જયારે યુરિયા ખાતર જમીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે યુરિયાના દાણા જમીનમાં રહેલ ભેજના લીધે સંપૂર્ણ રીતે ઓગળી જાય છે અને જમીનમાં રહેલ યુરિએજ એનજાઇમના કારણે તેનું વિઘટન થાય છે અને આયનિક સ્વરૂપમાં તેના ઘટકો છૂટા પડે છે. જેમાં અમોનિયમ આયન મુખ્ય ઘટક છે. જેનો અમુક ભાગ છોડ પોષક તત્વ તરીકે તેના મૂળ મારફતે ખેંચે છે, અમુક ભાગ જમીનમાં રહેલ બીજા જીવાણુઓનાઇટોસોમોનાસ અને નાઇટ્રોબેકટર મારફતે, નાઇટ્રેટ આયનમાં બદલાય છે અને છોડ તેને પણ પોષક તત્વ તરીકે ઉપાડે છે. અને આમ ધીરે-ધીરે જમીનમાં રહેલ યુરિયા ખાતરનો જથ્થો ઓછો થાય છે.
અહિંયા સમજવુ ખાસ જરૂરી છે કે જમીનમાં આ પ્રક્રિયાની સાથે-સાથે ઘણી બધી ભૌતિક રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ થવાના કારણે અમોનિયમ આયનનો અમુક જથ્થો અમોનિયા ગેસ સ્વરૂપમાં ફેરવાઈને જમીનમાંથી ઉડી જાય છે અને તે છોડને મળતું નથી. જયારે નાઇટ્રેટ આયનનો અમુક જથ્થો જો જમીન સારી નિતાર વાળી કે રેતાળ હોય તો પિયતના પાણીની સાથે-સાથે જમીનમાં મૂળ કરતા ઉડે ઉતરી જાય છે. જેનાથી તેનો વ્યય થાય છે અને તે છોડને મળતું નથી. જો જમીનમાં પાણી ભરાઇ રહેતું હોય તો નાઇટ્રેટ આયન નાઇટ્રોજન ગેસમાં બદલાય છે અને નાઇટ્રોજન ગેસ હવામાં જતો રહે છે અને તેનો વ્યય થાય છે. આ ઘણી બધી પ્રક્રિયાઓ જમીનમાં ભેજ અને વાયુનો પ્રમાણ, અમલતાના આંક અને હવામાન, વગેરે પર આધાર રાખે છે.
સરેરાશ નાઇટ્રોજન ખાતરની કાર્યક્ષમતા ફકત ૩૦ થી પ૦ ટકા હોય છે. જયારે આશરે પ૦ થી ૭૦ ટકા નાઇટ્રોજન તત્વનો જમીન અને હવામાન પ્રમાણે એક કે વધુ કારણોસર જુદા-જુદા પ્રકારથી વ્યય થાય છે. જુદી-જુદી પરિસ્થિતિમાં યુરિયાની કાર્યક્ષમતા ૩૦ થી પ૦ ટકા રહે છે : (અ) ક્ષારવાળી જમીનમાં અમોનિયા ગેસના સ્વરૂપે, (બ) રેતાળ જમીનમાં નાઇટ્રેટ આયનના સ્વરૂપે, (ક) જો જમીનમાં પાણી ભરેલ રહેતું હોય તો યુરિયાની જમીનમાં ક્રિયા થકી નાઇટ્રોજન ગેસના સ્વરૂપે બગાડ થાય છે. ફોસ્ફરસ ખાતરની કાર્યક્ષમતા આશરે ર૦ ટકા જયારે પોટાશ ખાતરની કાર્યક્ષમતા આશરે પ૦ થી ૬૦ ટકા જેટલી હોય છે.
યુરિયાના દાણા જો પાણીના સંપર્કમાં ધીરે-ધીરે આવે તો યુરિયાને પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ધીમી થશે અને પરિણામસ્વરૂપે યુરિયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે. ધીરે-ધીરે ઓગળતા યુરિયાના દાણાની ફરતે પાણીમાં ધીમે-ધીમે ઓગળતા કેમિકલ (તેલ)નો પટ ચઢાવવામાં આવે છે. આમ, યુરિયાને ધીમે-ધીમે છૂટા પાડવા માટે ઘણાં બધા કેમિકલ વપરાય છે. જેમાં લાખ, કેરોસીન, સલ્ફર, ઝીંક, લીંબોડીનું તેલ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં વ્યાપારિક ધોરણે ખેડૂતોને ઉપયોગ માટે ભારત સરકારે વર્ષ ૨૦૦૪માં નીમ કોટેડ યુરિયાને (neem coated urea) ફટલાઇઝર કંટ્રોલ ઓર્ડરમાં સામેલ કર્યું હતું.
નીમ કોટેડ યુરિયા જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓથી એમોનિકલ નાઇટ્રોજનનું નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં નાઇટ્રીફિકેશન કહેવાય છે. તે ઓગળવાની પ્રક્રિયાને ધીમી કરે છે. આને કારણે પાકને નાઇટ્રોજન તત્વ ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે. જમીનમાં નાઇટ્રોજન તત્વનો વ્યય થતો અટકાવે છે, જે યુરીયા ખાતરની કાર્યક્ષમતા વધારે છે. નીમ કોટેડ યુરિયાની કાર્યક્ષમતા સામાન્ય યુરિયા કરતા ર૦ થી રપ ટકા વધારે જોવા મળે છે. નીમ કોટેડ યુરિયા ખાતરની વધુ કાર્યક્ષમતાને કારણે પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજયોમાં રપ૦ જેટલા ખેડૂતોના ખેતર ઉપર ગોઠવેલ નિદર્શનોમાં નીમ કોટેડ યુરિયાથી ૬ થી ૧૧ ટકા જેટલું વધારે ઉત્પાદન મળેલ છે. નીમ કોટેડ યુરીયાથી ખાતરના વપરાશમાં ૧૦ થી ૧૫ ટકા જેટલી બચત થાય છે. ખાતર આપવાના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. લીંબોળીના તેલમાં રહેલ એઝાડિરેકટીન નામના રસાયણને લીધે પાકને રોગ અને જીવાતથી રક્ષણ મળે છે. ખેડૂતની આવકમાં વધારો થાય છે. સાદા યુરિયાની સરખામણીમાં ઓછો ભેજ ધારણ કરે છે, જેથી યુરિયાની થેલીમાં યુરિયા જામી જવાની (ગાંગડા બનવાની) શકયતા ઓછી રહે છે. જોકે યુરિયાના ઓછા બગાડથી જળ, જમીન અને પર્યાવરણને નુકશાન ઓછુ થાય છે એ જુદું. દેશમાં ઉત્પાદિત આશરે ર૦-રપ ટકા જેટલું યુરિયા નીમ કોટેડ હોય છે. ખેડૂતોનું ઉત્પાદન ૧૦ ટકા જેટલું વધે છે. મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે. અને ખેડૂતોની આવક વધે છે. જયારે જો યુરિયાના વપરાશમાં ૧૦ ટકા જેટલો પણ જો ઘટાડો થાય તો યુરીયાને આયાત કરવાની જરૂરિયાત ઓછી થઈ જશે અને કરોડો રૂપિયાનાં વિદેશી હુંડિયામણની બચત થશે.
સ્ત્રોત સફળ કિસાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020