનો ખોરાકનું માંસમાં રુપાંતર કરવાનો ગુણોત્તર ( 2.2 : 1) પણ સારો છે . તેના વરદાનરુપ લક્ષણોમાં સારું ટૅકાઉપણું ઓછા ખોરાકી ખર્ચ અને વિષમ / ગરમ હવામાનમાં  વધુ સારુ અનુકુલન વગેરે છે . એક દિવસીય પીલાનું વજન 40 ગ્રામ હોય છે જે 6 અઠવાડિયામાં 1.5 કિ.ગ્રા. અને 7 અઠવાડિયામાં 1.8 કિ.ગ્રા. જેટલું થાય છે . તેમાં મૃત્યુદર ઘણો ઓછો એટલે કે 3 ટકા કરતાં પણ ઓછો જોવા મળે છે . મેરેકસ , રાનીખેત અને ગમ્બોરો રોગનું રસીકરણ , સારી સ્વચ્છતા , ચોખ્ખું અને તાજુ ભરપુર પાણી તથા જુવાર – બાજરી કે મકાઇ આધારિત ખોરાકમાં ચોખાની કુશ્કી , સોયાબીન ખોળ , ક્ષાર મિશ્રણ તથા વિટામીન સભર ખોરાક આપવાથી ઘણું સારું પરિણામ મળી શકે છે . પક્ષીઓને પ્રતિ જૈવિક દવાઓ તથા પ્રજીવોના નાશ માટેની દવાઓ આપવાથી ઊંચો વિકાસ દર પ્રાપ્ત કરે છે .

મુંબઇ દેશી :

મરઘાંની આ જાત દ્વિઅર્થી છે એટલે કે ઇંડા માટે તેમજ માંસ માટે પણ ઉપયોગ થાય છે . મરઘાંની આ જાત દેશી કરકનાથમાંથી બનાવવામાં આવેલી છે જે વિભિન્ન રંગોમાં ઉપલબ્ધ છે . આ મરઘાંના પગ લાંબા , પાટળાં તેમજ વાદળી / પીળા રંગના હોય છે . જો આ મરઘાંનો કુદરતી રીતે ઉછેર કરવામાં આવે તો તેનું વજન લગભગ 12 અઠવાડિયાનાં અંતે 900 – 1000 ગ્રામ જેટલું થઇ જાય છે . આ મરઘી એક વર્ષમાં 200 જેટલા બદામી રંગના ઇંડા આપે છે . આ જાતની મરઘીનાં ઇંડામાં તેમજ માંસમાં પ્રોટીન અને ખનિજ તત્વો વધુ માત્રામાં રહેલા છે તેમજ કોલેસ્ટોરેલ અને સેચ્યુરેટેડ ફેટી એસિડ ઓછા પ્રમાણમાં હોય છે . મરઘાંની આ જાતમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી છે અને તેનો મૃત્યુદર એક્દમ ઓછો તે પ્રમાણમાં હોય છે . મરઘાંની આ જાતમાં રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ સારી છે અને તેનો મૃત્યુદર એકદમ ઓછો છે .

કલિંગા બ્રાઉન :

મરઘાની આ જાત દ્વિઅર્થી હોઇ ગ્રામ્ય ક્ષેત્રે તેનો ઉછેર ઇંડા અને માંસના ઉત્પાદન માટે કરવામાં આવે છે . આ જાતની નર મરઘી લગભગ 22 અઠવાડિયાની ઉંમરે ઇંડાં આપવાનું શરુ કરે છે . આ જાતની મરઘી વર્ષે સરેરાશ 260 – 270 જેટલાં ઇંડા આપે છે . ઇંડાનું વજન 54 ગ્રામ જેટલું હોય છે . આ જાતની મરઘી લગભગ 109 ગ્રામ જેટલો ખોરાક પ્રતિ દિવસ લે છે . તેનો ઇંડાનો રંગ ટપકીલા રંગનો હોય છે . આ જાતની મરઘીનું વજન લગભગ 1.91 કિ.ગ્રા. હોય છે તેમજ આ જાતના મરઘાંમાં મૃત્યુદર ઓછો ( 5 ટકા ) જોવા મળે છે .

આ જાતની મરઘીનો ખાસ કરીને ઇંડા ના ઉત્પાદન માટે ઉછેર કરવામાં આવે છે તેમજ આ જાતની મરઘી 176 દિવસની વયે જ ઇંડા આપવા સક્ષમ બની જાય છે . 20 અઠવાડિયા પછી આ જાતની મરઘીનું વજન 1.350 કિ,ગ્રા. જેટલું હોય છે . આ જાતની મરઘી લગભગ વર્ષેના અંતે 200 જેટલા ઇંડા આપે છે તેમજ પ્રત્યેક ઇંડાનું સરેરાશ વજન 54 ગ્રામ જેટલું જોવા મળે છે .

માંસ ઉત્પાદન :

હિતકારી :

મરઘાની જાતનો ગ્રામ્ય ક્ષેત્રે મુખ્યત્વે માંસ ઉત્પાદન માટે ઉછેર કરવામાં આવે છે . આ મરઘાનું સરેરાશ વજન 1.320 કિ.ગ્રા. જેટલું હોય છે . આ મરઘી 21 અઠવાડિયાના વયે જ ઉત્પાદન આપવા સક્ષમ બની જાય છે તેમજ આ મરઘી વર્ષે 200 જેટલાં ઇંડાં આપે છે તેમાં પ્ર્ત્યેક ઇંડાનું વજન લગભગ 61 ગ્રામ જેટલું હોય છે . આ જાત ની મરઘી ની પ્રજનનક્ષમતા પણ ઘણી જ સારી છે .

ગિરિરાજ :

ગિરિરાજ દ્વિઅર્થી ઓલાદ છે જે રાનીખેત રોગ સિવાય અન્ય કોઇપણ રોગ સામે સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે . અન્ય દેશી ઓલાદ કરતા ઘણું  સારું ઉત્પાદન  આપે છે . 22 અઠવાડિયે પુખ્ત બની વાર્ષિક 160- 170 ઇંડાં આપે છે . માદા 3 કિ . ગ્રા. અને નર 4 કિ .ગ્રા . નું  પુખ્ત વજન ધરાવે છે .

ભારતની અન્ય કોમર્સિયલ જાતો

મરઘાંની જાત

ઇંડાંનું વજન ( ગ્રામમાં )

72 અઠવાડિયામાં ઇંડાંનુ ઉત્પાદન

આઇએલઆઇ

54

280

ગોલ્ડર – 92

54

265

પ્રીમા

57

290

ઓનાલી

54

275

દેવેન્દ્ર

50

200

ભારતની અન્ય વિકસાવેલી બ્રોઇલ જાતો

જાત

7 અઠવાડિયે વજન ( ગ્રામ )

ખોરાકનું માસમાં રુપાંતર નો ગુણોત્તર

બી – 77

1600

2 - 3

કારી બ્રો – 91

2100

1.94 – 2.2

કારી બ્રો મલ્ટીકલર

2000

1.9 – 2.1

કારી બ્રો નેકેડનેક

2000

1.9 – 2.0

વરના

1800

2.1 – 2.25

અન્ય : કારી ઉત્તમ (જાપાનીઝ તીતર ) લાવરી :

આ તીતરનો વિકાસ ખૂબ જ ઝડપી છે . પાંચ અઠવાડીયાની ઉંમરમાં 240 ગ્રામના વજન ગ્રહણ કરી લે છે . બે પેઢી વચ્ચે નો સમય ખૂબ જ ઓછો ( વર્ષેમાં 3 – 4 પેઢી આપે ) છે. વહેલી ઉંમરે પુખ્ત બની ઇંડાં પણ વધુ આપે છે . એફ – સી – આર . ( ખોરાકનું માંસમાં રુપાંતરનો ગુણોત્તર ) 2.6:1 છે . રોગો સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ સારી છે .

સ્ત્રોત :ડૉ .કે. બી .પ્રજાપતી , ડૉ.કે .જે . અન્કુયા , ડૉ .જે . બી . પટેલ ,-પશુ સંશોધન કેન્દ્ર , સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

સરદાર કૃષિનગર – 385506

માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate