অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વર્મિકમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ

 

જમીનને જીવંત રાખવા માટે જમીનોમાં વધુમાં વધુ સેન્દ્રિય તત્વો ઉમેરવાની આવશ્યકતા જણાઈ. તે માટે છાણિયુ ખાતર, પોલ્ટી મેન્યોર, સ્લજ, કોમ્પોસ્ટ, વિવિધ તૈલીપાકોના અખાદ્ય ખોળ, લીલો પડવાશ, પાક અવશેષ વ્યવસ્થા, પાકની ફેરબદલી, બાયોફર્ટિલાઈઝર અને વર્મિકમ્પોસ્ટ (અળસિયા નિર્મિત ખાતર) નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૈકી અળસિયા દ્વારા બનાવેલ ખાતરમાં નાઈટ્રોજન ૧.૫ થી ૨%, ફોસ્ફરસ ૧ થી ૨%, પોટાશ ૦.૬ થી ૦.૯%, કેલ્શિયમ૧.૨ થી ૧.૫ પીપીએમ, મેગ્નેશિયમ ૨૫૦ પીપીએમ, ગંધક ૪૦ પીપીએમ અને સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે ઝિંક (૧૦૦૧૫૦ પીપીએમ), લોહ (૫૦૦-૭૦૦ પીપીએમ), કૉપર (૪૦-૮૦ પીપીએમ), મેંગેનીઝ (૨૦૦-૩૫૦ પીપીએમ) હોય છે. આ ઉપરાંત વૃધ્ધિકારક હોર્મોન્સ (ઓકઝીન, જીન્નેલીન અને સાઈટોકાઈનીન) તથા ઉપયોગી જીવાણુઓ (૧૦૮) ધરાવે છે, જે અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવે છે, જમીનની તંદુરસ્તી સુધારે છે અને લાંબા સમય સુધી ઉત્પાદકતા જાળવવામાં મદદરૂપ . થાય છે.

પૃથ્વી પર અળસિયાની ૩000 જાતિપ્રજાતિઓ જોવા મળી છે. એક અભ્યાસ મુજબ ૧OOO અળસિયા ૨૧ દિવસમાં સાનુકુળ વાતવારણમાં ૨000 થાય છે અને વર્ષના અંતે ૮,૩૩,000 થાય છે જે ૨૪ કલાકમાં જમીનમાં ૧૦ થી ૨૦ કાણાં પાડે છે.

જમીનમાં તેમની રહેવાની ટેવ પ્રમાણે અળસિયાને ત્રણ ભાગમાં વર્ગીકરણ

જમીનમાં તેમની રહેવાની ટેવ પ્રમાણે અળસિયાને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય.
  1. જમીનની ઉપર રહેવાવાળા: જમીનની સપાટી પર રહેનારા તથા સેન્દ્રિય પદાર્થ ખાનારા દા.ત. ઈસીનીયા ફોઈટીડા અને પેરીઓમીક્સ આરબોટાકોલા કે જે લંબાઈમાં ટૂંકા અને રતાશ પડતા હોય છે. તે કચરામાંથી સારૂ જૈવિક ખાતર બનાવે છે.
  2. જમીનમાં નીચે રહેવાવાળા :આ અળસિયા જમીનની સપાટી નીચે રહેતા હોય છે કે જે સેન્દ્રિય પદાર્થયુક્ત માટી ખાય છે દા.ત. યુડીલસ ચુર્જન.
  3. જમીનમાં ખૂબ ઊંડે રહેવાવાળા : આ અળસિયા માટી ખાનારા તરીકે ઓળખાય છે દા.ત. પરિયોમિમિક્સ સેક્સાવેટમસ.

પુખ્ત અળસિયાનું વજન અંદાજીત ૧ ગ્રામ હોય છે પરંતુ જન્મે ત્યારથી સતત માટી સેન્દ્રિય પદાર્થ ખાય છે, એક દિવસમાં પોતના શરીરના વજન કરતા દોઢથી બે ગણો સેન્દ્રિય કચરો ખાય છે જે પૈકી ૫ થી ૧૭% ખોરાક શરીરના વિકાસ માટે વાપરી બાકીનો હગાર (વર્મિકાસ્ટ) રૂપે બહાર કાઢે છે. આ હગાર હ્યુમસ સ્વરૂપે હોય છે જેમાં જમીનની માટી કરતા ૧૦૦ ગણા લભ્ય પોષક તત્વો હોય છે જે છોડને લભ્ય બને છે.

અળસિયાના ઉછેરને વર્મિકલ્ચર કહે છે. અળસિયાના શરીરમાંથી મળ (હગાર) બહાર નીકળે છે તેને વર્મિકાસ્ટ કહે છે. કમ્પોસ્ટિંગ પ્રક્રિયા દરમ્યાન અળસિયાના શરીરને પાણીથી વોશ કરતા નિતરેલા પ્રવાહીને વર્મિવોશ કહે છે અને અળસિયાના ઉપયોગથી બનાવેલ સેન્દ્રિય ખાતરને વર્મિકમ્પોસ્ટ કહે છે.

વર્મિકમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિ :

  • સ્થળની પંસદગી: સ્થળની પસંદગી એવી રીતે કરવી કે જ્યાં આજુબાજુ કાચી સામગ્રી દા.ત. છાણની ઉપલબ્ધતા સારી હોય અથવા નજીકમાં ફળ, શાકભાજી અને ફૂલોને લગતી બનાવટોની કોઈ ફેકટરી હોય તેવી નજીક જગ્યાની પસંદગી કરવી જોઈએ તથા જમીનની સપાટીએથી ઊંચી, પાણી ન ભરાય તેમજ અન્ય જીવોથી સુરક્ષિત હોય તેવી જગ્યા પસંદ કરવી.
  • શેડ તૈયાર કરવો:વર્મિકમ્પોસ્ટ એકમ નાનુ અથવા મોટુ હોય તેમાં છાંયડો જરૂરી છે. શેડની સાધન સામગ્રીમાં વાંસ, લાકડાની પટ્ટીઓ, સિમેન્ટના થાંભલાઓ વગેરે જરૂરીયાત હોય છે. લાકડા તથા કંતાનનો ૩ મીટર પહોળો તથા જરૂરીયાત અને અવશેષોની લભ્યતા મુજબ ૧૦ થી ૩૦ મીટર લંબાઈનો શેડ બનાવવો. આ શેડ વૃક્ષોના છાયડામાં બનાવવામાં આવે તો વધુ અનુકૂળ રહે 9.
  • પથારી તૈયાર કરવી: શેડની અંદર પથારી તૈયારી કરવા સૌ પ્રથમ નીચે નાના રોડા અને જાડી રેતીનો ૬ થી ૭.૫ સે.મી. જાડો થર કરવો જેની ઉપર આશરે ૧૫ સે.મી. ગોરાડુ જમીન (બગીચાની માટી) નો થર કરવો.
  • પ્રથમ સ્તર : વર્મિબેડ ઉપર ઘાસ, ધાન્ય પાકના પર્ણો અથવા શેરડીની પતરી પાથરી તેની ઉપર વિઘટન પ્રતિકારક વિવિધ સેન્દ્રિય પદાર્થોના અવશેષોના નાના ટુકડા બનાવી મિશ્ર કરી આશરે ૧૦સે.મી.નો થર કરવો. સાથે સાથે અવશેષો સંપૂર્ણપણે પલળે તે રીતે પાણીનો અથવા ઢોરના મૂત્રનો છંટકાવ કરતા રહેવું.
  • બીજુ સ્તર : અર્ધા કહોવાયેલા કમ્પોસ્ટ, છાણ, સ્વજ, મરઘા-બતકાના ખાતરનો આશરે ૫ સે.મી. નો થર કરવો. સાથે સાથે પાણીનો છંટકાવ કરતા રહેવું.
  • ત્રીજુ સ્તર : અગાઉના બન્ને સ્તરને જરૂરિયાત મુજબ સમગ્ર યુનિટ ભીંજાય તે રીતે; પરંતુ પાણી રેલાય નહિ તે રીતે પલાળતા રહેવું (અવશેષોના વજનના આશરે ૫૦ થી ૬૦ ટકા ભેજ જાળવવો).
  • ચોથું સ્તર: ઘરગથ્થુ શાકભાજીના અવશેષો, બગીચાનો કચરો, પાક, નીંદામણ, વૃક્ષ/સુપોના લીલા અવશેષો (કઠોળપાક, ગ્લીરીસીડીયા)સુબાબુલ) ને મિશ્ર કરી ૧૦ સે.મી. નો થર કરવો. ગોબર ગેસની રબડી અથવા છાણ જરૂરીયાત મુજબ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • પાંચમુ સ્તર : એકદમ આછી રીતે ગોરાડુ (ચિકાશ વગરની) માટી પાથરવી. ઉનાળામાં વધુ ગરમીના દિવસોમાં પાકના અવશેષોનું આવરણ બનાવવું. સમગ્ર યુનિટ પર છેલ્લે કંતાન, નારિયેળ કે પાસના પાન ઢાંકી દેવા જેથી અળસિયાને પક્ષીઓ ખાય નહિ તેમજ અંદરનું ઉષ્ણતામાન માફકસરનું રહે. પરંતુ પ્લાસ્ટિકનું ઢાંકણ હરગીજ ન વાપરવું કારણ કે તે ગરમી પકડી રાખે છે. દરરોજ પાણીનો હળવો માફકસર છંટકાવ કરવો. ગરમીના દિવસોમાં બે વખત છંટકાવ કરવો. અળસિયાને જીવવા માટે ભેજની જરૂરીયાત છે. પાણી ઓછું પડે કે ભરાઈ રહે તો અળસિયા મરી જાય કે નાસી જાય છે. આથી યોગ્ય માત્રામાં ભેજ તથા ૨૫° થી ૩૦° સે. ઉષ્ણતામાન જાળવવાથી અળસિયા મહત્તમ રીતે કાર્ય કરી શકે છે. જરૂરીયાત મુજબ અર્ધ કહોવાયેલ કમ્પોસ્ટ અને લીલા અવશેષો ઉમેરતા રહેવું અને મિશ્ર કરતા રહેવું.

વર્મિકમ્પોસ્ટની પરિપકવતા: આશરે ૪૫ થી ૫૦ દિવસે યુનિટની ઉપર ઘાટા ભૂખરા રંગની ચા જેવી ભૂકી જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવી ભૂકીથી તૈયાર થશે. આ વખતે ચાર પાંચ દિવસ સુધી પાણી બંધ કરવું જેથી અળસિયા વર્મિબેડમાં નીચે જતા રહેશે. ઉપરના થરની ભૂકીને હળવા હાથે વર્મિબેડને ખલેલ કર્યા વગર અલગ કરો. શંકુ આકારનો ઢગલો કરો જેથી સાથે આવેલ અળસિયા નીચેના ભાગમાં જમા થશે. જે જુદા તારવી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય. એકઠા કરેલ પાઉડરના જથ્થાને છાંયાવાળી જગ્યાએ આશરે ૧૨ કલાક રાખવા. જરૂર જણાય તો કમ્પોસ્ટને ૨.૦ થી ૨.૫ મિ.મી. ના કાણાવાળી ચાળણીથી ચાળીને પૅક કરી શકાય.

પુનરાવર્તન :

ફરીથી અર્ધ કહોવાયેલા સૂકા લીલા અવશેષો અને સેન્દ્રિય વસ્તુઓ ક્રમબધ્ધ રીતે ઉમેરો. જેથી વર્મિબેડમાં નીચેના સ્તરમાં રહેલ અળસિયા ફરી વખત તેનું કાર્ય ચાલુ કરશે. આ રીતે સતત પુનરાવર્તન કરતા રહી વર્મિકમ્પોસ્ટ મેળવતા રહો. હવે પછી અળસિયાની સંખ્યામાં વધારો થશે. આથી સરેરાશ ૩૦ થી ૩૫ દિવસે હાર્વેસ્ટ મળશે. કુલ અવશેષોના આશરે ૫૫ થી ૬૦ ટકા વર્મિકમ્પોસ્ટ મળશે.

 

વર્મિકમ્પોસ્ટના પ્રકાર અને તેના ઉત્પાદનમાં રાખવી પડતી કાળજી:

  1. પથારી માટેની જરૂરીયાત : વર્મિકમ્પોસ્ટિંગ માટે સૌ પ્રથમ પાયામાં છેક તળિયે અળસિયાં ખાઈ શકે તેવા પદાર્થની પથારી કરવામાં આવે છે. આવા પદાર્થોમાં સડી શકે તેવા કેળના થડની છાલ, નારિયેળના છોડાં, નારિયેળના પાન, શેરડીની વાખરી, પાકનું પરાળ કે ઘાસનો ઉપયોગ થઈ શકે. ઢોરને નિરણ કરવામાં આવે અને તેને ખાધા પછી વધેલ ઓગાટ, નકામુ થઈ ગયેલું દાણ વગેરે પણ પથારી તરીકે ઉપયોગ થઈ શકે.
  2. વર્મિકમ્પોસ્ટ માટેની જગ્યા અને અળસિયાની સંખ્યા:જ્યાં વર્મિકમ્પોસ્ટ બનાવવાનું છે તે જગ્યાનું માપ ઉપલબ્ધ નકામા પદાર્થ મટીરિયલ્સના જથ્થા પર આધાર રાખે છે. આ ઉપરાંત અળસિયાની સંખ્યા પર પણ જગ્યાની સાઈઝ (માપ) નો આધાર છે. સામાન્ય રીતે ૨000 પુખ્ત અળસિયા માટે એક ચોરસ મીટર જગ્યા પુરતી થઈ પડે છે. આટલાં અળસિયા કચરાનું કમ્પોસ્ટ બનાવે છે. બીજી રીતે કહીએ તો ૨.૨૩ મીટર X ૨.૨૩ મીટર જગ્યામાં ૧૦ કિ.ગ્રા. અળસિયા દર મહિને એક ટન સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરે છે.
  3. ઉપરનું આવરણ તથા રક્ષણ : વર્મિકમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગમાં લીધેલ સેન્દ્રિય કચરા ઉપર પાણી ઉડી જતું અટકાવવા આવરણ બનાવવામાં આવે છે. તદઉપરાંત કીડીઓ જેવા પરભક્ષીથી રક્ષણ મેળવવા અને અળસિયાં બહારની બાજુ અવરજવર ન કરે તે માટે સામાન્ય રીતે પાણીથી ભીંજવેલા શણના કોથળા આવરણ, તરીકે પાથરવામાં આવતા હોય છે. અળસિયા પ્રકાશમાં કામ કરવાનું પસંદ કરતા નથી. વર્મિકમ્પોસ્ટ બનાવવાની જગ્યા ફરતે ખાઈ (છીંછરી નીક) બનાવી તેમાં પાણી ભરી રાખવું તથા જગ્યાની ફરતે તારની નાના છીદ્રોવાળી જાળી ફિટ કરવી જેથી ઉંદર, બિલાડી, કૂતરા, પક્ષી, ભૂંડ તેમજ અન્ય પરભક્ષીઓથી રક્ષણ થઈ શકે.
  4. ભેજનું પ્રમાણ : વર્મિકમ્પોસ્ટિંગ દરમ્યાન ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ૩૦ થી ૪૦ ટકા ભેજ જળવાઈ રહે તે જરૂરી છે. આટલા સપ્રમાણ ભેજને કારણે અળસિયાને સાનુકૂળ પરિસ્થિતિ મળતાં તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. પરિણામે વર્મિકમ્પોસ્ટિંગની પ્રક્રિયામાં ઝડપ આવે છે. વધુ પડતું પાણી હોય તો અળસિયાની કાર્યક્ષમતા ઘટે છે. આવા સમયે સૂકુ છાણ કે સેન્દ્રિય કચરો તેને આપવામાં આવેલ ખોરાકમાં ભેળવવાથી ભેજનું પ્રમાણ માફકસર જાળવી શકાય. ભેજનું યોગ્ય પ્રમાણ જાણવા માટે ભેજ માપવાના મીટર (મોઈસ્ચર મીટર)નો ઉપયોગ થઈ શકે જેથી વધારે ભેજ હોય તો જાણી શકાય. વધુ ભેજને કારણે અળસિયા ચામડી દ્વારા શ્વસન કરી શકતા નથી. વર્મિકમ્પોસ્ટ તૈયાર થયે તેને ભેગું કરતા પહેલા ૪-૫ દિવસ અગાઉથી પાણીનો છંટકાવ બંધ કરતાં અળસિયાને અનુકૂળ ભેજ મળી રહે તે માટે તળિયે જતા રહે છે જેથી સહેલાઈથી અળસિયા વગરનું ઉપરનું તૈયાર થયેલ વર્મિકમ્પોસ્ટ ભેગુ કરી શકાય છે.
  5. પી.એચ.(આમ્લતાંક): સામાન્ય રીતે વર્મિકમ્પોસ્ટ બનાવવા દરમ્યાન ૬.૮ થી ૭.૫ સુધીનો પી.એચ. આંક માપવા માટે પેપર સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે. જે માટે પેપર સ્ટ્રીપને વર્મિકમ્પોસ્ટવાળા દ્રાવણમાં બોળતાં સ્ટ્રીપનો રંગ બદલાય છે જે ચાર્ટમાં રહેલ રંગ સાથે સરખાવતાં પી. એચ. જાણી શકાય છે. ચાર્ટ કેમિસ્ટને ત્યાંથી મળી રહે છે. તેમ છતાં ખેડૂતોને જો પી.એચ. માપવાનું જ્ઞાન ન હોય તો રસાયણશાસ્ત્રી પાસેથી તે અંગેનું જ્ઞાન મેળવી લેવું જોઈએ, કારણ કે વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે આ એક અગત્યનું પરિબળ છે. ૭.૦ પી.એચ. હોવો એ તટસ્થ પરિસ્થિતિ છે જ્યારે ૭.૦ થી ઓછો પી.એચ. હોય તો અમ્લીય પરિસ્થિતિ ગણાય અને ૭.૦પી. એચ. થી વધારે હોય તો ભામિક પરિસ્થિતિ ગણાય. ભાસ્મિક અને અલ્મીય પરિસ્થિતિ અળસિયાની કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. સૌથી સારી કાર્યક્ષમતા મેળવવા તટસ્થ પરિસ્થિતિ જાળવવી જોઈએ.
  6. ઉષ્ણતામાન : સારૂ અને ઝડપી વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે ૨૦ થી ૩૦° સે. ઉષ્ણતામાન હોવું જરૂરી છે. જો કે અળસિયા વાતાવરણના ૪૮° સે. ઉષ્ણતામાન સુધી જીવતાં હોય છે પરંતુ તે કાર્યક્ષમ રીતે કામ કરી શકતા નથી. વર્મિકમ્પોસ્ટિંગ દરમ્યાન સેન્દ્રિય કચરો સડવાને કારણે ઉષ્ણતામાન ૩૦° સે. સુધી વધવા સંભવ છે. આમ ન થાય તે માટે વર્મિકમ્પોસ્ટ બનાવવામાં આવે છે તેનો ૧.૫ ફૂટ થી વધારે જાડો થર બનાવવો નહિ તથા થર બનાવતી વખતે સેન્દ્રિય કચરો દબાવીને ન પાથરતા ભરતાં ખુલતો ભરવો જોઈએ કે જેથી વધુ પડતી ગરમી ઉત્પન્ન થતી નિવારી શકાય. તેમજ પાણીનો છંટકાવ કરી આગળ જણાવ્યા મુજબ યોગ્ય ભંજની જાળવણી કરવાથી ઉષ્ણતામાન નિયંત્રિત રાખી શકાય છે.

યોગ્ય ભેજ, પી.એચ. અને ઉષ્ણતામાન જાળવવામાં આવે અને અળસિયાની યોગ્ય જાત, તેની સંખ્યા તેમજ તેને સમતુલિત ખોરાક પુરો પાડવામાં આવે તો વર્મિકમ્પોસ્ટનું ઉત્પાદન નફાકારક બનાવી શકાય છે. આ માટે ઉપરના પરિબળોને ધંધાકીય રીતે નિયમન કરવું જોઈએ તથા વર્મિકમ્પોસ્ટ વેચાણ માટે પણ અસરકારક માર્કેટિંગ કરવું જોઈએ. કેટલાક ઉત્પાદકો વર્મિકમ્પોસ્ટનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે વર્મિકમ્પોસ્ટ બનાવવા પુરતો સમય ફાળવી શકતા નથી કે પૈસા ખર્ચી શકતા નથી. તેઓ ધીમી અને ઓછા ઈનપુટ્સ જરૂર પડે તેવી ઓછા ખર્ચવાળી સાદી પધ્ધતિથી જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવી શકે છે.

ઓકટોબર ર૦૧૬,વર્ષ: ૬૯ અંક: ૬ સળંગ અંક: ૮૨૨ , કૃષિગૌવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate