অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાય અને ભેંસની વિયાણ સમયે કાળજી

ગાય/ભેંસમાં વિયાણનો સમય ખુબ જ અગત્યનો, નાજુક, જોખમી અને જટિલ હોય છે. આ સમયે પશુપાલકે જાગૃતતા રાખીને હાજરી રાખવી ખુબ જ અગત્યની છે. વિયાણનો સમય જેમ જેમ નજીક આવે છે તેમ માદા પશુમાં શારીરિક ફેરફારો થાય છે જેના આધારે પશુપાલકને અંદાજ આવી શકે છે કે તેની ગાય/ભેંસનું આજે કે કાલે વિયાણ થવાનું છે. જેથી તે હાજર રહી સુખ શાંતિ પશુનું વિયાણ સમયસર કરી-કરાવી શકે. આમ ગાય/ભેંસનું સમયસરનું સુખ શાંતિથી વિયાણ થવાથી બચ્ચું તંદુરસ્ત અને જીવિત આવે છે. અને ગાય/ભેંસનું દૂધ ઉત્પાદન પૂરું મળે છે.

ગાય/ભેંસનાં વિયાણ સમયે જરૂરી મુદ્દા

ગાય/ભેંસનાં વિયાણ સમયે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે.

  • પશુ રહેઠાણ (વિયાણ માટેનો વાડો) ને ખુલ્લુ કરવુ (લૂઝ હાઉસિંગ સિસ્ટમ)
  • પશુ મુક્ત પણે વિહાર કરી શકે તેવી વ્યવસ્થા કરવી.
  • વિયાણ વાડાને નિયમિત સફાઇ કરીને રોગમુક્ત અને જન્તુમુક્ત રાખવો.
  • પશુ દીઠ પુરતી જગ્યા આપવી.
  • પશુ દીઠ ૧૨ X ૧૨ ફુટ = ૧૪૦ – ૧૫૦ ચો. ફુટ જગ્યા આપવી.
  • સ્વચ્છ અને પોચી પથારી (પોચુ ઘાસ/બાજરીના ઢુન્સા વિગેરે) બનાવી આપવી. જે ભેજ અને પેશાબ ને ચુસી શકે.

વિયાણ બાદ મીલ્ક ફીવર (સુવા રોગ) થી બચાવવા

  • વધુ દુધ આપતા પશુઓમાં (ગાય/ભેસ) મીલ્ક ફીવર (સુવા રોગ) થાય છે જેમાં કેલ્સીયમ ઘટી જવાથી પશુ ઠંડુ પડી જાય છે.
  • સુવા રોગ અટકાવવા માટે વિયાણ પેહલા સમતોલ અને પોષ્ટિક આહાર આપવો જરુરી છે.
  • સુવા રોગ અટકાવવા માટે વિયાણ ના ૧-૨ અઠવાડિયા પેહલાં વિટામીન એ, ડી, ઇના ઇન્જેકશન આપી શકાય અને ખીરુ પણ પોશ્ટિક બનાવી શકાય છે.
  • શક્ય હોય ત્યાં સુધી વિયાણ પેહલાં દોહન કરવું નહી. આવુ કરવાથી વિયાણ નો સમય લંબાઇ શકે છે. કારણ કે પ્રજનનતન્ત્ર અને બાવલાંના ચેતાતન્ત્ર એકબીજાથી જોડાયેલા હોય છે.

વિયાણના વિવિધ કાળ / તબ્બકા વિશે પશુપાલકે જાણવું ખુબ જ જરુરી છે. કારણ કે તેનાથી તે જાણી શકે છે કે તેનુ પશુ સમયસર વિયાણ કરશે કે વિયાણ કરાવવા પશુચિકિત્સક ને બોલાવવા પડ્શે કે કેમ? જેથી બચ્ચાં અને તેની માતાનો જીવ બચાવી શકાય અને દુધ ઉત્પાદન મેળવી શકાય. કોઇ કારણસર જો બચ્ચુ મરણ પામે તો ઘણીવાર તેની માતા દુધ પણ આપતી નથી.

વિયાણ માટેના ચિન્હો રોજબરોજ જોવા જરુરી છે. જેથી નિર્ણય લઇ શકાય કે આજ કાલમાં પશુનું વિયાણ છે જેથી હાજરી રાખીને પશુનું વિયાણ કરી/કરાવી શકાય. જેમ જેમ વિયાણનો સમય નજીક આવે તેમ નીચે મુજબના ચિન્હો જોવા મળે છે.

  • બાવલું મોટુ, ફુલીને પહોળુ થાય છે.
  • બાવલું થોડુક કડક થાય છે જેમાં ખીરું હોય છે.
  • શ્રોણીફલક બન્ધની (સેક્રોસીયાટીક લીગામેન્ટ) ઢીલા થાય છે જેનાથી પુંછડીના મુળની બન્ને બાજુ ખાડા પડે છે.
  • ભગોષ્ઠ (વલ્વા) ફુલે છે અને પોચા થાય છે.
  • યોનીમાંથી ભગોષ્ઠ થકી જાડો લાળ જેવો સ્ત્રાવ આવે છે.
  • આંચળની બાહ્ય સપાટી ચમકતી અને મીણ જેવી દેખાય છે.
  • પશુ એકલતા પસંદ કરે છે.
  • શ્વસન દર, નાડીના ધબકારા અને શરીરના તાપમાનમાં બદલાવ આવે છે.
  • પશુ બેચેની અનુભવે છે, અને વિયાણનો સમય નજીક આવે તેમ બેચેની વધતી જાય છે.

વિયાણના વિવિધ તબક્કા

વિયાણના ત્રણ તબ્બકા છે.

પહેલો તબ્બકો  જેમાં ગાય/ભેંસમાં

  • વિયાણની પીડા ચાલુ થાય છે.
  • પશુ શાંત વાતાવરણ ઝંખે છે તેથી તેને શાંત વાતાવરણ આપવુ જોઇએ.
  • યોનિમાર્ગમાંથી સ્ત્રાવ થાય છે.
  • ગ્રીવાનો સીલ (સરવાઇકલ પ્લગ) ગળીને બહાર આવે છે.
  • પશુ પાછળના પગેથી પ્રસંગોપાત પેટને લાત મારે છે.
  • ગાય/ભેંસ વારંવાર ઉઠ-બેસ કરે છે.
  • વિયાણની પીડાના કારણે બેચેની અનુભવે છે.
  • શ્વસન દર અને નાડીના ધબકારા સામાન્ય વધે છે.

ખાસ- ૧ થી વધુ વાર વિયાણ થયેલ ગાય/ભેંસમાં આ તબ્બકાનો સમયગાળો ૨ – ૩ કલાકનો હોય છે. જ્યારે પેહલીવાર વિયાણથતી ગાય/ભેંસની વાછરડીઓમાં ૪ – ૫ કલાક જેટલો સમયનો હોય છે.

બીજો તબ્બકો- જેમાં

  • ગર્ભાશયના ગ્રીવાનું મુખ સંપુર્ણપણે ખુલે છે.
  • ઓરના પાણીની કોથળી ધીમે ધીમે બહાર આવે છે.
  • ગર્ભાશયના સંકોચનના કારણે પીડા થવાથી ગાય/ભેંસ નીચે બેસી જાય છે.
  • ઓરના પાણીની કોથળી ફુટે છે જેમાંથી પાણી બહાર આવૅ છે.
  • બચ્ચાંના આગળના પગ, ખરીઓ સાથે, તેના ઘુન્ટણ ઉપર સાથે પગ દેખાય છે. જે ક્ર્મશ ગર્ભાશયના સન્કોચનના કારણે બચ્ચું બહાર આવે છે.
  • બચ્ચાંનો ગર્ભનાળ માતાના ઉદરથી અલગ પડ્યો હોય તો બચ્ચાંના શરીરથી ૩ – ૫ ઇંચ દુર જંતુરહિત કરેલ દોરો બાંધી, એન્ટીસેપ્ટીક દવા લગાવવી.
  • બચ્ચાંનો ગર્ભનાળ માતાના ઉદરથી અલગ ન પડ્યો હોય તો સર્વપ્રથમ બચ્ચાંના શરીરથી
  • ૩ – ૫ ઇંચ દુર જંતુરહિત કરેલ દોરો બાંધવો તેમજ તેનાથી એકાદ ઇંચ દુર બીજો દોરો બાંધી, જન્તુરહિત કાતર/બ્લેડ/ચપ્પાં વડે બન્ને ગાંઠોની વચ્ચેથી ગર્ભનાળ કાપી નાંખવો અને એન્ટીસેપ્ટીક દવા લગાવવી.
  • ખાસ ગાય / ભેંસમાં  તબ્બકાનો  સમયગાળો અડધાથી થી ૨ (બે) કલાકનો હોય છે.

જો વિયાણનો સમય આનાથી વધુ લંબાય તોબચ્ચાંની અસામાન્ય સ્થિતિ હોઇ શકે. એવા તબ્બકે પશુચિકિત્સકને બોલાવી લેવાની ભલામણ કરવામાં આવે છે.     જેમ જેમ સમય વધુ વિતે તેમ તેમ બચ્ચાંનું મ્રુત્યુદર પણ વધે છે. માટે વધુ સમયની રાહ જોવી તે બચ્ચાંનું મ્રુત્યુ નોતરી શકેછે.

  • વિયાણમાં તકલીફ થતી હોય એવા પશુની રેહઠાણની આજુબાજુ વાતાવરણની સ્વચ્છતા ખુબ જ જરુરી છે. જે પશુને અનેબચ્ચાંને ચેપ (ઇન્ફેક્શન) થી બચાવે છે.
  • વિયાણ દરમ્યાન બચ્ચાંને ખેંચવાની ઉતાવળ કરવી નહી. ઘણી વાર પેહલીવાર વિયાણ થતાં પશુઓમાં અને અશક્ત પશુઓમાંબચ્ચું ખેંચવાની જરુર પડે છે. તેવા કિસ્સાઓમાં પશુપાલકે ઉતાવળ ન કરતા, બન્ને હાથ સાબુ વડે ધોઇને બચ્ચાં ના બન્ને બહારનિક્ળેલ આગળના પગોને પકડીને પુંછડીની દિશામાં જમીન તરફ ધીરે ધીરે ખેચવું.

બચ્ચાંની સામાન્ય સ્થિતિ

  • આગળના બે પગ આગળની બાજુ (યોનીમુખમાંથી ભગોષ્ટ તરફ) લાંબા થયેલ હોય છે.
  • આગળના બે પગના ઘુંટણ ઉપર માથુ આવેલુ હોય છે.
  • શરીર અને પાછળના બે પગ સીધા પાછળની તરફ (ગર્ભાશય તરફ) હોય છે.
  • બચ્ચાંની કરોડરજ્જુ અને માતાની કરોડરજ્જુ એક્બીજાની સમાંતર હોય છે.

ત્રીજો તબ્બકો- જેમાં

  • ગાય/ભેંસની શારીરિક સ્થિતિ સારી હોય તો આ તબ્બકામાં વિયાણ બાદ ૫ -૬ કલાક્માં ઓર/મેલનો નિકાલ થાય છે.

વિયાણ બાદ બચ્ચાંની વિશેષ કાળજી

  • બચ્ચાંનું મોં સાફ કરવું.
  • બચ્ચાંનું શરીર સાફ કરવુ.
  • બચ્ચાંની છાતીને ૨ થી ૫ મીનીટ સુધી મસાજ કરવી જેથી ફેફસા થકી શ્વસન ક્રિયા ચાલુ થાય.
  • વિયાણ દરમ્યાન તકલીફ પડી હોય ત્યારે ખાસ બચ્ચાંના પાછળના પગ પકડીને ઉંચા કરવા જેથી શ્વાસનળીમાં ઓરનું પાણી ગયું હોય તો બહાર આવે અને ન્યુમોનીયાથી/ મ્રુત્યુથી બચાવી શકાય.
  • બચ્ચાંનો ગર્ભનાળ માતાના ઉદરથી અલગ પડ્યો હોય તો બચ્ચાંના શરીરથી ૩ – ૫ ઇંચ દુર જંતુરહિત કરેલ દોરો બાંધી, એન્ટીસેપ્ટીક દવા લગાવવી.
  • બચ્ચાંનો ગર્ભનાળ માતાના ઉદરથી અલગ ન પડ્યો હોય તો સર્વપ્રથમ બચ્ચાંના શરીરથી ૩ – ૫ ઇંચ દુર જંતુરહિત કરેલ દોરો બાંધવો તેમજ તેનાથી એકાદ ઇંચ દુર બીજો દોરો બાંધી, જન્તુરહિત કાતર/બ્લેડ/ચપ્પાં વડે ગર્ભનાળ કાપી નાંખવો.
  • ત્યારબાદ બચ્ચાંને ૧ થી દોઢ કલાકમાં તેની માતાનું પ્રથમ દુધ (ખીરુ/કરાંટુ) પીવડાવવું.

વિયાણ બાદ માતાની વિશેષ કાળજી

  • ૫૦૦ ગ્રામ ગોળ + ૨૦૦ ગ્રામ સુવા + ૩૦ ગ્રામ કાળી જીરી નો ઉકાળો આપવો.
  • ૫૦ ગ્રામ કેલ્સિયમ યુક્ત મીનરલ મીક્ચર દાણ સાથે આપી શકાય.
  • ૧૦-૨૦ લીટર જેટલુ હુંફાળુ પાણી આપવુ.
  • ઘાસ-ચારો નીરણ કરવો.

આમ ગાભણ પશુની સારી અને વ્યવસ્થિત માવજત કરવામાં આવે તો સમયસર અને તંદુરસ્ત બચ્ચું જન્મે છે, પશુની ઓર/મેલ સમયસર પડી જાય છે, આગળના વેતર કરતા વિયાયેલ પશુ વધુ દૂધ આપે છે. અને તેનું સ્વાસ્થ્ય સારું રહે છે જેના કારણે વધુ સંખ્યામાં (વેતરની સંખ્યા) આપના ઘરે વિયાણ થાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate