આપણે જાણીએ છીએ કે બધા જ ખેતરો એકસરખા સમતલ હોતા નથી. એકસરખી ફળદ્રુપતાવાળા હોતા નથી એટલે પૃથક્કરણ માટેનો નમૂનો યોગ્ય રીતે લેવાય તે ઘણું જ અગત્યનું છે. જમીનનો નમૂનો લેવાની રીતનું રાસાયણિક પૃથકકરણ કરતાં જરા પણ ઓછું મહત્વ નથી કારણ કે સંપૂર્ણ ખેતરની જમીન સંબંધી જે સલાહ આપવામાં આવે છે તે નમૂનાના પૃથક્કરણના આધારે અપાય છે. આથી જમીનમાંથી લેવામાં આવેલ નમૂનો જે તે જમીનનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. પ્રથમ ખેતરનો વિસ્તાર, જમીનનું બંધારણ, રંગ, અગાઉ લીધેલાં પાકો તથા ઉપયોગ કરેલ ખાતરો ધ્યાને લઈ ખેતરને સમાનતાનાંધોરણે અલગ-અલગ ખંડમાં વિભાજીત કરી, દરેક ખંડમાંથી એક નમૂનો તૈયાર કરવો. જમીનનો નમૂનો લેવા માટે જમીનને દૂર કર્યા સિવાય ઉપરથી ઘાસ, કચરું વગેરે સાફ કરવું અને કોદાળી કે ખુરપી વડે અંગ્રેજી “V” આકારનો ૧૫ થી ૨૦ સે.મી. ઊંડો ખાડો કરવો. ખાડાની એક બાજુએથી ર થી ૨.૫ સે.મી. જેટલી એકસરખી જાડાઈના થરની ઉપરથી નીચે સુધી માટે એકઠી કરવો. આમ ૮ થી ૧૦ સ્થળેથી નમૂનો લઈ બધી માટીને ભેગી કરી સારી રીતે મિશ્રણ કરવું. ત્યારબાદ માટીને એકસરખી પાથરી ચાર સરખા ભાગ પાડવા. તેમાંથી સામ સામેનાં બે ભાગની માટી એકત્ર કરી ઉપર મુજબ માટી એક કિલોગ્રામ રહે ત્યાં સુધી પુનરાવર્તન કરવું. આ રીતે તૈયાર કરેલ જમીનનો નમૂનો કાપડ કે પોલીથીલીનની મજબૂત કોથળીમાં ભરી પૃથક્કરણ માટે મોકલવા તૈયાર કરવો. આ રીતે દરેક ખંડ માટે અલગ અલગ નમૂના તૈયાર કરવા.
સામાન્ય રીતે સિંચાઈ માટેના ઢાળિયા, ખાતર આપેલ ચાસ, ખાતરનો ખાડો, ઝાડ, શેઢો તથા રસ્તાની પાસેથી જમીનનો નમૂનો લેવો નહિ. જમીનના નમૂના સાથે મોકલવાની જરૂરી માહિતી :
માહિતીપત્રક બે નકલમાં તૈયાર કરી નકલ જમીનના નમૂનાની કોથળીમાં અને બીજી નકલ પોષ્ટ દ્વારા મોકલવી. નમૂનાની કોથળી પર ખેડૂતનું નામ, ગામ, તાલુકો, સર્વે નંબર વગેરે માહિતી લખવી.
સામાન્ય રીતે જમીન ચકાસણી પ્રયોગશાળામાં જમીનનું રાસાયણિક પૃથક્કરણ કરવાથી જમીનનો અભૂતા આંક (પીએચ), કુલ દ્રાવ્ય ક્ષારના ટકા, સેન્દ્રિય કાર્બન, મુખ્ય, ગૌણ અને સૂમ તત્વોના પ્રમાણની માહિતી મળે છે.
જમીન ચકાસણીનાં અહેવાલ પરથી જમીનમાં પોષકતત્વોનું પ્રમાણ જાણી શકાય છે. તેના આધારે કયાં પોષકતત્વો આપવા પડશે તેમજ સુધારણા માટે કયાં પગલા લેવા પડશે તેની ભલામણ કરવામાં આવે છે. ઉપરોકત ભલામણને આધારે ખાતરનો ઉપયોગ કરવાથી મહત્તમ ઉત્પાદન મળે છે અને આર્થિક ફાયદો થાય છે. જમીનનો પીએચ આંક ૭ ની આજુબાજુ હોય તેવી જમીન દરેક પાક માટે અનુકૂળ છે. જયારે ૫.૫ થી નીચે અને ૮.૫ થી ઉપર પીએચ આંકવાળી જમીનમાં પોષકતત્વોની અસમતુલા જોવા મળે છે. ગુજરાતમાં ૮.૫ થી વધુ પીએચ આંકવાળી એટલે કે ભાસ્મિક જમીન ઘણી જોવા મળે છે. આવી જમીનનો ભેજ ઊંડી જતા ખૂબ જ કઠણ બને છે અને ખેડ કરી કરી શકતી નથી તેમજ લભ્ય પોષકતત્વોની માત્રા ઘટી જાય છે. આવી જમીનને પોચી અને ભરભરી બનાવવા માટે ચિરોડી (જીપ્સમ) નો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીન છાણિયું ખાતર, કોમ્પોસ્ટ ખાતર અને લીલા પડવાશ વડે પણ સુધારી શકાય છે. જમીનના કુલ દ્રાવ્ય ક્ષાર ૦.૪ ટકાથી ઓછો હોય તો દરેક પ્રકારના પાક માટે અનુકૂળ છે. જયારે ૦.૪ થી ૦.૬% દ્રાવ્ય ક્ષારવાળી હોય તો ક્ષાર સામે અર્ધપ્રતિકારક પાકો (જુવાર, મકાઈ, ઘઉં, ડાંગર, સૂર્યમૂખી, બટાટા) વાવી શકાય છે પરંતુ ૦.૬ ટકાથી વધુ સારો હોય તો કપાસ, ડાંગર વગેરે વાવી શકાય છે.
૧ કિલો નાઈટ્રોજન |
૪.૮૫૪ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફટ |
૧ કિલો નાઈટ્રોજન |
૨.૨૨૨ કિ.ગ્રા. યુરિયા |
૧ કિલો ફોસ્ફરીક એસિડ |
૨.૮૫૭ કિ.ગ્રા. ડી.એ.પી |
૧ કિલો ફોસ્ફરીક એસિડ |
૬.૨૫૦ કિ.ગ્રા. સિંગલ સુપર સલ્ફટ |
૧ કિલો પોટાશ |
૧.૬૬૬ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ |
૧ કિલો પોટાશ |
૨.00કિ.ગ્રા. સલ્ફટ ઓફ પોટાશ |
૧ કિલો યુરિયા |
૦.૪૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન |
૧ કિલો એમોનિયા સલ્ફટ |
૨૦૬ કિ.ગ્રા. નાઈટ્રોજન
|
ખેડૂતનું નામ: ......................
ગામ : ......................
તાલુકો:......................
જીલ્લો : ......................
સર્વે નં. : ......................
નૂમનાની ઊંડાઈ (સે.મી.) :......................
જમીનની જાત: ......................
પાણીનો નિસ્તાર :......................
જમીનનો ઢોળાવ : ......................
જમીનનું ધોવાણ : ......................
આપવામાં આવેલ ખાતરોની માહિતી : ......................
જમીનમાં લેવાતા પાકો :......................
અગાઉ લેવાયેલ પાક : ......................
સિંચાઈનો પ્રકાર : ......................
લેવાનો થતો પાક : ......................
નમૂનો લીધા તારીખ : ..................
નમૂનો લેનારનું નામ અને સહી: ......................
સ્ત્રોત : નવેમ્બર-૨૦૧૪, વર્ષ :૭, સળંગ અંક :૭૯૯, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020