অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિવિધ ખાતરો

વિવિધ ખાતરો

ખાતરોને તેમના ઉદ્‌ભવ સ્થાન પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

  1. સેન્દ્રિય ખાતરો
  2. અસેન્દ્રિય અથવા રાસાયણિક ખાતરો
  3. જૈવિક ખાતરો

સેન્દ્રિય ખાતરો

સેન્દ્રિય ખાતર પ્રાણી અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર થાય છે. છાણિયું ખાતર, લીલો પડવાશ, કંપોસ્ટ, સોનખત, જેવા ખાતરો ને મંદ સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. જયારે વિવિધ પ્રકારના તેલીબિયાંમાંથી મળતા ખોળ, જેવા કે મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, તલનો ખોળ, સરસવનો ખોળ, કરંજનો ખોળ વગેરે માછલીનું ખાતર, હાડકાનો ભૂકો, સૂકુલોહી વગેરે સાંદ્ર સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે.

સેન્દ્રિય ખાતરોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વળી આ ખાતરોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે અને તેમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ ઘણું નીચું અને એકબીજા તત્વ સાથે અસંતુલિત હોય છે. તેમની અવશેષીય અસર વ્યાપક હોય છે. લીલો પડવાશ એટલે કઠોળ વર્ગના પાકને ખેતરમાં વાવીને ફૂલ આવ્યા પહેલાં અગર બીજી કોઈ વનસ્પતિનાં પાંદડા તેમજ ડાળીઓને જમીનમાં દબાવી દેવાની પદ્ધતિ. જમીનની ભૌતિક પરિસ્થિતિ તેમજ ફળદ્રુપતા જાળવવામાં લીલો પડવાશ છાણિયા ખાતર જેવું જ કામ કરે છે. જે વિસ્તારમાં છાણિયા ખાતરની અછત હોય અને ઘનિષ્ટ ખેતી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય તેવા વિસ્તારમાં લીલા પડવાશનો પાક ફેરબદલીમાં સમાવેશ કરવો જોઈએ. જયાં પિયતની સગવડ હોય ત્યાં વરસાદ પડતાં પહેલાં ૧પ થી ર૦ દિવસે અને પિયતની સગવડ ન હોય ત્યાં પહેલા વરસાદે લીલા પડવાશના પાકો વાવવા જોઈએ. શણ, ઈકકડ, અડદ, મગ, ગુવાર અને ચોળા જેવા પાકો લીલા પડવાશ તરીકે લેવાય છે. આ પાકો અનુક્રમે પ્રતિ હેકટરે વધુમાં વધુ ૭પ, ૭૦, ૪૦, ૩પ, પપ, અને ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વ ઉમેરે છે.

સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતો

સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતો નીચે મુજબ છે.

  1. ઢોરઢાંખરના અવશેષો દા.ત. ઢોરઢાંખરના છાણમૂત્ર, મરઘાં બતકની હગાર.
  2. વિવિધ ધાન્ય, કઠોળ અને તૈલી પાકોના અવશેષો દા.ત. ઘઉંનું ભુસુ, ડાંગરનું પરાળ, જુવાર, બાજરી અને મકાઈના રાડા અને મૂળીયા, મગ–અડદ, ચણા–મગફળી વગરેનું ગોતર, તમાકુના જડીયા, કપાસના જડીયા, શેરડીની પતરી, શાકભાજી પાકોના અવશેષો.
  3. વિવિધ લીલા પડવાશના પાકોના અવશેષો દા.ત. શણ અને ઈકકડનો લીલો પડવાશ.
  4. કૃષિ આધારિત ઉધોગોની આડપેદાશ દા.ત. જુદી જુદી જાતના ખોળો, બગાસ, પે્રસમડ, લાકડાનો વ્હેર,(વિવિધ ફળફળાદી પાકોના અવશેષો–ટામેટા કેચઅપ વેસ્ટ, કેરીની છાલ વગેરે)

જમીનની ઉત્પાદકતા વધારવામાં સેન્દ્રિય ખાતરોનો ફાળો

  1. વતીઓછી માત્રમાં બધા જ આવશ્યક પોષક તત્વો પૂરાં પાડે છે. આમ છતાંયે, જમીનમાંથી મળતા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને ગંધક મોટાભાગે સેન્દ્રિય પદાર્થોમાંથી જ મળે છે. આ ઉપરાંત, જમીનમાં વિટામીન્સ, ઓકિસઝન અને એન્ટીબાયોટીકસ પણ પૂરાં પાડે છે.
  2. વિવિધ સુક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતાના આધારે કોહવાતા સેન્દ્રિય પદાર્થો પુષ્કળ પ્રમાણમાં અંગારવાયું તથા સેન્દ્રિય અમ્લો છૂટા પાડે છે. વધુમાં મૂળિયા વાટે સેન્દ્રિય પ્રવાહી ઝરે છે, જે ખનિજોની દ્રાવ્યતા વધારી પોષક તત્વો છૂટા પાડવામાં મદદરૂપ બને છે.
  3. પોષક તત્વોને જમીનમાં જકડાઈ જતાં અગર અદ્રાવ્ય બનતાં અટકાવે છે. ફોસ્ફરસ, જસત, લોહ જેવાં તત્વોનું સંકીર્ણ સંયોજન બનાવી લાંબા સમય સુધી દ્રાવ્ય સ્થિતિમાં રાખે છે.
  4. સેન્દ્રિય પદાર્થોના સૂક્ષ્મ ઘટકો રૂણાવેશ ધરાવતાં હોવાથી ધનાવેશ ધરાવતા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, લોહ વગેરેને જકડી રાખે છે, અને નિતાર વાટે વહી જતાં અટકાવે છે.
  5. સેન્દ્રિય પદાર્થોના કહોવાણથી છૂટા પડતા ચીકણા પદાર્થો રેતી તથા માટીના રજકણોને બાંધે છે, અને જમીનનું પ્રત સુધારી તેને છિદ્રાળુ બનાવે છે, પરિણામે હવાની અવરજવરમાં અને પાણીના વહનમાં સુધારો કરે છે.
  6. સેન્દ્રિય ખાતરો વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો પણ ધરાવતાં હોવાથી સંપૂર્ણ ખાતર તરીકેનું કામ કરે છે, જયારે રાસાયણિક ખાતરોમાં સબંધિત મુખ્ય પોષક તત્વો મર્યાદિત સંખ્યામાં હોય છે.

આમ, સેન્દ્રિય ખાતરો વિવિધ રીતે જમીનની ઉત્પાદકતા વધારવામાં મહત્વના હોય પાક ઉત્પાદનમાં માત્ર રાસાયણિક ખાતરો જ ન ઉમેરતાં, જરૂરી જથ્થામાં સેન્દ્રિય ખાતરો ઉમેરવાં આવશ્યક છે.

આપણા દેશમાં ઢોરના છાણનો સારા પ્રમાણમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. ખેતરનું ઘાસ કે કચરો બાળી નાખવામાં આવે છે. આથી, તેમનો આ રીતે થતો વ્યય ગોબર ગેસ પ્લાન્ટ દ્ધારા અટકાવી તેમનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે, અને સાથે સાથે ખાતરની ગુણવત્તામાં સુધારો થાય છે.

ઘઉં, ડાંગર તથા અન્ય પાકોના ચારાનો ઢોરના નિરણ તરીકે ઉપયોગ કરતાં, અને તેમાંથી મળતા ઓગાઠ અને છાણ સાથે મિશ્ર કરતાં છાણિયું ખાતર બને છે પણ આ છાણિયું ખાતર, કંપોસ્ટ કે લીલા પડવાસનું કોહવાણ બરાબર થયું ન હોય અને ખેતરમાં નાખવામાં આવે અગર ઘઉં તથા ડાંગર જેવા પાકોનો કોહવાયા વગરનો કચરો જમીનમાં ભેળવવામાં આવે અને તુર્ત જ વાવણી કરવામાં આવે તો પાકનો શરૂઆતનો વિકાસ બરાબર થતો નથી અને પાક પીળો પડી જાય છે. આ પીળાશ નાઈટ્રોજન તત્વની અછતને લીધે હોય છે. કારણ કે આવા સંજોગોમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને તેમની ક્રિયાશીલતા વધતાં જમીનમાં રહેલો લભ્ય (એમોનિકલ અને નાઈટ્રેટ) નાઈટ્રોજન નો ઉપયોગ જીવાણુંઓ તેમની વૃદ્ધિ માટે કરે છે પરિણામે પાક આ તત્વની ઉણપ અનુભવે છે. તેથી આવા સંજોગોમાં હમેશાં વાવણી વખતે પાયાના ખાતરમાં નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો આપવાની જરૂરિયાત રહે છે.

એકલા સેન્દ્રિય ખાતરો અગર રાસાયણિક ખાતરો આપવા કરતાં બંને જરૂરિયાત પ્રમાણે આપવાથી તે એકબીજાના પૂરક બને છે. આને પરિણામે છોડને પોષક તત્વો પૂરાં પાડવાની બંનેની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

મંદ સેન્દ્રિય ખાતરો

મંદ સેન્દ્રિય ખાતરો જગ્યા વધુ રોકે છે પરંતુ એમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. તેનું ખરૂં મહત્વ તો જમીનને સેન્દ્રિય પદાર્થ પૂરા પાડવાનું છે. સેન્દ્રિય ખાતરો મોટા જથ્થામાં પૂરવામાં ન આવે તો એમાંથી છોડને ખાસ પોષકતત્વો મળતાં નથી. ખાતરના રૂપમાં જમીનને પૂરા પાડવામાં આવેલા સેન્દ્રિય પદાર્થો જમીનમાં જીવજંતુની ક્રિયાને વધારે છે અને જમીનનું બંધારણ સુધારે છે. તેમજ હવાપાણીના સંગ્રહ અને ઉપયોગની જમીનની શકિત વધે છે. એનાથી જમીનમાંનો ફોસ્ફરસ વનસ્પતિને વધુ પ્રમાણમાં મળવા માંડે છે.

ખેતરનો પડવાશ : ભારતીય ખેતી પદ્બતિમાં ઢોર–ઢાંખરનો મોટો ઉપયોગ થતો હોઈ સેન્દ્રિય ખાતરોમાં ખેતરનો પડવાશ સૌથી મહત્વનું ખાતર છે. ખેતરનો પડવાશ ઢોર–ઢાંખરનાં મળમૂત્ર, નકામાં ડાળી–ડાળખાં, ઘાસ–પાન, ઢોરોની વધેલી ચંદી, ઘાસચારો વગેરેના મિશ્રણના કોહવાટથી ઉત્પન્ન થાય છે. આ બધા જુદા જુદા પદાર્થોનું મિશ્રણ કરી એમાંથી ઉતમ દરજજાનો પડવાશ બનાવવામાં ખૂબ સંભાળ લેવાની જરૂર છે. જો આ પડવાશ સૂર્યની ગરમી કે વરસાદમાં ખુલ્લો મૂકી દેવામાં આવે તો એમાંથી પોષકતત્વોનો ઘણાં મોટા પ્રમાણમાં નાશ થાય છે.

તૈયાર કરવાની રીત : સાંજ પડે ઢોરોના તબેલામાં સારા એવા પ્રમાણમાં સૂકો–કોરો કચરો પાથરી દેવો જોઈએ કે જેથી એમાં ઢોરોનું મૂત્ર શોષાઈ જાય. ઢોરોનાં મળ તેમજ મૂત્ર શોષેલો કચરો રોજ એકઠો કરી લેવો જોઈએ અને તેને આશરે છ મીટર લાંબા, બે મીટર પહોળા અને એક મીટર ઉંડા ખાડામાં પૂરવો જોઈએ. શરૂઆતમાં આ રીતે પૂરેપૂરા ખાડામાં મળમૂત્ર, કચરો વગેરે પૂરી લીધા પછી એ પછીનો કચરો ખાડામાં એક એક મીટરના વિભાગમાં જ ખડકાવો જોઈએ. દરેક વિભાગનો થર જમીનની સપાટીથી અર્ધા મીટર સુધી ઉંચે પહોંચે એટલે ઉપરના ભાગમાં ઘુમ્મટનો આકાર બનાવી પછી એને ગોબરના રગડાથી અને માટીથી લીપીને બંધ કરી દેવો જોઈએ. ત્રણથી ચાર ઢોર ધરાવતા ખેડૂતો માટે ઢોરનાં મળમૂત્ર અને ખેતરના કચરામાંથી પડવાશ તૈયાર કરવા વર્ષમાં વારાફરતી આવા બે ખાડા પુરતા થાય એમ છે. આમ દર વર્ષે પ્રત્યેક ઢોર દીઠ પ થી ૬ ટન સારી જાતનો પડવાશ મેળવી શકાય છે. પડવાશમાં દર ટન દીઠ રપ કિલોગ્રામ સુપર ફોસ્ફેટ પુરવાથી નાઈટ્રોજનનો નાશ થતો અટકાવી શકાય છે અને પડવાશ વધુ સમતોલ પોષકદ્રવ્ય બને છે. ખાડામાં મળમૂત્ર અને કચરાના પ્રત્યેક થર ઉપર સુપર ફોસ્ફેટ પૂરવો જોઈએ. એક મીટર ઉંડા ખાડામાં પડવાશના ૪ થી પ થર ઉપર પાથરવા માટે ૧ર.પ કિલોગ્રામ સુપર ફોસ્ફેટ પૂરતુ નીવડે છે. પડવાશ ભરેલા ખાડાનું તડકા અને વરસાદથી રક્ષણ થવું જરૂરી છે.

પૂરવાની રીત : ખેતરનો પડવાશ તમામ જમીનો અને તમામ પાક માટે સારો છે. હવામાનની પરિસ્થિતિ મુજબ આ પડવાશ જમીનમાં વાવણીનાં ૪ થી ૬ અઠવાડિયાં પહેલાં પૂરવો જોઈએ. ખેતરમાં તેને એકસરખો પાથરી વિના વિલંબે માટી સાથે સારી રીતે ભેળવી દેવો જોઈએ, જેથી એની ઉપર વાતાવરણની અસર ન થાય.

કમ્પોસ્ટ અથવા ઉકરડાનું ખાતર :ખેતરમાં વનસ્પતિનાં બિનઉપયોગી ડાળી–ડાળખાં અને પાદડાં તેમજ ઘાસ વગેરેના રૂપમાં ઘણાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થાય છે. જયારે શહેર વિસ્તારોમાં શાકભાજીનો કચરો અને પ્રાણીનાં મળમૂત્રનો કચરો એકઠો થાય છે આ કચરો એકઠો કરી એને નિયંત્રિત રીતે કોહવા દેવાથી એમાંથી ઘણો સારો અને ઉપયોગી પડવાશ તૈયાર કરી શકાય છે.

ગ્રામ વિસ્તારોમાં નકામું ઘાસ, સૂકાં ડાળી–ડાળખાં, પાકની પરાળ વગેરે એકઠાં કરી એનો સંગ્રહ કરવામાં આવે છે. આ માટે પ મીટર લાંબો, ૧.૬ મીટર પહોળો અને ૧ મીટર ઉંડો ખાડો ખોદવામાં આવે છે. એકઠો કરવામાં આવેલો કચરો સારી રીતે ખૂબ હલાવીને ખાડાના તળિયે એનું ૩૦ સેન્ટિમીટર જાડું થર થાય એ રીતે પાથરવામાં આવે છે. આ થરને સારી રીતે ભીનું કરવા એની ઉપર ગોબરનો રગડો અને પાણી કે પછી માટી અને પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ પ્રમાણે કચરાના એક ઉપર એક થર કરવામાં આવે છે. જમીનની સપાટીથી આ થર અર્ધો મીટરની ઉંચાઈએ પહોંચે પછી છેક ઉપરના થરની ઉપર માટીનું આછું પડ કરી દેવામાં આવે છે. ત્રણ મહિના સુધી અંદરના કચરાને કોહવા દીધા એ પછી એને બહાર કાઢી એનો ઉંચો ઢગલો કરવામાં આવે છે. જરૂર જણાયે એના ઉપર પાણી છાંટી ઢગલામાંના કચરાને ભીનો કરવામાં છે, અને એ પછી એના ઉપર માટી લીપી દેવામાં આવે છે. એક–બે મહિના પછી આ ઢગલામાંનો ઉકરડો ખાતરમાં ફેરવાઈ ગયો હોય છે.

ખેતરના પડવાશની જેમ એક ખાડામાં ભરેલા ઉકરડામાં પ૦ કિલોગ્રામ સુપર ફોસ્ફેટ ઉમેરવાથી કંપોસ્ટ વધુ સમૃદ્બ બને છે અને એમાંનો નાઈટ્રોજન સચવાઈ રહે છે. ઉકરડાના પ્રત્યેક થરની ઉપર સુપર ફોસ્ફેટ એક સરખા પ્રમાણમાં પાથરવામાં આવે છે. ઉકરડાના ખાતરનો ઉપયોગ ખેતરના પડવાશની જેમ જ કરવામાં આવે છે અને તેનો બધા જ પાક અને બધી જ જમીન ઉપર ઉપયોગ થઈ શકે છે.

નગર કે શહેરમાં માનવીના મળમૂત્ર, શહેરનો કચરો તેમજ ઔધોગિક બગાડમાંથી ઉકરડાનું ખાતર તૈયાર કરવામાં આવે છે. ગટરનાં ગંદા પાણીનો ઉપયોગ આ માટે ઉભાં કરવામાં આવેલા ખાસ ખેતરોમાં (સુએઝ ફાર્મમાં) થાય છે. નગર અને શહેરોમાં કચરા તેમજ મળમૂત્રમાંથી મોટે પાયે ખાતર તૈયાર કરવાની નગરપાલિકાઓ અને રાજય ખેત ઉધોગ નિગમ હાથ ધરે છે.

લીલો પડવાશ : લીલો પડવાશ પૂરીને પણ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરવામાં આવે છે. ખૂબ પાંદડાંવાળા પાકનો, ખાસ કરીને કઠોળના પાકનો લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જમીનમાં લીલો પડવાશ પૂરવા માટે લીલાં પાંદડાંનું મોટું પ્રમાણ ધરાવતા પાક કયાં તો ખેતરમાં જ ઉગાડવામાં આવે છે અને જયારે પાકને ફૂલ આવવાનાં હોય ત્યારે એને જમીનમાં દાટી દેવામાં આવે છે અથવા આવો પાક બહારથી કાપીને લાવી ખેતરમાં દાટવામાં આવે છે. લીલા પડવાશ માટે સામાન્ય રીતે શણ, બરસીમ, ઈકકડ અને કુડઝુ વગેરેનો પાક લેવામાં આવે છે. ઝાડી, ઝાંખરા તેમજ ઝાડનાં લીલા પાનનો પણ લીલા પડવાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. લીલા પડવાશનો પાક નકામી જમીન ઉપર પણ લઈ શકાય છે.

લીલો પડવાશ પાકને સેન્દ્રિય પદાર્થ તેમજ ખાસ કરીને કઠોળના પાકનો પડવાશ હોય તો નાઈટ્રોજન પૂરો પાડે છે. આ પડવાશ હેકટર દીઠ જે નાઈટ્રોજન પૂરો પાડે છે, એનું પ્રમાણ પાક પ્રમાણે જુદું જુદું હોય છે. કઠોળ જેવો પાક હેકટર દીઠ સરેરાશ ૧૦ મેટ્રીક ટન લીલોતરી ઉત્પન્ન કરી શકતો હોય તેને જમીનની અંદર પૂરવાથી એમાંથી જમીનને ૩પ કિલોગ્રામ નાઈટ્રોજન મળી રહે છે. પાક ઉગાડવા માટે જયાં પૂરતું પાણી મળી રહે એમ હોય તેમજ લીલા પડવાશને કોહવા માટે જમીનમાં પૂરતો ભેજ મળી રહે એમ હોય ત્યાં જ લીલો પડવાશ અસરકારક બની રહે છે.

માત્ર લીલો પડવાશ મેળવવા માટે ખેતીની જમીનનો ઉપયોગ કરવામાં બીજો નફાકારક પાક ઉગાડવાથી જે નફો મળી શકયો હોત એ જતો કરવાનું નુકશાન થાય છે. આ કારણોસર જયાં શકય હોય ત્યાં મુખ્ય પાકની સાથોસાથ જ લ્યુસર્ન કે બરસીમ જેવો ઘાસચારો ઉગાડવો જોઈએ, જે શરૂઆતમાં ઢોરો માટેનાં ઘાસચારાની ગરજ સારે અને પાછળથી એનો લીલો પડવાશ તરીકે ઉપયોગ કરી જમીનમાં સેન્દ્રિય પદાર્થો તેમજ નાઈટ્રોજનનો ઉમેરો કરી શકાય.

છાણિયું ખાતર : સેન્દ્રિય ખાતરોમાં છાણિયું ખાતર ખેડૂતોને સૌથી વધુ પ્રમાણમાં મળી રહેતું ખાતર છે. આ એક જથ્થાદાર હલકુ ખાતર છે. ઢોરનું છાણ મૂત્ર અને પાથરેલું ઘાસ કે કચરો એકત્ર કરી ખાડામાં ભરી કહોવડાવી છાણિયુ ખાતર બનાવવામાં આવે છે.પ્રાણીઓના તાજા મળમૂત્રનું બંધારણ નીચે આપેલ છે.

ફાર્મના પ્રાણીઓના તાજા મળમૂત્રમાંથી મળતા પોષક તત્વો (ટકામાં)

પ્રાણીઓનું નામ

નાઈટ્રોજનના (ટકા)

ફોસ્ફરસના (ટકા)

પોટાશના (ટકા)

૧.ગાય અને બળદ છાણ

૦.૪૦

૦.ર૦

૦.૧૦

ર. મૂત્ર

૧.૦૦

ઘણો ઓછો

૧.૩પ

૩. ઘેટાં અને બકરાં લીંડીં

૦.૭પ

૦.પ૦

૦.૪પ

૪. મૂત્ર

૧.૩પ

૦.૦પ

ર.૧૦

પ. ઘોડા છાણ

૦.પ૦

૦.૩૦

૦.પ૦

૬. મૂત્ર

૧.૩પ

ઘણો ઓછો

૧.રપ

આ ખાતર સંપૂર્ણ ખાતર ગણાય છે, કારણ કે તે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણ મુખ્ય તત્વો ઉપરાંત ગૌણ તત્વો જેવા કે મેંગેનીઝ, જસત, તાંબુ અને બોરોન પણ ધરાવે છે.

છાણિયા ખાતરનું બંધારણ : છાણિયા ખાતરનું બંધારણ કયા પ્રાણીઓનું મળમૂત્ર વપરાયેલુ છે. તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે છાણિયા ખાતરમાં ૦.૮ ટકા નાઈટ્રોજન, ૦.૩ ટકા ફોસ્ફરસ અને ૧ ટકા જેટલો પોટાશ રહેલો હોય છે. છાણિયા ખાતરનું ભૌતિક બંધારણ જોઈએ તો ૭પ ટકા ભેજ, ૧૪ થી ૧પ ટકા સેન્દ્રિય તત્વો અને ૭ ટકા સીલીકા હોય છે.

છાણિયા ખાતરની બનાવટમાં મળમૂત્ર અને કચરાનો ઉપયોગ થાય છે. આથી છાણિયા ખાતરમાં રહેલ નાઈટ્રોજન પૈકી ૬૦ ટકા નાઈટ્રોજન ઘન પદાર્થોમાંથી અને બાકીનો ૪૦ ટકા નાઈટ્રોજન પ્રવાહી ભાગમાંથી મળે છે. જયારે ફોસ્ફરસ લગભગ ૯૯ ટકા ઘન ભાગમાંથી અને બાકીનો પ્રવાહી ભાગમાંથી મળે છે. ૬૦ ટકા પોટાશ પ્રવાહી ભાગમાંથી અને ૪૦ ટકા પોટાશ ઘન ભાગમાંથી આવે છે. તેમ છતાં આ બંધારણ જાનવરનો પ્રકાર, આહાર, ઉંમર, ખોરાકમાં વાપરેલ વનસ્પતિના અવશેષોના પ્રકાર ઉપરાંત જે મહત્વનું પરિબળ છે તેમાં ખાતર સંગ્રહ કરવાની રીત મુખ્ય છે. જેથી ખાતર વૈૈજ્ઞાનિક પધ્ધતિથી બનાવવામાં આવે તો જે પોષક તત્વોનો મોટા પ્રમાણમાં વિઘટન થવાથી એમોનિયાના રૂપમાં નાશ પામે છે. તે મહંદઅંશે અટકાવી શકાય છે. સારી ગુણવત્તાવાળું છાણિયું ખાતર બનાવવા માટે જુદી જુદી વૈજ્ઞાનિક પધ્ધતિઓને ઉપયોગમાં લઈ શકાય છે.

છાણિયું ખાતર બનાવવાની રીત

સી.એન. આચાર્ય પધ્ધતિ : સારી ગુણવત્તાવાળુ છાણિયું ખાતર બનાવવા માટે અને પોષક તત્વોનો નાશ થતો અટકાવવા માટે શ્રી સી.એન.આચાર્યએ સુચવેલી પધ્ધતિ પ્રમાણે છાણિયું ખાતર બનાવવુ જોઈએ. આ માટેના મુદૃાઓ જોઈએ.

  1. છાણિયા ખાતર માટેની જગ્યા થોડી ઉચાણવાળી અને ઝાડના છાંયડા નીચે અથવા તો કૃત્રિમ રીતે છાંયડો આપી શકાય તેવી પસંદ કરો અને જો શકય હોય તો ઢોરની કોઢની નજીક જગ્યા પસંદ કરો.
  2. પસંદ કરેલ જગ્યા પર ર૦ ફૂટ લંબાઈ, પ ફૂટ પહોળાઈ અને ૩ ફૂટ ઉંડાઈનો ખાડો તૈયાર કરો
  3. ઢોરની કોઢમાં લભ્ય પાકના અવશેષો જેવા કે પરાળ, ગોતર, પાંદડા કે અન્ય ઘાસ મૂત્રના શોષણ માટે સાંજના પાથરો. બીજા દિવસે સવારના આ તમામ ઘાસ–કચરો તથા ઢોરના છાણનું મિશ્રણ ખાતરના ખાડા નજીક લઈ જઈ ત્રણ ફૂટનો એક ભાગ એક બાજુથી ભરવો શરૂ કરો.
  4. આ પ્રમાણે જયારે ખાડાનો ભાગ જમીનની સપાટીથી દોઢથી બે ફૂટ ઉપર સુધી ભરાઈ જાય ત્યારે તેને છાણ અને માટીથી લીંપણ કરી દો. આમ કરતાં જઈ ખાડો પુરેપુરો ભરાઈ જાય પછી બન્ને બાજુ થોડો ઢાળ આપી અને તેની આજુબાજુ એક ફુટ ઉંચાઈની માટીની પાળી બનાવો.
  5. ત્રણ માસ બાદ જયારે છાણિયા ખાતરનો રંગ લીલાશ પડતો ભૂખરો થાય એટલે કે આથવણની ક્રિયા થાય ત્યારે તેને ખાડામાંથી બહાર કાઢીને ઉપયોગમાં લઈ શકાય.ત્રણથી ચાર પ્રાણીઓ માટે લગભગ આ માપના બે ખાડાની જરૂર રહે છે. આ રીતથી રપ૦ થી ૩૦૦ ઘનફૂટ ખાતર (પ થી ૬ મેટ્રિક ટન) અથવા ૮ થી ૧૦ ગાડા દર વર્ષે પ્રાણી દીઠ છાણિયું ખાતર બનાવી શકાય છે.

ગોબર ગેસ પધ્ધતિ : ગોબર ગેસ પધ્ધતિનો ઉપયોગ કરીને પણ ઉચ્ચકક્ષાનું છાણિયું ખાતર બનાવી શકાય, તેમજ જો આવા ગોબર ગેસ ઘર આંગણે બનાવવામાં આવે તો પ્રાણીઓના છાણ ખાડામાં નાંખીને રાંધવા માટે ગેસ મેળવી શકાય વળી આવો ગેસ જો વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરીએ તો તેનાથી રાત્રી દરમ્યાન લાઈટ પણ સળગાવીને પ્રકાશ પણ મેળવી શકાય છે. ગોબર ગેસ દ્ધારા જે છાણિયું ખાતર મળે છે. તે ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હોય છે. જેમાં ૧.પ ટકા નાઈટ્રોજન, ૦.૪ ટકા ફોસ્ફરસ અને ર.૦૦ ટકા પોટાશ મળે છે. તદ્રઉપરાંત સેન્દ્રિય પદાર્થનો થતો વ્યય ર૩૦ કિલો / પ્રતિ ૧૦૦૦ કિલો કચરા પાછળ બચાવી શકાય છે. તેમજ આ પધ્ધતિમાં દરેક પ્રકારના સુક્ષ્મ જીવાણું કામ કરતા હોવાથી વિઘટન જલ્દી થાય અને તેમાં રોગના જીવાણું પણ નાશ પામે છે.

છાણિયું ખાતર વાપરવામાં કાળજી : છાણિયું ખાતર ખાડામાં પાકી જાય ત્યારે ખાડામાંથી બહાર કાઢવું. સામાન્ય પ્રચલિત પધ્ધતિ પ્રમાણે ખેડૂતો વૈશાખ માસમાં ખાતર કાઢી ખેતરમાં નાની નાની ઢગલીઓ કરી રાખે છે. આમ કરવાથી વૈશાખ માસના સખત તાપમાં ખાતર સુકાઈ જાય છે અને તેમાંનો કેટલોક નાઈટ્રોજન વાયુરૂપે હવામાં ઉડી જાય છે. જેથી આ પધ્ધતિ સારી નથી. ખાતર મોટા ઢગલામાં રાખવું જોઈએ અને તેને ખેતરમાં પાથરવાનું કામ વૈશાખ માસના તાપમાં ન કરતાં જેઠ માસના વાદળીયા હવામાનમાં કરવું જોઈએ.

છાણિયા ખાતરના ફાયદા

  1. છાણિયા ખાતરમાં રહેલા પોષક તત્વો પાકને ધીમે ધીમે મળતા હોવાથી તેની અસર બે થી ત્રણ વર્ષ સુધી રહે છે.
  2. પોષક તત્વોનું છોડ લઈ શકે તેવી પ્રાપ્ય સ્થિતિમાં ધીમે ધીમે રૂપાંતર થાય છે.
  3. છાણિયું ખાતર ઉમેરવાથી જમીન પોચી અને છિદ્રાળુ બનાવે છે.
  4. જમીનમાં છિદ્રાળુતાનુ પ્રમાણ વધતા હવાની અવરજવર વધે છે. પરિણામે મૂળનો વિકાસ સારો થાય છે.
  5. જમીનની ભેજ ધારણ શકિત વધારે છે.
  6. ચીકણી જમીનની ચીકાસ ઓછી થાય છે તેથી જમીનને ખેડવામાં અનુકૂળતા રહે છે.
  7. રેતાળ અને હલકી જમીનોમાં રજકણોને સંયોજીત રાખી બંધારણ સુધારે છે.
  8. જમીનના અપ્રાપ્ય તત્વો પ્રાપ્ય સ્થિતિમાં લાવે છે.
  9. વધારે પ્રમાણમાં વાપરવામાં આવે તો પણ તેની કોઈ માઠી અસર જમીન પર થતી નથી.

10. જમીનમાં જીવ વૈજ્ઞાનિક પ્રકિયાને ઉતેજન મળે છે.

એક ટન છાણિયા ખાતરમાંથી મળતા તત્વો

  1. નાઈટ્રોજન – પ કિલો ગ્રામ
  2. ફોસ્ફરસ – ર કિલો ગ્રામ
  3. પોટાશ – પ કિલો ગ્રામ
  4. કેલ્શીયમ – ૧૦ કિલો ગ્રામ
  5. મેગ્નેશ્યમ – ૩.પ કિલો ગ્રામ
  6. ગંધક – ૭ કિલો ગ્રામ
  7. લોહ – ૩૦૦ ગ્રામ
  8. મેન્ગેનીઝ – રપ૦ ગ્રામ
  9. જસત – ૧૦૦ ગ્રામ

10. તાંબું – ર૦ ગ્રામ

11.  બોરોન – રપ ગ્રામ

12. મોલીબ્લેડમ – ર ગ્રામ

સાંદ્ર સેન્દ્રિય ખાતરો

ખોળનું ખાતર

સાંદ્ર સેન્દ્રિય ખાતર તરીકે વાપરવામાં આવતાં ઘણી જુદી જુદી જાતના ખોળ દેશમાં ઉત્પન્ન થાય છે. આ ખોળમાં પ્રમાણમાં વધુ પોષકતત્વો રહેલાં હોય છે. ઢોરોની ચંદી તરીકે ઉપયોગમાં લેવામાં આવતાં મગફળી, તલ અને સરસવના ખોળનો સામાન્ય રીતે પડવાશ તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ અખાધ એવા તેલના ખોળ જેમ કે એરંડાનો ખોળ, લીંબોળીનો ખોળ અને કરંજના ખોળમાં ઝેરી તત્વો હોવાથી જેનો ઢોરોની ચંદી તરીકે ઉપયોગ થતો નથી, એનો ખાતર તરીકે લાભકારક ઉપયોગ કરી શકાય એમ છે.ખાતર તરીકે તલનો ખોળ ખૂબ જલ્દીથી એની અસર જન્માવે છે, પરંતુ એનો ઉપયોગ પાકની વાવણીના ઠીક ઠીક સમય અગાઉ થવો જોઈએ. જમીનમાં કે પાકમાં ઉપયોગ પહેલાં એનો ભૂકો કરી નાખવો જોઈએ કે જેથી તેને ખેતરમાં એકસરખો પાથરી શકાય.

સાંદ્ર પ્રાણીજન્ય સેન્દ્રિય ખાતરો જુદી જુદી જાતના પ્રાણીજન્ય પદાર્થો ખાતર તરીકેના ઉપયોગ માટે મળી રહે છે. સૂકું રકત, માંસ, માછલી, ખરી, શીંગડાં વગેરે સામાન્ય પદાર્થો પ્રાણીના મૃતદેહોમાંથી કે કતલખાનામાંથી મળી રહે છે. સૂકા લોહીમાં નાઈટ્રોજનનું પ્રમાણ ઘણું હોય છે અને એની અસર ઘણી જ જલદી થતી હોય છે. એનો ઉપયોગ ખોળના ખાતરની જેમજ કરવો જોઈએ. માછલીનું ખાતર લીલું તેમજ સૂકું મળે છે. એમાં નાઈટ્રોજન ઉપરાંત ઘણા વધુ પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે. એનો તમામ પાક ઉપર ઉપયોગ થઈ શકે છે અને એની અસર ઘણી જ જલ્દી થાય છે. આ ઉપરાંત પક્ષીઓની અઘાર તેમજ પ્રાણી અને માનવીનાં મળમૂત્રનો પણ ખાતર તરીકે ઉપયોગ થાય છે.

રાસાયણિક ખાતરો

આ ખાતરો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. (૧) નાઈટ્રોજનયુકત (ર) ફોસ્ફેટક અને ફોસ્ફરસયુકત ખાતરો

પોટાશયુકત ખાતરો: ગુજરાતમાં વપરાતા વિવિધ રાસાયણિક ખાતરોમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ કોઠા–૧ માં આપેલ છે.

ફોસ્ફરસયુકત ખાતરો :

ગુજરાત રાજયમાં એકલુ ફોસ્ફરસ તત્વ ધરાવતાં ખાતરો પૈકી સિંગલ સુપર ફોસ્ફેટ અગત્યનું રાસાયણિક ખાતર છે. એક દાયકા પહેલાં ફોસ્ફેટીક ખાતરોમાં આ ખાતર મહત્વનું સ્થાન ધરાવતું હતું. પરંતુ હવે સંકીર્ણ ખાતરોની બનાવટ શરૂ થતાં તેના વપરાશનાં પ્રમાણમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. રાજયનાં આ તત્વના કુલ વપરાશના માત્ર ૧૯ ટકા સિંગલ સુપર ફોસ્ફેટ દ્ધારા વપરાય છે, જયારે૪૪ ટકા વપરાશ ડાયએમોનિયમ ફોસ્ફેટ અને ૩૦ ટકા ઈફકો ગે્રડ ૧ર : ૩ર : ૧૬ દ્ધારા થાય છે. બાકીનો વપરાશ અન્ય પરચુરણ મિશ્ર તેમજ સંકીર્ણ ખાતરો દ્ધારા થાય છે.

જમીનમાં ફોસ્ફેટીક ખાતરોનું રૂપાંતર નાઈટ્રોજન ખાતરો કરતાં તદન વિરોધાભાસી છે. જેમ કે, તેમનાં રાસાયણિક રૂપો નાઈટ્રોજન તત્વના રાસાયણિક રૂપો કરતાં જટિલ છે. ફોસ્ફરસયુકત ખાતરોની જમીનના વિવિધ ઘટકો સાથે પ્રતિક્રિયા થતાં તેમનું ડઝન જેટલા નવાં સંયોજનોમાં રૂપાંતર પામે છે. આ સંયોજનોની દ્રાવ્યની માત્રા ૧૦ લાખ ભાગમાં ૧/૧૦૦ થી ૧૦૦૦ ભાગ જેટલી હોય છે. ચુનાવાળી જમીનમાં ફોસ્ફેટીક ખાતરો કેલ્શિયમના ડાયફોસ્ફેટ બનાવી અદ્રાવ્ય બને છે, જે છોડને સહેલાઈથી મળી શકતા નથી. આ ઉપરાંત ચુનાના રજકણો પર ફોસ્ફેટના ઘટકો જકડાઈ રહે છે અને તેથી જ, આ તત્વના ખાતરો જમીનમાં જે જગ્યાએ નાંખવામાં આવે છે, ત્યાં જ પડી રહે છે. આમ તેનો વ્યય નિતાર વાટે થતો નથી પણ ધોવાણ થાય તો જ થાય છે.

કોઠા–૧ : વિવિધ રાસાયણિક ખાતરો અને તેમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ

નાઈટ્રોજનયુકત ખાતરો (નાઈટ્રોજન ટકામાં)

એમોનિયમ સલ્ફેટ

ર૦.૬

ર. એમોનિયમ નાઈટ્રેટ

૩૩.૦

૩. યુરિયા

૪૪.૦ – ૪૬.૦

૪. કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ

ર૬.૦

ફોસ્ફરસયુકત ખાતરો ( ફોસ્ફોરીક અમ્લ ટકામાં)

સુપર ફોસ્ફેટ

સીંગલ ૧૬     ટ્રીપલ ૪૮

ર. ડાયકેલ્શિયમ ફોસ્ફેટ

૩ર

૩. બેઝીક સ્લેગ

ર૩–૩૦

૪. બોન મીલ (કાચું)

ર૦

પ. બોન મીલ (સ્ટીમ્ડ)

રર

પોટાશયુકત ખાતરો (પોટાશ ટકામાં)

પોટેશિયમ કલોરાઈ (મ્યુરેટ ઓફ પોટાશ)

પ૮–૬૦

ર. પોટેશિયમ સલ્ફેટ

૪૮–પ૦

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુનાયુકત માટીયાળ જમીનો હોવાથી આવા સ્થિરિકરણની ખાસ સમસ્યા જોવા મળે છે, જયારે અમ્લિય જમીનમાં એલ્યુમિનિયમ અને લોહના અદ્રાવ્ય ફોસ્ફેટ બને છે. પરંતુ ગુજરાતમાં અમ્લિય જમીન નહિવત છે, તેથી આવા સ્થિતિકરણની ખાસ સમસ્યા નથી.

સુફલા જેવા સંકીર્ણ ખાતરોમાં ફોસ્ફેટ,નાઈટ્રો ફોસ્ફેટના રૂપમાં હોય છે, જે પાણીમાં દ્રાવ્ય હોતો નથી. પરંતુ આના પરિણામે પાક પર ખાસ વિપરીત અસર થતી નથી. રોકફોસ્ફેટ જેવાં ખાતરો અમ્લિય જમીનોમાં અસરકારક નીવડે છે.

ફોસ્ફેટિક ખાતરોની દ્રાવ્યતા લક્ષમાં લેતાં તેમની ક્ષમતા તેમના રજકણોના કદ ઉપર અને આપવાની રીત ઉપર આધાર રાખે છે. પાણીમાં અદ્રાવ્ય ફોસ્ફેટ ધરાવતાં ખાતરોને ભૂકાના રૂપમાં જમીનમાં પૂંખીને આપવાથી તેમની ક્ષમતા વધે છે. કારણ કે જેમ રજકણ નાનું તેમ જમીનમાં વધારે રજકણોના સંપર્કમાં આવતાં તેની રાસાયણિક પ્રતિક્રિયાઓની તક વધે છે અને પરિણામે તે છોડનેલભ્ય બને છે પણ પાણીમાં દ્રાવ્ય ફોસ્ફેટ ધરાવતાં ખાતરો શકય બને તેમ જમીનમાં માટીના ઓછા રજકણો સાથે સંપર્કમાં આવે તે રીતે આપવાં જોઈએ, જેથી સ્થિરીકરણની તક ઘટાડી શકાય. આવાં ખાતરો મોટા દાણાવાળાં બનાવવાથી અને ચાસમાં આપવાથી તેમની અસરકારકતા વધારી શકાય છે.

ફોસ્ફેટિક ખાતરોની અદ્રાવ્ય સંયોજનોમાં રૂપાંતર થવાના વલણને કારણે જમીન દ્રાવણમાં ફોસ્ફરસ ખૂબ જ જૂજ પ્રમાણ ૧૦ લાખ ભાગમાં એક ભાગ જેટલું હોય છે, જવલ્લેજ તે દશ ભાગ જેટલું સંભવે છે. તેથી જો આવાં ખાતરો ચાસમાં અગર છોડના મૂળ પાસે (મૂળ પ્રદેશમાં) મૂકવામાં આવે તો ચોકકસ જગ્યાએ ફોસ્ફેટની માત્ર તેનાથી થોડાક ઈંચ દૂરની જમીનમાં તેની માત્રા કરતાં ૧૦૦૦ ગણી વધારે હોય છે. આ તફાવત ઘણા મહિનાઓ સુધી જળવાઈ રહે છે અને છોડની જરૂરિયાત પૂરી પાડે છે.

જમીનમાં ફોસ્ફેટ ઘટકની ગતિશિલતા ખૂબ જ મર્યાદિત છે. માટીયાળ અગર મધ્યમ પોતવાળી જમીનોમાં ફોસ્ફેટનું પ્રસરણ થોડાક મીલી મીટરથી થોડાક સેન્ટીમીટર જેટલું જ છે. એ જાણીને નવાઈ લાગશે કે એક અખતરામાં ચરીયાણવાળા ખેતરમાં ખાતર દ્ધારા આપેલું ફોસ્ફરસ પ૦ વર્ષમાં માત્ર ર૦ સે.મી. (૮ ઈંચ) જેટલું નીચે ગયું હતું. રેતાળ જમીનોમાં આ ગતિશીલતા વધારે હોય છે પણ નીચેના પડોમાં જયાં માટીનું પ્રમાણ વધારે હોય છે ત્યાં નિતાર ખૂબ જ ઓછો અગર નહિવત થતાં આ તત્વ ત્યાં જમા થાય છે. તેથી ફોસ્ફેટિક ખાતરો નિતાર વાટે વહી જતા નથી. આમ છતાંયે જે કંઈ વ્યય થાય છે તે જમીનના ધોવાણ દ્ધારા જ થાય છે અને તે માટે જમીન ધોવાણ અટકાવતી પધ્ધતિઓ અપનાવવી જોઈએ.

નાઈટ્રોજનયુકત ખાતરો :

આપણા દેશની આબોહવા સૂકી અને ગરમ હોવાને કારણે જમીનમાં સેન્દ્રિય પદાર્થનું વિઘટન થઈ નાશ પામે છે. પરિણામે નાઈટ્રોજન તત્વની ઉણપ ખૂબજ વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે. આ તત્વ છોડના બાંધામાં તથા ઘટકોમાં વિશેષ પ્રમાણમાં જરૂરી હોવાથી છોડને તેની જરૂરિયાત બહોળા પ્રમાણમાં રહે છે. આથી તે અન્ય તત્વો કરતાં વધારે જથ્થામાં ઉમેરવામાં આવે છે.

અત્યારે ગુજરાતમાં વપરાતા નાઈટ્રોજનયુકત ખાતરો પૈકી યુરિયા અને એમોનિયમ સલ્ફેટ મુખ્ય ખાતરો છે. આપણા રાજયમાં નાઈટ્રોજન માત્ર યુરિયા દ્ધારા વપરાય છે, જયારે માત્ર ૯ ટકા જ એમોનિયમ સલ્ફેટ દ્ધારા વપરાય છે. બાકીના ૧૬ ટકા મિશ્ર ખાતરો જેવાં કે ડાયએમોનિયમ ફોસ્ફેટ (૮ ટકા) ઈફકો ગે્રડ ૧ર : ૩ર : ૧૬ (પ ટકા ) સુફલા (ર ટકા) અન્ય ખાતરો (૧ ટકા ) દ્ધારા વપરાય છે.

વિવિધ નાઈટ્રોજન ખાતરોમાં નાઈટ્રોજન તત્વયુકત એમોનિયા, નાઈટ્રેટ એમોનિયમ અને એમાઈડરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે, પ્રવાહી એમોનિયામાં નાઈટ્રોજનની એમોનિયા રૂપે, એમોનિયમ નાઈટ્રેટમાં એમોનિયમ અને નાઈટ્રેટ રૂપમાં અને યુરિયામાં એમાઈડ રૂપે હોય છે. ખાતરો દ્ધારા આપેલ નાઈટ્રોજનનું રાસાયણિક રૂપ સામાન્ય સંજોગોમાં ખૂબ મહત્વનું નથી કારણકે ગમે તે રૂપમાં આપેલ નાઈટ્રોજનનું અંતે નાઈટ્રેટમાં રૂપાંતર થાય છે દાખલા તરીકે ગરમ, ભેજવાળી અને હવાની અવરજવરવાળી જમીનમાં યુરિયાનું જળ વિભાજન થઈ એમોનિયમ રૂપમાં રૂપાંતર થાય છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુંઓ થોડાક દિવસો અગર અઠવાડિયામાં આ એમોનિયમ રૂપનું નાઈટ્રેટમાં પરિવર્તન કરે છે. પરંતુ, જમીનમાં વિવિધ પરિસ્થિતિના અનુસંધાને નાઈટ્રોજનયુકત ખાતરોના આ વિવિધરૂપો જુદી જુદી રીતે વર્તે છે. દાખલા તરીકે પાણી ભરેલી કયારીમાં જમીનની સપાટીથી અડધા ઈંચથી પણ ઓછી ઉંડાઈએ નીચેની જમીનમાં ઓકિસજન ન હોવાથી તેમાં રહેલો નાઈટ્રોજન એમોનિયમ રૂપે ઘણા સમય સુધી જળવાય રહે છે. ડાંગરનો પાક એમોનિયમ રૂપે રહેલ આ નાઈટ્રોજનનું અવશોષણ કરી શકે છે. તે જ પ્રમાણે યુરિયા જમીન પર નાંખી તેને ભેળવવામાં ન આવે તો મોટા ભાગનો નાઈટ્રોજન એમોનિયા રૂપે ઉડી જાય છે. જમીનોની ભાસ્મિકતા વધારે હોય તેવી જમીનોમાં એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઈટ્રેટ જેવા ખાતરોમાં રહેલું એમોનિયમ પણ એમોનિયા વાયુ રૂપે ઉડી જાય છે જમીનમાં હવાનું પ્રમાણ ઓછું હોય એટલે કે પાણી ભરાય રહેલી જમીનોમાં ઘટૃ થઈ ગયેલ જમીનોમાં નાઈટ્રેટ ઘટકનું જૈવિક અપચયન થઈ હવામાં ઉડી જાય છે. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આ રીતે ૧૦ થી ૩૦ ટકા જેટલા નાઈટ્રોજનનો વ્યય થાય છે.

નાઈટ્રેટ અને એમોનિયમ ઘટકો વચ્ચે પાયાનો તફાવત એ છે કે પહેલું ઘટક રૂણાવેશ ધરાવે છે. જયારે બીજું ઘટક ધનાવેશ ધરાવે છે. તેથી માટીના રજકણ અને નાઈટ્રેટ એમ બન્ને રૂણાવેશો ધરાવતા હોવાથી એક બીજા પ્રત્યે અપાકર્ષક થતાં નાઈટ્રેટ ઘટક માટીના રજકણો પર જકડાઈ રહેતું નથી. જયારે એમોનિયમ ઘટક ઘનાવેશ ધરાવતું હોવાથી માટીના રજકણો સાથે જકડાઈ રહે છે અને જરૂરિયાત પ્રમાણે ધીમે ધીમે છૂટું પડે છે. તેજ પ્રમાણે યુરિયા ખાતર કોઈ પણ જાતનો વિધુતીય આવેશ (ચાર્જ) ધરાવતું નથી અને તેનું જમીનમાં રહેલ યુરીએઝ નામના ઉત્સેચકની મદદથી જળ વિભાજન થઈ એમોનિયમ કાર્બોનેટમાં રૂપાંતર થતાં ૪૮ થી ૭ર કલાક લાગે છે. એટલે યુરિયાનું જમીનમાં આ રીતે રૂપાંતર થતાં પહેલાં હલકા પ્રતવાળી જમીનોમાં તે પાણીના પ્રવાહમાં નિતાર વાટે વહી જાય છે. પાયાની આટલી સમજૂતી આ ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે મદદરૂપ નીવડે છે.

પોટાશયુકત ખાતરો

આપણા દેશમાં પોટાશિક ખાતરો બનાવવામાં આવતા નથી પણ પરદેશોમાંથી આયાત કરવામાં આવે છે. મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફેટ ઓફ પોટાશ અગત્યનાં ખાતરો છે. રાજયમાં પોટાશના કુલ વપરાશમાં ૪૦ ટકા હિસ્સો મ્યુરેટ ઓફ પોટાશ ખાતરનો છે, જયારે બાકીનો ૬૦ ટકા હિસ્સો સંકીર્ણ ખાતરોનો છે, જેમાં પ૪ ટકા ફાળો ઈફકો ગે્રડ ૧ર :૩ર :૧૬ ખાતરનો છે. સલ્ફેટ ઓફ પોટાશનો નહિવત ઉપયોગ થાય છે. ખાસ કરીને તમાકુ, બટેટા જેવા પાકોમાં કે જયાં ગુણવત્તાનો પ્રશ્ન હોય છે તેવા પાકોમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ થાય છે. આ ખાતરોમાં રહેલું મુખ્ય તત્વ પોટેશિયમ ધનાવેશ ધરાવતું હોવાથી જમીન દ્રાવણમાં પોટેશિયમ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે અને જમીનમાંના માટી તેમજ સેન્દ્રિય રજકણો ઉપર ઝકડાઈ રહે છે અને તેનો નિતાર દ્ધારા થતો વ્યય અટકે છે. છોડના મૂળ પોટાશિયમ આયન રૂપે અવશોષણ કરે છે.

જમીનના કુલ કદના પ્રમાણમાં ખાતરો દ્ધારા ઉમેરાતા પોટેશિયમનું પ્રમાણ ઘણું ઓછું છે, તેની ઘનાયન વિનિમયની પ્રકિયાથી બીજાં તત્વોની તુલનાએ નિતારવાટે ઓછો વ્યય થાય છે. સામાન્ય રીતે જમીનમાં પોટેશિયમ આયનની ગતિશીલતા નાઈટ્રેટ આયન કરતાં ખૂબ જ ઓછી છે, પણ ફોસ્ફેટ ઘટક કરતાં વધારે છે. તેથી પોટાશિક ખાતરોનો નિતારવાટે વ્યય ખૂબ જ જૂજ પ્રમાણમાં થાય છે. આમ છતાંયે, રેતાળ જમીનમાં માટી તથા સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોવાથી આ તત્વનો બહોળા પ્રમાણમાં વ્યય થવાની શકયતા છે. તેથી પાકની જરૂરિયાત પ્રમાણે બે હપ્તામાં આપવું ઈચ્છનિય છે.

અન્ય પોષક તત્વોના ખાતરો

આપણે ત્યાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તત્વો જમીનમાં પૂરતા પ્રમાણમાં હોવાથી તેમને ખાતરો દ્ધારા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ છતાંયે, યુરિયા અને ડાયએમોનિયમ ફોસ્ફેટ જેવા ઉંચી શુદ્ધતાવાળા ગંધક તત્વ રહિત ખાતરો વાપરવાથી તથા ગંધકનો જંતુનાશક તથા ફુગનાશક તરીકેનો વપરાશ ઓછો થતાં જમીનમાં ગંધકની ઉણપની શકયતાઓ વધી છે ત્યારે, આ તત્વ પણ ખાતરો દ્ધારા ઉમેરાય તે જરૂરી છે. આથી, ગંધક તત્વ જમીનમાં ઉમેરવાથી કેવી રીતે વર્તે છે તે જાણવું જરૂરી છે.

ખાતર દ્ધારા ગંધક મુખ્યત્વે સલ્ફેટનાં રૂપમાં આપવામાં આવે છે. એમોનિયમ સલ્ફેટમાં ર૪ ટકા અને સિંગલ સુપર ફોસ્ફેટમાં ૧ર ટકા ગંધક છે. સલ્ફેટ માટીના રજકણો પર અમુક અંશે જકડાઈ રહે છે. આમ છતાંયે, વધુ વરસાદ અને વધુ પિયત થતું હોય તેવી હલકા પોતવાળી રેતાળ જમીનોમાં તેનો નિતાર વાટે ઘણો વ્યય થાય છે. પાણી ભરાઈ રહેતું હોય તેવા ખેતરોમાં સલ્ફેટનું અપચયન થતાં હાઈડ્રોજન સલ્ફાઈડ બને છે, જે વાયુરૂપે ઉડી જાય છે. અમ્લિય જમીનોમાં લોહ સાથે સંયોજાઈ બનતો સલ્ફાઈડ ડાંગરના પાકમાં 'લેઈટ બ્લાઈટ' નામના રોગ માટે જવાબદાર જણાયો છે. આપણે ત્યાં આ પ્રશ્ન નથી.

બોરોન, તાંબુ, લોહ, મેંગેનીઝ મોલિબ્ડેનમ અને જસત તત્વોની જમીનમાં લભ્યતા ઠીક પ્રમાણમાં છે. આ તત્વો પૈકી બોરોનની ગતિશીલતા સૌથી વધારે છે. તેથી રેતાળ જમીનમાં નિતારવાટે તેનો વ્યય થવાની શકયતા રહે છે. પરિણામે આવી જમીનોમાં તેની ઉણપ રહે છે. તાંબુ, જસત અને લોહ તત્વો તેમને જમીનમાં જયાં મુકવામાં આવ્યા હોય ત્યાંથી એક ઈંચ કરતાં પણ ઓછા અંતરે ખસે છે. સૂક્ષ્મ તત્વોની ગતિશીલતા નહિવત હોવાથી જમીનમાં તેમનો સંપર્ક વધુ થાય તે હેતુથી તેમને છાંટીને અથવા પાયાના ખાતરો સાથે પૂંખીને જમીનમાં આપવામાં આવે તો વધુ ક્ષમતા જળવાય છે.

જૈવિક ખાતર

જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુંઓ વસવાટ કરે છે, જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા જીવાણુંઓ હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરવાનું કે જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપી કોહવડાવવામાં મદદ કરે છે. આ તમામ પ્રકારના જીવાણુંઓની બનાવટને સામાન્ય ભાષામાં જૈવિક ખાતર કહેવામાં આવે છે. જુદાં જુદાં જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, એઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, બ્લુ ગ્રીન આલ્ગી તથા અઝોલા ઉપર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. નાઈટ્રોજન હવામાંથી સ્થિર કરતા અથવા ફોસ્ફરસને લભ્ય બનાવતી વિશિષ્ટ શકિત ઘરાવતી જીવાણુંઓની પ્રજાતિઓને અલગ તારવી, તેની પ્રયોગશાળામાં મોટા પાયે વૃદ્ધિ કરી, યોગ્ય કેરીયરમાં ભેળવી પેકેટમાં ભરી વેચવામાં આવે છે. બજારમાં મળતા એક પેકેટનું વજન ર૦૦–રપ૦ ગ્રામ હોય છે. જેમાં દરેક ગ્રામ કેરીયરમાં ૧૦/૭ થી ૧૦/૮ જીવંત જીવાણું રહેલા હોય છે. સામાન્ય સંજોગોમાં એક ગ્રામ જૈવિક ખાતર ૩૦–૪૦ ગ્રામ બીજને પટ આપવા પૂરતું હોય છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ લાંબા સંશોધનને અંતે જુદા–જુદા પ્રકારનાં જૈવિક ખાતરોની ભલામણો બહાર પાડી છે. જૈવિક ખાતરો બહુ નિર્દોષ, પ્રમાણમાં સસ્તાં તેમજ પ્રદુષણમુકત હોઈ દરેક ખેડૂત પોતાની ખેતી પદ્ધતિમાં સામેલ કરે તે જરૂરી છે.

જૈવિક ખાતરોના ફાયદાઓ

  1. રાસાયણિક ખાતરોની સરખામણીમાં ઘણાં સસ્તા છે.
  2. તે હવામાં રહેલા ૭૮ ટકા નાઈટ્રોજનનંું સ્થિરિકરણ કરે છે અને છોડને લભ્ય બનાવે છે.
  3. જમીનમાંના અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરી લભ્ય બનાવે છે. જે છોડનાં આંતરસ્ત્રાવમાં વધારો કરી તેની વધ્ધિમાં વધારો થતાં ઉત્પાદન પણ વધે છે.
  4. જમીનજન્ય રોગો આવતાં અટકાવવામાં મદદ કરે છે.
  5. જમીનમાં રહેલ પોષકતત્વોને વધુ લભ્ય બનાવે છે.
  6. જમીનમાં ભૌતિક, રાસાયણિક તથા જૈવિક ગુણધર્મોમાં સુધારો થતાં જમીનની ફળદુ્રપતા વધે છે.
  7. મધ્યમ તથા નાના ખેડૂતો સહેલાઈથી ખરીદી શકે છે.
  8. ખરાબાની તથા નીચાણવાળી ઓછી ફળદ્રુપતાવાળી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
  9. વરસાદ આધારીત ખેતીમાં તથા વરસાદની અછતવાળા વિસ્તારોમાં ઘણાં ઉપયોગી નીવડે છે.

10. વાપરવામાં સરળ અને પ્રદુષણમુકત.

જૈવિક ખાતરનાં ઉપયોગ સામે તેની મર્યાદાઓ

  1. ઘણી વખત જમીનમાં નાઈટ્રોજનનાં સ્થિરકરણને અવરોધતા જીવાણુંઓ પણ હોય તો પુરતા નાઈટ્રોજનનું સ્થિરિકરણ થતું અટકાવે છે.
  2. જમીનમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોને સંતુલિત કરતાં જૈવિક ખાતરની અછત
  3. જીવાણુંનું આયુષ્ય ઘણું જ ટુંકુ હોય છે.
  4. ખેડૂતોને જૈવિક ખાતરની પસંદગી તથા તેના ઉપયોગ અંગેની જાણકારીનો અભાવ.
  5. જૈવિક ખાતર પુરતાં જથ્થામાં સહેલાઈથી ઉપલબ્ધ હોતા નથી.
  6. પાણીની ખેંચ, કિટકનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ તથા ઉષ્ણતામાનમાં થતાં અચાનક ફેરફારો વગેરે તેનો ઉપયોગ મર્યાદિત બનાવે છે.

નાઈટ્રોજન સ્થિર કરતાં જૈવિક ખાતર

રાઈઝોબિયમ: કઠોળવર્ગના પાક જેવા કે તુવેર, ચણા, મગ, મગફળી, સોયાબીન વગેરે પોતાને જોઈતો નાઈટ્રોજન તત્વનો મોટો ભાગ હવામાંથી રાઈઝોબિયમ બેકટેરિયાની મદદથી પોતાના મૂળ ઉપર નાની નાની અસંખ્ય મૂળ ગંડિકાઓ બનાવી મેળવે છે. દરેક ગાંઠ એ નાઈટ્રોજન સ્થિર કરવાનું એક નાનું કારખાનું છે. સામાન્ય રીતે કઠોળવર્ગના પાકને એક ટન દાણા ઉત્પન્ન કરવા પ૦ થી ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વની જરૂર પડે છે. છતાં આપણાં સૌનો અનુભવ છે કે કઠોળ પાકો માટે હેકટર દીઠ ફકત ર૦–રપ કિ.ગ્રા. નાઈટ્રોજન ખાતરની ભલામણ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આટલો બધો નાઈટ્રોજન છોડ કયાંથી મેળવે છે ?

અનુકૂળ પરિસ્થિતિમાં વાવણીના ૧પ દિવસ પછી મૂળ ઉપર રાઈઝોબિયમ બેકટેરિયાની મદદથી નાની નાની લાલ રંગની ગાંઠો બનવાની શરૂઆત થાય છે અને તે સમયે નાઈટ્રોજન સ્થિરીકરણની પ્રકિયા શરૂ થાય છે, જે દાણા બેસવાના સમયે મહતમ હોય છે.

જે જમીનમાં કાયમી વસવાટ કરતા રાઈઝોબિયમ બેકટેરિયાનું પ્રમાણ પ્રતિ ગ્રામ ૧૦૦ કોષથી ઓછું હોય છે, ત્યાં રાઈઝોબિયમ બાયો ફર્ટિલાઈઝરના વપરાશથી બહુ સારાં પરિણામ મળે છે, પરંતુ જે જમીનમાં કઠોળવર્ગના પાકનુ અવારનવાર વાવેતર કરવામાં આવે છે, ત્યાં કુદરતી રાઈઝોબિયમ જીવાણું વધુ સંખ્યામાં આવેલાં હોય છે. આ સંજોગોમાં બાયો ફર્ટિલાઈઝર વાપરવાથી આંખે દેખાય તેવો સ્પષ્ટ તફાવત ઘણીવાર જોવા મળતો નથી. વળી, કઠોળ પાકના મૂળ ગાંઠો જોવાથી કાયમ એમ માની લેવાની જરૂર નથી કે છોડને જરૂરી પૂરતો નાઈટ્રોજન મળે છે. દરેક કઠોળવર્ગના પાકને અનુરૂપ રાઈઝોબિયમ જીવાણુંની હાજરીની જરૂર હોય છે. જો પોતાને અનુરૂપ રાઈઝોબિયમની જાત સિવાય બીજા પ્રકારના રાઈઝોબિયમથી મૂળ ઉપર ગાંઠો બને તો નાઈટ્રોજન સ્થિર થતો નથી. આમ નાઈટ્રોજનના મહતમ સ્થિરીકરણ માટે કઠોળનો પ્રકાર તેમજ તેને અનુરૂપ રાઈઝોબિયમની જાત બંનેનો પ્રમુખ ફાળો છે.

જમીનમાં ઘણા રાઈઝોબિયમ જીવાણું ઉનાળામાં ઉંચા તાપમાનથી, ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી તેમજ અન્ય પરભક્ષી જીવાત તેમજ વાયરસથી નાશ પામે છે. જેના પરિણામે જમીનમાં તેમની સંખ્યા ઘટે છે. આ કારણે દરેક કઠોળવર્ગના પાકના વાવેતર અગાઉ બિયારણને યોગ્ય કાર્યક્ષમ રાઈઝોબિયમ બાયો ફર્ટિલાઈઝરનો પટ આપવો જરૂરી છે જેથી પાકને મહતમ લાભ મળે.

સારી જાતના ભલામણ કરેલ રાઈઝોબિયમ કલ્ચર વાપરવાથી હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન સમકક્ષ કઠોળનું ઉત્પાદન મળે છે. રાઈઝોબિયમની મદદથી કઠોળવર્ગનો પાક ૧૦૦–૩૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ વર્ષ, પ્રતિ સીઝન સ્થિર કરી શકે છે અને વધુમાં સારો એવો નાઈટ્રોજન બીજા પાકને આપે છે. આ જૈવિક ખાતર કઠોળવર્ગના પાકની ૮૦ ટકા નાઈટ્રોજનની જરૂરીયાત પૂરી પાડે છે, સાથે સાથે કઠોળવર્ગના ઉત્પાદનમાં ૧૦–રપ ટકાનો વધારો કરે છે.

એઝોટોબેકટર: એઝોટોબેકટર એ એક પ્રકારના સૂક્ષ્મ જીવાણું એટલે કે બેકટેરિયા છે, જે હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આ જ કારણે તેનો જૈવિક ખાતર તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. રાઈઝોબિયમ પ્રકારના બેકટેરિયાને નાઈટ્રોજન મેળવવા જેમ કઠોળવર્ગના પાકની હાજરીની જરૂર પડે છે તેમ એઝોટોબેકટરને કોઈપણ પાકની હાજરીની જરૂર પડતી નથી. તેઓ એકલા જ પોતાની મેળે હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરી શકે છે. ખેતરની જમીન તેમનું રહેઠાણ છે. આ બેકટેરિયાને વૃદ્ધિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયુ જરૂરી છે. તેથી ખેતરના ૧પ–૩૦ સે.મી.ના ઉપરના પડમાં તેઓ વિશેષ સંખ્યામાં આવેલા હોય છે. જમીનની ફળદ્રુપતા તેમજ ઉત્પાદકતામાં તેમનો મોટો ફાળો છે. આપણી જમીનમાં પ્રતિ ગ્રામ ૧૦૦૦ થી ૧,૦૦,૦૦૦ જેટલા આ પ્રકારના જીવંત બેકટેરિયા આવેલા હોય છે.

એઝોટોબેકટરની ઘણી જાતો છે. પ્રમુખ જાતોમાં કુકોકમ, વીનેલેન્ડી, બજરનન્કી વગેરેનો સમાવેશ થાય છે. દરેક જાતની વળી ઘણી ઉપજાતિઓ છે. એ તમામ પ્રકારની એઝોટોબેકટરની જાતો હવામાંનો નાઈટ્રોજન મેળવવાની ક્ષમતા ધરાવતી નથી અથવા બહુ જ ઓછી ધરાવે છે. આ સંજોગોમાં જમીનની ફળદ્રુપતા સાચવવા તેમજ મોંઘા રાસાયણિક ખાતરની બચત કરવા કાર્યક્ષમ જાતના ભલામણ કરેલ એઝોટોબેકટરની જાતનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો જરૂરી છે.

આ પ્રકારના બેકટેરિયા હવામાંનો મુકત નાઈટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે છે. આ એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે, જેથી છોડ સહેલાઈથી લઈ શકે છે. બિન કઠોળવર્ગના પાક માટે આ જૈવિક ખાતરની ભલામણ કરવામાં આવે છે. આવું કલ્ચર વાપરવાથી ૩૦–૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની સમકક્ષ ઉત્પાદન મળે છે. બીજા શબ્દોમાં રપ–પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની બચત કરી શકાય છે.

એઝોસ્પાઈરીલમ: એઝોસ્પાઈરીલમ જીવાણુંનો બાયો ફર્ટિલાઈઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાઈઝોબિયમ જીવાણુંની જેમ આ જીવાણુંઓ પણ હવામાં રહેલ મુકત નિષ્ક્રિય નાઈટ્રોજનને સ્થિર કરી એમોનિયા બનાવી શકે છે. રાઈઝોબિયમ જીવાણુંઓ કઠોળવર્ગના પાકના મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવે છે, જયારે એઝોસ્પાઈરીલમ જીવાણુંઓ કોઈ ગાંઠો બનાવતા નથી.

એઝોસ્પાઈરીલમ જીવાણુંની બે પ્રજાતિઓ છે : લીપોફેરમ અને બ્રાસીલેન્સ. દરેક પ્રજાતિની અનેક પેટા જાતો હોય છે. દરેક જાતની નાઈટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આજ કારણે કાર્યક્ષમ ઉત્તમ જાતોનો બાયો ફર્ટિલાઈઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં થયેલ અનેક અખતરાઓ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે આ કલ્ચરના યોગ્ય વપરાશથી રપ–૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની બચત થઈ શકે છે. આવાં કલ્ચર વનસ્પતિ વૃદ્ધિવર્ધકો જેવાં કે ઈન્ડોલ એસિટીક એસિડ, ઈન્ડોલ બ્યુટારીક એસિડ, ઓકઝાઈમ, ગીબરલીન્સ બનાવી પાકની વૃદ્ધિમાં મદદ કરે છે.

બ્લુ ગ્રીન આલ્ગી : બ્લુ ગ્રીન આલ્ગી એક પ્રકારની પાણીમાં ઉગતી લીલ છે, જેનો રોપાણ ડાંગરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ લીલ તેના નામ પ્રમાણે ભુરાશ પડતા લીલા રંગની હોય છે. અન્ય જૈવિક ખાતરની જેમ આ લીલ પણ વાતાવરણમાં રહેલ મુકત નાઈટ્રોજનને સ્થિર કરી પોતાનામાં સંચય કરે છે. ત્યારબાદ આ આલ્ગીનું વિઘટન થઈ તેમાંથી નાઈટ્રોજન છૂટો પડી ડાંગરના છોડને મળે છે.

સૂકી લીલમાં ર થી ૧૩.૩ ટકા જેટલું નાઈટ્રોજન તેમજ ૦.૦પ થી ૦.૧૮ ટકા જેટલું ફોસ્ફરસ આવેલું હોય છે અને પ૦૦ કિ.ગ્રા. સૂકી લીલ ૧પ–ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. પૂરું પાડે છે. જુદી જુદી જાતની લીલની નાઈટ્રોજન મેળવવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેમ છતાં સામાન્ય સંજોગોમાં બ્લુ ગ્રીન આલ્ગી હેકટરે ર૦–રપ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂરો પાડે છે. રોપાણ ડાંગરની સાથે અનુકૂળ સંજોગોમાં આ લીલ બહુ ઝડપી ઉગે છે, જેના લીધે ઉત્પાદનમાં ૧૦–૧પ ટકા વૃદ્ધિ થાય છે.

લીલને વૃદ્ધિ માટે પ–૧૦ સે.મી. સતત છીછરું પાણી જોઈએ છે. તેમ છતાં જો ખેતર ભીનું હોય તો પણ તેમાં તેની પુષ્કળ વૃદ્ધિ થાય છે. ડહોળા પાણી કરતાં ચોખ્ખા પાણીમાં તેની વૃદ્ધિ ઝડપી થાય છે. આ લીલની ખાસિયત એ છે કે તેના વપરાશ દરમ્યાન ખેતરમાંથી પાણી ઉતરી જાય અને સુકાઈ જાય તો પણ લીલ નાશ પામતી નથી અને કયારીમાં પાણી ભરવાથી નવેસરથી ફરી ઉગી નીકળે છે.

બ્લુ ગ્રીન આલ્ગીને નાઈટ્રોજનયુકત ખાતરની સાથે વાપરી શકાય છે. આલ્ગીમાં પ્રકાશ સંશ્લેષણ કરતા રંગકણો આવેલા હોઈ તેની વૃદ્ધિ માટે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર છે. વાતાવરણનું તાપમાન ૩૦ થી ૪૦ સે. હોવું જરૂરી છે. તમામ પ્રકારની જમીનમાં આ લીલ ઉછરી શકે છે. તેમ છતાં જમીનનો પી.એચ. ૬ થી ૮ તેને વધુ માફક આવે છે. આ લીલની વૃદ્ધિ દરમ્યાન ફોસ્ફરસ તેમજ લોહ તત્વ આપવાથી વૃદ્ધિ ઝડપી બને છે. ઘણીવાર ખેતરમાં આ લીલની સાથે બીજા ઘેરા લીલા રંગની લીલ ઉગી નીકળે છે. આ બીજા પ્રકારની લીલ નુકસાનકારક છે. તેનો નાશ કરવા ૦.૦પ ટકા મોરથૂથૂના દ્રાવણનો છંટકાવ કરવો. ઘણીવાર આપણને બ્લુ ગ્રીન આલ્ગી અને સામાન્ય ઘેરી લીલી આલ્ગી વચ્ચે ભેદ દેખાતો નથી. બ્લુ ગ્રીન આલ્ગી ચીકણી હોય છે, અને તેને દબાવીએ તો તેમાંથી હવાના પરપોટા નીકળે છે. જયારે સાદી લીલી આલ્ગીની અંદર હવા હોતી નથી. તદ્રઉપરાંત આલ્ગીના જથ્થા ઉપર આયોડીન દ્રાવણના ર થી ૩ ટીપાં નાંખવાથી જો મિશ્રણનો રંગ ઘેરો જાંબલી થાય તો માનવું કે બ્લુ ગ્રીન આલ્ગી છે.

ખેડૂત પોતે ર૦ મી. × ૧.૦ મી. × રર સે.મી. પોલીથિન પાથરી ખાડા બનાવી આ લીલને ઉછેરી શકે છે. ખાડામાં સતત છીછરું પાણી ભરી રાખવામાં આવે છે, ત્યાર બાદ આલ્ગીનું કલ્ચર ઉમેરવામાં આવે છે. ૧પ–ર૦ દિવસમાં પાણી ઉપર લીલનું જાડું પડ તૈયાર થઈ જાય છે જેને સૂકવી ઈનોકયુલમ તરીકે વાપરવામાં આવે છે. જીવાતના નિયંત્રણ માટે ખાડામાં ૧રપ ગ્રામ ફયુરાડાન ઉમેરવામાં આવે છે. એક ર૦ ચો.મી.ના ખાડામાંથી ૧૦ કિ.ગ્રા. કલ્ચર તૈયાર થાય છે. આ કલ્ચરને લાંબો સમય સાચવી શકાય છે. ડાંગરની પાણી ભરેલી કયારીમાં ફેરરોપણી પછી અઠવાડિયે ૧૦ કિ.ગ્રા./હે. આ કલ્ચર પૂંખી દેવામાં આવે છે. આ લીલ પણ વનસ્પતિ વૃદ્ધિવર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.

અઝોલા : અઝોલા એ પાણીમાં થતી હંસરાજ વનસ્પતિ છે અને તેના પાનમાં બ્લુ ગ્રાન આલ્ગી રહેલ હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન સંયોજીત કરી શકે છે અને પોતાના નાઈટ્રોજનની સમગ્ર જરૂરિયાત હવામાંના નાઈટ્રોજનમાંથી પૂરી કરી શકે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીનાં વિવિધ સંશોધન કેન્દ્રો ઉપર અઝોલાનો નાઈટ્રોજનયુકત ખાતર તરીકે ડાંગરમાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. જેની ફળશ્રુતિરૂપે તે અંગેની કૃષિપયોગી ભલામણો બહાર પાડી શકાઈ છે. તાજા અઝોલામાં ૦.ર થી ૦.૩ ટકા તેમજ સુકા અઝોલામાં ૩ થી પ ટકા નાઈટ્રોજન આવેલો હોય છે. અઝોલાની કુલ સાત જાતો છે. તેમાંથી આપણા દેશમાં પાંચ જાતો પ્રચલિત છે જે પૈકી અઝોલા પીનાટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે.

નીચાણવાળી કયારીમાં કે પિયતથી થતા ડાંગરના પાકમાં ડાંગરની સાથે અઝોલાની ખેતી કરવામાં આવે છે. ડાંગરની ફેરરોપણી બાદ ૩–પ દિવસે હેકટરે પ૦૦–૧૦૦૦ કિ.ગ્રા. તાજા અઝોલા પૂંખી દેવાથી ર૦–૧પ દિવસમાં આખી કયારી અઝોલાથી ભરાઈ જાય છે, જેને જમીનમાં દબાવવાથી હેકટરે ૧૦–૧ર ટનનો અઝોલાનો લીલો પડવાશ થાય છે, જેનું પ–૧૦ દિવસમાં વિઘટન થઈ રપ–૩૦ કિલો નાઈટ્રોજન છૂટો થઈ ડાંગરને મળે છે. અઝોલા જમીનમાં દબાવતી વખતે તમામ અઝોલા તેના ઓછા વજન તેમજ નાના કદને લઈને દાબી શકાતા નથી. જેઓ ફરીથી ખેતરમાં વૃદ્ધિ પામે છે, અને ૧૦–૧પ દિવસે બીજો રપ–૩૦ કિલો નાઈટ્રોજન પૂરો પાડે છે. આમ અઝોલાના બે પાક ડાંગરની સાથે જ લેવાથી ડાંગરમાં ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની ચોખ્ખી બચત થાય છે. ફેરરોપણી વખતે જરૂરી જથ્થામાં તાજા અઝોલા મેળવવા ખેડૂતે જાતે જ અઝોલાની નર્સરી બનાવવી જરૂરી છે.

અઝોલાના ફાયદા

  1. રોપાણ ડાંગરની સાથે અથવા અન્ય પાકમાં લીલા પડવાશ તરીકે વાપરી શકાય છે.
  2. રોપાણ ડાંગર સાથે અઝોલાની વૃદ્ધિ કરવાથી હેકટરે ૮–૧ર ટન અઝોલાનો જથ્થો ખેતરમાં તૈયાર થાય છે. એક ટન અઝોલાનો પડવાશ આશરે ૪ કિ.ગ્રા. સેન્દ્રિય નાઈટ્રોજન આપે છે.
  3. રોપાણ ડાંગર સાથે અઝોલાની સંયુકત ખેતી કરવાથી ડાંગરની રપ–પ૦ ટકા નાઈટ્રોજનયુકત ખાતરની ગરજ સારે છે.
  4. ડાંગરની કયારીમાં થતા નીંદણોનું આશરે પ૦ ટકા નિયંત્રણ કરે છે.
  5. ડાંગરની સાથે અઝોલા મચ્છરનું આંશિક નિયંત્રણ કરે છે.
  6. ડાંગરની ચૂસિયા, બી.એલ.બી.નો ઉપદ્રવ ઘટે છે.
  7. ડાંગરના ઉત્પાદનમાં ૮–૧૦ ટકા ફાયદો થાય છે.
  8. જમીનમાં નીમેટોડની સંખ્યા ઘટે છે.
  9. પિયત, બિનપિયત ઘઉં, મગફળી, બટાટા, શાકભાજી, તમાકુ વગેરે પાકોમાં સૂકા અઝોલા મોંઘા અખાધ ખોળની અવેજીમાં વાપરી શકાય છે.
  10. લીલા તેમજ સૂકા અઝોલા પશુ અને માછલી તેમજ મરઘાંને પૂરક આહાર તરીકે આપી શકાય.

એસીટોબેકટર ડાયએઝોટ્રોપીકસ : આ એક પ્રકારના બેકટેરિયા છે જે શેરડીની અંદર રહે છે. રાઈઝોબિયમ, એઝોટોબેકટરની જેમ તેઓ હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે. આ કલ્ચરની ભલામણ શેરડીના પાક માટે કરવામાં આવે છે. જો યોગ્ય કલ્ચર વાપરવામાં આવે તો શેરડીમાં નાઈટ્રોજનયુકત ખાતરનો વપરાશ સારો એવો ઘટાડી તેનું ઉત્પાદન/હેકટરે ૧પ–ર૦ ટન વધુ મેળવી શકાય છે.

ફોસ્ફરસ દ્રાવ્ય / લભ્ય કરતા જૈવિક ખાતર

ફોસ્ફેટ કલ્ચર : આપણી જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું છે. જમીનમાં સુપર ફોસ્ફેટ કે અન્ય સ્વરૂપે જે કોઈ ફોસ્ફરસ ઉમેરીએ છીએ તે થોડા વખતમાં અલભ્ય બની જાય છે. પરિણામે પાકને ઉપયોગમાં આવતો નથી જમીનમાં એવા ઘણાં જીવાણુંઓ છે જે વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આવા પ્રમુખ જીવાણુંઓમાં બેસીલસ, સ્યુમોડોનાસ, એસ્પરજીલસ અને પેનીસીલીયમ જેવી ફૂગનો સમાવેશ થાય છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં ર૬૦૦ લાખ ટન રોક ફોસ્ફેટનો ભંડાર છે. આવા કિંમતમાં સસ્તા રોકફોસ્ફેટનો યોગ્ય ફોસ્ફેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે.

આ સુક્ષ્મ જીવાણુંઓ સેન્દ્રિય તેજાબ ઉત્પન્ન કરીને રોકફોસ્ફેટમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે, જે પાકને તરત જ ઉપલબ્ધ બને છે. ભારતમાં આ બાબતે વિવિધ સ્થળે સંશોધન થઈ રહયું છે અને આશાસ્પદ પરિણામો મળેલ છે.

સંશોધન કરેલ જૈવિક ખાતરનો વપરાશ કરવામાં આવે તો ૩૦–પ૦ કિ.ગ્રા. /હે. ફોસ્ફરસયુકત રાસાયણિક ખાતરની બચત થાય છે. બીજા અર્થમાં આવા ભલામણ કરેલ બાયો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારનું ફોસ્ફરસયુકત ખાતર વાપર્યા વગર સારું ઉત્પાદન મેળવી શકાય છે. તાજેતરમાં આવા બાયો ફર્ટિલાઈઝરની ભલામણ કરવામાં આવી છે. તે મુજબ ટોયુલોસ્પોરા ગ્લોબોસા(પીએબી–રર) તથા બેસીલસ કોએગ્યુલન્સ (પીબીએ–૧૩) ની ભલામણ તુવેર માટે તેમજ બેસીલસ કોએગ્યુલન્સ (પીબીએ–૧૬) ની ભલામણ જુવાર માટે કરવામાં આવી છે. આ ભલામણ કરેલ બાયો ફર્ટિલાઈઝરની જાતોનો બિયારણને પટ આપવાથી પાકના ઉત્પાદનમાં સ્પષ્ટ વધારો થાય છે. ઉપરોકત અભ્યાસ સૂચવે છે કે જુદાં–જુદાં કલ્ચરો જમીનમાં રહેલ કેલ્શિયમ ફોસ્ફેટમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે. પરંતુ આ પરિસ્થિતિ જયાં સુધી જમીનમાં ફોસ્ફરસનો પૂરતો જથ્થો હોય ત્યાં સુધી ચાલે. પરંતુ છેવટે તો રોકફોસ્ફેટનો વપરાશ કરવો પડે.

માઈકોરાઈઝા : આ એક પ્રકારની ફૂગ છે, જે છોડના મૂળની સાથે સહજીવી રહી છોડને ફોસ્ફરસ તત્વ મેળવવામાં મદદ કરે છે. આ પ્રકારના જૈવિક ખાતરની ભલામણ નર્સરી તેમજ ફેરરોપણીથી ઉગાડાતા પાક માટે કરવામાં આવે છે. તમાકુ, નાગલી, મરચી, ટામેટા, લીંબુ, આંબામાં તેનાં સારાં પરિણામ પ્રાપ્ત થાય છે.

જૈવિક ખાતર વાપરવાની રીત

જૈવિક ખાતરનો ઉપયોગ પાકની વાવણીની પદ્ધતિ મુજબ નીચેના પૈકી કોઈપણ રીતે વાપરી શકાય છે

બિયારણને પટ

  1. સામાન્ય રીતે બજારમાં વેચાતા જૈવિક ખાતરના પેકેટનું વજન ર૦૦–રપ૦ ગ્રામ હોય છે.
  2. આ પેકેટમમાંના પાઉડરને ર૦૦–૩૦૦ મિ.લિ. ચોખ્ખા પાણીમાં નાખી મિશ્રણ બનાવો.
  3. આ મિશ્રણને એક એકરના બિયારણને (૮–૧૦ કિ.ગ્રા.) સાથે ભેળવી હાથ વડે એક સરખો પટ લાગે તે રીતે ભેળવો.
  4. પટ આપેલ બિયારણને ઠંડી જગ્યામાં સુકવો અને ભરભરું થયા બાદ વાવવામાં ઉપયોગ કરો.

ધરુને માવજત

  1. એક થી બે કિ.ગ્રા. જૈવિક ખાતરના પાઉડરને ૧૦–૧પ લિટર પાણીમાં નાખી મિશ્રણ બનાવો.
  2. ઉપર બનાવેલા મિશ્રણમાં જે તે પાકના ધરુને ૧પ–ર૦ મિનિટ બોળી રાખો.
  3. હંમેશાં મુજબ રોપણી કરો.

ચાસમાં ઓરીને ત્રણ થી ચાર કિ.ગ્રા. જેટલા જૈવિક ખાતરને આશરે પ૦ કિ.ગ્રા. છાણિયા ખાતર તથા ખેતરની ભીની માટી જોડે સારી રીતે મિશ્ર કરી ચાસમાં આપી દો. આ રીતે ઉભા પાકમાં વધુ અનુકૂળ પડે છે.

ભલામણ

  1. તમામ પાકમાં બાયો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.
  2. શેરડીના પાકમાં એસીટોબેકટર કલ્ચર વાપરવાથી ઘણા સારા પરિણામ મળે છે.
  3. તમામ પ્રકારના જૈવિક ખાતરો માટે ગુણવત્તા નિયંત્રણનાં યોગ્ય ધોરણો વિકસાવવાં જોઈએ.
  4. તમામ કઠોળવર્ગના પાકામાં રાઈઝોબિયમ તેમજ બિનકઠોળવર્ગના પાકમાં એઝોસ્પાઈરીલમ / એઝોટોબેકટર કલ્ચર વાપરવું.
  5. તમામ પાકમાં ફોસ્ફેટ કલ્ચર વાપરી ખેતી ખર્ચ ઘટાડી શકાય.
  6. રોપાણ ડાંગરમાં અઝોલા / બ્લુ ગ્રીન આલ્ગીનો ઉપયોગ કરવો.

 

ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ

લગભગ દરેક પાકમાં વધુ ઉત્પાદન આપતી જાતોના ઉપયોગથી સિંચાઈની સગવડતાઓ વધવાથી, સૂકી ખેતી માટે વિકસાવેલી ખેતી પદ્ધતિ અપનાવવાથી અને ખેતી ધિરાણની સગવડતાઓને કારણે ખાતરોનો વપરાશ મોટા પ્રમાણમાં વધ્યો છે. પણ અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે અત્યારે આપણાં દેશમાં આપણી જરૂરિયાત કરતાં ખાતરોનું ઉત્પાદન ઘણું જ ઓછું થાય છે. તેથી વધારાની જરૂરિયાત પૂરી કરવા ખાતરો પરદેશથી આયાત કરવાં પડે છે. પરંતુ આખાયે વિશ્વમાં ખાતરો માટેના કાચા માલની ખૂબ જ અછત વર્તાય છે, તેથી ખાતરો માટેના ભાવો પણ આસમાને ચઢયા છે. આ સંજોગોમાં, આપણી પાસે જે કંઈ રાસાયણિક તેમજ સેન્દ્રિય ખાતરો ઉપલબ્ધ છે, તેનો સૌથી વધુ કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે એ મહત્વનું છે. જેથી ખાતરો દ્ધારા આપેલ દરેક કિલોગ્રામ પોષક તત્વોમાંથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી વધારે સારી આવક મેળવી શકાય. ખાતરોનાં વપરાશની પરિસ્થિતિ, સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરોના ગુણધર્મો, જમીનમાં તેમની પ્રતિક્રિયાઓ વગેરે બાબતોની પૂર્વભૂમિકા જાણ્યા બાદ તેમનો કાર્યક્ષમ ઉપયોગ કેમ કરી શકાય તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.

ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે કયા મુદા ધ્યાનમાં લેશો

પિયતબિનપિયત પાકોની પસંદગી : પોષક તત્વોના અવશોષણમાં પાણી એ ચાવીરૂપ પરિબળ છે. જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય તેમ પોષક તત્વોનું અવશોષણ ઘટે છે. વધુમાં જમીનમાં માપસરના ભેજને કારણે પોષક તત્વોની લભ્યતા વધે છે અને છોડ સહેલાઈથી તેમનું અવશોષણ કરી શકે છે. આના પરિણામે પાક ઉત્પાદનમાં વધારો થાય છે. તેથી જમીનમાં રહેલા તથા ખાતરો દ્ધારા આપેલ પોષક તત્વોના કાર્યક્ષમ ઉપયોગ માટે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. તેથી ખેડૂતભાઈઓએ તેમની પાસેના ખાતરોના જથ્થાની ફાળવણી કરવામાં પિયતના પાકોની જરૂરિયાત પ્રમાણે પ્રથમ પસંદગી આપવી જોઈએ, જેથી ખાતર પાછળ ખર્ચેલા નાણાંમાંથી વધારેમાં વધારે વળતર મળી શકે. ખાતરોનો જથ્થો વધારે હોય તો જ બિન પિયત પાકોને ફાળવવો.

પાક તથા પાકની જાતોની પસંદગી : જે તે વિસ્તારના ખેડૂતભાઈઓએ તે વિસ્તારમાં આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉત્પાદન આપતા પાકો અને તેમની જાતો પસંદ કરવી જોઈએ. સંશોધનના પરિણામોએ સિધ્ધ કર્યુ છે કે કોઈપણ પાકની દેશી જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી જાતો ઓછાં ખાતરો આપવાથી પણ વધુ ઉત્પાદન આપે છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રના સૂકી ખેતી વિસ્તારામાં કપાસની દેવીરાજ જાત કરતાં તેની બીજી જાતો જેવી કે જે–૩૪, જીએયુ–૧૦૦ તથા સંકર–૪ લગભગ બમણો ઉતાર આપે છે. સંકર બાજરી તથા સંકર જુવાર સૂકી ખેતીના વિસ્તારમાં આર્થિક દ્રષ્ટિએ પોષાય તેવા પાકો સાબિત થયા છે. આમ છતાંયે, અરગટ તથા કુતુલ જેવા રોગોને કારણે સંકર બાજરીની જાતો બીજે–૧૦૪ અને સી.જે.–૧૦૪ કરતાં સંકર જુવારની જાતો–સી.એસ.એચ.–પ અને –૬ વાવવાથી નફાકારક રહે અને ખાતરો પાછળ ખર્ચેલા નાણાનું સારૂં વળતર મળે.

ખેતપદ્ધતિઓ ભલામણ પ્રમાણે અનુસરવી :મહતમ પાક ઉત્પાદન માટે જે તે પાકની હેકટરે છોડની યોગ્યતમ સંખ્યા જાળવવી જરૂરી છે. તેથી વૈજ્ઞાનિક સંશોધનને આધારે ભલામણ થયેલ પધ્ધતિઓ જેવી કે બીજની માવજત, વાવણીનો સમય, બીનો દર, બે હાર વચ્ચેનું અંતર વગેરે ભલામણો અનુસરવી જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઈ રહેતી નથી અને ખાતરો જો ભલામણ પ્રમાણે આપવામાં આવે તો ખાતરો દ્ધારા પૂરતું વળતર મળતું નથી.

પાકસંરક્ષણના પગલાં અનુસરવાં : ખાતરો દ્ધારા પાકનો સારો વિકાસ થાય છે અને વધુ ઉત્પાદન મળે છે. સાથે સાથે પાકના સારા વિકાસના કારણે રોગ તથા જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તેથી આપેલા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ભલામણ પ્રમાણે સંરક્ષણના જરૂરી પગલાં સમયસર ભરવા જોઈએ.

નીંદણનો નાશ કરવો : નીંદણ એ પોષક તત્વો તથા પાણી માટે પાકનો હરીફ છે. એક અંદાજ પ્રમાણે જો શરૂઆતના ૭ થી ર૧ દિવસમાં નીંદણનો નાશ કરવામાં ન આવે તો આપેલાં ખાતરોના લગભગ રપ થી ૩૦ ટકા પોષક તત્વો નીંદણ મારફત અવશોષાય છે. તેથી પાયાના ખાતરો આપ્યા પછી તેમજ પૂર્તિ ખાતર આપતાં પહેલાં નીંદણ દૂર કરવું ખૂબ જ જરૂરી છે.

ખાતરો આપવાનો યોગ્ય સમય અને યોગ્ય પધ્ધતિઓ અપનાવવી : ખાતરોના કાર્યક્ષમ અને નફાકારક વળતર માટે માત્ર ખાતરો જરૂરી જથ્થામાં આપવાં એટલું જ પૂરતું નથી, પરંતુ તેમને યોગ્ય સમયે અને યોગ્ય પધ્ધતિથી આપવા ખૂબ જ આવશ્યક છે.

નાઈટ્રોજન તત્વ ખૂબ જ ગતિશીલ હોવાથી તેના ખાતરો જમીનના પોતને તથા પાકના વિકાસના તબકકા ધ્યાનમાં રાખી ર થી ૪ હપ્તામાં આપી શકાય, જયારે નહિવત ગતિશીલતા ધરાવતાં પોટાશિક ખાતરો પાયાના ખાતરો તરીકે આપવાં જોઈએ. વધુમાં, ફોસ્ફરસ છોડના શરૂઆતના વિકાસમાં તથા મૂળના વિકાસ માટે જરૂરી હોવાથી પાયાના ખાતર તરીકે આપવું જોઈએ. રેતાળ જમીનોમાં પોટેશિક ખાતરો બે હપ્તામાં આપવાં હિતાવહ છે. મોટા ભાગની જમીનો અને પાકોમાં ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરોનો બધો જથ્થો તથા નાઈટ્રોજનનો પાક અને જમીનના પોત પ્રમાણે અડધાથી ચોથા ભાગનો જથ્થો પાયાના ખાતર તરીકે આપવો. આપણા દેશમાં રાસાયણિક ખાતરોનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે વધુમાં તેમના ભાવોમાં પણ સતત વધારો થતો રહે છે ત્યારે ખેડૂતો પાસે જે કંઈ મોંઘામુલાં રાસાયણિક ખાતરો છે તેનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

ખેતરને સમતલ બનાવવુ. :

  • આર્થિક દ્રષ્ટિએ વધુ ઉત્પાદન આપતા પાકો તથા તેમની જાતો પસંદ કરવી.
  • જે તે પાક માટેની ખેત પદ્ધતિઓ જેવી કે વાવણીનો સમય, બે હાર વચ્ચેનું અંતર વગેરે બાબતોને જે તે પાક અને ભલામણ પ્રમાણે અનુસરવી.
  • ખાતરોનો ઉપયોગ બહુ પાક પદ્ધતિ તેમજ પાકની જાત અને તેની જરૂરીયાત ધ્યાનમાં રાખી કરવો સલાહ ભર્યુ છે.
  • રાસાયણિક ખાતરોની સાથે શકય તેટલુ છાણિયું ખાતર કે કમ્પોસ્ટ અથવા લીલા પડવાસનો ઉપયોગ કરવો કારણ કે તેઓ રાસાયણિક ખાતરના પૂરક છે.
  • પાકની યોગ્ય ફેરબદલી તથા મિશ્રપાક પદ્ધતિમાં કઠોળ પાકનો સમાવેશ કરવો તથા યોગ્ય બેકટેરીયલ કલ્ચરાનો ઉપયોગ કરવો.
  • ખાતરની અછત હોય ત્યારે તેનાં વપરાશ માટે પિયત પાકોને પ્રથમ પસંદગી આપવી.
  • પાકના વિકાસ માટેના બધા જ પોષક તત્વો સપ્રમાણ પૂરા પાડવા જોઈએ. આ માટે પાક વાવતા પહેલા જમીનની ચકાસણી કરાવી ભલામણ મુજબ જ ખાતરો આપવા.
  • આપણા રાજયની જમીનમાં પોટાશ તત્વનું પ્રમાણ સભર છે તો પણ જમીન ચકાસણીની ભલામણ થયે આ ખાતર આપવું.
  • સલ્ફરની ઉણપ ધરાવતી જમીનમાં યુરિયાના વજનના ૧૦ ટકા જેટલું ગંધક તેની સાથે મિશ્ર કરી અથવા હેકટરે પ૦૦ કિ.ગ્રા. જીપ્સમ આપવુ સલાહભર્યુ છે.
  • નાઈટ્રોજનયુકત ખાતર સાથે ન આપતા અલગ અલગ ત્રણ થી ચાર હપ્તામાં પાકના વિકાસના તબકકા ધ્યાનમાં રાખી આપવુ સલાહભર્યુ છે.
  • ફોસ્ફરસયુકત ખાતરોને વાવણી વખતે બધો જ જથ્થો પાયના ખાતર તરીકે ૪ થી ૬ સે.મી. બીજની નીચે રહે તે રીતે ચાસમાં ઉંડે ઓરીને આપવું હિતાવહ છે.
  • પોટાશયુકત ખાતરો જો કે સામાન્ય પાકોમાં એક હપ્તેથી આપી શકાય પરંતુ શેરડી જેવા લાંબા ગાળાના પાક કે જયાં પોટાશની જરૂરીયાત વિશેષ હોય ત્યાં અથવા તો રેતાળ જમીનમાં પોટાશયુકત ખાતરો બે હપ્તામાં આપવા સલાહભર્યુ છે.
  • યુરિયા તથા અન્ય ખાતરો જયારે મિશ્ર કરી આપવાના થાય ત્યારે તે કયા કયા ખાતર સાથે કેટલો વખત મિશ્ર થાય તે પ્રથમ ચકાસણી કરી પછી જ ઉપયોગ કરવો.
  • યુરિયા ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે યુરિયાને લીંબોંળી, મહુડા કે કરંજના ખોળ સાથે મીશ્ર કરીને આપવું અથવા એક ભાગ યુરિયા ખાતરને પાંચ ભાગ માટીયાળા જમીન સાથે બરાબર મિશ્ર કરી વરાપના ભેજે લાવી ર–૩ દિવસ મૂકી રાખવું ત્યાર બાદ વધારે માટી ભેળવી જમીનમાં આપવું.
  • ભાસ્મિક તથા ખારી–ભાસ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડી.એ.પી. ખાતર આપવાથી ફાયદો થાય છે, જયારે ખારી જમીનમાં યુરિયા અને સુપર ફોસ્ફેટ વાપરવુ સલાહભર્યુ છે.
  • ભાસ્મિક જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ નહીવત હોવાથી ભલામણ થયેલ નાઈટ્રોજનનાં જથ્થા કરતા સવાયો જથ્થો આપવો.
  • છિછરી અને હલકી જમીનોમાં ખાતરો આપ્યા પછી પાણીનું નિયંત્રણ કરવું. જો પાણીનું નિયંત્રણ થઈ શકે તેમ ન હોય તો યુરિયા ખાતર પાણી આપ્યા પછી વરાપના ભેજે આપવું. પાણી ભરેલી કયારી જમીનમાં પાણી નિતારીને યુરિયા આપી જમીનમાં ભેળવવું ત્યારબાદ ૪૮ કલાક પછી પાણી આપવું.
  • વિશિષ્ટ સંજોગો જેવા કે ખાતરમાંના તત્વનું જમીનમાં સ્થિર થઈ જવું, ગૌણ અને સુક્ષ્મ તત્વોની ઉણપ જોવા મળવી, ખેતરના પાણીનું વધુ વખત ભરાઈ રહેવું, ખૂબ જ ખારી કે ભાસ્મિક જમીન વગેરે પરિસ્થિતિમાં ખાતરો ખાસ કરીને યુરિયા છંટકાવથી આપવું જોઈએ.
મગફળીમાં આવતી પીળાશ દૂર કરવા માટે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીંબુના ફૂલને ઓગાળી હેકટરે ર૦૦ થી ૩૦૦ લિટર દ્રાવણની જરૂરિયાત પ્રમાણે દશ દિવસના અંતરે આવા બે થી ત્રણ છંટકાવ કરવાથી પીળાશ કાબુમાં આવે છે.ભાસ્મિક કે ખારી–ભાસ્મિક જમીનોમાં ખાતરો આપતા પહેલાં જરૂરિયાત મુજબ જીપ્સમ આપવુ જરૂરી છે.નીંદણ નિયંત્રણ સમયસર ર૦ દિવસની અંદર કરવું.રોગ–જીવાતનું પણ સમયસર નિયંત્રણ કરવું.

શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate