অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીમાં અસરકારક અને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ

ખેતીમાં અસરકારક અને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ

સૂક્ષ્મજીવાણુઓ ઘણા જ બારીક અને નાના કદમાં હોય છે જે નરી આંખે જોઈ શકાતા નથી પરંતુ દરેક સ્થળે અને સમયે આ સુક્ષ્મજીવાણુંઓ ફેલાયેલા હોય છે. આ સુક્ષ્મજીવાણુંની શોધ ૧૯૭૦ માં જાપાનમાં થયેલ ત્યારબાદ ૧૯૮૨ માં ડૉ. હીગાએ વિશેષ સંશોધન કરી ત્રણ પ્રકારના સુક્ષ્મજીવાણુંઓ શોધી કાઢયા.
  1. લેકટીક એસિડ બેકટેરીયા
  2. યીસ્ટ અને એકટીનોમાઈસેટસ
  3. ફોટોસિંથેટિકસ બેકટેરીયા

સુક્ષ્મ જીવાણુ ની ઉપયોગીતા :

  1. કોઈ પણ જૈવિક કચરાને જલદી સડાવવા માટે.
  2. આ જૈવિક કચરાને ફરી ઉપયોગમાં લેવા માટે.
  3. જૈવિક ખાતરો તરીકે,

આ ઉપયોગીતાને કારણે મનુષ્યનું જીવન વિશેષ સુખકારક બનેલ છે. ઉપરાંત ખેતીની અંદર ઉપયોગ થતાં મોંધા કૃષિ રસાયણોનો વપરાશ ઘટાડી શકાય છે. ખોરાકને લાંબા સમય સુધી સાચવી શકાતા ખોરાકની સલામતી વધી શકે છે. વિશેષમાં આ સુક્ષ્મજીવાણુંનો ઉપયોગ પ્રદૂષણ મુકત છે.

કૃષિ અને પશુપાલન કચરાને ફરીથી ઉપયોગમાં લેવાના ફાયદાઓ :

દેશમાં નીચે પ્રમાણે નકામો કચરો પેદા થાય

  1. ખેતીપાકોના અવશેષો: ૬૭૯.૩૨ મિલિયન ટન
  2. પશુઓનું છાણમૂત્ર : ૩૬૯.૪૭ મિલિયન ટન
  3. બાગાયતી ખેતીનો કચરો: ૧૩૪ મિલિયન ટન
  4. મરઘા ફાર્મનો કચરો:૦.૭૦ મિલિયન ટન
  5. શેરડીના કારખાનાનો પ્રેસમડ: ૬.૪૦મિલિયન ટન
  6. શહેરી કચરો: ૬૪.૬૮ મિલિયન ટન
  7. ફળો અને શાકભાજીના મૂલ્ય વર્ધન બાદનો કચરો : ૧૮૪.૩ મિલિયન ટન  (૧ મિલિયન = ૧૦ લાખ)

આ સિવાય કતલખાના, અખાધ્ય ખોળ, દરિયાઈ માછલીઓ અને અન્ય જીવોનો નકામો કચરો. આ તમામ કચરાને જલ્દી સડાવવો જરૂરી છે જે સડાવ્યા બાદ ખેતીમાં ખાતર તરીકે અતિ ઉપયોગી છે. જે આજના સજીવ ખેતીના પ્રવાહ પ્રમાણે ન આંકી શકાય તેટલું કિંમતી પુરવાર થયેલ છે. ખેતી હવે બાપ-દાદાનું નિર્વાહનું સાધન મટી ઉદ્યોગનો આકાર ધારણ કરી રહેલ છે ત્યારે ગ્રાહકલક્ષી અને નિકાસલક્ષી ઉત્પાદન અનિવાર્ય છે. ગુણવત્તાસભર ઉત્પાદનની માંગ ઘર આંગણે તેમજ નિકાસ માટે વધી રહેલ છે. ત્યારે એકમ દીઠ વધુ ઉત્પાદન કરવાથી વધુ આવક થશે. જેના માટે સંકલિત પોષણ વ્યવસ્થામાં આ જૈવિક ખાતરોનું ઘણું મહત્ત્વ છે.

એઝેટો : નાઈટ્રોજન ફિકસીંગ બેકટેરીયા ફાયદાઓ :

  1. આ પ્રવાહી જૈવિક ખાતર દ્વારા હવામાનમાં રહેલ નાઈટ્રોજન જમીનમાં ફીકસ થાય છે.
  2. એક લિટર જમીનમાં આપતા ૩૫-૪૦ કિલો નાઈટ્રોજન ફીકસ થાય છે.
  3. આ જૈવિક ખાતરો પ્રદૂષણ મુકત અને ખેતી ખર્ચમાં ૨૦ થી ૨૫ ટકા બચત કરે છે.
  4. ઉત્પાદન વધારે છે અને ગુણવત્તા સુધારે છે.
  5. આ બેકટેરીયા જમીનમાં વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટસ, જીબ્રેલિક એસિડ, ઈન્ડોલ બ્યુટિક એસિડ વગેરે પદા કરે છે જે છોડના વિકાસ અને વૃદ્ધિને ઝડપી બનાવે છે.
  6. આ એઝેટોબેકટર જમીન, પાણી અને હવામાનની પ્રતિકુળ અસર તથા રોગ-જીવાત સામે છોડને ટક્કર જીલવાની શક્તિ આપે છે.

ફોસ્ફો : ફોસ્ફરસ સોલ્યુબિલાઈજીંગ અને મોબિલાઈઝંગ બેકટેરીયા

ફોસ્ફરસ પાક માટે સ્થિર તત્વ હોવાથી જાતે હેરફેર કરી શકતું નથી, પરંતુ કેશ્યમ ફોસ્ફટ બની જમીનના રજકણ સાથે જકડાઈ પાક માટે અલભ્ય બની જાય છે. ફોસ્ફો બેકટેરીયા આ અલભ્ય ફોસ્ફરસને પાક માટે લભ્ય બનાવે છે. એક લિટર વાપરવાથી ૨૫-૩૦ કિલો ફોસ્ફરસ તત્ત્વ પાક લઈ શકે તેવું લભ્ય બનાવે છે. હવે જયારે ડીએપી અને અન્ય ફોસ્ફરસવાળા ખાતરો મોંઘા થતા જાય છે, ત્યારે આ પ્રવાહી જૈવિક ખાતરો ખેડૂતો માટે આર્શીવાદ છે.

પોટાશ : પોટાશ સાલ્યુબિલાઈજીંગ અને મોબિલાઈજીંગ બેકટેરીયા

પોટાશ યુક્ત ખાતરો જમીનના રજકણો સાથે જકડાઈ અલભ્ય બને છે જેને આ બેકટેરીયા જમીનમાં આપતા લભ્ય બનાવે છે. હાલ દેશમાં પોટાશવાળા તમામ ખાતરો પરદેશથી આયાત કરતા કિંમત હૂંડિયામણ ગુમાવવું પડે છે. ખાતરો મોંઘા છે. આ જૈવિક પોટાશ ૧ લિટર વાપરવાથી ૩૦ થી ૩૫ કિલો પોટાશ પાક માટે લભ્ય બનાવે છે.

એસિટોબેકટર :

આ શેરડી માટે ખાસ બાયોફર્ટિલાઝર્સ બનાવેલ છે. અસિટોબેકટર પણ નાઈટ્રોજન ફિકસીંગ બેકટેરીયા છે જે એઝેટોની માફક શેરડીમાં ૨ લિટર એક એકર પ્રમાણે વાપરવાથી ૬૦-૭૦ કિલો નાઈટ્રોજન ફીકસ કરે છે.

રાઈઝોબિયમ :

કઠોળ વર્ગના પાકો જેવા કે (તુવેર, મગફળી, મગ, મઠ, અડદ) ના પાકો માટે ખાસ બનાવેલ છે. એક રિપોર્ટ પ્રમાણે બીજ માવજત અને ત્યારબાદ ઉપયોગ કરવાથી હેકટરે ૧૦ થી ૧૦૦ કિલો નાઈટ્રોજન હવામાંથી ફીક્સ કરે છે.

ફાસ્ટ ડીકમ્પોસ્ટીંગ:

દેશી ખાતર, સુકા પાંદડા, લણણી પછીના અવશેષો તથા મરેલા પશુ, પક્ષી તથા જીવજંતુઓને જલ્દી સડાવવા માટે તથા સેન્દ્રિય ખાતરને એનરિચ કરવા માટે આ બેકટેરીયા વપરાય છે. ૧૦ ટનના ખાતરના ઢગલા ઉપર અથવા પાકની લણણી પછીના અવશેષોને જલ્દી સડાવવા રોટાવેટર ચલાવી પાણી આપી એક એકરે એક લિટર પ્રમાણે ૧૦૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો જેથી ૩-૪ ટન સેન્દ્રિય ખાતર જમીનમાં ઉમેરાશે. આ ઉપરાંત આ બેકટેરીયા નીંદણના બીજ તેમજ નુકશાનકારક બેકટેરીયાનો નાશ કરે છે, બધા જ પ્રકારના પ્રદૂષણો ઘટાડે છે અને તૈયાર સેન્દ્રિય ખાતર હેરફેર માટે સાનુકૂળ છે, ખેતી ખર્ચ ઘટાડે છે અને જમીનનું પોત તથા બંધારણ સુધારે છે. આ સિવાય જમીનની ભેજ સંગ્રહશક્તિ વધારે છે અને પોષક તત્ત્વોના નિતાર ઘટાડી પાક માટે લભ્ય બનાવે છે. આ ફાસ્ટડીષ્પોસ્ટીંગ બેકટેરીયામાં પસિલોમાઈસીસ, એસ્પરજીલસ, બેસિલસ, ગ્યુડોમોનસ અને એઝોટોબેકટર મુખ્ય છે.

અઝોલા :

એઝોલા એ કોઈ સૂક્ષ્મજીવાણું નથી પરંતુ પાણીમાં તરતા હંસરાજ (ફર્નસ) છે. તે સાઈનાબેકટેરીયમના યજમાન તરીકે કામ કરે છે. આ અઝોલાની જાતમાં અઝોલા પિનાટા મુખ્ય છે. આ અઝોલાનો પણ ઓર્ગેનિક ફાર્મિંગ સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે.

માઈકોરાઈઝા (વામ):

આ માઈકોરાઈઝા છોડ સાથે રાઈઝોબિયમ બેકટેરીયાની જેમ સંબંધ ધરાવે છે જે છોડને પોષક તત્વો અને પાણી શોષવામાં મદદરૂપ થાય છે.

બ્લ્યુ ગ્રીન આલ્ગી:

આ બ્લ્યુ ગ્રીન આલ્ગીની ૧૦૦ કરતાં વધારે જાતો છે અને જે હવામાનમાંથી નાઈટ્રોજન ફિક્સ કરવા માટે જાણીતી છે.

બાયોફર્ટિલાઈઝર્સ વાપરવાની રીત:

(૧) બીજ માવજત : કોઈપણ પ્રકારના બીજને માવજત આપવા ૨૦ કિલો બીજ માટે ૧ લિટર પાણીમાં ૫૦ મિ.લિ. એઝેટો, રપ મિ.લિ. ફોસ્ફો અને ૨૫ મિ.લિ. પોટાશ જૈવિક ખાતરો વાવણી પહેલા મોવાણ આપી સુકવીને વાવવું. કઠોળ વર્ગના પાક માટે રાઈઝોબિયમ વાપરવું.

શેરડી, બટાટા, આદુ, હળદર, સુરણ વગેરે પાકો માટે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ મિ.લિ. એઝેટો + ૫૦ મિ.લિ. ફોસ્ફો + ૫૦ મિ.લિ. પોટાશ મેળવી જે તે પાકના રોપવા વખતે બિયારણને બોળી રાખી અથવા બટાટા બીજ ઉપર છંટકાવ કરી રોપણી કરવી. શેરડી માટે એઝેટોના બદલે એસિટોબેકટર વાપરવું.

(ર) ધરૂ માવજત: આ બાયોફર્ટિલાઈઝર્સ રીંગણ, મરચાં, ટામેટા, ફૂલેવર, કેબેજ, બ્રોકોલી, ડાંગર, તમાકુ વગેરેના તમામ પાકના ધરૂને ૧૦ લિટર પાણીમાં ૧૦૦મિ.લિ. ફોસ્ફો + ૫૦મિ.લિ. પોટાશ મેળવી ધરૂના મૂળ ડૂબ તે રીતે ૧૦મિનિટ બોળી રાખી રોપવાથી છોડ જલ્દી સેટ થઈ સારો વિકાસ થશે.

(૩) ઊભા પાકમાં વાપરવાની રીત:

(ક) ટૂંકા ગાળાના સીઝનલ પાકો : જે પાકો ૩-૪ મહિનામાં પૂરા થતા હોય તેવા પાકોને વાવણી રોપણી પછી ૧૫ દિવસે ૧ લિટર પાણીમાં એકરે ૧ લિ. એઝેટો + ફોસ્ફો પ00 મિ.લિ. + પોટાશ ૫૦૦ મિ.લિ. અને બીજો હપ્તો પાક ૪૦-૫૦ દિવસનો થાય ત્યારે એકરે ૨ લિટર એઝેટો + ૧ લિટર ફોસ્ફો અને ૧ લિટર પોટાશ આપવું + સુપર પોટેશિયમ હ્યુમિક એસિંડ ૫00 મિ.લિ. આપવું.

(ખ) ૮ માસના લાંબા ગાળાના સીઝનલ પાકો: ઉપર પ્રમાણે વધતા ફૂલો ફળો મોટા પ્રમાણમાં બેસી ગયા બાદ ૭૫-૮૦ દિવસે ત્રીજો હપ્તો ૨ લિટર એઝેટો + ૧ લિટર ફોસ્ફો અને ૧ લિટર પોટાશ આપવું.

(ગ) કાયમી પ્રકારના ફળપાકો: ૧૦૦ લિટર પાણીમાં ૧ લિટર એઝેટો બેકટેરીયા + પ00 મિ.લિ. ફોસ્ફો બેકટેરીયા અને ૧ લિટર પોટાશ બેકટેરીયાને મિક્સ કરી છોડના થડમાં ૧-૧ લિટર એઝેટો બેકટેરીયા + ૫00 મિ.લિ. ફોસ્ફો બેકટેરીયા અને ૧ લિટર પોટાશ બેકટેરીયાને મિક્સ કરી છોડના થડમાં ૧-૧ લિટર વર્ષમાં વિકાસના અને ફૂલ-ફળ આવવાના સમયે અનુસંધાને ૨ થી ૩ વખત આપવા.

જૈવિક ખાતરો વાપરવામાં રાખવાની કાળજીઓ :

  • આ ખાતરોને કોઈપણ કૃષિ રસાયણો સાથે ભેળવવા નહી.
  • કૃષિ રસાયણો વાપર્યા હોય તો ૪ થી ૫ દિવસનો સમય રાખવો.
  • આ જૈવિક ખાતરો જે જમીનમાં સેન્દ્રિય તત્ત્વો વધારે હોય ત્યાં વિશેષ ફાયદો કરશે.
  • જૈવિક ખાતરો વાપરીએ તો જમીનમાં ભેજ હોવો જરૂરી છે.
  • આ જૈવિક ખાતરોને ખુલ્લા તડકામાં ન રાખવા.

અંતમાં હવે ઓર્ગેનિક ફાર્મિંગની પેદાશ માટે દેશ-વિદેશમાં માંગ વધતી જાય છે. જૈવિક ખાતરો તેના માટે આશીર્વાદ રૂપ છે જે પર્યાવરણ સુધારશે, ખેતી ખર્ચ ઘટાડશે, ઉત્પાદન વધારશે અને તેની ગુણવત્તા સુધારશે ઉપરાંત જમીનનું પોત અને બંધારણ સુધારી તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી રાખશે.

સ્ત્રોત : ફેબ્રુઆરી-ર૦૧પ, વર્ષ : ૬૭,  અંક : ૧૦૦, સળંગ અંક : ૮૦ર, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate