ઉદગમસ્થાન અને ફેલાવો : મેથીનું ઉદગમસ્થાન દક્ષિણ યુરોપ, ભૂમધ્ય સમુદ્રના કિનારાનો વિસ્તાર અને દક્ષિણ એશિયા છે. ભારત પણ મેથીનું મૂળવતન ધરાવે છે. કાશ્મીર પંજાબ અને ગંગાના ઉચ્ચ પ્રદેશોમાં જંગલી મેથી થાય છે. વાણિજયક દ્રષ્ટિએ મેથી ખૂબ અગત્યનો પાક છે. કારણ કે શિયાળા દરમ્યાન દેશના તમામ ભાગોમાં બીજ, લીલી મેથી અને તાજા પાંદડાના હેતુસર વવાય છે. તે ખૂબ ઝડપથી ઉગતો પાક હોવાથી ર થી ૩ લીલી ભાજીની કાપણી લઈ શકાય છે. ટ્રીગોનેલા વર્ગમાં બે જાતિઓ જેવી કે ફોઈનમ ગ્રેકમ (સામાન્ય મેથી) અને કોર્નીકયુલેટા (કાસુરી મેથી) આવેલી છે. સામાન્ય મેથી દેશોના તમામ ભાગોમાં વવાય છે. જયારે કાસુરી મેથી ઉત્તરના ઠંઠા દેશમાં વવાય છે.
ભારતમાં ઉત્પાદન : ભારતમાં મેથીનું વધારે ઉત્પાદન મુખ્યત્વે રાજસ્થાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં થાય છે. ભારતમાં સને ર૦૧૭–૧૮ માં દાણાના હેતુંસર ર.૧૧લાખ હેકટર વિસ્તારમાં વાવેતર દૃારા ર.૯૯ લાખ મે. ટન ઉત્પાદન થયેલ છે. ગુજરાતની સરેરાશ ઉત્પાદકતા ૧૪૧૭ કિ.ગ્રા./હે. છે. ગુજરાત રાજયમાં સને ર૦૧૬–૧૭ માં દાણાના હેતુંસર પ૩૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર દૃારા ૧૦૦૯ મે. ટન ઉત્પાદન થયેલ છે. ગુજરાતની સરેરાશ ઉત્પાદકતા ૧૯૦૩ કિ.ગ્રા./હે. છે.
મેથી પકવતા મુખ્યત્વે જિલ્લાઓ : મહેસાણા, બનાસકાંઠા
વાવેતર જાતો : વાવેતરની અગત્યની ભલામણ કરેલ જાતો જુદા જુદા રાજયો માટે નીચે દર્શાવેલ છે.
ગુજરાત મેથી–૧: આ જાત ગુજરાત કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દૃારા વિકસાવેલ છે. જેનો છોડ ઠીંગણો છે. મેથીની આ જાત સને ૧૯૯૯ માં બહાર પાડવામાં આવેલ છે. જેનુ ઉત્પાદન સ્થાનિક જાત કરતાં ૭.૧૩ ટકા વધારે મળે છે. એટલે કે આ જાતનું દાણાનું ઉત્પાદન સરેરાશ હેકટરદીઠ ૧૮૬૪ કિ.ગ્રા. આપે છે. દાણાની ગુણવત્તા સ્થાનિક જાતો કરતાં સારી છે. જેથી નફાકારકતા વધારવા આ જાતનું વાવેતર કરવા ભલામણ છે.
ગુજરાત મેથી–રઃ આ જાત ગુજરાત કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દૃારા વિકસાવેલ છે. જેનો છોડ ઊંચો છે. મેથીની આ જાત સને ર૦૦૬ માં બહાર પાડવામાં આવેલ છે. જેનુ ઉત્પાદન ગુજરાત મેથી–૧ કરતાં ૧૧.૩૦ ટકા વધારે મળે છે. એટલે કે આ જાતનું દાણાનું ઉત્પાદન સરેરાશ હેકટરદીઠ ૧૯ર૦ કિ.ગ્રા. આપે છે. દાણાની ગુણવત્તા ગુજરાત મેથી–૧ કરતાં સારી છે. જે બીજ તેમજ પાંદડાની કાપણી માટે યોગ્ય છે. જેથી નફાકારકતા વધારવા આ જાતનું વાવેતર કરવા ભલામણ છે.
પુસા અર્લી બન્ચીંગ : આ જાત આઈ.એ.આર.આઈ નવી દિલ્હી દૃારા વિકસાવેલ છે. જે ૧૦૦–૧રપ દિવસમાં પાકે છે. અને ખૂબ ઝડપથી વિકાસ પામતી, ટટૃાર થડ ધરાવતી ઉભી અને મોટાં બીજ ધરાવે છે. જે બીજ તેમજ પાંદડાની કાપણી માટે યોગ્ય છે. જેનું સરેરાશ બીજ ઉત્પાદન ૧ર કિવી./હે. છે.
પુસા કાસુરી : બીજ માટે ન કરતાં ફકત પાનના હેતુસર વાવેતર માટે નાની કાસુરી જાતમાંથી પસંદ કરેલ છે. જેના પાંદડા આભૂષણ (રોજેટ) પ્રકારના અને પ–૭ કાપણી લઈ શકાય તેવી મોડી પાકતી જાત છે. વિશિષ્ટ સુગંધ સાથે લીલા પાંદડાનું ઉત્પાદન આપે છે. જે આઈ.એ.આઈ.આઈ. નવી દિલ્હીથી વિકસાવેલ છે. જેનું દાણાનું સરેરાશ ઉત્પાદન પ–૭ કિવ./હે અને લીલા પાંદડાનું ૮૦ કિવ./હે. સાથે સારી રીતે ઉગાડી શકાય છે.
આબોહવા : મેથીના સારા વિકાસ માટે ઠંડી આબોહવા જરૂરી છે. તેના સારા વિકાસ માટે વધુ ઉષ્ણતામાન સિવાયની ઠંડી ૠતુ અનુકુળ છે. વાવેતર ઉષ્ણકટિબંધ તેમજ શીત કટિબંધ એમ બંને પ્રદેશોમાં થાય છે. ભારતમાં મેથી મુખ્યત્વે રબિ ૠતુનો પાક છે. પરંતું દક્ષિણ ભારતમાં વરસાદી ૠતુમાં થાય છે. ઓછાથી મધ્યમ વરસાદમાં સારી રીતે લઈ શકાય છે. પરંતુ ભારે વરસાદમાં ટકી શકતી નથી. સતત ભેજવાળું અને વાદરછાયંું વાતાવરણ કીટક–જીવાતોને અને ઘણા રોગોને આમંત્રે છે.
જમીન : મેથી સારા નિતારવાળી લગભગ બધી જ જમીનમાં લઈ શકાય છે. પરંતું સારા નિતારવાળી જમીનમાં ખૂબ જ સારી થાય છે. યોગ્ય નિતાર ધરાવતી, સેન્દ્રીય ખાતર ધરાવતી કાળી કાંપાળ જમીનનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમ છતાંય રેતાળ અને પથ્થરાળ જમીનમાં સારી રીતે લઈ શકાતી નથી. બિનપિયત વાવેતર માટે કપાસની કાળી જમીન ખૂબ સારી અને સફળ વાવેતર માટે યોગ્ય છે. તેમ છતાંય આ પાક ૮.૪ અમ્લતાઆંક (પીએચ) સુધી ક્ષારીયત સહન કરી શકે છે. પરંતું તટસ્થ જમીન કે જેનો અમ્લતા આંક (પીએચ) ૬.૦૦ થી ૭.૦૦ સુધીનો છે તેમાં હંમેશાં વધારે ઉત્પાદનની સાથે સારી ગુણવત્તા ધરાવતાં પાન મળે છે. આ પાક ક્ષારીયતાને સહન કરીશકે છે. પરંતુ વધુ ક્ષારીય, અમ્લીય તેમજ આલ્કલીય જમીનનો ઉપયોગ કરવો નહિં.
પાક પધ્ધતિ : જાતની પસંદગી, પ્રાથમિક રીતે તેની જમીન અને આબોહવાકીય પરિસ્થિતિ ઉપર અનુકુલન ધરાવે છે. અને જે તે વિસ્તારમાં રોગો અને જીવાતો સામે પ્રતિકારકતા /સહન કરી શકે છે. જુદા જુદા વિસ્તાર માટે ઘણી જાતો વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે.
જમીનની તૈયારી : મેથીના સારા ઉગાવા અને વિકાસ માટે જમીનની સારી તૈયારી હોવી જોઈએ. કુલ ૩–૪ ખેડની જરૂરીયાત છે. પ્રથમ ખેડથી જમીનનની ઉલટ સુલટ કરી પછી કરબની ર–૩ ખેડ કરી જમીનને ભરભરી બનાવવી. વાવણી સમયે બીજના સારા ઉગાવા માટે જમીનમાં સારો ભેજ હોવો જરૂરી છે.
વાવેતર સમય : મેથી ઠંડી ૠતુનો પાક હોવાથી ઉત્તરના મેદાનોમાં વાવેતર ઓકટોબર થી નવેમ્બર મહિના દરમ્યાન જયારે પર્વતીય પટૃાઓમાં માર્ચ થી મે દરમ્યાન તેની ઉંચાઈના આધારે વાવણી કરવી જોઈએ. મધ્યમ આબોહવા વિસ્તારમાં મેથી ઉનાળાના ગરમ અને વરસાદી ૠતુના મહિનાઓ સિવાય આખા વર્ષ દરમ્યાન તાજી, લીલી મેથી માટે વાવેતર થાય છે. ભારતના દક્ષિણના રાજયોમાં ખાસ કરીને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુંમાં બે વખત વાવેતર થાય છે. એક રબિમાં (સપ્ટેમ્બર–ડીસેમ્બર) અને ફરીથી ખરીફમાં (જુન–જુલાઈ) કાસુરી મેથીની જાતો માટે વધારે ઠંડુ વાતાવરણ જરૂરી છે. જેથી ભારતના દક્ષિણના રાજયો કરતાં ઉત્તરના રાજયોમાં વધારે સફળતાપૂર્વક લઈ શકાય છે. વધારે ઉત્પાદન માટે મેથીનો વાવણી સમય યોગ્ય રીતે સાચવવાથી છોડનો વિકાસ સારો અને કાપણી અવસ્થાએ સુકુ અને વરસાદમુકત વાવતાવરણ મળે છે.
રાજયમાં મેથી વાવેતરનો ભલામણ કરેલ સમય : ઓકટોબર થી નવેમ્બરનું પ્રથમ અઠવાડિયું
બિયારણનો દર : બિયારણનો જથ્થો જાતની પસંદગી ઉપર આધારિત છે. સામાન્ય રીતે રપ–૩૦ કિ.ગ્રા./હે બિયારણની જરૂરીયાત છે. અને કાસુરી પ્રકારની મેથી માટે ૧૦–૧ર કિ.ગ્રા./હે. બિયારણની જરૂરિયાત રહે છે. ઝડપી અને સારા ઉગાવા માટે બીજ ૩ થી ૪ કલાક પાણીમાં પલાળી રાખવા.
મેથીના કીટક મિત્રો : કોકસીનેલા : મેથીની મોલોનો ઉપભોકતા મધમાખીઃ અગત્યની પરાગવાહક
મેથીના કીટક જીવાતો : પાંદડા અને શીંગ ઉપરની મોલો પાંદડા ઉપર પાન કોરીયા મેથીના રોગો : છારો, મૂળનો કહોવારો
બીજ માવજત : મેથી એ કઠોળ વર્ગનો પાક છે. તે હવામાંનો નાઈટ્રોજન દર વર્ષે ર૮૩ કિ.ગ્રા./હે. વર્ષ જમીનમાં સ્થિર કરે છે. મેથીના ઉત્પાદનમાં રાઝોબિયમનો ફાળો ખૂબ સારો પ્રસ્થાપિત થયેલ છે. જેથી વાવેતર પહેલાં રાઝોબિયમના જીવાણુનો પટ આપવાથી વધારે ફાયદાકારક ઉત્પાદન સાબિત થયેલ છે. જયારે પાક નવા ખેતરમાં ઉગાડવાનો હોય ત્યારે રાયઝોબિયમ મેલીબોટીના સ્થાનિક કલ્ચરની માવજત બિયારણ ઉપર આપવી જોઈએ. રાયઝોકટોનીયા મેલીલોટી કલ્ચરની પણ બિયારણ ઉપર માવજતની ભલામણ છે. શરૂઆતના ફૂગકારક રોગોના નિયંત્રણ માટે બિયારણને બાવિસ્ટીન અથવા થાયરમ ર.૦ ગ્રા./કિ.ગ્રા. બિયારણની માવજત આપવી જોઈએ.
વાવેતર પધ્ધતિ : મેથીનું વાવેતર હારમાં અથવા બીજને સારા સમતલ કયારાઓમાં પૂંખીને કરી શકાય છે. અને સમાળથી કયારા સમતલ કરવા, છતાંય પૂંખીને વાવેતર કરતાં, હારમાં વાવેતર કરવું વધુ સુવિધાભર્યુ છે. કારણ કે તેમાં આતંરખેડ, નિંદામણ જેવા કાર્યો થઈ શકે છે. હારથી હાર રપ–૩૦ સે.મી. અંતર રાખવું જરૂરી છે. અને છેલ્લે હારમાં છોડ વચ્ચે ૧૦–૧પ સે.મી. અંતર રાખી પારવણી કરવી. વાવેતર પછી પ–૭ દિવસમાં બિયારણ ઉગી નીકળે છે. વાવેતર વખતે ખેતરમાં પૂરતો ભેજ હોવો જોઈએ. તેમ છતાં વાવેતર વખતે બિયારણની ઉંડાઈ જમીનમાં ભેજ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે મેથીનું વાવેતર બીજ નાના હોવાથી ર–૩ સે. મી. અને કાસુરી મેથી ના બીજ ૧.૦ થી ૧.પ સે.મી. ઉંડાઈએ કરવું જોઈએ.
વાવેતર અંતર : શાકભાજીના હેતું માટે ૧પ × ૧૦ સે. મી.; રપ × ૧૦ સે. મી. અને બીજ ઉત્પાદન માટે ૩૦ × ૧૦ સે. મી.
સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો : મેથી પાક મુખ્ય તેમજ ગૌણ તત્વોના શોષણ માટે ખૂબ પ્રત્યુત્તર આપતો જણાયેલ છે. આ પાક જમીનમાંથી ૧૦, ૩.પ, ૮.ર કિ.ગ્રા. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું ખેંચાણ કરી રઃ૧ઃ૧ ના : ના : ફો : પો ના અનુક્રમે જમીનમાં છોડે છે. મેથીના વાનસ્પતિક વિકાસના ફાયદા માટે ૧૦ ટન/હે. સારુ કહોવાયેલુ ખાતર આપવાથી સુકા પદાર્થનું વધુ ઉત્પાદન આપી પાક ઉત્પાદકતા સ્થિર કરે છે. હેકટર દીઠ એક ટન લીમડાનો ખોળ આપવાથી ફાયદાકારક પૂરવાર થયેલ છે. સેન્દ્રિય મેથીના વાવેતર માટે એઝોસ્પિરીલમ, એઝોટોબેકટર અને રાયઝોબિયમ સૂક્ષ્મ જીવાણુંઓ યોગ્ય પૂરવાર થયેલ છે.
મેથીમાં ભલામણ કરેલ ખાતરનો હપ્તો : ર૦–૪૦ ના. ફો. કિ.ગ્રા. /હે. (પાયામાં ), ર૦ : ૦ ૦ :૦૦ પૂર્તિ ખાતર પ્રત્યેક કાપણી પછી.
પિયત : મેથી પ્રાથમિક રીતે પિયત પાક હોવાથી તેના ઝડપી વિકાસ માટે વારંવાર આંતરે હળવા પિયત આપવા જરૂરી છે. પરંતું રાજયના કેટલાક ભાગોમાં બિનપિયત પરિસ્થિતિમાં વાવેતર કરી શકાય છે. સામાન્ય રીતે ખેતરમાં જયારે પૂરતો ભેજ હોય ત્યારે વાવણી કરાય છે. જેથી રોપો ૪–પ પ્રથમ પાનનો ન થાય ત્યાં સુધી સુક્ષ્મ પિયત અપાતું નથી. છતાંય જો વાવણી સમયે શરૂઆતમાં જમીનમાં પૂરતો ભેજ ન હોય તો વાવણી પછી તુરત જ હલકુ પિયત આપવું જોઈએ. ઝડપી અને એકી સાથે ઉગાવા માટે ત્રીજા દિવસે હલકુ પિયત આપવું. ત્યાર પછીના પિયત ૧ર થી ૧પ દિવસના ગાળે અને પછી બીજા જમીનના પ્રકાર, ૠતુ, વરસાદ અને તાત્કાલીક હવામાનની પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે છોડના ઝડપી વાનસ્પતિક વિકાસ માટે વારંવાર હળવા પિયત આપવાં જરૂરી છે. અને દરેક કાપણી પછી હળવુ પિયત આપવું ફરજીયાત છે. વધુ પડતાં પિયત ભેજની ખેંચના જેટલાં જ નુકશાનકારક છે. ગમે તે રૂપમાં અને ગમે તે તબકકે વધારે ભેજ આપવાથી મૂળનો કહોવારો અને છારાનો રોગ આવે છે. પાનના વિકાસ તબકકે પાણીની ખેંચ થાય નહિં તેની કાળજી લેવી જોઈએ. સામાન્ય રીતે ૬–૭ પિયત હલકી જમીનમાં અને ૪–પ પિયત ભારે જમીનમાં આપવાં જરૂરી છે.
આંતરખેડ કાર્યો : મેથી કઠોળ વર્ગના પાકના નાતે સામાન્ય મૂળના વિકાસ માટે હવાની અવરજવર જરૂરી છે. જેથી નિંદામણ અને આંતરખેડ છોડના શરૂઆતના વૃધ્ધિના તબકકાએ કરવી ખૂબ જ જરૂરી છે. નિંદણ પાક સાથે પોષક તત્વો, પાણી તેમજ જગ્યા માટે હરિફાઈ કરી છોડની વૃધ્ધિ અને ઉત્પાદન ઉપર ખૂબ જ વિપરીત અસર કરે છે.ખેતરને નિંદણ મુકત રાખવા શેઢા,પાળા અને ઢાળિયા સાફ રાખવા. નિંદણનો બીજ બેસતાં પહેલાં નાશ કરવો. નિંદણમુકત બીજનું વાવેતર કરવું.આંતરખેડ તેમજ હાથ નિંદામણ કરવું.આમ છતાં નિંદાણનું પ્રમાણ વધારે રહેતું હોય તો મેથી પાકમાં પેન્ડીમિથેલીન (૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેકટર ) વાવણીબાદ પાકના ઉગાવા પહેલાં પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
પાક સંરક્ષણ : મેથી પાકમાં સામાન્ય રીતે કિટક જીવાતો અને રોગો ઓછા આવે છે. છતાંય તેમાંના થોડાક જેવા કે મોલો, પાન ખાનાર ઈયળ, પાનકથિરી, છારો, તળછારો અને મૂળનો કહોવારો જેવા કયાંક છૂટક છવાટા નુકશાન કરતા હોય છે. પાક સંરક્ષણ પગલાંમાં જાતની પસંદગી, પાક વ્યવસ્થાપન પધ્ધતિઓ જેવી કે વાવેતર સમય, સમતોલ પોષણ, પાક ફેરબદલી, લીલો પડવાશ વિગેરેનો સમાવેશ થાય છે.
ભૂકી છારો : ગંધક ભૂકીનો છંટકાવ રપ કિ.ગ્રા./હે.અથવા દ્રાવ્ય ગંધક રપ ગ્રામ/૧૦ લીટર નો છંટકાવ.
ચૂસિયા જીવાતોઃ મોલોમશી/થ્રીપ્સ/તડતડીયા/પાન કોરીયુ શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ જેવીકે ડાયમિથોએટ, મિથાઈલ –ઓ– ડીમેટોન (૧૦–૧પ મિલી/૧૦ લીટર),ઈમીડાકલોપ્રાઈડ ૦.૦૦પ % અથવા થાયોમિથોકઝોન ૦ . ૦રપ % .
કાપણી અને ઉત્પાદન :સામાન્ય રીતે મેથીની લીલા, તાજા પાંદડાની, નાના છોડની કાપણી વાવેતર પછીના ર૦ દિવસે તૈયાર થાય છે. જયારે કાસુરી પ્રકારની મેથીમાં રપ–૩૦ દિવસ વાવેતર પછી લાગે છે. અને ૧પ–ર૦ દિવસના ગાળે એકાંતરે કાપણી લઈ શકાય છે. બંને પ્રકારના હેતુસરની વાવેતર મેથીની એક કાપણી પછી પણ ઉત્પાદન ઉપર અસર થતી નથી અને કાપણી છોડને ઉપાડીને જમીનની સપાટીથી એક ઈંચ જેટલી ઉંચાઈથી કાપણી કરવામાં આવે છે. કાપણી હંમેશાં તીક્ષ્ણ છરીથી જમીનથી ૩–૪ કાપણી સુધી સારી થાય છે. પછી મૂળ સાથે ખેંચીને લેવા. સામાન્ય રીતે મેથી પુખ્ત છોડને સપાટીએથી પકડીને જોરથી કાપવા અને કપાયેલ છોડ આગળ ઉગવા માટે અને ફુલ આવ્યે ત્યાં સુધી ટોચને એકાંતરે કાપી નાંખવી. જો મેથીને મોડી કાપવામાં આવે તો તેના પાંદડાના સ્વાદમાં કડવાશ વધે છે.
સામાન્ય રીતે દાણાનું વધુ ઉત્પાદન આપતી જાતો લીલી તાજા પાન અને મેથી બીજનું ઉત્પાદન અનુક્રમે ૭૦–૮૦ અને ૧પ–ર૦ કિવ./હે. છે. અને કાસુરી મેથી ૮૦–૧૦૦ કિવ./હે. લીલા પાનડાં આપે છે. તેમ છતાંય વધુ ઉત્પાદન સારી વ્યવસ્થાપન પધ્ધતિઓ ઉપર આધાર રાખે છે. કાસુરી પ્રકારની મેથી સામાન્ય પ્રકારની મેથી કરતાં વધુ કાપણી લેતાં વધુ ઉત્પાદન મળે છે.
કાપણી પછીનું વ્યવસ્થાપન :શાકભાજીના લીલા પાંદડાઓ અને સૂકાયેલ પાનના ધ્યેયવાળા બજારની જરૂરીયાતને ધ્યાને લઈ કાપણી પછીનું યોગ્ય વ્યવસ્થાપન કાર્ય અનુસરવું સલાહભર્યુ છે. તાજા છોડના કેસમાં ખાદ્ય ભાગ પાંદડાઓ અને થડ મૃદુ હોવા જોઈએ. કાપણી પછી પીળા રોગિષ્ટ અને નુકશાનવાળા પાંદડાઓ કાપીને સરખા કરવા અને તંદુરસ્ત અને રોગમુકત પાંદડાઓ બજારમાં હેરફેરમાં અનુકૂળ રહે તેથી નાની ઢગલીઓ બનાવવી. જો કે સૂકાં પાંદડાં બિન ૠતુમાં ઉપયોગ સારુ એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે. મેથીના પાંદડાઓ સૂર્યપ્રકાશમાં અથવા ભેજમુકત કરવાના સાધનથી યોગ્ય ભેજ રાખી સૂકાં કરવાં. છતાંય ભેજમુકિત દરમ્યાન કલોરોફિલ પ્રક્રિયા થાય છે અને એસ્કોરબિક એસીડ ઉડી જાય છે. જેથી મેથીના પાંદડાંનો લીલો રંગ જળવાઈ રહે છે. ૮૦ં સે. ગ્રે. ઉકળતા પાણીએ ૩–૬ મિનિટ પાણીમાં રાખી રંગવિહિન કરવાની પ્રક્રિયા કરવી. મેથીના પાંદડાઓની સ્વાદિષ્ટતા અને પરીપકવતામાં વધારો કરવા ઉકળતા પાણીમાં નાંખવાથી કે શેકવા કરતાં વરાળથી વધુ સારી થાય છે. સરેરાશ મેથીમાં પાંદડાઓમાં વિટામીન –સી ૪૩.૧૦ મિ.ગ્રા./૧૦૦ ગ્રામ અને પાણીમાં ઉકળ્યા પછી અથવા વરાળથી અને પછી શેકવણીમાં અનુક્રમે ૧૦.૮ % અને ૭.૪ % વીટામીન દુર થાય છે.
ઉપયોગો : આ બહુહેતુક પાકનો દરેક ભાગ ઉપયોગી છે. અને એક કે બીજા અન્ય ફોર્મમાં ખોરાક, ઘાસચારો, દવા અને કોસ્મેટીકમાં વપરાય છે. તેના લીલા તાજા પાંદડાઓ અને તેની મૃદુ અપરીપકવ શીંગો લીલા રાંધેલા શાકભાજીમાં વપરાય છે.સૂર્યથી સૂકાયેલ પાંદડાઓ સુગંધ ધરાવતી ગુણવત્તાવાળા હોય છે. જેનો બિનૠતુમાં સ્વાદિષ્ટ ખોરાક બનાવવા મસાલા તરીકે વપરાય છે. સુવાસ ફેલાવનારુ હોવાથી સુકાં બીજ અને તેનો પાવડર મસાલા /ખુશ્બોદાર ઘટક તરીકે અને દવાના હેતુંસર થાય છે. દાણાઓ ડાઈ અને સ્ટીરોઈડ કે આલ્કલોઈડના અર્ક તરીકે વપરાય છે.કેટલીક ચોકકસ જગ્યાએ લીલા અથવા સુકો ચારો દૂધવર્ધક હોવાથી ઢોરને ખવડાવવાથી દૂધ વધે છે.તે સીરપ અથાણાંઓ, આથાવાળો ખોરાક,મસાલા માટે ચ્યુઈંગમ અને રાંધેલા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે વાણિજય ઘોરણે વપરાય છે. મેથીના પાંદડા અને બીજનો ઉપયોગ કોસ્મેટીકમાં અને વાળ રંગવામાં થાય છે.પંજાબમાં સૂકા છોડનો ઉપયોગ અનાજ સંગ્રહવામાં કિટક રીપેલન્ટ તરીકે વપરાય છે.
ર્ડા. ડી. બી. પ્રજાપતિ, પ્રો. એ. એમ. અમીન અને ર્ડા. એ.યુ. અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/6/2020