অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ

બદલાતા જતા વાતાવરણમાં જળ અને જમીન સંરક્ષણ

વાતાવરણનું તાપમાન વધશે

 • પાકોની પાણીની જરૂરિયાત વધશે જેને કારણે પિયત વિસ્તાર ઘટશે.
 • બહારના વાતાવરણમાં વધી રહેલ અંગારવાયુના પ્રમાણને કારણે પાક તેના પાંદડામાં જરૂરી અંગારવાયુને સંતુલિત નિયંત્રણ કરવા પર્ણરંધ્રો ઓછા ખોલશે જેને કારણે પર્ણમાંથી ઉડી જતુ પાણીનું પ્રમાણ ઘટશે. આથી વધતા તાપમાન સાથે વધતી પાણીની જરૂરિયાત મહદ અંશે ઘટશે.
 • એકદમ ગરમી અને એકદમ ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે પાકને ગરમી અને ઠંડીથી બચાવવા રક્ષણ માટેના ઉપાયો અજમાવવા પડશે.
 • વધતા તાપમાનને કારણે પાકને બચાવવા માટે માઈક્રો કલાઈમેટને નિયંત્રિત કરવા માટે શેઢા ફરતે વૃક્ષો વધારવા પડશે.
 • બપોરના ગાળામાં ગરમી લૂ થી પાકને બચાવવા બાઉન્ડ્રી પર ફુવારા ચલાવીને માઈક્રો કલાઈમેટ નિયંત્રિત કરવું પડશે.
 • ટપક પદ્ધતિ જેવી પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી મર્યાદિત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે.
 • મલ્ચિગનો ઉપયોગ કરવાથી ભીની જમીનમાંથી વધતા તાપમાનને કારણે વધી રહેલ બાષ્પીભવનને રોકવું પડશે.
 • વધુ તાપમાનવાળા સમયગાળામાં ખૂબ જ વધુ તાપમાન ધરાવતા વિસ્તારમાં ભૂમિગત પિયત પદ્ધતિ અપનાવી પાકની પાણીની જરૂરિયાત ઘટાડવી પડશે.
 • વરસાદ અનિયમિત થશે, વરસથી વરસ અને વરસ દરમ્યાન પણ વરસાદના વિતરણમાં અનિશ્ચિતતા વધશે જેને કારણે પાક ઉત્પાદન પર માઠી અસર પહોંચશે જેમકે, વરસાદ સમય અને સ્થળ બાબતે અનિયમિત થશે, વરસાદના દિવસો ઘટશે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ વગેરે.

ઉપાયો :

આજના આ બદલાતા વાતાવરણના જમાનામાં સૌથી વધુ અગત્યની કામગીરી જમીનમાં ભેજને વધારે પ્રમાણમાં અને લાંબા સમય સુધી ટકાવવાની છે.

ખેડાણ જમીનમાં પાણીનો સંગ્રહ:

(ક) ખેડાણ જમીનમાં ભેજ સંગ્રહ માટે જે તે ખેતરમાં જ વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કરવા માટે નીચેની પદ્ધતિઓ અપનાવવી :

 • વધુ ભેજ સંગ્રહ માટે સમોચ્ચ રેખા પર ખેતી તથા ઘાસની જીવંત વાડ બનાવવી. સમોચ્ચ ખેતી કરવાથી જળ અને જમીનનું સંરક્ષણ થાય છે.
 • ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું.
 • પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી.
 • ભારે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો.
 • આંતરપાક, મિશ્રપાક, પટ્ટીપાક વગેરે આધુનિક પદ્ધતિઓ અપનાવવી.
 • ખેતર ફરતે પાળા બાંધવા અને જીવંત વાડ બનાવવી.
 • વધારે ઢાળવાળી જમીન પર વાનસ્પતિક વાડ બનાવવી. વરસાદની ખેંચ વધુ પડતા વરસાદમાં ટકી શકે તેવા પાકો જાતો વિકસાવી/અપનાવવી.
 • સેન્દ્રિય પદાર્થોનું મલ્વેિગ આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવવાથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે છે.
 • હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ થશે.
 • વધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતા વધુ સમય ચાલુ રહે તો આવા સંજોગોમાં બે હાર વચ્ચે સંગ્રહ થયેલ પાણીને બંને છેડેથી યોગ્ય નિતાર થાય તેવી વ્યવસ્થા રાખવી.
 • જમીનની નિતાર શક્તિ વધુ રહે તે માટે રેતી મોરમ  સેન્દ્રિય ખાતર ઉમેરીને વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારીને મૂળ વિસ્તારમાં ભેજસંગ્રહ રાખી શકાય તેમજ ભૂગર્ભજળ રીચાર્જ ઓછા ખર્ચે કરી શકાય.
 • જમીન અને વિસ્તાર પ્રમાણે અમુક અંતરે (૧૦)૨૦૦ ફૂટના અંતરે) સમોચ્ચ પાળા બનાવીને પાણીને બે પાળા વચ્ચે સંગ્રહ કરી અને પાક પ્રમાણે અમુક દિવસે તેને બહાર નિતાર કરી શકાય તેવી વ્યવસ્થા રાખવી જોઈએ.

ખેતરમાંથી બહાર વહી જતા વધારાના પાણીનો જમીનનું ધોવાણ થવા દીધા સિવાય યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે નીચેના વિકલ્પો અપનાવવા :

 • ખેત તલાવડી બનાવી પાણીનો સંગ્રહ કરવો અને પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું.
 • વહી જતા પાણીને આધુનિક પદ્ધતિ કૂવા અથવા બોરમાં વાળી ભૂગર્ભ જળ સંચય કરવો.

બિન ખેડવાણ જમીનમાં પાણીનો સંગ્રહ :

બિન ખેડવાણ જમીન એટલે સામાન્ય રીતે વધારે ઢાળવાળી, ખાડા ટેકરાવાળી, ખરાબા અને પડતર બિન ઉત્પાદકીય જમીન. આ જમીનની સંગ્રહશક્તિ ઓછી હોવાને કારણે પાણી ઝડપથી વહી જતું હોવાથી જમીનનું ધોવાણ વધુ થાય છે. જેને નિયંત્રણ કરવા તેમજ સંગ્રહશક્તિ વધારવા માટે નીચે મુજબના વિકલ્પો અપનાવવા જોઈએ.

 • કટુર ટ્રેન્ચ બનાવી વૃક્ષો તથા બાગાયતી પાકોનું વાવેતર કરી શકાય.
 • ઢાળવાળા જમીનમાં જમીન સંરક્ષણ માટે સ્ટેગર્ડ ટ્રેન્ચ બનાવી વૃક્ષો, ક્ષુપો અને ઘાસનું વાવેતર કરી શકાય.
 • નાની ગલી ઝરણામાં જીવંત અથવા બ્રશ આડબંધ બનાવવા હિતાવહ છે.
 • મોટા વહેણ કે વોકળામાં માટી, પથ્થરનો આડબંધ અથવા તો બોરીબંધ બનાવી જળસંગ્રહ કરી શકાય.
 • પાણીને રોકવા માટે વહી જતા વોકળા, નાળા વગેરેમાં પ્રવાહને કાટખૂણે પાકા આડબંધ બનાવવા.

વરસાદ એક સાથે વધુ પડતો પડશે જેને કારણે કિંમતી જમીનનું ધોવાણ વધશે

 • દા.ત. તા. ૨૪-૬-૨૦૧૫ના રોજ અમરેલીના અમુક ગામોમાં માત્ર એક દિવસમાં ૩૬ થી ૪૦ ઈંચ વરસાદ પડવાથી જમીનનું ધોવાણ સાથે પાકનો પણ સફાયો થવા પામેલ હતો અને ત્યારબાદ વરસાદ ખેંચાતા બચેલ પાકમાં પણ પાણીની ખેંચ વર્તાતા તેનું ઉત્પાદન પણ થયેલ હોતું.
 • અતિવૃષ્ટિના બનાવોમાં વરસાદનું પાણી ખેતરની અંદર જ જમીનમાં ઝમણ દ્વારા વધુમાં વધુ પાણી જમીનમાં ઉતરે તે માટેના તમામ ઉપાયો અજમાવવા જોઈએ.
 • ખેતર ફરતે પત્થરના અને જો પત્થર સરળતાથી પ્રાપ્ય ન હોય તો માટીના પાળા બનાવીને તેમાં જમીનના કણને જકડી રાખે તેવા ઘાસ વાવવા (દા.ત. સ્ટાઈલો હેમેટા, જીંજવો, કેતકી વગેરે) જેથી વધુ પડતા વરસાદ થાય તો વરસાદનું પાણી સરળતાથી વહી જાય અને માટીનું ધોવાણ ન થાય. વળી પાણી એકદમ ધીમેથી વહન થવાથી ખેતરમાં વધુ સમય પાણી ભરાઈ રહેવાથી વધુ પાણી જમીનમાં ઉતરશે.
 • ખેતરનું પાણી યોગ્ય ફિલ્ટર (જૂકર્યું, જૂનાગઢ દ્વારા વિકસિત)માં ગાળીને કૂવા કે બોર દ્વારા ભૂગર્ભજળ રીચાર્જ કરવું. જેથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પાકને સિંચાઈ આપીને જીવનદાન આપી શકાય.
 • ખેતરમાંથી બહાર નીકળતા પાણીને નાના-મોટા વોકળામાં પત્થરના આડબંધ પાકા ચેકડેમ બનાવીને સંગ્રહ વધારવો જોઈએ. (દા.ત. ખોપાળા ગામમાં ખેતરમાંથી વહી જતા પાણીને રોકવા ફરતે ખાઈ બનાવી તેમાં આડબંધ બનાવીને પાણી સંગ્રહ થાય છે. જો કે આ આડબંધમાં યોગ્ય ડીઝાઈનના અભાવે પરિણામ જોઈએ તેવું મળેલ નથી).
 • ખરાબાની જમીન ગોચરમાં ઢાળની આડી દિશામાં યોગ્ય ડીઝાઈનની ટ્રેન્ચ (ખાઈ) બનાવીને સંગ્રહ કરવો જોઈએ અને તેમાં વૃક્ષો વાવીને શિયાળા ઉનાળા ઋતુ માટે ઘેટા બકરા ઊંટનો ચારો મેળવી શકાય.
 • કુદરતી રીતે નીચાણવાળા ભાગમાં ખાડામાં નદી નાળાનું પાણી વાળી તેમાં પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભજળ રીચાર્જ કરી શકાય.
 • ખાસ કરીને ભૂગર્ભના ખૂબ જ નીચેના સ્તરોમાં ટયુબવેલ દ્વારા ભૂગર્ભજળ રીચાર્જ કરવો જોઈએ.

(૪) એકી સાથે વધુ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં લાંબો સમય સુધી પાકોના ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પાક બળી જવાની પૂરી શક્યતા રહે છે :

 • હવે પાણી સંગ્રહ સાથોસાથ તેનો ઈચ્છિત સમયમાં નિકાલ થાય તેનો પણ ખ્યાલ રાખવો પડશે. ખેતરમાં પાણી સંગ્રહ માટે પાણીનો કાઠીયો જમીનથી ઊંચે એકાદ ફૂટ જેવો ઊંચો રાખવો અને સાથોસાથ જરૂરી સમયે પાણી નિકાલ કરવો હોય તો જમીન લેવલે પ્લગ ખુલ્લા કરી શકાય તેવી રીતે પાઈપ મૂકવા જોઈએ.

(૫) વૈશ્વિક ગરમાવાને કારણે બરફ પીગળીને દરિયામાં જતા દરિયાની સપાટી ઊંચી આવતી જાય છે જેને કારણે ખેતીની જમીન ડૂબમાં વધતી જશે અને દરિયાનું પાણી જમીનમાં લાંબા અંતર સુધી ઘુસતા વધુ વિસ્તારના, જમીનમાં ભૂગર્ભ જળની ગુણવત્તા ઉપર અસર પહોંચશે અને વધુ જમીન ખારાશવાળી બનશે.

 • જમીનની અંદર ઘુસતા દરિયાના ખારા પાણીને રોકવા માટે જળ સંચયના ઉપાય અજમાવીને ભૂગર્ભ જળના સ્તર જાળવવા પડશે. આ માટે જમીનમાં ઝમણ દ્વારા વરસાદનું પાણી ખેતરમાં જ રોકવા માટેના ઉપાયો અજમાવવા જોઈશે તેમજ ખેતરની બહાર નદી નાળા પર પત્થર કે માટીના આડબંધ બાંધીને પાણી રોકીને ભૂગર્ભમાં ઉતારવું પડશે. કુદરતી રીતે નીચાણવાળા ભાગમાં નાળાનું પાણી વાળીને ભરવું જોઈએ. ખરાબાની જમીનમાં ખાડા ખોદીને તે જમીનનું પાણી ભૂગર્ભમાં ઉતારવું જોઈએ.
 • જમીનની ખારાશને દૂર કરવા માટે તેમાં જરૂર કરતા વધુ પિયત પાણી આપીને વધારાના પાણીનો નિતાર કરવાથી જમીનની ખારાશને નિયંત્રિત કરી શકાશે. આ માટે ચોમાસામાં વરસાદના જમીનમાં ઉતરતા પાણીને પણ નિતારવાથી જમીનની ખારાશને રોકી શકાય.

વાતાવરણ બદલાવ સામે ખેતીને ટકાઉ બનાવવાના વિવિધલક્ષી ઉપાયો :

વાતાવરણ બદલાવને કારણે જમીન અને પાણીનું સંરક્ષણ તેમજ તેનું આયોજન અને કાર્યક્ષમ ઉપયોગ કરવો ખૂબજ અગત્યનું અને જરૂરી બની રહેશે. આથી ભાગ-૧માં જણાવેલ જળસ્ત્રાવ વિસ્તાર આધારિત જળ અને જમીન સંરક્ષણ પૈકીના પરિસ્થિતિ મુજબના અનુકુળ દરેક ઉપાયો અપનાવીને ભાગ-રમાં વર્ણવેલ મુજબની આધુનિક પિયત અદ્ધતિઓ અપનાવવી જોઈએ.

ભાગ-૧ : જળસ્રાવ વિસ્તાર આધારિત જળ અને જમીન સંરક્ષણ :

જેટલા વિસ્તારનું વરસાદથી વહેતુ પાણી એક જગ્યા પર આવીને મળતુ હોય તેટલા વિસ્તારને વોટરશેડ કહેવામાં આવે છે. જેના હેતુઓ

 • વરસાદના વહેતા પાણીથી થતું નુકસાન અટકાવવા માટે, વરસાદના વહેતા પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ માટે
 • જમીનનું ધોવાણ અટકાવવા અને ડેમમાં જમા થતી માટીને અટકાવવા માટે
 • નીચાણવાળા વિસ્તારને પૂરથી બચાવવા માટે
 • ભૂગર્ભ જળના રીચાર્જ માટે
 • જમીનને તેની ગુણવત્તાના આધારે મહત્તમ ઉપયોગ થવા માટે કરવામાં આવે છે.

જળસ્રાવ વિસ્તાર આધારિત જળ અને જમીન સંરક્ષણ કરવા માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

સળંગ સમોચ્ચ ખાઈ:

ટેકરાળ અને બિનખેતીલાયક જમીન વિસ્તારમાં વધુ ઢાળવાળી ટેકરી પર વી-ડીચ કરી વચ્ચે ઘાસનું વાવેતર તેમજ ડચ ઉપરના ભાગે લીમડા, ખાખરા, બાવળ જેવા વૃક્ષો વાવવામાં આવે છે. ઉપરાંત નીચે સુપ વાવવામાં આવે છે. ઉપરાંત નીચે પ થી ૬ ટકા ઢાળવાળા પ્રમાણમાં સપાટ ભાગમાં આવી ડચ કે ટ્રેન્ટના ભાગે અર્ધસુકા વિસ્તારના બાગાયતી પાકો જેવા કે દાડમ, સીતાફળ, બોરડી વગેરે વાવવામાં આવતા કૂવાઓમાં પણ પાણીનો વધારો થાય છે.

વાનસ્પતિક આવરણ:

જે જમીન સમતલ ન હોય અને ઊંચા નીચા ભૂપૃષ્ઠવાળી હોય તેમજ જમીન છીછરીથી મધ્યમ ઊંડાઈ ધરાવતી હોય અને જમીનનો ઢાળ બે ટકા કરતા વધારે હોય, જમીન બિનપિયત હોય અને સૂકા તથા અર્ધસૂકા વિસ્તારોમાં તેમજ વરસાદ આધારિત જમીનમાં ઢાળની આડી દિશામાં સરેરાશ ૪૦ થી ૬૦ મીટરના અંતરે ખેતરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એકસરખી ઊંચાઈના બિંદુ પરથી પસાર થતી સમોચ્ય રેખાઓ ઉપર ઘાસ કે તેના જેવી લાક્ષણિકતાઓ ધરાવતા સ્થાનિક ઘાસ વાવવાથી પાણીની વહેતી ગતિ ધીમી પડે છે અને વધુ પાણી જમીનમાં પહોંચે છે તેમજ સંગ્રહાલયે ભેજ જમીનમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

ખેતર સમતલ કરવું

ખેતરને સમતલ કરવાથી જમીન ધોવાણ, પાક ધોવાણ, પાકને પાણી લાગવાનો પ્રશ્ન તથા શેઢા પાળાના ધોવાણનો પ્રશ્ન રહેતો નથી.

ખેતર ફરતે પાળા બાંધવા :

જમીનની નિતાર શક્તિ સારી હોય અને જમીન સમતલ હોય તો વરસાદી પાણી ખેતર ફરતે પાળા બાંધી રોકવાથી જમીનમાં ઉતારી શકાય છે.

પાણી પ્રવાહના અવરોધક પાકોની પસંદગી :

ખેતર બહાર પાણીને વહી જતું અટકાવે તેવા પાકોની પસંદગી કરવી. વરસાદી પાણી જમીનમાં ઉતરીને સંગ્રહ કરવાનું બંધ થયા પછી ખેતરે બહાર જતુ રહે ત્યારે તે પાણીને ત્યાં જ અવરોધે તેવા પાક વાવવામાં આવે તો પાણીને જમીનમાં ઉતારવા માટેનો સમય મળી રહે છે. વહેતા પાણીનો વેગ (ગતિ) અવરોધાય છે જેથી જમીનનું ધોવાણ ઘટે છે.

ઢાળની આડી દિશામાં ખેડ કાર્યો કરવા :

ઢાળની આડી દિશામાં ખેડ કાર્યો કે પાકનું વાવેતર કરવાથી નાની પાળીઓ બંધાય છે જે પાણીના વહેણની ગતિ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમ થવાથી વધુ પાણી જમીનમાં ઉતરે છે.

પટ્ટીપાક પદ્ધતિથી વાવેતર કરવું:

ઢાળની વિરુદ્ધ દિશામાં પટ્ટીપાક પદ્ધતિથી વાવેતર કરવાથી જમીનનું ધોવાણ અટકે છે તેમજ જમીન ઉપરથી વહી જતા પાણીની ગતિ ઓછી થવાથી જમીનમાં વધારે પ્રમાણમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જમીનનો ઢાળ પ થી ૬% સુધીનો હોય ત્યાં પટ્ટીપાક પદ્ધતિ અનુકુળ માલૂમ પડે છે. જુદી જુદી પટ્ટીમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવાથી ફળદ્રુપતા જળવાઈ રહે છે અને એકમ દીઠ વધારે પાક ઉત્પાદન મળેલ છે.

પત્થરના આડબંધ:

નાના નાના નાળા ઉપર પાણીના પ્રવાહની આડે કાટખૂણે પથ્થરના આડબંધ ૧૦૦ થી ૩૦૦ મીટરના અંતરે કરવાથી પાણી ગળાઈને વહે છે. જેથી તેની ગતિ મંદ પડે છે અને પાણીને જમીનમાં ઉતારવાનો સમય વધુ મળે છે. આથી જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય છે.

માટીના બંધમાં ભરાતા પાણીની ઊંચાઈના આધારે તેના વિવિધ માપો

ક્રમ

પાણી ની ઊંડાઈ (મીટર)

બંધ ની ઉંચાઈ (મીટર)

બંધ નું તળિયું (મીટર)

બંધ નો ઉપર નો ભાગ(મીટર)

૧.૦૦

૨.૮

૯.૭૫

૩.૨૫

૨.૦૦

૩.૮

૧૭.૨૫

૩.૫૦

૩.૦૦

૪.૮

૨૪.૭૫

૩.૭૫

બોરીબંધ:

પાણીના નાના નાના વહેણ અથવા વોકળામાં બોરીબંધ દ્વારા પાણીને રોકવાથી વધુ પાણી જમીનમાં ઉતરે છે અને પાણીના વહેણની ગતિ ઘટે છે. સિમેન્ટની ખાલી થેલીઓમાં રેતી, માટી અથવા નાના કાંકરા ભરીને તેને પાણીના વહેણના આડે એક ઉપર એક એમ ગોઠવવામાં આવે છે. જયાં બાજુઓ માટીની બનેલ હોય તેમજ તેની પહોળાઈ પ મીટરથી વધુ ન હોય ત્યાં બોરી બંધ અસરકારક રીતે કામ કરે છે. બોરી બંધની ઊંડાઈ અડધાથી એક મીટર સુધીની રાખવામાં આવે છે.

ગેબિયન સ્ટ્રકચર:

જયા માટીના પ્લગ માટે કાઢીયો મળી શકે તેમ ન હોઈ તેવી જગ્યાએ પથ્થરની આડશ ઊભી કરી તેને ખાસ પ્રકારની જાળીથી બાંધવામાં આવે છે જેથી વોકળામાં પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઊંચા આવે.

માટીના ચેક ડેમ (નાના પ્લગ):

વોકળાનાળાના આડે બાંધવામાં આવતો માટીનો પાળો કે જે જમીનનું ધોવાણ અટકાવે અને જળ સંગ્રહ કરે તેનું મુખ્ય કાર્ય જમીનનું ધોવાણ અટકાવે પાણીનો સંગ્રહ કરે, ભૂગર્ભ જળ રીચાર્જ કરે.

પાકા ચેક ડેમ:

વોકળા નદીના આડે ચણતર કરી પાણીને રોકી સંગ્રહ કરવા જે બાંધકામ કરવામાં આવે છે તેને ચેકડેમ

(૧૩) ખેત તલાવડી:

કુદરતી નદી નાળા મારફતે દરિયામાં વહી જતા વરસાદના પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી એ એક સચોટ ઉપાય છે. વરસાદ પડે ત્યારે વહી જતુ વરસાદી પાણી આ ખેત તલાવડીમાં સંગ્રહાય છે અને વરસાદ ખેંચાય ત્યારે તે પાણીનો ઉપયોગ કરી પાકની કટોકટીની અવસ્થાએ પાકને પિયત આપી જીવતદાન આપી શકાય છે.

કૂવા રીચાર્જીગ:

વહી જતા પાણીને આયોજન બદ્ધ રીતે કૂવામાં ઉતારીને ભૂગર્ભ જળને રીચાર્જ કરી શકાય પરંતુ આ પાણી સીધુ કૂવામાં ઉતારવાથી વરસાદના પાણીમાં રહેલા માટીના બારીક કણો પાકના અવશેષો તેમજ અન્ય અશુદ્ધિઓ દ્વારા કૂવાની સરવાણીયો બંધ થવાની શકયતાઓ છે જેથી અમુક સમયે કૂવો નકામો બની જશે. આ પરિસ્થતિ ન ઉદ્ભવે તે માટે વરસાદના પાણીને ફિલ્ટર દ્વારા ગાળીને કુવામાં ઉતારવું જોઈએ.

બોરવેલ રિચાજીંગ:

કૂવાની જેમ જ બોરવેલને પણ રિચાર્જીગ કરી શકાય છે. આ કિસ્સામાં કૂવા રીચાર્જ માટે પ્રાપ્ય પાણીનું બરાબર ફિલ્ટરેશન કરવું જરૂરી છે. અન્યથા પાણીનો ડહોળ બોરવેલની સરવાણીઓમાં ભરાઈ જઈ પાણીની આવક ઘટે અથવા સદંતર બંધ થવાની સંભાવના રહે છે. બોરવેલ રીચાર્જીગ પદ્ધતિની ગોઠવણીમાં પાણીને ચોક્કસ રીતે કાટખૂણે વાળવાની કાળજી રાખવી જોઈએ જેથી અંદર ઉતરતુ પાણી બોરવેલની સપાટી સાથે અથડાય નહી અને એ રીતે નુકસાન ન થાય. સૌરાષ્ટ્રવિસ્તારમાં પાણી વિનાના નકામા બોરવેલની સંખ્યા ઘણી છે. આવા ખાલી બોરવેલના રીચાર્જીગ માટે ઉપયોગ કરવો હિતાવહ છે.

આધુનિક પિયત પદ્ધતિઓ :

ટપક (ડ્રિપ) પિયત પદ્ધતિ:

ટપક (ડ્રિપ) પદ્ધતિમાં પાણી ટીપે ટીપે છોડની જરૂરિયાત પ્રમાણે જ છોડને મૂળ પ્રદેશમાં દરરરોજ એકધાર્યું આપવામાં આવે છે. પાણી સાથે પ્રવાહી ફર્ટિલાઈઝર પણ છોડની જરૂરિયાત મુજબ આપી શકાય છે. આ પદ્ધતિના મુખ્ય ભાગો પંપ, ચાલક યંત્ર, ગ્રેવેલ (રેતીકાંકરા), ફિલ્ટર, સ્કીન (જાળી) ફિલ્ટર, ખાતરની ટાંકી, મેઈન લેટરલ તથા ટપકણીયા પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. જો પાણીનો સ્ત્રોત તરીકે ખૂલ્લો કૂવો હોય તો ગ્રેવેલ ફિલ્ટર હોવું ખાસ જરૂરી છે. ખૂલ્લા કૂવામાંના પાણીમાં રહેલા મોટા રજકણો, શેવાળ, લીલા પાંદડા તથા અન્ય કચરો ગ્રેવેલ ફિલ્ટરમાં ગળાઈ જાય છે. ગ્રેવેલ ફિલ્ટર સ્ટેનલેસ સ્ટીલની નળાકાર ટાંકીમાં ધારદાર રેતી ભરી બનાવેલું હોય છે. ટપક પદ્ધતિનો ઉપયોગ કરવાથી ૩૦-૫૦% સુધી પાણીનો બચાવ થાય છે તેમજ ૩૦-૫૦% ઉત્પાદન વધે છે. ઈનલાઈન ટપક પદ્ધતિમાં ટપકણીયા લેટરલની અંદર બેસાડેલ હોવાથી ફિટિંગ તેમજ સંકેલતી વખતે ખૂબજ અનુકુળતા રહે છે. ઉપરાંત આમાં ઓનલાઈન ટપક પદ્ધતિ કરતા ઓછું ખર્ચ આવે

માઈક્રો ટ્યુબ ટપક પિયત પદ્ધતિ:

આ પદ્ધતિ હલકી ગુણવત્તાવાળા પિયત પાણી માટે ખાસ ઉપયોગી પૂરવાર થઈ શકે તેમ છે. આ પદ્ધતિમાં ૧૬ મિ.મી. લેટરલ ઉપર જરૂરી અંતરે હોલ પાડી તેમાં ખૂબ જ નાના વ્યાસની માઈક્રો ટયુબનો પથી ૭ ઇંચ લંબાના ટુકડાના એક છેડાને ખોસીને તેને લેટરલ ફરતે વીંટાળી દેવામાં આવે છે. આ પદ્ધતિમાં ટપક પદ્ધતિમાં ટપકણીયા જામ થવાની જે સમસ્યા છે તે નિવારી શકાય છે. આથી હલકી ગુણવત્તાવાળા પાણીથી પણ પિયત આપી શકાય છે. માઈક્રો ટયુબના ટુકડાની લંબાઈમાં વધારો-ઘટાડો કરવાથી તેના પ્રવાહમાં ઘટાડોવધારો કરી શકાય છે.

ઝમણ પાઈપ (ભૂમિગત) પિયત પદ્ધતિ:

વપરાયેલા રબ્બરને પુનઃ ઉપયોગમાં લઈને આ ઝમણ પાઈપ બનાવવામાં આવે છે. આ પાઈપના છીદ્રો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તે પાણી તથા હવાને ઘણા ઓછા દબાણે અવર જવર કરવા દે છે. આ અતિ સૂક્ષ્મ છીદ્રોમાં માટીના રજકણો પ્રવેશી શકતા નથી. આ ઝમણ પાઈપને જમીનની અંદર મૂળીયાની ઊંડાઈને ધ્યાને લઈને જરૂરી ઊંડાઈએ જમીનના પ્રકાર તેમજ અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી દાબવામાં આવે છે.

ઉપરોક્ત પદ્ધતિનો સુચારુ ઉપયોગથી બદલાતા જતા વાવતારણમાં જળ અને જમીનનું પતુ સંરક્ષણ થશે અને ટકાઉ ખેત ઉત્પાદન પણ મળી શકશે.

સ્ત્રોત : ડીસેમ્બર-૨૦૧૬, વર્ષ :૬૯, સળંગ અંક :૮૨૪, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate