অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખારી અને ભાસ્મિક જમીનની સુધારણા અને તેમાં થતા પાકોની માહિતી

ખારી અને ભાસ્મિક જમીનની સુધારણા અને તેમાં થતા પાકોની માહિતી

જમીનએ સિમિત કુદરતી સ્ત્રોત છે. ઝડપી શહેરીકરણ અને મશરૂમની જેમ ઉગી નીકળતી ઐાધોગિક વસાહતોએ ખેડવાલાયક જમીન પર દબાણ વધાર્યુ છે. વધુમાં સમગ્ર પર્યાવરણ જોડે આપણા અવિવેક ભર્યા વર્તાવથી વરસાદ, વૃક્ષો અને જલચક્રમાં અનિચ્છનિય ફેરફારો થયા. ખેતી કરતા ખેડૂતોની પણ કેટલીક ક્ષતિઓ તથા વધુ પડતા તળના પાણીનું શોષણ તથા ખરાબ પાણીના ઉપયોગ જમીનને બીન ઉત્પાદક બનાવી દીધી છે. આવી બીન ઉત્પાદક જમીનોમાં ક્ષારમય જમીનનો વિસ્તાર ઘણો જ મોટો છે. ગુજરાતના કાંઠાના તથા અંતરિયાળ વિસ્તારમાં ખારી જમીન વિસ્તરતી જાય છે. ખારાશ ને હિસાબે પાકોની ઉત્પાદકતામાં પણ પ૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળેલ છે. જેને કારણે આવા વિસ્તારના ખેડૂતોની આવકમાં કરોડો રુપિયાનો ઘટાડો થયો છે. કેટલાયે ગામમાં ક્ષાર અંદર ધસી આવતા લોકો ગામડા ખાલી કરી ગયા છે.

ક્ષારમય જમીન અને તેના પ્રકાર

જયારે જમીનની અંદર રહેલા કુલ દ્રાવ્ય ક્ષારો અગર વિનીમય પામતા સોડીયમનું પ્રમાણ છોડની જરૂર કરતા વધી જાય ત્યારે તે છોડના સામાન્ય વિકાસમાં / વૃધ્ધિમાં બાધક બની રહે ત્યારે તે જમીનને ક્ષારમય જમીન કહેવાય. ક્ષારમય જમીન બનવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.

  1. જમીન બનાવતા ખડકોમા ક્ષારનું પ્રમાણ
  2. જમીનની નબળી નિતાર શકિત
  3. સૂકી આબોહવા
  4. દરિયાની ભરતીના પાણીનું ફરી વળવું.
  5. પવનથી ક્ષારોનું સ્થળાંતર
  6. સિંચાઈના પાણીમાં ક્ષારનું વધુ પ્રમાણ
  7. ભૂગર્ભ જળની સપાટી નીચે જવી (વધુ પડતા ભૂગર્ભજળના ઉપાડથી)
  8. નહેરો ધ્વારા વધુ પડતું પિયત
  9. કારખાનાઓમાંથી નીકળેલ નકામા પાણીનો ઉપયોગ
  10. જંગલોનો નાશ

ક્ષારીય / ક્ષારમય જમીનો મુખ્યત્વે ત્રણ પ્રકારની છે, ખારી જમીન ભાષ્મિક જમીન અને ખારી–ભાસ્મિક જમીન

  1. ખારી–જમીનઃ જે જમીનોમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય એટલે કે સંતૃપ્ત દ્રાવણની વિધુત વાહકતા ૪ ડેસી.સા./મી. કરતા વધુ હોઈ અને વિનિમય પામતા સોડીયમનું પ્રમાણ ૧પ ટકા કરતા ઓછું હોય અને પી.એચ.આંક ૮.પ કરતા નીચો હોઈ તેવી જમીનને ખારી જમીન કહેવાય.
  2. ભાસ્મિક જમીનઃ જે જમીનોમાં કુલ દ્રાવ્યક્ષારોનું પ્રમાણ ઓછુ હોઈ એટલે કે સંતૃપ્ત દ્રાવણની વિધુત વાહકતા ૪ ડેસી.સા./મી. કરતા ઓછી હોઈ પરંતુ વિનિમય પામતા સોડીયમનું પ્રમાણ ૧પ ટકા કરતા વધારે હોઈ તેને ભાસ્મિક જમીન કહેવાય. આવી જમીનનો પી.એચ.આંક હંમેશા ૮.પ કરતા વધારે હોય છે.
  3. ખારી–ભાસ્મિક જમીનઃ જે જમીનોમાં કુલ દ્રાવ્યક્ષારોનું પ્રમાણ વધારે હોઈ એટલે કે સંતૃપ્ત દ્રાવણની વિધુત વાહકતા ૪ ડેસી.સા./મી. કરતા વધુ હોઈ, વિનિમય પામતા સોડીયમનું પ્રમાણ ૧પ ટકા કરતા વધારે હોઈ અને પી.એચ. આંક ભાગ્યેજ ૮.પ કરતા વધારે હોઈ તેને ખારી–ભાસ્મિક જમીન કહેવાય.

ખારી જમીન સુધારણા

ખારી જમીનો ગુજરાતમાં સુકા અને અર્ધસૂકા વિસ્તારમાં આવેલી છે (મુખ્યત્વે દરિયા કાંઠાના વિસ્તાર, કચ્છના રણ વિસ્તાર, ઘેડ અને ભાલના અંદરનો વિસ્તાર આવી જમીનોના ઉપલા બે થી પાંચ સેમી.ના પડમાં ખારાશનું પ્રમાણ વિશેષ હોય છે. ક્ષારોમાં મુખ્યત્વે સોડિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમના કલોરાઈડ અને સલ્ફેટ હોય છે. સપાટી પર સફેદ છારી બાજેલી જોવા મળે છે. વધુ ખારાશની પરિસ્થિતિમાં લુણો લાગે, જમીન પોચીને ભરભરી લાગે, ભૈાતિક ગુણધર્મો સારા હોઈ, પરંતુ બીજના સ્ફુરણ, મુળ તથા છોડનો વિકાસ રૂંધાય છે. ખારી જમીન સુધારવા માટે જમીન સુધારકોની જરૂર પડતી નથી. પરંતુ આપણે આવી જમીનોમાં રહેલ દ્રાવ્ય ક્ષારોને વૈજ્ઞાનિક પધ્ધતિ અગર મેનેજમેન્ટ પધ્ધતિઓ ધ્વારા જમીનમાંથી દૂર કરવામાં આવેતો જમીન સુધરી શકે છે.

જમીન સુધારણાના પગલાઓ

જમીન સુધારણાના પગલાઓ નીચે મુજબ છે.

  1. સમતળ ખારી જમીનમાં વરસાદ, કુવા, નહેર કે તળાવનું મીઠુ પાણી ખેતરમાં ભરી બે થી ત્રણ દિવસ બાદ ખેતરમાંથી તેને વહાવી દેવાથી સપાટી પરના ક્ષારો મહદઅંશે , સરળતાથી ઓછા કરી શકાય. ખાસ કરીને ઓછા નિતારવાળી માટીયાળ અને ઉંચા ભૂગર્ભજળવાળી જમીનમાં ઉનાળા દરમ્યાન ધોવાણ પધ્ધતિ વધુ અનુકૂળ આવે છે.
  2. નિતાર એ ખારી જમીન સુધારણાનું હાર્દ છે. ખારી જમીનમાં કુવા,નદી, તળાવ કે નહેરના મીઠા પાણીથી નિતાર કરવાથી મુળ વિસ્તારમાંથી ક્ષારો નીચે ભૂગર્ભમાં ઉંડે ઉતરી જાય છે. આથી સપાટી પરથી જમીનમાં મહદઅંશે ક્ષારો નિયંત્રિત કરી શકાય છે. ઉંડા ભૂગર્ભ જળવાળી તેમજ મધ્યમથી સારો નિતાર ધરાવતી કાંપવાળી કે રેતાળ જમીનમાં નિતાર પધ્ધતિ વધુ અનુકૂળ આવે છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં કે ઉનાળામાં ઉપલબ્ધ મીઠા પાણીથી નિતાર કરવો વધુ હિતાવહ છે.
  3. જમીનમાં નિતાર ધ્વારા ક્ષારોનો ઉંડે સુધી નિતાર થયા પછી તેને જમીનના મુળ પ્રદેશોમાંથી નિકાસ / ડ્રેનેજ મારફત દૂર કરવા. ડ્રેનેજના બે પ્રકાર છે. પૃષ્ઠજળ નિકાસ મુખ્યત્વે ભારે જમીન અને છીછરી જમીનમાં ઉપયોગી છે, અને ખુલી ગટરો, સમાંતર ગટરો, ઢાળની દિશામાં લાંબા કયારા વિગેરે બનાવીને કરી શકાય. જયારે અધોપૃષ્ઠ જળ નિકાસ ઘણી ફાયદાકારક છે પરંતુ વધારે ખર્ચાળ છે અને તેની અર્થક્ષમતા શંકાસ્પદ છે.
  4. જયા જમીન હલકી છે ત્યા માત્ર પ્રથમ વરસાદ દરમ્યાન વાવણી ન કરતા વરસાદ બાદ આંતરખેડ કરી, બીજા વરસાદે વાવણી કરવાથી પણ પાક ઉત્પાદન પર ખારાશની અસર ઘટે છે.
  5. ખારી જમીનની નિતારશકિત ઝડપી બને તે માટે જમીનમાં ઉંડી ખેડ કરવી તેમજ સેન્દ્રીય ખાતરો જેવા કે છાણીયું કે ગળતીયુ ખાતર, પ્રેસમડ, દિવેલીનો ખોળ વિગેરેનો બહોળો ઉપયોગ કરવો તેમજ જમીનમાં ટાંચ તેમજ રેતી ઉમેરવી ખૂબ જ આવશ્યક છે.
  6. જમીન સુધારણા બાદ જમીન વધુ સમય પડતર ન રાખતા ચોમાસામાં ક્ષાર સહી શકે તેવા પાકો જેવા કે ઈકડ, ડાંગર, કપાસ, સુગરબીટ, જાુવાર, કસુંબી, બાજરી અને દિવેલા જેવા પાકોનું વાવેતર કરવું.
  7. આવી જમીનોમાં ખાતર, બિયારણ, તેમજ સેન્દ્રિય ખાતરનો દર ભલામણ કરતા ઉંચો રાખવો. તેમજ જમીનમાં રપ કિ.ગ્રા./હે. પ્રમાણે ઝીંક સલ્ફેટ ઉમેરવું અને નાઈટ્રોજન યુરિયાના સ્વરૂપે આપવો ફાયદાકારક છે.

ભાસ્મિક જમીન સુધારણા

ગુજરાતમાં ભાસ્મિક જમીનો મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા, ભાલ તથા અમરેલી જીલ્લાના કેટલાક ભાગોમાં આવેલી છે. આવી જમીનોમાં સોડીયમ કાર્બોનેટ લાક્ષાણિક રીતે જ વતા–ઓછા પ્રમાણમાં હાજર હોય છે. તેની હાજરીથી માટીપર સોડીયમ તત્વની માત્રા વધે છે. અને તે વિસ્થાપનિય આયનોના ૧પ ટકા કે તેથી વધુ માત્રામાં જમા થાય ત્યારે તે જમીન ભાસ્મીક થઈ કહેવાય. વધુ પડતું સોડીયમનું પ્રમાણ જમીનોની ભૈાતિક સ્થિતિ બગાડે છે. જેથી આવી જમીનો ભીની થતા ચીકણી અને સૂકાતા કડક બની જાય છે. તેનો નિતાર ઓછો હોય છે. તેથી વરસાદનું મોટાભાગનું પાણી ભરાય રહે છે, વરાપ જલ્દી આવતી નથી અને બીજનો ઉગાવો ઓછો થાય છે. આવી જમીનનો પી.એચ. આંક ૮.પ કે તેથી વધુ હોય છે, જેથી છોડને જરૂરી પોષક તત્વોની લભ્યતા પણ ઘટે છે. વેરાન /ઉઝડ ભાસ્મિક જમીનોમાં વિસ્થાપનિય સોડીયમ ૧૦૦ ટકા કરતા પણ વધુ હોય છે. ભાષ્મિક જમીન સુધારણાના પગલાઓ નીચે મુજબ છે.

  1. જમીનમાં ૦.૧ % ઢાળ રહે તેટલુ સમતલીકરણ કરવુ અને જરૂરી પાળાબંધી કરવી જે વરસાદના પાણીને ખેતરમાં સાચવી રાખવામાં તથા બહારથી આવતા અન્ય વધુ પડતા પાણીને ખેતરમાં આવતુ રોકવામાં મદદ કરે.
  2. જમીનમાં ઉનાળામાં ઉંડી ખેડ કરવી જે ભાસ્મિક જમીનમાં કઠણ પડ તોડવામાં મદદરૂપ થાય છે. જેથી જમીનમાં પાણીનું જમણ વધશે અને મુળ વિસ્તારમાં પણ વધારો થશે.
  3. સેન્દ્રિય જમીન સુધારકો જેવા કે ગળતીયુ છાણીયું ખાતર, શહેરી કમ્પોસ્ટ, પ્રેસમડ, દિવેલીનો ખોળ, ડાંગરની કુસકી, ઘઉંનું કુવળ, ડાંગરનું પરાળ વિગેરે પુરતા પ્રમાણમાં જમીનમાં આપી મીકસ કરી દેવું જોઈએ.
  4. જયા સેન્દ્રિય ખાતર લભ્ય ન હોય ત્યાં જમીન પર બકરા કે ઘેટા ખેતરમાં બેસાડી શકાય.
  5. સેન્દ્રિય જમીન સુધારકો ભાસ્મિક જમીનની પાણી ધારણ અને વહન કરવાની શકિત સુધારે છે. અને જમીનની ઘનાયન વિનિયમ શકિત વધારી વિસ્થાપનિય સોડીયમની અસર ઘટાડે છે.
  6. જે ભાસ્મિક જમીનમાં શરૂઆતમાં પાક ન થતા હોય ત્યાં ઘાસ થવા દેવુ અને અમુક સમય બાદ જમીનમાં દાટી દેવું.
  7. ભાસ્મિક જમીનમાં જમીનની ભૈાતિક સ્થિતિ સુધારવા જમીનમાં ટાંચ, રેતી અને જમીન સુધારકોનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો.
  8. રાસાયણિક જમીન સુધારકો જેવા કે જીપ્સમ, પાયરાઈટ તથા ગંધકનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરવો.
  9. જીપ્સમ (ચીરોડી) એ મહત્તમ વપરાશમાં લેવાતું સર્વસામાન્ય જમીન સુધારક છે અને તેના કેટલાક ઉપયોગી તારણો નીચે પ્રમાણે છે.
  • જીપ્સમની બારીકાઈ ૩૦ મેશની હોય તે ઈષ્ટતમ ગણાય.
  • જીપ્સમ જમીનમાં કેટલા પ્રમાણમાં આપવું તે જમીનના પૃથ્થકરણ પર આઘાર રાખે છે. અને સામાન્ય રીતે તેનો દર કુલ જરૂરીયાતના પ૦ ટકા લેખે આપવો.
  • જીપ્સમને જમીનના ઉપલા ૧૦ સે.મી.ના પડમાં જ ભેળવો.
  • જીપ્સમ જમીનમાં ચોમાસાની પહેલા ભેળવો.
  • જીપ્સમ જમીનમાં પહેલેજ વર્ષે આપી દેવી .
  1. સેન્દ્રિય ખાતરો સાથે રાસાયણિક જમીન સુધારકો આપવાથી બન્નેની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
  2. જમીન સુધારકો (રાસાયણિક અને સેન્દ્રિય) આપ્યા બાદ જમીનને ખેડીને ૧૦–૧પ સે.મી. સુધી વ્યવસ્થિત ભેળવી દઈ ત્યારબાદ ૧૦ થી ૧પ ગુઠાના સપાટ કયારા બનાવી અને કુવા / તળાવના/ કેનાલના મીઠા પાણીથી અથવા વરસાદના પાણીથી સોડીયમના ક્ષારો નિતાર વાટે દૂર કરવા જોઈએ.
  3. જીપ્સમ આપીને નિતારની પ્રક્રિયા પુરી થાય પછી ઈકકડ, જુવાર, શેવરી, ડાંગર જેવા પાકો ચોમાસામાં લેવાથી આવી જમીનમાં આપો આપ સુધારો થતો જોવા મળે છે.
  4. ભાસ્મિક જમીનમાં પાકનો ઉગાવો ઓછો થતો હોવાથી તથા ફુટ ઓછી થતી હોવાથી બિયારણનો દર સવાયો રાખવો જોઈએ.
  5. જમીન સુધારણા બાદ નાઈટ્રોજન ખાતર એમો.સલ્ફેટના રૂપમાં તથા ભલામણ કરતા સવાયુ આપવું જોઈએ.
  6. જમીન સુધારણાના ૬ થી ૭ વર્ષ બાદ જ ફોસ્ફરસ અને પોટાશીક ખાતરો આપવા.
  7. આવી જમીનોમાં જસતની ઉણપ વર્તાતી હોવાથી જમીનમાં રપ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ પ્રતિ હેકટરે પાયાના ખાતર તરીકે આપવું જોઈએ.
  8. આવી જમીનોમાં ક્ષાર પ્રતિકારક અથવા ક્ષાર પ્રતિરોધક પાકો અને તેની જાતોનું વાવેતર કરવું.

ખારી અને ભાસ્મિક જમીનમાં થતા પાકો

ખારાશ અથવા ભાસ્મિકતા સહન કરી શકે તેવા પાકો કે તેની જાતોનું વાવતેર કરવુ એ આવી જમીનમાં સફળ ખેતી કરવાનો કદાચ સૈાથી સારો ઉપાય છે. ખેતી પાકોમાં ક્ષાર સહન કરવાની શકિતને બે રીતે જોવાતી હોય છે. એક તો દ્રાવ્ય ક્ષારો સહન કરવાની શકિત (વિધુત વાહકતા) અને બીજુ ભાસ્મિકતા સહન કરવાની શકિત (આમ્લતા આંક અથવા વિસ્થાપનિય સોડીયમના ટકા) આથી ખેડૂતોએ પ્રથમ તેમની જમીનમાં કયા પ્રકારના ક્ષારોની સમસ્યા છે તેનું જમીનનું પૃથ્થકરણ કરાવી જાણી લેવું ત્યારબાદ તેને અનુરૂપ સહનશીલ પાકની પસંદગી કરવી જોઈએ. પાકના વર્ગ પ્રમાણે તેની ક્ષાર અને ભાસ્મિકતા સહન કરવાની શકિત પ્રમાણેનું વર્ગીકરણ અને ક્ષાર સહનશીલ જાતો અનુક્રમે કોઠા–૧, ર અને ૩ માં આપેલ છે.

કોઠા .૧ : ક્ષાર સહન કરવાની શકિત પ્રમાણે પાકોનું વર્ગીકરણ

પાકનું નામ

સંવેદનશીલ

(૦.૩૧.પ)×

અર્ધ સંવેદનશીલ

( ૩ થી ૬)×

પ્રતિકારક

(૧૮ )×

ઘાન્યપાકો

ડાંગર, જુવાર, ઘઉં, મકાઈ, ઓટ

જવ

 

કઠોળ પાકો

મગ, અડદ

વાલ, વટાણા

તેલીબિયા પાકો

મગફળી, સુર્યમુખી

સોયાબીન, રાયડો, દિવેલા

સરસવ ,   કસુંબી

 

અન્ય પાકો

શેરડી,તમાકું

સુગરબીટ,ઈકકડ

શાકભાજીના પાકો

ગાજર, સકકરીયા

બટાટા, ડુંંગળી, લસણ, ટમેટા કાકડી, કોબીજ, ફલાવર

પાલક, મુળા

ફળપાકો

ગાજર, સકકરીયા

કેળ, લીંબુ વર્ગીય પાકો, પાયનેપલ, નારંગી, અખરોટ , બદામ

દાડમ, આંબો, સ ફરજન, દ્રાક્ષ, અંજીર, નાળીયેરી

બોર, ગુંદા, ખારેક, ફાલસા, પીલુંડી

ઘાસચારાના પાકો

લાલ કલોવટ, સફેદ કલોવટ, સુખલી

રજકો, સુદાનઘાસ, બરસીમ, સ્વીટ ફલોવર

બરમુડાગ્રાસ, રોડ ગ્રાસ, ગંધીર

વિધુત વાહકતા (ડે.સા./ મી.)

કોઠા . ર : ભાસ્મિકતા સહન કરવાની શકિત પ્રમાણે પાકોનું વર્ગીકરણ

સંવેદનશીલ

(૧પ થી ઓછા)×

અર્ઘ સંવેદનશીલ

(૧પ થી ઓછા)×

પ્રતિકારક

(૪૦ થી વધુ)×

કપાસ ××

ઘઉં

ડાંગર

મગફળી

બાજરી

કપાસ

ચણા

જુવાર

રજકો

મગ

રાયડો

સુગરબીટ

ચોળા

શેરડી

બરમુડાઘાસ

મકાઈ

ગાજર

પેરાઘાસ

વાલ

બરસીમ

રોડઘાસ

વટાણા

ઓટ

કરનાલ ઘાસ

મસુર

ડુંગળી

અર્જુનવૃક્ષ

મુળા

લીંબડો

ટમેટા

મલબેરી

નીલગીરી

ઈકકડ

બોરડી

જવ

× વિસ્થાપનિય સોડિયમના ટકા ×× ઉગતી વખતે

કોઠા.૩ : અગત્યના પાકોની પ્રસ્થાપિત ક્ષાર સહનશીલ જાતો

અગત્યના પાકો

જાતો ઉતરતા ક્રમમાં

બાજરો

જી.એચ.બી.ર૩પ એમ.એચ.૧૬૯ એમ.એચ.૧૭૯(ચારા માટે ) જી.એચ.બી.રર૭

જુવાર

ત્રાપજી, ગુંદરી અને જી.સી.એચ.પ

ઘઉં

ખારચીયા, જે–ર૪ અને પોપટીયા

મગફળી

જે.એલ.ર૪,જે–૧૧ અને રોબર્ટ

દિવેલા

જી.એ.યુ.સી.એચ.૧ અને એસ.કે.આઈ.૭૩

રાય

વરુણા અને એ.એસ.૧૦

ચણા

આઈ.સી.સી.–૪, જે.સી.પી.–ર૯

તુવેર

જી.જે.–૧૦૦

કપાસ

જી.સી.ડી.એચ.–૭ અને ધુમડ

શેરડી

કો–૮૩૩૮ અને કો–૭૯૧

લસણ

એસ–૧૦, અને જી–૧૦

ડુંગળી

તળાજા લોકલ અને એન–પ૩

રીંગણા

પી.આર.એલ.૧, લીલા ગોળ

ટમેટા

જે.ટી.સીલેકશન–૩૭, એચ.ર૪

મરચા

જી.સી.૧૦૩

ખરાબાની જમીનમાં લઈ શકાતા ક્ષેત્રિય પાકોની માહિતી

ખરાબાની જમીનમાં લઈ શકાતા ક્ષેત્રિય પાકોની માહિતીથી ખેતી પધ્ધતિઓ તથા ક્ષેત્રીય પાકોની જાતો અંગેની કોઈપણ ભલામણ અત્યાર સુધી કરવામાં આવેલ નથી. ખાસ કરીને ખરાબાની જમીનમાં કુદરતી રીતે ઉગી નિકળતાં ઘાસનો ઉપયોગ પશુઓના ચરાણ તરીકે બિન–આયોજિત રીતે કરવામાં આવતો હોય છે. આવી ખરાબાની જમીનો ખાડા–ટેકરાંવાળી હોય છે જેથી કરીને તેમાં ખેતકાર્યો સરળતાથી કરી શકાતાં નથી તેમજ પાકના વાવેતર માટેે જમીનની તૈયારી, વાવેતર, પિયત, ખાતર, નિંદામણ, પાક સંરક્ષણ, આંતરખેડ, કાપણી, વગેરે કાર્યો જે ક્ષેત્રિય પાકોમાં ઘણાંજ જરૂરી છે તેમાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોવાથી ક્ષેત્રીય પાકો લઈ શકાતાં નથી અને મોટા ભાગે ચરીયાણ તરીકે ઉપયોગ થાય છે. આવી ચરીયાણ જમીનમાં ઉગતાં ઘાસચારાના પાકોના વપરાશ માટે કોઈ જાતનું નિયંત્રણ ન હોવાથી તેનો આડેધડ ઉપયોગ થાય છે જેમાં સુધારાને અવકાશ રહેલો છે, જેે માટે નીચે મુજબના પગલાઓ લઈ શકાય.

 

  1. ખરાબાની જમીનને અનુરૂપ જમીન સંરક્ષણના પગલાં ભરવા જેવાકે કંટુર બન્ડીંગ, ટેરેસીંગ, કંપાર્ટમેન્ટલ બન્ડીંગ, વગેરે.
  2. ખરાબાની જમીનમાં કુદરતી રીતે ઉગતાં ઘાસનો આયોજનપૂર્વક કાર્યક્ષમ ઉપયોગ કરવા ખરાબાની જમીનફરતે રક્ષક વાડ બનાવવી જરૂરી છે જેથી કરીને ઘાસનો ઉપયોગ યોગ્ય સમયે કરી શકાય.
  3. આડેધડ ચરીયાણ પ્રથા બંધ કરવી.
  4. જે તે જમીન અને વિસ્તારને અનુરૂપ ઘાસચારાની સારી જાતો પ્રસ્થાપિત કરી તેની યોગ્ય જાળવણી કરવી.
  5. ખરાબાની જમીનમાં બિનઉપયોગી ઝાડી–ઝાંખરા દૂર કરવા જેથી ઘાસચારાનું ઉત્પાદન સારું મળે.
  6. જમીનના ઢાળને અનુરૂપ વરસાદના પાણીના સંગ્રહની પધ્ધતિઓ અપનાવવી જેથી કરીને જળ સંગ્રહની સાથોસાથ જમીનનું ધોવાણ અટકાવી વરસાદના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.
  7. ખરાબાની જમીનનો કાર્યક્ષમ ઉપયોગ સ્થાનિક પરિસ્થિતિ, હવામાન અને માલિકીના આધારે કરી શકાય છે.

લેખક : શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ

સ્ત્રોત : કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate