অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જમીન ધોવાણ થી જમીનની ફળદ્રુપતા પર અસર અને તેના ઉપાયો

જમીન નિર્માણ :

કુદરમાં ખડકોના ઘરાસા કે ખવાણની પ્રક્રિયાના પરિણામે જમીન બને છે. ખડકોનો ઘસારો એ ખડકો અને ખનીજો પરની વિરચ્છેદન અને વિઘટનની ક્રિયા છે. વિભાજન કે વિચ્છેદન એ ભૌતિક પ્રક્રિયા છે, જ્યારે વિઘટનની ક્રિયા એ રાસાયણિક છે. ખડકોનો ઘસારો અનેક જૈવિક અને અજૈવિક પરિબળોના લીધે થાય છે. ભૌતિક ઘસારો ગરમી-ઠંડી, પાણી થીજી જવાથી, વહેતા પાણીથી દરિયાના મોજાંથી, હિમનદીથી અને પવનથી થાય છે. રાસાયણિક ઘસારો વિવિધ દ્રાવણ જલીયકરણ (હાઈડ્રોલિસિસ), જળ-વિશ્લેષણ (હાઈડ્રલાઈઝ), કાર્બોરેશન, ઉપચયન, અપચયન જેવી ક્રિયાઓથી થાય છે.

જમીન નિર્માણ અને વિકાસની પ્રક્રિયા માટે (૧) આબોહવા, (૨) સજીવો (વનસ્પતિ અને પ્રાણી),(૩) માતૃ-ખડક,(૪) ભૂપૃષ્ઠનાં પરિબળો અને,(પ) સમય વગેરે પરિબળો જવાબદાર છે.

આ પરિબળોમાં આબોહવા અને સજીવો સક્રિય પરિબળો’ તરીકે ઓળખાય છે કારણ કે, તેની સીધી અસર કે ક્રિયાને કારણે જમીન નિર્માણ થાય છે. જયારે માતૃ ખડક, ભૂપૃષ્ઠનાં પરિબળો અને સમય જમીન નિર્માણની પ્રક્રિયામાં સીધી અસર કરતાં નથી કે સક્રિય ભાગ ભજવતા નથી, આથી તે નિષ્ક્રિય પરિબળો તરીકે ઓળખાય છે. સક્રિય પરિબળોની ભૌગોલિક પ્રક્રિયાના લીધે જમીન નિર્માણ થાય છે અને આ પ્રક્રિયાને ઘસારો કે ખવાણ વિધરિંગ) કહે છે.

જમીનની સ્થાનિક પર્યાવરણ પર અસરો:

જમીનની સપાટીનો આકાર, ઊંચાઈ, ઢાળ,અવસ્થિતિ અને ખુલ્લાપણું એ સ્થાનિક પર્યાવરણનાં પરિબળો પર અસર કરે છે અને તેના લીધે જે તે વિસ્તારનું પર્યાવરણ હોય છે.જમીનનો આકાર વરસાદી પવનોને રોકીને એકઠા કરે છે અને આથી તેવા વિસ્તારમાં વધારે વરસાદ પડે છે. પર્વતીય વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને તાપમાનનો તફાવત પણ ઓછો હોય છે. આથી, એકસમાન સરેરાશ તાપમાનવાળા પર્વતીય વિસ્તારની અને મેદાન વિસ્તારની આબોહવામાંયે ઘણો તફાવત જોવા મળે છે.સ્થળની ઊંચાઈ સૂર્ય-વિકિરણ, તાપમાન અને વરસાદ પર અસર કરે છે જેથી તેની વનસ્પતિ પર ઘણી જ મોટી અસર થાય છે. જમીનનો ઢાળ એ વરસાદના વધારાના પાણીના વહેણ અને જમીનની જળ-નિકાલક્ષમતા પર અસર કરે છે. આથી, તે જમીનના ભેજક્ષેત્ર પર અસર કરે છે. સામાન્ય નિયમ પ્રમાણે જેમ ઢાળ વધારે તેમ વહેણ ઝડપી અને નિકાલક્ષમતા પણ વધારે. આથી, પર્વતીય ઢાળ પ્રદેશ અને તળેટીના મધ્યમ ઢાળવાળા પ્રદેશની નિકાલક્ષમતા સારી હોય છે, જયારે મેદાની પ્રદેશની જમીન એકદમ સપાટ હોવાથી તેની નિકાલક્ષમતા બહુ જ ઓછી હોય છે.

ઢાળ જમીન ધોવાણ અને જમીન ઊંડાઈ પર અસર કરે છે. સામાન્ય રીતે, જેમ ઢાળ વધારે તેમ જમીન ધોવાણ વધારે હોય છે કારણ કે ઢાળ હોવાથી પાણીનાં વહેણની ઝડપ ધોવાણશક્તિ વધારે છે. પર્વતીય પ્રદેશમાં જમીનનું જરાપણ ધોવાણ ના થાય તો પણ ઘણી વાર જમીન પોતાના વજનથી નીચે ધસી જાય છે અને તળેટીના ઓછા ઢાળવાળા મેદાન વિસ્તારમાં જમા થાય છે. આથી પર્વતના ઢાળમાં જેમ ઉપર જઈએ તેમ જમીનની ઊંડાઈ ઘટતી જાય છે, જયારે તળેટીના મેદાની પ્રદેશ અને ખીણ-પ્રદેશની જમીનની ઊંડાઈ વધારે હોય છે. પર્વતના ઢાળની જમીન સતત વરસાદના પાણીના માટી ખીણ અને મેદાનોમાં જમા થતી હોવાથી તેમાં ખાદમાટી (સ્મસ)નું પ્રમાણ વધારે હોય છે. ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં જમીન ધોવાણથી તેની ટોચ ઉપરના ભાગની પોષકતત્વોવાળી માટી ધોવાઈ જાય છે અને તે નીચે જમા થતી જાય છે. તેથી પર્વતીય વિસ્તારની ટોચ પરના વન વિસ્તારો પર તેની પ્રતિકુળ અસર પડે છે. તેથી દિવસે ને દિવસે પર્વતીય વિસ્તારોની ટોચ બોડી થતી જાય છે.

જમીન અને પાણીનો સંબંધ :

પૃથ્વી પર પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ અને બરફ છે. વરસાદનું જે પાણી જમીન પર પડે છે તેમાંથી અમુક ભાગનું પાણી માટીના કણો અને છિદ્રો વાટે ગળાઈને જમીનમાં ઊતરે છે. આ પાણી ઊંડે જતા અભેદ ખડકો કે અભેદ સ્તર ઉપર આવેલા પથ્થરોની તિરાડમાં એકઠું થાય છે. વરસાદનું પાણી જમીનમાં ઊતરવાનો આધાર વરસાદની તીવ્રતા, જમીનની પ્રકૃતિ, જમીનમાં ખાદમાટી (સ્મસ)નું પ્રમાણ અને જમીન પર વનસ્પતિ આચ્છાદનનું પ્રમાણ વગેરે પરિબળો પર રહેલો છે. જો વરસાદની તીવ્રતા બહુ જ વધારે હોય તો વરસાદનું મોટા ભાગનું પાણી જમીન ઉપરથી વહીને વેડફાઈ જાય છે અને સાથે સાથે તે જમીનનું મોટા પાયે ધોવાણ પણ કરે છે. જો જમીનની સપાટી ઉપર ખાદમાટીનો થર હોય અને જમીન છિદ્રાળું તથા સૂકી હોય તો ધીમા ધીમા વરસાદનું મોટા ભાગનું પાણી જમીન શોષી લે છે. જમીન પર આવેલ વનસ્પતિ આચ્છાદન વરસાદના પાણીને જમીન પર વધારે વેગથી સીધું જ પડતું રોકે છે અને તેથી જમીનના છિદ્રો બંધ થતાં નથી અને પરિણામે વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે અને બધું પાણી વહીને વેડફાતું નથી.

જમીનની ફળદ્રુપતાના પરિબળો :

જમીનના સેન્દ્રિય પદાર્થો :

  • વનસ્પતિજન્ય કચરો :વૃક્ષો અને અન્ય વનસ્પતિ જમીનમાંથી મેળવેલાં મોટા ભાગનાં પોષકતત્વોને પાંદડા, ડાળીઓ, છાલ, ફળ-ફૂલ વગેરે કચરાના સ્વરૂપે જમીનને પાછાં આપે છે. આ બધો કચરો ‘વનસ્પતિજન્ય કચરા' તરીકે ઓળખાય છે. વનસ્પતિજન્ય કચરો જમીનની સપાટી પરના સૌથી ઉપરના સ્તરમાં હોય છે, તેમાં તાજા જ પડેલા કચરાનો તથા થોડા સડેલા કચરાનો સમાવેશ થાય છે અને તેમાં મોટા ભાગે પાંદડાં સાથે છાલના ટુકડા, ડાળીઓ, વગેરે પણ હોય છે. જમીન ઉપર વનસ્પતિજન્ય કચરાની સાથે મૂળ, અન્ય સૂકાયેલી વનસ્પતિ અને તેના વિઘટનના મદદ કરતાં પ્રાણીઓના મૃત અવશેષ પણ હોય છે. આ બધો જ કચરો સાથે મળીને ‘સેન્દ્રિય પદાર્થો' તરીકે ઓળખાય છે. સેન્દ્રિય પદાર્થોમાં વિઘટનના વિવિધ તબક્કે આવેલાં વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો, જમીનમાં રહેલા સૂક્ષ્મ સજીવોના કોષો તથા પેશીઓ, સૂક્ષ્મ સજીવો અને તેના દ્વારા સંશ્લેષિત થયેલ પદાર્થો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જમીનની માટીને ૩ મિ.મી.ની ચાળણીથી ચાળતાં જે સેન્દ્રિય દ્રવ્યો જમીન સાથે ચળાઈ જાય છે તેને સેન્દ્રિય પદાર્થ કહે છે.
  • ખાદમાટી (હ્યુમસ) :

ખાદમાટીમાં સડેલાં કે નહી સડેલાં પાંદડાં, ડાળીઓ, છાલ વગેરે અને વિઘટન થયેલ કે નહી થયેલ બધા જ સેન્દ્રિય પદાર્થોનો સમાવેશ થાય છે, પરંતુ મોટા ભાગે સેન્દ્રિય પદાર્થોના ઘેરા રંગના અસ્ફટિક (આકાર વગરના) ભાગને “ખાદમાટી” તરીકે ઓળખવામાં આવે છે. ખાદમાટીના બંધારણીય એકમને કોઈ ખાસ રચના હોતી નથી અને આ એકમને ઓળખવો પણ બહુ જ મુશ્કેલ છે. આમ, ખાદમાટી એટલે જમીનના સેન્દ્રિય પદાર્થોનો મોટા ભાગે સંપૂર્ણ રીતે વિઘટન થયેલો એવો ભાગ કે જે એક જુદું જ સ્તર બનાવે છે અને જમીન સાથે એકદમ ભળી ગયેલો હોય છે. ખાદમાટી જમીન સાથે ભળી જવાથી અને જમીન ઉપર પથરાઈને થર બનતો હોવાથી જમીનના ભૌતિક ગુણધર્મોમાં સુધારો કરે છે. ખાદમાટી એ માટી સાથે મિશ્રિત થવાથી જમીનરચનામાં સુધારો કરે છે. પાણી સંગ્રહ ક્ષમતામાં અને જમીનમાં પાણી ઉતરવાના દરમાં વધારો કરે છે. ખાદમાટી રેતાળ જમીનની સંલગ્નતામાં સુધારો કરે છે આથી જમીનના પોતમાં સુધારો થાય છે. તેના કારણે જમીનની ભેજધારણ ક્ષમતામાં વધારો થાય છે. ખાદમાટી માટીયાળ જમીનમાં હવાની હેરફેર અને પાણીના નિતારમાં વધારો કરે છે. ખાદમાટી જમીન સાથે ભળી જાય, નહીં તો તે જમીનની સપાટી પર એક થરના રૂપે પથરાયેલી હોય છે અને સૂર્યકિરણો, વરસાદની હાનિકારક અસર અને પવન તથા પાણીથી થતા જમીનના ધોવાણ સામે એક કવચ પૂરું પાડે છે. ખાદમાટી એ વનસ્પતિ માટે પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે. જયારે ખાદમાટી જમીન સાથે ભળી જાય છે ત્યારે સેન્દ્રિય પદાર્થોના બંધારણમાં રહેલાં ખનીજ તત્વો જમીનને પાછાં મળે છે. વનસ્પતિજન્ય એમોનિયા અને નાઈટ્રાઈટમાં એ નાઈટ્રોજીનસ કાર્બનિકના સંયુક્ત ઘટક તરીકે રહેલ હોય છે. તેનું રૂપાંતર એમોનિયા અને નાઈટ્રાઈટમાં થાય છે અને આ પ્રક્રિયાના અંતે તેનું રૂપાંતર વનસ્પતિ મેળવી શકે તેવા નાઈટ્રેટના સ્વરૂપમાં થાય છે. ખાદમાટી એ કલિલ સ્વરૂપે હોય છે અને આથી તે જમીનમાં ઉમેરાવાથી જમીનની “ધનાયન વિનિમય ક્ષમતામાં વધારો કરે છે.

જમીનમાં રહેલ ખનીજ તત્વો:

પૃથ્વીના પોપડામાંથી અત્યાર સુધીમાં ઘણા બધા ખનીજોને ઓળખવામાં આવ્યા છે પણ મોટા ભાગની જમીનની રચનામાં બહુ ઓછાં ખનીજો ભાગ ભજવે છે. ત્યારે બાકીના અનેક ખનીજો છોડના પોષકતત્વોના પ્રાપ્તિસ્થાન તરીકે અગત્યનાં છે. ખડકોમાં ખનીજો સ્ફટિકના રૂપમાં હાજર હોય છે. ખનીજો ચોક્કસ રાસાણિયક ગુણધર્મો ધરાવે છે. જમીનમાં મુખ્યત્વે બે જાતનાં ખનીજો જોવા મળે છે. એક મુખ્ય-પ્રાથમિક અને બીજા ગૌણ ખનીજો . જમીનમાં અગત્યના પ્રાથમિક ખનીજોમાં ફેલ્સપાર, માઈકા, હોર્નબ્લેન્ડ, ઑલિવાઈન, ફોસ્ફરાઈટ, ઍપરાઈટ, મેગ્નેટાઈટ, કવાર્ટઝ , કેલ્સાઈડ  ડૉલોમાઈટ વગેરે મહત્ત્વના છે. ગૌણ ખનીજોમાં કલે ખનીજો અને જલીય હાડ્રોકસાઈડ ખનીજો આવેલાં છે. કેલિનાઈટ, મોન્ટમોરીલેનાઈટ અને ઈલાઈટ એ ગૌણ વિભાગના અગત્યના કલે ખનીજો છે.

જમીન ધોવાણ :

કુદરતી રીતે જમીન બનવાની પ્રક્રિયા તો ઘણી જ ધીમી છે અને તેની તૂલનામાં જમીન ધોવાણની ક્રિયા અતિ ઘણી ઝડપી છે. એક અંદાજ મુજબ સામાન્ય પરિસ્થિતિમાં કુદરતી પરિબળોની અસર નીચે જમીનનો ૧ સે.મી.નો થર તૈયાર થતાં ૩00 થી 80 વર્ષ લાગે છે. આવી એક હેકટર જમીનના એક સે.મી.ના થરનું વજન ૧૮૦ મેટ્રિક ટન જેટલું થાય છે. બીજી બાજુ ફકત ૧.૨૫ ટકા ઢાળવાળી જમીન ઉપર જ વર્ષમાં પ૦ સે.મી. વરસાદ (૧૯૭ ઈંચ) પડતો હોય તોય દર વર્ષે ઓછામાં ઓછી ૬ મેટ્રિક ટન માટી ધોવાઈ જાય છે. આ રીતે એક સે.મીનું 100 વર્ષે તૈયાર થયેલું પડ માત્ર ૧૨ વર્ષમાં જ ધોવાઈ જાય છે આ રીતે થતા ધોવાણથી ખેતી ઉપર માઠી અસર થાય છે અને પાક ઉત્પાદન ઘણું જ ઘટી જાય છે. જમીનની માટીના કણો હવા કે પાણીને કારણે છૂટા પડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનું વહન થાય તે સંપૂર્ણ પ્રક્રિયાને જમીન ધોવાણ કહે છે. મોટાભાગની જમીનના સર્વેક્ષણ પરથી માલૂમ પડ્યું છે કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓથી પણ જમીનની ગુણવત્તા ઠીકઠીક ઘટે છે.

ધોવાણના પ્રકાર :

જમીનનું ધોવાણ કરનાર મુખ્યત્વે વરસાદના પાણી, પવન અને દરિયાના મોજા છે. આ ઉપરાંત જમીનનો અયોગ્ય ઉપયોગ, વનસ્પતિનો નાશ, ખામી ભરેલ વાવેતર પદ્ધતિ, પ્રાણીઓનું અનિયંત્રિત ચરિયાણ, પિયતની ખોટી રીત, ઔદ્યોગિકરણ, વધુ પડતો વપરાશ, વગેરે પરિબળો પણ જમીન ધોવાણ માટે જવાબદાર છે.

 

(૧) વરસાદના પાણીથી થતું ધોવાણ : ચોમાસામાં સખત વરસાદ વરસતો હોય ત્યારે નદી, નાળાં, વોંકળા વગેરેમાં વહેતું પાણી હંમેશા આપણને ડહોળું જોવા મળે છે. આ પાણી ડહોળું એટલા માટે જ હોય છે કે તેમાં જમીનના અતિ મૂલ્યવાન ફળદ્રુપ કણો અને પોષક તત્વો હોય છે. આપણને લાગે કે આવા સૂક્ષ્મકણોથી શું વળી જમીન ધોવાઈ જવાની ? પરંતુ જો તેની બરાબર ગણતરી કરવામાં આવે તો આ રીતે લાખો ટન મૂલ્યવાન માટી ધોવાઈ જાય છે. આ રીતે થતા ધોવાણના ત્રણ પ્રકાર છે.

(ક) ચાદરપટ ધોવાણ : આ પ્રકારનું ધોવાણ સામાન્ય રીતે એક બાજુના ધીમા ઢાળવાળી અને બંધપાળા ન બાંધ્યા હોય તેવી જમીનમાં થાય છે. તેમાં જમીનનું ઉપરનું પડ એકસરખુ ધોવાય છે. આ જાતનું ધોવાણ શરૂઆતમાં નજરે પડતુ નથી એટલે તેનાથી ખુબ નુકસાન થાય છે. વળી, જમીનના ઉપરના પડમાં માટીના કણો સાથે પોષક તત્વો પણ વિશેષ પ્રમાણમાં હોય છે. આવા ચાદરપટ ધોવાણને ‘જમીનનો ટી.બી.” કહે છે કારણ કે તે ઝટ ધ્યાનમાં ન આવે તે રીતે ધીરે ધરે જમીનનું પોત ઘસીને, ઉત્પાદકતા ઘટાડીને તેને નકામી કરી મુકે છે.

(ખ) ચીરારૂપે થતું ધોવાણ : જમીનનો ઢાળ વધારે હોય, વરસાદનું પ્રમાણ વધારે હોય અને જમીન ઉઘાડી હોય ત્યારે જમીનની સપાટી પર એકઠું થયેલું પાણી વેગથી વહે છે અને ત્યાં નીક જેવા આકાર બને છે. જો વધારે વિસ્તારનું પાણી ત્યાં આવી મળે અને સતત વહેતું રહે તો આવી નીક કે ચીરો વધારે ઊંડો ઊતરે છે. આવા નાના ચીરા જમીન પર કાપા પાડે છે, પરિણામે જમીનનું ઉપલું અને નીચલું પડ બંને ધોવાય છે. એ જમીન પછી ખાડા-ટેકરાવાળી થઈ જાય છે, ખેડવાલાયક રહેતી નથી. જો યોગ્ય જાળવણી કરવામાં ન આવે તો કાયમ માટે એ જમીન બિનઉત્પાદક બને છે.

(ગ) કોતર ધોવાણ : આ જાતનું ધોવાણ વિવિધ દિશાના અને તે વધારે પ્રમાણમાં ઢાળ હોય તેવી જમીનમાં થાય છે. જયાં બે ઢાળ મળતા હોય ત્યાં પાણી ભેગું થઈ વહે છે. આ પાણી જમીનનું ઉપરનું પડ તેમજ નીચેનું પડ ધોઈ નાખે છે. આ ધોવાણ તરત જ દેખાય છે. ગુજરાતમાં મહી અને સાબરમતી નદીના કોતરો એ આ પ્રકારનું ધોવાણ છે.

 

 

 

 

(૨) પવનથી થતું ધોવાણ :>સખત ગતિથી વાતા પવનો અને વંટોળના સ્વરૂપે આવતા પવનો જમીનના ઉપલા પડની માટી ઊંચે ચડાવે છે અને પોતાની સાથે ઘસડીને બીજી જગ્યાએ લઈ જાય છે. આવા ધોવાણથી તે પ્રદેશની વનસ્પતિને ખૂબ નુકસાન થાય છે. પવન સાથે ઘસડાયેલી માટી કે રેતી જયાં પડે તે સ્થળની વનસ્પતિ, રસ્તાઓ, નહેરો વગેરેને નુકસાન પહોંચાડે છે. રણ પ્રદેશ અને દરિયાકાંઠાની રેતી પવન દ્વારા તેની નજીકની ફળદ્રુપ જમીન ઉપર વેરાય છે અને તેને બિનફળદ્રુપ જમીનમાં ફેરવી નાખે છે.

 

 

 

(૩) દરિચાનાં મોજાંથી થતું ધોવાણ:સમુદ્ર કિનારાની ફળદ્રુપ જમીન સાથે અથડાતાં સમુદ્રના પ્રચંડ મોજાં તે જમીનનું ધોવાણ કરે છે. આવું જ વિશાળ સરોવરોના કાંઠે પણ બને છે. જો આવા કાંઠા પરની જમીન વનસ્પતિ વગરની ખુલ્લી અને રેતાળ હોય તો આ પ્રકારનું ધોવાણ વિશેષ થાય છે.

આવા વિવિધ ધોવાણનો આધાર જમીનનો પ્રકાર, જમીનનો ઢાળ, જમીનની નીચેનું પડ, ખેડ, વરસાદનું પ્રમાણ, વરસાદની ઝડપ, આબોહવા, વનસ્પતિનું આચ્છાદન, પાકની જાત, બહારના પાણીની આવક વગેરે બાબતો પર રહેલો છે.

 

 

 

 

જમીન ધોવાણથી તેની ફળદ્રુપતા ઘટવાથી, વિસ્તારની આર્થિક સ્થિતિ પર ચાર પ્રકારે અસર પાડે છે.

  1. સતત ઉપલા સ્તરની ફળદ્રુપ જમીનના ધોવાણથી બિનફળદ્રુપ જમીન વિસ્તારમાં સતત વધારો થાય છે.
  2. પાણીના પ્રવાહ સાથે વહેતી માટે નદી-નાળાને બંધ (ચોક-અપ) કરી દે છે તેથી પૂર આવવાની સ્થિતિ સર્જાય છે.
  3. વધારે પડતા જમીન ધોવાણથી સિંચાઈ માટે બાંધવામાં આવેલા બંધોમાં માટી ભરાવાના નિક્ષેપણના અંદાજ કરતાં વધારે નિક્ષેપણ થવાથી તેની સિંચાઈ ક્ષમતામાં ઘટાડો થાય છે.
  4. વધારે ધોવાણ થવાથી વરસાદનું પાણી જમીનમાં નિતાર થવાને બદલે વધારે પડતુ સમુદ્રમાં વહી જાય છે તેથી ભૂગર્ભજળની સપાટી નીચી જાય છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે.

આમ, ઉપરોક્ત ચારેય ધોવાણ પ્રકારથી વિસ્તારની આર્થિક સ્થિતિ પર બહુ જ મોટી અસર થાય છે.

આ સિવાય જમીન ધોવાણના પરિણામે જમીનની ભેજધારણ ક્ષમતામાં ઘટાડો, જમીનની ઉપરની સપાટીના માટીના સ્તરમાં ઘટાડો, જમીનના પોષક તત્ત્વોમાં ઘટાડો, જમીનની ઉત્પાદનક્ષમતામાં ઘટાડો, સિંચાઈની નહેર, ખેતીલાયક જમીન, પાણી-સંગ્રહનાં સ્થાનો, તળાવો વગેરેમાં નિક્ષેપણથી માટીનો ભરાવો. જેના કારણે પાણીની ગુણવત્તા પર અસર અને મત્સ્યોદ્યોગ જેવા વ્યવસાય પર પણ અસર અને આવા પ્રકારના અસંતુલિત પરિસ્થિતિ-તંત્રમાં લાંબા ગાળો ‘ટકાઉ પાક ઉત્પાદન પર પણ આડ અસર જેવા નુક્સાનો પણ થાય છે. ટકાઉ પાક ઉત્પાદન એટલે એક સ્થળે લેવાયેલા સારા પાકનું પ્રમાણ અને ગુણવત્તાનું ધોરણ, ભવિષ્ય તેનાથી આગળ વધે કે ન વધ પર., નીચું તો ન જ ઉતરે તેવી સ્થતિ.

જમીનના ઉપલા સ્તરના ધોવાણાની ખેતીના પાક ઉપર પણ અસર પડે છે, જે લગભગ દર વર્ષે એક ટકા જેટલી જમીનના સંપૂર્ણ ઘટાડાની બરાબર છે. ઘણા ખેડૂતો આ ઘટાડાને પૂરો કરવા માટે પછી વધુ રાસાયણિક ખાતર વાપરે છે કે પછી નવી જમીન પર ખેડ કરે છે. એક અંદાજ મુજબ દર વર્ષે વિશ્વમાં ૨૫૦ અબજ ટન જેટલી ખેતીની માટીનું ધોવાણ થાય છે અને તેનાથી લગભગ બમણી માટનું ધાસિયુ મેદાન, વનો અને માનવનિવાસ વિસ્તારમાંથી પણ ધોવાણ થાય છે. જમીનના ધોવાથી જમીનના પોષક તત્વો, જળસંગ્રહ અને તેને પચાવવાની. શક્તિ વગેરેમાં પણ ઘટાડો થાય છે. આથી ભૂગર્ભજળના જથ્થા પર તેની અસર પડે છે અને તેની તેના પર આધારિત સિંચાઈના પાણીના જથ્થા અને ગુણવત્તા પર અસર પડે છે. આમ જમીન ધોવાણની અને ફળદ્રુપતાની સીધી અને આડકતરી અસર સમગ્ર માનવજીવન અને પર્યાવરણની ગુણવત્તા પર પડે છે.

અતિ વરસાદથી જે તે વિસ્તારમાં પીવાના અને પિયત પાણીના સ્ત્રોત રીચાર્જ અથવા ભરાઈ જાય છે જેથી કરીને આગામી સીઝનમાં લેવામાં આવનાર પાકો પિયત પાણીથી સારી રીતે ઉગાડી શકાય પરંતુ એકમ વિસ્તારમાં જમીન ધોવાણ થવાથી પોષક તત્વોનું પણ ધોવાણ થઈ જાય છે જે પાકોના ઉત્પાદન પર માઠી અસર કરે છે અને ઘણીવાર વરસાદી પાણી લાંબા સમય સુધી એક જ વિસ્તારમાં ભરાઈ રહેવાથી જમીન જન્ય રોગો ઉદ્ભવે છે અને જેને કારણે છોડ પોષકતત્વો સારી રીતે જમીનમાંથી ઉપાડી શક્તો નથી.

જમીન ધોવાણામાં જમીનનું ઉપરનું સ્તર ધોવાણ થઈ જાય ત્યારે ઉપલા સ્તરમાં રહેલ સેન્દ્રિય પદાર્થો તથા આવશ્યક પોષકતત્વો પણ વહી જાય છે. આ પ્રકારના ધોવાણમાં ખાસ કરીને નાઈટ્રોજન, સલ્ફર તથા કલાઈડનું ધોવાણ વિશેષ થાય છે. અન્ય પોષક્તત્વોની પણ ખામી વર્તાય છે પણ માત્રા ઓછી હોય છે. નાઈટ્રોજન તત્વની ખામીની જાણકારી ઉણપના ચિહ્નો અથવા રૂબરૂ મુલાકાત દ્વારા જાણી શકાય છે. નાઈટ્રોજનની ઉણપથી છોડના નીચેના પાન પહેલા પીળા પડે અને ત્યારબાદ ઘણીવાર કઠોળવર્ગના પાકો પણ હવામાંનો નાઈટ્રોજન મૂળ ગાંઠો દ્વારા જમા કરાવી શક્તા નથી અને નાઈટ્રોજનની ઉણપ આ પ્રકારના પાકોમાં વર્તાય છે.

ગંધકની ઉણપથી આખો છોડ પીળો પડી જાય છે પણ ઉપરના પાનમાં તીવ્રતા વધુ જોવા મળે છે. છોડનું પીળાપણું ઘણી રીતે જોવા મળે છે જેમ કે છોડ રોગ થવાથી, અન્ય તત્વોની ઉણપ જમીનમાં વધુ પડતો ભેજ હોવાથી વગેરે. આવા સંજોગોમાં જમીન તથા છોડની માવજત કરવી મુશ્કેલ બની જાય છે. પોષક્તત્વોની માત્રા જમીનમાં જાણવા માટે જમીનનો નમૂનો લઈ પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાવવાથી સાચી માહિતી મળે છે અને ખૂટતા પોષક તત્વોની યોગ્ય જથ્થામાં પૂર્તિ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

જમીન ધોવાણની આ સમસ્યાના ઉકેલ માટે જમીન સપાટી કરવી, ઢાળથી આડું વાવેતર કરવું, ઢાળથી આડી ખેડ કરવી, વરસાદ પહેલાં જમીનની ખેડ કરવી, ઊંડી ખેડ કરવી, સેન્દ્રિય ખાતરનો વધારે ઉપયોગ કરવો, જમીનમાં પાણી નિતાર વધારવો, સમોચ્ચ રેખા પર પાળા બાંધવા, પટ્ટી પાકનું વાવેતર કરવું. પગથિયાં ખેતી કરવી, જમીનનો યોગ્ય ઉપયોગ કરવો, ઘાસિયા જમીનનું રક્ષણ કરવું, વૃક્ષોનું પ્રમાણ વધારે રાખવું વગેરે જેવા ઉપાયો કરીને જમીન ધોવાણ ઘટાડી શકાય છે.

સ્ત્રોત:સપ્ટેમ્બર-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૩, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate