હોમ પેજ / ખેતીવાડી / ગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ / આધુનિક ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આધુનિક ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા

આધુનિક ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા વિશેની માહિતી આપવામાં આવેલ છે

રાસાયણિક ખાતરો મોંઘા છે તેમજ વધુ પડતો વપરાશ જમીનની તંદુરસ્તી બગાડે છે. સેન્દ્રિય ખાતરોનો વપરાશ ટકાઉ ખેતીમાં ખુબજ જરૂરી છે જેમાં જૈવિક ખાતરો ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

જૈવિક ખાતર શું છે :

જીવંત સુક્ષ્મ જીવાણુંઓની શકિતશાળી જાત જમીનમાં તત્વો ઉમેરી અથવા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવી ખાતર તરીકેનું કામ કરી આપે છે. એથી એને  'જૈવિક ખાતર'' કહેવામાં આવે છે. વિવિધ જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ, એઝોટોબેકટર, એઝોસ્પારીલમ, ફોસ્ફોબેકટેરીયા, બ્લ્યુ ગ્રીન આલ્ગી તથા અઝોલા પર દ્યનિષ્ટ સંશોધન થયેલ છે. જૈવિક ખાતરો નિદોર્ષ, પ્રમાણ માં સસ્તા તેમજ ઈકોફ્રેન્ડલી હોઈ દરેક ખેડૂતે પોતાની ખેતી પધ્ધતિ માં તેનો સમાવેશ કરવો જરૂરી છે.

જૈવિક ખાતરોમાં નાઈટ્રોજનનું સ્થિરિકરણ કરતા જૈવિક ખાતરો, ફોસ્ફરસની લભ્યતા વધારવા જૈવિક ખાતરો તેમજ પોટાશનું જમીનમાં ઝડપી વહન કરતાં જૈવિક ખાતરો ઉપયોગી છે. નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં જૈવિક ખાતરોમાં ઉપયોગી જીવાણુંઓ રહેલા છે. જેમાં બે પ્રકારનાં છે.

 • સહજીવી રીતે કઠોળ પાકના મૂળમાં રહી નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં રાઈઝોબીયમ પ્રકારના  જીવાણુંઓ.
 • અસહજીવી પ્રકારે જમીનમાં રહી નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં એઝોટોબેકટર, એઝોસ્પાયરીલમ  પ્રકારના જીવાણુંઓ સમુહના આ ઉપરાંત શેરડીમાં રહીને વસવાટ કરતાં એસીટોબેકટર ગ્લુકોનોએસીટોબેકટર પ્રકારના જીવાણુંઓ શેરડી માટે ખુબજ સારા પરીણામ આપતા માલુમ પડેલ છે.

વિવિધ જૈવિક ખાતરો તરીકે વપરાતા સુક્ષ્મજીવોની માહિતી ટૂંકમાં નીચે મુજબ છે.

નાઈટ્રોજન સ્થિર કરતા સુક્ષ્મ જીવાણુંઓ :

એઝોટોબેકટર :

અઝોટોબેકટર એ એક પ્રકારના સૂક્ષ્મ જીવાણું છે. જે હવામાંના મુકત નાઈટ્રોજન ને સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ બેકટેરીયાને વૃધ્ધિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયું જરૂરી છે. અઝોટોબેકટર  ની પ્રમુખ જાતોમાં ક્રુકોકમ, વીનેલેન્ડી, બેજરીન્કી, એજીલીસ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના સુક્ષ્મ જીવાણુંઓ હવામાંનો મુકત નાઈટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી એમોનીયા બનાવે છે. આ એમોનીયા પાણીમાં દ્રાવ્ય છે. જેથી છોડ સહેલાઈથી લઈ શકે છે. જમીનમાં છાણિયું ખાતર કે કોઈપણ પ્રકારના સેન્દ્રિય ખાતર ઉમેરવાથી તેમની સંખ્યા તથા કાર્યક્ષમતા વધે છે. આ જીવાણુંઓ ર૦–૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન / હેકટરે સ્થિર કરે છે. વિવિધ પ્રકારના વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. આ પ્રકારના સુક્ષ્મ જીવાણુંઓ ધાન્ય પાક જેવા કે દ્યઉં, બાજરી, ડાંગર, જુવાર, મકાઈ, ઓટ, જવ, તેલીબીયાં પાક જેવા કે રાઈ , તલ, સૂર્યમુખી, દિવેલા, રોકડિયા પાક જેવા કે તમાકુ, કપાસ, શેરડી, બટાટા તથા શાકભાજી અને ફળફળાદી પાકોમાં વાપરી શકાય છે.

એઝોસ્પાયરીલમ :

આ એક પ્રકારના સુક્ષ્મ જીવાણું છે. જે સુક્ષ્મ વાતજીવી છે.તેમની સાઈઝ મિલિમીટરના હજારમાં ભાગની તેમજ આકાર અર્ધેા વળેલો સર્પાકાર હોય છે. અઝોસ્પાયરીલમ સુક્ષ્મ જીવાણુંઓ મૂળમાં દાખલ થાય છે. પરંતું કોઈ ગાંઠો બનાવતા નથી. આ જીવાણુંઓની બે મુખ્ય પ્રજાતિઓ છે. લીપોફેરમ અને બ્રાઝીલેન્સ. આ જીવાણુંઓ પણ ર૦ –૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન / હેકટરે સ્થિર કરવાની ક્ષમતા રાખે છે. આ જીવાણુંઓ ધાન્ય પાક જેવા કે દ્યઉં , બાજરી, ડાંગર, જુવાર, મકાઈ, ઓટ, જવ તેમજ શેરડી, આદુ, ઘાસચારાના પાક વિગેરે માં સારું પરિણામ આપે છે.

એસીટોબેકટર :

તાજેતરમાં એસીટોબેકટર ડાયએઝોટ્રોપીકસ નામના નવિન બેકટેરીયા શેરડીમાંથી મળી આવ્યા છે. આ બેકટેરીયા શેરડીના મૂળ , પાન, સાંઠા ની અંદર વસવાટ કરે છે. તેઓ હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ જીવાણુંઓ જૈવિક ખાતર તરીકે વાપરવાથી ભલામણ કરેલ નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરમાં પ૦ % ની બચત થાય છે. અને શેરડીનું ઉત્પાદન ૧પ– ર૦ ટન/હે. વધે છે. એક હેકટરે શેરડીના વાવેતર માટેે ૪.૦ કિ.ગ્રા. કલ્ચર ની ભલામણ કરવામાં આવે છે.

રાઈઝોબીયમ :

હાલમાં ઉપલબ્ધ બધા જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ પ્રકારનું જૈવિક ખાતર સૌથી વધુ પ્રચલિત અને વધુ વપરાય છે અને તેથી તેનું વધુ મહત્વ છે. આ સુક્ષ્મ જીવાણુંઓનો યોગ્ય યજમાન કઠોળ પાકના બીજને પટ આપવામાં આવે તો બીજનું સ્ફુરણ થતા મૂળ ના સંસર્ગમાં આવી તેમાં પ્રવેશી મૂળમાં રહી તેમાંથી ખોરાક મેળવી પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે. બદલામાં તે હવામાં રહેલ નાઈટ્રોજન જૈવ રાસાયણિક પ્રક્રિયા ધ્વારા છોડને લભ્ય તત્વ સ્વરૂપમાં ફેરવી આપે છે. આમ આ જીવાણુંઓ કઠોળ પાક સાથે સહજીવી રીતે રહે છે. વિવિધ કઠોળ પાકો માટે રાઈઝોબીયમ પ્રજાતિના જીવાણુંઓ અલગ હોય છે.

રાઈઝોબીયમની પ્રજાતિઓ :

અ.નં

જાતિ

પ્રજાતિ

ભલામણ કરેલ પાક

૧.

રાઈઝોબીયમ

લેગ્યુમીનોસેરમ

વટાણા, મસુર

ર.

રાઈઝોબીયમ

ફેજીયોલી

રાજમા, ફણસી, વાલ

૩.

રાઈઝોબીયમ

ટ્રાઈફોલી

ફલોવર

૪.

રાઈઝોબીયમ

મેલીલોટી

મેથી

પ.

રાઈઝોબીયમ

લુપીની

લુપીન

૬.

રાઈઝોબીયમ

જેપોનીકમ

સોયાબીન

૭.

રાઈઝોબીયમ

મગ, તુવેર, મઠ, ચણા, ચોળા, મગફળી, શણ વગેરે.

ભલામણ કરેલ પાક :

 1. કઠોળ પાકઃ મગ, ચણા, તુવેર, અડદ, મઠ, ચોળા, વાલ, વટાણા, રાજમા વિગેરે.
 2. તેલિબિયા પાક : મગફળી , સોયાબીન
 3. લીલા પડવાશ : શણ , ઈકકડ , ચોળા, સસ્બેનિયા વિગેરે.
 4. દ્યાસચારાના પાક : રજકો, બરસીમ.

એઝોરાઈઝોબીયમ :

સસ્બેનીયા રોસ્ટ્રેટા નામની લીલા પડવાશ માટેની વનસ્પતિ તેના મૂળ , થડ અને સમગ્ર છોડ પર નાની નાની ગાંઠો બનાવે છે. આ ગાંઠોમાં જે બેકટેરીયા રહે છે તેને અઝોરાઈઝોબીયમ કહેવામાં આવે છે જે પાણી ભરેલી ડાંગર ની કયારીમાં જીવી શકે છે. આ છોડ સૌથી ઝડપી ઉગતો નાઈટ્રોજન સ્થિર કરતો છેાડ છે  જે ૪પ–પપ દિવસમાં ૧૦૦–ર૮પ કિ. ગ્રા. નાઈટ્રોજન / હે. સ્થિર કરી શકે છે.

અઝોલા :

અઝોલા એ પાણીમાં થતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે. તેના પાનમાં એનાબીના અઝોલી નામની બ્લ્યુગ્રીન આલ્ગી રહેલ હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન સંયોજિત કરી શકે છે. તાજા અઝોલા માં ૦.૩ થી ૦.૪ ટકા તેમજ સુકા અઝોલા માં ૩ થી પ ટકા નાઈટ્રોજન આવેલો હોય છે. અઝોલાની છ જાતોમાંથી અઝોલા પીનાટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે. આના છોડ ત્રિકોણાકાર અને કદમાં ૧.૦ – ર.પ સે.મી.ના હોય છે. આ ર–૩ દિવસમાં વિભાજન થઈ બમણા થાય છે. તેનો રોપાણ ડાંગર માં નાઈટ્રોજન યુકત ખાતર તરીકે નો ઉપયોગ કરવાથી ડાંગરની રપ–પ૦ ટકા નાઈટ્રોજન યુકત ખાતરની ગરજ સારે છે.

અઝોલાની વિવિધ જાતો :

 1. અઝોલા પીનાટા
 2. અઝોલા કેરોલીનીઆના
 3. અઝોલા ફાલીકયુલોઈડ
 4. અઝોલા મેકસીકાના
 5. અઝોલા નીલોટીકા
 6. અઝોલા માઈક્રોફાયલા
 7. બ્લ્યુગ્રીન આલ્ગી (સાયનોબેકટેરીયા) :

આ એક પ્રકારની પાણીમાં ઉગતી લીલ છે. જેનો રોપાણ ડાંગરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ લીલ ભૂરાશ પડતા લીલા રંગની હોય છે. કુલ ૧રપ વિવિધ જાતની લીલ માંથી કાર્યક્ષમ જાતો મુખ્યત્વે નોસ્ટોક, કેલોથ્રીકસ, એનાબીના, ટોલીપોથ્રિકસ વિગેરે છે. પ૦૦ કિ.ગ્રા. સૂકી લીલ ૧પ–ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/ હેકટરે પુરું પાડે છે. સામન્ય સંજોગોમાં ર૦–રપ કિ.ગ્રા. નાઈટ્રોજન / હેકટરે પુરો પાડે છે. લીલ ને વૃધ્ધિ માટે પ–૧૦ સે.મી. સતત છીછરું પાણી જોઈએ છે. જો ખાતર ભીનું હોય તો પણ તેમાં તેની પુષ્કળ વૃધ્ધિ થાય છે. ડાંગરની ફેરરોપણી બાદ પ થી ૧૦ દિવસ પછી લીલ ૧૦ કિ.ગ્રા. / હેકટર ના દરે ખેતરમાં પૂંખીને આપી શકાય છે. ઈન્ડોલ એસેટીક એસીડ, જીબ્રેલિક એસીડ, ઓકઝીન્સ, એસ્કોર્બિક એસીડ જેવા વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવે છે. વધુમાં અદ્રાવ્ય ફોસ્ફોરસને દ્રાવ્ય કરે છે.

ફોસ્ફરસ દ્રાવ્ય / લભ્ય કરતા જૈવિક ખાતર :

ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ માઈક્રોઓર્ગેનીઝમ્સ(બેસીલસ/ સ્યુડોમોનાસ/એસ્પરજીલસ):

જમીનમાં એવા દ્યણા સુક્ષ્મજીવો છે. જે વિવિધ પ્રકારના એસીડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફોરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે આવા પ્રમુખ જીવાણુંઓમાં બેસીલસ, સ્યુડોમાનાસ જેવા બેકટેરીયા તેમજ એસ્પરજીલસ અને પેનીસિલિયમ જેવી ફુગનો સમાવેશ થાય છે. આ પ્રકારના સુક્ષ્મજીવો વર્ધન કરી ફોસ્ફેટ કલ્ચર બનાવી શકાય છે. ર૬૦૦ લાખ ટન રોક ફોસ્ફેટ આપણા દેશમાં છે. જે સસ્તો છે. તેનો યોગ્ય ફોસ્ફેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે. આ સુક્ષ્મજીવાણુઓ સેન્દ્રિય તેજાબ ઉત્પન્ન કરી રોક ફોસ્ફેટમાં રહેલ અદ્રાવય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે. આવા ફોસ્ફેટ કલ્ચર ના વપરાશ થી ૩૦–પ૦ કિ.ગ્રા. /હે. ફોસ્ફરસ યુકત રાસાયણિક ખાતર ની બચત થાય છે. આ તમામ પાક માં વાપરી શકાય છે.

માઈકોરાઈઝા :

માઈકોરાઈઝા એ છોડના મૂળ તેમજ વિશિષ્ટ ફૂગનું સહજીવી ગઠબંધન છે. માઈકોરાઈઝા ના બે પ્રકાર છે. : એન્ડોમાઈકોરાઈઝા અને એકટો માઈકોરાઈઝા . એન્ડો માઈકોરાઈઝાનો જાણીતો દાખલો અબો (વામ) છે. આ ફૂગનું દ્યણા ખેતીના પાકની સાથે સહઅસ્તિત્વ જોવા મળે છે. આ પ્રકારની ફૂગ પ્રયોગશાળાના માધ્યમ માં સહેલાઈથી ઉગાડી શકાતી નથી. આવી ફૂગની કવકજાળ જમીનમાં ખુબ દૂર રહેલ પોષક તત્વો છોડ ને પુરા પાડે છે. આ પ્રકારની ફૂગમાં મુખ્યત્વે ગ્લોમસ, ગીગાસ્પોરા, એન્ડોગોન, સ્કેરોસ્ટીસ વગેરેનો સમાવેશ થાય છે.

 • માઈકોરાઈઝા ફૂગ જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસ દુરથી ખેંચી લાવી છોડ ને આપે છે. તદઉપરાંત કેટલાંક મૂળજન્ય રોગો સામે રક્ષણ આપે છે. અને પાણી ની અછતમાં ટકી રહેવાની શકિત આપે છે.
 • જંગલના ઝાડ, દ્યાસચારાના પાક, મકાઈ,મીલેટ, જુવાર, કઠોળ વર્ગ ના પાક વિગેરે માં માઈકોરાઈઝા દ્યણી અસરકારક માલુમ પડેલ છે.
 • જૈવિક ખાતરો વાપરવા માટે ખેડૂતોને સરળતા રહે તે માટે બજારમાં પ્રવાહી જૈવિક ખાતરો ઉપલબ્ધ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી નૌરોજી બ્રાન્ડ ના દરેક જૈવિક ખાતરો પ્રવાહી સ્વરૂપમાં સારી ગુણવત્તા વાળા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેનો મહત્તમ ઉપયોગ સેન્દ્રિય ખેતીમાં ખેડૂતો કરી રાસાયણિક ખાતરોના મોંદ્યા ભાવ સામે કાંઈક અંશે રાહત મેળવી જમીનની તંદુરસ્તી બચાવી શકશે.
પ્રવાહી જૈવિક ખાતરો નીચે દર્શાવેલ વિવિધ પધ્ધતિઓ ધ્વારા ખેડૂતો આપી શકે છે. જેનું પ્રમાણ અને વાપરવાની રીત પણ નીચે દર્શાવેલ છે.

વિવિધ પાકોમાં જૈવિક ખાતર વાપરવાની પધ્ધતિઓ :

બીજ માવજત :

ર૦૦ ગ્રામ/એકર પ્રમાણે ૧૦ થી ૧ર કિ.ગ્રા. બીજને વાવતા પહેલા  બીજ માવજત આપવી અથવા ૧૦ મીલી/ પ્રવાહી બાયોફર્ટીલાઈઝર કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું બાયોફર્ટીલાઈઝર પાવડર સ્વરૂપમાં બીજ માવજત આપવાની થાય ત્યારે ૩૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું.

કંદ અને શેરડીના ટુકડા ને માવજત :

કંદ બટાટા અને શેરડીના ટુકડાને ર થી ૪ કિ.ગ્રા. બાયોફર્ટીલાઈઝર ૪૦ થી ૮૦ લીટર પાણીમાં ૧પ મીનીટ ડૂબાડી એક એકર માટે જરૂરી ટૂકડાને જૈવિક ખાતરની માવજત આપવી. અથવા કંદ, શેરડી અને ટુકડાને ૧ લીટર પ્રવાહી બાયોફર્ટીલાઈઝર ને ૪૦ થી ૮૦ લીટર પાણીમાં મિશ્ર ૧પ મીનીટ ડૂબાડી પછી વાવેતર કરવું.

ધરૂવાડિયામાં જૈવિક ખાતરો આપવાની પધ્ધતિ :

ધરૂ એક એકરના ધરૂના રોપને ૧ થી ર કિ.ગ્રા. પ થી ૧૦ લી પાણીમાં મિશ્ર કરી ૩૦ મીનીટ ડૂબાડી વાવેતર કરવું. અથવા પ૦૦ મીલી પ્રવાહી બાયોફર્ટીલાઈઝર ૧૦ લીટર પાણીમાં ધરૂને ૧૦ થી ૧પ મીનીટ ડૂબાડીને વાવેતર કરવું જોઈએ.

જમીનની માવજત :

ટૂંકા ગાળાના શાકભાજી ના પાકો માટે  ૧ એકર જમીનમાં ૩ થી પ કિ.ગ્રા. જૈવિક ખાતર ૬૦ થી ૧૦૦ કિ.ગ્રા. ફળદ્રુપ માટી સાથે મિશ્ર કરી જમીનમાં આપવું. અથવા  પ્રવાહી જૈવિક ખાતર ૧ લીટર પ્રવાહી જૈવિક ખાતરને ૧૦૦ કિ.ગ્રા. છાણીયું ખાતર સાથે મિશ્ર કરી જમીનમાં આપવું.

એક વર્ષાયુ પાકો જેવા કે શેરડી જેવા પાકોને પ્રથમ જૈવિક ખાતર ધ્વારા આપવું બીજ માવજત ત્યારબાદ બે મહિના પછી પ લી. એસીટોબેકટર પ્રતિ હેકટર પ૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે મિશ્ર કરી જમીનમાં આપવું.  અથવા  ૧ લીટર એસીટોબેકટર પ્રવાહી કલ્ચર ૧૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી ડ્રીપમાં આપી શકાય. જે પ્રવાહી ખાતર પાંચ છ મહિના જુનુ હોય તો તેમાં જીવંત કોષો ૧૦૮ લાવવા માટે ગોળનું દ્રાવણ ૧ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ ગોળ ઉમેરી ૧૦૦ લીટર દ્રાવણ બનાવી પિયત પાણી સાથે આપવું.

બહુવર્ષાયુ ઝાડ જેવા કે આંબા, ચીકુ અને નાળીયેરી જેવા પાકોની  જમીન માવજત માટે ૧ થી પ વર્ષના ઝાડ માટે પ૦૦ મીલી.  પ થી ૧૦ વર્ષના ઝાડ માટે ૭પ૦ મીલી. અથવા ૧૦ વર્ષ થી વધુ વર્ષ ના ઝાડ હોય ૧૦૦૦ મીલી/ એક એકર પ્રમાણે ૧૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી ઝાડોની ઉંમર પ્રમાણે ૧ થી પ વર્ષના ઝાડ માટે ૧૦ થી પ૦કિ.ગ્રા. છાણીયા ખાતરમાં, પ થી ૧૦ વર્ષના ઝાડ માટે પ૦ થી ૧૦૦ કિ.ગ્રા. અને ૧૦ વર્ષથી ઉપરના ઝાડ માટે ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતરમાં ૧ લી પ્રવાહી જૈવિક ખાતરમાં મિશ્ર કરી થડને ફરતે રીંગ કરી આપવું.

ટપક સિંચાઈ ધ્વારા જૈવિક ખાતરો આપવાની પધ્ધતિઃ

૧ લી. જૈવિક ખાતર ૧૦૦ લી. પાણીમાં મિશ્ર કરી ડ્રીપ પધ્ધતિમાં ડ્રીપર જે, તે પાકમાં મૂળ વિસ્તારમાં જમીનમાં  છોડની ફરતે આપી શકાય.

કલ્ચર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાના સુચનો :

 1. તુરતનું બનાવેલ અથવા માન્ય સંસ્થા ધ્વારા બનાવેલ કલ્ચર મેળવવું હિતાવહ છે.
 2. વાવણી ના એક – બે દિવસ અગાઉ જ કલ્ચર નું પેકેટ મેળવવું. ઠંડકવાળી જગ્યામાં પેકેટ રાખવું.
 3. કલ્ચર લગાવેલ બીજને સીધો સૂર્ય નો તાપ અથવા ગરમ સુકો પવન ન લાગે તે ધ્યાનમાં રાખવું.
 4. જીવાણું મેળવેલ બીજ કે કલ્ચર દવાના સંસર્ગમાં ના આવે તે ખાસ ધ્યાનમાં રાખવું.
 5. શકય હોય ત્યાં સુધી વાવણીના દિવસેજ કલ્ચરના પેકેટ ખોલી બીજ માવજત માટે ઉપયોગ કરવો.
 6. કલ્ચરના પેકેટ પર દર્શાવેલ વાપરવાની અંતિમ તારીખ પુરી થાય તે પહેલા કલ્ચર ઉપયોગમાં લેવું.
 7. ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ બેકટેરીયલ કલ્ચરની બીજ માવજત આપવી.
 8. એસિડિક જમીનમાં જૈવિક ખાતર નો ઉપયોગ  કરવાનો હોય તો નાના કણીદાર લાઈમસ્ટોન દાણા જેવી પેલેટસ સાથે  જીવાણુંયુકત રગડાને મિશ્રકરી વાવણી કરવી હિતાવહ છે.
 9. કઠોળના બીજને લાઈમનું આવરણ નોડયુલેશન ઝડપી બનાવવામાં ઉપયોગી આવરણ બિયારણ પર લગાવવા કેલ્શીયમ  કાર્બોનેટનો ઉપયોગ ડોલોમાઈટ , જીપ્સમ, બેન્ટોમાઈટ વિગેરેના રૂપમાં થાય છે. ટીટાનીયમ ડાયોકસાઈડ, ટાલ્ક, ભરભરી જમીન, હયુમસ, સારુ કહોવાયેલ સેન્દ્રિય ખાતર અને એકટીવેટેડ ચારકોલ (કોલસા ) નો ઉપયોગ પણ આવરણ માટે કરવામાં આવે છે.

શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, સ્ત્રોત:''ફળ વિશેષાંક'' અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી

2.875
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top