હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / ગુજરાત રાજ્યને મળશે ગાયની નવી નસ્લ ‘ડગરી ગાય’
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાત રાજ્યને મળશે ગાયની નવી નસ્લ ‘ડગરી ગાય’

ગુજરાત રાજ્યને મળશે ગાયની નવી નસ્લ ‘ડગરી ગાય’

ભારત એ ખેતી પ્રધાન દેશ છે. દેશના ૬૦ ટકા થી વધુ લોકો ખેતી પર નિર્ભર છે. ભારત દેશમાં ખેતીની સાથે સાથે પશુપાલનનું પણ આગવું મહત્ત્વ છે. દેશની ૪૦ ટકા થી વધુ મહિલાઓ ખેતીની સાથે સંકળાયેલી છે. ભારત દેશ દૂધ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે પ્રથમ છે. જેમાં મુખ્યત્વે ગાયો તથા ભેંસોના દૂધનો મહત્ત્વનો ફાળો છે. ભારતમાં કુલ ૪૩ ગાયોની, ૧૫ ભેંસોની, ૩૪ બકરાની, ૪૩ ઘેટાની, ૭ ઘોડાની, ૯ ઊંટની તથા ૧૧ અન્ય પશુઓની નસ્લો મળીને કુદ ૧૬૩ નસ્લો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અંતર્ગત રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો (NBAGR), કરનાલ દ્વારા અધિકૃત થયેલી છે. ગુજરાત રાજય પશુધનની જૈવવિવિધતાથી સમૃદ્ધ છે અને ભારતની પશુઓની કુલ નસ્લોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજ્ય દેશમાં ૧૬૩ પશુધન નસ્લોમાંથી રર નસ્લોનું યોગદાન આપે છે જેમાં ગુજરાત રાજ્યની ૩ ગાયોની, ૪ ભેંસોની, ૩ ઘેટાની, ૬ બકરાંની, ૩ ધોડાની, ૨ ઊંટની તથા ૧ ગદર્ભની નસ્લોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજયની કાંકરેજ અને ગીર ગાયોની નસ્લો માત્ર ભારતમાં નહી પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેમાં કાંકરેજ ગાય દૂધ ઉત્પાદનની સાથે સાથે ખેતીના વિવિધ કાર્યોમાં ઉપયોગી થાય છે તથા ગીર ગાય એ તેના શાંત સ્વભાવ અનેવધુ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે.

ઓછી જાણીની ઘરેલું પશુધનની ઓળખ અને લાક્ષણિક્તા પર ગુજરાત સરકારની પહેલ પર વર્ષ ૨૦૧૫-૧૬માં સહજીવન ટ્રસ્ટ, ભુજ અને વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા સંયુક્તપણે પશુધનની અપરિચિત નસ્લોનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું માપલેખન હાથ ધરવામાં આવ્યું હતું અને રાજયના પશુપાલન વિભાગ મારફત નવી નસ્લની માન્યતા માટે રાષ્ટ્રીય પશુ સંસાધન બ્યુરો (NBAGR), કરનાલને દરખાસ્ત રજૂ કરવામાં આવી  હતી. આ અનુસંધાને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા યોજાતી સંશોધનના આયોજન અને પરિણામોની ચર્ચા અંગેની વર્ષ ૨૦૧૫-૧૬ની વાર્ષિક બેઠકમાં સંશોધન  નિયામકશ્રી ડૉ. કે. બી. કથીરીયાની અધ્યક્ષતામાં ગાયની પર્વતીય ઓલાદ ‘ડુંગરી ગાય” અંગેની સંશોધન કાર્યવાહી અંગે નક્કી કરવામાં આવેલ હતું. જે અંતર્ગત વર્ષ ૨૦૧૬૧૭માં આ ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન આણંદ કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને સંશોધન અંગેની વાર્ષિક બેઠકમાં તેના સંશોધનના પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બૂરો (NBAGR), ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘેટાની ‘પંચાલી હુમા)', કબીની ‘કાહમી” અને ગદર્ભની ‘હાલારી’ એમ ત્રણ નસ્લોને નવી સ્વદેશી નસ્લો તરીકે માન્યતા આપવામાં આવી છે જ્યારે ગાયની આ ઓલાદ ‘ડગરી ગાય” આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવી નસ્લની ઓળખ માટે રજૂ થનાર છે.

તદુપરાંત ગુજરાત રાજ્યના આદિવાસી તથા પહાડી વિસ્તારના જીલ્લાઓ જેવા કે દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં એક નાના કદની (ઠીંગણી) ગાયની પર્વતીય ઓલાદ જોવા મળેલ છે. જે ‘ડુંગરી” તથા “ગુજરાત માળવી’ તરીકે જાણીતી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આ ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું માપલેખન આણંદ કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આનુવંશિક લાક્ષણિકતાના પાત્રાલેખન મુજબ આ ગાય અન્ય ઓલાદોથી જુદી પડે છે. બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન માટે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો (NBAGR) દ્વારા પ્રસ્થાપિત બ્રીડ ડીસ્ક્રિપ્ટના ધારાધોરણો મુજબ અંદાજીત ૬00થી વધુ ગાયોના શારિરીક લક્ષણો જેવા કે કપાળની લંબાઈ અને પહોળાઈ, શીંગડાની લંબાઈ અને ગોળાઈ, શરીર લંબાઈ, ઊંચાઈ, પૂંછડાની લંબાઈ વગેરે બાહ્ય લક્ષણોની માપલેખનની કામગીરી કરવામાં આવી. તદ્ઉપરાંત આ ગાયના બચ્ચાંના વજનની તથા અન્ય પ્રજજનને લગતા લક્ષણોની અને આ ગાયની નસ્લના બળદોની ખેતીલક્ષી કાર્યક્ષમતાની પ્રાયોગિક ધોરણે વૈજ્ઞાનિક માપદંડો દ્વારા માપણી કરેલ છે.

બાહ્ય લક્ષણોમાં આ ગાયો મુખ્યત્વે બે રંગની જોવા મળે છે. (૧) તદ્દન સફેદ અથવા સફેદ કલર સાથે આગળ પાછળના પગ ભુખરા રંગના (૨) રતાશ રંગની પણ બહુ અલ્પસંખ્યામાં જોવા મળે છે. આ ગાયના ઈંગડા પાતળા, ઉપરની તરફ વળેલા અને શીંગડાની ટોચ તીક્ષ્ણ હોય છે. આ ગાયના કાન સીધા અને ખુલ્લા હોય છે. આ ગાયનું મુખ્ય લક્ષણ ટુંકા પાતળા પગ, શરીરની લંબાઈ તેની ઊંચાઈ કરતાં વધુ હોય છે. આ ગાય થોડી તોફાની હોય છે. આ જાતના નરનું વજન ૨૨૩ કિ.ગ્રા. જ્યારે માદાનું વજન ૧૭૦ કિ.ગ્રા. હોય છે. આ ગાયોનું દૂધ ઉત્પાદન ઘણું ઓછું અંદાજીત વેતરદીઠ 300-800 કિ.ગ્રા. જેટલું હોય છે. પરંતુ આ ગાયના બળદો  પહાડી વિસ્તારમાં કદમાં નાના હોવાના લીધે ખેતીના કામગીરી માટે બીજી નસ્લોના બળદોની સરખામણીએ વધારે કાર્યક્ષમ હોવાથી વધુ પ્રચલિત છે. આ ઉપરાંત આ ઓલાદની ગાયો મુખ્યત્વે ચરિયાણ પર નિર્ભર હોવાથી તેને ખૂબ જ ઓછા ઘાસચારાની જરૂરિયાત રહેતી હોવાથી આ વિસ્તારમાં પણ અનુકુલિત થયેલ છે.

ટુંક સમયમાં આ ગાયની નસ્લ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા રાષ્ટ્રીય ધોરણે માન્યતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો | (NBAGR) કરનાલને રાજય સરકારના પશુપાલન વિભાગ મારફત દરખાસ્ત રજૂ કરવામાં આવશે. ત્યારબાદ માન્યતા મળવાથી આ ગાયની નસ્લ ગુજરાત રાજયની કાંકરેજ, ગીર અને ડાંગી બાદ ગાયની ચોથી નસ્લ તરીકે આગવી ઓળખ પામશે, જે ગુજરાત રાજ્ય માટે પશુપાલન ક્ષેત્રે એક ખૂબ જ અગત્યની સિદ્ધિ ગણાશે.

સ્ત્રોત :ડૉ. એ. સી. પટેલ, ડૉ. આર. એસ. જોષી, ડૉ. ડી. એન. રાંક, પશુ જનીનકીય અને પશુ પ્રજનન શાસ્ત્ર વિભાગ, વેતનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

કૃષિ ગોવિદ્યા , ફેબ્રુઆરી – ૨૦૧૯  વર્ષ : ૭૧ અંક : ૧૦ સળંગ અંક : ૮૫૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top