অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી પાકોની અગત્યની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન

શાકભાજી પાકોની અગત્યની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન

મનુષ્યના ખોરાકમાં લીલા શાકભાજીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. મનુષ્યના આરોગ્યની દ્રષ્ટિએ જોતાં દૈનિક ખોરાકમાં લીલા શાકભાજીનો ઉપયોગ અનિવાર્ય છે. તેથી ગુજરાતના ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વધુ ઝોક આપતા થયા છે. પિયતની વધતી જતી સગવડ પણ શાકભાજીના પાકોની ખેતીનો વિસ્તાર વધારવામાંમદદરૂપ થાય છે. હાલમાંવિસ્તરતી વ્યવસ્થા, ઝડપી વાહનવ્યવહાર, પાકા રસ્તામાં ઉત્તરોત્તર વધારો તેમજ બજાર વૈશ્વિકરણને કારણે શાકભાજીના ભાવો તેમજ શાકભાજીના નિકાસની વિશાળ તકોને લઈને ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતભાઈઓ શાકભાજીની ઘનિષ્ઠ ખેતી કરવા લાગ્યા છે.અન્ય ખેતી પાકની જેમ શાકભાજીના પાકોમાં પણ સુધારેલ સંકર જાતોનું વાવેતર થવા માંડયું છે પરિણામે જયારે રાસાયણિક ખાતરનો વપરાશ પણ ખૂબ છે. આમ જીવાતોનો ઉપદ્રવ પણ ખૂબ રહયો. તેનાથી શાકભાજીના ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે. શાકભાજીમાં જંતુનાશકોના વધુ પડતા ઝેરી અવશેષો પણ માનવ સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.
શાકભાજી પાકોમાં મરચી, ભીંડા, ટામેટી, રીંગણ અને વેલાવાળા શાકભાજીના પાકોનાં ઓછા ઉત્પાદન માટે જવાબદાર પરિબળોમાં તેમાં નુકસાન કરતી જીવાતો એક અગત્યનું પરિબળ ગણાય છે. શાકભાજી પાકોમાં નુકસાન કરતી જીવાતો મુખાંગના પ્રકાર પ્રમાણે બે રીતે નુકસાન કરતી હોય છે. (૧) પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો દા.ત. સફેદમાખી, મોલો, તડતડીયા, પાનકથીરી અને (ર) ફળ કોરી ખાનાર જીવાતો દા.ત. લીલી ઈયળ, રીંગણ તથા ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ. આથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતો જયારે આધુનિક પાક સંરક્ષણની વ્યુહરચના કરવા ઈચ્છતા હોય ત્યારે શાકભાજીની વિવિધ જીવાતોની ઓળખ તેમજ નુકસાન વિશેની જાણકારી હોવી ખાસ જરૂરી છે જેથી કરીને નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ શકાય.

મરચીની થ્રીપ્સ ( સીર્ટોથ્રીપ્સ ડોર્સાલીસ (એચ)

આ જીવાત મરચી, ડુંગળી અને લસણામાં વધુ પડતુ નુકસાન કરતી જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામે પાન કોકડાઈ જાય છે.

આ જીવાતની લંબાઈ ૧ થી ર મી.મી. જેટલી હોય છે. તે પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે. આ જીવાતોની પાંખો લાંબી તેમજ બન્ને પાંખોની ધાર ઉપર નાના નાના વાળ હોય છે. બચ્ચાં અવસ્થા પાંખ વગરની, આછા પીળાશ પડતા રંગની અને લંબાઈ પુખ્ત કીટક કરતાં ઓછી છે. આ કીટક ખૂબ જ ચપળ હોવાથી પાનને અડકતાં ઝડપથી ચાલી જાય છે.

આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત અવસ્થા પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસીને નુકસાન કરે છે. આ જીવાતોના મુખાંગોમાંજમણી બાજુનું જડબું (મેન્ડીબલ) અલ્પવિકસિત હોય છે. તેથી ફકત એક જ જડબા વડે તે પાન પર ઘસરકા પાડીને તેમાંથી નીકળતો રસ ચૂસે છે. નુકસાન પામેલ પાનની સપાટી ઝાંખી સફેદ થઈ સૂકાઈ જાય છે. પાછળથી તે ભાગ ભૂખરો થઈ જાય છે અને કોકડાઈ જાય છે. આ જીવાત છોડમાંથી રસ ચૂસવા ઉપરાંત 'કોકડવા' નામના વાયરસ રોગનો ફેલાવો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે

નિયંત્રણ

  • ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલા ઈયળના કોશેટા ઉપર આવશે અને સૂર્યના તાપની કે પરભક્ષી પક્ષીઓ દ્રારા નાશ પામશે.
  • તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ  સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવું.
  • શકય હોય ત્યાં જે તે જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતની પસંદગી કરવી.
  • મરચીના બીજને ધરૂવાડીયામાં રોપતા પહેલા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ એસ ૭.પ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અને ધરૂને ખેતરમાં રોપતા પહેલા ધરૂના મૂળિયાને ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિલિ. અથવા થાયામિથોકઝામ રપ ડબલ્યુજી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં બે કલાક બોળીને રોપણી કરવી જેથી શરૂઆતમાં ૪પ દિવસ સુધી થ્રીપ્સ સામે રક્ષણ પુરુ પાડે છે.
  • મરચીના ઘરૂવાડિયામાં પાણીનો છંટકાવ નિયમિત રીતે કરવો. મરચીના ખેતરમાં પાણીની ખેંચ પડવા દેવી નહિ.
  • ધરૂવાડીયામાં જીવાતનો ઉપદ્રવ જણાય તો ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા એસીટામીપ્રીડ ર૦ એસપી ૩ ગ્રામ કીટનાશક પૈકી ગમે તે એક કીટનાશકનો ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
  • ફેરરોપણી બાદ ૩૦ દિવસે ખેતરમાં છોડની કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા હેકટરે ૧૭ કિલોગ્રામ પ્રમાણે આપવી.
  • થ્રીપ્સના નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ પ એસજી પ ગ્રામ અથવા ફીપ્રોનીલ પ એસસી ર૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૩ મિલિ કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦ થી ૧પ દિવસના સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.

રાસાયણિક પદ્ધતિ

  • ફેરરોપણીના ૪ થી પ દિવસ પહેલાં  ધરૂવાડિયામાં  રપ૦ ગ્રામ ફોરેટ ૧૦ જી દાણાદાર દવા જમીનમાં આપવી.
  • ફેરરોપણીના ૧પ થી ર૦ દિવસ બાદ છોડની બે બાજુએ કાણાં પાડી દરેક કાણાં માં ચપટી ફોરેટ ૧૦ જી નાખીને કાણાં  પૂરી નાખવાં  (૧૦ કિગ્રા/હે).
  • ફેરરોપણી બાદ મહિને શોષક પ્રકારની દવા જેવીકે મિથાઈલ ઓ ડીમેટોન ૦.૦રપ ટકા (૧૦ મીલી) મિશ્રણનો છં ટકાવ કરવો. ત્યારબાદ ૧પ દિવસે મિથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી ૧૦ કિલો અને સલ્ફર પાવડર ૧૦ કિલો મિશ્ર કરીને છંટકાવ કરવો.
  • મધ્ય ગુજરાતમાં સામાન્ય રીતે મરચીના થ્રિપ્સનો ઉપદ્રવ ફેર રોપણીના ૩૦ દિવસ બાદ શરૂ થતો જોવા મળે છે. તેથી મરચીના થ્રિપ્સના ફેરરોપણીના ૩૦ દિવસ બાદ થ્રિપ્સનો ઉપદ્રવ શરૂ થતાં  ટ્રાયઝોફોસ ૪૦ ટકા દવા રપ મીલી ડાયમીથોએટ ૩૦ ટકા દવા ૧૦ મીલી, મીથાઈલ–ઓ–ડીમેટોન રપ ટકા દવા ૧૦ મીલી દવાને ૧૦ લીટર પાણીમાં  મેળવીને વારાફરતી ૧૦ દિવસના સમયગાળે છં ટકાવ કરવાથી થ્રિપ્સનું અસરકારક નિયં ત્રણ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

 

જૈવિક નિયંત્રણ પદ્ધતિ

થ્રિપ્સનું કુદરતી રીતે પણ કુદરતી દુશ્મનોથી નિયંત્રણ થતું હોય છે. કેટલીક જાતના ચૂસિયા પોતાની સૂંઢ થ્રિપ્સના શરીરમાં ખોસી દઈ તેમાંથી રસ  ચૂસે છે. ક્રાયસોપર્લા અને લેડીબર્ડ બીટલની ઈયળ અવસ્થા થ્રિપ્સ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ભુવા sAnt lion f નામના પરભક્ષી કીટકની પુખ્ત અવસ્થા થ્રિપ્સને ખાય છે. કેટલીક પરભક્ષી થ્રિપ્સ(સ્કોલોથ્રિપ્સ ઈન્ડીકસ), તેમજ પરભક્ષી કથીરી પણ થ્રિપ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

મરચાં કોરનારી ઈયળ (હેલીકોવર્પા આર્મીજેરા(એચ)

આ જીવાતની ઈયળ લીલાશ પડતા ભૂખરા રંગની અને શરીર ઉપર છૂટાછવાયા સફેદ રં ગના વાળ હોય છે. પુખ્ત ફુદાની આગળની પાં ખો પરાળ જેવી અને ભૂખરા રં ગની છાંટવાળી જયારે પાછળની પાંખો પીળાશ પડતી અને કાળી છાંટવાળી હોય છે.

આ જીવાતની માદાએ મૂકેલ ઈંડામાંથી સેવાઈને નીકળેલ ઈયળ શરૂઆતમાં કુમળા પાન ખાય છે. ત્યારબાદ ફુલ અને કળીઓમાંનુકસાન કરે છે. જયારે ફળ બેસે છે ત્યારે તે ફળમાં કાણું પાડે છે. તે ફળમાં તેના શરીરનો અડધો ભાગ અંદર અને અડધો ભાગ બહાર રાખે છે.

નિયંત્રણ :

  • મોટા વિસ્તારમાં વાવેતર કરેલ હોય તે પ્રકાશ પિંજર તેમજ સેકસ ફિરોમોન ટ્રેપનો (પ/હે.) ઉપયોગ કરવો.
  • કવીનાલફોસ રપ ઈ.સી. ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. બીજો છંટકાવ પંદર દિવસના અંતરે કરવો.
  • લીલી ઈયળનું  ૩પ૦ લાર્વલ યુનિટનું એન.પી.વી.નું દ્રાવણ સાંજના સમયે ૧પ દિવસના આં તરે બે વખત છાં ટવું .

ડૂંખ અને ફળ કોરનારી ઈયળ (લ્યુસીનોડસ ઓરબોનેલીસ)

આ જીવાતનું ફુદું મધ્યમ કદનું સફેદ પાંખોવાળું હોય છે. તેની આગળની પાંખો ઉપર કાળા અને ભૂખરા રંગના ધાબા અને ટપકાં હોય છે. ઈયળ ૧પ થી ૧૮ મીમી લાંબી, ગુલાબી રંગની અને બદામી રંગના માથાવાળી હોય છે.

પાકની શરૂઆતની અવસ્થામાં ઈયળ ડુંખો કોરીને નુકશાન કરે છે. આમ ઉપદ્રવિત ડુંખ અને આજુબાજુના પાન ચીમળાઈ જાય છે. જેથી ઉપદ્રવનો ખ્યાલ દૂરથી પણ આવી જાય છે. છોડ પર ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે નાની ઈયળો વજ્રના નીચેથી દાખલ થઈ રીંગણ કોરીને અંદરનો ભાગ કોરી ખાય છે. પૂર્ણ વિકસિત ઈયળ રીંગણમાં કાણું પાડી બહાર આવે છે. જેથી ઉપદ્રવિત રીંગણ પર મોટા કાણાં દેખાય છે. વધુ ઉપદ્રવવાળાં રીંગણ ખાવાલાયક ન હોવાથી વેચવા લાયક રહેતાં નથી. આવા ઉપદ્રવવાળા ફળોનો બજારમાં યોગ્ય ભાવ મળતો નથી.

નિયંત્રણ

  • રીંગણીના અગાઉના પાકના અવશેષો પાકના શેઢા પાળે ઢગલા ન કરતાં બાળીને નાશ કરવો.
  • ઉનાળામાં ધરૂવાડીયાની જમીન પર સોઈલ સોલરાઈઝેશન રાબીંગ કરવાથી જમીનમાં  તે જગ્યાએ રહેલા જીવમાતના કોશેટા અને બીજી અવસ્થાઓનો નાશ થાય છે.
  • તંદુરરસ્ત ધરૂનો ઉછેર કરવો.
  • રીંગણીની ફેરરોપણી સપ્ટેમ્બરની શરૂઆતમાં અને જાન્યુઆરીના બીજા પઅવાડીયામાં કરવાથી ઉપદ્રવ ઓછો થાય છે.
  • ડોલી– પ, ચકલાસી ડોલી અને આણં દ હાઈબ્રીડ રીં ગણ–૧ જેવી પ્રતિકારક જાતોનું  વાવતેર કરવું .
  • મધ્ય અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં  રીં ગણની રોપણી મે થી જુલાઈ માસમાં કરવા કરતાં  સપ્ટેમ્બર માસ બાદ કરવાથી ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળોનો ઉપદ્રવ ઓછો રહે છે.
  • રીંગણના ડૂંખ અને ફળ કોરનાર ઈયળના નર ફૂદાને આકર્ષીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ(લ્યુસીલ્યુર) દર હેકટર દીઠ ૮ થી ૧૦ પ્રમાણે લગાવવા. લ્યુર(ટોટી) દર ૧પ દિવસે બદલવી.
  • ઉપદ્રવની શરૂઆતમાં ડુંખો સૂકાતી જોવા મળે એટલે ઈયળો સહિત સૂકાયેલી ડૂંખો વીણાવી દઈ જમીનમાં ઉંડે દાટી દેવી.
  • વનસ્પતિજન્ય દવાઓમાં લીમડાની મીંજનું ૩ ટકા પ્રવાહી મિશ્રણ અથવા ઈન્ડીયારા ૧ટકા અથવા નીમ્બીસીડીન ૦.૦૩ ટકા પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો.
  • ડાયકલોરવોસ ૦.૦પ મીલી (ર૦ મીલી) અથવા કવીનાલફોસ ૦.૦પ ટકા (ર૦ મીલી) દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • રાસાયણિક નિયંત્રણમાં ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩પ% ઈસી ર૦ મિલિ અથવા કિવનાલફોસ રપ ઈસી ર૦ મિલિ અથવા કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.પ એસસી ૪ મિલિ અથવા એમામેકટીન બેન્ઝોએટ પ એસજી પ ગ્રામ અથવા લેમ્બડા સાયહેલોથ્રીન પ ઈસી પ મિલિ કીટનાશક પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

ટામેટીની લીલી ઈયળ

  • આ જીવાત મુખ્યત્વે ટામેટી, મરચી, વટાણા, કોબીજ, ચોળી, ભીંડા, તુવેર જેવા પાકોમાં વધુ પ્રમાણમાં નુકસાન કર ેછે.
  • પુખ્ત ફુદાની આગળની પાંખો પરાળ જેવી અને ભૂખરા રંગની છાંટવાળી હોય છે. જયારે પાછળની પાંખો પીળાશ પડતી સફેદ અને કાળી છાંટવાળી હોય છે. માદા ફુદીની ઉપરની ટોચે વાળનું ગુચ્છ જોવા મળે છે. પૂર્ણ વિકસિત ઈયળ ૪૦ થી ૪૮ મીમી લાંબી , લીલાશ પડતા ભૂખરા રંગની અને શરીર ઉપર છુટાછવાયા ઘણા બધા સફેદ રંગના વાળ ધરાવતી હોય છે.
  • નાની ઈયળ શરૂઆતમાં કુમળા પાન ખાય છે. જયારે મોટી ઈયળ ફળમાં કાણું પાડે છે. તેમનું અડધું શરીર કાણાંની બહાર રહે છે. કાણાં પાડેલ ફળમાં ફુગ અને જીવાણુંનો ઉપદ્રવ થતાં કહોવાઈ જાય છે.

નિયંત્રણ

  • તંદુરરસ્ત ધરૂનો ઉછેર કરી રોપણી કરવી.
  • વાવેતરનો વિસ્તાર વધારે હોય ત્યારે પ્રકાશપિંજર તેમજ સેકસ ફિરોમોન ટ્રેપ (પ/હેકટર)નો ઉપયોગ કરવો.
  • ઉત્તર ગુજરાતમાં ટામેટીની અવિનાશ જાતમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળેલ છે. જયારે રૂપાલી, રશ્મિ અને નવીન જાતો આ જીવાત સામે સહનશકિત ધરાવે છે.
  • આફ્રીકન પીળા ફૂલવાળા હજારીના છોડ પિંજરપાક તરીકે અસરકારક માલુમ પડેલ છે. ટામેટાના ખેતરની ફરતે તેમજ ટામેટીની દર પાંચ હરોળ બાદ કરેલ પાળા ઉપર ટામેટીના ધરૂ રોપ્યા બાદ ખાલા પુરવા જયારે બીજી વખત પાણી આપવામાં આવે ત્યારે  હજારીનું ધરૂ રોપી દેવું. લીલી ઈયળની માદા ફુદીઓ ટામેટીના છોડને બદલે હજારીના ફૂલ તથા કળીઓ પર ઈંડા મૂકવાનું વધુ પસંદ કરે છે. તદુપરાંત હજારી ગોટા ઉપર મૂકાયેલ આ ઈંડાનું પરજીવીકરણ પણ ટ્રાયકોગ્રામાથી સારા પ્રમાણમાં થતું હોય છે.
  • વનસ્પતિજન્ય જંતુનાશકો જેવા કે લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ અથવા લીંબોળીનું તેલ પ૦ મિલિ અથવા એઝાડીરેકટીન આધારીત જંતુનાશક દવા ૪૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો.
  • હેકટર દીઠ ૧.પ લાખ ટ્રાયકોગ્રામા (ટ્રાયકોકાર્ડ) પ્રમાણે અઠવાડિયાના આં તરે ર થી ૩ વખત ટામેટીના ખેતરમાં  છોડવાથી ફળ કોરનારી ઈયળનો ઉપદ્રવ કાબુમાં રહે છે.
  • લીલી ઈયળનો ન્યુકલીઅર પોલીહેડ્રોસીસ વાયરસ (જબ્દ.અ) રપ૦ ઈયળ એકમ અથવા બેસીલસ થુરેન્જીએન્સીસ (બી.ટી.) ૧ કિલો/હેકટરે ૪૦૦ થી પ૦૦ લિટર પાણીમાં ભેળવીને હેકટર પ્રમાણે છંટકાવ કરવો.
  • લીલી ઈયળના પરભક્ષી પક્ષીઓ જેવાકે કાળયોકોશી, કાબર, મેના વિગેરે આકર્ષવા માટે ટામેટીના ખેતરમાં  '' ત '' આકારની લાકડીઓ હેકટરે ૩૦ થી પ૦ જેટલી મુકવાથી પક્ષીઓને ટામેટીના ખેતરમાં  બેસાવાનું સ્થાન મળી રહે છે. લીલી ઈયળોનું  ભક્ષણ કરી તેની વસ્તીને નિયંત્રણમાં રાખે છે.
  • કાર્બારીલ પ ટકા અથવા  મેલાથીઓન પ ટકા ભૂકીનો છં ટકાવ અથવા કાર્બારીલ પ૦ ટકા વેટેબલ પાવડર ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે ભેળવીને પ્રવાહી છં ટકાવ કરવો.
  • ઉપદ્રવ વધારે હોય ત્યારે સિન્થેટીક  પાયરેથ્રોઈડ ગ્રુપની દવાઓ જેવીકે ફેનવેલેરેટ ર૦ ઈસી પ મીલી, ડેકામેથ્રીન ર.૮ ઈસી ૪ મીલી દવાઓ પૈકી કોઈપણ એક દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવીને જરૂરીયાત પ્રમાણે છંટકાવ કરવાથી સારુંપરિણામ મળે છે.
  • રાસાયણિક નિયંત્રણમાં ઈન્ડોકઝાકાર્બ ૧૪.પએસસી ૧૦ મિલિ અથવા કિવનાલફોસ રપ ઈસી ર૦ મિલિ અથવા કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.પએસસી ૪ મિલિ અથવા ફલુબેન્ડીયામાઈડ ૪૭૦ એસસી ૩ મિલિ અથવા લેમ્બડા સાયહેલોથ્રીન પ ઈસી પ મિલિ કીટનાશક પૈકી કોઈ પણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

ટામેટીનું પાનકોરીયું (લીરીયોમાઈઝા ટ્રાયફોલી (બી)

પુખ્ત કીટક માખી વર્ગનું હોય છે. જે નાનું ચળકતા ભૂખરા રંગનું હોય છે. તેની ઈયળ અવસ્થા પીળાશ પડતા રંગની પગ વગરની હોય છે. કોશેટો પીળા રંગનો લંબગોળ હોય છે.

આ જીવાત પાન પર બે રીતે નુકસાન કરે છે. પ્રથમ માદા માખી પાનમાં અંડનિક્ષેપક અંગથી ઈંડા મૂકતાં પહેલાં પંકચર કરે છે. જયારે કીડા અવસ્થા પાનના બે પડની વચ્ચે રહીને ગેલેરી બનાવીને ખાય છે. પાનમાં વાંકાચૂકા લીસોટા પડે છે. પુખ્ત થયેલ ઈયળ પાનની સપાટી ઉપર કોશેટો બનાવે છે.

નિયંત્રણ

  • ધરૂવાડિયામાં ટામેટીના બી ઉગતા પહેલાં કાર્બોફયુરાન ૩ જી હેકટર દીઠ ૩૦ કિલોગ્રામ જમીનમાં  આપવી.
  • જરૂર જણાય તો લીમડાયુકત કીટનાશી દવાઓ જેવી કે ગ્રોનીમ ૧ ટકા ઈસી (પ૦ મીલી./૧૦ લિ. પાણી) અચુક ૧.પ ટકા ઈસી(૪૦ મીલી/૧૦ લિ.પાણી) લીમડાના બીજના મીં જનો પ ટકા પ્રમાણે મિશ્રણનો છં ટકાવ કરવો.
  • પાનકોરીયાના નિયંત્રણ માટે ટામેટીના પીળા રંગના ફૂલવાળા હજારીગોટા પીંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર વાવેતર કરવા.
  • પીળા રંગના સ્ટીકી ટ્રેપ અથવા ગ્રીસ લગાડેલા પીળા ટ્રેપનો ઉપયોગ કરવો.
  • ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મીલી અથવા મિથાઈલ ઓ ડિમેટોન રપ ઈસી ૧૦ મીલી અથવા લીં બોળીનું  મીંજનું પ ટકા પ્રવાહી દ્રાવણ (પ૦૦ ગ્રામ/૧૦ લિટર) ને ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • રાસાયણિક નિયંત્રણમાં સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦ ઓડી ૧૮મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ઈસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૩ મિલિ દવા પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી વારાફરતી છંટકાવ કરવો.

ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ (ઈરીયાસ વાઈટેલા(ફેબુ.)

  • આ પુખ્ત ફુદાની આગળની પાંંખ આછા સફેદ રંગની અને વચ્ચે ફાચર આકારનો લીલો પટૃો ધરાવતી હોય છે. જયારે પાછળના ભાગે સફેદ રંગની હોય છે. આ જીવાતની ઈયળ શરીરે કાળા બદામી રંગના ટપકાં ધરાવતી હોવાથી ટપકાંવાળી ઈયળ અથવા કાબરી ઈયળના નામે ઓળખાય છે.
  • પાકની શરૂઆતની અવસ્થામાં ઈયળ છોડની ટોચની ડૂંખને કોરે છે. પરિણામે ડૂંખ ચીમળાઈને નમી પડે છે. ફૂલ અને ફળની શરૂઆત થયા પછી ઈયળ તેને કોરીને અંદરનો ભાગ ખાય છે. ઈયળ એક કળી પરથી બીજી કળી અને એક ફળ પરથી બીજા ફળ પર જાય છે. જેથી ઘણાં ફળોને નુકસાન કરે છે. ઉપદ્રવિત કળીઓ અને ફૂલ ખરી પડે છે. ઉપદ્રવિત ફળનો આકાર બેડોળ જઈ જાય છે. આવા ફળોની બજાર કિંમત ઓછી ઉપજે છે.

નિયંત્રણ

  • મે મહિનાની શરૂઆતમાં ભીંડાની વાવણી કરવામાં આવે તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે અને ઉત્પાદન વધુ મળે છે.
  • ભીંડાની ચીંમળાઈ ગયેલી ડૂંખો ઈયળો સહિત તોડી નાશ કરવાથી કાબરી ઈયળનો ઉપદ્રવ કાબૂમાં રહે છે.
  • શેઢા ઉપર કાંસકી, જંગલી ભીંડા, હોલીહોક અને માલ્વેશી કુટુંબની આપમેળે ઉગેલી વનસ્પતિનો નાશ કરવો.
  • ગુજરાત ભીંડા–૧, સીલેકશન–ર, પરભણી ક્રાંતિ અને પંજાબ પદમીની જાતો આ જીવાત સામે સહનશકિત ધરાવે છે.
  • ભીંડાની વીણી દર બીજા કે ત્રીજા દિવસે કરવાથી કાબરી ઈયળનું નુકસાન ઘટાડી શકાય છે. ઈંડા અવસ્થા પ થી ૬ દિવસની હોવાથી વીણી વહેલી કરવાથી જીવાતનો ઉપદ્રવ થતો નથી.
  • વનસ્પતિજન્ય જંતુનાશકો જેવા કે લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ ટકા અથવા લીંબોળીનું તેલ પ૦ મિલિ અથવા એેઝાડીરેકટીન આધારીત જંતુનાશક દવા ૪૦ મિલિપ્રતિ ૧૦ લિટર પાણીમાં ૧પ દિવસના અંતરે ૪ છંટકાવ કરવાની ભલામણ છે.
  • વનસ્પતિજન્ય કીટનાશી દવાઓ જેવી કે ૦.૧ ટકા વેલગ્રો, ર ટકા લીંમડાના મીંજનુંપ ટકા પ્રવાહી મિશ્રણ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.
  • ડાયકલોરવોસ ૭૬ ઈસી પ મીલી અથવા કાર્બારીલ વેટેબલ પાવડર પ૦ ટકા ૪૦ ગ્રામ અથવા ફેન્વેલેરેટ ર૦ ઈસી પ મીલી દવા અથવા એસીફેટ ૭પ વે.પા. ૧પ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

ફળમાખી (બેકટ્રોસેરા કુકરબીટી)

આ જીવાતનો ઉપદ્રવ લગભગ બધા જ પ્રકારના વેલાવાળા શાકભાજીમાં જોવા મળે છે. આ ફળમાખી મે–જૂન તથા ઓગષ્ટ–ઓકટોબર દરમ્યાન ઘીલોડા/ટીંડોળા, કારેલાં, ગલકાં, દુધી, કાકડી અને ગલકાં ઉપર જુલાઈ, નવેમ્બર–ડીસેમ્બર અને માર્ચ એપ્રિલ દરમ્યાન ઘીલોડા ઉપર અને જાન્યુઆરી–ફેબ્રુઆરી દરમ્યાન શકકરટેટી, તડબૂચ અને કોળા ઉપર જીવન ગુજારી આખા વર્ષ દરમ્યાન વેલાવાળા જુદા જુદા શાકભાજીમાં નુકસાન કરે છે. જુલાઈ – ઓગષ્ટ મહિનામાં કારેલામાં જયારે જાન્યુઆરી અને સપ્ટેમ્બર–નવેમ્બર દરમ્યાન ઘીલોડામાં તેનો વધુ ઉપદ્રવ રહે છે.

પુખ્ત માખી બદામી રંગની અને પારદર્શક પાંખોવાળી હોય છે. માદા માખીના ઉદરના છેડે અણીદાર અંડનિક્ષેપક અંગ હોય છે.

માદા ફળમાખી પોતાનું અંડનિક્ષેપક અંગ કુમળા ફળમાં દાખલ કરી ઈંડા મૂકે છે. ફળનો વિકાસ ઈંડા મૂકાયેલી જગ્યાએથી અટકી જાય છે. જયારે બાકીનો વિકસતા ફળનો આકાર અનિયમિત થઈ જાય છે. માદાએ ઈંડા મૂકવા ફળ ઉપર પાડેલા કાણામાંથી ગુંદર જેવા પદાર્થનો સ્ત્રાવ થાય છે જેને ખેડૂતો ''ટૂવો'' કહે છે. નવી ફુટ શરૂ થતાંની સાથે જ ફળમાખીનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે.

નિયંત્રણ

  • સમયસર વીણી કરી ફળો ઉતારી લેવા તેમજ કોહવાઈ ગયેલા અને વાડીમાં નીચે પડેલા ઉપદ્રસ્વત ફળો નિયમિત ભેગા કરી ઉંડો ખાડો કરી દાટી દેવા અને તેના પર કલોર પાયરીફોસ અથવા મિથાઈલ પેરાથીઓન ભૂકીરૂપ દવા ભભરાવી ખાડો માટીથી ઢાંકી દેવો.
  • ખરી પડેલાં ફળોને વીણીને તેનો નાશ કરવો.
  • વાડીની ચોખ્ખાઈ રાખવી.
  • વાડીમાં અવારનવાર ઉંડી ખેડ/ગોડ કરવાથી ફળમાખીના કોશેટા બહાર આવશે અને સૂર્યની ગરમીથી તમજ કીટભક્ષી પક્ષીઓ અને પરભક્ષી કીટકોથી નાશ પામશે.
  • વેલાવાળા શાકભાજીના પાકોમાં ઉપદ્રવ કરતી મેલોન ફળમાખી મિથાઈલ યુજીનોલ તરફ આકર્ષાતી નથી. પરંતુ તે કયુ–લ્યુર નામના રસાયણ તરફ આકર્ષાય છે. જેથી વેલાવાળા શાકભાજીમાં ફળમાખીના નિયંત્રણ માટે મિથાઈલ યુજીનોલનો ટ્રેપનો ઉપયોગ કરવો નહી.પુખ્ત ફળમાખીને આકર્ષીને નાશ કરવા માટે ૧૦ લી. પાણીમાં ૭પ૦ ગ્ર્રામ જુનો કહોવાયેલ  ગોળ ફેન્થીઓન(લેબેસીડ) ૧૦ મીલી અથવા ડી.ડી.વી.પી. પ મીલી દવા ભેળવીને બનાવેલ ઝેરી પ્રલોભિકા દર અઠવાડિયે એક વખત વાડમાં તથા વેલા પર મોટા ફોરા પડે તે રીતે સાવરણીથી છાંટવું.
  • ફૂલ બેસવાની શરૂઆત થતાં કયુલ્યોરવાળા ફળમાખી પીંજર ૮ થી ૧૦ હે. લગાવવાથી નર ફળમાખીની વસ્તી ઘટતાં ઉપદ્રવ ઓછો થાય છે. આવા કયુ–લ્યુર બ્લોક ધરાવતા ટ્રેપ હસકટર દીઠ ૧૬ ની સંખ્યામાં વેલાવાળા શાકભાજીના માંડવાની ફરતે અને ઉપરની સપાટીથી એક ફૂટ નીચે રહે તે રીતે લકાવવા. આમ કરવાથી વાડીમાં રહેલા ફળમાખીના નર આકર્ષાઈને નાશ પામે છે. જેથી ફળમાખીની વસ્તીમાં ઘટાડો થાય છે અને ફળમાં નુકસાન ઘટે છે.

લાલ અને કાળા મરીયા (રેફીડોપાલ્પા ફોવીકોલીસ)

દૂધી, ઘીલોડા, તુરીયા, કાકડી જેવા વેલાવાળા શાકભાજીના પાકોમાં આ જીવાત વધુ નુકસાન કરે છે. ઈંડામાંથી નીકળતો કીડો જમીનમાં રહી છોડના મૂળ તથા થડને નુકસાન કરે છે. જમીનને અડેલા ફળને પણ કોરી ખાય છે. જયારે પુખ્ત કીટક બીજ પત્ર તથા ફૂલ ખાઈને નુકસાન કરે છે. જેથી વેલાની વૃધ્ધિ નબળી પડે છે.

યજમાન પાકો : કાકડી, દૂધી, ગલકી,કોળુ, સકકરટેટી, કારેલી

લાલ મરીયાનું પુખ્ત કીટક ૬ થી ૮ મી.મી. લાંબુ અને પીળાશ પડતી ભૂખરા રંગની ચળકાટ મારતી પાંખોવાળુ હોય છે. પૂર્ણ વિકસિત કીડો ૧ર મી.મી. લાંબો અને પીળાશ પડતા સફેદ રંગનો હોય છે.

ઈંડામાંથી નીકળેલ જીવાતનો કીડો જમીનમાં રહી છોડના મૂળ, થડને જમીનને અડતાં ફળનુ નુકસાન કરે છે. ઉપદ્રવિત ફળ સડી જાય છે. જેથી આવાવેલાના અપરિપકવ ફળ સૂકાઈ જાય છે. પુખ્ત કીટક પાન ખાઈને તેમાં અનિયમિત કાણાં પાડે છે. કુમળા છોડને તથા કુમળા પાનને વધુ નુકસાન કરે છે. પરિણામે વેલાની વૃધ્ધિ નબળી પડી જાય છે. છેવટે તે સૂકાઈ જાય છે. પુખ્ત કીટકો કુમળા વેલાને વધુ પસંદ કરે છે. પાનને ગોળાકાર કાપીને ખાય છે. તેથી પાન પર ગોળ સફેદ કાણા પડે છે. કુમળા વેલાના પાન પર ઉપદ્રવ થાય તો વેલા સંદતર નાશ પામે છે.

નિયંત્રણ

  • જમીનમાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં વેલાના મુળીયા સાથે રહેલા કીડાનો નાશ કરવાથી સારું નિયંત્રણ થઈ શકે છે.
  • પ્રવાહી રૂપ દવાઓ જેવી કે ડી.ડી.વી.પી. ૧૦૦ ઈસી પ મીલી અથવા કાર્બારીલ વે.પા. પ૦ ટકા ૪૦ ગ્રામ પ્રમાણે ગમે તે એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • કાર્બારીલ ૧૦ ટકા ભૂકી  ર૦ થી રપ કિલોગ્રામ પ્રતિ હેકટરે છંટકાવ કરવો.
  • સાંજના સમયે કિવનાલફોસ ૧.પ% ભૂકી હેકટરે રપ કિગ્રા પ્રમાણે પાક અને જમીન પર પડે તે રીતે ડસ્ટરથી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.પ એસસી ૧૦ મિલિ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઘીલોડીની ફૂદી (માર્ગોશેનીઆ ઈન્ડિકા)

યજમાન પાકો : પરવળ,  ઘીલોડા,  કાકડી, સકકરટેટી, તરબૂચ

પુખ્ત ફૂદીની પાંખો પારદર્શક દૂધીયા સફેદ રંગની અને પાંખોની કિનારી આછા તપખીરીયા રંગની હોય છે. તેના ઉદરને છેડે ગૂચ્છાકાર વાળનું ઝૂમખું હોય છે. ઈયળ લીલા રંગની અને શરીર ઉપર બે સમાંતર સફેદ રેખાઓ ધરાવતી હોય છે.

આ જીવાતની ઈયળ પ્રથમ પાન ભેગા કરી પાનનું જાળું બનાવે છે. પછી પાનને ખાઈને નુકસાન કરે છે. ઈયળ ફૂલ તથા કુમળાં ફળોને નુકસાન કરે છે.

નિયંત્રણ

  • શરૂઆતમાં ઈયળોને હાથ વડે વીણી લઈ તેનો નાશ કરવાથી તેની વસ્તી ઘટાડી શકાય.
  • લીંબોળીની મીંજનું પ ટકાનું પ્રવાહી મિશ્રણ છાંટવું(પ૦૦ગ્રામ/૧૦ લીટર પાણીમાં).
  • કાર્બારીલ પ૦ ટકા વેટેબલ પાવડર ૪૦ ગ્રામને ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

ચૂસિયા પ્રકારની જીવાતો

મોલો :

રીંગણી, ભીંડા, મરચી, ટામેટી, ગુવાર વાલ, ચોળા અને વેલાવાળા શાકભાજીમાં આ જીવાત નુકસાન કરતી જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત બંન્ને પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસચૂસે છે જેના કારણે પાન નીચેની તરફ કોકડાઈ જાય છે. લીલા તડતડીયા આ જીવાત લગભગ બધા જ પ્રકારના શાકભાજીમાં નુકસાન કરતી જોવા મળે છે. રીંગણ અને ભીંડામાં તેનું નુકસાન વધુ પ્રમાણમાં હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂૃસે છે જેને લીધે પાનની ધારો પીળી પડી ઉપરની તરફ કોકડાઈ જાય છે અને પાન કોડીયા જેવા થઈ જાય છે.

સફેદમાખી

સફેદમાખી રીંગણી, ભીંડા, મરચી અને ટામેટીમાં નુકસાન કરતી જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની સપાટીએ ઉપર રહી પાનમાંથી રસ ચૂસે છે જેના કારણે પાન પર પીળાશ પડતાં ધાબા પડે છે. વધારે ઉપદ્રવ હોય તો પાન પીળુ પડી જાય છે.

પાનકથીરી

આ જીવાત રીંગણી, ભીંડા, મરચી અને વાલ–પાપડીમાં નુકસાન કરતી જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેને લીધે પાન ઉપર મોટા પીળાશ પડતા ધાબા પડે છે. જયારે ઉપદ્રવ પાનની નીચેની સપાટીના મધ્ય ભાગમાં કેન્દ્રિત થયેલ હોય ત્યારે કેટલીક વખત આવા નુકસાનગ્રસ્ત પાન વળી જાય છે.

નિયંત્રણ

  • ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ધરૂના મૂળિયાને ર કલાક સુધી ઈમીડાકલોપ્રીડના દ્રાવણમાં (૧૦ મિલિ/૧૦ લિટર પાણીમાં) અથવા થાયામેથોકઝામ (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) બોળીને રોપણી કરવાથી શરૂઆતમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું એક માસ સુધી નિયંત્રણ કરી શકાય છે.
  • ધરૂની રોપણી બાદ ૧પ દિવસે છોડની ફરતે કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૧૭ કિગ્રા પ્રમાણે આપવાથી એકાદ માસ સુધી ચૂસિયા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખી શકાય છે.
  • મોલોના રાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિલિ અથવા એસીફેટ ૭પ એસપી ૧૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮એસએલ પ મિલિ અથવા થાયામેથોકઝામ રપડબલ્યુજી ૪ ગ્રામ અથવા ફલોનીકામીડ પ૦ ડબલ્યુ જી ૩ ગ્રામ કીટનાશક પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
  • તડતડીયાના નિયંત્રણ માટે થાયામેથોકઝામ રપ ડબલ્યુ જી ૪ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ પ મિલિ અથવા ફલોનીકામીડ પ૦ ડબલ્યુજી ૩ ગ્રામ પૈકી કોઈપણ એક કીટનાશકનો છંટકાવ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી કરવો.
  • સફેદમાખીના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮એસએલ પ મિલિ અથવા ડાયફેનનથ્યુરોન પ૦ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૭પ એસપી ૧૦ગ્રામ દવા પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
  • પાન કથીરીના નિયંત્રણ માટે ફેનાઝાકવીન પ૮ ઈસી ૧૦ મિલિ અથવા ડાયકોફોલ ૧૮.પ ઈસી ૧૦ મિલિ અથવા ડાયફેનથ્યુરોન પ૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

ર્ડા. ડી.બી.પ્રજાપતિ ર્ડા. બી.જી. પ્રજાપતિ અને બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ –૩૮ર ૧૭૦, જી. મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate