સમગ્ર ભારતમાં લગભગ દરેક વિસ્તારમાં મૂળા તેમજ ગાજરનો પાક થાય છે. મૂળાના પાકમાં મૂળ(કંદ), પાન તથા કુણી શીંગો (મોગરી) શાકભાજી તરીકે વપરાય છે. કાચાં મૂળ ને કચૂંબર બનાવીને કે રાંધીને ખાઈ શકાય છે. જયારે પાનને કાચાં કે રાંધીને ભાજી તરીકે ખાઈ શકાય છે. કુમળા મૂળા ભોજન સાથે ખાવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. જે દોષહર છે. મૂળાનાં પાન પાચનમાં હલકા અને ગરમ છે. વધારે પ્રમાણમાં ખાવાથી પેશાબમાં છૂટ રહે છે. અને દસ્ત સાફ આવે છે. પાન માં ખનિજ તત્વો તથા વિટામીન એ અને સી થી સમૃધ્ધ છે. આમ મૂળાનાં કંદ કરતાં પાન વધુ ગુણકારી છે.
ગાજર વિપુલ પ્રમાણમાં શકિત પ્રદાન કરવાની તાકાત ધરાવતા હોઈ શાકભાજીમાં ગાજરને ઉર્જાનો અદભૂત ખજાનો કહેવાય છે. ગાજરમાં ઉત્તમ પોષક તત્વો ઉપરાંત આયુર્વેદિક મૂલ્ય ધરાવતાં ઘટકો રહેલ છે. ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા, પ્રજીવકો તેમજ ક્ષારો જેવા કે પોટાશિયમ, કોલ્શીયમ, ફોસ્ફરસં,ગંધક, મેગ્નેશિયમ અને આયર્ન વિપુલ માત્રામાં છે. ગાજરમાં કેરોટીનોઈડઝ અને એન્થોસાઈનીન્સ જેવા એન્ટિઓકિસડન્ટ આવેલા હોવાથી કેન્સર જેવા રોગને અટકાવે છે અને રતાંધરાપણું પણ દૂર કરે છે. ગાજરનાં કંદ તથા લીલા પાન પ્રોટીન્સ, વિટામીન્સ અને ખનિજતત્વથી ભરપૂર હોઈ પાળેલા પશુઓના આહાર માટે ઉત્તમ ગણાય છે. કેમ કે તેનાથી પશુ તંદુરસ્ત બને છે અને વધુ દૂધ કે કામ આપી શકે છે. ગાજરનો વપરાશ શાકભાજી ઉપરાંત પાવડર, મીઠાઈ હલવો, અથાણાં, જયુસ અને વાનગીઓ બનાવવામાં થાય છે. કાળા ગાજરનો વપરાશ કાંજી, બેવેરેજીઝ બનાવવામાં થાય છે. જે ભૂખ લગાડનાર ગુણ ધરાવે છે.
ભારતમાં મૂળાની ખેતી ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં તેમજ ગાજરની ખેતી ઉત્તર ભારતનાં રાજયોમાં વધુ પ્રમાણમાં અને બાકીનાં સભ્યોમાં ઓછા વત્તા અંશે થાય છે.
ગુજરાતમાં મૂળા તેમજ ગાજરનું વાવેતર ખેડા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર તેમજ બાકીનાં બધાજ વિસ્તારમાં તેની જરૂરિયાત પ્રમાણે થાય છે.
સામાન્ય રીતે મૂળા તથા ગાજર ઠંડી ૠતુના પાક હોય શિયાળુ ૠતુમાં વાવેતર કરવામાં આવે છે. આ બંને પાકોને ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ માફક આવે છે. મૂળાના પાક માટે ૧૦ થી ૧પં સે. તેમજ ગાજરના પાક માટે ૧પ થી ર૦ સે. ઉષ્ણતામાન વધુ માફક આવે છે. આ ઉષ્ણતામાને ગાજરના કંદનો રંગ એકદમ સારો આવે છે. જો ઉષ્ણતામાન આ ગાળાથી ઉંચુ કે નીચુ રહેતું હોય તો કંદનો રંગ ફીકકો રહે છે.
મૂળા અને ગાજર કંદમૂળના પાક હોઈ મૂળનો (કંદ) એક સરખો વિકાસ થઈ શકે તે માટે સારા નિતારવાળી, પોચી, ભરભરી તેમજ ગોરાડુ જમીન તેને વધુ માફક આવે છે. ચીકણી ભારે જમીન તેમજ વધુ અમ્લતાવાળી જમીન આ પાકોને માફક આવતી નથી. પરંતું જે જમીનમાં પોટાશનું તત્વ વધુ હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે.
યુરોપીય જાતના મૂળના કંદ નાના અને સ્વાદે તીખાશ વગરના હોય મુખ્યત્વે કચુંબર તરીકે વપરાય છે આ જાતો ભારતમાં વધુ પ્રચલિત નથી. મૂળાની ગોળ આકારની રેપિડ રેડ જાત રપ દિવસે તેયાર થાય છે જયારે વ્હાઈટ આઈસીકલ જાત ૩૦ દિવસમાં તૈયાર થાય છે.
એશિયાઈ જાતોમાં જાપાનીઝ વ્હાઈટ શુધ્ધ સફેદ રંગની, ૩૦ થી ૪પ સે.મી. લાંબી અને સાધારણ તીખી હોય છે. તેનો છેડો અણીદાર હોતો નથી.
આ ઉપરાંત પુસા દેશી, પુસા હિમાની, પુસા રશ્મિ, પુસા ચેતકી જેવી જાતો આઈ.એ.આર.આઈ., નવી દિલ્હી થી વાવણી માટે ભલામણ કરેલ છે.
ગાજરની જાતોને બે ગ્રુપમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
મૂળા અને ગાજરના કંદ (મૂળ) જમીનમાં વિકાસ પામતા હોઈ જમીનમાં ઉંડી ખેડ (ર૦ થી રપ સે.મી.) કરી ઢેફાં બરાબર ભાગી ભરભરી કરી જમીનને સમતલ કરવી. ખેતરોમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોનો સારો પ્રતિભાવ હોઈ રપ ટન છાણિયું ખાતર જમીનમાં ખેડ કરતાં પહેલાં આપવું. રાસાયણિક ખાતરોમાં મૂળામાં કુલ પ૦ઃપ૦ઃપ૦ ના. ફો. પો. કિ.ગ્રા./હે. આપવાનું છે.તેમાંથી ૦ઃપ૦ઃપ૦ વાવણી સમયે પાયાના ખાતર તરીકે તેમજ બાકીનું પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ૪ થી પ પાનની અવસ્થાએ આપવાનું. જયારે ગાજરમાં કુલ ૧૦૦ઃપ૦ઃપ૦ ના. ફો.પો. કિ.ગ્રા./હેં. આપવાનું છે. જેમાંથી પ૦ઃપ૦ઃપ૦ વાવણી સમયે પાયાના ખાતર તરીકે તેમજ બાકીનું પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ થી ૪પ દિવસે યોગ્ય રાસાયણિક ખાતર દૃારા આપવું જોઈએ.
બિયારણનો દર :– ૬ થી ૮ કિ. ગ્રા. /હે.
મૂળા અને ગાજરની વાવણી સામાન્ય રીતે જમીન સમતલ કરી અનુકુળ માપ સાઈઝના સપાટ કયારા બનાવી બીજ પુંખીને કરાય છે. કેટલીક વખત જમીનમાં નીક પાળા બનાવીને પાળા ઉપર બીજથી પણ વાવણી કરાય છે. બે પાળા વચ્ચેનું અંતર ૩૦ સે.મી. કે જરુરીયાત મુજબ રાખવું જોઈએ. મૂળાની વાવણી ઓગષ્ટ–સપ્ટેમ્બરમાં જયારે ગાજરની વાવણી ઓકટોબરમાં કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
મૂળા તેમજ ગાજરમાં વાવણી બાદ તુરંત જ પ્રથમ પિયત આપવું. બીજુ પિયત ૪ થી ૬ દિવસે વાવણી બાદ અને ત્યારબાદ જમીનની જાત અને ૠતુની અનુકૂળતા પ્રમાણે જરૂરિયાત મુજબ પિયત આપવા.જો બીજ નજીક ઉગ્યા હોય તો દરેક છોડના મૂળના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહે તે રીતે છોડ આછા કરવા અને બે થી ત્રણ આંતરખેડ તેમજ નીંદામણ કરતા રહેવું.
મૂળા :મૂળાના પાકમાં મોઝેઈેક તથા ગેરૂના રોગ દેખાય છે. પરંતંું તેનાથી ખાસ કોઈ નોધપાત્ર નુકશાન જણાયું નથી.
જીવાત : મૂળાનાં પાકમાં મસી તેમજ ડાયમન્ડ બ્લેક મોથ અને રાઈની માખી નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. મસી માટે બજારમાં મળતી કોઈપણ શોષક પ્રકારની દવા યોગ્ય માત્રામાં સમયાંતરે છાંટવાથી નિયંત્રણ થઈ શકે છે. જયારે ડાયમંડ બ્લેક મોથ અને રાઈની માખી ના નિયંત્રણ માટે રોગર અથવા કવીનાલફોસ જેવી દવાઓ છાંટવાથી નિયંત્રણ થઈ શકે છે.
ગાજર: ગાજરના પાકમાં ગુજરાતમાં સામાન્ય રીતે કોઈપણ પ્રકારનો રોગ તથા જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી.
કાપણી: મૂળાનો પાક વાવણી બાદ ૪૦ થી ૪પ દિવસે તૈયાર થાય છે. જયારે ગાજરનો પાક ૯૦ થી ૧૧૦ દિવસે તૈયાર થાય છે. ગાજર તથા મૂળાના પાકને કાપણી પહેલા બે થી ત્રણ દિવસે પિયત આપવાથી જમીન ભેજવાળી અને નરમ બને જેથી છોડ ઉપાડવામાં સરળતા રહે છે. મૂળાના પાન તથા કંદને સારા પાણીથી ધોઈ માટી સાફ કરી, નાની જુડીઓ બનાવી પાન સાથે બજારમાં વેચાણ માટે મોકલવા તૈયાર કરવી. ગાજરના પાન કાપીને, કંદ કોથળામાં કે ટોપલામાં ભરી બજારમાં વેચવા માટે મોકલવા.
ઉત્પાદન
ર્ડા. ડી.બી.પ્રજાપતિ, પ્રો. એ.એમ.અમીન અને ર્ડા.એસ.એમ.પટેલ ,શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ. જગુદણ, જી.મહેસાણા.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020