অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સજીવ ખેતી માટે જૈવિક ખાતર

જૈવિક ખાતર દ્વારા બેવડો ફાયદો : રાસાયણિક ખાતરની બચત અને ઉત્પાદનમાં વૃદ્ધિ

જૈવિક ખાતરો શા માટે?

વિશ્વમાં વસ્તી સતત વધી રહી છે. આજે આપણે ૬૦૦ કરોડની માનવ વસ્તી પર પહોંચ્યા છીએ. જો આ રીતે વૃધ્ધિ ચાલ્યા કરશે તો ર૦પ૦માં વિશ્વની વસ્તી ૧૦૦૦ કરોડના જાદુઈ આંકને  પહોંચવાની શકયતા છે. વસ્તી વિસ્ફોટને લઈને મર્યાદિત ખેડાણ જમીન ઉપર પુષ્કળ ભારણ વધ્યુ છે. આજે આપણા દેશમાં  માથાદીઠ ૦.૧૪ હે. થી ઓછી જમીન ઉપલબ્ધ છે. છેલ્લા વર્ષોમાં આપણા સંશોધન,માળખાકીય સગવડની ઉપલબ્ધતા તેમજ સરકારની નિતીઓને લઈને દરેક પાકનું ઉત્પાદન  વધ્યું છે, તેમ છતાં  હજી તે  પુરતું નથી. પાકના વધુ ઉત્પાદનમાં પ૦ ટકા જેટલો ફાળો ફકત રાસાયણિક ખાતરોનો છે. આમતો નાઈટ્રોજન, ફોસ્ફરસ તેમજ પોટાશ ત્રણેય મુખ્ય તત્વોનો વપરાશ વધ્યો છે. તેમ છતાં નાઈટ્રોજનનો વપરાશ બધામાં સૌથી ઝડપી વધ્યો છે.સેન્દ્રિય તત્વોનું  રીસાયકલીંગ તથા વિવિધ પ્રકારના જૈવિક ખાતરના વપરાશથી રાસાયણિક ખાતરની ઘટ પુરી કરી શકાય તેમ છે. મોટા જથ્થામાં રાસાયણિક ખાતર વાપરવું આર્થિક રીતે ઘણું મોઘુ પડે. વળી ખેતરમાં પૂંખીને નાઈટ્રોજનયુકત ખાતર આપવાથી પ૦ ટકા જેટલુ વેડફાય છે એટલે કે જે તે પાકને કામ લાગતું નથી અને પર્યાવરણ જોખમાય છે તે વધારામાં. આપણા દેશની ૭પ-૮૦ ટકા વસ્તી  સીધી કે આડકતરી રીતે ખેતી ઉપર આધારિત છે. દેશના ૭પ ટકા ખેડૂતો નાના અને સીમાંત છે. દેશના પ૪.૬ ટકા ખેડૂતો પાસે એક હેકટરથી ઓછી જમીન છે. જયારે ૧૮ ટકા પાસે ફકત ૧-ર હેકટર જમીન છે. આ ખેડૂતોને ભલામણ કરેલ માત્રામાં રાસાયણિક ખાતર ખરીદવું તેમજ વાપરવું મુશ્કેલ છે. આવા ખેડૂતોને  પોતાના પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે સજીવ ખેતી વિષે વિચાર્યા વગર છૂટકો નથી. ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા તેમજ તેમનું જીવન ધોરણ ઉન્નત કરવા તેમની મર્યાદિત જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. આ વિષમ પરિસ્થિતિમાં જૈવિક ખાતર એક આદર્શ પ્રણાલી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ૨૦૧૫ દરમ્યાન સજીવ ખેતી નીતિ  જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત જૈવિક ખાતર  એ  નિદોર્ષ, કુદરતી અને પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત સજીવ ખાતર છે.

જૈવિક ખાતર એટલે શું?

જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ  વસવાટ કરે છે કે જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા  સૂક્ષ્મ જીવાણુઓ હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરે છે તથા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરે છે અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપીકહોવડાવવામાં મદદ કરે છે. આ તમામ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓની બનાવટને ગુજરાતીભાષામાં “જૈવિક ખાતર” અથવા અંગ્રેજીમાં “બાયોફર્ટીલાઈઝર” કહેવામાં આવે છે. જુદાજુદા જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર, બ્લુ ગ્રીનઆલ્ગી તથા અઝોલા પર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવતી  વિશિષ્ટ શકિત ધરાવતી સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓને અલગ તારવી, તેની પ્રયોગશાળામાં મોટા પાયે વૃધ્ધિ કરી વેચવામાં આવે છે. જેમાં પ્રતી મિલિલિટર ૧૦ જીવંત અથવા સુષુપ્ત અવસ્થામાં સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. આવા જૈવિક ખાતરોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો રાસાયણિક ખાતરની બચત થઈ શકે છે. જૈવિક ખાતરો બહુ નિર્દોષ,પ્રમાણમાં સસ્તા તેમજ પ્રદદુષણમુકત હોઈ  દરેક ખેડૂત પોતાની ખેતી પધ્ધતિમાં સામેલ કરે તે જરુરી છે.

જૈવિક ખાતરના પ્રકારો

 

 

 

 

કૃષિ મહોત્સવ ગુજરાત ૨૦૧૨

નાઈટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ:

નાઈટ્રોજનની અગત્યતા:

કોઈપણ પાકના પોષણ માટે નાઈટ્રોજન સૌથી અગત્યનું અને સૌથી વધારે જોઈતું તત્વ છે. છોડ જરૂરી નાઈટ્રોજન જમીનમાંથી રાસાયણિક ખાતર, સેન્દ્રિય પ્રદાર્થો, વરસાદ તેમજ સિંચાઈ મારફત  અને વિવિધ સૂક્ષ્મજીવાણુ મારફત નાઈટ્રોજન સ્થિરીકરણથી મેળવે છે. નાઈટ્રોજન સ્થિરીકરણનું  મુખ્ય ઘટક હવા છે. જેનો ૭૮ ટકા  ભાગ નાઈટ્રોજન છે.  એક હેકટરની જમીન ઉપર હવામાં ૭૮,૦૦૦ ટન નિષ્ક્રીય નાઈટ્રોજન ગેસ સ્વરૂપે રહેલો હોય છે. બીજા શબ્દોમાં ૧૭૦,૦૦૦ ટન યુરિયા  એક  હેકટર જમીન ઉપર આવેલુ હોય છે. પરંતુ આ નાઈટ્રોજન નિષ્ક્રીય હોઈ કોઈપણ પાક તેનો સીધો ઉપયોગ કરી શકતો નથી. કુદરતમાં વર્ષ દરમ્યાન ૧૭પ૦ લાખ ટન જૈવિક પ્રક્રિયા મારફત ઉમેરાય છે. જેનો ફાળો વિવિધ રાસાયણિક નાઈટ્રોજનયુકત ખાતરો કરતાં ત્રણ ગણો વધારે છે. આનો અર્થ એ થયો કે વિશ્વમાં  જમીનની ફળદ્રૂપતા ટકાવી રાખવામાં કુદરતનોપ્રમુખ ફાળો છે.

અઝોટોબેકટર:

અઝોટોબેકટર એ એક પ્રકારના સૂક્ષ્મ જીવાણુ છે જે હવામાંનાં મુકત નાઈટ્રોજનને સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આજ કારણે તેનો જૈવિક ખાતર તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. રાઈઝોબિયમ પ્રકારના બેકટેરિયાને નાઈટ્રોજન મેળવવા જેમ કઠોળ વર્ગના પાકની હાજરીની જરુર પડે છે તેમ અઝોટોબેકટરને કોઈપણ પાકની હાજરીની  જરુર પડતી નથી. તેઓ એકલાજ પોતાની  મેળે હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરી શકે છે.  ખેતરની જમીન તેમનું રહેઠાણ છે. આ બેકટેરિયાને વૃધ્ધિ તેમજ વિકાસ માટે હવામાંનો  પ્રાણવાયુ જરુરી છે. તેથી ખેતરના  ૧પ-૩૦ સે.મી. ના ઉપરના પડમાં તેઓ  વિશેષ સંખ્યામાં આવેલા હોય છે. જમીનની ફળદ્રુપતા તેમજ  ઉત્પાદકતામાં તેમનો મોટો ફાળો છે. આપણી જમીનમાં પ્રતિ ગ્રામ ૧૦૦૦ થી ૧૦૦,૦૦૦ જેટલા આ પ્રકારના જીવંત બેકટેરિયા આવેલા હોય છે.

અઝોટોબેકટરની ઘણી જાતો છે. પ્રમુખ જાતોમાં ક્રુકોકમ, વીનેલેન્ડી, બેજરન્કીવગેરેનો સમાવેશ થાય છે. દરેક જાતની વળી ઘણી ઉપજાતિઓ છે. તમામ પ્રકારની અઝોટોબેકટરની જાતો હવામાંનેા નાઈટ્રોજન મેળવવાની ક્ષમતા ધરાવતી નથી અથવા બહુજ  ક્ષમતા ધરાવે છે. આ સંજોગોમાં જમીનની ફળદ્રુપતાસાચવવા તેમજ મોંઘા રાસાયણિક ખાતરની બચત કરવા કાર્યક્ષમ જાતના ભલામણ કરેલ અઝોટોબેકટરની જાતનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો જરુરી છે. આ પ્રકારના બેકટેરિયા હવામાંનો મુકત નાઈટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે છે. આ એમોનિયા  પાણીમાં દ્રાવ્ય છે. જેથી છોડ સહેલાઈથી લઈ શકે છે. જે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઓછા હોય ત્યાં આ બેકટેરિયાની સંખ્યા ઓછી હોય છે. જમીનમાં છાણિયું ખાતર કે કોઈપણ પ્રકારના સેન્દ્રિય ખાતર ઉમેરવાથી  તેમની સંખ્યા  તેમજ કાર્યક્ષમતાવધે છે. આ જીવાણુઓ ર૦-૪૦ કિ.ગ્રા નાઈટ્રોજન/હે સ્થિર કરે છે. તદઉપરાંત વિવિધ પ્રકારના વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.

અઝોસ્પાઈરીલમ:

એક પ્રકારના સૂક્ષ્મ જીવાણુ છે. તેનું કદ મિલિમીટરના હજારમાં ભાગનું તેમજ આકાર અડધો વળેલો સર્પાકાર હોય છે. તેમનું કાયમી નિવાસસ્થાન ખેતરની માટી છે. જમીનની ફળદ્રુપતા સાચવવામાં તેમનો મોટો ફાળો છે. અઝોસ્પાઈરીલમ જીવાણુનો બાયોફર્ટીલાઈઝર તરીકે  ઉપયોગ કરવામાં આવે છે. રાઈઝોબિયમ જીવાણુની જેમ આ જીવાણુઓ પણ હવામાં રહેલ મુકત નિષ્ક્રિય નાઈટ્રોજનને સ્થિર કરી એમોનિયા બનાવી શકે છે. રાઈઝોબિયમ જીવાણુઓ કઠોળ વર્ગના પાકના મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવે છે. જયારે અઝોસ્પાઈરીલમ જીવાણુઓ મૂળમાં દાખલ થાય છે. પરંતુ કોઈ ગાંઠો બનાવતા નથી. અઝોસ્પાઈરીલમ જીવાણુની બે  મુખ્ય પ્રજાતિઓ છે.લીપોફેરમ અને બ્રાસીલેન્સ. દરેક પ્રજાતિની અનેક પેટા જાતો હોય છે. દરેક જાતની નાઈટ્રોજન  સ્થિર કરવાની ક્ષામતા અલગ અલગ હોય છે. આજ કારણે કાયૅક્ષમ ઉત્તમ જાતોનો બાયોફર્ટીલાઈઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.આ જીવાણુઓ પણ ર૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. સ્થિર કરવાની ક્ષમતા રાખે છે. વધારામાં વિવિધ પ્રકારના વનસ્પતિ વૃધ્ધિવર્ધકો બનાવી  છોડના વિકાસમાં મદદ કરે છે. વૈજ્ઞાનિક પ્રયોગોથી એવું સિધ્ધ થયુ છે કે આ જીવાણુઓ ક્ષારીય-ભાસ્મિક જમીનને નવસાધ્ય કરવામાં મદદ કરે છે અને પાકનું ઉત્પાદન વધારે છે.

એસીટોબેકટર

એસીટોબેકટર ડાયએઝોટ્રોપીકસ નામના બેકટેરિયા શેરડીમાંથી મળી આવ્યા છે. આ બેકટેરિયા શેરડીના મૂળ, પાન, સાંઠાની અંદર વસવાટ કરે છે. આ બેકટેરિયા જમીનમાં જોવા મળતા નથી આ જીવાણુની યોગ્ય જાતને જૈવિક ખાતર તરીકેવાપરવાથી ભલામણ કરેલ નાઈટ્રોજનના પ૦ ટકા બચતથાય છે. અને શેરડીનું ઉત્પાદન ૧પ-ર૦ટન/હે. વધે છે.. આ જીવાણુઓ પણ વિવિધ વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.

રાઈઝોબિયમ

કઠોળવર્ગના પાક જેવા કે તુવેર,ચણા,મગ,મગફળી,સોયાબીન વગેરે પોતાને જોઈતો નાઈટ્રોજન તત્વનો મોટો ભાગહવામાંથી રાઈઝોબિયમ બેકટેરીયાની મદદથી પોતાના મૂળ ઉપર નાની નાની અસંખ્ય મૂળ ગંઠિકાઓબનાવી મેળવે છે. દરેક ગાંઠએ નાઈટ્રોજન સ્થિર કરવાનું એક નાનું કારખાનુ છે. સામાન્ય રીતે કઠોળવર્ગના પાકને એક ટન દાણા ઉત્પન્ન કરવા પ૦ થી ૬૦  કિ.ગ્રા.નાઈટ્રોજન તત્વની જરુર પડે છે. છતાં આપણા સૌનેા અનુભવ છેકે, કઠોળ પાકો માટે હેકટર દીઠ ફકત ર૦-રપ કિ.ગ્રા. નાઈટ્રોજન ખાતરની ભલામણ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આટલો બધો નાઈટ્રોજન છોડ ક્યાંથી મેળવે છે.  અનુકૂળ પરિસ્થિતિમાં વાવણીના ૧પ દિવસ પછી મૂળ ઉપર રાઈઝોબિયમ બેકટેરિયાની મદદથી નાની નાની લાલ રંગની ગાંઠો બનવાની શરુઆત થાય છેઅને તે સમયે નાઈટ્રોજન સ્થિરીકરણની પ્રક્રિયા શરુ થાય છે. જે દાણા બેસવાના સમયે મહત્તમ હોય છે. આપણા દેશમાંબહોળા વિસ્તારમાંકઠોળ વર્ગના પાકોનું વાવેતર કરવામાં આવે છે. આ સંજોગોમાં રાઈઝોબિયમ બેકટેરિયાનું ખૂબ મહત્વ છે. જે જમીનમાં કાયમી વસવાટ કરતા રાઈઝોબિયમ બેકટેરિયાનું પ્રમાણ પ્રતિગ્રામ ૧૦૦ કોષથી ઓછું હોય છે, ત્યાં રાઈઝોબિયમ બાયોફર્ટીલાઈઝરના વપરાશથી બહું સારા પરિણામ મળે છે.પરંતુ જે જમીનમાં કઠોળ વર્ગના પાકનું અવારનવાર વાવેતર કરવામાં આવે છે. ત્યાં કુદરતી રાઈઝોબિયમ જીવાણુ વધુ સંખ્યામાં આવેલા હોય છે. આ સંજોગોમાંબાયોફર્ટીલાઈઝરવાપરવાથી આંખે દેખાય તેવો સ્પષ્ટ તફાવત ઘણીવાર જોવા મળતો નથી. વળી કઠોળ પાકના મૂળ પર ગાંઠો જોવાથી કાયમ એમ માની લેવાની જરુર નથી કે છોડને જરુરી પૂરતો નાઈટ્રોજન મળે છે. દરેક કઠોળ વર્ગના પાકને પોતાને અનુરુપ રાઈઝોબિયમ જીવાણુની હાજરીની જરુર હોય છે. જો પોતાને અનુરુપ રાઈઝોબિયમની જાત સિવાય બીજા પ્રકારના રાઈઝોબિયમથી મૂળ ઉપર ગાંઠો બને તો નાઈટ્રોજન સ્થિર થતો નથી. આમ નાઈટ્રોજનના  મહત્તમ સ્થિરીકરણ માટે કઠોળનો પ્રકાર તેમજ તેને અનુરુપ રાઈઝોબિયમની જાત બંનેનો પ્રમુખ ફાળો છે.

જમીનમાં ઘણા રાઈઝોબિયમ જીવાણુ ઉનાળામાં ઉંચા તાપમાનથી, ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી તેમજ અન્ય પરભક્ષી જીવાત તેમજ વાયરસથી નાશ પામે છે. જેના પરિણામે જમીનમાં તેમની સંખ્યા ધટે છે. આ કારણને લીધે દરેક કઠોળ વર્ગના પાકના વાવેતર અગાઉ બિયારણને યોગ્ય કાર્યક્ષમ રાઈઝોબિયમ બાયોફર્ટીલાઈઝરનો પટ આપવો જરુરી છે. જેથી પાકને  મહત્તમ લાભ મળે.સારી જાતના ભલામણ કરેલ રાઈઝોબિયમ કલ્ચર વાપરવાથી હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન સમકક્ષ કઠોળનું ઉત્પાદન મળે છે.

રાઈઝોબિયમની પ્રજાતિઓ:

જાતિ

પ્રજાતિ

ભલામણ કરેલ પાક

રાઈઝોબિયમ

લેગ્યુમીનોસેરમ

વટાણા,મસુર

રાઈઝોબિયમ

ફીજીઓલી

રાજમા, ફણસી, વાલ

રાઈઝોબિયમ

ટ્રાયફોલી

કલોવર

રાઈઝોબિયમ

મેલીલોટી

મેથી

રાઈઝોબિયમ

લુપીની

લુપીન

રાઈઝોબિયમ

જેપોનીકમ

સોયાબીન

રાઈઝોબિયમ

--

મગ,તુવેર,મઠ,ચણા,ચોળા,મગફળી, શણ વગેરે.


જુદા જુદા કઠોળ પાકની નાઈટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા:

કઠોળ

કિ.ગ્રા. નાઈટ્રોજન / હે

તુવેર

૧૬૮-ર૦૦

કલોવર

૧૦૦-૧પ૦

ચણા

૮પ-૧૧૦

ચોળા

૮૦-૮પ

મગફળી

પ૦-૬૦

મગ/ અડદ

પ૦-પપ

વટાણા

પર-૭૭

સોયાબીન

૬૦-૮૦

ભલામણ કરેલ પાક:

૧. કઠોળ પાક : મગ,ચણા, તુવેર, અડદ, મઠ,ચોળા, વાલ, વટાણા,રાજમા વગેરે

ર. તેલીબિયા પાક : મગફળી, સોયાબીન

૩. લીલા પડવાશ : શણ, ઈકડ, ચોળા, સેસ્બેનીયા વગેરે

૪. ઘાસચારાના પાક : રજકો, બરસીમ

અઝોલા

અઝોલાએ પાણીમાં થતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે. તેના પાનમાં એનાબીના અઝોલી નામની બ્લુ ગ્રીન આલ્ગી રહેલ હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન સંયોજીત કરી શકે છે અને પોતાના નાઈટ્રોજનની સમગ્ર જરૂરિયાત હવામાંના નાઈટ્રોજનમાંથી પુરી કરી શકે છે. તાજા અઝોલામાં ૦.૩ થી ૦.૪ ટકા તેમજ સૂકા અઝોલામાં ૩ થી પ ટકા નાઈટ્ર્રોજન આવેલો હોય છે. અઝોલાની કુલ છ જાતો છે. તેમાંની આપણાં દેશમાં પાંચ જાતો પ્રચલિત છે જે પૈકીઅઝોલા પીનાટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે. અઝોલા પીનાટાના છોડ ત્રિકોણાકાર અને કદમાં ૧.૦-ર.પ સે.મી ના હોય છે. અઝોલા પાણીમાંઅનુકૂળ વાતાવરણમાં બહુ ઝડપથી ઉગે છે અને ર-૩ દિવસમાં વિભાજન થઈ બમણા થાય છે. અઝોલાના આ વિશિષ્ટ ગુણધર્મને લીધે રોપાણ ડાંગરમાં નાઈટ્રોજનયુકત ખાતર તરીકે તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

અઝોલાની વિવિધ જાતો: અઝોલા મેકસીકાના, અઝોલા ફીલીકયુલોઈડ, અઝોલા માઈક્રોફાઈલા, અઝોલા કેરોલીનીઆના, અઝોલા નીલોટીકા

નાઈટ્રોજનની ઉપલબ્ધતા

જમીનમાં દાબેલા અઝોલા ૮-૧૦ દિવસમાં કહોવાઈ અને મહિનામાં ૬૭ % નાઈટ્રોજન ડાંગરને પુરો પાડે છે. રાસાયણિક ખાતરોની સરખામણીમાં તે ધીમો છૂટો પડે છે. સૂકા અઝોલા કરતા લીલા અઝોલામાંથી નાઈટ્રોજન ઝડપી મળે છે. અઝોલાને રાસાયણિક ખાતર સાથે બહુ સહેલાઈથી વાપરી શકાય છે અને નાઈટ્રોજનના કોઈપણ લેવલને તે ફાયદો કરે છે.

ફોસ્ફરસ દ્રાવ્ય / લભ્ય કરતા જૈવિક ખાતર

દરેક વનસ્પતિની વૃધ્ધિ તેમજ વિકાસ માટે નાઈટ્રોજન પછી કોઈ અગત્યનું તત્વ હોય તો તે ફોસ્ફરસ છે. ફોસ્ફરસની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શકય નથી. જમીનમાં ફોસ્ફરસની ઉણપ હોયતો છોડ પુરતો વિકસી શકતો નથી કે મહત્તમ ઉત્પાદન આપી શકતો નથી. જમીનમાં પુરતા પ્રમાણમાં ફોસ્ફરસની હાજરી હોય તો છોડનો વિકાસ ઝડપી થાય છે. છોડ વધારે માત્રામાં અને વધુ ઉંડા મૂળ બનાવે છે, પરિણામે જરૂરી પોષક તત્વો દૂરથી મેળવી શકે છે. ફૂટ, કંટીની સંખ્યા વધે છે, દાણા વધુ ભરાય છે. છોડનું થડ, ડાળીઓ મજબૂત બને છે અને સમયસર અને સમાન પાક તૈયાર થાય છે.

આજની વધુ ઉત્પાદન આપતી સુધારેલી ધાન્ય પાકની જાતોને પાકવા માટે ફોસ્ફરસની જરૂર પડે છે અને ૭૦-૮૦ ટકા ફોસ્ફરસ કંટી/ડૂંડામાં જમા થાય છે. જુદા જુદા પાકની ફોસ્ફરસની જરૂરીયાત અલગ અલગ હોય છે. એક ટન બટાટા ઉત્પન્ન કરવા ર.૦ કિ.ગ્રા. ફોસ્ફરસની જરૂર પડે છે. જયારે ધાન્ય પાક, કઠોળ પાક, તેલીબિયાને અનુક્રમે ૧૦, ૧૪ અને ર૪ કિ.ગ્રા. ફોસ્ફરસની જરૂર પડે છે. જે જમીનમાં વર્ષ દરમ્યાન ર-૩ પાક લેવામાં આવે છે. ત્યાં ૭પ-૧૦૦ કિ.ગ્રા./હે ફોસ્ફરસ જમીનમાંથી ઓછો થાય છે. ધાન્ય પાકને ૮-૧ર ટન ઉત્પાદન/હે ઉત્પાદન મેળવવા ૭૦-૮૦ કિ.ગ્રા. ફોસ્ફરસની જરૂર પડે છે.

હાલની પરિસ્થિતિ: આપણી જમીનમાં ૯૦૦ થી ૩૭૦૦ કિ.ગ્રા. ફોસ્ફરસ/હે આવેલો હોય છે. તેમ છતાં આમાંનો ઘણો ખરો ફોસ્ફરસ અદ્રાવ્ય સ્વરૂપે હોય છે. પરિણામે આવો ફોસ્ફરસ છોડના મૂળની નજીક ઉપલબ્ધ હોવા છતાં છોડને કામ લાગતો નથી. ફોસ્ફરસ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે હોય તો જ છોડ તે લઈ શકે છે. બજારમાં જે ફોસ્ફરસયુકત રાસાયણિક ખાતરો મળે છે. તેમાં ફોસ્ફરસ દ્રાવ્ય સ્વરૂપે રહેલો હોય છે. ફોસ્ફરસ નાઈટ્રોજનની માફક જમીનમાં ઉતરી જતો નથી. પરંતુ દ્રાવ્ય સ્વરૂપે રહેલ ફોસ્ફરસ થોડાક સમયમાં અદ્રાવ્ય બની જાય છે. પરિણામે મોંઘા ખાતરનો બગાડ થાય છે.

આપણી જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસની અછત છે. દેશના ૪પ ટકા જીલ્લાની જમીનમાંજરૂરીયાતથી ઓછો, પ૦ ટકામાં મધ્યમ અને ફકત પ ટકા જમીનમાંજ પુરતી માત્રામાં ફોસ્ફરસની હાજરી છે. અત્યારે દેશમાં જે કંઈ ફોસ્ફેટીક ખાતર બનાવવામાં આવે છે. તે લગભગ ૧૦૦ ટકા આયાતી રોક ફોસ્ફેટ ઉપર આધારિત છે.

સતત વધતી વસ્તીના પોષણ માટે વધુ પ્રમાણમાં અન્ન ઉત્પાદન કરવા વધુ ફોસ્ફરસયુકત ખાતરો વાપરવા જરૂરી છે. આ માટે મોટી મોટી ફેકટરીઓબનાવવા અબજો રૂપિયાનું હુંડિયામણ જોઈએ. આવી ફેકટરીઓમાંથી ઉત્પન્ન થતું ખાતર મોંઘુ હોય છેતથા આવી ફેકટરીઓ પ્રદુષણ ફેલાવે છે. આ વિષમ પરિસ્થિતિમાં ફોસ્ફેટ કલ્ચર એક આદર્શ પર્યાય છે.

જમીનમાં એવા ઘણાં સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જે વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આવા પ્રમુખ જીવાણુઓમાં બેસીલસ, સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયાતેમજ એસ્પરજીલસ અને પેનીસીલીયમ જેવી ફૂગનો સમાવેશ થાય છે.આ પ્રકારના સૂક્ષ્મ જીવાણુને ફોસ્ફેટ કલ્ચર કહેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આપણાં દેશમાં આશરે ર૬૦૦ લાખ ટન રોક ફોસ્ફેટનો ભંડાર છે. આવા કિંમતમાં સસ્તા રોક ફોસ્ફેટનેા યોગ્ય ફોસ્ફેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે. આ સૂક્ષ્મ જીવાણુઓ સેન્દ્રિયતેજાબ ઉત્પન્ન કરીને રોક ફોસ્ફેટમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે. જે પાકને તરતજ ઉપલબ્ધ બને છે. ભારતમાં આ બાબતે વિવિધ સ્થળે સંશોધન થઈ રહ્યું છે અને આશાસ્પદ પરિણામો મળેલ છે.

પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મ જીવાણુઓ :

જમીનમાં એવા ધણાં જીવાણુઓ હોય છે કે જે વિવિધ પ્રકારના એસિડ અને પોલીસેકેરાઈડ બનાવી જમીનમાં રહેલા અલભ્ય પોટાશને મૂળ શોષી શકે તેવા સ્વરુપમાં રૂપાંતર કરે છે. મોંઘા પોટાશયુક્ત રાસાયણિક ખાતરના વિકલ્પ સ્વરુપે કિમંતમાં સસ્તા ખનીજ માઈકા, ફેલ્ડ્સ્પારનો પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મ જીવાણુઓ સાથે વપરાશ કરવાથી રપ % પોટાશયુક્ત રાસાયણિક ખાતરની બચત થઈ શકે છે.

આધુનિક ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા:

  • જૈવિક ખાતર પ્રતિ હેક્ટર ૨૦-૫૦ કિલો નાઇટ્રોજન સ્થિર કરે છે અને ૩૦-૫૦ કિલો ફોસ્ફરસ દ્રાવ્ય કરી શકે છે.
  • જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે.
  • વનસ્પતિ વૃધ્દ્રિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.
  • તેના વપરાશથી પાક ઉત્પાદન ૧૦-૧૫ ટકા વધે છે.
  • રાસાયણિક ખાતરોની આડસર ધટે છે.
  • વાતાવરણનું પ્રદુષણ ધટાડે છે અને ખેતી ખર્ચમાં નોંધપાત્ર ધટાડો કરે છે.
  • જૈવિક ખાતર કિંમતમાં સસ્તા, બિન ઝેરી અને વપરાશમાં સરળ હોય છે.
  • બાયોફર્ટીલાઇઝર એ રાસાયણિક ખાતરનું પૂરક છે.
  • જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય ત્યાં બાયોફર્ટીલાઇઝરનો પ્રતિભાવ સારો મળે છે.
  • બાયોફર્ટીલાઈઝર એ નિદોર્ષ, કુદરતી સજીવ ખાતર છે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે.
  • બાયોફર્ટીલાઈઝર સજીવ ખાતર હોઇ તેના દરેક ગ્રામ/મિ.લિ. દીઠ આશરે ૫-૧૦ કરોડ જીવંત બેકટેરિયા આવેલા હોય છે.

હાલમાં ગુજરાતમાં મળતા તમામ જૈવિક ખાતરો લીગ્નાઇટ નામના ખનીજ કોલસાના ૧૦૦ મેશના પાઉડર આધારિત મળે છે. આવા કેરિયરયુક્ત જૈવિક ખાતરોની ધણી મર્યાદાઓ છે. જેવી કે અવધિ ૬ મહિના અને જીવંત સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઓછી તથા ટપક પધ્ધતિ અને ગ્રીન હાઉસમાં વાપરી શકાય નહિ, જેની સામે નવતર પ્રવાહી જૈવિક ખાતર વિકસાવવામાં આવ્યુ છે.

પ્રવાહી જૈવિક ખાતરની વિશિષ્ટતા:

  • અવધિ ૧વર્ષ
  • ૧૦ કરોડ સૂક્ષ્મ જીવાણુ પ્રતિ મિલિ લિટર
  • વપરાશ અને વહન સરળ
  • ખેડૂતોમાં આવકાર્ય
  • ટપક પધ્ધતિઅને ગ્રીન હાઉસ માટે સાનુકૂળ
  • સજીવ ખેતી માટે ઉપયોગી વિવિધ જૈવિક ખાતર ની પોષણ ક્ષમતા

જૈવિક ખાતર

વપરાશ

રાસાયણિક ખાતર સમકક્ષ પોષણ ક્ષમતા

(પ્રતિ હેક્ટર)

રાઈઝોબિયમ

બીજને પટ

૫૦-૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન

અઝોટોબેકટર

બીજ/ધરુને પટ/ચાસમાં

ર૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન

અઝોસ્પાઈરીલમ

બીજ/ધરુને પટ/ ચાસમાં

ર૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન

બ્લ્યુ ગ્રીન આલ્ગી

૧૦ કિ.ગ્રા./હે.

ર૦-૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન

અઝોલા

૧૦ ટન/હે.

૩૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન

ફોસ્ફોબેકટર

બીજ/ધરુને પટ/ ચાસમાં

ર૦-૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ

બાયો એન.પી.કે.

બીજ/ધરુને પટ/ ચાસમાં

ર૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ફોસ્ફરસ,અને પોટાશ

અનુભવ પ્રવાહી બાયો એન.પી.કે.જૈવિક ખાતર સમૂહ વિશિષ્ટતા અને ફાયદાઓ

  • વપરાશની અવધિ ૧ વર્ષ
  • ૦ કરોડ સૂક્ષ્મજીવાણુ પ્રતિ મિલિ લિટર
  • પ્રતિ હેકટર, પાક દીઠ ૨૫ ટકા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરની બચત
  • ઉત્પાદનમાં ૧૦% ટકા નો વધારો
  • જમીનનું જૈવિક, રાસાયણિક તેમજ ભૌતિક બંધારણ સુધારે
  • વપરાશ અને વહન સરળ, ટપક પધ્ધતિ અને ગ્રીનહાઉસમાં ખાસ ઉપયોગી છે
  • સેન્દ્રિય ખેતીનું અનિવાર્ય અંગ, કિફાયતી તેમજ પર્યાવરણ માટે સુરક્ષિત છે
  • વિટામીન તેમજ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડને પોષણ પૂરું પાડે છે
  • બિયારણનો ઉગાવાનો દર વધારે છે.
  • જમીનજન્ય રોગકારક ફૂગ તથા નીમેટોડથી પાકનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.

જૈવિક ખાતરો વાપરવાની રીત:

પ્રવાહી જૈવિક ખાતર પાકની વાવણીની પધ્દ્રતિ મુજબ બિયારણને પટ, ધરૂને માવજત, ચાસમાં ઓરીને તથા ટપક પધ્દ્રતિ માટે વાપરી શકાય છે. અઝોટોબેક્ટર તેમજ ફોસ્ફેટ કલ્ચર બંને કલ્ચર અલગ તેમજ ભેગા કરીને ધાન્ય, શાકભાજી, ફળફૂલ, બાગાયતી પાક, શેરડી, કપાસ, ધાસચારા વગેરે તમામ પાકોમાં વાપરી શકાય.

પાકની વાવણી પધ્ધતિ મુજબ નીચે પૈકી કોઈપણ એક રીતે વાપરી શકાય છે

બિયારણને પટ આપીને

વાવણી પહેલા ૧ કિ.ગ્રા. બિયારણ માટે ૩ - ૫ મિલિ લિટર કલ્ચરને જરૂરી પાણીમાં ભેળવી પટ આપવો. ત્યારબાદ પટ આપેલા બિયારણને ઠંડકવાળી જગ્યામાં સૂકવી દેવું અને ભરભરૂ થયા બાદ વાવણી કરવી.

ધરૂને માવજત

૩- ૫ મિલિ લિટર કલ્ચરને ૧ લિટર પાણીમાં ભેળવી, ધરૂનાં મૂળને ૧૫-૨૦ મિનિટ બોળીને રોપણી કરો.

ચાસમાં ઓરીને અને ટપક પધ્ધતિ ધ્વારા પ્રતિ હેક્ટર ૧ લિટર કલ્ચર ૬૦−૮૦ કિ.ગ્રા. કમ્પોસ્ટ / માટી સાથ ભેળવીને ચાસમાં પૂંખી દો અથવા ટપક પધ્ધતિ માટે ૨૦૦ લિટર પાણીની ટાંકીમાં ભેળવો.

બાયો એન.પી.કે. પ્રયોગશાળાથી ખેતરે

રવી કૃષિ મહોત્સવ ૨૦૧૪નાપ્રારંભ પ્રસંગે તા.૧૧-૧૨-૨૦૧૪ ના રોજ ચુડા મુકામે, માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનાવરદ હસ્તે, આકૃયુના માઈક્રોબાયોલોજી વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા નવસંશોધિત અનુભવ પ્રવાહી બાયો એન.પી.કે. જૈવિક ખાતરનું લોકાર્પણ તથા લાભાર્થી ખેડૂતોને વિતરણ આકૃયુના માન.કુલપતિશ્રી ડૉ એન.સી.પટેલની ઉપસ્થિતિમાંકરવામાં આવેલ. આકૃયુનું અનુભવ બાયો એન.પી.કે. પ્રવાહી જૈવિક ખાતરગુજરાતના છેક છેવાડાના ખેડૂતને સરળતાથી ઉપલબ્ધ થાય તે શુભ આશયથી આ તાંત્રિકતાના હસ્તાંતરણ અંગેના કરાર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ સાથે કૃષિ મહોત્સવ ૨૦૧૫ અંતર્ગત તા.૩૦ એપ્રિલ,૨૦૧૫ના રોજ માન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતીમાં કરવામા આવ્યા. આ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટીંગ બેક્ટેરીયાનું ફોર્મ્યુલેશન ડીબીટી ભારત સરકારના અનુદાનિત પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને આ નવીન ખેડૂત ઉપયોગી પીજીપીબી ફોર્મ્યુલેશન માટે મહિન્દ્રા સમૃદ્ધિ કૃષિ શિક્ષા સમ્માન ૨૦૧૩ એવોર્ડ એનાયત થયેલ છે. આ ટેકનોલોજીની ઇન્ડીયન પેટન્ટ ૫૦/૨૦૧૪, તા. ૧૨/૧૨/૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ છે.

અનુભવ પ્રવાહી જૈવિક ખાતરના ઉત્પાદન માટે પ્લાન્ટ

( આર.કે.વી.વાય.)

આર્થિક અને પર્યાવરણ અસર

અનુભવ પ્રવાહી બાયો એન.પી.કે. કન્સોર્શીયામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એમ ત્રણ મુખ્ય તત્વો ઉપલબ્ધ કરાવનાર સૂક્ષ્મ જીવાણુઓનો સમૂહ રહેલો છે. આ સૂક્ષ્મજીવાણુયુક્ત પ્રોડક્ટના વપરાશથી હેક્ટરદીઠ ૨૫% નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એમ ત્રણેય ખાતરની બચત સાથે ઉત્પાદનમાં ૮ – ૧૦% ની વૃધ્ધિ મેળવી શકાય છે. સામાન્ય રીતે જૈવિક ખાતરોમાં રહેલા સૂક્ષ્મજીવો પ્લાન્ટ ગ્રોથ હોર્મોન જેવાકે ઈન્ડોલ એસિટિક એસિડ , નેપ્થોલ એસિટિક એસિડઅને જીબ્રેલિક એસિડ બનાવે છે તેથી તેમનો છંટકાવ પર્ણની સપાટી ઉપર કરવામાં આવે તો તેનાથી છોડના વૃદ્ધિ અને વિકાસમાં ફાયદો જોવા મળે છે.

ગુજરાતનમાં લાખો હેક્ટર જમીન ખેડાણ હેઠળ છે, જેમાં આવા ખેતઉપયોગી સૂક્ષ્મજીવાણુયુક્ત સંપૂર્ણ પ્રવાહી જૈવિક ખાતરનો બહોળા પ્રમાણમાં ખેડૂતો જો ઉપયોગ કરે તો, ખેતી ખર્ચ ઘટાડી શકાય અને જમીન, પાણી તથા વાયુનું પ્રદૂષણ પણ ઘટે.

આવા ફાયદાકારક સૂક્ષ્મજીવાણુઓ જમીનમાં સેન્દ્રિય ખાતર સાથે મેળવણની જેમ અલ્પ માત્રામાં વાપરવાથી તેની સામે ઘણો જ મોટો ફાયદો થાય છે. આવા કાર્યક્ષમ જીવાણુઓ જમીનમાં કારખાનાની જેમ સતત કામ કરે છે, અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કુદરતી રીતે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના ચક્રોગતિમાન રાખી જમીનને જીવંત રાખી ફળદ્રુપતા અને પાક ઉત્પાદન વધારે છે. ખેડૂતમિત્રો, આ નવીન જૈવિક ખાતર બાયો એનપીકે જૈવિક ખાતર સમૂહઅપનાવીને ગુજરાતની ખેતી સમૃધ્ધ અને ટકાઉ બનાવો. ઉપરોક્ત જૈવિક ખાતરનું વેચાણ ખેડૂતો માટે આકૃયુના માઈક્રોબાયોલોજી વિભાગ ખાતેથી શરૂ કરવામાં આવેલ છે.

અવકાશ: બાયોફર્ટીલાઈઝર એ નિર્દોષ, કુદરતી સજીવ ખાતર છે . જે પર્યાવરણની દ્રષ્ટિએ સુરક્ષિત છે . સેન્દ્રિય ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે કૃષિમાં જૈવિક ખાતર અતિ ઉપયોગી અને આવશ્યક અંગ છે .

પ્રવાહી જૈવિક ખાતરની ટેકનોલોજીનું વ્યાપારીકરણ:

આણંદ કૃષિ યુનિવર્સિટી (આકૃયુ), આણંદ ખાતે વિશ્વ-બેંકની આર્થિક સહાયથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, આઈ.સી..આર) ના રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના (નેશનલ એગ્રીકલ્ચરલ ઇનોવેશન પ્રોજેક્ટ, એન.એ.આઈ.પી-૧) અંતર્ગત “બિઝનેસ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ (બીપીડી)” વિભાગ વર્ષ ૨૦૦૯-૧૦ થી કાર્યરત રહેલ. યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ ખેડૂતો તથા સમાજને ઉપયોગી એવી વિશ્વવિદ્યાલયની ટેકનોલોજીઓ તેમજ ઉત્પાદનોને પારખી તેનું વ્યાપારીકરણ કરવાનો છે. પ્રવાહી જૈવિક ખાતર ગુજરાતના છેક છેવાડાના ખેડૂતને સરળતાથી ઉપલબ્ધ થાય તે શુભ આશયથી આ ટેકનોલોજીના હસ્તાંતરણ અંગેના કરાર વિવિધ કંપની જેવી કે જી.એસ.એફ.સી. વડોદરા, જી.એ.આઈ.સી. ગાંધીનગર, એ.એમ.સી. અમદાવાદ, કેમરોક એગ્રી ટેક પ્રા. લિ. સાથે કરવામાં આવ્યા.

લેબ ટુ લેન્ડ : ખેડૂત અનુભવ

નિદર્શન: આણંદ મુખ્ય કેન્દ્ર અને મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાના સહયોગથી જૈવિક ખાતર અંગે ખેડૂત ના ખેતરો ઉપર પંચમહાલ , દાહોદ, મહિસાગર જીલ્લામાં ૧૦ વર્ષના નિદર્શનો ના પરિણામો ઉપરથી ફલિત થાય છે કે અઝોસ્પૈરીલમ અને ફોસ્ફેટ કલ્ચર ૫ મિ.લિ. પ્રતિ કિલોગ્રામ બીજની માવજત આપવાથી પ્રતિ હેક્ટર ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન અને ફોસ્ફરસની બચત સાથે ઉત્પાદનમાં ૮-૧૦ % ની વૃદ્ધિ જોવા મળેલ છે.

ખેડૂત અનુભવો: છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતોએ અનુભવ પ્રવાહી જૈવિક ખાતર આશરે ૨ લાખ લિટરથી વધુ અત્રેથી ખરીદીને વપરાશ કરેલ છે અને ઉત્પાદન વધારો મેળવેલ છે.

મહિલા ખેડૂતોને બાયો- એન.પી.કે.ની તાલીમ અને નિદર્શન માટે વિતરણ


સ્ત્રોત:

ડૉ.આર .વી.વ્યાસ, શ્રીમતી એચ.એન .શેલત, ડૉ.વાય .કે .ઝાલા,

ડૉ. એચ. કે. પટેલ અને એચ. ડી. વ્યાસ

કૃષિ માઈક્રોબાયોલોજી વિભાગ, .કૃ .યુ . , આણંદ-૩૮૮૧૧૦

ફોન : ૦૨૬૯૨ –૨૬૦૨૧૧

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate