જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે તે જમીનને ક્ષારીય જમીન કહે છે એટલે કે જમીનના નિષ્કર્ષણની વિધુતવાહકતા ૪.૦ ડેસી સાયમન મીટર થી વધારે વિનિમય પામતા સોડિયમ ૧૫ ટકા થી ઓછા અને અમ્લતા આંક ૮.૫ થી ઓછો હોય તેવી જમીનને ક્ષારીય અથવા સફેદ આલ્કલી જમીન કહે છે. જમીનની સપાટી ઉપર એકત્રિત થતા સફેદ ક્ષારો મોટે ભાગે કેલ્શિયમ, મેગ્નેશિયમ કલોરાઈડ, સલ્ફટ, કાર્બોનેટ અને બાયકાર્બોનેટના ક્ષારો હોય છે અને આ ક્ષારોને કારણે જમીન ઉપર સફેદ છારી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં જમીનના રજકણો છૂટા છૂટા રહે છે અને એ રજકણો ભેગા થઈ એક જથ્થો બને છે, પરંતુ એકબીજા સાથે જકડાતા નથી અને જમીન ભરભરી રહે છે. તેથી હવાને અને પાણી તેમની વચ્ચે સહેલાઈથી અવર જવર કરી શકે છે. વધારે પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારોને કારણે જમીનમાં રસાકર્ષણ દાબ વધવાથી છોડ પાણી કે પોષક તત્વો લઈ શકતા ન હોવાને કારણે સૂકાઈ જાય છે.
આ પ્રશ્નનો ઉતર કોઈ એક વાક્યમાં અશક્ય છે. જમીનની ખારાશનું ધોરણ પ્રકાર,આબોહવા, ભૂસ્તરિય સ્થિતિ વગેરે અનેક બાબતો પ્રમાણે ક્ષારમય જમીનની ખેતીમાં વિવિધ અડચણો ઊભી થાય છે જેવી કે, બીજનું જલ્દી ફુરણ ન થવું,ઓછા પ્રમાણમાં ફુરણ થવું અને છોડની સંખ્યા જળવાતી નથી ખેતરમાં વરાપ મોડી આવે છે. જમીનની સપાટી પર કઠણ પોપડી થઈ જાય છે. જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સૂકાય જાય ત્યારે કઠણ થઈ જાય છે. જમીન ખેડવાથી મોટા ઢેફાં પડે છે. જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતા ઘટે છે. આંતરખેડ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. જમીનમાં રહેલા પોષક તત્વો અલભ્ય રૂપમાં ફેરવાઈ જતા હોવાથી પાકમાં પોષકતત્વોની ખામીના ચિન્હો જોવા મળે છે. જમીનની નિતાર શકિત ઓછી થઈ જાય છે જેના લીધે જળમગ્નતનો પશ્ન રહે છે. જમીનમાં પૂરતો ભેજ હોય તેવું જણાય અને પાક પીળો અને નિસ્તેજ જોવા મળે જેથી પાકનો વિકાસ રૂધાય છે. જમીનની ભૌતિક સ્થિત બગડે છે. પાકના મૂળ | વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ વધવાથી રસાકર્ષણ દાબ વધે,
જેને કારણે છોડમાં રહેલ રસ પાછો ખેંચાઈ આવે છે અને પાક ચીમળાવા લાગે છે. વધુ ક્ષારવાળી જમીનમાં પાક ઉગી શકતો નથી છોડ ઠીંગણા રહેછોડના પાન નાના રહે, થડ અને ડાળીઓ ટૂંકી રહે અને પાનનો રંગ ભૂરાશ પડતો લીલો રહે ફૂલ ન બેસવા,ફળ ઓછા બેસે, વંધ્યત્વ અને દાણાનું કદ નાનું રહે.
ક્ષારીય જમીનમાં ક્ષારોને સારી ગુણવત્તાવાળા પિયત પાણી અથવા વરસાદના પાણીથી નિતાર દ્રારા દૂર કરવા જોઈએ ક્ષારીય જમીનમાં જો પાણીનું તળ બહુ ઊંડુ હોય તો જમીનને સમતલ બનાવી નાની ક્યારીઓ બનાવવી,નિતાર શકિત વધારવા છાણીયું ખાતર અથવા ચોમાસામાં વરસાદનું પાણી ભરી રાખવાથી ક્ષાર નિતાર દ્રારા જમીનની અંદર ઉતરી જાય છે. કેટલાક વિસ્તારમાં પાણીનું તળ ઘણું જ ઊંચુ હોવાથી ઉપર પ્રમાણેની રીત કામમાં લાગતી નથી.આવા વિસ્તારમાં પાણીનો કરકસર ઉપયોગ કરી,ઝમણ, નીકો(૧ થી ૧.૫ મી ઊંડી) દ્વારા અથવા જમીનની અંદર કાણાંવાળી પીવીસી નિતાર પાઈપ ગોઠવી પાણીનું તળ નિયમિત કરી શકાય.
ક્ષારીય જમીનમાં વાવેતર પધ્ધતિમાં પણ થોડો સુધારા કરવાથી એટલે કે બ્રોડ બેડ ફરો પધ્ધતિથી વાવેતર કરવાથી પાકનો વિકાસ અને વૃધ્ધિ સારા થાય છે અને સરવાળે પાક ઉત્પાદકતામાં વધારો થાય છે.પહોળા માથાવાળા નીકપાળા બનાવી ઢાળની બન્ને બાજુએ છોડ ઉગાડવાથી ક્ષારની અસર ઘટાડી શકાય અને બીજનો ઉગાવો સારો મળે છે. આ ઉપરાંત ક્ષારીય જમીનમાં સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયુ ખાતર,પ્રેસમડ, કમ્પોસ્ટ, ઈકકડનો લીલો પડવાશ પાકના અવશેષોને જમીનમાં ઉમેરવાથી પણ આવી જમીનોની સુધારણા થઈ શકે છે. આવી જમીનોમાં ખેતી કરવા માટે તેને પ્રથમ સમતળ બનાવી,નાની નાની ક્યારીઓ અને નિતાર નીકો તૈયાર કરવી જોઈએ અને વરાપ હોય ત્યારે જ ખેડ કરી જમીન તૈયાર કરવી જોઈએ જમીનમાં સેન્દ્રિય ખાતર યોગ્ય રીતે મિશ્ર કર્યા પછી ચોમાસામાં વરસાદનું પાણી ભરી રાખવું જોઈએ. સામાન્ય રીતે ક્ષારીય જમીનોમાં ક્ષાર પ્રતિરોધક પાકો લેવાથી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે.
જુદા જુદા પાક તેમજ પાકની જાતની ક્ષાર સહન કરવાની શકિત અલગ અલગ હોય છે. જમીનની ક્ષારીયતા જાણી તેને અનુરૂપ પાકોની પસંદગી કરવી.
ક્ષારમય જમીન ભીની જણાતી હોય છે, પરંતુ પાકને લભ્ય પાણી ઓછું હોય છે. તેથી જમીનમાં દેખાતી ભીનાશ હોવા છતાં પાકને તે પાણી દેહધાર્મિક રીતે લભ્ય હોતું નથી. તેની ક્ષારમય જમીનોમાં પિયત વ્યવસ્થા મહત્ત્વની બની જાય છે. વળી આવી જમીનમાં પાકની પોતાની પાણીની જરૂરિયાત ઉપરાંત જમીનમાંથી ક્ષાર નીચે નિતરે તે માટે વધારાના પાણીનો જથ્થો આપવો પડે છે. સામાન્ય રીતે ક્ષારમય જમીનમાં પાકની પાણીની જરૂરિયાતનાં જથ્થા ઉપરાંત ૧/૪ ભાગ જેટલો વધારાનો જુથો પિયતમાં આપવો કે જે ખરેખર ક્ષારના નિતાર માટે જરૂરી છે. ક્ષારીય જમીનમાં ક્ષારો મૂળ વિસ્તારમાંથી નીચે રહે તે માટે વારંવાર પણ થોડા જથ્થામાં પાણી આપવું જોઈએ. તે માટે નાના સપાટ કયારામાં જમીન ઉપર વધારે છૂટું પાણી આપવાની પદ્ધતિથી જમીન સમતળ હોવાથી પાણીનું એકસરખુ પ્રસરણ અને નિતાર થતો હોઈ આ પદ્ધતિથી ક્ષારનું નિયંત્રણ સારું થાય છે. આ વધુ હોય તો પાકને હારમાં વાવીને નીકપાળા પદ્ધતિથી પિયત આપવું અને પાકને પાળા કે નીક પર ન વાવતાં પાળાના વચ્ચેના ભાગમાં વાવવો જોઈએ કારણ કે પાણીમાં રહેલા ક્ષારો નીકમાં અને પાળાની ટોચમાં જમા થાય છે જેથી પાક નિષ્ફળ જવાના સંજોગો વધી જાય છે. ક્ષારવાળું પાણી હોય તો તેને ટપક પદ્ધતિથી આપી શકાય પરંતુ ટપક પદ્ધતિની નળીઓને સમયાંતરે એસિડ ટ્રીટમેન્ટ આપીને સાફ કરવી જોઈએ.
ક્ષારીય જમીનમાં આવરણ એટલે કે માત્ર બાષ્પીભવન ન ઘટાડતા સાથે સાથે જમીનમાં ઉપલા પડમાં જમા થતો ક્ષાર પણ ઘટાડે છે. આથી જ જમીનની સપાટી પર પાકના અવશેષો, માટીનું આવરણ કે પ્લાસ્ટિક સીટનું આવરણ મહત્ત્વનું છે. કચ્છ-વાગડમાં કપાસમાં કાલાનું આવરણ પ્રચલિત છે. બાગાયતી પાકોમાં ડાંગરનું પરાળ કે ઘઉંનું કુંવળ પણ આવરણમાં વાપરી શકાય. પહોળા પાટલે વવાતા પાકોમાં પથરાતા આંતરપાકો (ચોળા, મગ, મઠ, મગફળી) વગેરે વાવવાથી પણ જમીનની સપાટી ઢંકાયેલી રહેવાથી જમીનની ઉપલી સપાટી પર ક્ષાર ઓછો જમા થશે. આ રીતે લેવાયેલ પથરાતા પાકો જૈવિક આવરણનું કાર્ય કરે છે. અત્યારે બજારમાં મળતી પ્લાસ્ટિક સીટનો આવરણ તરીકે ઘણા પાકમાં ઉપયોગ થાય છે અને તેના પરિણામો ઘણા સારા માલૂમ પડેલ છે.
ક્ષારીય જમીનોમાં પિયત પદ્ધતિ ખૂબ જ અગત્યની છે તેથી જયાં પૂરતા પાણીની વ્યવસ્થા હોય ત્યાં ક્યારી બનાવી વધારે પાણી આપવાથી ક્ષારો નિતાર દ્વારા જમીનમાં નીચે ઉતરી જાય છે. પરંતુ જયાં મર્યાદિત પાણી હોય અને પાણીની ગુણવત્તા સારી ન હોય અને જમીનમાં પાણીનો નિતાર પણ નબળો હોય ત્યારે જમીનમાં વધારે પાણી આપવાથી છોડના મૂળ વિસ્તારમાં વધારે સારો જમા થાય તે અટકાવવા ટપક કે ફુવારા પદ્ધતિથી પિયત આપી ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાથી જમીનમાં ક્ષારોની સાંદ્રતા ઘટાડી શકાય છે અને તે રીતે પાક ઉપર ક્ષારની વિપરીત અસર ઓછી કરી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.
સ્ત્રોત : નવેમ્બર-ર૦૧૬,વર્ષ: ૬૯ અંક:૭ , સળંગ અંક: ૮૨૩, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020