હવામાન : દેશી ગુલાબના પાકને ઠંડુ અને સૂકુ હવામાન વધુ માફક આવે છે તેના છોડને પુરતો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક છે. જો કે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ તેનો ઉછેર કરી શકાય છે, પરંતુ આવા વાતાવરણમાં રોગજીવાતનું પ્રમાણ સુકા વિસ્તાર કરતાં વિશેષ રહે છે દિવસ દરમ્યાન ૬ થી ૮ કલાક સૂર્યપ્રકાશ મળી રહે તો છોડની વૃધ્ધિ સારી થાય છે છાંયો તથા ભારે પવન અનુકુળ આવતા નથી.
જમીન :ગુલાબના છોડને મોટાભાગે દરેક પ્રકારની જમીન માફક આવે છે પરંતુ ગોરાડુ, મધ્યમ કાળી, ફળદુ્રપ અને સારી નિતારશકિત ધરાવતી જમીન વધુ અનુકુળ આવે છે. જો જમીન રેતાળ હોય તો જમીનમાં સેન્દ્રિય ખાતરો વધુ પ્રમાણમાં ઉમેરવા. ગુલાબના છોડને ખારાશવાળી જમીન અનુકુળ આવતી નથી. ભારે કાળી જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરીને નિતારશકિત સુધારીને ઉપયોગ થઈ શકે છે.
સ્થળની પસંદગી :ગુલાબની ખેતી માટે જયાં વધુ પ્રમાણમાં સુર્યપ્રકાશ આવતો હોય તેવી જમીનનું સ્થળ પસંદ કરવું. આ ઉપરાંત વૃક્ષો, વાડ કે દિવાલથી દૂર અને દિવસ દરમ્યાન ઓછામાં ઓછો ૬ કલાક સુર્યનો તડકો મળી રહે તેવી જમીનનું સ્થળ પસંદ કરવાથી સારી ગુણવત્તાવાળા ફૂલો વધુ પ્રમાણમાં મળી રહે છે.
છોડની રોપણી માટે ખાડા તૈયાર કરવા :ગુલાબને વધુ સુર્યપ્રકાશ જરૂરી હોવાથી ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ. દેશી ગુલાબના છોડ રોપવા માટે ઉનાળામાં ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી. માપના ખાડા ખેતરમાં ખોદવા તેમજ તે ખોડેલ ખાડાની માટીને ૧પ થી ર૦ દિવસ સુધી સૂર્યના તડકામાં તપવા દેવા. ખોદેલ માટીમાં જૂનજુલાઈ માસમાં ૮ થી ૧૦ કિલો સારૂ કહોવાયેલુ છાણિયું ખાતર અથવા ર૦૦ ગ્રામ દિવેલી ખોળ ભેળવવો આ ઉપરાંત ઉધઈના રક્ષણ માટે કલોરપાયરીફોસ અથવા મિથાઈલ પેરાથિયોન પાઉડર રપ થી ૩૦ ગ્રામ માટીમાં ઉમેરવા જોઈએ.
સંવર્ધન : દેશી ગુલાબનુ સંવર્ધન કટકા કલમ અને ગુટીકલમથી કરવામાં આવે છે આ પધ્ધતિ સરળ અને સસ્તી છે.
રોપણી સમય અને રોપણી અંતર : ગુજરાતમાં દેશી ગુલાબની રોપણી માટે જૂનજુલાઈ માસ વધુ અનુકુળ છે ભારે વરસાદ પડી ગયા બાદ છોડની રોપણી કરવી જોઈએ. જો વધુ ભારે વરસાદ ચાલુ રહેતો હોય તો સપ્ટેમ્બર થી નવેમ્બર માસ સુધી રોપણી કરી શકાય છે. પરંતુ ચોમાસામાં કરેલ રોપણીની સરખામણીમાં ફૂલો પ્રથમ વર્ષે ઓછા ઉતરે છે. ગુજરાતમાં દેશી ગુલાબનું વાવેતર ૯૦ સે.મી. × ૯૦ સે.મી. અથવા ૧પ૦ સે.મી. × ૯૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. ગુલાબનું વાવેતર પહોળા અંતરે કરવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી મળતી હોવાથી ફુલોનું ઉત્પાદન ઓછું મળે છે છોડની રોપણી માટે અગાઉથી તૈયાર કરેલ ખાડાની મધ્યમાં દેશી ગુલાબની કલમો રોપવી. જેના માટે પ્લાસ્ટિક બેગ જેટલી જગ્યાનો ખાડો કરવો અને ત્યારબાદ મૂળને ઈજા ન થાય તે પ્રમાણે કાળજીપૂર્વક પ્લાસ્ટિક બેગ કાપીને માટીનો પિંડ તૂટે નહિ તે પ્રમાણે છોડને ખાડામાં રોપવો અને ખાડામાં માટી નાખીને બરાબર દબાવવું અને તુરત જ પાણી આપવું. જરૂરી જણાય તો છોડને ટેકા આપવા જોઈએ.
ખાતર : દેશી ગુલાબના છોડનુ વધુ ઉત્પાદન મેળવવા તેમજ સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા માટે છોડની રોપણી બાદ વર્ષમાં ત્રણ વખત સપ્રમાણ (જૂન, ઓકટોબર અને જાન્યુઆરી) માં ખાતરો આપવા જોઈએ. જેમાં દર વર્ષે છોડ દીઠ ૩ થી ૪ કિલો છાણિયું ખાતર તથા પ૦ : પ૦ : રપ ગ્રામ ના.ફો.પો. તત્વ જમીનમાં આપવંુ આણંદ ખાતે થયેલ ભલામણ મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ ઉંમરના દેશી લાલ ગુલાબ પાકને છોડ દીઠ ૪૦ ગ્રામ નાઈટ્રોજન, (૮૭ ગ્રામ યુરિયા) ૪૦ ગ્રામ ફોસ્ફરસ (રપ૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ) અને રપ ગ્રામ પોટાશ (૪ર ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ) જમીનમાં ત્રણ સરખા ભાગે અનુક્રમે જૂન, ઓકટોબર અને જાન્યુઆરી માસમાં આપવો અને ત્યારપછી બે દિવસે છોડ દીઠ ૧ મિ.લિ. એઝોસ્પાઈરીલમ તથા ૧ મિ.લિ. પી.એસ.બી. ર૦૦ મિ.લિ. પાણીમાં મિશ્રણ કરીને ત્રણ સરખા ભાગે જમીનમાં આપવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે.
છાંટણી :દેશી ગુલાબમાં છાંટણી એક વર્ષ કે વધુ ઉંમરના જૂના છોડની કરવામાં આવે છે ગુજરાતમાં ઓકટોબર માસનું બીજુ પખવાડીયુ છાંટણી માટે વધુ અનુકુળ છે એક વર્ષ જૂની સારી ડાળીઓને ૪ થી ૬ સારી આંખો રાખીને છાંટણી કરવી. સામાન્ય રીતે છાંટણી જમીનની સપાટીથી ૪પ થી ૬૦ સે.મી. ઉંચાઈએ કરવી છાંટણી કર્યાબાદ ૪પ થી પ૦ દિવસે છોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે વારંવાર છાંટણી કરવાથી છોડ નબળો પડે છે.
પિયત :દેશી ગુલાબને પાણીની જરૂરિયાત ૠતુ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. ખેતરમાં નવી રોપેલ કલમ/છોડને શરૂઆતમાં એક અઠવાડીયા સુધી દરરોજ ભેજ જળવાઈ રહે તેટલુ પાણી આપવુ. ત્યારબાદ શિયાળામાં ૮ થી ૧૦ અને ઉનાળામાં ૪ થી પ દિવસે પિયત આપવું અને ચોમાસામાં જરૂર જણાય તો જ પાણી આપવું. શકય હોય તો ટપક સિંચાઈ પધ્ધતિ (ડ્રિપ ઈરિગેશન)નો ઉપયોગ કરવો જોઈએ.
નીંદામણ અને આંતર ખેડઃપિયત આપ્યા બાદ વરાપ થયા પછી જરૂર મુજબ કરબડી અથવા કોદાળી વડે ગોડ કરવો. છોડના થડની વધુ નજીક બહુ ઉંડેથી ગોડ કરવો નહીં. ગુલાબમાં નિયમિત છોડના ખામણામાં ઉગેલુ નીંદામણ તથા નવા પીલા દૂર કરતા રહેવુ ગુલાબના પાકમાં નીંદામણ નહિવત હોય છે જેથી દાતરડી કે ખુરપી વડે ઘાસ કાઢતા રહેવું.
અન્ય કાળજી :દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ૠતુમાં માર્ચએપ્રિલ માસમાં ફૂલો ઉતારી લીધા પછી આંબા કે આસોપાલવના સુકા પાદડા અથવા ડાંગરના ફોતરાંનું આચ્છાદન છોડની આજુબાજુ પાથરવાથી ભેજનો સંગ્રહ થાય છે તેમજ નીંદામણ વૃધ્ધિ અટકાવી શકાય છે. આણંદ ખાતે થયેલ સંશોધન મુજબ દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ૠતુમાં (માર્ચમે) ડાંગરના ફોતરાનું આચ્છાદન છોડની આજુ બાજુ પ સે.મી. જાડાઈનો થર કરવાથી ફુલોનું વધુ ઉત્પાદન મળે છે. ગુલાબના છોડ ઉપરથી સુકાયેલ, રોગ કે જીવાતથી નુકશાન પામેલી આડીઅવળી ફેલાતી ડાળીઓ કે નડતરરૂપ ડાળીઓને દૂર કરવી જોઈએ.
પાક સંરક્ષણ :દેશી ગુલાબના છોડ ઉપર મુખ્ય જીવાતોમાં મોલોમશી, થ્રિપ્સ, ભીંગડાવાળી જીવાત, તેમજ રોગોમાં ડાયબેક છારો, પાન ઉપર ટપકાં પડવાં વગેરે જોવા મળે છે જેના માટે ભલામણ કરેલ યોગ્ય જંતુનાશક ફુગનાશક દવાઓનો છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.
મોલો: મોલો એ બહુભોજી જીવાત છે. બચ્ચાં અને પુખ્ત કીટક નાના સમૂહ સ્વરૂપે છોડના કુમળા ભાગો જેવા કે ડૂંખ, કળી, ફૂલ તેમજ પાન પર સ્થાયી થઈ રસ ચૂસે છે. સફેદમાખીની જેમ આ જીવાત પણ ગળ્યા પદાર્થનું ઝરણ કરે છે જેના પર કાળી ફૂગ વિકસે છે અને પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે.
સંકલિત વ્યવસ્થાપન
થ્રિપ્સ: પુખ્ત કીટક કદમાં નાનું, એકાદ મી.મી. લાંબું, સાંકડી પાંખોવાળું, તેમજ પાંખોની ધાર પર રૂવાંટી જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત કીટક કુમળાં પાન, ક્ળી અને ફૂલની પાંખડીઓ ઉપર મુખાંગો દ્રારા ઘસરકાં પાડી તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન અને કળી ઉપર ઉઝરડા પડવાને લીધે ભૂખરાં બદામી ધાબા જોવા મળે છે. ઉપદ્રવિત કળી બરાબર ખીલતી નથી અને ફૂલોની ગુણવત્તા પર માઠી અસર થાય છે.
સંકલિત વ્યવસ્થાપન
લાલકથીરી :પાનકથીરી એ અષ્ટપાદી હોવાથી કીટકો કરતાં જુદી પડે છે. પાનકથીરીનાં બચ્ચાં અને પુખ્ત કુમળાં પાન અને વૃધ્ધિ પામતાં ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે.
સંકલિત વ્યવસ્થાપન
ભીંગડાવાળી જીવાત :બચ્ચાં અને માદા કીટક મીણના પાતળા ભીંગડા જેવા આવરણથી ઢંકાયેલા હોય છે. બચ્ચાં અને માદા કીટકો કુમળા પાન અને થડ ઉપર સ્થાયી થઈને સતત રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે છોડના પાન અને આખું થડ અસંખ્ય ભીંગડાઓથી છવાય જાય છે. છોડનો વિકાસ રૂંધાય છે અને ક્યારેક છોડ સુકાઈ જાય છે.
સંકલિત વ્યવસ્થાપન
ફૂલો ઉતારવા / ફૂલોની વિણી : સામાન્ય રીતે દેશી ગુલાબના ફૂલોની વીણી હંમેશા વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલાં અથવા સાંજના સમયે સાધારણ ખીલેલા અથવા તરત જ ખીલવાની તૈયારીવાળા ફૂલો ઉતારવા જોઈએ અને ફૂલોને ઉતાર્યા બાદ તુરંત જ વાંસના ટોપલામાં કે ભીના કંતાનમાં કે કપડામાં બાંધી બજારમાં વેચાણ માટે મોકલવા જોઈએ.
ફૂલોનું ઉત્પાદન :દેશી ગુલાબના ર થી ૩ વર્ષના છોડનું ફૂલોનું અંદાજીત ઉત્પાદન ૮ થી ૧૦ ટન જેટલું મળે છે.
સર્વે ગુલાબો પૈકી "દમાસ્ક રોઝ" નામની જાતમાંથી સુગંધીત તેલ કાઢવામાં આવે છે. તેની જુદી જુદી બનાવટો નીચે મુજબ છે.
લેખકો :
શ્રીમતી અમિતા બી. પરમાર, વૈજ્ઞાનિક (બાગાયત)
ડોં. એચ.સી. પટેલ, આચાર્ય બાગાયત કોલેજ
ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020