অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી પાકોનું ધરૂઉછેર

શાકભાજી પાકોનું ધરૂઉછેર

શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી ટુંકા ગાળામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આપણા રાજયમાં ચોમાસુ પાકોમાં મુખ્યત્વે મરચી, ટામેટી, રીંગણ તેમજ શિયાળુ પાકોમાં કોબીજ, ફુલ કોબી, ડુંગળી વિગેરે જેવા પાકોનો ઘરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે. જયારે અન્ય પાકોની વાવણી બીજથી થાય છે. ધરૂથી થતા શાકભાજી પાકોનું સારી ગુણવત્તાવાળુ, વધારે અને આર્થિક રીતે પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે માટે તંદુરસ્ત ધરૂવાડીયાથી કાળજી લેવી જોઈએ.
ધરૂવાડીયું એટેલે ''નર્સરી''. જે પાકોના બીજ સીધે સીધા ખેતરમાં વાવી ન શકાતા હોય તેવા પાકોના બીજને ખેતરના એકતરફી નાના વિસ્તારમાં એક સાથે વ્યવસ્થિત રીતે વાવીને છોડ ઉછેરવામાં આવે છે તેને ધરૂવાડીયું કહેવામાં આવે છે. સામાન્ય રીતે શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, કોલીફલાવર, ડુંગળી કે જેના બીજ અતિ નાના અને હલકાં હોય તેની રોપણી માટે ધરૂ તૈયાર કરી ફેરરોપણી કરવામાં આવે છે.

ધરૂવાડીયાની જરૂરીયાત :

  • બીજ  ખૂબ જ નાના અને હલકાં હોય હોય ત્યારે બીજના ઉગાવા માટે તથા વૃધ્ધિ માટે ખાસ માવજતની જરૂર
  • શાકભાજીના પાકોની સુધારેલી / સંકર જાતોના બીજ કિંમતી હોય છે જેથી પ્રત્યેક કિંમતી બીજના ઉગાવા માટે ખાસ માવજતની જરૂર પડતી હોય છે, જેથી ધરૂવાડીયામાં ધરૂના છોડ તૈયાર કરવા જરૂરી છે.
  • શરૂઆતમાં બહોળા વિસ્તારમાં એકલદોકલ છોડ ઉછેરી પાક તૈયાર કરવા કરતાં નાના વિસ્તારમાં ધરૂવાડીયું બનાવી વધારે કાળજીની તંદુરસ્ત છોડ તૈયાર કરી ફેરરોપણી કરવામાં ખર્ચ ઓછો આવે છે અને અનુકૂળતા વધારે રહે છે
  • શાકભાજીના ફળ પરિપકવ થયા પછી બીજ  કાઢવામાં આવતા હોય છે પરંતુ બધા જ ફળ એકી સાથે પરિપકવ થતા નથી જેથી બધા જ બીજ પુરતા પોષાયેલા હોતા નથી અથવા વધુ પડતી પકવતાના કારણે બીજના ઉગાવાના ટકા અન્ય પાકોની સરખામણીમાં ઓછા રહેતા હોય છે.  ગામા પડવાથી  ખેતરમાં એક સાથે એકસરખો પાક ઉછેરી શકાતો નથી
  • ઉગાવા પછીની વૃધ્ધિ પ્રમાણમાં ધીમી હોય તેવા સંજોગોમાં શરૂઆતમાં વધુ કાળજી જરૂરી હોય ત્યારે ધરૂ ઉછેર કરવાથી જે ખેતરમાં રોપણી કરવાની હોય તે ખેતરને તૈયાર કરવાનો પૂરતો સમય મળી રહે

જમીનની પસંદગી:

ફળદ્વુપ, સારા નિતારવાળી, પાણી ભરાઈ ન રહે તેવી, તેમજ વાડ કે ઝાડનો છાંયો આવતો ન હોય તેવી નિંદણમુકત જમીનની  પસંદગી કરવી જોઈએ. એક હેકટર વિસ્તારની ફેરરોપણી માટે એક ગૂંઠા વિસ્તારમાં ધરૂવાડીયું તૈયાર કરવું પડે છે. જયારે ડુંગળી માટે પ ગૂંઠા વિસ્તારમાં ધરૂવાડીયું જોઈએ.

જમીનની તૈયારી :

  • ધરૂવાડીયા માટ પસંદ કરેલ જમીનને ઉનાળામાં ઉંડી ખેડ કરીને તપવા દેવી.
  • મે મહિના દરમ્યાન પાણી આપી ઓરવણ કરવં. વરાપ થયા બાદ જમીનને આડી–ઉભી બે ત્રણ વખત ખેડવી.
  • રાબીંગ કરવું :– જમીન ઉપર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરું અથવા નકામું ઘાસ પાથરી ૧પ સે.મી. જેટલો થર બનાવવો અને થરને પવનની વિરૂધ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમે તાપે લાંબો સમય સુધી તપે, આને રાબીંગ કહેવામાં આવે છે. રાબીંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય.
  • સોઈલ સોલેરાઈજેશન :– જો રાબીંગ શકય ન હોય તો સફેદ રંગના પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને કયારાના માપ પ્રમાણે ૧૦ થી ર૦ દિવસ સુધી પ્લાસ્ટીક ઢાંકીરાખવું. પ્લાસ્ટીકની કિનારીને માટી વડે દબાવી દેવી જેથી જમીનમાંનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટીકના અંદરના ભાગે સંગ્રહીત થશે આથી જમીનમાં રહેલા ફૂગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નિંદણના બીજનો નાશ થશે.
  • જમીનમાં જરૂરીયાત મુજબ બે થી ત્રણ આડી ઉભી ખેડ કરવી, ઢેફા ભાગી સમાર મારી સમતલ કરવી.

સેન્દ્રિય અને રાસાયણિક ખાતર

એક ગૂંઠા વિસ્તાર માટે પ૦ થી ૭૦ કિ.ગ્રા. સારું કોહવાયેલું છાણિયું કે ગળતિયું ખાતર, જો આ શકય ન હોય તો એક ગૂંઠામાં ૧૦ કિ.ગ્રા. પ્રમાણે દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો. આ ખાતર/ખોળ જમીનમાં બરાબર ભળી જાય તે રીતે ધરૂવાડીયામાં ઓરવણ કરી બીજા ખેતી કાર્યો કરવા. એક ગૂંઠા વિસ્તારમાં પ૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦૦ ગ્રામ ફોસ્ફરસ ગાદી કયારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલાં પૂંખીને જમીનમાં ભેળવવું અને જમીનને કોદાળીથી ખોદી ઉપર નીચે કરી પંજેઠી મારી જમીન સાથે ભેળવી દેવું. ધરૂવાડિયુ ધરૂવાડિયું નાખવાનો સારો સમય મે–જુન   છે. બીજના ઉગાવા બાદ ૧પ થી ર૦ દિવસ પછી એક ગૂંઠામાં પ૦૦ ગ્રામ નાઈટ્રોજન અમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું. ધરૂવાડીયાની જમીનમાં ઝિંક અને લોહ તત્વની ઉણપ હોય તોે એક ગૂંઠામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦૦ ગ્રામ ઝિંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું.

કયારા બનાવવા

ધરૂની જરૂરીયાત તથા જમીનના ઢાળને ધ્યાનમાં રાખીને વધારાના પાણીનો નીકો દ્રારા નિકાલ થાય તે રીતે ગાદી કયારા બનાવવા. ગાદી કયારાની લંબાઈ ઢાળની દિશામાં અનુકૂળતા પ્રમાણે રાખવી જયારે પહોળાઈ ર થી ર.પ મીટરથી વધારે રાખવી નહી.

બીજની પસંદગી અને બીજની વાવણી

શાકભાજીના પાકો માટે હંમેશા શુધ્ધ અને નવા બિયારણનો જ ઉપયોગ કરવો. પસંદગીની જાતનું ખાતરીવાળુ શુધ્ધ, વિકાસ પામેલ અને પુરતી સ્ફૂરણ શકિત વાળા (૭૦% થી વધારે ) બીજની પસંદગી કરવી.  શાકભાજીના પાકોની ફેરરોપણી માટે જરૂરીયાત કરતાં ૧પ થી ર૦% વધારાના ધરૂ છોડ તૈયાર કરવા જોઈએ. બીજની જરૂરીયાત, ધરૂ  ઉછેર માટેનો સમય અને હેકટરે રોપાની જરૂરીયાત અંગેની માહિતી નીચે પ્રમાણે કોઠામાં દર્શાવેલ છે.

ક્રમ

પાક

ધરૂ ઉછેર માટેનો સમય

હેકટર દીઠ જરૂરીયાત

વાવણી અંતર

ધરૂ/ રોપાની

ધરૂ/ રોપાની

મરચી

ચોમાસુ : જૂન

૭પ૦ ગ્રામ

૬૦ હજાર (ખામણા દીઠ બે છોડ)

૬૦x×૬૦

રીંગણી

ચોમાસુ : જૂન

શિયાળુ : જુલાઈ – ઓગષ્ટ

ઉનાળુ : જાન્યુઆરી

રપ૦–૩૦૦ ગ્રામ

ર૦ હજાર

૯૦×x૬૦

ટામેટી

ચોમાસુ : જૂન

અર્ધ શિયાળુ : ઓગષ્ટ

ર૦૦–રપ૦ ગ્રામ

ર૦ થી રપ હજાર

૯૦×x૭પ અથવા ૭૦x×૬૦

કોબીજ/કોલી ફલાવર

અર્ધ શિયાળુ : ઓગષ્ટ

શિયાળુઃસપ્ટેમ્બર–ઓકટોબર

પ૦૦ ગ્રામ

પ૦ થી ૭૦ હજાર

૪પx×૪પ અથવા ૪પx×૩૦

ડુંગળી

ચોમાસુ : મે–જૂન

શિયાળુઃ ઓકટોબર–નવેમ્બર

૮ થી ૧૦ કિ.ગ્રા.

૬.પ થી ૧૦ લાખ

૧પx×૧૦ અથવા ૧૦x×૧૦

શાકભાજીના ધરૂ ઉછેર માટે ભલામણ કરાયેલ જ બિયારણનો દર રાખવો.  વધારે બીજ દર રાખવાથી  છોડ પાતળા, ઉંચા તથા ધરૂનો કોહવારો આવાની શકયતા વધી જાય છે. બીજની રોપણી કરતાં પહેલાં ગાદી કયારામાં હળવું પાણી આપવું. ધરૂવાડીયામાં નાના છોઢને ઉધઈ, લીલી કીડી, અળસિયા, કૃમિ તેમજ ચૂસિયા પ્રકારની જીવાતથી ગંભીર નુકસાન થતું હલય છે. તેની સામે રક્ષણ માટે એક ગૂંઠામાં ૩૦૦ ગ્રામ પ્રમાણે કાર્બોફયુરાન પાયાના ખાતર સાથે આપવું, ત્યારબાદ પંજેઠી મારી કયારાને સમતલ કરવા. સમતલ કરેલ કયારામાં લાકડાની પંજેઠીના દાંતાથી ૧૦ સે.મી.ના અંતરે છીછરા ( ર થી ર.પ સે.મી. ) ચાસ ખોલવા. કયારા દીઠ નકકી કરેલ માવજત આપેલ બીજના સરખા અંતરે અને સરખા માપે પડે તે રીતે નાખવું.

બીજ જન્ય રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલાં પારાયુકત દવા જેવી કે થાયરમ કે સેરેસાનનો ૧ કિ.ગ્રા. બીજમાં ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો. બીજને વાવ્યા બાદ લાકડાની પંજેઠીથી ઉંધી રાખી અથવા સાવરણો મારીને બીજને માટી સાથે ભેળવી દેવા. ત્યારબાદ કયારામાં અડધાથી પોણા મીટરના અંતરે લંબાઈ પ્રમાણે જરૂરી ઈંટો ગોઠવવી જેથી ખેતીકાર્ય કરવામાં સુગમતા રહે. તેની ઉપરના ઘઉંના પરાળનું આવરણ કરવું. ગાર્ડન એગ્રોનેટ (૭પ% છાંયાવાળી) નો ઉપયોગ  પણ આવરણ તરીકે કરી શકાય છે. આવરણ કરવાથી જમીનમાં ભેજ સંગંહવાથી તેમજ બીજના વિસ્તારમાં સાધારણ ગરમાવો રહેવાથી બીજનો ઉગાવો સારો થશે. સીધા વરસાદ તેમજ ગરમીથી ઉગતા બીજ અને કુમળા ધરૂને જરૂરી રક્ષણ મળશે.

ધરૂવાડીયાની માવજત

ધરૂવાડીયામાં છોડ એકી સાથે જથ્થામાં અને ખૂબ જ નાજુક હોવાથી રોગ અને જીવાતથી ઘણું જ નુકસાન થાય છે.  જો પુરતી કાળજી લેવામાં ન આવે તો ઘણી વખત ધરૂવાડીયું નિષ્ફળ જતું હોય છે એટલે કે ધરૂવાડીયામાં આવતા રોગ અને જીવાતની દરોજ જાત તપાસ કરતા રહી જો ઉપદ્રવની શરૂઆત જણાય કે નિયંત્રણના પગલા લેવા જોઈએ.

  • ધરૂવાડીયામાં જરૂરીયાત મુજબ ઝારા કે ફુવારાની મદદથી બપોર બાદ પાણી આપતા રહેવું.
  • ચોમાસા દરમ્યાન જયારે વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ ન રહે તે ની કાળજી લેવી.
  • બીજનો પુરતો ઉગાવો થયા બાદ ૪ થી પ દિવસ પછી ઘાસનું આવરણ દૂર કરવું.
  • ધરૂવાડીયાને સતત નિંદણમુકત રાખવું.
  • ધરૂના ઉગાવા પછી ૧પ–ર૦દિવસ બાદ પ૦૦ ગ્રામ નાઈટ્રોજન, અમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું (૧ ગૂંઠા વિસ્તારમાં)
  • પાક પ્રમાણે રપ થી ૪૦ દિવસમાં ધરૂના રોપા ફેરરોપણી લાયક થાય છે.
  • મરચીના ધરૂ/છોડની ફેરરોપણી કરતા પહેલાં બે દિવસ અગાઉ ટ્રાયઝોફોસ ૦.૦૪% (૧ મિ.લિ. દવા / ૧ લિટર પાણી) પ્રમાણમાં   છંટકાવ કરવો.

અન્ય માવજત :

ઘણી વખત ધરૂ છોડની વૃધ્ધિકાળ દરમ્યાન પાન પીળાશ પડતા સફેદ અથવા સામાન્ય કરતા આછા લીલા થઈ જાય છે, નવી ફુટ આવતી નથી અને છોડનો વિકાસ અટકી જતો હોય છે જે જસત અને લોહતત્વની ઉણપથી થતી હોય છે. તેના નિવારણ માટે ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦ ગ્રામ ઝિંક  સલ્ફેટ અને ૧૦ ગ્રામ બોરીક એસિડ બોરેક્ષનો ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ.

સૂક્ષ્મતત્વોનો છંટકાવ માટે દ્રાવણ બનાવવાની રીત

૧૦ લિટર પાણીમાં રપ૦ ગ્રામ ચૂનો આગલી રાત્રે પલાળી રાખો. બીજા દિવસે આ દ્રાવણમાંથી એક લિટર ચૂનાનું નિતાર્યુ પાણી તૈયાર કરો. ત્યારબાદ ૧ લિટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦ ગ્રામ ઝિંક સલ્ફેટ અને ૧૦ ગ્રામ બોરીક એસિડને મિશ્ર કરી બરાબર ઓગાળીને ગાળી નાખો. જેમાં ૧ લિટર ચૂનાનું નિતર્યુ પાણી નાખી તેમાં બીજું ૮ લિટર પાણી ઉમેરી આ રીતે કુલ ૧૦ લિટરનું દ્રાવણ તૈયાર થઈ પમ્પમાં ભરો અને તેમાં સાધારણ ટિપોલ અથવા સાબુનું દ્રાવણ ઉમેરી વહેલી સવારે અથવા ઢળતી સાંજે છંટકાવ કરવો. અઠવાડીયાના ગાળે બે છંટકાવ કરવાથી જસત અને લોહતત્વની ઉણપ નિવારી શકાશે.

પ્લગ નર્સરી : અધતન ધરૂ ઉત્પાદન પધ્ધતી

નાનું અને કિંમતી બીજ કે જેને ધરૂ ઉછેરવા માટે ઉપયોગમાં આવતી ટ્રેમાં વાવી વાતાનૂકુલિત નર્સરીમાં ઉછેરી ગુણવત્તા યુકત અને તંદુરસ્ત ધરૂનું મોટાપાયા પર ઉત્પાદન કરવામાં આવે છે જેને પ્લગ નર્સરી કહેવામાં આવે છે. આ પધ્ધતિમાં શાકભાજી, ફુલ, છોડ કે પપૈયા જેવા ફળ પાકોના ધરૂ પોલીહાઉસ કે ઈન્સેકટપ્રુફ નેટ હાઉસમાં જમીનની જગ્યાએ પ્લાસ્ટીકની કે થર્મોકોલની ડીશમાં ગ્રોઈંગ મીડીયા તથા યોગ્ય ખાતર અને પિયત વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવે છે.

અધતન ધરૂ ઉછેર પધ્ધતિના ફાયદા :

  1. હાઈબ્રીડ શાકભાજીના બિયારણ ખૂબ જ મોંઘા હોવાથી પ્લગ નર્સરીમાં ધરૂ ઉછેરવા બિયારણના જથ્થાની જરૂર ઓછી પડે છે જેથી બિયારણ ખર્ચ ઓછો થાય છે.
  2. પ્લગ ટ્રેમાં ઉછેરેલા ધરૂ સામાન્ય ધરૂવાડીયામાં ઉછેરેલા ધરૂ કરતાં તંદુરરસ્ત અને રોગમુકત, ફેરરોપણીમાં  પણ સરળતા તથા  ટ્રાન્સપોર્ટેશનમાં નુકસાન  ઓછું થાય છે.
  3. ઉચ્ચ ગુણવતતાવાળા અને એક સરખા પ્રકારના ધરૂનું ઉત્પાદન મળી રહે છે.
  4. પ્લગ ટ્રેમાં ઉછરેલા ધરૂની ફેરરોપણી ખેતરમાં કર્યા પછી આ ધરૂ ખેતરમાં ઝડપથી વિકાસ પામતા હોવાથી જે તે શાકભાજી પાકની લણણી ઝડપથી કરી શકાય છે.
  5. ઓછી જગ્યામાં  ઓછા ખર્ચે મોટા પાયા પર ધરૂનું ઉત્પાદન કરી શકાય છે.
  6. નિંદામણ થતું ન હોવાથી ધરૂનો વિકાસ સારો થાય છે.
  7. ઉછેર કરવા માટે મજુરોની જરૂરીયાત ઓછી રહે છે.
  8. યાંત્રિક રીતે ફેરરોપણી સહેલાઈથી થઈ શકે છે.

જગ્યાની પસંદગી :

પ્લગ નર્સરી ઉભી કરવા માટે એવી જગ્યાની પસંદગી કરવી જોઈએ કે જયાં લગભગ ૬ થી ૮ કલાક સુધી સૂર્યપ્રકાશ મળી રહે, હવાની અવર જવર સારી હોય, પાણીની સગવડ સારી હોય તેમજ ટ્રાન્સપોટ્રેશન સહેલાઈથી થઈ શકે.

મોટાભાગે આપણે નર્સરીમાં સારી ગુણવતતાવાળી માટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આવી જમીન કે માટીમાં રહેલ બેકટેરીયા, ફુગ, જીવાણું, નિંદામણ, કેમીકલના રેસીડયુ જેવા તત્વો ધરૂને નુકસાન કરતા હોય છે. જયારે પ્લગ ટ્રેમાં  આધુનિક સોઈલ સેલ મીડીયા ( એટલે કે જેમાં માટીનો ઉપયોગ થતો નથી) તેવા મીક્ષચર મીડીયાનો ઉપયોગ ધરૂ ઉછેરવા માટે થાય છે. આજે બજારમાં ઘણા પ્રકારના મીક્ષર મીડીયા મળે છે જેવા કે પીટ મોસ, કોકો પીટ, પીન બાર, સો ડસ્ટ, સેન્ડ (રેતી), વર્મીકયુલાઈટ, પર્લાઈટ અને ન્યુટ્રીઅન્ટ મીક્ષચર મીડીયાનો ઉપયોગ વધુ થાય છે. આ પ્રકારના મીડીયામાં ધરૂનો ઉછેર માટે જરૂરી પોષક તત્વો તેમજ જરૂરી પ્રમાણમાં ભેજ સંગ્રહ કરી શકે તેવા ઘટકો હોય છે. આમ, આ પ્રકારના સોઈલ લેસ મીડીયાનું વજન પણ ઓછું થવાથી ધરૂ તૈયાર પછી ટ્રાન્સપોર્ટે્રશન પણ બહું સહેલાઈથી થઈ શકે છે.  આમ, આ પ્રકારનું મીક્ષચર મીડીયા જરૂરી માત્રામાં તૈયાર થઈ ગયા પછી તેને પ્લગ ટ્રેમાં  ઉપરનો ૦.પ૦'' થી ૦.૭પ'' જેટલો ભાગ ખાલી રાખી ભરવું. એક પ્લગમાં એક કે બે બીજ પડે તેટલું જ મુકવું. બિયારણ નાખ્યા બાદ પ્લગ ટ્રેમાં ફરીથી ૦.પ'' જેટલું મીક્ષચર મીડીયા નાખવું. તયારબાદ આ પ્લગ ટ્રેને વોટર કેન કે ફુવારા પધ્ધતિ દ્રારા પાણી આપી તેને ગ્રીન હાઉસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

અત્યાધુનિક ધરૂ ઉછેર માટે નિયંત્રિત વાતાવરણવાળા ફેન પેડ ગ્રીન હાઉસનો ઉપયોગ થાય છે. જેથી ધરૂને જરૂીયાત મુજબનું અનુકૂળ આંતરીક વાતાવરણ પુરૂ પાડી શકાય. બિયારણનું વાવેતર પ્લાસ્ટીક / થર્મોકોલ ટ્રેમાં કરવામાં આવે છે. જેમાં જમીનની જગ્યાએ પીટ મોસ,વર્મેકયુલાઈટ તથા પર્લાઈટ જેવા માધ્યમને કદના પ્રમાણમાં એક સરખા મેળવી પ્લગમાં ભરવામાં આવે છે અને ટેબલ ઉપર ટ્રે મૂકી ઝીણા ફોરાથી (બૂમથી) પિયત, ખાતર અને જંતુનાશકો આપવામાં આવે છે. ખેડૂતો પોતાના ખેતર ઉપર લો કોસ્ટ પોલીહાઉસ કે ઉપર પોલીથીન વાળા અને બાજુઓ ઉપર ઈન્સેકટનેટ વાળા હાઈબ્રીડ માળખા ઉભા કરી રેત–ઈંટના પાળા બનાવી પ૦૦ ચો.મી.ની નાની નર્સરી કરી શકે છે.

ખાતર વ્યવસ્થા :

ઉપયોગમાં લેવામાં આવતા મીડીયામાં પોષક તત્વોનો અભાવ હોઈ નર્સરીમાં ખાતર વ્યવસ્થામાં ખાસ કાળજી લેવાની થાય છે. ખાતર પિયત સાથે જ ફુવારાથી આપવાના હોય છે. ખાતર પ્રવાહી એ.પી.કે. (નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશ) તથા સૂક્ષ્મ તત્વો સ્વરૂપે આપવાના રહે છે. મુખ્ય ખાતરોનો રેશીયો ર.પઃ૧ર.પ (એન.પી.કે.) મુજબ આપવું. જરૂરીયાત મુજબના સૂક્ષ્મ તત્વો સાથે આપવા. ૠતુ તથા જાત મુજબ ૧પ થી ૪પ દિવસે ધરૂ તૈયાર થાય છે. જે માટે દર ત્રણ કે પાંચ દિવસે ખાતર આપી શકાય જે માટે ખાતર અને પાણીના મિશ્રણનો ઈ.સી. (ઈલેકટ્રીસીટી કનેકટીવીટી) ક્ષાર થી વધવો જોઈએ નહી

ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા.બી.જી.પ્રજાપતિ અને ર્ડા.એ.યુ અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ.,જગુદણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate