ઉનાળામાં જયાં પિયતની સગવડતા હોય ત્યાં શિયાળુ પાક લીધા બાદ ફાજલ પડતી જમીનમાં ટંુકાગાળામાં પાકતી ઉનાળુ મગની જાતનુ વાવેતર કરી વધારાની આવક મેળવી શકાય છે. એટલુ જ નહિ પરંતુ પાક ફેરબદલીમાં મગ જેવા કઠોળ પાકનો સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા તેમજ બંધારણ સુધરે છે અને ઉનાળામાં પવનથી થતું જમીનનું ધોવાણ પણ અટકે છે.
આપણો દેશ અને રાજયના શાકાહારી લોકોના દૈનિક આહારમાં મુખ્યત્વે શર્કરાયુકત ધાન્ય પદાર્થ હોય છે. તેથી ખોરાકમાં પ્રોટીનની ઉણપને લીધે તેની શકિત અને તંદુરસ્તી ઉપર માઠી અસર થાય છે. દરેક મનુષ્યના દૈનિક ખોરાકમાં ૮૦ થી ૧૦૦ ગ્રામ કઠોળ હોવા જરૂરી છે, જયારે ભારતનું કઠોળ ઉત્પાદન જોતા દરેક માથાદીઠ સરેરાશ ર૯ ગ્રામથી પણ ઓછુ કઠોળ ઉપલબ્ધ થાય છે. આ ઉણપને પહોંચી વળવા માટે ચોમાસુ ઉપરાંત ઉનાળુ મગનું વાવેતર કરવું જોઈએ. મગમાં રર થી ર૪ ટકા જેટલંુ પ્રોટીન રહેલ છે.
હળથી કે ટ્રેકટરથી ઉંડી ખેડ કરી અગાઉના પાકના જડિયાં, મૂળીયા વીણી બે વખત કરબથી આડીઉભી ખેડ કરી સમાર મારી જમીન પોચી ભરભરી અને સમતળ બનાવવી.
દક્ષિણ ગુજરાતના ખેડુતો માટે ફેબુ્રઆરી મહિનાના ર૩ અઠવાડિયામાં અને મધ્ય તથા ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર ના ખેડુતો માટે માર્ચના પ્રથમ અઠવાડિયામાં મગનું વાવેતર કરવાની ભલામણ છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળું મગમાં પાકમાં પીળા પચરંગીયા રોગનો ઉપદ્રવ જોવા મળે છે. ખાસ કરીને હાલની પ્રચલીત જાતોએ આ રોગ સામે પ્રતિકાર શકિત ગુમાવી છે. આ સંજોગોમાં ઉનાળુ ૠતુ માટે પીળા પચરંગીયા રોગ સામે પ્રતિકાર શકિત ધરાવતી જાત પસંદ કરવી જોઈએ. કાનપુર ખાતેથી બહાર પાડવામાં આવેલ મેહા જાત આ રોગ સામે પ્રતિકાર શકિત ધરાવે છે જેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખેડુતો આ જાતનું વાવેતર કરતાં થયા છે. આ જાતના દાણાનું કદ નાનું હોવાથી બજાર ભાવ ઓછો મળે છે. હાલમાં કઠોળ સંશોધન કેન્દ્ર, મોડલ ફાર્મ, વડોદરા ખાતેથી પ્યોર લાઈન સીલેકશન દવારા ગુજરાત આણંદ મગપ (જી. એ. એમ.પ) જાત વિકસાવવામાં આવી છે. વિવિધ સંશોધન કેન્દ્રો ખાતે ચકાસણી કરતાં આ જાતે હાલની પ્રચલીત જાત જી.એમ.૪ અને મેહા કરતાં અનુક્રમે ૩ર.૧પ અને ૧પ.ર૭ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. જેની સરેરાશ ઉત્પાદકતા ૧૮૧૧ કિ.ગ્રામ/હે. માલુમ પડેલ છે. આ જાતના દાણા ચળકતા લીલા રંગના અને કદમાં મોટા છે. શીંગ દીઠ દાણાની સંખ્યા પણ વધુ જોવા મળેલ છે. આ જાત જી.એમ૪ ની સરખામણીએ વધુ કુલ કાર્બોદિત પદાર્થ (ર૪.૩૩%) અને કુલ દ્રાવ્ય શર્કરા (૧૭.૬ર%) ધરાવે છે. મગની પ્રચલીત જાત જી.એમ.૪ (૬૬.૮%) ની સરખામણીએ આ જાતમાં વિષાણુથી થતાં પીળા પચરંગીયા રોગનું પ્રમાણ માત્ર ૪.૧% જોવા મળેલ. આ જાતમાં સફેદ માખીનું પ્રમાણ અને શીંગ કોરી ખાનાર ઈયળનું નુકશાન જીે.એમ.૪ની સરખામણીએ ઓછું જોવા મળેલ છે.
બીજનુ વાવેતર કરતાં પહેલાં પારાયુકત દવા જેવી કે થાયરમ અથવા કેપ્ટાનનો ર થી ૩ ગ્રામ પ્રતિ કિલો બિયારણ મુજબ પટ આપવો કે જેથી જમીન અને બીજ જન્ય રોગોથી સ્ફુરણ થતા છોડનું રક્ષણ થઈ શકે.
ત્યાર બાદ બિયારણને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપી વાવેતર કરતાં ૧૦ કી.ગ્રા. નાઈટ્રોજનનો બચાવ કરી ઉત્પાદન ખર્ચ ઓછુ કરી શકાય છે. આ માટે ૧ કી.ગ્રા. બીજ દીઠ ૧૦ મી.લી. પ્રવાહી જૈવિક કલ્ચરની જરૂર પડે છે. પટ આપ્યા બાદ બીજને છાંયડામાં સુકવવા દઈ વાવેતરના ઉપયોગમાં લેવું
પારાયુકત દવાની માવજત પછી બીજ માટે રાઇઝોબિયમ કલ્ચરનો બમણો જથ્થેા વાપરવો.
મગનું વાવેતર કરવા પ્રતિ હેકટરે ર૦ થી રપ કિલોગ્રામ બિયારણની ભલામણ કરવામાં આવેલ છે.
મગના બે ચાસ વચ્ચે ૩૦ સે.મી. તથા બે છોડ વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. અંતર રાખવાથી છોડની યોગ્ય સંખ્યા જળવાઈ રહેતાં વધુ ઉત્પાદન મળે છે.
ઉનાળુ મગ માટે વાવણી પહેલાં જમીન તૈયાર કરતી વખતે ર૦ કિલો નાઈટ્રોજન, ૪૦ કિલો ફોસ્ફરસ અને ર૦ કિલો સલ્ફર પ્રતિ હેકટરે ચાસમાં ઉંડુ ઓરીને આપવું. સલ્ફર (ગંધક) આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવત્તામાં વધારો કરી શકાય છે.
ઉનાળુ મગમાં જમીનની પ્રત અને હવામાન પ્રમાણે ૧૦ થી ૧પ દિવસના અંતરે પ થી ૭ પિયત આપવાની જરૂર પડે છે. સામાન્ય રીતે આ પાકની કટોકટીની અવસ્થા જેવીકે ડાળી ફુટવી, ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાય ત્યારે પાણી ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ અવસ્થાએ પિયતની ખેંચ પડવાથી પાક ઉત્પાદન ઉપર ખુબજ માઠી અસર થઈ શકે છે. ઉનાળુ મગ માટે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ૯ થી ૧૦ દિવસના ગાળે ૭ પિયત આપવા તેમજ દક્ષિણ ગુજરાત માટે ૧પ થી ર૦ દિવસના અંતરે પ પિયત આપવાં.
ઉનાળુ મગના પાકને બે નિંદામણ અને તેમજ આંતર ખેડ કરી તદ્દન નિંદામણ મુકત રાખવો. જો મજુરોની અછત હોય તો ફલુકલોરાલીન (૪પ ઈ.સી.) ૧ કીલો સક્રીય તત્વ પ્રતિ હેકટર અથવા પેન્ડીમીથાલીન (૩૦ ઈ.સી.) ૧ કીલો સક્રીય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી પાકના વાવેતર બાદ અને બીજના ઉગાવા પહેલા એટલે કે પ્રિઇમરજન્સ તરીકે જમીન ઉપર પંપથી છાંટવાથી નિંદણનંુ નિંયત્રણ થઈ શકે છે.
ઉનાળુ મગના પાકામાં ખાસ કરીને પીળો પચરંનીયો રોગ જોવા મળે છે. આ રોગના નિંયત્રણ માટે પ્રતિકારક શકિત ધરાવતી મેહા અથવા જી. એ. એમ.પ જાતનુ વાવેતર કરવુ. રોગિષ્ટ છોડને વહેલી તકે ઉપાડીને નાશ કરવો. આ રોગ સફેદ માખીને કારણે ફેલાય છે તેથી તેના નિંયત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મી.લી. અથવા મિથાઈલઓડીમેટોન રપ ઈ.સી. ૧૦ મી.લી. અથવા ટ્રાઈઝોફોસ ૪૦ ઈ.સી. ર૦ મી.લી. અથવા એસીફેટ પાવડર ૭પ એસ.પી.૧૦ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર૦ એસ.પી. પાવડર ર ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગના પાકમાં ફુલ અવસ્થાએ તેમજ શીંગો બેસવાની અવસ્થાએ લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો તેના નિંયત્રણ માટે સંકલિત જીવાત નિંયત્રણનો અભિગમ અપનાવવો. આમ છતાં જીવાત ક્ષમ્ય માત્રાં વટાવે તો પ્રોફેનોફોસ પ૦ ઈ.સી. ર૦ મી.લી. અથવા કવીનાલફોસ રપ ઈ.સી. ર૦ મી.લી. અથવા કલોરેનટ્રેનીલીપ્રોલ ૧૮.પ એસ.સી. ૩ મી.લી. અથવા ફલુબેન્ડીયામાઈડ ૪૮ એસ.સી. ર મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧પ દિવસના અંતરે બીજો છંટકાવ કરવો.
કોઈપણ પાકમાં વીણી કે કાપણી ખૂબજ અગત્યનંુ અંગ છે. સમયસર કાપણી કરવામાં ન આવે તો પક્ષીઓથી ખુબજ નુકશાન થાય છે મગના પાકમાં ૮૦ ટકા શીંગો પાકી જાય ત્યારે બપોર પહેલા કાપણી કરવી જેથી શીંગો અને દાણા ખરી ન જાય. કાપણી કર્યા બાદ એકાદ અઠવાડીયુ સૂર્યના તડકામાં સુકવ્યા બાદ બળદ/ટ્રેકટરથી મસળી પવનથી ઉપણી સાફ કરી ગ્રેડીંગ કરીને સંગ્રહ કરવો જોઈએ.
લેખક :શ્રી યોગેશ સી.લકુમ વિષય નિષ્ણાત (એગ્રોનોમી)ર્ડા. જી. જી. પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ર્ડા. વી.વી.સોનાણી સંશોધન વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર ડેરોલ શ્રી સી.એફ.મકવાણા પ્રોગ્રામ આસીસ્ટન્ટ (ફાર્મ મેનેજર) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી દેવાતજ સોજીત્રા ૩૮૭ર૪૦
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020