অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જમીનનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા માટેનુ અનિવાર્ય અંગ : સેન્દ્રિય તત્વ

જમીનનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા માટેનુ અનિવાર્ય અંગ : સેન્દ્રિય તત્વ

ક્રુષિ પાકોનુ ઉત્પાદન અને ગુણવતા મહદઅંશે જમીન માંથી તેમને મળતા જરૂરી અને અનિવાર્ય તત્વો ઉપર આધારીત છે. જમીનને આ જરૂરી તત્વૉ હવામાન , પાણી અને બહારથી આપવામાં આવતા રાસાયણિક અને સૅન્દ્રિય ખાતરો દ્વારા મળતા હોય છે.આ ઉપરાંત કુદરતી રીતે  સૅન્દ્રિય પદાર્થો અને જીવજંતુ મરતા તેનું વિઘટન થતાં અવશેષો રૂપે  જમીનમાં ઉમેરાય છે. આ સૅન્દ્રિય તત્વ છોડને મળે તેવી લભ્ય પરિસ્થિતિમાં ફેરવવા સૂક્ષ્મ જીવાણુઓનો ઘણૉ મોટૉ ફાળો છે.પાક્ને મળતા આ પોષક તત્વો પુરતા પ્રમાણમાં મળે તે ઉત્પાદનના જથ્થો અને ગુણવતા માટે અનિવાર્ય છે. સામાન્ય રીતે સૅન્દ્રિય તત્વો સારા નિતારવાળી  જમીનમાં ૧ થી ૬ ટકા મહદઅંશે જમીનના ઉપલા ૬ ઈંચના થર સુધીમાં હોય છે જે નીચે જતાં ઘટ્તા જાય છે. જમીનમાં રહેલા આ સૅન્દ્રિય તત્વોની અસર જમીનની  ગુણવતા , પાક્નો ઉગાવો અને વિકાસ સાથે સીધો સંબંધ ધરાવે છે. કાળી , મધ્ય્મકાળી , અને ગૉરાડુ જમીનમાં સૅન્દ્રિય તત્વ વધારે  અને પાણી સંગ્રહ્શક્તિ પણ વધારે હોય છે. જમીનમાં રહેલ સૅન્દ્રિય તત્વો જમીનના રજ્કણૉને જકડી રાખી દાણાદાર બનાવી  જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદક્તા વધારે છે ને પાક માટે ફોસ્ફ્ર્રરસ , સલ્ફર તથા થોડા જથ્થામાં નાઈટ્રોજન ઉપલબ્ધ કરે છે. ટુક્માં સૅન્દ્રિય તત્વો  કે જે વનસ્પતિ અને જીવજંતુના અવશેષો હોય તે સૂક્ષ્મ જીવાણુઓ માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત બને છે. જે દ્વારા હ્યુમસ બને છે, જેનો છોડના વિકાસ અને વૃધિમાં મુખ્ય ફાળૉ છે, તેની જમીનમાં વધારેમાં વધારે  સૅન્દ્રિય  તત્વો ઉમેરાય તેવી ખેડુતોએ કાળજી લેવી જોઇએ.

પાક્ની કાપણી પછી ઘણા મોટા જ્થ્થામાં જે તે પાક્ના થડીયા / મૂળિયા / ડાળા / પાંદડા વગેરે ખેતરમાં પડ્યા રહે છે જે રોગ-જીવાત માટે આશરો બને છે અથવા ખેડુતો  તેને બાળી દે છે.ખાસ કરીને ઘઉં / ડાંગરની કાપણી હવે કમ્બાઇન હાર્વેસ્ટરથી થવા લાગી છે જેથી બહુ મોટા જથ્થામાં અવશેષો છુંટી જાય છે. ત્યારબાદ શેરડી , મકાઇ , તુવેર , બાજરી , કપાસ વગેરેના અવશેષો પણ પડી રહે છે.આ અવશેષો સડાવી ખાતર તરીકે જમીનમાં ભેળવવામાં આવે તો તે દેશી ખાતરની ગરજ સારી શકે તેમ છે.એક અંદાજ પ્રમાણે ડાંગર તથા ઘઉંના અવશેષો હેકટરે 5-6 ટન જેટ્લા રહી જાય છે જેને ખેડુતો બાળી નાંખે છે. તેવી રીતે આંબા /ચીકુ / આમળા/જામફળ/દાડ્મ/બોરના સૂકા પાન હેકટરે ૨૦ – ૩૦ કિલો પડે છે તે પણ ખેડુતો બહાર કાઢી  બાળી નાંખે છે તેનો કોઈપણ ઉપયોગ થતો નથી.આ ઉપરાંત ખેતીનો ઘણો નકામો કચરો , નીંદામણ , કેળ-પપયાના થડીયા , ડુંગળી , લસણ , ગાજરના થોથા વગેરેનો ખાસ કોઇ ઉપયોગ થતો નથી તેમજ ઢોરના મૂત્ર ,વાસીદા , રસોડા નો કચરો , ગટરનો કચરો  અને  ફેકટરીઓના બાયોવેસ્ટ ,પાલતુ  પ્રાણીઓની હગાર , જંગલના    ઝાડના પાંદડાં વગેરે કરોડો ટન કચરાના કોઇ કાર્ય  ઉપયોગ ન થતા અથવા બાળી નાખતા હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડ , કાર્બન મોનોકસાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ , મિથેન ,નાઇટ્રીક ઓકસાઇડ , એમોનિયા વગેરે ગ્રીનહાઉસ ગેસીસ ઉત્પન્ન થતા ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ કલાઇમેટ ચેઈન્જ થતા હવા ,પાણી,જમીન અને ખોરાકના પ્ર્દુષણના પ્ર્શ્નો ઉપસ્થિત થયા છે.

જમીન આપણને વારસામાં મળેલી છે તેને બગાડવાનો અને દુરઉપયોગ કરવાનો આપણે કોઇ અધિકાર નથી.

હાલ એક અંદાજ પ્રમાણે હવામાનમાં જે કંઇ આ ગ્રીનહાઉસ ગેસ ઉમેરાય છે તેમાં ૩૦  ટ્કા ફાળો ફકત એકલા  ક્રુષિ રસાયણો છે. હવે જો આપણે 30 ટકા રસાયણીક ખાતરો ઓછા વાપરીએ અને તેની અવેજીમાં ૩૦ ટકા સૅન્દ્રિય ખાતરોનો વપરાશ વધારીએ તો અમારા ખ્યાલ પ્રમાણે આપણે પ્રદુષણના પ્ર્શ્નો હલ કરી શકીએ અને સાથોસાથ જમીનને વધારે ફ્ળદ્રુપ અને ઉત્પાદક બનાવી શકીએ. ખેડુતો ખેતરમાં ઘઉં/ ડાંગર /શેરડી બાળે તેનાથી જમીનને જીવંત રાખતા 50 ટકા જેટલા સૂક્ષ્મ જીવાણુઓ  બળી જાય છે , ૨૭ થી ૭૩ ટકા નાઇટ્રોજન  અને ૪૦-૬- ટકા સલ્ફર જમીનમાંથી ઓછા કરે છે.ઉપરાંત હવામાનમાં ગ્રીનહાઉસ ગેસીસનો ઉમેરો કરે છે.જમીનનુ ધોવાણ અને તેની ફળદ્રુપતા ઘટાડે છે. દર વર્ષે હોળી પર્વ માં આપણે લાખો ટન લાકડાં બાળી નાખીએ છીએ તેમાં થોડો  વિવેક જરુરી જણાય છે.

આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે હવે  રસાયણીક ખાતરો મોંઘા થતા જાય છે અને હજી થશે . સાથોસાથ રાસાયણીક ખાતરોની આડેધડ વપરાશની આડ અસરો વધતી જાય છે. સંશોધનના અહેવાલ પ્રમાણે છેલ્લા દાયકાથી એકમ દીઠ ઉત્પાદનમાં કંઈ વધારો થયો નથી.બીજી બાજુ દેશમાં  કરોડો ટન સૅન્દ્રિય તત્વો તેમને તેમ બાળી નંખાય છે અથવા તો દરિયામાં ધસડાય જાય છે અથવા જે તે જગ્યાએ પડી સડયા કરતા ગંદકી ઊભી કરે છે. પર્યાવરણ પ્રદુષિત થાય છે તેમજ માનસ , પશુ પક્ષીના આરોગ્ય સામે ભયંકર પરિસ્થિતિ ઉપસ્થિત થતી જાય છે.

શહેરોની પડપટ્ટીઓ ,ગટરો અને ગામોના પાદર/ગોંદરના ઉકરડા આપની સ્વછતા , સુંદરતા અને ઉજળી સંસ્ક્રુતિ ઉપરના કાળા ડાઘ છે. સૅન્દ્રિય તત્વો વગરની રસ-ક્ર્સ વગરની જમીનો , વનસ્પતિ વગરની સૂકી જમીનો , દરિયાની ખારી જમીનો , ભાલની ભારે કાળી ચીકણી અને ખારી જમીનો ,રેતાળ , કાંકરીયાળી અને પથરાળ જમીનો , ડુંગરાળ જમીનો અને નદીના કોતર અને ભાઠા  ની જમીનો વગેરે અને પ્રકારની  જમીન બિનફળદ્રુપ બનતાં બિન ઉત્પાદક બનેલા છે. આવી તો ગુજરાત રાજયમાં આ પ્રકારની ૪૦ લાખ હેકટર જમીન પડી છે અને રાષ્ટ્રિ કક્ષાએ ૫૩ ટકા જમીનનો કોઇ કાર્યક્ષમ ઉપયોગ થતો નથી. ખેતીની અડ્ધી જમીનો પૂરતા સૅન્દ્રિય તત્વના અભાવે આર્થિક રીતે પોષણક્ષમ નથી અને સમગ્ર ખેતી ઉધોગ ૨૦ ટકાની કાર્યક્ષમતાએ ભગવાન ભરોસે અધ્ધરતાલ ચાલ્યા કરે છે.

હવે આપણે ખેતી માટે ઘણી વાતો કરતા થયા છીએ, નવી ટેકનોલોજી પણ ઉપલબ્ધ થવા માડી છે અને સાથેસાથે માળખાકીય સગવડતાઓ ઊભી થતા ખેતી ને એક ઉધોગનો આકાર આપી તેની ચોકકતા તરફ લઈ જવા એક હવે અનિવાર્યતા ઊભી થઈ છે , તે માટે ટકાઉ ખેતીમાં જમીનની  ફળદ્રુપતા તથા તેની ઉત્પાદકતાની જાળવણી અતિ અગત્યની છે, જે માટે સૅન્દ્રિય તત્વ એક માત્ર ઉપાય છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બન ૧ ટકા કરતા વધારે હોય તો આપણી જમીન એકંદરે ફળદ્રુપ ગણી શકાય . હવે આ સેંન્દ્રિય તત્વો ક્યાંથી મળે ,કેવી રીતે જમીનમાં ઉમેરવા અને ત્યારબાદ જાળવવાં તેની વિગતો દરેક ખેડૂતે જાણવી જરૂરી છે.

જો આપ ખેતી કરતા હો અને એક જોડી બળદ અને એકાદ–બે ગાય ભેંસ રાખતા હો અને આપની પાસે ૧૦ વીઘા જમીન હોય તો આપને ખેતી માટે સૅન્દ્રિય ખાતરો પુરતા પ્રમાણમાં મળી રહે. રાત્રે ઢોરને નકામો કચરો અથવા સારી માટીની પથારી કરવી . સવારમાં આ છાણ /મૂત્રવાળું વાસીદું ૨૦ ફૂટ લંબાઇ , ૬ ફૂટ પહોળાઇ અને ૪ ફૂટ ઊંડાઇના ખાડામાં નાખો, ફરી થોડી માટી અને એકાદ-બે ડૉલ પાણી નાંખો . ખેતરનું  નીંદામણ, કપાસની કરાંઠી અથવા અન્ય નકામું કચરું નાંખો , શેઢા પાળે ગ્લીસીરડીયાનો છોડ હોય તો તેને અવારનવાર કાપી ખાતર બનાવી શકાય . ખાતરનો ખાડો ૨-૩ ફૂટ ઊંચો થાય ત્યાં સુધી ભરાવો . ફરીથી ઉપર માટી નાંખવી , પાણી છાંટવું .જો એક ખાડામાં એક લિટર ફાસ્ટ ડીકમ્પોસર બેકટેરીયા નાંખો તો ૩૦-૪૦ દિવસમાં આ ખાતર તૈયાર થઈ જશે.

આપણી પાસે બારમાસી પિયતની વ્યવસ્થા હોય તો ૨-૩ વર્ષે એકાદ વખત શણનો લીલો પડવાશ કરો. જમીન ખારાશવાળી હોય તો ઇકકડનો લીલો  પડવાશ કરો, જે ફૂલ આવતા જમીનમાં દાટી દેવા. એકાદ વખત પાક ફેરબદલમાં કઠોળ વર્ગના મગ, મઠ, અડદ , ચણા , તુવેર ,મગફ્ળી ,રજકો , ગુવાર , ચોળા વગેરે પાકો લેવા જે  હવામાનમાંથી સીધો નાઇટ્રોજન જમીનમાં ફીક્સ કરશે. આ ઉપરાંત તડકામાં ખુલ્લી જમીનથી સૅન્દ્રિય ત્ત્ત્વ બળી જાય છે તેને બચાવવા ઉનાળામાં ખેતરોને આચ્છાદિત રાખવા. દેશી ખાતરો જૂનના પ્રથમ અઠ્વાડિયામાં ભરવા. ફળપાકોના ખામણા ફરતે  ગુવાર ,ચોળા,મગ,વાવવા , પાછા ખામણામાં દાટવા.

દેશમાં કે રાજ્યમાં હજારોની સંખ્યામાં ગૌશાળા/પાંજરાપોળો છે જે સારી રીતે ખેતીને વર્મિકમ્પોસ્ટ તથા ગાયના છાણ મૂત્ર આધારિત જંતુનાશક દવાઓ તૈયાર કરી શકે . આ સિવાય આજે બીજી કોઇપણ મોટી જરુરીયાત હોય તો શહેર અને ગામડામાં રેઢીયાર ઢોરના ટોળેટોળા ફરે છે, તેને કોઇ પણ સંજોગોમાં નિયંત્રણ કરી પાંજરાપોળમાં પાલવવા જોઇએ જેનાથી ખાતર મળશે , ખેડૂતો અને રાહદારીઓના પ્રશ્નો હળવા થશે,છાણ/મૂત્રથી ફેલાતા પ્રદૂષણો ઓછા થશે.

આ ઉપરાંત ચોમાસા દરમ્યાન પડતર કેનાલોના કાંઠાની જમીનોમાં ગાડરડી , અધેડો , સાટોડી , આવળ  વગેરે અનેક પ્રકારના નીંદણો ઉગી નીકળતા હોય છે, તે જો ફૂરસદ હોય તો કાપીને સડાવી સરસ ખાતર બનાવી શકાય. આ સિવાય જમીનમાં સેંન્દ્રિય તત્વો ઉમેરવા બધા જ પ્રકારના અખાધ ખોળ , શેરડીના કારખાનાનો પ્રેસમડ , પોલ્ટ્રી મેન્યુર , ફીશ્મીલ , બોનમીલ , રોક ફોસ્ફેટ ,સરકારી ગોદામના સડતા અનાજો, કતલખાનાનો કચરો, ફેકટરીનો બાયોવેસ્ટ, શહેરી કમ્પોસ્ટ તેમજ રસોડાનો કચરો વગેરે અનેક પ્રકારના સેંન્દ્રિય ખાતરોનો ઉપયોગ થઈ શકે તેમ  છે. આપણને તો ઉત્પાદનની અપેક્ષા છે પરંતુ જમીનને સમ્રુધ રાખવાની કાળજી હોય તો જ આપણે વધારે અને ગુણવતા સભર ઉત્પાદન મેળવી શકીએ . ધરતી માતાનું શોષણ ના કરીએ ,પરંતુ પોષણ કરીએ તો તે આપણું પોષણ કરશે.

“ધરતીપુત્રની નજરથી ધરા....”

વાવેલા બીજ્ને ,છોડ બનતો જોઇ,હરખાવ છું.

છોડ પર આવતાં એક-એક ફૂલને જોઇ , હરખાવ છું

છું ધરતીપુત્ર, લાકડવાયો મારી ‘ધરતી માં’ નો,

ફેલાવે માં , જો પાલવ હરીયાળો, ખોળામાં એના હરખાવ છું.

દઇ દીધી તમામ સુંદરતા , કુદરતે વિશાળ આભને

ચાંદા-તારા સૂરજ , ઘણાં ગમે આ મનને.....

ધાન્યનાં આભલાથી સજાવવાની છે, માં ની ચૂંદડીને

થોડા નજારાં ઝગમગતાં , મારે’ય દેખાડવા છે ગગનને......!

આ નદીઓનાં નીરને ,પહોંચાડી ખેતર- ખેતર,

જીવન ઊગાડવાનુ છે મારે ખેતરે ખેતરે

ધર્મ બસ એક જ ‘મહેનત’ ,જીવવાનો મારે ,

ઋતુ- ઋતુએ કેમ , ન લ્હેરાય લીલોતરી ખેતરે ખેતરે .....!

સ્ત્રોત :-ડૉ.કે.પી.કીકાણી પ્રમુખ ,ગુજરાત બાગાયત વિકાસ પરિષદ આણંદ - 388110 કૃષિગોવિધા માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate